Khul Ja Sim Sim books and stories free download online pdf in Gujarati

ખુલ જા સીમ સીમ

Startup success story

ખુલ જા સીમ સીમ.. કહાની અલીબાબા ની..

ખુલ જા સીમ સીમ શબ્દ સાંભળતા જ એવું ચિત્ર ઉભરી આવે જેમાં એક આરબ વ્યક્તિ કોઈ મોટી ગુફા સામે ઉભો રહી જોર થી ખુલ જા સીમ સીમ બોલે અને ગુફા ના દ્વાર ખુલી જાય..અને અંદર હોય અઢળક ખજાનો, સોનું, ચાંદી, ઝવેરાત..આજે પણ કોઈપણ વસ્તુ ઘરે બેઠાં મંગાવાની ઈચ્છા હોય એટલે મોબાઈલ હાથ માં લઈ ઓનલાઈન શોપિંગ એપ પર જઈ ઓર્ડર કરો એટલે એ વસ્તુ બજાર ભાવ કરતાં પણ ઓછા ભાવે તમારા બારણે..!!

આ બધું અત્યારે તમને બહુ આસાન લાગે..પણ ચીન જેવાં કોમ્યુનિસ્ટ દેશ માં અલીબાબા ના મલિક જેક મા દ્વારા આ પ્રકારનો ઓનલાઈન શોપિંગ ના બિઝનેસ મોડ્યુલ નો વિચાર કરવો અને એને ધારી સફળતા અપાવવી કેટલી મુશ્કેલ રહી હશે એની કહાની અત્રે રજૂ કરી રહ્યો છું.

કોઈએ ખૂબ સરસ કહ્યું છે કે "રસ્તામાં આવતી ઠોકરો નો ઉપયોગ જે પગથિયાં તરીકે કરી જાણશે એને દુનિયા ની કોઈ તાકાત આગળ વધતાં નહીં રોકી શકે.."

તમે સફળ થાઓ એટલે લોકો ને ખાલી તમારી સફળતા જ દેખાય પણ એ પાછળ કરેલી અથાગ મહેનત અને રાતો ના ઉજાગરા નહીં દેખાય..આજે હું તમારી સાથે એક એવા વ્યક્તિ ની વાત કરવા જઈ રહ્યો છું જેનાં નામ થી શાયદ તમે પરિચિત હશો..એનાં નામ થી પરિચિત નહીં હોય તો એની કંપની નું નામ તો તમે સાંભળ્યું જ હશે..હું આજે વાત કરવા જઈ રહ્યો છું એશિયા ની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબા ના ફાઉન્ડર અને માલિક તથા એશિયા ના દ્વિતીય ક્રમાંક ના ધનપતી એવાં જેક મા ની..!!

જેક ને સફળતા કંઈ આસાની થી પ્રાપ્ત નહોતી થઈ એનાં માટે જેકે કઠોર પરિક્ષમ કર્યો હતો.ઘણી બધી ઠોકરો અને નિષ્ફળતા નો સ્વાદ ચાખ્યાં પછી પણ જેક એને પચાવી શક્યાં અને એટલે જ એ દુનિયા ની સૌથી વધુ વગદાર વ્યક્તિઓ માં સામેલ થઈ શક્યા.

જેક મા ૧૦ સપ્ટેમ્બર ૧૯૬૪ ના રોજ ચીનના ઝેજીઆંગ પ્રાંતના હાનુજુ ગામમાં જન્મ્યા હતા.જેક માના માતાપિતા પરંપરાગત ચીની ગીતો ગાઈને પૈસા કમાતાં અને એમાંથી પોતાનાં પરિવાર નું ગુજરાન કરતાં હતાં..જેક મા ને નાનપણ થી જ અંગેજી ભાષા બોલવાનો શોખ હતો એટલે એ વહેલી સવારે ઉઠતાં અને પોતાની સાઇકલ પર સવાર થઈને પોતાનાં ઘર થી દુર આવેલી એક હોટલ પર જતાં..જ્યાં આવતાં વિદેશી નાગરિકો ને મફત માં ગાઈડ કરતાં અને એમની સાથે તે તૂટી ફૂટી અંગ્રેજી બોલતાં.. એ સમય એવો હતો જ્યારે ચીન માં મુખ્યત્વે ચીની ભાષા સિવાય બીજી કોઈ ભાષા શીખવા પર ધ્યાન નહોતું આપતું.જેક ને આ કામ માં મજા આવવા લાગી, ધીરે ધીરે તેઓ અંગ્રેજી ભાષા માં સારા એવાં પારંગત થઈ ગયાં.. આ કામ એમને સળંગ નવ વર્ષ સુધી કર્યું.

