Chumbkiy Tofan - 8 books and stories free download online pdf in Gujarati

ચુંબકીય તોફાન (ભાગ-૮)

8. અરોરા (Aurora)

કલોલની એ રહેણાંક વસાહતમાં ટોઇલેટ, બાથરૂમ અને રૂમમાંની ટાઇલ્સો વચ્ચેની તિરાડોમાંથી ભુગર્ભ ગેસ નીકળી રહ્યો હતો. અર્જુન અને ડૉ.રાધાકૃષ્ણન એ સોસાયટીના લગભગ તમામ ઘરોનું ચેકીંગ કરી આવ્યાં હતાં. સરકારના કેમીકલ વિભાગ તથા ઓઇલ અને નેચરલ ગેસ વિભાગના સરકારી પ્રતિનિધિઓ પણ ત્યાં મોજુદ હતાં. એ લોકો પણ આ કુદરતી વાયુનું પરિક્ષણ કરી રહ્યાં હતાં. આ સમયે અર્જુનનું મગજ કંઇક અલગ જ થિયરી વિચારી રહ્યું હતું. અમેરિકામાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસનું તળીયું નીચું ગયું હતું જ્યારે અહીં ભારતમાં તળીયું એટલું બધું ઉંચુ આવી ગયું હતું કે ખનિજ તેલ સ્વયંભૂ ઓવરફ્લો થઇ રહ્યું હતું. શું આનો સીધો એવો મતલબ કરી શકાય કે પૃથ્વીના જે છેડા પર ખનિજ તેલ આટલું ઉંચુ આવ્યું એની જ સામેની તરફ, અર્થાત પૃથ્વી પર ભારતની બિલકુલ સામેના છેડે, ખનિજ તેલની સપાટી એટલી જ નીચી ગઇ હોવી જોઇએ. શું ખરેખર આવું સીધું ગણિત કામ કરશે? અર્જુનને એ ખબર હતી કે પૃથ્વી પર ભારતના મિડ-પોઇન્ટથી બિલકુલ સામેનો છેડો દક્ષિણ પૂર્વીય પેસીફીક મહાસાગરમાં આવેલા ઇસ્ટર ટાપુઓ પાસે પડતો હતો. (આ રીતે સામસામેના છેડાના બિંદુઓને ‘એન્ટીપોડ’ કહે છે.) ઇસ્ટર ટાપુઓ પરના ખનિજ તેલનું એક્ઝેટ લેવલ ખબર પડે તો સીધું જ લોજીક લગાવી શકાય. અર્જુન આ બધું વિચારી રહ્યો હતો એ જ વખતે ડૉ.શ્રીનિવાસે એનું ધ્યાન તોડ્યું.

“હેય અર્જુન, ક્યાં ખોવાઇ ગયો! શું લાગે છે?” ડૉ.શ્રીનિવાસે પ્રશ્ન કર્યો.

“મને એવું લાગે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખુબ ઝડપથી ફરી રહ્યું છે. પૃથ્વીના ઉત્તર-દક્ષિણ ધ્રુવો બદલાઇ રહ્યાં છે અને એ પણ આપણા ધાર્યા કરતાં વધારે ઝડપથી! એના કારણે ખનિજ તેલની ઉથલપાથલો થઇ રહી છે. મેં તમને ખનિજ તેલમાં રહેલા મેગ્નેટીક નેનોપાર્ટિકલ્સની વાત કરી હતી ને! બિલકુલ એના પર જ બદલાતા ચુંબકીય ક્ષેત્રની ભયાનક અસરો વર્તાઇ રહી છે.” અર્જુન બોલ્યો.

