From the Earth to the Moon (Sequel) - 14 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 14

પ્રકરણ ૧૪

ત્રણસોને ચોપન કલાકની રાત્રી

આ સમયે જ્યારે આ ઘટના અત્યંત ઝડપથી બની રહી હતી, ગોળો ચન્દ્રના ઉત્તર ધ્રુવથી પચીસ માઈલ જેટલો જ દૂર હતો. અંતરીક્ષના અંધકારમાં કુદકો મારવા માટે ગણતરીની જ સેકન્ડ્સ પર્યાપ્ત હતી. પરિવર્તન એટલું ઝડપથી થયું હતું કે, કોઇપણ પ્રકારના પડછાયા વગર, પ્રકાશના ક્રમશઃ ઘટાડા વગર, ચન્દ્રના નિર્બળ મોજાઓ વગર આ ઉપગ્રહ જાણેકે કોઈ શક્તિશાળી આઘાતને લીધે ઝાંખો પડવા લાગ્યો.

“ઓગળી ગયો, અદ્રશ્ય થઇ ગયો!” માઈકલ આરડને દિગ્મૂઢ થઈને કહ્યું.

ખરેખર, ત્યારે કોઇપણ પ્રકારનું પ્રતિબિંબ કે પડછાયો ન હતો. થોડા જ સમય અગાઉ જે ચળકાટ દર્શાવતો હતો તેનો એક અંશ પણ દેખાતો ન હતો. અંધકાર પૂર્ણ હતું, અને તારાઓના કિરણો દ્વારા તે વધુ પ્રસ્તુત થયું. આ એવી ‘કાળાશ’ હતી જેનાથી ચન્દ્રની રાત્રીઓ ઉત્સાહિત બનતી હતી, જે ચન્દ્રના બંને ધ્રુવો પર સાડા ત્રણસોને ચોપન કલાક સુધી ટકી રહેતી હતી, એક એવી લાંબી રાત્રી જે ચન્દ્રની રૂપાંતરિત અને ફરતી રહેનારી એક સરખી હલનચલનનું પરિણામ હતી. ગોળો ઉપગ્રહના શંકુ આકારના પડછાયામાં પ્રવેશ પામ્યો, સૂર્યકિરણની ક્રિયાનો અનુભવ તેને તેના અદ્રશ્ય બિંદુઓ કરતા જરાય વધુ ન થયો.

આંતરિક ભાગમાં અસ્પષ્ટતા પૂર્ણ હતી. તેઓ એકબીજાને જોઈ શકતા ન હતા. આથી અંધકારને વિખેરવાની અત્યંત જરૂરિયાત ઉભી થઇ હતી. ગેસને બચાવવા માટે બાર્બીકેનની ભલેને ગમે તેટલી મોટી ઈચ્છા હોય, તેનો ભંડાર ઘણો ઓછો હતો, આથી તેમને એ અકુદરતી પ્રકાશ મેળવવો હતો જેની તેજસ્વિતા સૂર્ય દ્વારા નકારવામાં આવી હતી.

“એ તેજસ્વી તારલાને તો રાક્ષસ ગળી જાય!” માઈકલ આરડને હતાશા જાહેર કરતા કહ્યું, “તે આપણને તેના આવશ્યક કિરણોની જગ્યાએ ગેસનો વપરાશ કરવા માટે મજબૂર કરી રહ્યો છે.”

“સૂર્યને આપણે બદનામ ન કરવો જોઈએ,” નિકોલે કહ્યું, “આમાં તેનો વાંક નથી, પણ ચન્દ્રનો વાંક છે જેણે એક પડદાની માફક આપણી અને તેની વચ્ચે પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે.”

“ના સૂર્યનો જ વાંક છે!” માઈકલે ચાલુ રાખ્યું.

“ચન્દ્રનો વાંક છે!” નિકોલે ભારપૂર્વક કહ્યું.

