Tandav Bhasmasurno books and stories free download online pdf in Gujarati

તાંડવ ભસ્માસુરનો

તાંડવ ભસ્માસુરનો

કાજલ ભાવેશ મહેતા

[આ વાત છે ૧૯૪૫નાં બીજા વિશ્વયુધ્ધની, એ દરમ્યાન હિરોશીમા અને નાગાશાકી પર ફેંકાયેલા વિનાશકારી અણુબોમ્બ પહેલાં ની અનૈતિક રાષ્ટ્રઆંતકવાદની વ્યૂહરચના, અણુબોમ્બ (ભસ્માસુર)ની આંતરાષ્ટ્રીય ઓળખ, એનું વિનાશકારી લક્ષ્ય, અને એની અસરનું મુલ્યાંકન અને વાત નો સારાંશ]

નોબેલ પારિતોષિક વિજેતા ભૌતિક વિજ્ઞાની હેનેસ આલ્ફેવને એક માર્મિક વાત કરી છે કે, ”શબ્દ કે શસ્ત્ર નો યોગ્ય ને પ્રમાણિક ઉપયોગ થવો જોઈએ” નહીં તો ભારે અનર્થ અને વિનાશ સરજી શકે છે. માનવ સંસ્કૃતિનો સર્વનાશ કરવો, અનેકાનેક વિધાતક અસરો જન્માવતું ઝેર સૃષ્ટીમાં ફેલાવી દેવું. એક બોમ્બ નાખીને સ્ત્રીઓ ને, બાળકો સહિત, લાખો નિર્દોષ નાગરિકોનું નિકંદન કાઢી નાખીને એમેને રિબાવી-રિબાવી ને મારવા-આમાં લગીરે શૂરવીરતા કે પરાક્રમ નથી એટલે આને ‘શસ્ત્રો’ નહીં નિકંદન કાઢી નાખનારા “ભસ્માસુર” કહેવાય,આ ભસ્મલીલા છે માનવતાની, માનવ સંસ્કૃતિની, આ છે અનૈતિકતા રાષ્ટ્ર આંતકવાદની, ષડયંત્ર છે રાષ્ટ્રને અનૈતિકતા થી નષ્ટ નાબુદ કરવાની.

૧૯૪૫ના બીજા વિશ્વયુધ્ધમાં, મેનહટન પ્રોજેક્ટ અંતરગત યુ.એસ.એ. એ,યુનાઇટેડ કિંગડમ અને કેનેડાની ભાગીદારીમાં પ્રથમ અણુબોમ્બ ડિઝાઈન કર્યો અને બનાવ્યો. હિરોશીમા પર નખાયેલા પ્રથમ વિનાશકારી અણુબોમ્બ ”લીટલ બોય” જે એક તોપ માંથી નાખી શકાય તેવા પ્રકારનો બોમ્બ હતો, જેને યુરેનિયમ-૨૩૫ નો ઉપયોગ કરીને ઓક રીજ, તેનિસીના વિશાળકાય કારખાનાઓમાં બનાવવામાં આવ્યો હતો. નાગાશાકી પર નાખવામાં આવેલો બીજો વિનાશકારી અણુબોમ્બ “ફેટ મેન” હતો જે પ્લુટોનીયમ-૨૩૯ નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો.

મે ૧૦-૧૧, ૧૯૪૫ના, લોસ અલામોસ ખાતે જ રોબર્ટ ઓપેનહેઈમરની આગેવાનીમાં ટાર્ગેટ કમિટીએ ક્યોટો (હિરોશીમા), યોકોહામા અને કોકુરા(નાગાસાકી) ખાતેના શસ્ત્રાગારની સંભવિત લક્ષ્યો તરીકે ભલામણ કરી. લક્ષ્યની પસંદગી નીચેના માપદંડો પર આધારિત હતી.

૧)નિશાન વ્યાસમાં ત્રણ માઈલ કરતાં વધુ મોટું અને વિશાલ શહેરી વિસ્તારનો અગત્યનો હિસ્સો હોવો જોઈએ.૨)વિસ્ફોટથી અસરકારક નુકશાન પહોચવું જોઈએ.૩) નિશાન નું સ્થળ, ઓગસ્ટ ૧૯૪૫ સુધી હુમલાની નહિવત સંભાવના ધરાવતું સ્થળ હોવું જોઈએ. કોઈપણ નાનું અને ચોક્કસ લશ્કરી લક્ષ્ય, ઘણા વિશાળ વિસ્તારમાં વિસ્ફોટથી નુકશાન પહોંચાડવાનું હોવું જોઈએ.