“હમ્મ.. તો..... હું...... આઇ મીન.... હું સમજી નથી શકતો. શું ખરેખર આ બધું થઇ રહ્યું છે? મને હજી આ બધું સ્વપ્ન જેવું લાગે છે. હું એમ કહેવા માગુ છું કે શું એવું ન બની શકે કે થોડીઘણી તબાહી મચાવ્યા પછી આ ચુંબકીય ધ્રુવો પોતાની જગ્યાએ અટકી જાય? અને એ પ્રોસેસથી પૃથ્વી પર કે માનવજાતિ પર apocalypse (સર્વનાશ) જેવો ખતરો ઉભો ન થાય. શું એ શક્ય ખરૂં?” ડૉ.રાધાકૃષ્ણન સિનિયર સાયન્ટીસ્ટ હોવા છતાં અર્જુનને આ પ્રશ્ન પુછી રહ્યાં હતાં કારણ કે તેમના સહિત દરેકને apocalypse (સર્વનાશ) નો ભય સતાવી રહ્યો હતો.

“શક્ય તો ખરૂ, પણ જે રીતે મોટેપાયે અજુગતી અને આશ્વર્યજનક ઘટનાઓ બની રહી છે એ જોતાં માનવજાતિના સામુહિક અથવા આંશિક વિનાશની શક્યતાઓ વધુ જણાય છે.” અર્જુને સહેજ પણ ગભરાયા વગર પોતાનું મંતવ્ય રજૂ કર્યું. ડૉ.રાધાકૃષ્ણન ચુપ થઇ ગયાં. હવે આગળ બોલવા સાંભળવાનું કંઇ ન હતું.

અર્જુને વોશિંગ્ટન ડી.સી.ના કંટ્રોલ સેન્ટર પર ફોન કર્યો. એને તાત્કાલીક ઇસ્ટર ટાપુઓના ખનિજ તેલના તળીયાના માપનો રિપોર્ટ જોઇતો હતો. આ ઉપરાંત અમેરિકાના અન્ય સ્થળો સાથે ઇસ્ટર ટાપુઓ પરના લેવલની સરખામણીનો રિપોર્ટ પણ જરૂરી હતો. અર્જુને બંને રિપોર્ટ માટે માંગણી જણાવી દીધી. પંદરેક મિનિટમાં તો સામેથી રિપોર્ટ આવી ગયો. ખરેખર ઇસ્ટર ટાપુઓ પર ખનિજ તેલનું તળિયું આખા ઉત્તર-દક્ષિણ અમેરિકન કોન્ટીનેન્ટ્સમાં સૌથી નીચે ગયું હતું અને એટલે જ ભારતમાં એ તળિયું ઉપર આવ્યું હતું. આગળના એનાલીસીસનું કામ સરકારના કેમીકલ વિભાગ તથા ઓઇલ અને નેચરલ ગેસ વિભાગના અધિકારીઓ પર છોડી અર્જુન અને ડૉ.રાધાકૃષ્ણન VSGWRI પાછા આવ્યા.

VSGWRI પહોંચીને અર્જુને બધાં વૈજ્ઞાનિકોને તાકીદે કંટ્રોલ રૂમમાં બોલાવ્યાં. રૂમમાં બધાં વૈજ્ઞાનિકો આવ્યાં એટલે અર્જુને એની વાત શરૂ કરી.

“મિત્રો, મને લાગે છે કે જે પ્રકારની અજાયબ ઘટનાઓ એક પછી એક બની રહી છે એ જોતાં ઘટનાઓ સમાપ્ત થવાની હોય તેમ લાગતું નથી. મારૂં માનવું છે કે આ પ્રકારની ઘટનાઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જ રહેશે. એટલે જ હું એક સુચન કરવા માગું છું અને એ સુચન પર તમારો અભિપ્રાય લેવા માંગુ છું.” અર્જુન થોડો અટક્યો એટલે આતુરતા વધી.

