Chahero books and stories free download online pdf in Gujarati

ચહેરો

ચહેરો

આંચલ માટે શહેર નવું હતું, પણ વીડમંણાઓ જાણે વર્ષો જૂની હતી. ઘરે માં એકલી અને ઘર ચલાવવા ની જવાબદારી આંચલે કોલેજ પૂરી કરીને તરત જ ઉઠાવી લીધેલી. ગામડામાં છોકરાઓને વ્યવસાય મળવો અઘરો છે, જયારે આંચલ તો સ્ત્રી હતી. એટલે શહેર જઈ નોકરી કરવાનું વિચારેલું. તેના જ ગામથી શહેરમાં જઈ વસેલાં પાડોશી અને નાનપણની બહેનપણી ને ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા લાગી અને બે-ત્રણ છાપાઓ ફંફોળી ને નોકરી પણ શોધી લીધેલી.

આંચલે લેપટોપ બેગ તૈયાર કરીને નોકરી પર જવા નીકળી પડી. રીક્ષાના ફિજુલ ખર્ચને બચાવવા આંચલ ચાલીને જવાનું પસંદ વધુ કરતી. દરેક ક્ષણને માણવામાં માનતી આંચલની સફરમાં એક વરઘોડાએ અવરોધ પેદા કર્યો, વરઘોડામાં ઉડેલા સફેદ ફુવારાઓ એની આંખોમાં પડતા હતા. જાણે એની ગતિને રોકવા જ ન માંગતા હોય? “બડી મસ્તાની હૈ, મેરી મહેબુબા...” બેન્ડના એ અવાજને કાને હાથ દઈ રોકીને જાન ને ક્રોસ કરી ગઈ. બેન્ડના એ ગીતે એને ફરી વિચારના વમળમાં સેરવી દીધી. એ હમેશા પોતાના ચહેરાને કોસતી રહેતી.એને વસવસો એ વાતનો રહી ગયેલો કે આજ સુધી કોઈ છોકરાએ એને પ્રપોજ ન કરેલું! આંચલ સહેજ ભીના વાને હતી અને ચહેરા પર ક્યાંક ક્યાંક કરમાયેલા ખીલના કાળા ડાઘાઓ હતા. એને એવું લાગ્યા કરતુ કે, એને કોઈ જ પસંદ નથી કરતું. અને એનાં લગ્ન પણ થવા અશક્ય છે. એટલેજ એને વરઘોડાથી ચીડ આવી ગયેલી. પણ તેણે ચાલવાનું શરુ રાખ્યું, એટલામાં પાછળ એક એકટીવાએ હોર્ન મારવાનું ચાલુ કર્યું. પાછળ જોયું તો નમ્રતા. આંચલે મોઢા પર બાંધેલો સ્કાફ દુર કરીને પૂછ્યું, “તું અહિયાં શું કરે છે?” નમ્રતાએ તાડુકીને કહ્યું, “તને કેટલીવાર કહ્યું કે ઓફિસે એકટીવા લઈને જાજે? આમ ચાલીને જવાની શી જરૂર છે? તું મારા ઘરે રહેવા આવવાની છો એની જાણ થતા જ આ એકટીવા તારા માટે રીપેર કરાવ્યું હતું.”

