Vaar books and stories free download online pdf in Gujarati

વાર

વાર

“ચાલ બસ હવે. થાકી જઇશ બંટી, આવતીકાલે સવારે સ્કુલે જવાનું છે” શહેરના એક મોટા ગાર્ડનમાં એક બાકડા પર બેઠેલા સમીરભાઇએ એમના છ વર્ષના છોકરાને બુમ પાડી. જે ગાર્ડનમાં બનેલા હીંચકા અને લસરપટ્ટીનો આનંદ ઉઠાવતો હતો. સમીરભાઇની બાજુમાં એમના એક વૃદ્ધ પડોશી સુરેશકાકા પણ પોતાની લાકડી લઇને બેઠા હતા. બંટીને બોલાવવા માટે આ ચોથી બુમ હતી. રવિવારની સાંજ હોવાથી ઘણાં માણસો ગાર્ડનમાં ફરવા આવેલા. સમીરભાઇની બુમ બધા સાંભળતા હતા પણ બંટી જ જાણે ન સાંભળ્યું હોય એવું કરતો હતો. બાજુમાં જ બેસેલા સુરેશકાકાએ પણ થોડીવાર પુરતું સાંભળવાનું મશીન કાનમાંથી કાઢી હાથમાં રાખ્યું. છતા એ માત્ર આ બાપ દિકરાની રમત જોઇ હસતા હતા જાણે જુના દિવસો યાદ કરતા હોય એમ. આખી જીંદગી પોતાની નજર સામે જયાંરે હાથમાંથી સરી જાય તો કોઇ કોઇ રૂદન કર્યાં કરે અને કોઇ અનુભવી હસતા રહે આવું બનતું હોય છે. સમીરભાઇને ગાર્ડનમાં કામ વગર બેસવું બીલકુલ નાપસંદ. પણ આજે તો બંટીની જીદ અને ધમપછાડા ને લીધે અહીં આવવું પડયું. બાકડે બેસી પોતાના એકાઉટન્ટને ફોન પણ કરી દીધો હતો કે હવે હું નહીં આવી શકું. જયાંરે પણ મોબાઇલ ફોન પરથી નવરા પડે એટલે બંટીને બુમ પાડે. પહેલી બુમે તો બંટી લસરપટ્ઠીની ટોંચ પર હતો. બીજી બુમે હિંચકો બહું જ ઝડપથી ચાલતો હતો. જાણે એને ઉભો રાખવો એટલે મોટું પ્લેન પાયલટને એરપોર્ટ પર ‘લેન્ડ’ કરવાનું હોય એટલું ટેન્સન. ત્રીજી બુમે એ થોડો દુર હતો. આ ચોથી બુમે પપ્પાનો ગુસ્સો પણ બંટીના કાને અથડાયો. એ દોડીને આવ્યોં અને હાફતા હાફતા જ કહયું “પપ્પા, પાણી આપોને”. સમીરભાઇએ એમના પત્નીએ પરાણે પકડાવેલી ઘરના પાણીની બોટલ બંટીને આપી. બંટીએ પાણી પીધું એટલે સમીરભાઇએ કહયું “જો દિકરા આવતીકાલે તારે સવારે વહેલુ સ્કુલે જવાનું છે. ચાલ હવે ઘરે જઇએ. ” બંટી બાકડા પર આરામની મુદ્રામાં બેઠો હતો. પણ સ્કુલની વાત આવી એટલે સાવધાનની મુદ્રામાં બોલ્યોં “પપ્પા, કાલે સોમવાર છે?” “હા તો, એટલે તો તને કહું છું” સમીરભાઇએ કહયું. બંટી જાણે કંઇ વિચારતો હોય એમ બાકડા પર નીચે લટકતા એના પગ હલાવવા લાગ્યોં. થોડીવારે પગ અટકયાં અને મોઢું હલ્યું “પપ્પા, મને તો આ સોમવાર જરા પણ ન ગમે. તમને કયો વાર ન ગમે?” સમીરભાઇ મોબાઇલની બહાર ન નીકળ્યાં. સુરેશકાકાએ સાંભળવાનું મશીન ફરી પોતાના કાનમાં ગોઠવ્યું. અને બંટીને પુછયું “શું કહેતો હતો? ફરી બોલને બેટા?” સમીરભાઇએ પણ આ સાંભળ્યું એટલે બોલ્યાં “બંટી, તે મને પુછયું કે આ દાદાને?”