“હું એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવા માંગુ છું. પૃથ્વી પર ઘણા ડીસ્ટર્બન્સીસ પેદા થયાં હોઇ ઘણીબધી અજાયબ પણ વિનાશક ઘટનાઓ બની શકે તેમ છે અને આ બાબતે આપણે લોકોને જણાવવું જ પડશે. લોકોનો સાથ સહકાર લઇએ. અત્યાર સુધી માત્ર સ્વયંસેવકો આપણને ઘટનાઓના સમાચાર આપતા હતાં, હવે આમ આદમી પણ આવા સમાચારો આપણા હેલ્પલાઇન નંબર પર આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરીએ. દરેક ઘટનાનું આપણે જાતે જ એનાલીસીસ કરીશું અને એને એ એનાલીસીસ આ આખા પ્રશ્નને ઉકેલવાના સમગ્ર મોડેલ બનાવવાની દિશામાં આપણને ઘણી મદદ કરશે. આપણે આપણાથી બનતા તમામ પ્રયત્નો કરીશું” અર્જુને તમામ વૈજ્ઞાનિકોની સામે જોયું. બધાં એકબીજાની સામે જોતાં હતાં. કારણ કે આનાથી સારો વિકલ્પ કોઇની પાસે મોજુદ ન હતો, બધા અર્જુનની વાત સાથે સહમત થઇ ગયાં.

એ દિવસે સાંજે જ પ્રેસ કોન્ફરન્સ બોલાવાઇ. અર્જુને ખુદ એનાઉન્સમેન્ટની જવાબદારી સ્વીકારી. ‘કંઇક અજુગતું દેખાય તો અમને કહો’ વાળી જાહેરાત સમાચારો તેમજ સોશિયલ મિડીયા દ્વારા લોકો સુધી તરત જ પહોંચાડવામાં આવી. તમામ વસ્તુઓ પતાવી રાત્રે ૮ વાગ્યાની આસપાસ અર્જુન નવરો પડ્યો. અર્જુને એના હાથ પરની સ્માર્ટ વોચ કમ મોબાઇલમાં સમય જોયો. અચાનક એની નજર તારીખ પર પડી. આજે ૩૦ મી જુલાઇ હતી. આસ્થાની જન્મ તારીખ. આજે સવારથી અર્જુને એના મોબાઇલ સહિતની કમ્પ્યુટર ઓપરેટીંગ સિસ્ટમના નોટિફિકેશન બંધ કર્યા હતાં એટલે દિવસ દરમિયાન તારીખ એના ધ્યાને જ આવી ન હતી. છેક હવે તારીખ પર એનું ધ્યાન પડ્યું. અર્જુન ખુરશીમાંથી એકદમ બેઠો થઇ ગયો. આ બધા ઝમેલામાં અર્જુન એના પોતાના ફેમીલીને જ ભુલી ગયો હતો. અર્જુને કામમાંથી બે કલાકનો બ્રેક લેવાનું વિચાર્યું. એ એની ફ્લાઇંગ કાર તરફ ગયો અને પાંચ મિનિટથીય ઓછા સમયમાં એનાં ઘરના ધાબા પર કારનું લેન્ડીંગ થયું. આસ્થા અર્જુનની જ રાહ જોઇ રહી હતી. એને વિશ્વાસ હતો કે આજે અર્જુન જરૂરથી ઘરે આવશે. અર્જુનની રાહમાં આસ્થા અને તનિશ્કા ભુખ્યા બેઠા હતાં. અચાનક જ અર્જુનને દરવાજા પર ઉભેલો જોઇ આસ્થામાં ઉર્જાનો સંચાર થઇ ગયો. એ દોડીને અર્જુનને ભેટી પડી. એટલી વારમાં તનિશ્કા પણ દોડી આવી અને પપ્પાને ભેટી પડી. પૃથ્વી પર તોળાતા ખતરાના ભયના ઓછાયામાં જન્મદિવસ ઉજવવાનો ત્રણમાંથી કોઇનો મુડ ન હતો, પરંતુ ત્રણેય સાથે મળ્યા અને નિરાંતની ઘડીઓ મળી એ જ એમને મન ઘણી મોટી વાત હતી. અર્જુને આસ્થા અને તનિશ્કા સાથે ધરાઇને વાતો કરી. એમને એમ જ બે કલાક ક્યાં પસાર થઇ ગયા એની ખબર જ ના પડી. બે કલાક થયા એટલે એણે જવા માટે આસ્થાની રજા માંગી. આસ્થા પણ પતિની જવાબદારી સારી પેઠે સમજતી હતી એટલે એણે સુંદર હાસ્ય સાથે અર્જુનને રવાના કર્યો. પોતાની ફ્લાઇંગ કારમાં અર્જુન VSGWRI પાછો ફર્યો.

