Ghar Chhutyani Veda - 28 books and stories free download online pdf in Gujarati

ઘર છૂટ્યાની વેળા - 28

ભાગ -૨૮

વરુણની સાથે જ તેની કારમાં તેના ઘરેથી રોહન કૉલેજ જવા માટે નીકળ્યો, વરુણે આપેલું જેકેટ રોહને આજે પહેર્યું હતું, કોઈ ફિલ્મના હીરો જેવો આજે તે દેખાઈ રહ્યો હતો. કૉલેજના ગેટની અંદર કાર પ્રવેશી, અવંતિકા અને સરસ્વતી રોહન અને વરુણની રાહ જોઇને ઊભા હતાં. વરુણની કારને અંદર આવતી જોઈ સરસ્વતીએ અવંતિકાને હાથની કોણી મારી ઈશારો કરતાં કહ્યું : "આવી ગયો તારો રાજકુમાર."

જવાબમાં અવંતિકા કઈ બોલી ના શકી પણ તેના મીઠા હાસ્યમાં એક શરમ ઝળકી રહી હતી. કારમાંથી ઉતરતા પહેલાં વરુણે રોહનને ડેશબોર્ડ ઉપર મુકેલ સનગ્લાસ પહેરવા માટે કહ્યું, રોહન પહેરવામાં આનાકાની કરી રહ્યો હતો, પણ વરુણની જીદના કારણે તેને પહેરવા જ પડ્યા, બન્ને કારની બહાર નીકળ્યા, અવંતિકા અને સરસ્વતીની નજર રોહન અને વરુણ તરફ જ મડાયેલી હતી. જ્યારે બંને કારમાંથી ઉતર્યા ત્યારે આજુબાજુ ટોળે વળીને ઉભેલા કૉલેજના બીજા છોકરા છોકરીઓની નજર પણ એ બન્ને ને જ જોવા લાગી. અવંતિકાને એ બધા ઉપર થોડી ઈર્ષા પણ આવી અને સરસ્વતીએ કહ્યું પણ ખરું : "આજે તો બર્થ ડે બોય ચમકી રહ્યો છે, જોજે કોઈની નજર ના લાગી જાય, થોડું ધ્યાન રાખજે એનું." અવંતિકાના ચહેરા ઉપર થોડીવાર માટે તો ચિંતાના ભાવ ફરી વળ્યાં, પણ તેના અંદરથી એક અવાજ ઉઠ્યો "ભલે દુનિયા રોહનને જોઈ રહી, પણ રોહન ઉપર મને પૂરો વિશ્વાસ છે." તેના અંદરથી આવેલા એ આવજે જ તેને સ્વસ્થ કરી.

વરુણ અને રોહન જ્યાં અવંતિકા અને સરસ્વતી ઊભા હતાં એ તરફ આવી રહ્યાં હતા.અવંતિકાના ચહેરાની ચમક વધવા લાગી. આજે રોહનનો જન્મ દિવસ છે અને આજે એન્યુઅલ ડે ના પ્રોગ્રામમાં અવંતિકા માટે તે સરપ્રાઈઝ આપવાનો હતો. રાત્રે મેસેજ કરી અને શુભેચ્છા તો પાઠવી પણ રૂબરૂ તે અભિનંદન આપવા માંગતી હતી, પાસે આવી રહેલા રોહનને સરસ્વતી થોડે આગળ જઈ શુભેચ્છા આપી આવી, અવંતિકા રોહન પાસે આવે, એની રાહ જોઇને ઊભી હતી. જેવો રોહન પાસે આવ્યો તેનો હાથ પકડી અને શુભેચ્છા આપી. જો કોઈ પાસે ના હોત તો ગળે મળવાની પણ ઈચ્છા હતી, પણ કૉલેજમાં એ શક્ય નહોતું, થોડીવાર સુધી રોહનનો હાથ પકડીને અવંતિકા ઊભી રહી. બંને એકબીજા સામે જ જોઈ રહ્યાં હતાં, વરુણ અને સરસ્વતી તેમની વાતોમાં જ વ્યસ્ત હતાં, વરુણે સરસ્વતીને કૉલેજની અંદર જવા માટે કહ્યું, અને સરસ્વતીએ અવંતિકાને કહ્યું પણ અવંતિકા તો રોહનમાંજ ખોવાયેલી હતી. સરસ્વતીએ અવંતિકા ખભે હાથ મુક્યો ત્યારે અવંતિકાને ખબર પડી કોઈ બોલાવી રહ્યું છે, અવંતિકા અને રોહનનું ધ્યાન તુટતાં બધા હસવા લાગ્યા. પણ ના વરુણે કે ના સરસ્વતીએ બંને માંથી કોઈને કઈ કહ્યું. સરસ્વતી અને અવંતિકા કૉલેજની અંદર જવા લાગ્યા, જતાં જતાં અવંતિકાએ રોહનના કાન પાસે આવીને કહ્યું : "i love u" રોહન વળતો જવાબ તો ના આપી શક્યો પણ તેના ચહેરા ઉપર આ ત્રણ શબ્દો સાંભળી આવી ચઢેલી ખુશી ઘણું બધું કહી રહી હતી.

