Devki books and stories free download online pdf in Gujarati

દેવકી

દેવકી

વિશ્વાસ આજે ખુબ ખુશ હતો. આજે એની ચિરંજીવ હોસ્પીટલનું ઉદ્ઘાટન થયું હતું. એણે જોયેલા સ્વપ્નને એણે સાકાર કરી બતાવ્યું હતું. વિશ્વાસ આજે શહેરનો એક માત્ર ન્યુરો સર્જન બન્યો હતો. જીવનના અથાગ પરિશ્રમથી ડોક્ટરની પદવી હાંસલ કરી હતી. પણ આ ખુશીમાં હજી એક ખુશી શામિલ હતી. એ કારણ દેવકી હતું. દેવકી નામ સાંભળતા જ એનાં મનમાં ગુલમહોર ખીલતા. ધોરણ દસમાં દેવકી એની સાથે ભણતી અને દેવકી એટલે એજ વર્ગના વર્ગ શિક્ષક સ્મિતાબેનની એક ની એક દીકરી. બન્ને જ ધોરણ દસમાંના ક્લાસમાં ખુબ હોશિયાર વિદ્યાર્થીઓ હતા. વિશ્વાસ સ્મિતાબેન નો લાડકવાયો વિદ્યાર્થી હતો. દેવકી અને વિશ્વાસ ને તેઓ આખીય જીંદગી સાથે જોવા માંગતા હતા. બન્નેની દોસ્તી જ એટલી અતુટ રહેલી. સ્મિતા બેને એકવાર વિશ્વાસને કહેલું કે તું ભણી ગણીને ડોક્ટર બનીશ તો દેવકીને એની સાથે પરણાવશે. પરંતુ જો તે અસફળ રહ્યો તો આ દસમું ધોરણ એમની અંતિમ મુલકાત હશે. વિશ્વાસે પણ સ્મિતાબેનની આ ચેલેન્જ સ્વીકાર કરી. વિશ્વાસે કહ્યું કે, “દેવકી માટે તો આ ચેલેન્જ સ્વીકારીશ જ પરંતુ તમે મારા ગુરુ છો એટલે તમારી ગુરુ દક્ષિણાના ભાગ રૂપે હું તમારા વિશ્વાસ ને તુટવા નહિ દઉં.”

આજે વિશ્વાસ એ શરત જીત્યો હતો. આટલા વર્ષો થી દેવકીથી દુર રહ્યો હતો ફક્ત એને પામવા જ. એ અત્યારે કેવી દેખાતી હશે?, શું કરતી હશે?, એ ખયાલો વિશ્વાસના મનમાં વંટોળની જેમ ઘૂમતા રહ્યા. એણે આજના શુભદિવસે સ્મિતા બેન ને આ ખુશ ખબર આપવાનું વિચાર્યું. એણે ડાયરીમાં લખેલા એમના સરનામાં ની નીચે લખેલા લેન્ડલાઈન નંબર માં સંપર્ક કર્યો. સ્મિતા બેને ફોન ઉપાડ્યો. “હલો!”

વિશ્વાસ ને ફોન ઉપડતા જ સાતેય કોઠે દીવા થયા. એને કહ્યું “સ્મિતા બેન હું વિશ્વાસ, કેમ છો તમે?

સ્મિતા બેને કહ્યું, “અરે વિશ્વાસ ક્યાં હતો આટલા વર્ષો સુધી? હું તો ઠીક છું તું કેમ છો? શું કરે છો ?”

વિશ્વાસે કહ્યું, “એક દમ ફાઈન! મેં આપેલા વચન અને આપે આપેલી શરત જીત્યો છું. હું વિશ્વાસમાંથી ડો.વિશ્વાસ બન્યો છું. ન્યુરો સર્જન છું અને પોતાની હોસ્પિટલ પણ બનાવી છે.”

સ્મિતાબેને રાજીપો વ્યક્ત કરતા કહ્યું, “વાહ, ખુબ ખુબ અભિનંદન,આ સમાચાર તો રૂબરૂ સંભાળવાની અભિલાષા હતી. ખેર, ઘરે બધા શું કરે?”

વિશ્વાસે કહ્યું, “એવરીબડી ઇઝ ફાઈન, હાઉ અબાઉટ દેવકી?

