Ghar Chhutyani Veda - 29 books and stories free download online pdf in Gujarati

ઘર છૂટ્યાની વેળા -૨૯

ભાગ...૨૯

અવંતિકા રોહનની વધુ નજીક આવવા લાગી. રોહન બોલવા જઈ રહ્યો હતો કે "શું કરું છું અવંતિકા ?" પણ એ પહેલાં જ અવંતિકાએ રોહનના હોઠ ઉપર આંગળી મૂકી એને બોલવા ના દીધો.રોહન અત્યાર સુધી અવંતિકાની આટલો નજીક ક્યારેય આવ્યો નહોતો. જેમ જેમ અવંતિકા વધુ નજીક આવતી ગઈ તેમ તેમ રોહનના શ્વાસ વધતાં ચાલ્યા ગયા, અવંતિકા પોતાનો હાથ રોહનની આંખો ઉપરથી લઈ છેક ગળા સુધી ફેરવવા લાગી. રોહને અવંતિકાનો સ્પર્શ આંખો ઉપર થતાં પોતાની આંખો બંધ કરી લીધી. અવંતિકાના શરીરની સુગંધ રોહનને મદહોશ કરી રહી હતી. રોહનના નાક સાથે અવંતિકાએ પોતાના નાકનો સ્પર્શ કરાવ્યો, રોહન જાણે કોઈ અલગ દુનિયામાં ખોવાઈ ગયો હોય એમ તેને લાગવા લાગ્યું, પોતાના હાથને અવંતિકાની પીઠ ઉપર ફેરવવા લાગ્યો. રોહનનો હાથ ફરતાં અવંતિકા પણ જાણે વર્ષોથી કોઈ એવા વ્હાલને ઝંખી રહી હોય તેમ વધુ નજીક આવવા લાગી, અને થોડી જ ક્ષણોમાં અવંતિકાએ પોતાના હોઠને રોહનના હોઠ ઉપર ટેકવી દીધા.

***

રોહનની આંખો અચાનક ખુલી ગઈ. સામે ના અવંતિકા હતી, ના કૉલેજનું મેદાન, ના વરુણની કાર. પોતાના રૂમના અંધકારમાં રોહન એકલો જ હતો. પલંગની બાજુના ટેબલ ઉપર મુકેલ મોબાઈલ હાથમાં લઈ સમય જોયો, સવારના પાંચ વાગ્યા હતાં, કૉલેજના દિવસોની યાદોમાં રાત ક્યારે વીતી ગઈ એ પણ રોહનને માલુમ ના રહ્યું, અવંતિકા સાથે વીતેલી એ સૌ યાદોથી રોહનની આંખો ભરાઈ ઊઠી, પણ હવે એ યાદોને આંખોના આંસુ બનાવવા સિવાય કોઈ રસ્તો બચ્યો નહોતો, અવંતિકા હવે તેના જીવનમાં નથી તે તેને સ્વીકારવાનું હતું, પણ જે પ્રેમ અવંતિકાને રોહન કરતો હતો એ પ્રેમ રોહન માટે ભૂલવો અશક્ય હતો. મુશ્કેલ તો અવંતિકા માટે પણ હતું, પણ અવંતિકા રોહિત સાથે લગ્ન કરી લંડન ચાલી જશે ત્યારબાદ ધીમે ધીમે તે રોહનને ભૂલી શકશે, પણ રોહને તો મનોમન નક્કી જ કરી લીધું હતું કે હવે અવંતિકા સિવાય કોઈને પ્રેમ કરવો નથી. અને આ શહેર પણ છોડીને ચાલ્યા જવું.

રોહને પાછો સુવાનો પ્રયત્ન કર્યો પણ અવંતિકાનો ચહેરો વારંવાર આંખો સામે આવવા લાગ્યો, થોડીવાર આમ તેમ પડખાં ફેરવી રોહન ઊભો થયો, લાઈટ ચાલુ કરી બાથરૂમમાં જઈ મોં ધોયું, અરીસામાં પોતાનો ચહેરો જોવા લાગ્યો, પોતાના હોઠનો સ્પર્શ પોતાની આંગળીથી કરવા લાગ્યો, આ એજ હોઠ હતાં જેના ઉપર અવંતિકાએ પહેલું ચુંબન આપ્યું હતું, પોતાના જન્મદિવસની ભેટ અવંતિકા ચુંબન રૂપે આપશે તેની રોહને કલ્પના પણ કરી નહોતી. એ દિવસ રોહન માટે ખૂબ જ યાદગાર હતો.

