picture of shinu books and stories free download online pdf in Gujarati

શિનુનો ફોટો

શિનુનો ફોટો
---------------

પરિચય

મિત્ર એ વર્ણવેલા અનુભવ પરથી,

કયારેક પહાડો પર, દરિયાકિનારે તો કયારેક શાંત નદીકાંઠે, હુ અને મારો પરમ મિત્ર, "એકાંત" ઘણીવાર હવાફેર કરવા નીકળી જઈએ. મોટાભાગે મારી પાસે એક મોટી બેગ અને બેકપેક રહેતુ, જેમાં ચાર-પાંચ જોડી કપડાં ને બીજી જરૂરિયાત ની વસ્તુઓ જેમકે દોરડું, સ્વીસ નાઈફ (ચપ્પુ), મારો જુનો કેમરો ને પુસ્તકો લઈ હુ નીકળી પડતો મહિનાઓ સુધી લાંબી યાત્રા પર ને જયારે ઘરની યાદ આવે કે મમ્મીની, ત્યારે જ પાછો ફરતો.

આ એ દિવસો ની વાત છે જયારે હું માઉન્ટ એવરેસ્ટ ને સર કરવા જનારી એક પવૅતારોહી ટુકડીનો સભ્ય હતો. મોટેભાગે હું જંગલો અને નદીકિનારે જ ફરયો છુ અને એ પણ માત્ર ભારત દેશમા, પહેલી જ વાર હુ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર નેપાળમાં હતો. 

માઉન્ટ એવરેસ્ટ જવા માટે નેપાળના સૌથી નાના રન-વે વાળા અને સૌથી જોખમી વિમાનમથક "લુકલા" પર જ ઉતરવુ પડે.
અંહી માત્ર નાના કદના વિમાન જ ઉતરી શકે અને એ પણ જો વિમાનનો પાયલટ અનુભવી હોય તો, સદભાગ્યે હું ને મારી ટીમ હેમખેમ પંહોચી ગયા હતા.

લુકલા એ બરફાચ્છાદિત પર્વતો, અંધિયારા જંગલો, ઝરણાઓ ને ખીણોથી ઘેરાયેલો પ્રદેશ છે. વિમાનમથક ની બહાર ખીણ ને આરે ઉભા રહી નેપાળી ચા પીતા પીતા જોયેલું પ્રકૃતિ નુ નયનરમ્ય ર્દશ્ય આજે પણ યાદ કરૂ તો પોકાર કરી મને પાછુ બોલાવતુ હોય એવુ ભાસે છે.
"લુકલા" થી અમુક કિલોમીટર સુધી જ ડામરનો રસ્તો છે, પછીના કેમ્પ સુધીના રસ્તે કાં તો ચાલવું પડે કાં તો ખચ્ચર કરવુ પડે. 

બપોરના ત્રણ વાગ્યે એક જીપ ગાડી આવી ને અમને પગદંડીવાળા રસ્તા સુધી છોડી ગઈ ને અમે તરત જ ગાડી માથી ઉતરી પડયા. પ્રકૃતિની આટલી બધી સુંદરતા ને વિવિધતા એકસાથે પહેલી વાર જ જોઈ હતી. હું મારો કેમરા લઈ ફોટા પાડવા લાગ્યો ને બાકી બધાએ તાપણું કરી ત્યાં જ થોડી પેટપૂજા કરી લીધી.

શિનુ સાથે ઓળખાણ

"સાહેબ, આ ગાઈડ છે, નામચે બજાર ની પાસે જ જંગલમાં રહે છે. 
એ તમને રસ્તો પણ બતાવશે ને જરૂરિયાત ની વસ્તુઓ કયા મળશે એ પણ જણાવશે"
ગાડી લઈ છોડવા આવેલા શેરપા એ ગાઈડ શેરપાની ઓળખ આપી ને એ પાછો વળી ગયો.

મેં પુછયુ, "શુ નામ છે તારું?"

"'શિનુ શેરપા' થી ઓળખે લોકો" એણે જવાબ દીધો.

