From the Earth to the Moon (Sequel) - 13 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 13

પ્રકરણ ૧૩

ચન્દ્રના મેદાનો

પરોઢિયે અઢી વાગ્યે ગોળો ચન્દ્રના તેરમા રેખાંશ અને પાંચસો માઈલના અંતરે હતો જેને ઘટાડીને ટેલિસ્કોપે પાંચ માઈલ જેટલું કરી દીધું હતું. તે હજી પણ અસંભવ લાગતું હતું, જો કે તેઓ હજી પણ ચન્દ્રના કોઈ એક ભાગને તો સ્પર્શ કરશે જ એવી શક્યતા જરૂર હતી. તેની હેતુ પ્રાપ્ત કરવા માટેની ગતિ એટલી સાધારણ હતી કે પ્રમુખ બાર્બીકેન માટે તે તદ્દન અયોગ્ય હતી. ચન્દ્રથી માત્ર આટલે દૂર હોવાથી ખરેખરતો ગોળો તેના આકર્ષણને પ્રાપ્ત કરી ચૂક્યો હોવો જોઈતો હતો. કશુંક અસાધારણ તેને એમ કરવાથી બચાવી રહ્યું હતું. આ ઉપરાંત તેઓ આમ થવાનું કારણ શોધવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. ચન્દ્રની તમામ રાહત હવે તેમનાથી દૂર થઇ રહી હતી અને તેઓને તેની એક પણ વિગત ચૂકી જવી પોસાય તેમ ન હતું.

ટેલિસ્કોપના કાચ નીચે અંતર માત્ર પાંચ માઈલ દૂર હતું. શું એક અવકાશયાત્રી આ અંતરને પૃથ્વીથી કાપી ચન્દ્રની ધરતીને ઓળખી શકવા માટે સક્ષમ હતો? આપણે એ અંગે કશું કહી શકીએ તેમ નથી, કારણકે સહુથી મોટું આરોહણ પચીસ હજાર ફૂટથી વધારે દૂર ન હતું.

જો કે આ જ વિગત બાર્બીકેન અને તેમના સાથીદારોએ આટલી ઉંચાઈએથી જોઈ. વિવિધ રંગોના મોટા ધાબાં ચન્દ્રની સપાટી પર જોવા મળ્યા. તેઓ અસંખ્ય અને જીવંત ભાસતા હતા. જુલિયસ શિમીટે એવો દેખાડો કર્યો હતો કે જો પૃથ્વીના સમુદ્રો સુકાઈ જાય, તો ચન્દ્ર પરથી આવેલો નિરીક્ષક સમુદ્રોના રંગોના પ્રકારને ખંડોના મેદાનોના રંગોથી એટલી સારી રીતે જુદા ન પાડી શકે જેટલા પૃથ્વી પરનો નિરીક્ષક એમ કરી શકે. તેના કહેવા અનુસાર સમુદ્રોના નામે ઓળખાતા મોટા મેદાનોમાં સમાનતા ધરાવતા રંગો ઘાટા ભૂખરા રંગના હોય છે જેને લીલા અને બદામી રંગ સાથે ભેળવી દેવામાં આવ્યા છે. કેટલાક વિશાળ ખાડાઓ પણ આ પ્રકારે જ દેખાતા હોય છે. બાર્બીકેન જાણતા હતા કે એ જર્મન અવકાશશાસ્ત્રીના અભિપ્રાયને બોએર અને મોડલર દ્વારા પણ માન્ય રાખવામાં આવ્યો હતો. તેમના તરફે તો આ અભિપ્રાય સાચો પડ્યો હતો પરંતુ કેટલાક અવકાશશાસ્ત્રીઓએ એવું માન્યું હતું કે ચન્દ્રની સપાટી માત્ર ભૂખરા રંગની જ છે. જુલિયસ શિમિટના કહેવા અનુસાર ‘સેરેનીટી એન્ડ હ્યુમર્સ’ ના દરિયાઓના સ્થળે કેટલાક ભાગમાં લીલો રંગ દેખાઈ શકતો હતો. બાર્બીકેને એમ પણ નોંધ્યું હતું કે કેટલાક મોટા ખાડાઓ જેની અંદર શંકુ આકાર ન હતો, તેમાં ભૂરા રંગની ઝાંય પડતી હતી જેવી રીતે તાજા પોલીશ કરેલા લોઢા પર પડતી હોય છે. આ રંગો ખરેખર ચન્દ્રના જ હતા, અને કેટલાક અવકાશશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે ટેલિસ્કોપની અધુરપને લીધે પૃથ્વી પરના વાતાવરણમાંથી જોવાને લીધે તે ખામીયુક્ત હતા.