હિરોશીમાનું વર્ણન ટાર્ગેટ કમિટી પ્રમાણે આ રીતે કરવામાં આવ્યું હતું. એક મહત્વનું લશ્કરી થાણું, શહેરી, ઔધોગિક, લશ્કરી મહત્વ ધરાવતું અને વહાણો માટેનું અગત્ય બંદર હતું. તેની નજીક અનેક છાવણીઓ હતી. જેમાં પાંચમાં વિભાગનું વડુમથક અને સમગ્ર દક્ષિણ જાપાનના રક્ષણ માટેના આદેશો આપતા ફિલ્ડ માર્શલ શુનરોકુ હાતાનું દ્વિતીય જનરલ લશ્કરી વડુમથક પણ આવેલું હતું. જાપાની લશ્કર માટે હિરોશીમા ગોંણ પુરવઠો પૂરો પાડનાર અને સવલતોની ગોઠવણી કરનાર થાણું હતું. આ શહેર સંચાર કેન્દ્ર, સંગ્રહમથક અને પાયદળો માટેનો અકેત્રિત થવાનો વિસ્તાર હતું. જેથી અણુબોમ્બથી ફેલાતા નુકશાનનું ચોક્કસ મુલાયંકન મેળવી શકાય. ઘરો લાકડાના બનેલા અને નળિયાવાળા છાપરા ધરાવતા હતા અને ઘણી ઔધોગિક ઈમારતો પણ આ રીતે લાકડાના માળખાની આસપાસ બનાવેલી હતી. એકંદરે આખું શહેર, આગ માટે ભારે સંવેદનશીલ ગણાય એવું હતું. અણુબોમ્બ નાખવાનો હેતુ જાપાનને પોટ્સડેમ ઘોષણાપત્રની શરતો માટે બિનશરતી શરણાગતિ સ્વીકારવા માટે સહમત કરવાનો હતો. લક્ષ્ય સમિતિ એ કહયું હતું કે, લક્ષ્યની પસંદગીમાં માનસિક પરિબળો બહુ અગત્યના હતા એ સ્વીકારવામાં આવ્યું હતું. તેના બે પાસાં છે ૧)જાપાનને માનસિક રીતે પૂરેપૂરું ભાંગી નાખવું અને ૨)જયારે તેના વિશે જાહેર કરવામાં આવે ત્યારે અણુબોમ્બના પ્રારંભીક ઉપયોગથી પૂરતો ખળભળાટ ઊભો થાય અને અણુબોમ્બને આંતરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે. કયોટો લશ્કરી ઉદ્યોગ કેન્દ્ર અને બોદ્ધિક કેન્દ્ર હોવાથી શસ્ત્રના આશયને વધુ સારી રીતે પારખી શકે. એ રીતે ક્યોટો પણ સારું લક્ષ્ય હતું.

જુલાઈ ૨૬ના, ટુમેન અને અન્ય સંગઠિત આગેવાનોએ જાપાન માટે શરણાગતિની શરતોની રૂપરેખા આપતું પોટ્સડેમ ઘોષણાપત્ર બહાર પાડ્યું, તેને આખરી ચેતવણી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું અને એમાં લખ્યું હતું કે, “જો જાપાન શરણાગતિ નહીં સ્વીકારે તો, મિત્ર રાષ્ટ્રો જાપાન પર હુમલો કરશે અને તેનું પરિણામ, જાપાનનાં લશ્કરી દળોના અનિવાર્ય અને સમ્પૂર્ણ વિનાશમાં આવશે અને તેથી જાપાની ભૂમિ અનિવાર્યપણે સદંતર ઉજ્જડ બનશે”. આ સરકારી પત્રમાં અણુબોમ્બનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહતો. જુલાઈ ૨૮ના, જાપાની સમાચારપત્રોમાં જાપાન સરકારે આ ધોષણાપત્ર નકારી દીધાના અહેવાલ છપાયા. એ દિવસે જાપાની વડાપ્રધાન સુઝુકીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું કે પોટ્સડેમ ધોષણાપત્ર, એ ધોષણાપત્ર સિવાયની પુનરુક્તિ સિવાય કશું જ નથી અને સરકાર તેની ઉપેક્ષા કરવાનું ધારે છે. અને ત્યાર પછી જુલાઈ પ્રારંભમાં, પોતાની પોટ્સડેમની સફરના રસ્તામાં, ટુમેને જાપાન પર અણુબોમ્બ નાખવાનો નિર્ણય લીધો. તેમના કહ્યા અનુસાર બોમ્બમારાના આદેશ પાછળ, વિનાશવેરીને અને વધુ વિનાશનો પુરતો બળવાન ભય પેદા કરીને જાપાને શરણાગતિ સ્વીકારવી જ પડે એવી સ્થિતિ સર્જર્વાનો અને એમ કરીને યુદ્ધનો ઝડપી ઉકેલ લાવવાનો હેતુ હતો.