"શિનુ સેરપા", સાવ માયકાંગલો પણ કસાયેલા શરીરવાળો, દેખાવે સાવ સામાન્ય પણ બાહોશ,  જંગલમાં જાનવરો સાથે રહેવાવાળો, ખેતી ને આવુ કયારેક ગાઈડનુ કામ કરી પેટિયુ રળવા વાળો ભોળો માણસ.

"સરસ, અંહી બેસ અમારી સાથે ને આ જરૂરિયાત નો સામાન જેમકે દોરડુ, ચપ્પા, બેગ ને ખાવા-પીવાનો સામાન કયા મળશે એ જણાવ" ટીમના લીડર જયોર્જ એ કહયુ.

"તમારે જે કાંઈ પણ લેવુ હોય એ 'નામચે બજાર' મા મળી જાશે, સાહેબ. અને યાદ કરી બધુ ત્યાં થી લઈ લેજો, કેમકે પછી કેમ્પ સુધી રસ્તામાં કાંઈ નહીં મળે." શિનુ ઉવાચ.

પછી અમે બધા એની સાથે ઉતારાના સ્થળે ગયા અને સવાર સુધી ત્યાં રોકાઈ સવારે નામચે બજાર જઈ સામાન લેવાનુ નક્કી કરી સહુ પોતપોતાના કામે વળગ્યા. રોહન ગીટાર વગાડતો હતો, રીતુ અને સૌરભ ખરીદવાની વસ્તુઓ ની યાદી બનાવતા હતા ને બાકી બધા જયોર્જ સાથે સાવચેતી અને કેમ્પ પછી આવી શકનારી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરી રહયા હતા.
હું શિનુ સાથે તાપણા પાસે બેસી આસપાસના જોવાલાયક સ્થળો વિશે વાતો કરતો હતો.
ભાષા સમજવામાં તકલીફ પડી રહી હોવા છતાં અમે જાણે નાનપણના મિત્રો હોઈએ એમ ગપાટા લગાવી રહયા હતા. એણે મને ત્યાં ના જંગલોની, વન્યપ્રાણીઓની, આદિવાસીઓની ને એ લોકોના રોજિંદા જીવન વિશે અઢળક વાતો કહી. અલકમલકની વાતોમાં મધરાત્રિ થઈ ગઈ. ગાત્રો થીજવતી ઠંડી વધવા લાગી. બધા જમી-પરવારી પોતપોતાની સ્લીપિંગ બેગમાં જઈ ભરાઈ ગયા. રાત્રે વરૂ, શિયાળ,દિપડા ને કયારેક વાઘ આવી જવાની બીક ને સાપ ને બીજા કંઈ કેટલાય સરીસૃપ તો ખરા જ, એટલે શિનુ એ મને પણ અંદર ઓરડામાં સૂવા કહયું. પરંતુ મારું મન આકાશમા દેખાતા અસંખ્ય તારલા મા અટવાયુ હતું, જે મારા શહેરમાં પ્રદુષણ ના લીધે ફરી જોવા ન મળે, એટલે મે પણ બહાર સુવાની જીદ કરી. આખરે શિનુએ વચગાળાનો રસ્તો શોધ્યો. છત પર જવાની સીડી ન હોવાથી એણે પાસે ના ઝાડ પર થઈ મને ઓરડાની છત પર પંહોચાડયો ને પથારી પણ કરી આપી. હુ પથારી પર સ્લીપિંગ બેગમાંથી માથુ બહાર રાખી તારલા જોતા જોતા કયારે સુઈ ગયો ખબર ન પડી. ને શિનુ, કેવોક બાહોશ, આટલી ગાઢ ઠંડી મા નામમાત્રના જુના કપડાં પહેરેલો એ માણસ માત્ર એક કુહાડી લઈ રાતભર તાપણા પાસે ચોકીએ બેસી રહયો.