એક નકામા સંઘર્ષ પર પૂર્ણવિરામ મુકતા બાર્બીકેને કહ્યું:

“મારા મિત્રો, આ સૂર્ય કે ચન્દ્રનો વાંક નથી, વાંક ગોળાનો છે જેણે પોતાનો રસ્તો જડતાપૂર્વક જાળવી રાખવાને બદલે તેને અજાણતામાં જ ગુમાવી દીધો. વધુ ન્યાયપૂર્ણ રીતે કહીએ તો એ પેલી બદનસીબ ઉલ્કાનો વાંક છે જેણે આપણી પ્રથમ દિશાને બદલી નાખી.”

“ઠીક છે,” માઈકલ આરડને જવાબ આપ્યો, “હવે જ્યારે બધું નક્કી જ થઇ ગયું છે ત્યારે આપણે નાસ્તો કરી લેવો જોઈએ. આખી રાત આપણે જાગ્યા છીએ આથી આપણે આપણી થોડીક શક્તિ પરત મેળવવી જોઈએ.”

આ પ્રસ્તાવનો કોઈએ વિરોધ ન કર્યો. માઈકલે થોડીજ મિનિટોમાં નાસ્તો તૈયાર કરી લીધો. પરંતુ તેઓ ખાવા ખાતર જ ખાઈ રહ્યા હતા, દારુ પણ ટોસ્ટ કર્યા વગર કે પછી ઉજવણી કર્યા વગર પીધો. શુરવીર પ્રવાસીઓ અંધકારમય અંતરીક્ષમાં પહોંચી ચૂક્યા હતા, જ્યાં તેમના જાણીતા પ્રકાશનો અભાવ હતો, તેઓ પોતાના હ્રદયમાં અસ્પષ્ટ અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. તેમની આસપાસ રહેતા વિક્ટર હ્યુગોની પેનનો અજીબ પડછાયો તેમને અત્યંત પ્રિય થઇ પડ્યો હતો. પરંતુ તેઓ અત્યારે ત્રણસોને ચોપન કલાકની અનંત રાત્રી, જે લગભગ પંદર દિવસ ચાલનારી હતી, તેના વિષે ચર્ચા કરી રહ્યા હતા, જે ચન્દ્રવાસીઓ પર ભૌતિકશાસ્ત્રએ ઠોકી બેસાડી હતી.

બાર્બીકેને તેમના મિત્રોને આ વિચિત્ર ઘટનાના કારણો અને અસરો વિષે થોડો ખુલાસો કર્યો.

“વિચિત્ર તો છે જ,” તેમણે કહ્યું, “જો ચન્દ્રના બંને ધ્રુવને સૂર્યપ્રકાશથી પંદર દિવસ વંચિત રાખવામાં આવે, અને ઉપરનો હિસ્સો જેના પરથી આપણે પસાર થઇ રહ્યા છીએ તે પૃથ્વીને સુંદર રીતે પ્રકાશિત થયેલી પણ જોઈ શકવાનો નથી. એક રીતે કહીએ તો તેની પાસે ચન્દ્ર નથી, (જો આપણે પૃથ્વીના ધારાધોરણો તેના પર અમલી બનાવીએ તો) પરંતુ તેની બદલે તેની પાસે તેની એક વિરુદ્ધ દિશા છે. આવું જો પૃથ્વી સાથે થયું હોત, માત્ર ઉદાહરણ તરીકે, યુરોપ ક્યારેય ચન્દ્ર ન જોઈ શકત અને તે માત્ર પ્રતિલોમ પરથી જ જોઈ શકાત, જરા કલ્પના તો કરો કે આવા સંજોગોમાં જો કોઈ યુરોપિયન ઓસ્ટ્રેલિયાની મુલાકાત લે તો શું થાય?”

“તેઓ માત્ર ચન્દ્ર જોવા માટે જ પ્રવાસ કરત.” માઈકલે જવાબ આપ્યો.

“બરોબર!” બાર્બીકેને ચાલુ રાખ્યું, “એ જ આશ્ચર્ય ચન્દ્રવાસીઓ માટે આરક્ષિત છે જેઓ ચન્દ્રના મુખ પર નિવાસ કરે છે જે પૃથ્વીથી વિરુદ્ધ દિશામાં છે એ એક એવો ચહેરો છે જે આપણા પૃથ્વીવાસીઓ માટે કાયમ અદ્રશ્ય છે.”