થોડીવાર પછી રોહન અને વરુણ પણ કૉલેજની અંદર ગયા. એક મોટા હોલમાં પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. અવંતિકા અને સરસ્વતી છેક આગળની હરોળની ખુરશીમાં પોતાની જગ્યા લઈ અને બેસી ગયા હતા. રોહન અને વરુણ તેજ હરોળમાં થોડે દૂર બેઠા હતાં. રોહનને મોબાઈલમાં અવંતિકાએ મેસેજ કર્યો.. "Best luck" સાથે ચુંબનનું ઇમોજી પણ મોકલ્યું. ".

રોહને થોડા આગળ વળી અને અવંતિકા સામે જોયું, અવંતિકા પણ તેને જ જોઈ રહી હતી, બંનેની આંખો મળી, એક મીઠું હાસ્ય બંનેના ચહેરા ઉપર ફરી વળ્યું.

કાર્યક્રમની શરૂઆત થઈ. રોહનને દિલની ધડકન થોડી વધવા લાગી. શરૂઆતમાં થોડા વકત્વ અને મહેમાનોના સ્વાગત બાદ કૉલેજના વિદ્યાર્થીઓની રજુઆત શરૂ થઈ. પ્રથમ એક ડાન્સ રજૂ થયો, એ ડાન્સ બધાને ખૂબ જ ગમ્યો. તાળીઓ અને સિસોટીઓથી આખો હોલ ગુંજી ઉઠ્યો, ડાન્સ બાદ એક છોકરીએ સુરીલા આવજમાં એક ફિલ્મી ગીત રજૂ કર્યું, "વન્સ મોર" "વન્સ મોર" ના અવાજ સાથે પાછો હોલ ગુંજી ઉઠ્યો અને એ છોકરીએ બે કડી બીજીવાર રજૂ કરી. એક પછી એક રજૂઆતો થતી રહી. કેટલીક રજુઆત કાંટાળા જનક આવતી તો કેટલીક ધમાકેદાર. કૉલેજીયનો નો ઉત્સાહ આજે એ હોલમાં દેખાઈ રહ્યો હતો. રોહન પોતાના વારાની પ્રતીક્ષા કરીને બેઠો હતો. અને માઈકમાંથી એનાઉન્સ કરવામાં આવ્યું :

"દોસ્તો, આજનો દિવસે તમારા સૌ માટે યાદગાર બની રહેવાનો છે, આપણી કૉલેજનો ટેલેન્ટ તમે મન ભરીને માણી રહ્યાં છો, કૉલેજના ડાન્સરો તમેં જોયા, એક્ટર તમે જોયા, સિંગર તમે જોયા, હવે અમે તમારી સામે લઈને આવીએ છીએ આપણી જ કૉલેજના એક કવિને. જેને પોતાના દિલના શબ્દોને એક કવિતાનું રૂપ આપ્યું, પોતાની લાગણીને કાગળ ઉપર ઉતારી. તો આવો માણીયે આપણી જ કૉલેજના એક યુવા કવિ 'રોહન' ને......"

