Agyaat Sambandh - 23 books and stories free download online pdf in Gujarati

અજ્ઞાત સંબંધ - ૨૩

પ્રકરણ-૨૩

કવિતાનો અતીત

(વનરાજ, રિયા અને રતનસિંહ હવેલીમાંથી છૂટીને દૂર નીકળી આવે છે. વનરાજ નજીકના ટેલિફોન બુથ દ્વારા જોરાવરસિંહના માણસોને મદદ માટે બોલાવે છે અને હવેલી પર લઈ જઈને ઝટપટ રિયાની પ્રાથમિક સારવાર ચાલુ કરી દેવામાં આવે છે. બીજી તરફ ઈશાનને પેલા લોકેટમાંથી વર્ષો જુનો કાગળ મળે છે જેમાં કંઈક વિચિત્ર આકૃતિઓ દોરેલી હોય છે અને નીચે ન સમજાય એવા શબ્દો લખેલા હોય છે. તે આ શબ્દોને જૂની ભાષાઓના જાણકાર શાસ્ત્રીજીને બતાવવાનું વિચારે છે. આ તરફ બેભાન રિયાને જોઈને રતનસિંહને પોતાનો રિયા સાથેનો કંઈક અજ્ઞાત સંબંધ યાદ આવે છે. હવે આગળ...)

કવિતા બંને કાનમાં ‘ઈઅર પ્લગ્સ’ લગાવીને કોઈક મીઠડું ગીત સાંભળી રહી હતી. અલબત્ત, તે આટલા દિવસોથી બનતી ભયાવહ અઘટિત ઘટનાઓને ભૂલવાનો પ્રયત્ન કરી રહી હતી.

અડધો કલાક પછી એ ગીતો સાંભળીને થાકી એટલે એણે ‘ઈઅર પ્લગ્સ’ કાઢીને પલંગ પર ફેંક્યા અને ઊભી થઈ ત્યાં જ તેના રૂમમાં ઈશાન પ્રવેશ્યો. એ હમણાં જ નાહીને, તરોતાજા થઈને આવ્યો હતો.

“હેય કવિતા....” કહેતો ઈશાન અચાનક અટકી ગયો. એના ચહેરા પર ખમચાટ છવાઈ ગયો. “અં... ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમને કવિતા કહી શકું ?”

કવિતા હસી પડી. “અરે, એમાં પૂછવાનું શું હોય ? તારે મને આદર આપવાની કોઈ જ જરૂર નથી. તું મને કવિતા જ કહે. ઇટ્સ ઓ.કે.” કહેતી તે ઈશાન પાસે આવી. ઈશાને પણ સામે હળવું સ્મિત કર્યું. પછી તરત જ એનો ચહેરો ઊતરી ગયો. આજે અચાનક જ કવિતાનો ભૂતકાળ તેની સામે તરવરવા લાગ્યો – ઢોંગી બાબાની જાળમાં ફસાયેલી રિયા અને કવિતા... બાબાએ રિયા પર કરેલો બળાત્કારનો પ્રયાસ... કવિતાનું ખૂન... ઈશાન એકદમ હબકી ગયો. - જો કવિતા મૃત્યુ પામી હતી તો પછી જીવતી કઈ રીતે છે ? તેણે હિંમત કરીને આખરે કવિતાને પૂછ્યું, “કવિતા, તું ખોટું ન લગાડે તો એક વાત પૂછું ?”

“હા હા, પૂછ.”

“કવિતા, તું... તું તો મૃત્યુ પામી હતી તો પછી, અહીં મારી સામે...”

“હું તારી સામે તો છું ઈશાન. મને ક્યાં કશું થયું હતું કે હું મૃત્યુ પામું. પણ, અચાનક કેમ એવું પૂછ્યું ?”

“કવિતા, તારી સહેલી રિયાએ મને જણાવ્યું હતું... તમારું ઢોંગી બાબાનું ચક્કર...”