સાહસ કે બેવકૂફી

વહેલી સવારે કંઈક ખખડાટ થતા મારી આંખ ઉઘડી ગઈ. મે જોયુ, જયોર્જ અને બાકી સભ્યો પણ જાગી ગયા હતા ને શિનુએ સૌના માટે ગરમ પાણી ને ચા સાથે નાસ્તા ની વ્યવસ્થા કરી દીધી હતી. મે પણ ચા સાથે નાસ્તો કરયો.

સુરજ હવે માથે ચડયો હતો પણ બરફના ઠંડા પવનની લહેરો ને લીધે તડકો બિલકુલ વરતાતો નહોતો. હું મારો કેમેરો તપાસતો હતો ને બાકી બધા સાથે નામચે બજાર જવાની તૈયારી કરતો હતો. ત્યાં જ એક હ્ર્દય બેસાડી દે એવો અવાજ આવ્યો, આ શુ, આ તો વાઘની દહાડ, સૌ સ્તબ્ધ થઈ એકમેકની સામે જોવા લાગ્યા. 
શિનુ એ અવાજ પરથી જાણે અંતર માપ્યુ હોય એમ કહયુ "પંદર વીસ ગાઉ દુર લાગે છે, ડરશો નહીં". 

મે આમ તો ઘણી વાર વાઘ જોયો છે, પણ પાંજરામાં, જો પ્રાણીસંગ્રહાલય હોય તો પ્રાણી પિંજરામાં ને સફારી હોય તો આપણે, પણ આમ સ્વતંત્ર રીતે વનમાં મોટો થયેલો, જેની ત્રાડ માત્રથી શરીરમાંથી ભયનુ લખલખું પસાર થઈ જાય એવા એ વનના વજીર ને જોવો જ રહયો. ને તરત જ મે શિનુને મારા મનની વાત કહી. શિનુએ પહેલા તો ઘસીને ના પાડી ને બાકી બધાએ પણ બજાર જવાની વાત યાદ અપાવી. પણ મે મારી વાત પકડી રાખી ને વાઘથી ચાર પાંચ ગાઉ દુર રહી માત્ર ફોટો પાડી પાછા આવવાની ખાતરી બતાવી. જયોર્જ મને બહુ માનતો ને મારી ફોટોગ્રાફી વિશે જાણતો, એટલે એ બધાએ બજાર જવુ ને હું, શિનુ ને રોહન આ નવા સાહસ પર એમ નકકી કરી બધા સાંજે મળવાની વાત કરી છુટા પડયા.

શિનુએ એની કુહાડી, દોરડું ને પાણી ની બોટલ લઈ લીધી હતી. રોહને સલામતી માટે એની લાયસન્સ વાળી બંદૂક સાથે લીધી ને મે પણ થોડોક જરૂરી સામાન ને કેમેરો બેગમા નાખી બેગ ખભે કરી. આગળ હું, વચ્ચે રોહન ને સૌથી છેલ્લે ચોતરફ નજર રાખતો શિનુ એમ જંગલોમા થઈ  પહાડીને કિનારે કિનારે અમે આગળ વધ્યા. હું વચ્ચે વચ્ચે ડાફેરા મારતો હોઉ તો શિનુ મને ટોકતો ને રોહન તો વાઘ પાસે જવાની વાતથી જ બિવાયેલો હતો. ડર મને પણ હતો પણ નવુ સાહસ કરવાનો રોમાંચ પણ હતો, જો કોઈ શાંત ને સભાન હતુ તો એ માત્ર શિનુ હતો.

વાઘ સાથે અથડામણ

હજુ થોડુક ચાલતા જ ફરીથી સંભળાયેલ ત્રાડ ના આધારે શિનુએ અનુમાન લગાવી દીધુ હતુ ને 
અમે એ દિશામાં જ આગળ વધી રહયા હતા.
અમારી વાતોમા હતા ને ત્યાં જ ત્રાડ એકદમ નજીક થી સંભળાઈ ને કોઈ કંઈ વિચારે એ પહેલા ઝાડી પાસેથી બે ચમકતી આંખો બહાર આવી ને જોતજોતામા તો વાઘ અમારી સામે આવી ગયો ને દસેક પગલા દુર ઘુરકિયુ કરતા ઉભો રહયો. 