બાર્બીકેનના મનમાં હવે કોઈજ શંકા રહી ન હતી, કારણકે તેમણે સમગ્ર અવકાશનું વ્યવસ્થિત નિરીક્ષણ કર્યું હતું અને તેઓ હવે કોઇપણ દ્રશ્યમાન ભૂલ કરવાના ન હતા. આ હકીકતોની સ્થાપનાને તેમણે વિજ્ઞાનની સંપત્તિ હોવાનું માન્યું. હવે, આ લીલા રંગના ડાઘ, શું કોઈ ખાવાલાયક છોડના હતા જેણે ઓછી ઘનતા ધરાવતા વાતાવરણે સાચવી રાખ્યા હતા? તેઓ આ સમયે તો એ અંગે કશું જ કહી શકવા માટે સમર્થ ન હતા.

આ ઉપરાંત, તેમણે લાલ રંગની આભા જોઈ જે ઓળખી શકાય એવી હતી. આ જ પ્રકારની આભા તેમણે અગાઉ એક છૂટા વાડા જેવી જગ્યામાં જેને લિચટેનબર્ગના વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે અને તે હર્ષિનીયન પર્વતોની નજીક ચન્દ્રની સીમા રેખા પર આવેલી હતી, પરંતુ તેનો સ્વભાવ કહી શકાય તેમ ન હતો, ત્યાં જોઈ હતી.

ચન્દ્રની બીજી વિશેષતા અંગે તેઓ વધારે ભાગ્યશાળી નીકળ્યા, પરંતુ તેનું કારણ તેઓ જાણી શક્યા ન હતા.

માઈકલ આરડન પ્રમુખની બાજુમાંથી જોઈ રહ્યો હતો, ત્યારે તેણે લાંબી સફેદ રેખાઓ જોઈ જે સીધા સૂર્યકિરણોથી સ્પષ્ટપણે ચમકી રહી હતી. આ રેખાઓ જાણેકે ચન્દ્ર પર કોઈએ હળ ચલાવ્યું હોય તેમ એકપછી એક ગોઠવાઈ ગઈ હતી જે તેમણે થોડા જ સમય અગાઉ કોપરનિકસના કિરણોમાં જોઈ હતી, આ રેખાઓ એકબીજાની સમાંતરે ગોઠવાયેલી હતી.

માઈકલ, જે કાયમની જેમ પોતાનો અભિપ્રાય આપવા માટે તૈયાર હતો તેણે ઉતાવળે કહી દીધું:

“જુઓ, ખેતરો!”

“ખેતરો?” નિકોલે પોતાના ખભા હલાવતા કહ્યું.

“તમામ પ્રકારે અહીં વાવેતર કરવામાં આવ્યું છે,” માઈકલ આરડને ભારપૂર્વક કહ્યું, “પરંતુ વિચારો આ ચન્દ્રવાસીઓ પાસે કેવા ખેતમજૂરો હશે અને કેવા રાક્ષસી બળદો તેમણે આ પ્રકારના વિશાળ ચાસ પાડવા માટે ઉપયોગમાં લીધા હશે!”

“એ ખેતરના ચાસ નથી,” બાર્બીકેને કહ્યું, “એ તિરાડો છે.”

“તિરાડો? બસ?” માઈકલે શાંતિથી જવાબ આપ્યો; “પરંતુ તમે વૈજ્ઞાનિક વિશ્વમાં આ તિરાડને શું કહેશો?”

