Mangal - 2 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 2 - (નરબલી )

મંગલ - 2 - (નરબલી )

મંગલ

Chapter 2 - નરબલી - 1

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com

ravisitapara.blogspot.com

M. 7567892860

-: પ્રસ્તાવના :

નમસ્કાર

Dear Readers,

દરિયાઈ સાહસકથા – 'મંગલ'નાં આ બીજા ભાગમાં આપનું સ્વાગત છે. છે. આગલું પ્રકરણ 'આફ્રિકાના જંગલોમાં મંગલ' સાથે પબ્લિશ થયેલ છે. ગયા ભાગમાં આફ્રિકાના ઘનઘોર જંગલમાં રહેતા આદિવાસીઓ અને તેની અમુક પ્રથાઓનો પરિચય થયો હતો. આ સાથે કથાનાયક મંગલની થોડી ઘણી ઝાંખી પણ થઈ હતી. મંગલ આ વિસ્તારમાં શા માટે આવ્યો હતો ? શું તે પોતાની સામે આવનારા પડકારોની ઝીલી શકશે કે નહી ?

આ અને આવા અનેક પ્રશ્નો, સમસ્યાઓ જે આ પ્રકરણમાં મંગલ સામે આવવાની છે તે જાણવા માટે વાંચતા રહો આ સાહસકથાનું બીજું પ્રકરણ

મંગલ ચેપ્ટર – 2 -- નરબલી – 1

મંગલ ચેપ્ટર – 2 -- નરબલી – 1

ગતાંકથી ચાલું....

પગથિયા ચડવાનો અવાજ સાથે કોઈનાં બોલવાનો અવાજ આવતો હતો. પણ કઈ સમજાતું ના હતું. ભાષા સમજાઈ શકે તેમ ના હતી. શું કરવું તે સમજાતું ના હતું. થોડી વાર તો બંને વિમાસણમાં મુકાઈ ગયા. મંગલ સંતાઈ ગયો. પેલો યુવાન કેદમાં હોય અને સાંકળો બાંધી હોય એમ પડ્યો રહ્યો. ચોકીદારો આવ્યા અને જોઇને બધું રાબેતા મુજબ છે તેમ માની ચાલ્યા ગયા.

‘‘ દોસ્ત, ભાઈ મંગલ, તમે અહીંથી નીકળી જાઓ. આ લોકો ખૂબ ખતરનાક છે. તમને મારી સાથે જોઈ જશે તો ...’’ પેલા કેદી યુવાને મંગલને ચિંતાભર્યા સ્વરમાં કહ્યું.

‘‘ હું ભાગી છૂટવા અહીં નથી આવ્યો. મુશ્કેલીઓમાં પીઠ દેખાડી ભાગી જઉં તો મારા અમારા ખારવાનું પાણી લાજે. ’’ મંગલે મક્કમતાથી કહ્યું.

‘‘ પણ ...’’

‘‘ પણ બણ કઈ નહી... હું તમને મુક્યા વગર નહિ જાઉં. ’’ મંગલે કહ્યું.

મંગલના આ જવાબથી પેલા યુવાનના હ્રદયમાં થોડી શાંતિ વ્યાપી. એ યુવાન માટે આ શબ્દો આશ્વાસનથી પણ વધુ હતા. તેણે પોતાનો પરિચય આપતા જણાવ્યું, ‘‘ મંગલભાઈ, મારું નામ શામજી છે. છેલ્લા ત્રણ મહિનાથી હું આ આદિવાસીઓની કેદમાં છું. દિવસે ને દિવસે ફફડાટનો જ માહોલ જોવા મળે. જિંદગીની તો આશા જ મારી પરવારી હતી. વિશ્વાસ ના હતો કે તમારા જેવા કોઈ ભગવાનના ઘરના માણસ આવશે અને મને અહીંથી – આ નરકથી બહાર કાઢશે. ’’ કહી શામજી રડવા જેવો થઈ ગયો.