“અને આપણે એ જોઈ શક્યા હોત,” નિકોલે ઉમેર્યું, “જો આપણે અહીં ત્યારે આવ્યા હોત જ્યારે ચન્દ્ર નવો હોત, એટલેકે પંદર દિવસ પછી.”

“હું અહીં ઉમેરીશ, થોડો સુધારો કરવા માટે,” બાર્બીકેન બોલ્યા, “કે સ્પષ્ટ દેખાતી સપાટી પરના નિવાસીઓને સ્પષ્ટ રીતે કુદરતે પસંદ કર્યા છે જેથી અદ્રશ્ય સપાટી પરના ભાઈબંધુઓને નુકશાન થાય છે. એ લોકોની રાત્રી ત્રણસો ચોપન કલાકની હોય છે, અંધારાને છેદવા માટે એક કિરણ પણ ઉપલબ્ધ નથી હોતું, અને બીજી તરફ તેનાથી સાવ અલગ જ્યારે સૂર્ય જે પોતાનું અજવાળું પંદર દિવસ આપીને ક્ષિતિજમાં ડૂબી જાય છે તે વિરુદ્ધ દિશામાં ચમકતો સિતારો ઉગતો જોઈ શકે છે. તે પૃથ્વી છે જે આ નાનકડા ચન્દ્ર કરતા તેર ગણી વિશાળ હોવાનું આપણે જાણીએ છીએ – પૃથ્વી જે પોતાની જાતને બે ડિગ્રીના ડાયામીટર પર વિકસાવે છે, જે વાતાવરણના સ્તર દ્વારા ઉપલબ્ધ પ્રકાશ કરતા તેર ગણો વધુ પ્રકાશ ધરાવે છે – પૃથ્વી જે ત્યારેજ અદ્રશ્ય થાય છે જ્યારે સૂર્ય તેની વિરુદ્ધ દિશામાં પુનઃપ્રકાશિત થાય છે!”

“ખુબ સુંદર શબ્દોમાં સમજાવ્યું!” માઈકલે કહ્યું, “કદાચ વધારે પડતું શૈક્ષણિક હતું.”

“અને ત્યાર પછી પણ,” બાર્બીકેને પોતાની ભ્રમરો હલાવ્યા વગર ચાલુ રાખ્યું, “કે ચન્દ્રની દ્રશ્યમાન સપાટી તેના રહેવાસીઓ માટે વધુ યોગ્ય હશે કારણકે તે સતત સૂર્ય તરફ ત્યારે જુએ છે જ્યારે તે પૂર્ણ હોય છે અને પૃથ્વી તરફ ત્યારે જુએ છે જ્યારે તે નવો હોય છે.”

“પરંતુ,” નિકોલે કહ્યું, “એ લાભની ભરપાઈ અતિશય ગરમી જે પોતાની સાથે પ્રકાશ લાવે છે તેની સાથે થઇ જ જતી હશે.”

“આ મામલામાં, એ અસુવિધા બંને સપાટીઓ માટે સરખી જ છે, કારણકે પૃથ્વીનો પ્રકાશ ગરમી ધરાવતો નથી. પરંતુ અદ્રશ્ય ભાગ ગરમી દ્વારા વધુ પરેશાન હોય છે નહીં કે તેનો દ્રશ્યમાન ભાગ. હું આ તને કહી રહ્યો છું નિકોલ કારણકે માઈકલને કદાચ એ નહીં સમજાય.”

“આભાર!” નિકોલે કહ્યું.

“બિલકુલ,” બાર્બીકેને ચાલુ રાખ્યું, “જ્યારે અદ્રશ્ય ભાગ સૂર્ય તરફથી એક સરખો પ્રકાશ અને ગરમી મેળવે છે એ એટલા માટે કારણકે ચન્દ્ર નવો હોય છે એટલે એમ કે તે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે સ્થિત હોય છે. ત્યારબાદ તેની સ્થિતિ જે તેના પૂર્ણ હોવાની પરિસ્થિતિ કરતા વિરુદ્ધ હોય છે, ત્યારે તે પૃથ્વી સાથેના અંતર કરતા બે ગણો સૂર્યની નજીક હોય છે અને એ અંતર અંદાજે બસોમાં ભાગ જેટલું હોય છે જે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર હોય છે તેના કરતા અથવાતો આંકડાઓમાં કહીએ તો તે લગભગ ચાર લાખ માઈલ્સ જેટલું હોય છે. આથી અદ્રશ્ય હિસ્સો સૂર્યથી ઘણો નજીક હોય છે જ્યારે તે તેના કિરણો મેળવે છે.”