અર્જુન પોતાની ચેમ્બરમાં બેઠો હતો. રાતના ત્રણ વાગવા આવ્યાં હતાં, પણ અર્જુનને આજે ઉંઘ આવતી ન હતી. એનાં ડેસ્ક પર મેથેમેટીકલ ગણતરીઓ કરેલા (ચુંબકત્વના વિકલ સમીકરણોના) પાનાઓ આમતેમ પડ્યા હતાં. રાત્રિનો પિનડ્રોપ સાયલેન્સ એનામાં જ એક અલગ સુંદરતા લઇને આમતેમ વિખરેલો પડ્યો હતો. ત્રણ વૈજ્ઞાનિકો રાતપાળી કરતાં હતાં એટલે કંટ્રોલ રૂમમાં જાગતા બેઠા હતાં. બાકીના વૈજ્ઞાનિકો પુરતો આરામ ન મળે એવી અડધી-પડધી ઉંઘ લઇ રહ્યાં હતાં. અર્જુન સંપુર્ણ જાગતો બેઠો હતો. અર્જુનનું મગજ અત્યારે એક જ દિશામાં ચાલી રહ્યું હતું. પૃથ્વીને બચાવવાનો એક આઇડીયા એનાં મગજમાં અત્યારે ફરી રહ્યો હતો. છ મહિના પહેલા એક એન્ટી-એટમીક બોમ્બનું સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવેલું. અર્જુનની એવું વિચારી રહ્યો હતો કે પૃથ્વીના પેટાળમાં ડ્રીલ કરી એમાં એન્ટી-એટમીક બોમ્બનો વિસ્ફોટ કરવો. આ બોમ્બમાં એટમીક બોમ્બ જેવી જ સંરચનાઓ હતી. પણ એમાં એન્ટીમેટરના એટમ અર્થાત પ્રતિપદાર્થના પરમાણુઓનો ઉપયોગ થતો. બિલકુલ શુધ્ધ રીતે E=mc2 સુત્ર મુજબ મબલખ ઉર્જા ઉત્પન્ન થતી. એમાં ઉર્જાનો વિસ્ફોટ સામેલ હોવાના કારણે એને બોમ્બ નામ અપાયું. દરેક પરમાણુમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હોય છે. પરંતુ એન્ટીપ્રોટોન, એન્ટીન્યુટ્રોન અને પોઝીટ્રોન પણ અસ્તિત્વ ધરાવી શકે છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં એ ત્રણેયને સ્વતંત્ર રીતે બનાવી પણ દીધાં પરંતુ પરમાણુના સ્વરૂપમાં એને ઢાળવામાં હજી છ મહિના પહેલાજ વૈજ્ઞાનિકોને સફળતા મળી હતી. હજી પણ એ પ્રકારના ગણતરીના પરમાણુઓ જ બની શક્યાં હતાં. અર્જુનનો પ્લાન એ હતો કે વિશ્વના સૌથી ઉંડા ડ્રીલર (શારડી) વડે ખૂબ જ ઉંડે સુધી, કેન્દ્રસ્થ ભાગથી જેટલું નજીક જઇ શકાય એટલું ડ્રીલીંગ કરવું. પૃથ્વીના મેગ્મામાં પણ ના પીગળે એવાં કાર્બન નેનોટ્યુબના બનેલા અદ્યતન ડ્રીલર્સ ઉપલબ્ધ બન્યાં હતાં. એના વડે પ્રતિપદાર્થના કણને પૃથ્વીના પેટાળમાં ઉતારવાના હતાં. અત્યંત નાના પાત્રમાં એ પરમાણુઓને ઉંચા ચુંબકીય ક્ષેત્રની મદદથી હવામાં તરતા રાખવા પડે કારણ કે એ પ્રતિ-પદાર્થના પરમાણુઓ એના પાત્રની દિવાલ (દિવાલ પદાર્થની બનેલી છે) ના સંપર્કમાં પણ આવે તો પદાર્થ + પ્રતિપદાર્થનું એ ભસ્માસુર સંયોજન પ્રચંડ ઉર્જા પેદા કરી દે. જોકે ગણતરીના પરમાણુઓજ હોઇ પેદા થતી ઉર્જા પ્રચંડ હોવા છતાં મનુષ્યના કાબુમાં રહે છે, બેકાબુ થતી નથી. આવા કણોને છેક પૃથ્વીના પેટાળમાં લઇ જઇને પછી મુક્ત કરતાં એ પેટાળમાં અઢળક ઉર્જા પેદા કરે છે. આવી ઉર્જા પૃથ્વીના અક્ષાંશ અને રેખાંશ પર મોટો ચોરસ બને એવા ચાર બિંદુઓ પાસે વિસ્ફોટથી મુક્ત કરવામાં આવે તો ચારે તરફથી પેદા થતી ઉર્જા પૃથ્વીના ધીમા પડતા જતાં અને દિશા બદલી રહેલા ચુંબકીય ક્ષેત્ર (પીગળેલી ધાતુઓના મેગ્નેટીક પ્રવાહો) ને વાળીને મૂળ દિશામાં લાવી દે અને એનાથી આ તબાહીની પ્રક્રિયા અટકી જાય!!