‘‘ અરે ભાઈ ! એક માણસ બીજા માણસને કામમાં ના આવે તો તેનું જીવન જ નકામું. ચાલો ભાઈ, જલ્દી ચાલો.’’ મંગલે શામજીનો હાથ પકડતા કહ્યું.

‘‘ અહી થી ભાગવું એટલું સહેલું નથી. ચારે બાજુએ ચોકીદારો હથિયારો લઈને ઊભા છે. ’’ શામજીએ કહ્યું.

‘‘ અરે ! થોડું તો જોખમ ઉઠાવવું જ પડશે ને !’’ પોતાની પૂરેપૂરી તૈયારી હોય એમ આત્મવિશ્વાસથી મંગલ જોખમ ઉઠાવવા સજ્જ થઈ ગયો.

‘‘ એક વાત તો ભૂલી જ ગયો. ’’ શામજીએ ચિંતાના ભાવ સાથે કહ્યું.

‘‘ શું ?’’

‘‘ દોસ્ત, એક કામ કરીશ ? ’’

‘‘ હા, હા. બોલો શું કામ છે ?’’

‘‘ દોસ્ત, આ આદિવાસીઓએ બીજા પણ લોકોને કેદ કરેલ છે. એમાં થોડાક ફિરંગીઓ પણ છે. અમુક આપણી બાજુના છે. તેણે પણ ભેગા છોડાવી લઈએ તો ?’’ શામજીએ મંગલને સવાલ કર્યો.

મંગલ વિચારમાં પડ્યો. તેણે થયું કે પોતે એક ને છોડાવવા આવ્યો છે. આમ પણ જોખમ નાનું સૂનું નથી. એમાં વળી આ બીજા લોકોને છોડાવવાનું કામ ? શું કરું ? ના પડી દઉં ? ના પડી દઉં તો હમણાં જ મેં કહ્યું હતું કે પીઠ બતાવીને ભાગું તો ખારવાનું પાણી લાજે. ના, ના. મારે આ લોકોને પણ મોતના મુખમાંથી છોડાવવા જ પડશે. ભલે એ માણસ આપણો હોય કે પારકો.

ખૂબ મનોમંથનના અંતે મંગલે હા પાડી.

મંગલે શામજીને આસપાસના વાતાવરણ વિષે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો.

‘‘ શામજી, પહેલા તો આ જગ્યાની જેટલી ખબર હોય તે કહો. જેથી આપણે એ કેદીઓને છોડાવી શકીએ. ’’

‘‘ વધારે તો મને પણ નથી ખબર. કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી હું આ એક જ કોટડીમાં કેદ છું. હા, અહીંથી લગભગ થોડા અંતરે જમણી બાજુ નીચે ઉતારવાની સીડી પડે છે. એની સામે અમુક બીજી કોટડીઓ પણ છે. એમાં અ કેદીઓ કદાચ કેદ હશે. એની બહાર ચોકીદારો પણ હોય છે. પણ આજે કદાચ આદિવાસીઓનો કોઈ ખાસ ઉત્સવ હશે. એટલે કોઈ ચોકીદારો દેખાતા નથી. બહાર ઘણો શોરબકોર સંભળાય છે. કદાચ ત્યાં જ હશે. ’’

‘‘ હા, એ જ ઉત્સવ જોઇને આવ્યો છું. આવા ઉત્સવો મેં ક્યારેય નથી જોયા. માણસો આટલા બધા દયા વગરના કે કોઈ બહારના માણસની બળી જ ચઢાવી દે. એટલું ઓછું હોય એમ એનું લોહી એના દેવી દેવતાને ચડાવે. હદ છે હવે !’’ મંગલે રોષપૂર્વક કહ્યું.

‘‘ વાત તો તમારી સાવ સાચી પણ આ એના રીવાજ છે. હવે મોડું ના કરતા બીજા નિર્દોષ લોકોને આ કેદમાંથી છોડાવવા પડશે. ’’ શામજીએ કહ્યું.