“બિલકુલ સાચું,” નિકોલે જવાબ આપ્યો.

“ઉલટું,” બાર્બીકેને ચાલુ રાખ્યું.

“એક મિનીટ,” માઈકલે પોતાના ગંભીર સાથીદારની વાતમાં વિક્ષેપ પાડતા કહ્યું.

“શું જોઈએ છે તારે?”

“હું મારી સ્પષ્ટતા ચાલુ રાખવાનું કહું છું.”

“અને એમ શા માટે?”

“એ સાબિત કરવા માટે કે હું તેને સમજી શક્યો છું.”

“ઠીક છે, આગળ વધ,” બાર્બીકેને સ્મિત કરતા કહ્યું.

“ઉલટું,” માઈકલે પ્રમુખના સૂર અને તેમના હાવભાવની નકલ કરતા કહ્યું, “ઉલટું, જ્યારે ચન્દ્રનો આપણા તરફનો ભાગ જ્યારે સૂર્ય દ્વારા પ્રકાશિત થાય છે, કારણકે ચન્દ્ર પૂર્ણકળાએ હોય છે, એથી એમ કહી શકાય કે તે પૃથ્વીની બાબતે તેની વિરુદ્ધ દિશામાં છે. એ ચમકતા સિતારાને આપણાથી દૂર રાખતું અંતર વધીને લગભગ ચાર કરોડ માઈલ જેટલું થઇ જાય છે અને આથી તેને મળતી ગરમી થોડી ઓછી જરૂર થઇ જતી હશે.”

“ખુબ સુંદર!” બાર્બીકેને કહ્યું, “તને ખબર છે માઈકલ, એક શીખાઉ વ્યક્તિના પ્રમાણમાં તું હોંશિયાર છે.”

“હા,” માઈકલે ઠંડકથી જવાબ આપ્યો, “આપણે બધા જ બુલેવર્ડ દે ઈટાલીયન્સ પર હોંશિયાર જ છીએ.”

બાર્બીકેને મજબૂતાઈથી પોતાના સ્નેહાળ મિત્રનો હાથ પકડ્યો અને ચન્દ્રના જોઈ શકાતા ભાગ પર રહેતા રહેવાસીઓ માટે કયા પ્રકારના લાભ અનામત રાખવામાં આવ્યા છે તેને સમજાવવાનું તેમણે ચાલુ રાખ્યું.

અન્ય બાબતો સાથે તેમણે સૂર્યગ્રહણો વિષે કહ્યું જે ત્યારેજ થાય છે જ્યારે તે ચન્દ્રની આ તરફની સપાટી તરફ હોય છે, જેથી ગ્રહણ શક્ય બને અને ચન્દ્ર પોતાનું સ્થાન જાળવી શકે. આ ગ્રહણો પૃથ્વીના ચન્દ્ર અને સૂર્યની વચ્ચે આવવાથી થાય છે, જે બે કલાક સુધી ટકી શકે છે, અને આ સમય દરમ્યાન પોતાનાજ વાતાવરણ દ્વારા પરાવર્તન પામેલા કિરણોને લીધે પૃથ્વી પરથી સૂર્ય માત્ર એક કાળા ટપકાંથી વિશેષ કશું જ લાગતો નથી.

“જેથી,” નિકોલે કહ્યું, “ત્યાં એક ગોળાર્ધ છે એ અદ્રશ્ય ગોળાર્ધ જેને કુદરતે ખૂબ અન્યાય કર્યો છે.”

“કશો વાંધો નહીં,” માઈકલે જવાબ આપ્યો; “જો આપણે કોઈવાર ચન્દ્રવાસીઓ બનીશું તો આપણે તે અદ્રશ્ય બાજુએ વસવાટ કરીશું. મને પ્રકાશ ગમે છે.”