“તમને બંનેને પુછું છું કે તમને કયો વાર ન ગમે? મને તો આ સોમવાર જરા પણ નથી ગમતો. રવિવારની મજા પછી સ્કુલે જવાનો આ સોમવાર. ” સુરેશકાકાએ હસીને સમીરભાઇ તરફ જોયું અને પુછયું “બોલ દિકરા સમીર, તને કયો વાર નથી ગમતો?” સમીરભાઇ કંઇ બોલે એ પહેલા બંટી ઉભો થયો, હિંચકા તરફ ભાગ્યોં અને બોલતો ગયો “ પપ્પા, બે જ હિંચકા ખાઇને આવું. ” સુરેશકાકાએ ફરી પુછયું “તે જવાબ ન આપ્યોં”. “મને તો આ રવિવાર નથી ગમતો. કંઇ કામકાજ નહીં કરવાનું. ફકત નવરા આંટા મારવાના. કેટલા બધા કલાકો કામ વગરના ખરાબ થઇ જાય. ” સમીરભાઇ બોલ્યાં. સુરેશકાકા ખડખડાટ હસ્યાં અને કહયું “અમારે તો કાયમ રવિવાર જ છે. અને ઉપરથી આ બુધવાર. મને તો આ બુધવાર જરા પણ ન ગમે દિકરા. ” સુરેશકાકાએ હાસ્ય પાછળ કંઇક છુપાવ્યું એવો ખ્યાલ તો સમીરભાઇને આવ્યોં. પણ એમને થયું અહીં મને મારા સુખ માટે પણ સમય નથી રહેતો તો આ વૃદ્ધવડિલના દુખ માટે કેમ સમય કાઢવો? એ મૌન જ રહયાં. ત્યાં તો બંટી ફરી દોડીને આવ્યોં અને બાકડે બેસી ગયો. બંનેને ચુપ જોઇ એ બોલ્યોં “ દાદા, તમને કયો વાર ન ગમે એ તો કહો?” સુરેશકાકાનો ચહેરો આ હસમુખા છોકરા સામે પણ થોડો ઉદાસ થયો. “બુધવાર” એટલું જ એ બોલ્યાં. અઠવાડીયાનો આ વચ્ચેનો વાર દાદાને નથી ગમતો એવાતે નવાઇ પામી બંટીએ પુછયું “કેમ બુધવાર દાદા? તમારે તો મારી જેમ સ્કુલ ન હોય, પપ્પાની જેમ કામ ન હોય? તો આ બુધવાર જ કેમ?”

બંટીના વધારે પડતા પ્રશ્નો સમીરભાઇને પણ ખટકયાં. એટલે એમણે બંટીને અટકાવતા કહયું “ બેટા, દાદાને હેરાન ન કરાય. ” સુરેશકાકાએ ધ્રુજતા હાથે સમીરભાઇનો હાથ પકડયોં અને બોલ્યાં “ કંઇ વાંધો નહીં દિકરા. પણ બંટી બેટા, બુધવારે આ ગાર્ડન બંધ હોય છે. આ બાકડો મારો સહારો છે. મારા ઘણાં કલાકોનો સમય અહીં આ બાકડા પર જ પસાર થાય છે. પણ બુધવારે શું કરવું? સમય કયાં પસાર કરવો? એટલે જ મને આ બુધવાર નથી ગમતો. ” બંટી તો ફરી પાણીની બોટલ ખોલી પાણી ગટગટાવવા લાગ્યોં. સમીરભાઇએ સુરેશકાખાની આ વાત સાંભળી એમની આંખમાં જોયું તો એ આંખો ભીનાશથી ચમકતી હતી. જાણે વિજળીનો ચમકારો જીંદગી પર પ્રકાશ પાડી ગયો. એમણે નજર ફેરવવી પડી. પણ સુરેશકાકાના આ શબ્દો તો એમના કાને પડયા જ “દિકરા, કયો વાર એ સવાલ કરતા પણ અમારે વધુ મહત્વનો સવાલ હોય કે હવે કેટલી વાર?”

--ભ્રમિત ભરત.