હૉલ તાળીઓથી પાછો ગુંજી ઉઠ્યો, રોહન પોતાની જગ્યા ઉપરથી ઊભો થઈ અને સ્ટેજ પાસે જવા નીકળ્યો, વરુણે તેને "બેસ્ટ લક" કહ્યું, અવંતિકા સાથે રોહને આંખો મિલાવી, તેને પણ દૂરથી અંગુઠો બતાવી ઉત્સાહ વધાર્યો .

સ્ટેજ ઉપર જઈ અને રોહને માઈક હાથમાં લીધું, હાથ થોડા કંપી રહ્યાં હતાં, સ્ટેજફીવર તેના શરીરમાં દેખાઈ રહ્યો હતો. સ્ટેજ ઉપર ઊભા રહી રોહને અવંતિકાની સામે જોયું, તેની આંખોમાં કવિતા સાંભળવા માટેની ઉત્સુકતા દેખાઈ રહી હતી. બીજા સ્ટુડન્ટ પણ રોહન કેવી કવિતા રજૂ કરવાનો છે એ રાહ જોતાં હતા. રોહને કવિતા રજૂ કરતા પહેલા થોડી પ્રસ્તાવના બાંધી.

"દોસ્તો, દરેક વ્યક્તિને પ્રેમમાં પડવું ગમે છે. અને દરેક વ્યક્તિ એમ વિચારે છે કે આપણું પ્રિય પાત્ર આપણને તન મન ધનથી ચાહે, આપણાં છેલ્લા શ્વાસ સુધી આપણને પ્રેમ કરે... બરાબરને...??"

ઓડિયન્સ માંથી જવાબ આવ્યો "હા..."

"પણ હું, કંઈક જુદું વિચારું છું. હું તો મારી પ્રેમિકાને એમ કહેવા માંગુ છું કે તું મને અત્યારે જ આટલો પ્રેમ ના કર. અને એટલે જ મેં આ કવિતાનું શીર્ષક પણ એજ રાખ્યું "તું મને અત્યારે જ આટલો પ્રેમ ના કર..."

રોહનને કવિતાનું શીર્ષક સાંભળી સૌ કોઈ કવિતા સાંભળવા માટે આતુર હતું, સૌને જાણવાની ઈચ્છા હતી કે રોહન પ્રેમ વિશે શું કહેવા માંગે છે, અવંતિકાના ચહેરા ઉપર પણ પ્રશ્નાર્થ હતો..

રોહને કવિતા શરૂ કરી...

તું મને અત્યારે જ આટલો પ્રેમ ના કર...

કદાચ કાલે આપણે સાથે હોઈએ !!

ને થોડું ઝઘડવાનું પણ બને..

ના ગમતું ઘટવાનું પણ બને..

તૂટતાં સંબંધમાં થીગડું મારવા,

થોડો પ્રેમ બચાવી રાખ ને..!!!

તું મને અત્યારે જ આટલો પ્રેમ ના કર...

રોહને દિલને સ્પર્શી જાય તે પ્રકારે રજુઆત કરી.પ્રથમ પંક્તિઓ સંભાળતા જ બેઠેલા સૌ વાહ વાહ કરવા લાગ્યા, અવંતિકાનો ચહેરા ઉપર પણ ખુશીનું મોજું ફરી વળ્યું... રોહનને પણ બેઠેલા સૌનો ઉત્સાહ જોઈ ખુશી મળી અને આગળની પંક્તિઓ રજૂ કરવા લાગ્યો....

કદાચ કાલે આપણે સાથે હોઈએ !!

ને તારાથી રિસાઈ જવાનું પણ બને..

પરિવારમાં પીસાઈ જવાનું પણ બને..

બધા સંબંધોને એક તાંતણે ગૂંથવા,

થોડો પ્રેમ બચાવી રાખ ને..!!!

તું મને અત્યારે જ આટલો પ્રેમ ના કર...