જેક નું સાચું નામ માન ય'ન હતું..પણ એમનો એક અમેરિકન ટુરિસ્ટ મિત્ર જે એમને અવારનવાર પત્ર લખતો એને જેક નું સાચું નામ લખવામાં તકલીફ પડતી એટલે એને માન ય'ન ને જેક માં કહેવાનું શરૂ કર્યું..જેક ને પણ પોતાનું આ નામ સરળ લાગ્યું એટલે એ માન ય'ન માં થી જેક મા બની ગયાં.

શરૂઆત નો પ્રાથમિક અભ્યાસ માં જ જેક ને ફાંફા પડી ગયાં.. ચોથા ધોરણ માં બે વાર અને આઠમા ધોરણ માં ત્રણ વાર ના પ્રયત્ન પછી જેક પાસ થયાં..પછી જેકે વિશ્વવિદ્યાલય માં પ્રવેશ માટે ની પરીક્ષા આપી અને એમાં પણ એમનાં નસીબે સાથ ના આપતાં તેઓ પાંચ વાર ફેઈલ થયાં.. આખરે કંટાળીને એમને હંજાઉ ટીચર ઇન્સ્ટિટ્યૂટ માં એડમિશન લઈ લીધું જે એ વખતે ખૂબ નિમ્ન કક્ષા નું શિક્ષણ કહેવાતું.સાલ ૧૯૮૮ માં અંગ્રેજી સ્નાતક ની ડિગ્રી મેળવી..પછી ત્યાં જ હંજાઉ યુનિવર્સિટીમાં અંગ્રેજી અને આંતરરાષ્ટ્રીય વેપાર અંગે ના લેક્ચરર ની જોબ પણ શરૂ કરી દીધી.

દરેક સફળ વ્યક્તિ ની જેમ જેક ને પણ શરૂવાત ના દિવસો માં ભારે કપરી પરિસ્થિતિમાં થી પસાર થવું પડ્યું..એમને અલગ અલગ ત્રીસ જેટલી જગ્યાએ જોબ માટે એપ્લાય કર્યું પણ ક્યાંય એમને જોબ મળી નહીં.. કિસ્મત ના ખેલ પણ કેવાં અનેરાં હોય છે એનું એક ઉદાહરણ જેક મા ની જીંદગી માં બન્યું.જ્યારે જેક કોઈ નોકરી ની શોધ માં હતાં ત્યારે ચીન માં નવાં નવાં KFC કંપની નાં આઉટલેટ ખૂલ્યાં હતાં..જેકે એમાં જોબ માટે એપ્લાય કર્યું..કુલ ચોવીસ લોકો એ જોબ માટે એપ્લાય કર્યું હતું જેમાંથી ત્રેવીસ નું સિલેક્શન થઈ ગયું ખાલી એક વ્યક્તિ ને જોબ ના મળી એનું નામ હતું જેક મા..!!

"ક્યારેય હાર ના માનશો.. આજે મુશ્કેલ છે એ આવતી કાલે ભલે વધુ મુશ્કેલ બને પણ પરમદિવસે તો સુખ રૂપી ધૂપ જરૂર નીકળશે.." આવું માનતાં જેકે ક્યારેક હિંમત ન હારી..ઉલટાનું જેટલી કપરી પરિસ્થિતિ આવી એટલા એ વધુ મજબૂત બનતાં ગયાં.

જેક ના કહ્યા મુજબ શરૂવાત ના દિવસો માં તેઓ ટેકનોલોજી થી સાવ અજાણ હતાં એવું કહેવું ખોટું નથી..એમને કહ્યું કે મેં ઈન્ટરનેટ જેવી વસ્તુ વિશે છેક ૧૯૯૪ માં સાંભળ્યું.