બાર્બીકેને તરતજ પોતાના મિત્રને ચન્દ્રની તિરાડો વિષે જ્ઞાન આપ્યું. તેમને ખ્યાલ હતો કે સમગ્ર ચન્દ્ર પર આ પ્રકારના ચાસ જોવા મળે છે જે કાયમ વિશાળ કદના નથી હોતા; અને આ પ્રકારના ચાસ, સામાન્ય રીતે છૂટાછવાયા હોય છે અને લંબાઈમાં ચારસો થી પાંચસો લિગ્ઝ જેટલા હોય છે અને તેમની પહોળાઈ એક હજારથી પંદરસો યાર્ડ્સ જેટલી વિવિધ પહોળાઈઓ ધરાવતી હોય છે અને તેની સીમાઓ કાયમ સમાંતર જ હોય છે, પરંતુ તેમને તેના પ્રકાર અને તેની બનાવટ વિષે કોઈજ માહિતી ન હતી.

બાર્બીકેને પોતાના દૂરબીનથી આ તિરાડોનું અત્યંત ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું. તેમણે નોંધ્યું કે તેની સીમાઓ સીધા ઢાળ ધરાવતી હતી; તેઓ જાણેકે કોઈ કિલ્લાની સમાંતર ભીંત હોય એવી લાગતી હતી અને થોડી કલ્પનાશક્તિનો ઉપયોગ કરીએ તો એમ કહી શકાય કે જાણેકે ચન્દ્રવાસીઓના એન્જીનીયરોએ કિલ્લેબંધી કરી હોય એવું પણ લાગી રહ્યું હતું. આમાંથી કેટલીક તિરાડો એકદમ સીધી જ હતી, જાણેકે કોઈ રેખા દ્વારા તેને કાપી નાખવામાં આવી હોય; બીજી રેખાઓ થોડીઘણી વળાંકવાળી હતી, પરંતુ તેમ છતાં તેઓની સીમાઓ તો સમાંતર જ હતી, કેટલીક તિરાડો એકબીજામાંથી પસાર થતી હતી તો કેટલીક ખાડાઓને કાપીને પણ આગળ વધતી હતી, અહીં તે સામાન્ય પોલાણોમાંથી, જેવાકે, પોસીડોનીયસ અથવા પેટાવિયસમાંથી કે પછી સી ઓફ સેરેનીટીમાંથી પસાર થઇ રહી હોય એવું ભાસતું હતું.

આ પ્રકારના કુદરતી આશ્ચર્યો કુદરતીરીતે આ પૃથ્વીવાસીઓને ચોંકાવી રહ્યા હતા. સહુથી પ્રથમ નિરીક્ષણોમાં આ તિરાડો શોધવામાં આવી ન હતી. હેવેલીયસ, કેસીન, લા હાયર કે પછી હર્ષેલને પણ જાણેકે તેના વિષે કોઈજ જ્ઞાન ન હતું. એ સ્કોર્ટર હતો જેણે ૧૭૮૯માં આ અંગે લોકોનું ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ અન્યો, જેમકે, પાસ્ટોર્ફ, ગ્રુથ્યુસેન, બોઅર અને મોડલરે તેના પર વધારે અભ્યાસ કર્યો. આ સમયે તેની સંખ્યા સિત્તેર જેટલી હતી પરંતુ તેમની જો સરખી ગણતરી કરવામાં આવી હોવા છતાં તેના સ્વભાવ અંગે કશું પણ નક્કી થઇ શક્યું ન હતું, તે ખરેખર કોઈ કિલ્લેબંધી તો ન હતી જ, તે પ્રાચીન નદીઓ જે હવે સુકાઈ ગઈ હશે તેનાથી વિશેષ પણ ન હતું, એક તરફ ચન્દ્રની સપાટી પર પાણીનું પ્રમાણ અત્યંત ઓછું હતું જે પોતાની જાતે આ રીતે સુકાઈ જાય એ શક્ય ન હતું, તો બીજી તરફ તે ઉંડા ખાડાઓમાંથી પણ ઘણીવાર પસાર થઇ શકતું હતું.

જો કે અહીં આપણે એમ જરૂરથી કહેવું જોઈએ કે માઈકલ આરડન પાસે એક ‘વિચાર’ હતો જે સંયોગવશાત જુલિયસ શિમીટના વિચાર સાથે મેળ ખાતો હતો, જો કે આ સંયોગની તેને ખબર ન હતી.