“સિવાયકે, જો મોકો મળે તો,” નિકોલે જવાબ આપ્યો, “વાતાવરણ વિરુદ્ધ દિશામાં ઘટ્ટ રહેવું જોઈએ જેવું કે કેટલાક અવકાશશાસ્ત્રીઓ માને છે.”

“તે અંગે વિચારણા થઇ શકે છે.” માઈકલે કહ્યું.

નાસ્તો પૂરો થયો, નિરીક્ષકો પોતાની જગ્યાએ પરત થયા. તેમણે તમામ અંધારા કાણાઓમાંથી ગોળામાં રહેલા તમામ પ્રકાશનો ઉપયોગ કરીને જોવાની કોશિશ કરી; પરંતુ ચન્દ્રનું એક પણ કિરણ એ અંધકારમાંથી પસાર ન થયું.

એક સમજી ન શકાય તેવી હકીકત બર્બીકેનને ચિંતા કરાવી રહી હતી. શા માટે લગભગ પચીસ માઈલ જેટલા ઓછા અંતરેથી ચન્દ્ર પાસેથી પસાર થવા છતાં, ગોળાએ તેના પર ઉતરાણ ન કર્યું? જો તેની ગતિ ખૂબ હોત તો તે સમજી શક્યા હોત કે ઉતરાણ થઇ શક્યું ન હતું; પરંતુ જ્યારે માફકસરની ગતિ હતી એવા સમયમાં ચન્દ્રના વાતાવરણે તેને કેમ ન આકર્ષ્યો તે સમજી શકાતું ન હતું. શું ગોળા પર કોઈ બહારના તત્વએ અસર કરી હતી? એ તો પહેલેથી જ ખબર હતી કે તે ચન્દ્ર સુધી નથી પહોંચવાનો. તો પછી એ ક્યાં જઈ રહ્યો હતો? શું તે ચન્દ્રથી દૂર કે નજીક જઈ રહ્યો હતો? શું તે ઘટા અંધકારમાં અવકાશની અનંત સીમાઓમાં દાખલ થઇ ચુક્યો હતો? તેમને કેવી રીતે તેની ખબર પડશે? કેવી રીતે તેની ગણતરી થશે? અને એ પણ આ રાત્રીની વચ્ચે?

આ તમામ પ્રશ્નો બાર્બીકેનને પરેશાન કરી રહ્યા હતા, પરંતુ તેમની પાસે તેનો ઉકેલ ન હતો.

ચન્દ્રનો અદ્રશ્ય હિસ્સો નિશ્ચિતપણે અસ્તિત્વ ધરાવતો હતો કદાચ થોડા માઈલ દૂર, પરંતુ તે કે તેના સાથીદારો તેને જોઈ શકતા ન હતા. જો તેની સપાટી પર કોઈ અવાજ હતો તો તેઓ તેને સાંભળી શકતા ન હતા. હવા જે અવાજને પ્રસારિત કરવાનું માધ્યમ હતું તે ચન્દ્રની એ ગભરામણને મોકલવા માંગતી હતી જેને આરબ પંડિતો “અડધા પથ્થરનો માનવી જે હજીપણ શ્વાસ લઇ રહ્યો છે” કહે છે.

કોઇપણ એ બાબતે સહમત થશે કે આમ થવું એ કોઇપણ શાંત નિરીક્ષકને ગુસ્સો અપાવવા માટે પુરતું હતું. એ કોઈક અજાણ્યો ગોળાર્ધ હતો જે તેમને તેમની નજરોથી ચોરી રહ્યો હતો. એ ચહેરો જે પંદર દિવસ પહેલા કે પંદર દિવસ પછી સૂર્યના કિરણોથી ચમકી ગયો છે અથવા ચમકવાનો છે, જે અત્યારે સંપૂર્ણ અંધકારમાં ગરકાવ થઇ ગયો છે. તો આ પંદર દિવસોમાં ગોળો ક્યાં હશે? કોણ કહી શકવાનું છે? તેને આકર્ષવા માટેના વિરોધી આકર્ષણો ક્યારે ઉભા થશે એનો મોકો ક્યારે આવશે? આ સંપૂર્ણ અંધકારમાં મુસાફરોની નિરાશાની કલ્પના થઇ શકતી હતી. ચન્દ્રની સપાટીના તમામ નિરીક્ષણ કરવા અશક્ય હતા. માત્ર નક્ષત્રોએ તેમનું ધ્યાન ખેંચ્યું, અને આપણે ફાયે, કાર્કોનાક, અને સેચી જેવા અવકાશશાસ્ત્રીઓને માફ કરવા જોઈએ જેઓએ ક્યારેય પોતાના નિરીક્ષણોના પરિણામ પોતાના પક્ષે લાવી શકવામાં સમર્થતા દેખાડી ન હતી.