આંચલ કઈ બોલ્યા વગર પાછળ બેસી ગઈ. થોડે દુર જતાં જ આંચલને કઈ યાદ આવ્યું અને એકટીવા ઉભી રાખવા કહ્યું. નમ્રતાએ ઘણી બ્રેક મારવા છતાં બ્રેક લાગતી નહોતી. પણ નમ્રતાએ બ્રેક નથી લાગતી એવું બોલ્યા વગર પ્રયાસ જારી રાખ્યો. અંતે બ્રેક લાગી ગઈ અને ગાડી ઉભી રહી, નમ્રતાએ હાશકારો અનુભવ્યો. આંચલે નમ્રતા ને બે મિનીટ ઉભા રહેવા જણાવ્યું. આંચલે એક રેસ્ટોરન્ટમાં જઈને પોતાના માટે બન્ને ટાઈમ ટીફીનનું એરેન્જમેન્ટ કરી પાછી આવી. આંચલે કહ્યું, “નમ્રતા હવે મારી ઓફીસ પણ નજીક છે, તું ઘેર જા સાંજે પાછા મળીશું.” નમ્રતાએ ઓફીસ સુધી મૂકી જવાનું કહ્યું પણ પણ આંચલ ન માની. નમ્રતાએ એને દોડધામ વાળી જીંદગીમાં એકલી મુકીને ઘેર તરફ રવાના થઇ આંચલે નક્કી કરેલ રેસ્ટોરન્ટમાંથી રોજ એક યુવક ટીફીન આપી જાય. દરવાજાનો નકુચો ખખડાવી ને ભરેલું ટીફીન આપી જાય અને ખાલી ટીફીન લઇ જાય. નમ્રતાને આ ખૂચ્યા કરતુ. આંચલને સગી બહેન કરતા પણ વિશેષ માનતી હોવા છતાં એની માટે કશું જ ન કરી શકવાનો વસવસો હતો. ટીફીન રોજે ટાઈમસર આવી જતું અને આંચલને ટીફીનના ભાવ કરતા વધારે સ્વાદિષ્ટ લાગતું. આંચલે દરેક મેરેજ બ્યુરોમાં પોતાનો બાયોડેટા મોકલી દીધેલો પણ હજુ સુધી એક પણ ફોન આવ્યો નહોતો. ચહેરા પર જાત-જાતની ક્રીમ અને લોશન લગાવીને જાણે ચહેરાને સંવેદન રહિત કરી મુકેલો. પણ ખીલના કાળા ડાઘા તો ગયા જ નહિ. આંચલે નસીબ અને ચહેરા પાસેથી બધી જ અપેક્ષાઓ છોડી દીધેલી. ઘરની અને ભવિષ્યની ચિંતાઓમાં નોકરીમાં પણ રજાઓ પાડવા લાગી. બપોરનો સમય થવા આવ્યો હતો, આંચલ શરુ દિવસે પણ રજા પર હતી. આંચલ યુટ્યુબમાં ગીતો શરૂ કરીને સંભાળતી હતી, ત્યાં જ દરવાજો ખખડ્યો. આંચલે દરવાજો ખોલ્યો તો ટીફીન હતું. ટીફીનવાળા યુવકે પૂછ્યું, “કેમ મેડમ આજે રજા પર છો?” આંચલે સાંભળ્યું જ ન હોય એમ ટીફીન લઇ દરવાજો બંધ જ કરતી હતી ત્યાં પેલો યુવક ફરી બોલ્યો, “ મેડમ આજે કાઈ ચહેરા પર ન લગાડ્યું? હું રોજ ..” આંચલે ગુસ્સામાં એનાં અવાજને પોતાના સુધી પહોચવા જ ન દીધો, ધડામ દઈને દરવાજો બંધ કરી દીધો. ચહેરા પર સવાલ ઉઠાવતી પ્રત્યેક વસ્તુ કે વ્યક્તિને અરીસા ની જેમ તોડી નાખેલી. પોતાની જાતને રૂમમાં જ સંતાડી દીધી. આખો દિવસ તેણે ક્યાય જવાનું મન ન થયું. સાંજનો સમય થતાં ફરી દરવાજો ખટખટવા નો અવાજ આવ્યો. પણ યુવકને ફરી જોવાનું મન ન થયું.! દરવાજો થોડી થોડી ક્ષણે ખખડતો રહ્યો. અંતે કંટાળીને આંચલે દરવાજો ખોલ્યો તો એક આધેડ વયનો વ્યક્તિ ઉભો હતો. આંચલ ને નવાઈ લાગી કે યુવક કેમ ન આવ્યો? તેવા માં જ પેલો આધેડ બોલ્યો, “દરવાજો જરા જોઈ ને બંધ કરવો, અમારા એક માણસનો અંગુઠો આ દરવાજામાં આવી ગયો હતો. આંચલે બારસાખે જોયું તો લોહીના ધબ્બા દેખાયા, તે વ્યક્તિ તો ચાલ્યો ગયો પણ આંચલને ખુબ જ દુઃખ થયું, આંચલમાં ચહેરા થી માંડી અંગુઠા સુધી અગ્નિ પ્રસરી ગયો. આંચલને જમવું નહોતું, એટલે ટીફીન ખાલી કરવા ખોલ્યું તો એક ચિઠ્ઠી મળી. આંચલે એ ચિઠ્ઠી વાંચી તો એમાં લખ્યું હતું કે “તમારો ચહેરો જેટલો તમને દુઃખી કરે છે, એટલું દુઃખ મને અંગુઠો કપાતા નથી થયું. ચિંતા કર્યા વગર જમી લેજો.” આંચલ અફસોસ ના આંગણમાં ઘસી આવી. જેમ તેમ કરીને રાત પસાર કરી. આંચલને તે યુવક પાસે માફી માંગવી હતી. સવારે કામ પતાવી બેગ લઈને એ રેસ્ટોરન્ટમાં પહોચી ગઈ. યુવકને બહાર બોલાવી અને માફી માંગતા કહ્યું, “મારાથી અજાણતા જ થઇ ગયું હતું, મને નહોતી ખબર કે દરવાજામાં તમારો હાથ હશે, હું પહેલે થી ઘણી મુશ્કેલમાં છું, મને દોશી સમજીને ને વધુ બોજ ન આપો.”