સ્મિતાબેન વિશ્વાસ ના મોએ દેવકી શબ્દ સાંભળતા જ એમના શબ્દો ચવાઈ ગયા. ચહેરે થોડી ગંભીરતા પ્રસરી ગઈ. અડધી મિનીટ ફોન પર મૌન પથરાઈ ગયું.

વિશ્વાસે કહ્યું, “હલો મેમ, દેવકી શું કરે છે? હવે તો અમે લગ્ન કરી શકીએ ને?

સ્મિતા બેને કહ્યું, “ વિશ્વાસ એ શક્ય નથી.!”

વિશ્વાસે પૂછ્યું, “પણ કેમ તમે વચન આપ્યું હતું કે હું ડોક્ટર બનીશ તો તમે દેવકીને મારી સાથે પરણાવશો.?”

સ્મિતા બેને થોડું પરાણનું હાસ્ય રેલાવી કહ્યું, “ એ તો તું સફળતા ને પામે એટલે તારા ઉત્સાહને વધારવા જ કહેલું. તું એ બાબતે હજીય ગંભીર છો?”

વિશ્વાસે કહ્યું, “ગંભીર તો તમે નથી મેમ. તમે અચાનક કેમ બદલાઈ ગયા? તમને મારા માં કાઈ ખામી દેખાઈ રહી છે? હું તમને રૂબરૂ મળવા માંગું છુ, કાલે જ તમારા ઘરે આવું છુ, વિશ્વાસની આંખો ભરાઈ ગઈ હતી. એણે ફોન રીસીવર પર પછાડી દીધો.!

વિશ્વાસ ને વિશ્વાસ નથી આવતો કે સ્મિતાબેન એની સાથે આવું કેમ કરી શકે, એક શિક્ષક થઈને આવું કપટ કેમ કરી શકે? એને કાલના સુરજની આતુરતા થી રાહ હતી. પેલું કહેવાયું છે ને કે દરેકને દરેક વસ્તુ નથી મળતી. કઈક અધુરપ ઈશ્વર રાખે જ છે. નહિતર ઈશ્વર ને યાદ કરવાનું કોઈ ઠોસ કારણ જ રહેતું નથી. માણસના ચાલાકીઓ થી ભરેલા મગજ નો જ્યાં અંત થાય છે, ત્યાંથી તો ઈશ્વરના વિશાળ અને વિશિષ્ટ સ્વરૂપની શરૂઆત થાય છે.

વિશ્વાસ આજે તૈયાર હતો એમનો સામનો કરવા. એ સરનામાની ચબરખી એક માત્ર સાબિતી હતી કે સ્મિતાબેન ભૂતકાળમાં મળ્યા હતા, વચને બંધાયા હતા. સવારના નવ વાગતા જ વિશ્વાસ સ્મિતાબેન ના ઘરનો દરવાજો ખટખટાવે છે. સ્મિતાબેન દરવાજો ખોલે છે. વિશ્વાસને સ્મિતાબેન પહેલી નજરે ઓળખતા નથી. વિશ્વાસ એમને જોવે છે તો એમનું શરીર સુકાઈ ગયું હતું, ઘર ની હાલત થોડી અસ્ત વ્યસ્ત દેખાઈ. સામે ની દીવાલે એમના સ્વર્ગસ્થ પતિ નો ફોટો ટાંગલો હતો. વિશ્વાસ સ્મિતાબેન ને પગે લાગ્યો. સ્મિતાબેન ને ખ્યાલ આવી ગયો કે તે વિશ્વાસ જ છે. સ્મિતાબેને એની તરફ સ્માઈલ કરી એને આવકાર્યો અને રસોડામાં જઈને એ મુસ્કાન ને છુપાવી પાણી લઇને આવ્યા. વિશ્વાસ ની નજર દેવકી ને શોધતી રહી પણ દેવકીના ક્યાય નામો નિશાન મળ્યા નહિ. કોઈ ચહલ પહલ એ ઘરમાં ન જોવા મળી. ફક્ત ચકલીઓની ચીચીના અવાજ ઘર ની બહાર ટાંગેલા પાણીના કટોરા માંથી આવતાં રહ્યા.

વિશ્વાસે પાણીનો ગ્લાસ બાજુમાં મુકીને વિનંતી ભર્યા શબ્દો માં કહ્યું, “ મેમ, એનાં સપનાઓ દેખાડી અને પછી ના પાડીને તમે મારું આકાશ છીનવી લીધું. શા માટે તમે તમારા આપેલા વચન પર કાયમ ન રહ્યા.? એજ જવાબ માટે જ અહી તમારી પાસે આવ્યો છું.”