વર્ષ ૧૯૯૫ જેક ની જીંદગી માટે મહત્વપૂર્ણ સાબિત થયું જ્યારે તેઓ પોતાનાં મિત્રો ની સહાયતા થી અમેરિકા પહોંચ્યા..અમેરિકા ની આધુનિકતા જોઈ એમની આંખો ફાટી ને ફાટી રહી ગઈ..કેમકે ત્યારે ચીન આજ ની જેમ મહાસત્તાઓ ની રેસ માં નહોતું..વસ્તી વધારો, ગરીબી, ભૂખમરો, બેકારી જેવી અનેક હાડમારી વચ્ચે ચીન ના લોકો પોતાની જીંદગી પસાર કરી રહ્યાં હતાં.

જેક જ્યારે અમેરિકા ગયાં ત્યારે એમને પ્રથમ વખત ઈન્ટરનેટ જેવી કોઈ વસ્તુ જોઈ.જે જોઈ એમને ભારોભાર કુતુહલ જાગ્યું..એક મિત્ર ને એમને ઈન્ટરનેટ વાપરવાં ની ઈચ્છા જાહેર કરી ને પ્રથમ વખત ઈન્ટરનેટ નો ઉપયોગ કર્યો.

તમે ધારી પણ નહીં શકો કે જેકે સૌપ્રથમ ઈન્ટરનેટ પર કયો શબ્દ ટાઈપ કર્યો..એ શબ્દ હતો.."beer"..હા બિયર..આ શબ્દ લખતાં જ એમની સામે કોમ્પ્યુટર પર સંખ્યાબંધ બ્રાન્ડ ની અલગ અલગ કોકટેલ અને બિયર આવી ગઈ..પણ જેક ના આશ્ચર્ય વચ્ચે આ બધાં માં કોઈ ચીની પ્રોડક્ટ નહોતી.. ચીની બ્રાન્ડ ની કોઈપણ બિયર એમને ત્યાં જોવા ના મળી..આ સિવાય જેકે જોયું કે બિયર તો દૂર ની વાત છે ઇન્ટનેટ પર ચીન વિશે પણ બહુ ઓછી માહિતી ઉપલબ્ધ હતી..આ વાત ની અસર જેક ના યુવા મગજ પર થઈ અને એમને નક્કી કરી લીધું "હું કંઈક એવું કરીશ કે ચીની પ્રોડક્ટ દુનિયા ના દરેક ખૂણે આસાની થી પહોંચી જાય.."

મન પર લાગેલી ઠેસ અને વતનપ્રેમ નાં લીધે જેક ને થયું કે મારો દેશ ચીન પણ બીજાં દેશો ની માફક ટેકનોલોજી ની દોડ માં હરણફાળ ભરે..અને આજ આશય થી એમને પોતાનાં એક આઈ.ટી નિષ્ણાત મિત્ર ની મદદ થી એક વેબસાઈટ લોન્ચ કરી જેનું નામ એમને 'ugly' રાખ્યું.. આ એવી પ્રથમ સ્વતંત્ર વેબસાઈટ હતી જ્યાં ચીન અને ચીની ભાષા વિશે ની માહિતી ઉપલબ્ધ હતી.

આ વેબસાઈટ ની રચના ના થોડાંક જ સમયમાં જેક પર ચીની લોકો ના સંખ્યાબંધ મેઈલ આવવા લાગ્યાં, જેમાં લોકો એ જેક ની આ પહેલ અને કામ નાં ખુલ્લા દિલે વખાણ કર્યાં..આ વખાણ જ જેક ની જીંદગી ની પહેલી કમાણી બની રહ્યાં.. અને આજ નાની તો નાની પણ પોતાને મળેલી સફળતા જ પાયો બની દુનિયા ની સૌથી મોટી ઈ કોમર્સ કંપની અલીબાબા ના સ્ટાર્ટઅપ ની.

"તમને જો સફળતા મોડી મળે અને બીજાં ને વહેલી મળે તો નિરાશ ના થવું જોઈએ.. કેમકે એ લોકો ની સફળતા ઝૂંપડી જેવી હશે જ્યારે તમારી મહેલ જેવી એટલે જ વાર થતી હશે તમને સફળતા મળવામાં.. એટલે મહેનત કરવી અને રાહ જોવી.."