ખરેખર, આ સિતારાના વૈભવશાળી વિશ્વની બરોબરી કોઇપણ કરી શકવા સક્ષમ નથી, જે પારદર્શક ઇથરમાં નહાયેલું હતું. તેના હિરાઓ સ્વર્ગીય કબાટમાં ભવ્યતાથી ચમકી રહ્યા હતા. દક્ષિણેથી ઉત્તરના તારા તરફ આંખો જોઈ રહ્યા હતા જે આવનારા બારસો વર્ષમાં સમાંતર પ્રકાશને લીધે તેમની સહુથી ચમકતા સિતારાઓની પદવી પરથી રાજીનામું આપી દેવાના હતા, બંનેમાંથી એક દક્ષિણમાં કેનોપસને અને બીજો ઉત્તરમાં વેગાને સમર્પણ કરી દેવાનો હતો. કલ્પના અનંત ઉત્કૃષ્ટતામાં ખોવાઈ જતી હોય છે, જેમાંથી ગોળો આકર્ષણ અનુભવી રહ્યો હતો, જાણેકે મનુષ્યના હાથે એક નવો સિતારો જન્મ લેવાનો હતો. કુદરતી કારણોને લીધે આ નક્ષત્રો હળવાશથી પ્રકાશિત થયા હતા, તેઓ ચમકી રહ્યા ન હતા, ત્યાં એવું વાતાવરણ ન હતું જેના સ્તરોના હસ્તક્ષેપ જે અસમાન રીતે ગાઢ હતા અને જેના પર ભેજની અલગ અલગ અસર હતી, તેણે આ ઝગમગાટ ઉભો કર્યો હતો. આ સિતારાઓ પોચી આંખો જેવા હતા જે કાળી રાત્રી તરફ સંપૂર્ણ અવકાશના મૌન વચ્ચે જોઈ રહ્યા હતા.

લાંબા સમય સુધી મુસાફરો મૂંગા ઉભા રહ્યા અને નક્ષત્રોને નિહાળતા રહ્યા, જેમાં ચન્દ્ર એક વિશાળ પડદા જેવો લાગતો હતો જેણે એક રાક્ષસી અને અંધારાથી ભરપૂર કાણું ઉભું કર્યું હોય એવું લાગી રહ્યું હતું. પરંતુ દૂર એક દુઃખદાયક ઉત્તેજનાએ તેમનું ધ્યાન એ તરફ ખેંચ્યું. આ એક અતિશય ઠંડી વસ્તુ હતી જેને જાળીદાર વાસણની અંદર જાડા બરફ દ્વારા વીંટાળી દેવામાં આવી હતી. સૂર્ય હવે ગોળાને તેના કિરણો દ્વારા સીધેસીધી ગરમી આપી રહ્યો ન હતો અને આથીજ તેની દીવાલો ધીમેધીમે એક એક ડિગ્રી ઠંડી પડી રહી હતી. કિરણોત્સર્ગ દ્વારા ગરમી અવકાશમાં વરાળ બનીએ ઉડી ગઈ હતી અને તેના પરિણામે તાપમાન નોંધપાત્રરીતે ઘટી ગયું હતું. અંદર ભેજ બરફમાં પરિવર્તિત થઇ રહ્યો હતો જે તેમને કાચમાંથી બહારના દ્રશ્યોને જોવામાં અવરોધ બની રહ્યો હતો.