ઓગસ્ટ ૬ના પહેલા, અણુબોમ્બમારાના મિશનનું મુખ્ય નિશાન હિરોશીમા હતું, અને કોકુરા અને નાગાશાકીને વૈકલ્પિક નિશાન તરીકે રાખવામાં આવ્યા હતાં. વાદળાનાં કારણે પહેલું નિશાન અસ્પષ્ટ બન્યું હોવાથી ઓગસ્ટ ૬ની તારીખ પસંદ કરવામાં આવી હતી. બરાબર ૦૮.૧૫ વાગ્યે(હિરોશીમા સમય) આયોજનમુજબ,(ગુરુત્વાકર્ષણ આધારિત “લીટલ બોય” તરીકે જાણીતો અણુબોમ્બ) જે એક તોપગોળા પ્રકારનું યુરેનિયમ-૨૩૫નું ૬૦કિ.ગ્રામ સહિતનું દ્વીભાજિત થતું શસ્ત્ર હતું તે નાખવામાં આવ્યું, અને યુએસએ ઉર્જા વિભાગની વેબસાઈટ અનુસાર, એ બોમ્બને એરક્રાફટમાંથી શહેર પર ૧૯૦૦ફીટ જેટલી પૂર્વનિશ્ચિત ઊંચાઈએ વિસ્ફોટ થતાં ૪૩સેકન્ડ લાગી હતી. સાઈટ એવી માહિતી પણ આપે છે કે વિસ્ફોટનાં આઘાત મોજાંઓ એરક્રાફટને અનુભવાયા તે પહેલાં એરક્રાફટ ૧૧.૫ માઈલ જેટલું દૂર જતું રહ્યું, ત્રાંસા પવન હોવાના કારણે, તે લક્ષિત સ્થાન, એઈઓઈ બ્રિજ લગભગ ૮૦૦ફીટ અંતરેથી ચૂકી ગયો અને સીધો જ સીમા સર્જિકલ ક્લિનિક પર ફાટ્યો. તેનાથી લગભગ ૧૩ કિલોટન ઓફ ટીએનટી જેટલો સ્ફોટ થયો. કુલ વિનાશનો વ્યાસ લગભગ એકાદ માઈલ જેટલો હતો, જેના પરિણામે ૪.૪ ચોરસ માઈલડ જેટલા વિસ્તારમાં આગ લાગી હતી. અમેરિકા અનુમાન પ્રમાણે શહેરનો ૪.૭ ચોરસ માઈલડ જેટલો ભાગ ધ્વસ્ત થઈ ગયો હતો.

જાપાની બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના ટોકયો કંટ્રોલ ઓપરેટરે નોંધ્યું કે હિરોશીમા સ્ટેશન સાથેનો હવાઈ સંપર્ક ખોરવાઈ ગયો છે. તેણે બીજી એક ટેલીફોનની લાઈન થકી પોતાનો કાર્યક્રમ ફરીથી સ્થાપનાની કોશિશ કરી, પણ તે પણ ખોરવાઈ ચુકી હતી. જાપાની જનરલ સ્ટાફના એક યુવાન અધિકારીને તરત હવાઈ માર્ગે હિરોશીમા જવાની અને ત્યાં જઈને પહોંચેલા નુકસાનનું સર્વેક્ષણ કરીને, સ્ટાફ માટે પુરતી વિશ્વનીય માહિતી લઈને ટોકયો પરત ફરવાની સૂચના આપવામાં આવી. એકંદરે વડામથકમાં કંઈ ખાસ ગંભીર બન્યું નહીં હોય, અને વિસ્ફોટની તો ખાલી અફવા જ હશે એવી લાગણી પ્રવરતી હતી. સ્ટાફનો અધિકારી વિમાનમથક પર ગયો અને દક્ષિણ-પશ્ચિમ દિશા માટે ઉપાડ્યો. હવાઈ માર્ગે લગભગ ત્રણેક કલાકની સફર બાદ, હજી હિરોશીમા થી લગભગ ૧૦૦ માઈલ જેટલા દૂર હોવા છતાં, તેને અને તેના પાયલટને બોમ્બથી ઊભું થયેલું ધુમાડાનું વિશાળ વાદળ દેખાયું. બપોરના ભર પ્રકાશમાં, હિરોશીમાના અવશેષો હજી બળી રહ્યા હતા. અવિશ્વાસથી શહેર આખા પર ચક્કર માર્યા પછી તેમનું વિમાન થોડાક જ સમયમાં શહેરમાં પહોચ્યું. જમીનનો એક વિશાળ હિસ્સો હજી સળગી રહ્યો હતો અને ધુમાડાનું વજનદાર વાદળું- માત્ર એટલું જ બચ્યું હતું. તેમણે શહેરના દક્ષિણ ભાગે ઊતરાણ કર્યું હતું, ઓગસ્ટ ૮,૧૯૪૫ સુધીમાં, યુ.એસ.ના વર્તમાનપત્રોએ ટોક્યોના રેડિયો પ્રસારણમાં આપવામાં આવતા હિરોશિમામાં વેરાયેલા વિનાશકારી વિનાશના ચિત્રણના અહેવાલો છાપવા માંડ્યા, ”માણસ અને પ્રાણી,તમામ જીવંત જીવો પ્રત્યક્ષ રીતે, મૃત્યુ સુધી ઝળી ગયા હતા”.