કદાચ કાલે આપણે સાથે હોઈએ !!

ને પરિસ્થિતિઓ સામે લડવાનું પણ બને..

ક્યારેક એકાંતમાં બેસી રડવાનું પણ બને..

છાતી સરસો ચાંપી મારા આંસુ લુછવા,

થોડો પ્રેમ બચાવી રાખ ને..!!!

તું મને અત્યારે જ આટલો પ્રેમ ના કર...

કદાચ કાલે આપણે સાથે હોઈએ !!

ને એક એવી ઉંમરે ઢળવાનું પણ બને..

ઘરમાં પડ્યા પડ્યા સડવાનું પણ બને..

ખાટલા પાસે બેસી કપાળે હાથ ફેરવવા,

થોડો પ્રેમ બચાવી રાખ ને..!!!

તું મને અત્યારે જ આટલો પ્રેમ ના કર......

કદાચ કાલે આપણે સાથે ના પણ હોઈએ !!

ને મારા વગર એકલા જીવવાનું પણ બને..

પ્રેમની શોધમાં ઠેર ઠેર ભટકવાનું પણ બને..

પોતાની જાતને મારા વિના ટકાવી રાખવા,

થોડો પ્રેમ બચાવી રાખ ને..!!!

તું મને અત્યારે જ આટલો પ્રેમ ના કર...

તું મને અત્યારે જ.. આટલો પ્રેમ.... ના...કર...

આભાર..

રોહનને છેલ્લા શબ્દો ઉચ્ચાર્યા ત્યાં સુધી સૌની વાહ વાહ ચાલુ જ હતી, અને જ્યારે કવિતા પૂર્ણ થઈ ત્યારે આખો હૉલ તાળીઓ અને સિસોટીઓથી ગુંજી ઉઠ્યો, ઘણાં બધાએ "વન્સ મોર"ની રજુઆત કરી. પણ રોહન સ્ટેજ ઉપરથી સૌનો પ્રતિસાદ ઝીલતો આભાર વ્યક્ત કરતો નીચે ઉતરી ગયો. અવંતિકાની આંખો ભરાઈ આવી હતી, રોહન તેને કેટલો પ્રેમ કરી રહ્યો છે તે કવિતાના શબ્દોમાં સાંભળી પોતાની ખુશી આંખો સુધી આવવા દેતા રોકી શકી નહીં. કૉલેજનું જો બંધન ના હોત તો તેની ઈચ્છા રોહનને સ્ટેજ ઉપર જઈને જ પોતાની બાહોમાં ભરી લેવાની હતી. પણ તેને પોતાની જાતને રોકી રાખી.

રોહન પોતાના સ્થાન ઉપર પહોંચ્યો અને માઈકમાંથી જ્યાં સુધી બીજો અવાજ ના સંભળાયો ત્યાં સુધી બધા રોહનને જ જોઈ રહ્યાં હતાં, વરુણે તો પાસે આવતા તેને ગળે જ લગાવી લીધો. "વાહ મેરે શૅર, કમાલ કરી નાખ્યો આજે તો તે !" એમ કહેતા રોહનની પીઠ થબથબાવતો રહ્યો.

સંચાલન કરનારનો અવાજ માઈકમાં સંભળાયો :"રોહન.., આખી કૉલેજ તરફથી મારા ધન્યવાદ દોસ્ત...આટલી સુંદર કવિતા રજૂ કરવા માટે. પ્રેમને એક સુંદર રીતે પોતાની આગવી છટાથી રોહને આપણી આગળ રજૂ કર્યો. કવિઓ કવિતાઓ તો લખે છે પણ જો એ કવિતા, એ ગીતને જો એના લયમાં રજૂ કરવામાં આવે તો એની મઝા જ કઈ જુદી હોય છે, રોહનની કવિતા તેના જ સ્વરમાં આપણને એક અલગ દુનિયામાં લઈ ગઈ હતી. આપણાં ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉ. પી.એસ.પટેલ સાહેબ રોહનની કવિતા સાંભળી કંઈક કહેવા માંગે છે."