પલંગ પાસે પાછા વળીને રોહન બાજુમાં રહેલી ખુરશીમાં બેઠો. એક બે પુસ્તકો હાથમાં લઈ જોતો રહ્યો, કૉલેજના વેકેશન પહેલાં ગુજરાતી વિભાગના ડૉ. પી.એસ. શર્મા સાહેબ જેમને એન્યુઅલ ડેમાં રોહનના વખાણ કર્યા હતાં એ સાહેબે રોહનને ભેટ સ્વરૂપે એક પુસ્તક આપ્યું હતું. અને રોહનને અચૂક વાંચવા માટે જણાવ્યું હતું, પણ અવંતિકા સાથે ઘર છોડ્યું ત્યારે એને એ પુસ્તક યાદ ના આવ્યું, આજે અચાનક તેને થોડા પુસ્તકો નીચે દબાયેલુ એ પુસ્તક હાથમાં લીધું.

પુસ્તકનું નામ હતું "તત્વમસી". લેખક હતાં "ધ્રુવ ભટ્ટ". સાડા પાંચ જેવો સમય થયો હતો. કૉલેજ પણ જવાનું નહોતું, માટે રોહને પુસ્તક વાંચવાનું શરૂ કર્યું.

અવંતિકાએ સ્પષ્ટ રીતે હવે પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવાનું વિચારી લીધું હતું. રોહન સાથે વિતાવેલી પળો, રોહનનો પ્રેમ બધાની યાદોને પોતાના દિલના કોઈ ખૂણામાં દબાવી અને એક નવી શરૂઆત કરવાની હતી. રોહિત થોડા જ દિવસમાં ભારત આવવાનો હતો, રોહિત દેખાવમાં કેવો હશે, તેનો સ્વભાવ કેવો હશે તે કંઈ જ વિચારવા નહોતી માંગતી, બસ તેના પપ્પાને કોઈ તકલીફ ના થાય અને તેમને દુઃખ નથી પહોંચાડવું એજ એને મનોમન નક્કી કરી લીધું હતું.

રિવરફ્રન્ટ ઉપર બેસી રોહને કરેલા નિર્ણય વિશે તે સતત ચિંતામાં હતી, તે ઇચ્છતી હતી કે રોહન પોતાના જીવનમાં આગળ વધે અને બીજા કોઈને પોતાના જીવનમાં સ્થાન આપે પણ રોહન પોતાના નિર્ણય ઉપર અડગ હતો. અવંતિકાના સમજાવવા છતાં તે માન્યો નહિ. પણ એ કઈ ખોટું પગલું નહિ ભરે એ વચન આપ્યું હતું. માટે અવંતિકાને થોડી રાહત હતી. આજકાલ મોટા ભાગના કિસ્સાઓમાં જ્યારે આમ બનતું હોય છે ત્યારે કોઈ એક પક્ષ મૃત્યુને વહાલું કરવાનું વિચારી લે છે, અને બીજા પક્ષને પણ એ વાતનું દુઃખ હંમેશા રહેતું હોય છે. પણ રોહન ખૂબ જ સમજુ હતો, અને અવંતિકાને આશા હતી કે તે જીવનમાં કંઈક કરીને બતાવશે.

રોહનને પુસ્તકમાં રસ પાડવા લાગ્યો..અને એક જ બેઠકમાં આખું પુસ્તક પૂર્ણ કરી દીધું. "તત્વમસી" વાંચ્યા બાદ રોહન તે નવલકથાના નાયકમાં પોતાની જાતને જોવા લાગ્યો. જીવનના કેટલાક નિર્ણયો તો એને આ પુસ્તક વાંચતા જ મળી ગયા. પોતાની જાતને તે પહેલાં કરતાં વધુ મજબૂત અનુભવી રહ્યો હતો. તેને મોબાઈલ હાથમાં લઈ ડૉ. પી.એસ. પટેલને ફોન કરી પુસ્તક આપવા માટે આભાર વ્યક્ત કર્યો. થોડી પુસ્તક વિશે ચર્ચાઓ પણ ચાલી, પોતાના વાંચેલા પુસ્તકોમાં "તત્વમસી" સર્વશ્રેષ્ઠ પુસ્તક છે એમ પણ જણાવ્યું.