રિયાનું નામ ઈશાનના મુખેથી સાંભળતાં જ કવિતા ઊછળી પડી. “ર...રિયા ? ઈશાન તું રિયાને ઓળખે છે ? ક્યાં છે મારી રિયા ? પ્લીઝ મને કહે ઈશાન. એને કંઈ થયું તો નથી ને ? એ ઠીક તો છે ને ?” કવિતાએ કેટલાય પ્રશ્નો એકસાથે પૂછી નાખ્યા જેનો જવાબ ઈશાન પાસે પણ નહોતો.

“મને રિયા અંગે કંઈ જ ખબર નથી, કવિતા. હું સાચું કહું છું. છેલ્લે અમે મળેલાં ત્યારે...” કહીને એણે પોતાની અને રિયાની આખરી મુલાકાત જણાવી દીધી. સાંભળીને કવિતા સ્તબ્ધ થઈ ગઈ. ઈશાને એને સહેજ હલબલાવી, “તું બિલકુલ ચિંતા ન કરીશ. આપણે રિયાને શોધી લઈશું. મારા પર વિશ્વાસ રાખ. એને કંઈ જ નહીં થયું હોય. આપણે એને જલદી જ શોધી લઈશું.”

ઈશાનના આશ્વાસનથી કવિતા સ્વસ્થ થતી જણાઈ.

“પણ પહેલાં મને એ કહે કે તું એ બાબાની ચુંગાલમાંથી છૂટી કેવી રીતે ? રિયા તો તને મૃત્યુ પામેલી માની ચૂકી હતી.” ઈશાને અધીરા થતાં પૂછ્યું.

“બધું જ કહું છું. સાંભળ...” કહીને સ્વસ્થ થયેલી કવિતા તેનાં ભૂતકાળમાં સરી પડતાં બોલી, “એ દિવસે હું અને રિયા એ બાબાને ત્યાં રિયાને આવતાં અજીબોગરીબ સપનાંથી છુટકારો મેળવવા ગયાં હતાં, પણ અમે એવડી મોટી ભૂલ કરી બેઠાં હતાં કે જે ભૂલ હું મરીશ ત્યાં સુધી મને યાદ રહેશે. સમાજમાં થતાં આટઆટલા કિસ્સાઓ જોયા-જાણ્યા છતાં અમે એ ઢોંગી બાબાની શરણે થયાં હતાં. ત્યાં મને કહેવામાં આવ્યું હતું કે મારે બહાર જ ઊભા રહેવું. પૂજા માટે રિયાને એકલીને લઈને બાબાનો સેવક અંદર ચાલ્યો ગયેલો. હું બહાર ઓટલા પર બેસી રહી. આજુ-બાજુ બધે જંગલનું આવરણ ડરામણું હતું. લગભગ કલાક જેવું થયું ત્યાં મારી આંખો ઘેરાવા લાગી અને થોડી વારમાં હું ત્યાં ઓટલા પર જ સુઈ ગઈ. પરંતુ જ્યારે હું જાગી ત્યારે મારી શરમનો પાર ન રહ્યો. મકાનની પછીતે જંગલનાં સૂકાં પાંદડાંમાં એક સુતરના કોથળા પર હું તદ્દન અર્ધનગ્ન અવસ્થામાં પડી હતી. મારા શરીર પર માત્ર આંતરવસ્ત્રો જ હતાં. આજુ-બાજુ કોઈ જ નહોતું છતાં આવી કઢંગી હાલતને કારણે મને પરસેવો વળી ગયો. મેં જોયું તો એ મકાનની પછીતને અઢેલીને ત્રણ તરફથી તાડપત્રીનાં મંડપ જેવું બનાવેલું હતું. હું બરાબર વચ્ચે પડી હતી. અચાનક જ બાજુ પર નજર પડતાં હું ચોંકી ઊઠી. મારી જમણી બાજુ લગભગ મારી જ ઉંમરની જુવાન યુવતી ધ્રુસકાંભેર રડી રહી હતી. અલબત્ત, તેના શરીર પર સંપૂર્ણ સલવાર કમીઝ હતાં. એનાં મોં પર ડૂચો હતો એટલે રડવાનો અવાજ નહોતો આવતો. મેં હલવાની કોશિશ કરી, પરંતુ મારા હાથ દોરી વડે બંધાયેલા હતા. અમારા સદનસીબે દોરી સહેજ ઢીલી બંધાઈ હતી એટલે મેં થોડા ધમપછાડા કરીને મારા હાથ બંધનમુક્ત કર્યા. પગ હલાવવાની કોશિશ કરી તો એ પણ બંધનગ્રસ્ત હતા. એટલે પછી મેં પગને મુક્ત કર્યા અને પછી પેલી યુવતી પાસે પહોંચીને તેના પણ હાથ-પગ મુક્ત કર્યા. જેવો મેં એનાં મોંમાંથી ડૂચો કાઢ્યો કે પેલી યુવતી મારા ખભે માથું નાખીને પોક મૂકીને રડી પડી. મેં તરત જ તેના મોં પર હાથ મૂકીને એને ચૂપ રહેવા જણાવ્યું. કદાચ ઢોંગી બાબાના ચેલાઓ આજુ-બાજુમાં જ હોય તો તેઓ આ યુવતીનો અવાજ ન સાંભળી જાય એટલે જ મેં એમ કર્યું. થોડી વારે તે શાંત થઈ અને મને બધી જ કથની કહી. હકીકતમાં એ ઢોંગી બાબા તંત્ર-મંત્રની આડમાં ખૂબસુરત અને માસૂમ છોકરીઓને જાળમાં ફસાવીને એમની આબરૂ લૂંટતો અને બ્લેકમેલ કરીને પૈસા પડાવતો. તે યુવતીના કહેવા પ્રમાણે એ નરાધમોએ એની બે વખત આબરૂ લૂંટી હતી અને પછી એને અહીં ગોંધી રાખી હતી.” કવિતા અટકી. અત્યાર સુધી ઊભેલી અવસ્થામાં જ રહેલી કવિતાને ઈશાને બેડ પર બેસાડી અને પોતે બેઠો. કવિતા પોતાની વાતમાં એટલી ઓતપ્રોત થઈ ગઈ હતી કે પોતે બેઠી છે કે ઊભી છે એનું એને ભાન જ નહોતું.