રસ્તાની એક તરફ પહાડી ને બીજી તરફ ઉંડી ખીણ, પાછા રસ્તે ભાગો તો પણ વાઘ એની ઝડપે એકાદ ને તો પાડી જ દે. આવી મનોસ્થિતિ મા જીવન અને મોતની વચ્ચેપણ મે ફોટો લેવાનું નકકી કર્યું. હું કેમેરામાં ચિત્ર સ્પષ્ટ કરતો હતો ને વાઘ થોડો વધુ નજીક આવતા રોહન ગભરાયો ને બેગમાંથી બંદૂક કાઢી એણે ચલાવી દીધી, પણ એ નિશાન ચૂક્યો ને વાઘ માત્ર ઘાયલ થયો. ઘાયલ થયેલો વાઘ ચારે તરફ ઘેરાઈ રહેલા અંધારાથી વધારે ખૂંખાર લાગતો હતો. અને હજુ કોઈ બચાવ કરીએ એ પહેલા વાઘ રોહન તરફ તરાપ મારી ચૂક્યો હતો ને એક ગજબનું ભયંકર પણ અલૌકિક ર્દશ્ય ત્યાં સર્જાયુ હતુ. જાણે પ્રભુ ત્રિકોણમિતિના દાખલા ગણવા માટે ત્રિકોણ દોરતો હોય એમ એકસાથે વાઘે રોહન પર મારેલી તરાપ, મે રોહનને બચાવવા એના તરફ મારેલો કૂદકો, અને શિનુએ કુહાડી લઈ વાઘના માથા પર મારેલો મરણતોલ ફટકો સઘળું એ પ્રકૃતિના કેમરામા કેદ થઈ ગયુ હશે. અંતે મે રોહનને ધકકો મારતા એ બચી ગયો અને વાઘ પણ શિનુની કુહાડી ના ઝટકાથી સ્વર્ગ સિધારી ગયો હતો પણ એ ખૂંખાર વાઘનું શરીર મારી પર  આવતા મારૂ સમતોલન ગુમાવી હું ખીણમાં ધસી ગયો. હું મોતથી અમુક ક્ષણો માટે જ દુર હતો ને ભગવાનની જેમ શિનુએ મારો હાથ પકડી લીધો ને રોહનની સાથે મળી એણે મને ઉપર ખેંચી લીધો. આ બધી ઝપાઝપી માં મારો પગ પુરો મચકોડાઈ ગયો હતો, જયારે ઉભો થયો ત્યારે મને એમ સમજાયું. 

આ બનાવ બન્યો એ સ્થળથી ઉતારાની જગ્યા સુધી પંહોચવા માટેની પણ શક્તિ હવે મારામાં રહી નહોતી, કેમ્પ સુધી પંહોચવુ તો હવે સ્વપ્ન બની ગયુ હતુ. એક તરફ એવરેસ્ટ સુધી પંહોચવાના સપનાના તુટવાનો ડર, મોતથી બચીને આવવાનો હાશકારો, વાઘ ને મોતને ઘાટ ઉતારી દેવા માટેની ગ્લાનિ ને અંહી આવતા પહેલા મમ્મી સાથે સારી રીતે વાત ન કરી હોવાનો રંજ ને મારા કાળજા સમા કેમેરાનુ બેગ સાથે ખીણમાં વિસર્જન જેવા હ્ર્દયમાં એકસાથે હજારો વિચારો ના વંટોળ ઉઠી રહયા હતા. રોહન પણ બિલકુલ ડઘાઈ ગયો હતો. પણ, શિનુ! મોતને આટલી નજીક થી જોયા પછી પણ એ સંપૂર્ણપણે સ્વસ્થ હતો. એ માત્ર મને નજીકના ગામમાં એના ભાઈને ત્યાં લઈ જવાની વ્યવસ્થા મા પડયો હતો. 