સવારના ચાર વાગવા આવ્યાં હતાં. અર્જુન બારીની બહાર અંધકારમાં ક્યાંક તાકી રહ્યો હતો. બારીમાંથી દેખાતા અંધારામાં છેડે ખુણામાં કંઇક લીલા પ્રકાશ જેવું ચમકી રહ્યું હતું. અર્જુનની એનાં પર નજર પણ પડી. પણ એનાં મગજમાં તો ચુંબકીય ક્ષેત્રના ગાણિતિક સમીકરણો જ ફરતાં હતાં એટલે એણે એ લીલા પ્રકાશનું પગેરૂ શોધવાની ખાસ તસ્દી લીધી નહી. અચાનક કંટ્રોલ રૂમના વૈજ્ઞાનિક ડૉ.જ્યોર્જ દોડતા દોડતા અર્જુનના રૂમમાં પ્રવેશ્યાં.

“શું થયું ડૉ.જ્યોર્જ?” શ્વાસભેર દોડીને આવેલા ડૉ.જ્યોર્જને અર્જુને પુછ્યું.

“સર, જરા બહાર આવીને આકાશમાં તો જુઓ. આવો નજારો તમે ક્યારેય નહી જોયો હોય” ડૉ.જ્યોર્જ દરવાજા તરફ ઇશારો કરતા બોલ્યાં.