“શા માટે?” તેણે પૂછ્યું, “શું આ અયોગ્ય દેખાવને સરળતાથી વનસ્પતિ ઉગવાની ઘટના તરીકે ન ઓળખવામાં આવે?”

“એટલે તું કહેવા શું માંગે છે?” બાર્બીકેને તરત જ પૂછ્યું.

“ઉતાવળા ન થાવ મારા પ્રિય પ્રમુખ સાહેબ,” માઈકલે જવાબ આપ્યો; “શું એ શક્ય નથી કે પેલી ઘટ્ટ રેખાઓ એ સળંગ વૃક્ષો દ્વારા બનાવવામાં આવેલી કિલ્લેબંધી ન હોય?”

“તો પછી તું તારા વનસ્પતિશાસ્ત્રને વળગી રહેવા માંગે છે, બરોબર?” બાર્બીકેને કહ્યું.

“મને એમ કરવું ગમે છે,” માઈકલ આરડને જવાબ આપ્યો, “કારણકે તમે જ્ઞાનીઓ પણ એનો જવાબ આપી શકતા નથી, મારા તુક્કાઓ પાસે એવો તર્ક તો છે જ કે શા માટે આ તિરાડો અમુક ચોક્કસ ઋતુઓમાં અદ્રશ્ય થઇ જાય છે?”

“અચ્છા, તો એની પાછળ શું કારણ છે?”

“કારણ એટલું જ છે કે આ વૃક્ષો જ્યારે પોતાના પાંદડાઓ ગુમાવી દે છે ત્યારે અદ્રશ્ય થઇ જાય છે અને જ્યારે તેને પરત મેળવે છે ત્યારે ફરીથી દ્રશ્યમાન થાય છે.”

“તમારી દલીલ બુદ્ધિશાળી છે, મારા પ્રિય મિત્ર,” બાર્બીકેને જવાબ આપ્યો, “પરંતુ તે માની શકાય તેવી નથી.”

“કેમ?”

“કારણકે, ચન્દ્ર પર કોઈજ ઋતુઓ હોતી નથી, અને આથી તમે જે વનસ્પતિશાસ્ત્રની દલીલ કરી રહ્યા છો તેને માનવી શક્ય નથી.”

વાત પણ સાચી હતી, કારણકે ચન્દ્રની ધરીની થોડી અપૂર્ણતા સૂર્યને તેના દરેક અક્ષાંશની સમાંતર ઉંચાઈએ રાખતી હતી. મધ્યરેખાની ઉપરના ક્ષેત્રોમાં સૂર્ય લગભગ તમામ વિસ્તારમાં પોતાની હાજરી પૂરાવતો હતો અને ધ્રુવિય હદને પણ પસાર નહોતો કરતો અને દરેક વિસ્તારમાં ગુરુના ગ્રહની જેમજ જ્યાં તેની ધરી થોડી જ તેના ઉપગ્રહ સમક્ષ ઝૂકતી હતી, અહીં પણ ખતરનાક શિયાળો, શરદ, ઉનાળો અને પાનખર ઋતુઓનો અનુભવ થતો હતો.

આ તિરાડોનું મૂળ ક્યાં હશે? આ પ્રશ્નનો જવાબ મેળવવો મુશ્કેલ હતું. તે ખાડાઓ અને વર્તુળોના પુરોગામી હતા, તેમાંથી ઘણી તો તેમની ગોળાકાર કિલ્લેબંધીને તોડીને આગળ વધતી હતી. આથી એમ લાગી રહ્યું હતું કે તાજેતરના ભૌગોલિક યુગની સમાંતર હતી અને તે કુદરતી પરીબળોના વિકાસ માટે તૈયાર હતી.

પરંતુ ગોળો હવે ચન્દ્રના ચાલીસમાં અક્ષાંશ સુધી પહોચ્યો હતો અને તેનું અંતર હવે ચાલીસ માઈલથી વધારે ન હતું. દૂરબીનો દ્વારા તો તેનું અંતર માત્ર ચાલીસ માઈલ જ દેખાડતું હતું.