યુવકે મંદ હાસ્ય રેલાવીને ક્ષમાનો ભાવ પ્રગટ કર્યો. આંચલે અંગુઠા પર ત્રાસી નજર કરીને ત્યાંથી ઓફીસ જવા નીકળી ગઈ. આંચલનું મન થોડું હળવું થયું. અને એનાં ચહેરાના મંદ હાસ્યની છબી સામે રાખીને આખો દિવસ પસાર કરી નાખ્યો. સાંજના સમયે પાછો દરવાજો ખખડ્યો. આંચલે દરવાજો ખોલ્યો ત્યાં ટીફીન જ માત્ર હતું, આજુ બાજુ કોઈ જ નહોતું. આંચલે ટીફીનની ગરમાટ ને અનુભવતા દરવાજો ધીરેથી બંધ કર્યો. આંચલે ટીફીન ખોલતાની સાથે જ રોટલીઓની વરાળથી ભીંજાયેલી ચિઠ્ઠી ખોલી. એમાં લખ્યું હતું કે, “હું તમને ખુબ જ પસંદ કરું છું, પણ જેમ તમે પણ તમારા ચહેરા નો સામનો નથી કરી શકતા એમ મારી પણ હિમ્મત ન થઇ. શું તમે મારી સાથે લગ્ન કરશો? રૂબરૂમાં એટલે જ નહોતું પૂછ્યું કે અંગુઠો હજીય રુજાયો નથી, પણ જો તમારી હા હોય તો કાલે બપોરે પતંગ હોટલમાં તમારી રાહ જોવું છું- માધવ”

આંચલ ઘડીક કશુય સમજી ન શકી. વારંવાર માધવે લખેલી લાઈફ લાઈનો વાંચતી રહી. પહેલી વાર કોઈએ તેને પ્રપોજ કર્યું હતું. એને ફિલ થયું કે માધવે ચહેરા નહિ પણ હૃદય વાંચી લીધું હતું. આંચલે સાંજે પણ હરખમાં જમવાનું ત્યજી દીધું. એક ને એક જગ્યા પર બેસીને કલાકો વિતાવી દીધી. જાણે ચહેરા પર નું ચૈતન્ય ખીલી ઉઠ્યું હોય એમ એનાં ચહેરા પરથી મીનીટો સુધી સ્માઈલ હટતી જ નહોતી. જે ચહેરો કરડવા દોડતો એ ચહેરો આજે વહાલો લાગવા માંડ્યો. રાત્રીના અઢી વાગ્યે વોશરૂમમાં અવનવી ક્રીમ લગાવી ને વાળની હેરસ્ટાઈલ બદલતી રહી.કબાટમાં રહેલા મનપસંદ ડ્રેસ માંથી કાલે કયો ડ્રેસ પહેરશે એની મુજવણમાં પડી ગઈ. જાણે જિંદગીના ફાઈનલ સીનનું રીહર્સલ ન હોય એમ તૈયારી કરવા લાગી.