હિરોશીમા નાં બોમ્બમારા પછી, રાષ્ટ્રપતિ ટુમેને આ બીજા અણુબોમ્બના ઉપયોગની જાહેરાત કરતું એક નિવેદન બહાર પાડ્યું, જેમાં નીચે પ્રમાણે આશાસ્પદતા વ્યકત કરવામાં આવી હતી. “જો હવે જાપાન આપણી શરતો નહીં સ્વીકારે તો તેઓ આકાશ માંથી વિનાશ વરસવાની,આપેક્ષા રાખી શકે. આ હવાઈ હુમલાઓની પાછળ નૌંકા અને પાયદળો પણ તેમણે કદી જોયા ન હોય એટલી સંખ્યા અને શક્તિમાં ઊતરશે, જેમના યુદ્ધ કૌશલ્યને તેઓ સારી રીતે પિછાણે છે.” અને જાપાને તે નિવેદન પર પણ કોઈ પ્રતિક્રિયાપ્રઆપી નહોતી. શરણાગતિ માટે સમ્રાટ હિરોહિતો, સરકાર અને યુદ્ધ સમિતિ શરતો પર વિચાર કરી રહી હતી. કોકુટાઈ(શાહી સંસ્થા અને રાષ્ટ્રીય રાજ્ય વ્યવસ્થા) નું સંરક્ષણ, શાહી મુખ્યમથક દ્વારા નિ:સ્ત્રીકરણ અને લશ્કરી વિસર્જન, જાપાની ગ્રહ દ્વીપો, કોરિયા અથવા ફોરમોસા પર કોઈ પ્રકારનો કબજો નહીં અને યુદ્ધ અપરાધીઓને સજા આપવા અંગેની સંપુર્ણ સોંપણી. અને યુએસએ સાથે-સાથે બીજા અણુબોમ્બની તૈયારી પણ કરી રહ્યું હતું.

બીજા અણુબોમ્બમારા માટેનો સમય નિશ્ચિત કરવાની જવાબદારી, ટિનિયમ પરના ૫૦૯માં સંયુક્ત જૂથના કમાન્ડર તરીકે કર્નલ ટીબેટને સોંપવામાં આવી હતી. પહેલાં કોકુરા પર હુમલો કરવા ઓગસ્ટ ૧૦થી શરૂ થનારા ખરાબ હવામાનની પાંચ દિવસની આગાહીના કારણે, હુમલાની તારીખ બે દિવસ વહેલી ખસેડવામાં આવી. ઓગસ્ટ ૮ના, મેજર ચાર્લ્સ સ્વીનીએ ‘બોક્સ્કાર’ નામના એરપ્લેનનો બોમ્બ નાખવા માટે ઉપયોગ કરીને રિહર્સલ કર્યું હતું. સંગઠિત એફ-૩૩ પરીક્ષણમાં વપરાઈ ગયો હતો અને એફ-૩૧ને ઓગસ્ટ ૯ના મિશન માટે રાખવામાં આવ્યો હતો.