અપેક્ષા વગરની સેવા

એ ગામમાં જઈ બળદગાડુ લઈ આવ્યો ને એના ભાઈને પણ સાથે લાવ્યો. મધરાત સુધી મા બે ભાઈઓ મને અને રોહનને ગામમાં ઘર સુધી જાતે ગાડુ ખેંચી લઈ આવ્યા. વૈદે આવીને પાટાપીંડી કરી અને વીસ દિવસ પથારીવશ જ રહેવાની સલાહ આપી. સવારે શિનુનો ભાઈ રોહનને મારી તબિયત ના સંદેશા સાથે ઉતારાની જગ્યા સુધી મુકી આવ્યો. મને હવે મમ્મીની ખુબ જ યાદ આવતી હતી. એક વાર ખુબ જ તાવ આવતા મને દવાખાના ભેગો કરવામાં આવ્યો હતો ને પાંચ દિવસ સુધી મમ્મી એ મારી સેવાચાકરીમા રાત-દિવસ એક કરી નાખ્યા હતા ને મિત્રો પણ બને એટલો સમય મારી પાસે જ બેસી રહયા હતા, પણ આજે મારી આસપાસ એમાનુ કોઈ ન હતુ. હા, શિનુ, એનો ભાઈ ને શિનુની પત્ની એ ત્રણે ખડેપગે મારી સેવામાં ઉભા હતા અને મારી સારસંભાળ મા જરા સરખી પણ કચાશ રાખતા નહોતા. 

ત્યાં ના લોકોનુ જીવન ખૂબજ હાડમારીભર્યુ હતુ. જીવનજરૂરિયાતની વસ્તુઓની કાયમ ખોટ રહેતી. છતાં મારી દરેક જરૂરિયાત વગર કીધે જાણે હું ઘરે જ હોઉ એ રીતે પૂરી કરી દેવાતી.
વૈદ પણ દર બે દિવસે આવી તપાસ કરી જતા ને દવા આપી જતા. શિનુ ના અને એના ભાઈના બાળકો ગામના બીજા બાળકો સાથે મારી આસપાસ બેસી રહેતા. એમના માટે હું કુતૂહલ નુ વિષય બન્યો હતો. હું પણ એમને મારા જીવન વિશે, મારા પ્રવાસો વિશે ને વાઘ સાથે ઝડપ ની વાતો કરતો ને કયારેક દાદી ને યાદ કરતા કરતા એમણે કહેલી વાર્તાઓ કહેતો.
સાંકડમાંકડ ચાર જણા સૂઇ સકે એટલી જગ્યામાં મારો ખાટલો પાથરવામાં આવ્યો હતો. બાળકો મારી સાથે અંદર ને શિનુ ને એની પત્ની બહાર લીંપેલા ચોગાનમાં જ સુઈ જતા.

આમ ને આમ પંદર દિવસ વીતી ગયા પણ આ લાગણીશીલ પ્રજાએ મને કંટાળવા ન દીધો. એ લોકોની દિનચર્યા, જંગલના ઝાડ-પાન, લાકડા ને વનસ્પતિ નો કરાતો ઉપયોગ ને બીજા કેટલાય રિત-રિવાજ ને નિયમો, બાળકોની રમતો ને એમના દેવ-દેવીઓ આ બધુ મારી જીજ્ઞાસા સંતોષતુ હતુ ને સમય વિતતો ચાલ્યો હતો. 
વચ્ચે વચ્ચે શિનુ કેમ્પ પર જઈ મારી પર્વતારોહી ટીમના ખબર જાણી લાવતો ને સાજા થવાનો મારો જોશ વધવા લાગતો. થોડાક બીજા દિવસો વિત્યા પછી મચકોડ ઉતરવા લાગ્યો ને શિનુ પાસેથી ટેકો લેવા લાકડી નો ટુકડો લઈ ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું હતુ.