આ સમયે તેમની નીચે માઉન્ટ હેલીકન પંદરસો વીસ ફૂટની ઉંચાઈએ ઉભો હતો અને તેની આસપાસ અન્ય ટેકરીઓ હતી જેમાં ‘વરસાદના સમુદ્રો’નો કેટલોક ભાગ સમાઈ જતો હતો જેને ગલ્ફ ઓફ આઈરીસ તરીકે ઓળખવામાં આવતો હતો. પૃથ્વીનું વાતાવરણ એકસોને સિત્તેર ગણું સ્વચ્છ હોવું જોઈએ જો અવકાશશાસ્ત્રીઓને ચન્દ્રની સપાટીનું યોગ્ય નિરીક્ષણ કરવું હોય તો, પરંતુ જે અવકાશમાં ગોળો તરી રહ્યો હતો તેમાં નિરીક્ષકની આંખ અને તે જે પદાર્થ જોઈ રહ્યો છે તેની વચ્ચે કશુંજ ન હતું. આ ઉપરાંત, બાર્બીકેન એ તમામ અંતરોથી વધારે નજીક આવી પહોંચ્યા હતા જેને સહુથી શક્તિશાળી ટેલિસ્કોપે પણ ન જોઈ શક્યું હોત જે લોર્ડ રોસ પાસે હતું કે પછી રોકી માઉન્ટન પર સ્થિત હતું. આથી તે એવી અત્યંત આરામદાયક જગ્યા પર હતા જ્યાંથી ચન્દ્ર પર વસ્તી છે કે નહીં તે પ્રશ્નનો તેઓ ઉકેલ લાવી શકે; પરંતુ જવાબ હજી પણ તેમનાથી દૂર હતો; તેઓ રણની ટેકરીઓ, વિશાળ મેદાનો અને ઉત્તર તરફ ઊંચા પહાડો સિવાય બીજું કશુંજ ઓળખી શકતા ન હતા. એક મનુષ્યનો હાથ કે પછી તેના પગલાંની છાપ કે પછી પ્રાણીઓનું કોઈ ઝુંડ કે એવું કશું પણ નહીં, કે તેની જરાક જેટલી નિશાની પણ નહીં જે એમ કહી શકે કે અહીં જીવન છે. જીવન ન હોવા ઉપરાંત અહીં શાકભાજીનું પણ કોઈ નામોનિશાન જોવા નહોતું મળતું. પૃથ્વીને વહેંચતા ત્રણ રજવાડાંઓમાંથી ચન્દ્ર પર એકજ બાબત જ જોવા મળતી હતી અને તે હતું ખનીજ.

“ખરેખર!” માઈકલ આરડન બોલ્યો, ચહેરો સ્થિર રાખીને; “શું તમે કશું જ નથી જોયું?”

“ના,” નિકોલે જવાબ આપ્યો; “અત્યારસુધીમાં કોઈજ માણસ નહીં, કોઈજ પ્રાણી નહીં કે વૃક્ષ પણ નહીં! આખરે વર્તુળોના કેન્દ્રમાં અને ખાડાઓના તળીયે કે પછી ચન્દ્રની સપાટીની વિરુદ્ધ દિશામાં વાતાવરણ હશે કે કેમ આપણે કશું જ નક્કી કરી શકીએ એમ નથી.”

“આ ઉપરાંત,” બાર્બીકેને ઉમેર્યું “તિક્ષ્ણ આંખો ધરાવતો વ્યક્તિ પણ સાડાત્રણ માઈલ દૂરનું જોઈ શકતો નથી, આથી જો કોઈ ચન્દ્રવાસી હશે તો તે આપણો ગોળો જોઈ શકતો હશે પરંતુ આપણે તેને જોઈ શકતા નથી.”

સવારના ચાર વાગવાના હતા, પચાસ રેખાંશની ઉંચાઈએ અંતર ઘટીને ત્રણસો માઈલ થયું હતું. ડાબી તરફ સંપૂર્ણ પ્રકાશ વચ્ચે પર્વતોની હારમાળાને કુશળતાથી કંડારવામાં આવી હતી. જમણી તરફ તેનાથી વિરુદ્ધ એક કાળો ખાડો હતો જે એક મોટા કૂવા જેવો દેખાતો હતો અગાધ અને નિરાશ, ચન્દ્રની ધરતીમાં ઉંડે સુધી સમાઈ ગયેલો.