નાગાસાકી શહેરને લક્ષ્ય બનાવવાનું કારણ, નાગાસાકી શહેર દક્ષિણ જાપાનના સૌથી વિશાળ દરિયાઈ બંદરોમાંનું એક હતું અને તોપો, વહાણો, લશ્કરી સરજામ અને અન્ય યુદ્ધ સામગ્રીઓના ઉત્પાદન જેવી પોતાની વ્યાપક ઔદ્યોગિક પ્રવૃતિઓના કારણે યુદ્ધકાળમાં તે અત્યંત અગત્યનું હતું. નાગાસાકીના લગભગ તમામ બિલ્ડીંગો જુનવાણી પ્રકારના, લાકડાની દીવાલવાળા અને નળિયાંથી બનેલાં હતા. અનેક નાના ઔદ્યોગિક એકમો અને વેપારીગ્રહો પણ લાકડાંની ઈમારતોમાં સ્થિત હતાં. જે કોઈ વિસ્ફોટોને સહી ન શકે તેવી સામગ્રીનાં બનેલાં હતાં. નાગાસાકી પર અણુંશસ્ત્રનો વિસ્ફોટ પૂર્વે, તેની પર ક્યારેય વિશાળ પાયે બોમ્બમારો થયો નહોતો. ઓગસ્ટ ૯, ૧૯૪૫ની સવારે “ફેટ મેન” નું સંકેત નામ ધરાવનાર અણુબોમ્બ લઈને ૩૯૩ના સ્કવાડરન કમાન્ડર મેજર ચાલાર્સ ડબલ્યુ. સ્વીનીનું ક્ર્રુ યુ.એસ.નું બી-૨૯ મહાલશ્કરી વિમાન બોક્સ્કાર લઈને ઉડ્યું હતું, તેનું મુખ્ય નિશાન કોકુરા અને ગૌણ નિશાન નાગાસાકી હતું. આ બીજા હુમલા માટેના મિશનની યોજના લગભગ હિરોશીમા મિશન જેવી જ હતી. હવામાન ખબરી તરીકે બે બી-૨૯ એક કલાક આગળ ઊંડી રહ્યા હતા. અને બીજા બે બી-૨૯ મિશનને અન્ય સહાય અને તસ્વીર વગેરેની સહાય પૂરી પાડવા માટે સ્વીનીના એરક્રાફ્ટની સાથોસાથ ઊડી રહ્યા હતા. હવામાનની ચકાસણી કરવા આગળ ગયેલાં બે વિમાનોએ બંને નિશાન સ્પષ્ટ હોવાનો અહેવાલ આપ્યા. જયારે સ્વીનીનું વિમાન જાપાનના દરિયાતટે ઊડાન ભરતાં પહેલાં એકત્રિત થવાના સ્થળે પહોચ્યું ત્યારે જૂથના ઓપરેશ્ન્સ ઓફિસર,લેફ્ટનન્ટ કર્નલ જેમ્સ આઈ. હોપકિન્સ, જુનિ.ની આગેવાનીમાં નીકળેલું તેમનું, ”બીગ સ્ટીક” એ સંકેત સ્થળે પહોચવામાં નિષ્ફળ રહયું હતું. બોસ્કાર અને અન્ય સહાયક વિમાન આકાશમાં ૪૦ મિનિટ સુધી ચક્કર મારતાં રહયાં પણ હોપકિન્સ દેખાયું નહીં. નિયત સમય કરતાં ૩૦મિનિટ મોડું થઈ ચુક્યું હોવાથી, સ્વીનીએ હોપકિન્સ સિવાય આગળ વધવાનું નક્કી કર્યુઁ. અડધા કલાક પછી જયારે તેઓ કોકુરા પહોંચ્યા ત્યારે, વાદળાંઓએ નીચેના ૭૦% શહેરને અસ્પષ્ટ બનાવી દીધું હતું, જેના કારણે આદેશ મુજબ દૃશ્ય હુમલાઓ કરવા શક્ય નહોતા. શહેર પર ત્રણ ચકકર માર્યાબાદ, અને ઈંધણ ઓછું થતું જતું હોવાથી- ઈંધણની સંચિત ટાંકી ટેક-ઓફ પહેલાં જ ખામીયુક્ત બની હતી, એટલે મુખ્ય ટાંકીમાં ઈંધણ મોકલી શકાય તેમ નહતું –તેમણે તેમના ગૌણ નિશાન, નાગાસાકી તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં ઈધણ વપરાશની ગણતરીઓએ દર્શાવ્યું કે બોસ્કાર પાસે આઈવો જિમા સુધી પહોંચવા પુરતું ઈંધણ નહતું અને તેને ઓકિનાવા તરફ ફરવા ફરજ પડી. શરૂઆતમાં તેમણે એમ નક્કી કર્યું હતું કે જો તેઓ પહોંચે ત્યારે નાગાસાકી પણ ધુંધળું હોય,તો ક્રૂ બોમ્બ ઓકીનાવા લઈ જશે અને જરૂર પડ્યે તેને મહાસાગરમાં વિસજિર્ત કરી દેશે. જાપાનના સમય પ્રમાણે, લગભગ ૦૭:૫૦વાગ્યે, નાગાસાકીમાં હવાઈ હુમલા માટેની ચેતવણી સંભળાઈ, પણ ૦૮:૩૦વાગ્યે ”બધું બરાબર છે” નો સંકેત આપવામાં આવ્યો. જયારે ૧૦:૫૩વાગ્યે માત્ર બે બી-૨૯ યુદ્ધવિમાનો આકાશમાં દેખાયા, ત્યારે જાપાનીઓએ માન્યું કે આ વિમાનો માત્ર લશ્કરી તપાસ કરી રહ્યા હશે અને તેથી કોઈ બીજી ચેતવણી આપવામાં આવી નહીં. ૧૧.૦૧મિનિટે છેલ્લીક્ષણે નાગાસાકી પરનાં વાદળાં સહેજ હટયાં, અને બોક્સ્કારના બોમ્બડિયર, કેપ્ટન કેર્મિત બીહાનના આદેશ પ્રમાણે નિશાન બરાબર સ્પષ્ટ દેખાયું. ગર્ભમાં ૬-૪કિ.ગ્રામ નું પ્લુટોનિયમ-૨૩૯ ધરાવતા “ફેટ મેન” અણુબોમ્બને શહેરની ઔદ્યોગિક ખીણ પર ઝીકવામાં આવ્યો. ૪૩ સેકંડ પછી, તે જમીનથી ૪૬૯ મીટરની ઉચાંઈએ વિસ્ફોટ પામ્યો.