“હં... પછી ?” ઈશાને આગળની વાત જાણવા માટે પૂછ્યું.

“એ યુવતીનાં કહેવાથી મને ધ્રાસકો પડ્યો. મને થયું કે ક્યાંક મારી પણ ઇજ્જત... મેં મારા શરીરને તપાસ્યું, પરંતુ ક્યાંય મને એવું ન લાગ્યું કે મારી સાથે બળજબરી થઈ હોય. હા, મારા ડાબા હાથનું બાવડું દુખતું હતું જેના જવાબમાં પેલી યુવતીએ કહ્યું કે એ રાક્ષસો પહેલાં ઇન્જેક્શન આપીને બેહોશ કરી મૂકે છે જેથી બળજબરીથી લઈ જતાં કોઈ અવાજ ન કરી શકે. એ વાત પર બહુ મહત્વ ન આપતાં મેં ઈશ્વરનો પાડ માન્યો કે હું બચી ગઈ. યુવતીએ મને જણાવ્યું કે મારાં વસ્ત્રો ઉતારી લેવામાં આવ્યાં હતાં એટલે એ લોકો થોડી જ વારમાં મારા શરીરને ચૂંથવા આવી પહોંચશે. એની વાત સાંભળીને પહેલાં તો હું ગભરાઈ, પણ પછી મેં લડવાનો દૃઢ નિશ્ચય કરી લીધો. આખરે મેં અમદાવાદનું પાણી પીધું હતું. એમ હાર માનીશ નહીં એવું મનોમન વિચારીને હું એ છોકરીને લઈને એ મંડપમાંથી બહાર નીકળી. એટલી વારમાં જ ક્યાંકથી ચાર માણસો આવી ચડ્યા. ‘અબે, પકડ વો દોનો કો... ભાગને ન પાયેં...’ એકે ત્રાડ નાખી અને ચારેય દોડ્યા. અમે હિંમત કરીને તેમનાથી વિરુદ્ધ દિશામાં ભાગ્યા. મને લાગતું હતું કે તેઓ અમને પકડી લેશે અને બન્યું પણ એમ જ. હું એકના હાથમાં આવી ચડી, પરંતુ ખુશીની વાત એ હતી કે પેલી છોકરી દૂર નીકળી ચૂકી હતી. બે માણસો તેની તરફ ગયા અને બીજા બંનેએ મને પકડી. ગંદી ગાળ બોલીને માણસે મને તમાચો ઝીંકી દીધો. હવે હું ઉશ્કેરાઈ ગઈ હતી. સમસમી ગઈ હતી. ચસોચસ ભરેલી હિંમત એક સાથે ગુસ્સા સ્વરૂપે બહાર આવી અને મેં તરત જ મારી બ્રેસિયરની પાછળની જોઈન્ટ પીનમાંની એક ખેંચી કાઢી અને ક્ષણવારમાં તેના અણીદાર ભાગને જોરથી મને પકડીને ઉભેલા માણસના ગળામાં ભોંકી દીધો. એ બદમાશ ચિત્કાર કરતો ત્યાં જ ઢળી પડ્યો. એનાં ગળામાંથી લોહીની પાતળી સેર નીકળીને જમીન પર રેલાઈ. બીજાનો હાલ પણ મેં એ જ કર્યો. હું છૂટી, પરંતુ મારા બ્રેસિયરનો એક ભાગ ખુલ્લો પડી ગયો હતો. હું તરત જ પેલા મંડપ તરફ ગઈ અને ઝડપથી સુતરનો કોથળો શરીર ફરતે વીંટાળીને ભાગી. મેં આમ-તેમ ફરીને મારાં કપડાં ક્યાં પડ્યાં છે એ જોયું, પરંતુ દિવસનો ઉજાસ હોવા છતાંય કપડાં ક્યાંય દેખાયાં નહીં એટલે હું પેલી યુવતીની દિશામાં ભાગી. લગભગ વીસેક મિનીટ જેવું દોડી ત્યાં જ સામે