આશરે પાંત્રીસેક દિવસના અંતે હું બરોબર ચાલવા લાગ્યો હતો. હવે હું મારી ટીમ પાછી વળે એની રાહ જોતો હતો. શિનુ સવારે જ ખબર લાવ્યો હતો કે એ લોકો પરમદિવસે સવારે આવી જશે કેમકે બરફના તોફાન ને લીધે એમને પણ કેમ્પ નં. ૩ થી પાછુ ફરવુ પડયુ છે.
આ સાંભળીને હું ખુશ હતો કે એમને આટલા દિવસે મળીશ ને ઘરે જઈશ ને એવરેસ્ટ સુઇ અમારા માથી કોઈ ન પહોંચ્યા એ વાતે હ્ર્દય દ્રવિત પણ હતુ. કેમેરો શોધવા પણ હું ચાર પાંચ વાર જઈ આખી જગ્યા ફંફોસી આવ્યો હતો ને બધી વાર નિષ્ફળતા જ મળી હતી. 
હું થોડા-ઘણા અંશે શાંત હતો એ માત્ર એ જગ્યાની પ્રકૃતિની સુંદરતા ને ત્યાં ના લોકોનો પ્રેમ જ હતો.

વિદાય

આખરે મારી ટીમ ઉતારાના સ્થળે આવી ગઈ હતી. મારો વિદાય લેવાનો સમય થઈ ગયો હતો. મારો સામાન ભેગો કરી રહયો હતો ને જ્યોર્જ ખુદ ગાડી કરી મને લેવા આવ્યો હતો. એના ચહેરા પર એવરેસ્ટ સર ન કરી શકવાની નિરાશા સ્પષ્ટ વર્તાતી હતી પણ મને સાજો જોઈને એ ખુશ પણ હતો. શિનુના બાળકો રડમસ બની ગયા હતા. આ સાવ અજાણી પ્રજા સાથે મારે એક અજીબ લાગણી બંધાઈ હતી અને હું એમના કરજ નીચે પણ દબાયો હતો. મારી પાસે પડેલી રકમમાંથી થોડાક રૂપિયા મે શિનુને ધર્યા પણ એણે ચોખ્ખી ના પાડી. આટલા બાહોશ વ્યક્તિને ઢીલો પડતા મે પહેલીવાર જોયો. 
અંતે મારૂ સરનામું ને ટેલિફોન નંબર આપી કોઈક મદદની જરૂર પડે તો મને જણાવવાની વાત કરી ભીની આંખે સહુની વિદાય લીધી.
ગાડી જંગલો પાર કરતી કરતી ઉતારાના સ્થળ પર દોડવા લાગી.

શિનુનો ફોટો

આજે એ વાતને વર્ષેક વીત્યુ છે. સવારે શિનુએ ટપાલ મારફત ચીઠ્ઠી ને ડબ્બામા કંઈક મોકલ્યું છે. ચીઠ્ઠી મા માત્ર ખબર પુછી છે ને નીચે લખ્યું છે "તમારી અમાનત આખરે મળી ગઈ".
ડબ્બો ખોલતા જ બીજો એક ડબ્બો જેમાં શિનુની પત્નીએ બનાવેલ મીઠાઇ ના ટુકડા છે. એક મીઠાઈ નો ટુકડો ખાતા ખાતા નીચે જોતા જ બે ઘડી હું સ્તબ્ધ બની ગયો. આ તો મારો જીવ, મારો કેમેરો, મારી ખુશીનો પાર ન રહયો.

પણ કેમેરો બહાર કાઢતા ખબર પડી કે એની મરમ્મત કરવાની જરૂર હતી. કેમેરો સાફ કરીને પછી મે એમાંથી રોલ બહાર કાઢયો ને જોવુ છુ તો પૂરો રોલ બગડી ગયો છે, પણ હતાશ થવાના બદલે એમાથી શુ બચાવી શકાય એવુ વિચારી હું રોલને ફોટોલેબમા આપી આવ્યો,

શુ બચ્યુ જાણો છો,
મે પાડેલા ફોટામાથી માત્ર એક જ ફોટો.
ઝાડને અઢેલીને, હાથમાં કુહાડી લઈ ઉભેલા શિનુનો ઝાંખો થઈ ગયેલો ફોટો.