યુએસના ઉર્જા વિભાગ અનુસાર હિરોશીમામાં લગભગ ૭૦,૦૦૦ લોકો અને નાગસકીમાં ૪૦,૦૦૦ લોકો વિસ્ફોટની તત્કાળ અસરના કારણે મૃત્યુ પામ્યા હતાં. દાઝવા, કિરણોત્સર્ગ અને તેને સંબધિત રોગોને કારણે તેની અસરો વધુ વકરવાને કારણે, ૧૯૪૫ના અંત સુધીમાં મૃત્યુનો આંકડો ૯૦,૦૦૦ થી ૧,૬૬,૦૦૦ સુધી પહોંચ્યો હોવાનું અનુમાન હતું. કેટલાક અનુમાનો, કેન્સર અને અન્ય લાંબાગાળાની અસરોના કારણે, ૧૯૫૦ સુધીમાં ૨,૦૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હોવાનું જણાવે છે. નાગાસાકીમાં બોમ્બમારામાં, એક બ્રિટીશ કોમાન્વેલ્થનો નાગરિક, સાત ડચ યુદ્ધકૈદીઓ મૃત્યુ પામ્યા હતા. હિરોશીમા માંથી જીવિત બચેલા અસંખ્ય લોકોએ નાગાસાકી પ્રયાણ કર્યું હતું અને ત્યાં તેમણે ફરીથી બોમ્બનો ભોગ બનવું પડ્યું હતું. પર્લહારબરમાં જેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે ટાઇપ ૯૧ ના ટોર્પેડો બનાવનારું કારખાનું, મિત્સુબિશી યુરાક્મી ઓરડ્નાન્સ વર્કસને પાછળથી વિસ્ફોટમાં ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. બોમ્બમારાના કારણે જાપાને જે સહેવું પડ્યું તેથી વિશ્વ આખામાંથી આણ્વિક શસ્ત્રોની નાબુદી માગવા તરફ દોરી ગયું. ઠેર ઠેર ઘવાયેલાં, દાઝેલાં, અધમુંઆ ને મુએલાંની લંગારો લાગી ગયેલી. પોતાનાં સગાં વહાલાંની ભાળ કાઢવા નીકળેલાં લોકો આ લંગરો ફંફોસાતાં આમથી તેમ ઠોકરતાં, બાવરા ફરતાં હતાં. કોઈ કલ્પાંત કરતાં હતાં, તો કોઈનાં મગજ જ ચસ્કી ગયાં હતાં. છાતી ફાડી નાખે એવા હાહાકારથી હિરોશીમાંનું આકાશ ભરાઈ ગયું હતું. ઝૂડી કાઢેલી બોરડી હેઠળ બોર વેરાયાં હોય, એમ શહેર આખું મડદાંથી છવાઈ ગયેલું. પડી પડી સડયા કરતાં મડદાંની ગંધથી માણસના પ્રાણ ગુંગળાવા લાગ્યા હતા. જેઓ જીવતાં રહી ગયેલાં, તેઓ વેદનાના માર્યા કણસ્યા કરતાં. વેદનામાં તરફડીને કોકપ્રાણ છોડતા, તોકોક વધુ રિબાવાને માટે બચી રહેતાં. કોઈનાપેટમાં આંતરડા વલોવાઈ જતાં હતાં. કોઈને ઊધરસ આવી, ઊલટી થઈ,ને માણસ ઠપ. અનેક પ્રકારે રિબાઈ-રિબાઈને લોકો મરતાં હતાં.