આ તરફ વરુણે પોતાના મમ્મી પપ્પાને રોહન વિશે વાત કરી. વરુણ રોહનને લઈને ખૂબ જ ચિંતા કરતો હતો. તેની મમ્મી પપ્પા સાથેની વાતોમાં એ ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. અશોકભાઈએ વરુણની ચિંતાને થોડી હળવી કરવા માટે કહ્યું :

"બેટા, આપણે ભરૂચ પાસે દહેજમાં એક નવો પ્રોજેકટ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જો રોહન એ પ્રોજેકટમાં કામ કરવા ઇચ્છતો હોય તો હું એને ત્યાં મોકલી શકું છું. એને પણ નોકરી મળી રહેશે અને આ બધી પરિસ્થિતિમાંથી એ જલ્દી બહાર પણ આવી જશે. શું કહેવું છે તારું ?"

"પપ્પા, તમારો વિચારતો સારો છે, રોહન મહેનતુ છે અને ઈમાનદાર પણ, એ ક્યાંક ખોટા રસ્તે ચાલ્યો જાય એના કરતાં આપણી સાથે જ જોડાઈ જાય એવું હું પણ ઈચ્છું છું. અને જો તમે આ પ્રોજેકટની જવાબદારી મને સોંપવા માંગતા હોય તો હું અને રોહન બંને થઈ આ પ્રોજેકટ પૂર્ણ કરીશું. મારે પણ હમણાં કૉલેજમાં વેકેશન છે." વરુણે થોડા ઉત્સાહ દર્શાવતા તેના પપ્પા ને કહ્યું.

અશોકભાઈ : "જો તું એ જવાબદારી સંભાળી શકતો હોય તો મારા માટે વધારે ગર્વ કરવા જેવી બાબત ગણાય. દીકરો જ્યારે બાપના જોડા પહેરતો થઈ જાય ત્યારે સમજી લેવું કે દીકરો હવે મોટો થઈ ગયો છે, હું તો ઇચ્છીશ કે તું મારી બધી જ જવાબદારી તારા માથે લઈ અને મને નિવૃત્ત કરી દે. પણ એ પહેલાં તારે ઘણું બધું શીખવું પડશે બેટા. હું પણ આ જગ્યા ઉપર એમ જ નથી આવી ગયો, કેટલી મહેનત, પરિશ્રમ કરી અને આ જગ્યા ઉપર હું પહોંચ્યો છું, તો મારો દીકરો હજુ પણ મારું નામ ઊંચું કરે તેવી ઈચ્છા હું રાખીશ. દહેજના પ્રોજેકટની જવાબદારી હું તને સોપુ છું, આજે તારા મિત્રને તારી સાથે આવવા તૈયાર કરી લે. પછી કાલથી તમે બંને મારી સાથે મારી ઓફિસમાં આવો એટલે હું તમને શું કરવાનું છે તે સમજાવું."

વરુણ : "થેન્ક્સ પપ્પા, તમે મારી સૌથી મોટી ચિંતા દૂર કરી. હું તમારા વિશ્વાસને ક્યારેય નહીં તૂટવા દઉં, અને આપણી કંપનીનું નામ હું હજુ મોટું કરીને બતાવીશ."

વરુણ થોડીવાર તેના મમ્મી પપ્પા સાથે બીજી ચર્ચાઓ કરી. અને રોહનને મળવા માટે નીકળ્યો. રોહનને ફોન કરી મળવા માટેનું સ્થળ નક્કી કર્યું, કાંકરિયા.

રોહનના ઘરેથી કાંકરિયા નજીક જ હતું. તે ચાલીને ત્યાં પહોંચ્યો. વરુણ પણ પોતાની કાર પાર્ક કરી અને કાંકરિયા આવી પહોંચ્યો. તળાવની પાળે બંને જણ બેસી વાતો કરવા લાગ્યા. વરુણ ખૂબ જ ઉત્સાહમાં હતો. વાત ની શરૂઆત કરતા વરુણે કહ્યું :

"રોહન આપણાં માટે એક ખુશ ખબર છે, પણ પહેલા મને પ્રોમિસ આપ કે તું ના નહીં કહે."

"પહેલા કહે તો ખરો શું વાત છે ? વાત જાણ્યા પહેલા તને વચન શી રીતે આપું ?"

"તને મારી ઉપર વિશ્વાસ છે કે નહીં ?"વરુણે ભારપૂર્વક કહ્યું.

"હા, મને તારા ઉપર મારા જીવ કરતાં પણ વધારે વિશ્વાસ છે."