અર્જુન જરા ચોંક્યો. વળી પાછી કઇ મુસીબત આવી. એવો તો કેવો નજારો આજે આકાશમાં દેખાઇ રહ્યો છે? અર્જુન ઉતાવળે બહાર આવ્યો. VSGWRI ના એ વિશાળ અને ખુલ્લા કેમ્પસમાંથી અર્જુને આકાશમાં નજર કરી અને એ ખરેખર ચકાચૌંધ થઇ ગયો. આવો નજારો ગાંધીનગરવાસીઓએ પહેલાં ક્યારેય જોયો નહી હોય એટલો સુંદર એ નજારો હતો. આકાશમાંથી લીલો પ્રકાશ ફુટી નીકળ્યો હતો. જાણે ઉર્જાના બનેલા વિરાટ પડદાઓ પવનમાં લહેરાતા હોય એમ એ લીલો પ્રકાશ આમતેમ લહેરાઇ રહ્યો હતો. લીલા પ્રકાશના એ પડદાઓની કિનાર પર ક્યારેક ક્યારેક જાંબલી પ્રકાશ તગતગી ઉઠતો અને ત્યારે જાણે ઇશ્વર કોઇ ઉર્જા સ્વરૂપે પ્રત્યક્ષ દર્શન આપી રહ્યાં હોય એવો અલૌકિક અનુભવ થઇ આવતો. પણ અર્જુનનું મન ભયભીત થઇ ગયું. હવે તો ખતરાની ઘંટડીનો અવાજ અત્યંત વધી ગયો હતો કારણ કે આ પ્રકાશ બીજુ કંઇ નહી પરંતુ અરોરા (aurora) હતો, જેનું બીજું નામ ધ્રુવીય પ્રકાશ છે.

પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બંને ધ્રુવ પ્રદેશોમાં અંત પામતી હોય છે. એટલે સુર્યના હાનિકારક વિકિરણોના ‘આયનો’ (વિદ્યુતભારિત કણો) ક્ષેત્રરેખાઓને સમાંતર ચાલતા ચાલતા છેલ્લે ધ્રુવ પ્રદેશો મારફતે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પ્રદેશોના વાતાવરણમાં પ્રવેશે છે. આવા આયનો વાતાવરણ સાથે આંતરક્રિયા કરી પ્રકાશિત ટશરો ઉત્પન્ન કરે છે, જે મોટેભાગે લીલા અને એ સિવાય જાંબલી, ગુલાબી તથા પીળા રંગો ઉત્પન્ન કરી આકાશમાં પ્રકાશિત રંગોળી બનાવે છે. કુદરતની આ પ્રકાશિત લીલાને અરોરા નામ આપવામાં આવ્યું છે. નોર્વે અને સ્વીડન જેવા સ્કેન્ડેનેવીયન દેશો ઉત્તર ધ્રુવથી અત્યંત નજીક આવેલાં છે તેથી આ પ્રકાશ દેખાવો ત્યાં સામાન્ય વાત છે. આમ તો એ દેશોમાં આ પ્રકાશ, જોનારાને મંત્રમુગ્ધ કરી દે છે. પરંતુ આજે અર્જુન આ પ્રકાશને જોઇને ચિંતિત હતો. ઉત્તર ધ્રુવની નજીકના પ્રદેશોમાં દેખાવો જોઇએ એવો પ્રકાશ આજે છેક ગાંધીનગર સુધી લાંબો થયો હતો એ યોગાનુયોગ ન જ હતો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઠાગાઠૈયા એટલા બધાં વધી ગયાં છે કે એનાં ધ્રુવો એનો પાવર ગુમાવી રહ્યાં છે. કદાચ ઉત્તર ધ્રુવ ગાંધીનગર તરફ સરકી રહ્યો છે. થોડીવારમાં તો એ ધ્રુવીય પ્રકાશનાં ઝળાહળાં એટલા બધા વધી ગયાં કે આખુ રાત્રિ આકાશ લીલી રોશનીમય બની ગયું. એનો પ્રકાશ ખાસ્સો વધી ગયો હતો. પ્રકાશની આટલી તીવ્રતા એક જ અર્થ તરફ દિશાનિર્દેશ કરતી હતી અને એ અર્થ અર્જુનનું બ્લડપ્રેશર વધારી રહ્યો હતો. એ અર્થ એ હતો કે ખરેખર ઉત્તર ધ્રુવ ગાંધીનગર તરફ સરકી રહ્યો છે.