"રોહનની કવિતામાં એક અલગ ભાવ હતો, તેના શબ્દોમાં એક આગવી રજૂઆત હતી. મને પણ ગર્વ છે કે રોહન જેવો વિદ્યાર્થી આપણી કૉલજમાં છે જે આટલું સરસ લખી શકે છે. રોહનની કવિતાના હું બહુ વખાણ નહિ કરું, કારણ કે તેના માટે જેટલા શબ્દો કહીએ તેટલા ઓછા છે. પણ મારી પ્રિન્સિપલ સાહેબ સાથે થોડી ચર્ચા થઈ, રોહનની કવિતાને લઈને. અમે નક્કી કર્યું છે કે કૉલેજના વાર્ષિક મેગેઝીનમાં રોહનની કવિતા મુખ પૃષ્ઠ પર છાપવામાં આવશે."

ડૉ. પટેલ સાહેબની જાહેરાત બાદ તાળીઓ પાછી પડવા લાગી. વરુણે અને આજુ બાજુ બેઠેલા સૌ મિત્રોએ તેને અભિનંદન આપ્યા, અવંતિકા એ પણ રોહન સામે જોઈ પોતાની ખુશી વ્યક્ત કરી.

કાર્યક્રમ પૂર્ણ થતાં સૌ બહાર નીકળી રહ્યાં હતાં, રોહનને ચાલતા ચાલતા પણ ઘણાં બધાએ ખભે હાથ મૂકી કવિતાની પ્રસંશા કરી. અવંતિકા રોહનને મળવા અધિરી થઈ રહી હતી તે રોહન પહેલા જ બહાર નીકળી અને રોહનની રાહ જોવા લાગી. વરુણ અને રોહન પાસે આવ્યા, રોહન નજીક આવતા જ અવંતીકાએ તેનો હાથ પકડી લીધો, અને આભાર વ્યક્ત કર્યો.

રોહન : "કેમ આભાર ?"

અવંતિકા :"કવિતા રજૂ કરવા માટે, હું બહુ જ ખુશ છું તારા શબ્દો સાંભળીને. મને વિશ્વાસ હતો કે તું કંઈક ખાસ કરીશ, પણ તું આ રીતે પ્રેમને વ્યક્ત કરીશ તેની મેં કલ્પના પણ નહોતી કરી.

રોહન : "તે જ તો કહ્યું હતું કે 'આપણા પ્રેમ વિશે વિચાર, આપણા લગ્ન થઈ જાય અને પછી આપણે કાયમ માટે સાથે હોઈએ એ સમય વિશે વિચાર.' અને એ બધાનો વિચાર કરતાં કરતાં ક્યારે આ શબ્દો મળી ગયા, મને ખુદ ને પણ એની ખબર ના રહી."

રોહન અને અવંતિકા એકબીજાને જોતા જ રહ્યાં. વરુણ એમને જોઈ કહેવા લાગ્યો..

"તમારા બન્નેનો પ્રેમ હંમેશા આવો જ રહે એવી જ ઈશ્વરને પ્રાર્થના."

થોડીવાર ત્યાં ઊભા રહી બધા મેદાન તરફ ગયા. ગરમી હોવાના કારણે વરુણે કહ્યું કે "આપણે કાર મેદાનમાં જ લઈ જઈએ." અવંતિકાએ પોતાનું એક્ટિવા લઈને ગ્રાઉન્ડમાં આવાનું કહ્યું. રોહન અને વરુણ કાર લઈને મેદાનના એક ખૂણા ઉપર ઊભા રહ્યા. અવંતિકા અને સરસ્વતી પણ ત્યાં આવી ગયા.