"બસ તો પછી આપ પ્રોમિસ, કે તું મારી વાત માનીશ." રોહન આગળ હાથ લંબાવતા વરુણ કહેવા લાગ્યો.

રોહને વરુણનો હાથમાં પોતાનો હાથ મૂકી કહ્યું :

"ઓકે બસ, આપ્યું પ્રોમિસ. હવે જલ્દી કહે શું વાત છે."

"જો તું હવે આ શહેરમાં રહેવા નથી માંગતો, અને અહીંયાથી ક્યાંક ચાલ્યો જવા માંગે છે."

"હા.. પણ મેં એ કેમ નક્કી કર્યું તું સમજી શકે છે." રોહને નિરાશા ભર્યા સ્વરમાં કહ્યું.

"સમજુ છું દોસ્ત, એટલે જ મેં તારી પાસે પહેલા પ્રોમિસ લીધું. તું જ્યાં પણ જઈશ મને તારી ચિંતા થયા કરશે, અહીંયા તો તારા મામાની ઓળખાણથી તને નોકરી અને ઘર મળી ગયું. પરંતુ અહીંયા થી તું બીજે જઈશ તો શું કરીશ ?"

"મને અત્યાર સુધી એ પ્રશ્ન સતાવતો હતો કે હું ક્યાં જઈશ ? શું કરીશ ? પણ આજે સવારે જ એક પુસ્તક વાંચ્યું "તત્વમસી" જેમાં મને મારા દરેક સવાલના જવાબ મળી ગયા."

"મતલબ ? મને કંઈ સમજાયું નહીં." વરુણના ચહેરા ઉપરની ખુશી પ્રશ્નાર્થમાં બદલાઈ ગઈ.

"મતલબ સમજવા માટે તારે "તત્વમસી" વાંચવી પડશે દોસ્ત... એ નવલકથાનો નાયક બધું જ છોડી નર્મદા મૈયાની પરિક્રમા કરવા નીકળી પડે છે, એમ હું પણ રેવાના ખોળે જવાની ઈચ્છા રાખું છું." રોહન આંખોમાં એક ઉત્સાહ સાથે બોલી રહ્યો હતો.

"એટલે તું સન્યાસી થવા માંગે છે ?" વરુણે આશ્ચર્ય સાથે પૂછ્યું.

"આમ તો એક પ્રકારનો સન્યાસી જ. બસ ભગવા વસ્ત્રો ધારણ નહિ કરું. એટલો જ ફર્ક રહશે."

"હવે આ પાગલ જેવી વાતો ના કર." વરુણે થોડા ગુસ્સે થતાં કહ્યું.

"ના, વરુણ આ પાગલપન નથી, પણ એક હકીકત છે. તું આ નોવેલ વાંચીશ તો તને સમજાશે. અને મને આ સિવાય બીજો કોઈ રસ્તો યોગ્ય નથી લાગતો. નોકરીની શોધમાં ઠેર ઠેર ભટકવું, રહેવાની સમસ્યાઓ, અને બીજી ઘણીબધી તકલીફોનો સામનો કરવા કરતાં હું આ રસ્તો પસંદ કરીશ. રાત્રી નર્મદા કિનારાની રેતીમાં અને દિવસ જંગલોમાં ક્યાં વીતી જશે તેની ખબર પણ નહીં રહે."

એક સાધુને પેઠે રોહનને બોલતો જોઈ વરુણનો ગુસ્સો અને ચિંતા વધતી જતી હતી. પોતે જે કામ માટે રોહનને સમજાવવા આવ્યો હતો એ વાત તો હજુ થઈ જ નહોતી. અને રોહને આ પરિક્રમાનો નવો વિષય લઈને બેસી ગયો હતો. પણ વરુણ રોહનને ગમેતેમ કરી પોતાની સાથે રાખવા માંગતો હતો, રોહનની પ્રતિભાને તે જાણતો હતો. આથી તેને રોહનને કહ્યું :

"રોહન, તને હું મારો દોસ્ત જ નહીં મારો ભાઈ પણ માનું છું, અને એટલે જ મને તારી ચિંતા થયા કરે છે, હું તારો સાથ જીવનભર છોડવા નથી માંગતો, રાધિકા સાથે જે થયું તેનાથી હું પણ ભાંગી પડ્યો હતો. પણ તારી હિંમત અને તારા સહારે જ હું એમાંથી બહાર આવ્યો હતો, આજે તું પણ એ પ્રકારની પરિસ્થિતિમાં છે, હું તારી હાલત સમજી શકું છું, અને એટલે જ આજે એક ખુશીના સમાચાર સાથે તને મળવા બોલાવી લીધો છે."