નિકોલે થર્મોમીટર જોયું અને નિરીક્ષણ કર્યું કે તાપમાન શૂન્યથી ઓગણીસ ડિગ્રી નીચે ઉતરી ગયું છે. આથી બચત કરવાના ઘણા બધા કારણો હોવા છતાં બાર્બીકેનને પ્રકાશ માટે ગેસનો ઉપયોગ કર્યા બાદ ગરમી મેળવવા માટે પણ તેના તરફ વળવું પડ્યું. ગોળાનું નીચું તાપમાન હવે બિલકુલ સહન થાય તેવું ન હતું અને તે તેના ભાડુઆતોને ઠંડીથી મારી નાખવા માટે સક્ષમ હતું.

“તો!” માઈકલે નિરીક્ષણ કર્યું અને કહ્યું, “હવે આપણે આપણી સફરની એકરૂપતા અંગે કોઇપણ વ્યાજબી ફરિયાદ નહીં કરી શકીએ! શું વિવિધતા મળી છે આપણને, તાપમાન પૂરતી તો ખરી જ! હવે આપણે પ્રકાશ વગર અંધ અને ગરમી વગર શૂન્ય થઇ ગયા છીએ જેમકે પમ્પાઝના રેડ ઇન્ડિયનો! હવે ઉત્તર ધ્રુવના એસ્કીમોની જેમ ચાલો અનંત અંધકારમાં અતિશય ઠંડીની વચ્ચે ડૂબકી લગાવીએ. બિલકુલ! આપણી પાસે ફરિયાદ કરવાનો કોઈજ હક્ક નથી, કુદરત આપણા સન્માનમાં ચમત્કાર કરી રહી છે.”

“પરંતુ,” નિકોલે પૂછ્યું, “બહારનું તાપમાન શું છે?”

“ગ્રહોની આસપાસ રહેલા અંતરીક્ષ જેટલું જ,” બાર્બીકેને જવાબ આપ્યો.

“તો પછી,” માઈકલ આરડને ચાલુ રાખ્યું, “શું હવે એ સમય નથી આવી ગયો કે આપણે એ પરીક્ષણ કરીએ જે આપણે સૂર્યના કિરણોની ગરમ હાજરીમાં કરવાની હિંમત નહોતા દાખવી શક્યા?”

“અભી નહીં તો કભી નહીં,” બાર્બીકેને જવાબ આપ્યો, “આપણે જ્યારે અવકાશનું તાપમાન નક્કી કરવાની સારી પરીસ્થિતિમાં છીએ ત્યારે જોઈએ કે ફુરિયર કે પછી પોલેતની ગણતરીઓ સાચી છે કે નહીં.”

“કોઇપણ રીતે જોવા જઈએ તો એ ઠંડુ જ છે,” માઈકલે કહ્યું, “જુઓ! અંદરની ગરમી વાસણોના કાચને ઘટ્ટ બનાવી રહ્યા છે. જો આપણે આ જ રીતે નીચે જતા જઈશું તો આપણા શ્વાસની વરાળ આપણી આસપાસ બરફ બનીને પડશે.

“ચાલો આપણે એક થર્મોમીટર બનાવીએ,” બાર્બીકેને કહ્યું.

આપણે કલ્પના કરી શકીએ છીએ કે આ સંજોગોમાં સામાન્ય થર્મોમીટર કાર્ય ન કરી શકે. અત્યારસુધીમાં તો તેની અંદર રહેલો પારો થીજી પણ જાય કારણકે ૪૨ ડિગ્રી ફેરનહીટની નીચે તે પ્રવાહી પરિસ્થિતિમાં ન રહી શકે. પરંતુ બાર્બીકેને પોતાની સાથે વેફરડીન સિદ્ધાંત પર કાર્ય કરતું સ્પિરિટ થર્મોમીટર લીધું હતું જે અધિકતમ તાપમાનોનો ઓછામાં ઓછો અંક દેખાડી શકતું હતું.

પરીક્ષણ શરુ કરતા અગાઉ આ સાધનને સામાન્ય થર્મોમીટર સાથે સરખાવી લેવામાં આવ્યું અને બાદમાં બાર્બીકેન તેનો વપરાશ કરવા માટે તૈયાર થયા.