સવાર પડી ગઈ બપોરના લંચ માટે તો એ સવારની તૈયાર થઈને બેઠી હતી. વિચારતી હતી કે માધવ ને શું કહેશે? શું પૂછશે? હું એને શા માટે ગમી, તો એ જવાબમાં શું કહેશે? પોતાના જ સવાલો ને પોતે જ જવાબ આપવા લાગી. સાડા આગ્યારે દરવાજો બંધ કરી અને કેટલાય પ્રકારની સુગંધો એ રૂમ માંથી આઝાદ કરી, આંચલે નમ્રતા ને એકટીવાની ચાવી માટે ફોન લગાવ્યો, મોડું ના થાય એ માટે નમ્રતાને પાછળથી કહેવાનો નિર્ણય લીધો. ફોનમાં નમ્રતાએ કહ્યું કે “ઘરે જ છું ચાવી લઇ જા”

આંચલ દાદરો ઉતરીને નમ્રતાના ઘરની બારી પાસે આવી અને નમ્રતાએ ચાવી ફેંકી. આંચલે જીવનની પહેલી તક ની માફક ચાવી જીલી લીધી. એકટીવા સ્ટાર્ટ કરીને શેરીની બહાર નીકળી ત્યાં જ શુકનમાં વરઘોડો સામે મળ્યો અને થોડી શરમાતી જાનૈયાની નજીકથી પસાર થઇ, સફેદ ફુવારો અને સતરંગી કાગળના ફટાકડા જાણે એની જીતમાં જ ફૂટતા હોય એવું લાગ્યું. પછી ગાડીને લીવર આપીને ગતિમાં લાવી. ઘણા સમયથી ગાડી હાથમાં લીધી નહોતી એટલે એણે એકટીવા ચલાવવામાં ફોકસ વધાર્યું. સ્પીડમીટરમાં વારંવાર જોયા કરતી. વાહનો પુરજોશમાં એની બાજુ માંથી દોડતા હતા. વાહનોની હવાની લપંટોથી એનાં વાળ ચોમેર ઉડતા હતા. લગભગ પાંચેક મિનીટ જ હોટલ પતંગ દુર હતી. અને આગળ એક સરીયાથી ભરેલો ટ્રક હતો અને ટ્રકથી લગભગ વીસેક ફૂટ દુર હતી. ટ્રક ક્યારેક ક્યારેક ધીમો થતો જતો. ક્યારેક સ્પીડ પકડતો. અને આંચલ એકટીવાની બ્રેક મારે પણ બ્રેક લાગે જ નહિ. થોડીક ક્ષણ આંચલ મુંજાઈ. બે દિવસથી જમી નહોતી એટલે બ્રેક દબાવવામાં તાકાત પણ નહોતી લાગતી. અચાનક જ ટ્રક ઉભો રહી ગયો, અને આંચલ અને નમ્રતાની એકટીવા સરિયા સાથે અથડાઈ ગઈ.

નમ્રતાનો ફોન રણક્યો...

સામેથી કોઈએ મોટા આવજે બોલ્યું, “નમ્રતાબેન બોલે?” હા બોલું છું તમે કોણ? નમ્રતાએ ઉતર સાથે પ્રશ્ન પણ કર્યો.

“તમારી કોઈ બહેનપણીનું હોટલ પતંગ નજીક એકસીડન્ટ થયું છે. છેલ્લો કોલ આ ફોન માંથી તમને થયો છે એટલે લગાડ્યો. જલ્દી અહી પહોચો.” નમ્રતા એજ ઘડીએ હોટલ પતંગ જવા રવાના થઇ ગઈ. ત્યાં પહોચી જોયું તો અત્યંત કરુણ દ્રશ્ય હતું. લોકોની ભીડ હતી. આંચલ પર કોકની સાડીની આંચલ હતી. એકટીવાના બોનેટ પર લખેલું “નમ્રતા” નામ પણ તૂટી ગયું હતું નમ્રતાની જેમ !

- દિપક દવે