પાક્કો રસ્તો દેખાયો. જેવી હું એ રસ્તે આવી કે મને પેલી યુવતી સામે ભટકાઈ. અમને બંને હાશકારો થયો. તેણે પોતાની પાછળ પડેલા બંને માણસોને ચપળતાપૂર્વક થાપ આપી હતી અને અહીં દોડી આવી હતી. બસ, પછી અમે જેમ-તેમ કરીને શહેર પહોંચ્યાં અને તેની એક હોસ્પિટલમાં જરૂરી સારવાર માટે ભરતી કરાવી દીધી. તેનું નામ વિદિશા હતું. ખૂબ જ પ્રેમાળ હતી. કોણ જાણે ક્યાંથી તે આ નીચ પાપીઓના શકંજામાં સપડાઈ ગઈ હતી. મારી આબરૂ બચી ગઈ હતી, પરંતુ મેં નક્કી કર્યું કે હું એ નરાધમોને સજા અપાવડાવીને જ રહીશ એટલે બીજે જ દિવસે મેં પોલીસ ફરિયાદ કરી દીધી. ત્યાં પોલીસ સ્ટેશનમાં એક કોન્સ્ટેબલે કહ્યું કે મને શોધવા માટે એક ભાઈ અને બહેન આવ્યાં હતાં. બહેન હોય તો એ રિયા જ હોવી જોઈએ એવું મેં ધાર્યું કેમ,કે એના સિવાય અમદાવાદમાં મારું કોઈ નહોતું. અલબત્ત એ ભાઈ તમે જ હતા એ આજે ખબર પડી. રિયા યાદ આવતાં જ હું હલબલી ઊઠી. અમારો જીવ બચાવવામાં હું મારી પ્રિય સહેલીને તો ભૂલી જ ગઈ હતી. મને ખૂબ જ અફસોસ થયો. મેં કોન્સ્ટેબલને રિયાનું વર્ણન કહ્યું તો એણે હકારમાં માથું હલાવીને કહ્યું કે આ જ હતાં બહેન. મને ધરપત બેઠી. રિયા સલામત હતી એ જાણીને મને હાશકારો થયો. કોન્સ્ટેબલ પાસેથી ફોન લઈને મેં રિયાનો કોન્ટેક્ટ કર્યો, પણ એનો ફોન બંધ આવતો હતો. અમારા ફ્લેટ પર પહોંચી તો તાળું. આજુ-બાજુમાં પૂછ્યું તો કોઈને કંઈ ખબર નહોતી. હું પાછી હોસ્પિટલ પહોંચી. મારે વિદિશા પાસે થોડા દિવસ રહેવું પડે એમ હતું, કારણ કે કદાચ બાબાના ચેલાઓ અમારો પીછો કરતા અમારા સુધી આવી ચડે તો મુસીબત થાય. પોલીસના કહેવા મુજબ તેમણે જંગલમાં બાબાના મકાન પર છાપો માર્યો હતો, પરંતુ ત્યાંથી તેમને મારાં કપડાં સિવાય કશું હાથ લાગ્યું નહોતું. ભાગેલા ગુનેગારોની શોધ ચાલુ હતી. દરમિયાન રિયાનાં કોઈ સગડ મળતાં નહોતાં. એનો ફોન હજુ પણ બંધ આવતો હતો. મેં તરત વનરાજનું ઘર શોધીને ત્યાં પૂછપરછ કરી તો એનાં મમ્મીએ કહ્યું કે વનરાજ પોતાના કામ માટે દિવાનગઢ – કચ્છ ગયો હતો. મેં તરત જ એક કાર ભાડે લીધી. ડ્રાઈવર રાખવાની મનાઈ કરીને હું પોતે જ નીકળી પડી દિવાનગઢ તરફ. દિવાનગઢ થોડું જ દૂર હતું ત્યારે કારમાં પંક્ચર પડ્યું અને... પછીની ઘટનાઓ તો તમે જાણો છો...” કહીને કવિતા ચૂપ થઈ ગઈ.