આ છે, હિરોશીમાની નરક્યાતનાનો તાદ્વેશ ચિતાર. આ કોઈ અણુબોમ્બ નથી, આ તો ભસ્માસુર છે. આનાથી આ ભસ્માસુરનાં તાંડવનો ચિતાર આપણી સામે ખડો થઈ જાય છે, અને આપણું અંતર પોકારી ઉઠે છે. માણસ આવા અણુબોમ્બ કદાપિ ન વાપરે, કદાપિ નહીં. અને તેથી આવા શસ્ત્રોસ્ત્રો પાછળની દોટમાંયે માણસ કદાપિ ન પડે. યુદ્ધ એ માનવજાત ઉપરનો એક અનર્ગળ અભિશાપ છે. તેનાથી સમૂળગા મુક્ત તો થવાઈ ત્યારે; પરંતુ યુદ્ધમાં પણ માણસની ન્યુનતમ માણસાઈ તો જળવાવી જ જોઈએ. નહીં તો માણસ માણસ કહેવડાવવાને લાયક ન રહે. મહાવીર બનવા ખાતર નહીં, પરંતુ કમ સે કમ માણસ બની રહેવા ખાતર પણ આવાં સંદંતર અનૈતિક, અમાનવીય શસ્ત્રોર્સ્ત્રો આપણને ન ખપે.

જરૂર છે, માણસને આની પૂરી જાણ કરવાની અને એનાં અંતરાત્માને જગાડવાની. માણસનો જાગૃત અંતરાત્મા આની સામે વિદ્રોહ પોકારશે. હિરોશીમા ઉપર પહેલો અણુબોમ્બ નાખી આવેલો અમેરિકન યુવાન આનું એક ઉદાહરણ છે. એ યુવાનનું નામ, ક્લોડએથ્રલી. તે જાણતો નહતો કે તે પોતે શું કરવા જઈ રહ્યો છે. એના જ શબ્દોમાં: ‘કશીક બહુ મોટી કામગીરીએ અમારે જવાનું છે, એટલું જ અમે જાણતા હતા. બાકી બધું ગુપ્ત ! અતિ ગુપ્ત !’

૬ ઓગસ્ટ ૧૯૪૫. અમારી લશ્કરી છાવણીમાંથી ત્રણ વિમાન ઉપાડ્યાં. એક ખાસ ફોટાઓ લેવા માટેનું વિમાન હતું. બીજામાં જાતજાતનાં વૈજ્ઞાનિક સાધનો હતાં. અને અમારા ત્રીજા વિમાન ‘એનોલા ગે’માં અમારી સાથે એક રહસ્યમય વસ્તુ હતી-ત્રણ મીટર લાંબી અને ૭૦ સેન્ટીમીટર વ્યાસના ઘેરાવાવાળી...અમે હિરોશીમા પહોચ્યા. એક..બે..ત્રણ અને એ રહસ્મય વસ્તુ ગ..ઈ ! તરત જ વિમાન પાછું વાળ્યું. અમને કડક સુચના આપવામાં આવેલી કે એક પળ પણ રોકાશો નહીં કે પેલી વસ્તુ ફેંકીને તેના તરફ જોશો પણ નહીં, નહીં તો આંખો ગુમાવી બેસશો. એટલે અમે તુરંત વિમાન પાછું વાળ્યું. છતાં એકાદ મિનિટની અંદર અમે ત્રણ જબ્બર આંચકા અનુભવ્યા. ભારે દબાણની ભીંસ પણ અનુભવાતી હતી. નીચે કોઈ રાક્ષસકાય અગનજવાળા ફાટતી હોય, એવું અનુભવાયું... અમારું વિમાન હવે પાંચ-સાત માઈલ દૂર નીકળી ગયું હતું. મૂળ સ્ફોટ તો અમે જોયો નહોતો. પણ હવે પાછળ જોયું તો જવાળાઓ અને ધુમાડાના ગોટેગોટા. બે-ત્રણ ચોરસ માઈલનો વિસ્તાર ભીષણ અગ્નિકુંડ સમો બની ગયો હતો. બિલાડીની ટોપના આકારનાં અગનવાદળાં ઉંચે ને ઉંચે ચઢી રહ્યાં હતાં. તેની અંદર બધું જ ભભુકતું હતું. તેની અંદર મકાનોના ભાગો ને જાતજાતના કાટમાળ ફંગોળાતા હતાં. થોડીવાર પહેલાં જ્યાં એક ધમધમતું શહેર દેખાતું હતું. ત્યાં અત્યારે કશું જ નજરે ચઢતું નહતું. અગનજ્વાળા બધાનો જ કોળિયો કરી ગઈ. એક પળમાં તો શહેર અમારી આંખ સામેથી અલોપ થઈ ગયું.