“તારે જવાબ જ જોઈએ છે ને? તો ચાલ મારી સાથે.” સ્મિતા બેને કહ્યું.

સ્મિતાબેને કુચી અને તાળું લઈને વિશ્વાસને બહાર કાઢે છે, અને દરવાજો બંધ કરી વિશ્વાસનો હાથ પકડી સડક પર લઇ જાય છે. વિશ્વાસ ની:શબ્દ છે, એને કોઈ અંદાજ નથી આવતો કે મેમ શું બતાવવા માંગે છે.

એક રીક્ષા વાળોએ બન્ને ને જોતા જ રીક્ષા ઉભી રાખી. સ્મિતાબેન એને સરનામું ચીંધે છે. રીક્ષા વાળો એ સરનામે રીક્ષા લઇ છે. રીક્ષા એક કૃષ્ણ મંદિરે જઈને ઉભી રહે છે. બન્ને ઉતર્યા. સ્મિતાબેન વિશ્વાસ ને મંદિરમાં લઇ જાય છે. મંદિરના દાદરે બેઠેલી એક છોકરી ને જોઇને સ્મિતા બેન બોલ્યા. “ આ છે તાર્રી દેવકી.! રોજે લગ્ન નો જોડો પહેરીને, શણગાર કરીને આ મંદિરે આવે છે. એજ આશા એ કે એનો પ્રેમી આશિષ એને પરણવા આવશે. એની પાછળ ગાંડી થઇ ગઈ છે દેવકી. દોઢ વર્ષ પહેલા દેવકી આશિષ ના પ્રેમ માં પડી હતી. બન્ને એ લગ્ન કરવા નું વિચાર્યું અમારી મંજુરી ન હોવા છતાં. તેઓ આ મંદિરમાં ભાગીને લગ્ન કરવાના હતા. એ આઘાતે દેવકીના પપ્પા એ દેહ છોડ્યો. દેવકી ને પણ ક્યાં ઈશ્વર છોડવાનો હતો, આશિષે કરેલા વાયદાઓ અને દેખાડેલા દીવા સ્વપ્નો ખોટા નીકળ્યા. મંદિરમાં દેવકીને બોલાવીને ખુદ જ ન આવ્યો. અને એ આઘાતમાં દેવકી પાગલ થઇ ગઈ. દોઢ વર્ષથી શણગાર કરીને રોજ સવાર ના આઠ વાગ્યામાં આવીને એની રાહ જોવે છે. અને હું કઈ રીતે તારા લગ્ન આની સાથે કરાવું? શું જવાબમાં તને જવાબ આપું? ક્યાં મોઢે મેં કરેલા વચનો ને પાળું.? અને તું તો મારો આત્મીય છો તારી સાથે અન્યાય હું કેવી રીતે થવા દઉં?

વિશ્વાસે કહ્યું, “સ્મિતા બેન, આજે કોણ પાગલ નથી દુનિયામાં? સૌ કોઈને કોઈકમાં પાગલ જ છે. કોઈ ઈશ્વરમાં તો કોઈ ઈશ્વરે બનાવેલી કઠપૂતળીમાં, કોઈ માણસે બનાવેલી વસ્તુમાં તો કોઈ વસ્તુ માંથી મળતા આનંદમાં. અને દેવકી એ એમાં કશું જ પાપ કર્યું નથી. એ જેને પ્રેમ કરતી હતી એની સાથે ભગવાન ની હાજરી માં જ લગ્ન કરવા માગતી હતી.એમાં કશું ખોટું નહોતું. પણ એનું ગણિત ખોટું પડ્યું. એને આ અંધારા માંથી હું બહાર લાવીશ. એનો આશિક આશિષ ન આવ્યો, પણ આ વિશ્વાસ એનો વિશ્વાસ ક્યારેય નહિ તોડે. એને સાજી કરીશ તો મારું ડોક્ટર પણું સાર્થક થશે. દેવકી મારી જ હતી, મારી જ છે, અને હંમેશા મારી જ રેહશે. આ ન્યુરો સર્જન ડો,વિશ્વાસનું વચન છે.

- દિપક દવે