આ ખાડો ‘બ્લેક લેક’ હતો, તેને પ્લુટો પણ કહેતા હતા, એક ઉંડું વર્તુળ જેને પૃથ્વી પરથી પણ આરામથી જોઈ શકાતું હતું, જ્યારે પૂર્ણિમા આવવાના અમુક દિવસો બાકી હોય ત્યારે, જ્યારે પશ્ચિમથી પૂર્વ તરફ પડછાયા પડે ત્યારે.

આ કાળો કલર કદાચ જ ચન્દ્રની ધરતીના રંગ સાથે ભાગ્યેજ મેળ ખાય. અત્યારસુધી સર્કલ ઓફ એન્ડીમીયનની ઉંડાઈ પુરતી જ તેની ઓળખ હતી જે ‘કોલ્ડ સી’ ના પશ્ચિમે, ઉત્તરી ગોળાર્ધમાં અને ગ્રીમાલ્ડી સર્કલના તળીયે, ચન્દ્રની પૂર્વી સરહદ તરફ આવેલો હતો.

પ્લુટો એક ચક્રાકાર પર્વત હતો જે ઉત્તરે એકાવન અક્ષાંસ અને પૂર્વે નવ અંશ રેખાંશ પર સ્થિત હતો. તે સુડતાલીસ માઈલ લાંબો અને બત્રીસ માઈલ પહોળો હતો.

બાર્બીકેનને એ બાબતની નિરાશા થઇ કે તેઓ આટલા પહોળા પર્વતની ઉપરથી પસાર નહોતા થઇ રહ્યા. તેનું પાતાળ ઉંડું હતું, કદાચ તેમાં કોઈ રહસ્યમય ઘટના જે ચોંકાવી દે તે છુપાયેલી હતી; પરંતુ હવે ગોળાનો રસ્તો બદલી શકાય તેમ ન હતો. તેમણે હવે એ રસ્તાને મક્કમતાથી વળગી રહેવાનું હતું. તેઓ કોઈ ફુગ્ગામાં સફર નહોતા કરી રહ્યા, તેઓ બંધ દિવાલો ધરાવતા એક ગોળામાં હતા. સવારે પાંચ વાગ્યાની આસપાસ સી ઓફ રેઇન્સની ઉત્તરી સરહદને પસાર કરી લેવામાં આવી. માઉન્ટન ઓફ કોન્ડેમાઈન અને ફોન્ટેનેલ બાકી રહ્યા હતા – જેમાંથી એક જમણી તરફ હતો અને બીજો ડાબી તરફ. સાઈઠ અંશના ખૂણે ચન્દ્રનો કેટલોક ભાગ લગભગ પર્વતાકાર ભાસી રહ્યો હતો. કાચમાંથી હવે અંતર બે માઈલથી પણ નજીકનું હતું, જે સમુદ્રના તળિયેથી મોન્ટ બ્લાન્કની ટોચ વચ્ચેના અંતર જેટલું હતું. સમગ્ર ક્ષેત્ર વર્તુળો અને અણીદાર ખડકોથી ભરેલા હતા. સાઈઠ અંશે ફિલોલસ તેની પાંચ હજાર પાંચસો પચાસ ફૂટની પ્રબળ ઉંચાઈને લીધે પોતાના અપૂર્ણ ખાડા સાથે ઉભો હતો અને આ અંતરેથી તેનો દેખાવ અદભુત ભાસતો હતો. આ દ્રશ્ય પૃથ્વી પરથી જે રીતે દેખાતું હતું તેનાથી સાવ અલગ દેખાઈ રહ્યું હતું અને તેનાથી ઉણું પણ ઉતરતું હતું.