જેક ને કંઈક અલગ કરવું હતું..કંઈક એવું કરવું હતું કે આઈટી ની દુનિયા માં એમનું મોટું નામ થઈ જાય..પણ દરેક વસ્તુ ની શરૂવાત માટે સૌથી મહત્વ ની વસ્તુ છે પૈસો..જેક ને પણ પોતાની આઈટી કંપની શરૂ કરવા માટે પૈસા ની તાતી જરૂર પડી..સાલ ૧૯૯૫ માં જ પોતાની પત્ની અને મિત્રો નાં સહયોગ થી જેકે વીસ હજાર ડોલર એકઠાં કર્યા અને આજ રકમ નો ઉપયોગ કરી એમને પોતાની પ્રથમ આઈટી કંપની ની સ્થાપના કરી જેનું નામ રાખવામાં આવ્યું.. "china yellow pages".

આ કંપની બીજી કંપની માટે વેબસાઈટ બનાવી આપવાનું કામ કરતી હતી..ત્રણ વર્ષ માં જ માત્ર વીસ હજાર ડોલર ની નજીવી રકમ થી શરૂ કરેલ આ કંપની એ આઠ લાખ ડોલર ની કમાણી કરી લીધી..અને કોઈ કામ થી જ્યારે પૈસા આવવા લાગે ત્યારે તમે બમણાં ઉત્સાહ થી એ કામ કરવા લાગો છો.

જેક પોતાનાં શરૂવાત ના દિવસો ને યાદ કરતાં પોતાનાં એક ભાષણ માં કહેતા હતાં.."કે હું જ્યારે શરૂવાત માં વેબસાઈટ બનાવતો ત્યારે ચીન માં ઈન્ટરનેટ ની સ્પીડ બહુ જ ઓછી હતી અને એટલે જ વેબસાઈટ નું અડધું પેજ બનાવતાં પણ ત્રણ કલાક નો સમય લાગી જતો..હું જ્યારે કંટાળી જતો ત્યારે મારા મિત્રો ને ઘરે બોલાવતો..એ લોકો ટીવી જોવે અને પત્તાં રમે જ્યારે હું એક ખૂણામાં બેસી વેબસાઈટ બનાવવાનું કામ કરે જતો..!"

૩૩ વર્ષ ની ઉંમરે જેકે પોતાનું પ્રથમ કોમ્પ્યુટર ખરીદ્યું..પોતાની કંપની "china yellow pages" કોન્સેપ્ટ ઉત્તમ હતો છતાં ફંડીગ ના મળતાં શરૂવાત ના દિવસો ની આવક છતાં જેક મા એ એને બંધ કરવાની નોબત આવી ગઈ.

પોતાનાં બિઝનેસ માં મળેલી અસફળતા ના લીધે એમને China International Electronic Commerce Center નામ ની આઈટી કંપની માં ૧૯૯૮-૧૯૯૯ સુધી બે વર્ષ મેનેજર તરીકે ની જોબ કરી..પણ જોબ કરતાં એમને લાગ્યું કે તેઓ જોબ કરવા માટે નથી બન્યાં પણ પોતાનો સ્વતંત્ર બિઝનેસ કરવા માટે બન્યાં છે એટલે એ પાછા પોતાનાં વતન હુંજાઉ પોતાની ટીમ જોડે આવી ગયાં.

પોતાની પહેલી નિષ્ફળતા માં થી શીખ લઈ હુંજાઉ આવીને જેક મા એ પોતાની ૧૭ સદસ્યો ની એક ટીમ બનાવી અને ચીન ની પ્રથમ B2B વેબસાઈટ અલીબાબા નું નિર્માણ કર્યું..આ કંપની દ્વારા અલીબાબા ગ્રૂપ ની સ્થાપના થઈ..પ્રારંભ ના દિવસો માં પાંચ લાખ યુવાનો સાથે શરૂ થયેલ આ ગ્રૂપ અત્યારે ૧૦૦ મિલિયન સદસ્યો સાથે વિશ્વ ના લગભગ ૨૪૦ દેશો માં ફેલાયેલું છે.જેક દ્વારા પોતાની કંપની નું નામ અલીબાબા રાખવા પાછળ પણ એક કહાની છે..