સાંજે વરુણ તરફથી હોટેલમાં નાની પાર્ટીનું આયોજન કર્યું હતું. અવંતિકાએ અને સરસ્વતીએ ઘરે મોડા આવવાનું જણાવી દીધું હતું. બહાર ગરમી હોવાના કારણે વરુણની કારમાં જ એસી ઓન કરી બધા બેસી રહ્યાં, વરુણ અને રોહન આગળની સીટ ઉપર બેઠા હતાં અને અવંતિકા અને સરસ્વતી પાછળની સીટ ઉપર. વરુણની ઈચ્છા હતી કે આજે રોહનનો જન્મદિવસ છે તો બન્ને થોડો સમય એકલા પસાર કરે. માટે સરસ્વતીને કહ્યું : "સરુ, ચાલને આપણે બહારથી કઈ આઈસ્ક્રીમ કે ઠંડુ લઈ આવીએ. પણ આપણે અવંતિકાનું એક્ટિવા લઈને જઈએ. ઘણાં દિવસ થઈ ગયા છે એક્ટિવા લઈ ને ફરે."

સરસ્વતી પણ વરુણની નજીક આવવા માંગતી હતી, વરુણના દિલમાં પોતાના માટે જગ્યા બનાવવા માંગતી હતી, માટે એ તકને તને ઝડપી લીધી અને કહ્યું : "હા, ચલ મઝા આવશે."

રોહન અને અવંતિકા પણ એકલા રહેવા અને વરુણ અને સરસ્વતી એકબીજાની નજીક આવે એમ ઇચ્છતા હતાં માટે એમને પણ જઈ આવવા માટે કહ્યું. વરુણે રોહનને ડ્રાઈવર સીટ ઉપર બોલાવી લીધો. રાધિકા પણ બાજુમાં આવીને બેસી ગઈ. વરુણ સરસ્વતીને પાછળ બેસાડી એક્ટિવા લઈ કૉલેજની બહાર નીકળ્યો...

કૉલેજનું મેદાન ગરમીના કારણે ખાલી જ હતું, દૂર દૂર સુધી કોઈ દેખાઈ રહ્યું નહોતું. અવંતિકાએ રોહનના બંને હાથ પકડી લીધા, અને રોહન સામે જોવા લાગી, જાહેરમાં પોતાની ખુશી વ્યક્ત કરી શકી નહોતી એ ખુશી એકાંતમાં રોહન સામે વ્યક્ત કરવા માંગતી હતી, પણ તેને શબ્દો જડી રહ્યાં નહોતા. રોહન પણ અવંતિકાને ટગર ટગર જોઈ રહ્યો હતો, તેના હાથમાં રહેલા અવંતિકાના કુમળા હાથને પંપારવા લાગ્યો. બંને વચ્ચે આ પ્રકારનો પ્રથમ એકાંત હતો, આજ સુધી જાહેર જગ્યામાં કે વરુણ અને સરસ્વતી સાથે જ બંને મળ્યા હતાં. રોહનની કારના ગ્લાસ પણ બહારથી કોઈ અંદર જોઈ ના શકે એ પ્રકારના હતાં.

અવંતિકા એ રોહનને "i love u" કહ્યું, જવાબમાં રોહને પણ અવંતિકાના હાથને થોડા દબાવતાં "I love u too" કહ્યું, અવંતિકાએ પોતાનું માથું રોહનને ખભા ઉપર ઢાળી દીધું અને કહેવા લાગી " રોહન, તું મને આમજ હંમેશા પ્રેમ કરતો રહીશ ને ?"

રોહને પોતાના એક હાથને અવંતિકાના માથા ઉપર ફેરવતા કહ્યું : "હવે હું તને ક્યારેય નહીં ભૂલી શકું, જે સ્થાન તને મેં આ દિલમાં આપ્યું છે તે બીજા કોઈને નહીં આપી શકું, કંઈપણ થશે હું તને જ પ્રેમ કરતો રહીશ. અવંતિકા ! તે મને પ્રેમ કરતાં શીખવ્યું છે, તું મારું એક અભિન્ન અંગ બની ગઈ છે, તારા સિવાય હું બીજા કોઈ માટે વિચારી પણ નથી શકતો."

રોહનનો જવાબ સાંભળી અવંતિકાએ ખભેથી માથું લઈ થોડી વધુ નજીક આવી ....

વધુ આવતા અંકે...

નીરવ પટેલ "શ્યામ"