ચન્દ્ર પર વાતાવરણ ન હોવાનું અને આ પ્રકારે વાયુનું રક્ષણ ન હોવાના પરિણામો અત્યારથી જ જોવા મળી રહ્યા હતા. તેની સપાટી પર સંધ્યાકાળ ન હતો, રાત્રી પછી દિવસ અને દિવસ પછી રાત્રી, જાણેકે વારંવાર કોઈ દીવો ચાલુ અને બંધ કરવાથી નિરાશાજનક વાતાવરણ થઇ જાય, ઠંડીમાંથી ગરમીમાં કોઇપણ પ્રકારનો બદલાવ જોવા નહોતો મળતો, ઉકળતા પાણીનું તાપમાન તરતજ અવકાશની ઠંડીમાં ઘટી જાય એવી પરિસ્થિતિ હતી.

હવાની ગેરહાજરીને લીધે ઉભું થતું એક પરિણામ એવું પણ હતું કે સૂર્યના કિરણો અહીં પ્રસરી શકતા ન હતા. જેને પૃથ્વી પર પ્રકાશનું પ્રસરણ કહેવાય છે જે સંધ્યા અને પ્રભાતનું નિર્માણ કરે છે, જે સંપૂર્ણ પડછાયો કે પછી અંશત: પડછાયો બનાવી શકે છે તે ચન્દ્ર પર થવું શક્ય ન હતું. આથી વિરોધાભાસ માટે માત્ર બે જ રંગ હતા, કાળો અને સફેદ. જો કોઈ ચન્દ્રવાસીને સૂર્યના કિરણો તરફ જોવું હોય તો તેને આકાશ સંપૂર્ણપણે કાળું દેખાશે અને તારાઓ અમાસની રાત્રીની જેમ તેને ચમકતા દેખાશે. વિચાર કરો આ વિચિત્ર દ્રશ્યે બાર્બીકેન અને તેના બંને મિત્રો પર કેવી અસર કરી હશે? તેમની આંખો ગૂંચવાઈ ગઈ હતી. તેઓ હવે વિવિધ મેદાનો વચ્ચેનું અંતર નક્કી કરી શકતા ન હતા. ચન્દ્રની ધરતી પૃથ્વી પરના કોઈ ચિત્રકાર દ્વારા જો દોરવામાં આવે તો તે સફેદ કાગળ પર રંગના છાંટણા સિવાય વધારે કશું જ ન હોઈ શકે.

આ પાસું ત્યારે પણ ન બદલાયું જ્યારે ગોળો એંશી અંશની ઉંચાઈ પર હતો અને તે ચન્દ્રથી માત્ર પચાસ માઈલના અંતરે હતો, અને ત્યારે પણ ન બદલાયું જ્યારે, સવારે પાંચ વાગ્યે, તે માઉન્ટન ઓફ જિયોયાથી પચ્ચીસ માઈલથી પણ ઓછા અંતરેથી પસાર થયો, જે દૂરબીનથી માઈલનો માત્ર ચોથા ભાગ જેટલુંજ હતું. એવું લાગ્યું કે ચન્દ્રને હવે હાથથી પણ સ્પર્શ કરી શકાય છે.

બહુ અગાઉથી એ અશક્ય લાગતું હતું કે ગોળો તેને સ્પર્શી નહીં શકે, કદાચ જો ઉત્તર ધ્રુવને પણ સ્પર્શે તો કાળા આકાશમાં તે અત્યંત સુંદર દેખાઈ રહ્યો હતો.

માઈકલ આરડનને ગોળાનો એક દરવાજો ખોલીને પોતાની જાતને ચન્દ્રની ધરતી પર ફેકી દેવી હતી! પરંતુ તે એક નિષ્ફળ પ્રયાસ હોત, કારણકે ગોળો ચન્દ્રના કોઇપણ હિસ્સા પર ઉતરાણ કરવાનો ન હતો, માઈકલના મનની વાત મનમાં જ રહી ગઈ.

એ સમયે, છ વાગ્યે, ચન્દ્રનો ધ્રુવ દેખાયો. મુસાફરોની નજરે અડધો હિસ્સો અત્યંત ચમકદાર અને બીજો હિસ્સો અંધકારમાં ગરક થઇ ગયો હતો એવું લાગી રહ્યું હતું. અચાનક જ ગોળો અત્યંત ચમકદાર પ્રકાશ અને સંપૂર્ણ અંધકારને છુટા પાડતી સીમાની વચ્ચેથી પસાર થયો અને પ્રગાઢ રાત્રીમાં કુદી પડ્યો.

***