અલીબાબા નામ સાંભળતા જ આપણ ને અલીબાબા ચાલીસ ચોર ની કહાની યાદ આવી જાય..એક એવો વ્યક્તિ જેને ચાલીસ ચોર જોડેથી ખજાનો ચોરી ને ગરીબો ને આપી દીધો.. દુનિયાના દરેક ખૂણામાં અલીબાબા ની કહાની બધાં એ સાંભળેલી હતી..જેક એવું નામ ઇચ્છતા હતાં જે દરેક ના મોંઢે તરત ચડી જાય અને એટલે જ પોતાની કંપની નું નામ એમને અલીબાબા રાખી દીધું.

જેક કહે છે કે "અલીબાબા પોતે ચોર નહોતો પણ એને ગરીબો માટે ખજાનો ખોલી દીધો..હું પણ ચીન ના નાનાં માં નાનાં બિઝનેસ મેન ને ફાયદો થાય એવી આ ખજાનારૂપી વેબસાઈટ ખોલી રહ્યો છું.લોકો મનોમન ખાલી ખુલ જા સીમ સીમ બોલે અને ઇન્ટનેટ પર એક ક્લિક કરે એટલે અલીબાબા એમને જોઈતી વસ્તુ એમનાં ઘર આંગણે પહોંચાડી દે.."

આજે ચીન હોય, ભારત હોય, જર્મની હોય કે બ્રાઝીલ..અલીબાબા નામ પડતાં જ બધાં ને અલીબાબા અને ચાલીસ ચોર ની સાથે જેક મા ની અલીબાબા કંપની પણ યાદ આવી જાય છે.

ઓક્ટોબર ૧૯૯૯ અને જાન્યુઆરી ૨૦૦૦ માં અલીબાબા ગ્રૂપ તરફથી બે વખત ૨૫ મિલિયન ડોલર ની માતબર રકમ નો international venture capital investment નામ નો એક પોગ્રામ શરૂ કર્યો જેનો હેતુ ચીન ના ઈ-કોમર્સ માર્કેટ એટલે કે ઓનલાઈન વસ્તુઓ ના વેચાણ માં સુધારો લાવવાનો હતો..જેના થકી નાના અને મધ્યમવર્ગ ના ચીની વેપારીઓ ને વિશ્વ ફલક પર સ્થાન મળે.

ગ્લોબલ ઇ કોમર્સ સિસ્ટમ માં સુધારો લાવવા જેક મા એ સાલ ૨૦૦૩ માં Taobao marketplace ની સ્થાપના કરી..જેનો પ્રભાવ એ હદે ચીન ના માર્કેટ અને ચીની લોકો વચ્ચે વધ્યો કે એ વખત ની ઓનલાઈન માર્કેટ પર રાજ કરતી કંપની eBay એ જેક મા ને Taobao Marketplace ખરીદવા માટે ઓફર કરી દીધી અને એ પણ ઘણી મોટી.

"વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતાં પણ એ દરેક કામ ને અલગ રીતે કરી બતાવે છે.."અને આવું જ જેક મા નું હતું..વિદેશી કંપની eBay ની ઓફર જેકમા એ ઠુકરાવી દીધી અને એનાં બદલે યાહૂ ના કો ફાઉન્ડર જેરી જોડેથી ૧ બિલિયન ડોલર ની સહાય માંગી..જે જેરી એ જેક મા ની પ્રતિભા અને આત્મવિશ્વાસ જોઈ તરત જ જ સ્વીકારી લીધી..બસ પછી તો પાછળ વળીને જોવે એ બીજાં.. દિવસે ને દિવસે અલીબાબા ની પ્રતિષ્ઠા અને વ્યાપ ચીની માર્કેટ માં વધતો જ ગયો અને ચાર જ વર્ષ માં eBay ને ચીન માં થી પોતાનાં બિસ્તરા પોટલાં સમેટી લેવાં પડ્યાં.. આ હતો ચીની ડ્રેગન નો વર્લ્ડ માર્કેટ પર છવાઈ જવા માટે નો પ્રથમ હુંકાર જેની નોંધ સમગ્ર વિશ્વ એ લેવી જ પડી.

અત્યાર સુધી અલીબાબા એ દુનિયા ના સૌથી મોટા ટ્રેડ સેન્ટર ન્યુયોર્ક સ્ટોક એકચેન્જ માં ચાલીસ થી પચાસ બિલિયન ડોલર ની કંપની તરીકે નોંધણી કરાવી દીધી છે..ક્યાં એવી કંપની જેની શરૂવાત માટે ૨૦, ૦૦૦ ડોલર એકઠાં કરવાં ફાંફા મારવા પડ્યાં અને ક્યાં દુનિયા ની ટોપ લિસ્ટેડ કંપની.