“આપણે એને કેવી રીતે ગોઠવીશું?” નિકોલે પૂછ્યું

“દુનિયામાં કશુંજ સરળ નથી,” માઈકલ આરડને જવાબ આપ્યો જે ક્યારેય ચૂપ રહેવામાં માનતો ન હતો. “આપણે કાચની બારી ઝડપથી ખોલીશું, સાધનને બહાર કાઢીશું અને ત્યાર બાદ તે અત્યંત વિનમ્રતાથી ગોળાની સાથે રહેશે અને પંદર મિનીટ પછી આપણે તેને અંદર લઇ લઈશું.”

“હાથ સાથે?” બાર્બીકેને પૂછ્યું.

“હા, હાથ સાથે,” માઈકલે જવાબ આપ્યો.

“તો પછી મારા મિત્ર મારી તમને સલાહ છે કે તમારે એવું ન કરવું જોઈએ,” બાર્બીકેને જવાબ આપ્યો, “જે હાથ તમે ગોળાની બહાર કાઢશો તે ડરામણી ઠંડકમાં થીજી ગયેલા લાકડા જેવો થઇ જશે.”

“ખરેખર?”

“તમને એવું લાગશે કે જે રીતે સફેદ ગરમીમાં લોઢું સળગે છે એવી ભયંકર બળતરા થઇ રહી છે, ગરમી આપણા શરીરમાં ઝડપથી પ્રવેશી ગઈ છે કે આપણું શરીર ગરમીમાં ઝડપથી પ્રવેશી ગયું છે, બસ એવી જ લાગણી થશે. આ ઉપરાંત મને હજી પણ વિશ્વાસ નથી કે આપણે જે પદાર્થો બહાર ફેંકીએ છીએ એ આપણી સાથે જ ચાલતા આવતા હોય છે.”

“કેમ નહીં?” નિકોલે પૂછ્યું.

“કારણકે, આપણે જરાક જેટલા ઘટ્ટ વાતાવરણમાંથી પણ પસાર થઇ રહ્યા છીએ તો આ પદાર્થો મંદ પડી જશે. ઉપરાંત અંધકાર પણ આપણને તે આપણી આસપાસ ફરી રહ્યા છે કે નહીં એ નહીં દેખાડી શકે. પરંતુ આપણે આપણું થર્મોમીટર ગુમાવી ન દઈએ તે માટે આપણે તેને બાંધી શકીએ અને પછી તેને આપણે સરળતાથી ગોળાની અંદર લઇ શકીશું.”

બાર્બીકેનની સલાહને માની લેવામાં આવી. બારીને ઝડપથી ખોલવામાં આવી તેમાંથી નિકોલે નાના દોરડા સાથે બંધાયેલા એ સાધનને બહાર ફેંક્યું, જેથી તેને સરળતાથી પરત લઇ શકાય. બારી એક સેકન્ડથી વધુ ખોલવામાં આવી ન હતી પરંતુ એટલા સમયમાં પણ ભયંકર ઠંડી અંદર ધસી આવી.

“હે ભગવાન!” માઈકલ આરડન ચિત્કારી ઉઠ્યો, “આટલી ઠંડીમાં તો સફેદ રીંછ પણ થીજી જાય.”

બાર્બીકેન અડધો કલાક વીતવા સુધી રાહ જોતા રહ્યા જે આસપાસના તાપમાનને થર્મોમીટર દ્વારા માપવા માટે પૂરતા સમયથી પણ વધારે હતું. અને ત્યારબાદ તેને તરતજ અંદર લઇ લેવામાં આવ્યું.

બાર્બીકેને સાધનના એકદમ અંતે આવેલા નાની જગ્યામાં છલકાઈને આવેલા વાઈનના ટીપાંની ગણતરી કરી અને કહ્યું:

“શૂન્યથી નીચે એકસોને ચાળીસ ડીગ્રી એટલેકે શૂન્યથી બસોને અઢાર ફેરનહીટ!”

એમ પોલેત સાચા હતા અને ફુરિયર ખોટા. સિતારાઓથી સભર અવકાશનું આ બિનશંકાસ્પદ તાપમાન હતું. કદાચ ત્યારનું તાપમાન જ્યારે ચન્દ્રની રાત્રી તેણે પંદર દિવસ સુધી મેળવેલી સૂર્યની ગરમી સંપૂર્ણપણે ગાયબ થાય તે સમયનું તાપમાન.

***