"મતલબ ?" રોહને વરુણની આંખોમાં જોતા કહ્યું.

"મતલબ કે મારા પપ્પા એક નવો પ્રોજેકટ શરૂ કરવા જઈ રહ્યા છે, જે આ શહેરથી ઘણો દૂર છે, અને એની જવાબદારી તેમને મને સોંપી છે. એમની ઈચ્છા છે કે તું અને હું બંને થઈને એ જવાબદારી નિભાવીએ. તું મહેનતુ છે, ટેલેન્ટેડ છે, તારામાં આવડત છે કંઈક નવું કરવાની. માટે હું તારી આ શક્તિઓ તું બીજી કોઈ નોકરી કરવામાં વાપરે હું નથી ઇચ્છતો, અને મારે આ પ્રોજેકટમાં તારા સાથની ખૂબ જ જરૂર છે. બોલ આપીશ ને મારો સાથ ?"

"પણ...." રોહન થોડો ખચકાઈ રહ્યો હતો.

"પણ.. બણ ..કઈ નહિ તે મને પ્રોમિસ પણ આપ્યું છે."

"હા, પણ મારે આ માટે વિચારવું તો પડશે ને ?"

"એમાં કઈ વિચારવા જેવું નથી, તને આ એક જોબ ઓફર છે એવુ સમજી લે, અને તે પણ તારી લાયકાત મુજબ."

"પ્રોજેકટ ક્યાં આગળ શરૂ કરવાનો છે ?"

"ભરૂચ પાસે દહેજ માં"

"અરે ત્યાં જ તો નર્મદાનો દરિયા સાથે નો સંગમ છે, "તત્વમસી" માં ત્યાંનો પણ ઉલ્લેખ થયેલો છે." રોહને એક ઉત્સાહ સાથે જવાબ આપ્યો.

"તો આ નર્મદા મૈયાની જ એક ઈચ્છા છે એવું સમજી લે. અને મિલાવ હાથ."

રોહન મનોમન વિચારવા લાગ્યો કે જે રેવાના તટ ઉપર તે એકલો ચાલી નીકળવાની વાત સવારથી વિચાર્યા કરતો હતો, એ નર્મદા મૈયાએ જાણે વરુણને પોતાની પાસે મોકલ્યો, પોતાની મુશ્કેલીઓનો ઉકેલ લઈને. એમ સમજી.."નર્મદે હર.." બોલી વરુણના હાથમાં પોતાનો હાથ મૂકી દીધો.

વરણે પણ "નર્મદે હર.." નો સૂર ઉચ્ચાર્યો. અને રોહનને કહ્યું :

"આપણે કાલથી જ મારા પપ્પા સાથે ઓફિસમાં જવાનું છે, ત્યાં શું કામ કરવાનું છે એની માહિતી પપ્પા આપણને આપશે. એમનો અનુભવ આપણને ઘણો કામ લાગશે."

રોહનની હા થી વરુણ પણ ખુશ થઈ ગયો. બંને મોડા સુધી કાંકરિયાની પાળ ઉપર બેસી રહ્યાં, વાતો કરી અને રાત્રે સાથે જમી વરુણ રોહનને ઘર પાસે ઉતારી અને પોતાના ઘરે ગયો.

અવંતિકા સાથે હવે વાતો થતી નહોતી, રોહને સામેથી જ અવંતિકાને વાત બંધ કરવાનું કહ્યું હતું, જે સંબંધ હવે બંધાવવાનો જ નથી એમાં ખોટી લાગણી જન્માવી વધુ દુઃખી થવાનો શું ફાયદો ? અવંતિકા પણ એ વાત બરાબર સમજતી હતી, વધુ વાતો થશે તો દુઃખ પણ બંને ને જ થવાનું હતું. માટે બંને એ એકબીજાની સહમતીથી એ નિર્ણય કર્યો.

બીજા દિવસે સવારમાં તૈયાર થઈ રોહન બી. આર. ટી. એસ. માં સી.જી. રોડ ઉપર પહોંચી વરુણની રાહ જોવા લાગ્યો. આજથી નવા પ્રોજેકટ માટે વરુણ અને રોહનનું માર્ગદર્શન શરૂ થવાનું હતું.

વધુ આવતા અંકે...

લે. નીરવ પટેલ "શ્યામ"