અલીબાબા ની ટોટલ વર્થ માર્ક ઝુકનબર્ગ ની ફેસબુક કરતાં પણ વધુ છે અને eBay અને Amazon સાથે મળી જેટલું ઓનલાઈન વેચાણ કરે છે એનાથી વધુ વેચાણ અલીબાબા કરી નાંખે છે..જેક માં અત્યારે અલીબાબા ગ્રૂપ ના કાર્યકારી અધ્યક્ષ છે અને એની દસ સહાયક કંપની Alibaba.com, Taobao Marketplace, Tmall, eTao, Alibaba Cloud Computing, Juhuasuan, 1688.com, AliExpress.com અને Alipay કાર્યરત છે..

૨૦૧૭ માં અલીબાબા ની ઓનલાઈન લેણદેણ ૩.૫ ટ્રીલીયન ડોલર થી પણ વધી ગઈ હતી..દુનિયા ની સૌથી મોટી ઈ કોમર્સ કંપની તરીકે અલીબાબા દુનિયાભર માં નામના મેળવી ચુકી છે..ટેકનોલોજી ક્ષેત્રે સૌથી વધુ વપરાતું UC BROWSER પણ અલીબાબા ગ્રૂપ ની માલિકી નું છે.

હાંગઝાઉ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે જેક ની મુલાકાત જેંગયિંગ સાથે મુલાકાત થઈ..જે શરૂવાત માં મિત્રતા અને પછી પ્રેમ માં પરિણમી..સાલ ૧૯૮૦ માં જેક અને જેંગયિંગ ના લગ્ન થઈ ગયાં..સુખી લગ્ન જીવન ધરાવતાં બંને ને એક પુત્ર અને એક પુત્રી છે..અને એ પોતાની પર્સનલ લાઈફ સરળ રીતે જીવે છે અને ખૂબ જ ખુશ છે..જો એમની સ્માઈલ જોઈ હોય તો તમે સમજી જાઓ કે આ માણસ સાચે જ હૃદય થી ખુશ છે.

અલીબાબા ની સફળતા બહુ મોટી ઉપલબ્ધી છે..કેમકે ચીન એક કોમ્યુનિસ્ટ દેશ છે અને એમાં ઈન્ટરનેટ નો ઉપયોગ કરી કોઈ સ્ટાર્ટઅપ કંપની ઉભી કરવી અને એને આટલી મોટી હદે સફળતા અપાવવી હકીકત માં સલામ માંગી લે એવું કામ હતું..જે જેક મા અને એનાં અલીબાબા ગ્રૂપ ના સાથીઓ એ કરી આપ્યું..Hats off..!!

અંતે જેક મા ના અમુક સુંદર કવોટ સાથે આ લેખ ની સમાપ્તિ કરીશ..

-જ્યારે હું જે છું એજ રહું છું, ત્યારે હું ખૂબ ખુશ રહું છું.

-તમારે તમારાં પ્રતિસ્પર્ધી જોડે થી શીખવું જોઈએ પણ એની સફળતા જોઈ એની નકલ ના કરવી જોઈએ કેમકે જો નકલ કરી તો તમે ગયાં કામ થી.

-હું એવું નથી ઇચ્છતો કે લોકો મને પસંદ કરે.. પણ એવું ઈચ્છું છું કે લોકો મારું સમ્માન કરે..!!

આપ પણ જો ધીરજ નહીં ગુમાવો અને પોતે જોયેલાં સપના ને પૂર્ણ કરવા દિવસ રાત મહેનત કર્યા કરશો તો ખબર નહીં કાલે તમારા માં થી કોઈ જેક મા બની શકે..!!

***

આ હતી દુનિયા ની સૌથી મોટી સ્ટાર્ટઅપ કંપની અને એનાં ફાઉન્ડર જેક મા ની દાસ્તાન.. યુવા મિત્રો ને બિઝનેસ અંગે ની સૂઝ અને જોશ જગાવવા નાં ઉદ્દેશ થી માતૃભારતી એ આ સ્પર્ધા માં આ વિષય નું ચયન કર્યું એ બદલ એમને અભિનંદન..!!

-જતીન. આર. પટેલ