ઈશાને આખોય ઘટનાક્રમ રસપૂર્વક સાંભળ્યો. પછી કવિતાની આંખોમાં પોતાની આંખો પરોવી. કવિતાના ચહેરા પર ક્ષોભમિશ્રિત દુઃખના ભાવ છલકાઈ ઉઠ્યા હતા. ઈશાને ધીરેથી તેના ખભા પર હાથ મૂક્યો ત્યાં તો એ રડુંરડું થઈ ગઈ. તેની આંખો ભીની થઈ ગઈ.

“લૂક એટ મી, કવિતા.” ઈશાને તેને સંભાળતાં કહ્યું, “જે કંઈ પણ બન્યું હતું એને હવે એક દુઃસ્વપ્ન માનીને ભૂલી જા. લેટ્સ સ્ટાર્ટ અ ન્યૂ જર્ની. બધું જ ભૂલીને આપણે નવી જિંદગી શરૂ કરીએ. આઈ મીન, વનરાજ અને રિયાનો પત્તો મેળવવા નીકળી પડીએ. આઈ એમ શ્યોર, તેઓ જરૂર મળી જશે, કવિતા. બી પોઝિટીવ. ઓ.કે. ?” કહીને તેણે કવિતાના મૂરઝાઈ ગયેલા હોઠની બંને કિનારીઓ પર પોતાની એક આંગળી અને અંગૂઠો મૂકી એને ધીમેથી પહોળા કર્યા, “ચાલ હવે, સ્માઇલ પ્લીઝ !”

કવિતાના મૂરઝાયેલા હોઠ ફરી ખીલી ઊઠ્યા. બરાબર એ જ વખતે ઈશાનનું ધ્યાન કવિતાના ગળાના ભાગે પડેલા કાપા તરફ ગયું. તેણે તરત જ એ વિશે કવિતાને પૂછ્યું.