આ અમેરિકન યુવાન હિરોશીમામાં જઈ પેલી રહસ્યમય વસ્તુ નાખીને પાછો આવ્યો, ત્યાં સુધી તેને કશી ખબર નહોતી કે પોતે શું કરીને આવ્યો છે. એને તો એમ જ કે પોતાના દેશ પ્રત્યે, માનવજાત પ્રત્યે એ એક મોટી ફરજ બજાવીને આવ્યો છે. પરંતુ પોતે શું કરીને આવ્યો છે, તેની એને જયારે પાછળથી જાણ થઈ , ત્યારે પશ્ચ્યાતાપનો માર્યો એ પાગલ જેવો થઈ ગયો. પોતે શું કરીને આવ્યો છે, તે એણે જાણ્યું, સાંભળ્યું, વાંચ્યું, ચિત્રપટ પર જોયું, ત્યારે એનું માનવહ્રદય હચમચી ઊઠ્યું. એ પોતાની જાત ઉપર ફિટકાર વરસાવી રહ્યો.એનું જીવન ખારું ઝેર થઈ પડ્યું. પસ્તાવાનો કીડો એને રાત ને દિવસ કોરી ખાતો રહ્યો. ચોવીસે કલાક કોઈક જાણે એની સામે આંગળી ચીંધી રહ્યું હતું- ખૂની ! ખૂની ! ખૂની !

એનું હૈયું એને સતત ડંખ્યા કરતું હતું કે, માણસ જેવા માણસ થઈને મેં આ શું કર્યુઁ ? એણે છાપાંમાં લખીને અને લોકો જોડે વાતો કરીને સમજાવવા માંડ્યું કે, ‘આવા હિચકારા હત્યારા કામમાં તમારી પોતાની સરકાર ક્હે,તોય કદી સાથ આપશો નહીં.’ પરંતુ સતાધીશો આવું ક્યાંથી સાંખી શકે ? એને ગાંડો કહીને પાગલખાનામાં ભરતી કરી દેવામાં આવ્યો. સાચી ને ડાહી વાત કહેનાર માણસને ગાંડો ઠેરવી દેવામાં આવ્યો ! એનું ‘ગાંડપણ’ એટલું જ હતું કે ડાહ્યા કહેવાતા માણસોના પ્રલયકારી ગાંડપણ સામે એનું માનવ-હ્રદય વિદ્રોહ પોકારીને બે ડાહી વાત કરી બેઠું હતું !

આજે માણસે અતિ ડાહ્યામાંથી થોડા આવા ગાંડા થવાની જરૂર છે. થોડાક ગાંડા બન્યા વિના રાષ્ટ્રવાદ, રાષ્ટ્રની સલામતી વગેરે અંગેના અતિ ડાહ્યા ખ્યાલોમાંથી છુટી શકાશે નહીં અને યુદ્ધરૂપી સામુદાયિક આત્મહત્યાના ઉધ્માંતોમાંથીયે માનવજાતને કદી ઉગારી શકાશે નહીં અને યુદ્ધ તો જયારે નાબૂદ થાય ત્યારે;પરંતુ અણુયુદ્ધ અને અણુબોમ્બ સાવ જુદાં જ છે, એટલી વાત તો દરેકે દરેકે માણસના ગળે ઉતારવી જ રહી.

આ બધું જાણી સમજી આપણા અંતરને જાંખવાની જરૂર છે. આપણી આન-શાન, આપણી સલામતી અને સુરક્ષા, આપણું દેશાભિમાન ને દેશભક્તિ, આપણી ખુમારી, કુનેહ, રાજનીતિજ્ઞતા - એ બધું પણ છેવટે જો માનવદ્રોહી ને સુષ્ટ્રીદ્રોહી બની જતું હોય, તો આપણે માણસાઈ જ ગુમાવી બેસીશું. માણસની ભીતર રહેલી માણસાઈને તેમ જ માનવીય સંવેદનશીલતાને જાગૃત કરીને જ આપણે આ ભ્સ્માસુરના તાંડવમાંથી માનવજાતને બચાવી શકીશું. હેનેસ આલ્ફ્વેને કહ્યું છે તેમ, ‘બધી જ અણુ વિષયક પ્રવૃત્તિઓને માણસજાત સામેના ભયંકર ગુના સમાન, માનવદ્રોહ સમાન ગણવામાં આવે.’ આ સહુ કોઈ માનવપ્રેમી અને જીવનપ્રેમીનું આ પરમ કર્તવ્ય છે.

લી. કાજલ ભાવેશ મહેતા

(નવી મુંબઈ)

(+૯૧ ૯૮૨૦૦ ૨૪૦૧૮)