“હેં...? ક... કાપો ? આ કાપો મારા ગળા પર ક્યારે લાગ્યો હશે ? મને એના વિશે કંઈ જ ખબર નથી.” કવિતાનો જવાબ હતો.

***

વનરાજ અને રતનસિંહ રિયાને પોતાના કબજામાંથી છોડાવી ગયા એ બદલ દિવાનસિંહ સમસમીને રહી ગયો હતો. પારાવાર ક્રોધથી તેની આંખો લાલચોળ થઈ ઊઠી હતી અને ચહેરા પરની નસો ખેંચાઈ ગઈ હતી. ટેકરી પરની એ હવેલીના સૂના અંધકારમાં અત્યારે તે બીજા માળની બાલ્કનીમાં ઊભો હતો. અત્યંત ક્રોધને કારણે તેની આસપાસ રેતીનું નાનકડું તોફાન હિલોળા લેતું હતું. તેના ગાઢ સફેદ વાળ હવાની થપાટોથી તેના અર્ધબળેલા ચહેરા પર ફરફરતા હતા. ચહેરાનો જમણી બાજુનો પૂરો ભાગ બળી ગયેલો હતો એટલે એ જગ્યાએ કોહવાઈ ગયેલાં માંસનાં કાળા ચીંથરા ઉપસી આવ્યાં હતાં. એણે કોઈક રાજા જેવો લેબાસ ધારણ કર્યો હતો. એ લેબાસ પણ વર્ષો થયે હવે જગ્યા જગ્યાએથી સડી ગયો હતો. ચાંદનીના અજવાળામાં અચાનક જ કોઈકને જોઈને તેણે અટ્ટહાસ્ય કર્યું. એ ભયંકર અટ્ટહાસ્ય ભલભલાના હાંજા ગગડાવી નાંખે એવું હતું. એનાં સફેદ અણીદાર દાંત પર ચાંદનીનો પ્રકાશ પડતાં જ તે ચમકી ઉઠ્યા હતા.

હવેલીની નિકટવર્તી કેડી પરથી જતા એક માણસ પર તેની બદનજર પડી હતી. મોતની નજર નાખી રહેલા દિવાનસિંહને પેલો માણસ ખોફ અને ડરથી તાકી રહ્યો. હવેલીની બાલ્કનીમાં દેખાઈ રહેલી, લાંબા સફેદ વાળવાળી એ કાળી આકૃતિનાં બે અંગારા જેવા ડોળા તેને જ તાકી રહ્યા હતા. અટ્ટહાસ્ય કરી રહેલાં સફેદ અણીયારા દાંત અને સળગતા બે ડોળા જોઈને પેલો મૂર્છિત થઈને ત્યાંને ત્યાં જ ઢળી પડ્યો. એનું હવે આવી બન્યું હતું. એ થોડી જ ક્ષણોનો મહેમાન હતો.

બાલ્કનીમાંથી અચાનક ગાયબ થઈને દિવાનસિંહ કેડી પર પડેલા એ માણસ પાસે પહોંચ્યો, અધૂકડો બેઠો અને પછી હાડ ધ્રૂજાવી નાખે એવી ચીસ પાડીને એણે એનાં તિક્ષ્ણ નખ પેલાની છાતીમાં છેક ઊંડા ઉતારી દીધા. પેલા કમનસીબના ત્યાંને ત્યાં રામ રમી ગયા. દિવાનસિંહે ચીસો ચાલુ જ રાખતાં પેલાની છાતીમાંથી કાળજું ખેંચી કાઢ્યું અને પછી અકરાંતિયાની જેમ તેને મોંમાં મૂકી ચૂંથવા લાગ્યો. બિભત્સતાની હદથી રાત પણ જાણે કાંપી ઊઠી.

(ક્રમશઃ)

પ્રકરણ લેખક: પરમ દેસાઈ