‘‘ હા, ચાલો ચાલો. ’’ મંગલે કહ્યું.

બંને સાંકળો ધીમેથી ખોલી બહાર નીકળ્યા. આગળ વધતા ગયા. મનમાં થોડો ડર પણ હતો. આગળ જમણી બાજુ જોયું તો એક બાજુએથી પગથિયા નીચે ઉતરતા હતા. લગભગ ચારે બાજુએ આછું અંધારા જેવું વાતાવરણ હતું. સાંકડી જગ્યા હતી. થોડે આગળ વધ્યાં ત્યાં પાંચેક જેટલી નાની કોટડીઓ હતી. મંગલે જોયું તો તેમાં દરેક કોટડીમાં એક થી બે કેદીઓ બાંધેલ અવસ્થામાં હતા. કોટડીને મજબુત સાંકળથી બંધ કરવામાં આવી હતી.

ઉત્સવનું વાતાવરણ હતું. આમ પણ ત્યાં કોઈ બહારની વ્યક્તિ આ કેદીઓને છોડાવી શકે એમ લગભગ શક્ય ન હતું. ચોકીદારો પણ આ ઉત્સવમાં જોડાયા હતા. થોડી થોડી વારે ચોકીદારો આવ જા કરી તપાસ કરી લેતા હતા. પણ સદનસીબે ખૂબ ઓછા અવરોધ સાથે મંગલ શામજીની કોટડી સુધી પહોંચી ગયો હતો. આદિવાસી છાવણીમાં થઈ રહેલા ઉત્સવોનો લાભ લઈ તેઓ એક પછી એક એમ બધી કોટડીઓની સાંકળ તોડી અંદર જઈ બધાને છોડાવવા લાગ્યા.

અંદર કુલ છ હતા અને શામજી મળી સાત થયા. બીજી જગ્યાઓ પણ તપાસી પણ બીજે ક્યાય કોટડીઓ હોવાનું માલુમ ના પડ્યું. મંગલ આજુબાજુમાં નજર નાખવા માંડ્યો. બહાર નીકળવાના કોઈ રસ્તા શોધવા લાગ્યો. શામજી એક પછી એક એમ કેદીઓને છોડવા લાગ્યો. એમાં ત્રણ કેદીઓ ફિરંગીઓ અને બીજા ત્રણ પોતાના દેશના હતા. પરદેશમાં પોતાના મુલકના માણસોને જોઈ કેદીઓ અંદરોઅંદર એકબીજાને ભેટી પડ્યા. આજ સુધી તેઓને ક્યારેક ક્યારેક બીજાનો અવાજ સંભળાતો હતો. ક્યારેક કોઈકની દર્દનાક ચીખ સંભાળતી. પણ ક્યારેય કોઈએ એક બીજાને જોયા ના હતા. બધાના મોઢા પર દર્દ, વેદના, આંસુ રેલાતા હતા. મંગલે બધાને આશ્વાસન આપ્યું કે તે બધાને છોડાવી લેશે. ફિરંગીઓ તેમના શબ્દોને, તેમની ભાષાને સમજી ના શક્યા પણ મંગળનો હૃદયપૂર્વક આભાર માનવા લાગ્યા. કેટલાંય સમયથી કેદ આ કેદીઓ માટે મંગલ દેવદૂત થી કામ ન હતો.

ત્યાં જ ફરીથી કોઈના આવવાનો અવાજ સંભળાયો. મંગલ અને કેદીઓ સાવધાન થઈ ગયા. આવનારા સંકટો સામે લડવા મંગલે બધાને મક્કમ કર્યા. મંગલે પોતાની યોજના કહી. જેવા ચોકીદારો ઉપર આવ્યા તો તેઓએ એક કોટડીનો દરવાજો ખુલ્લો જોયો. તે અવાચક રહી ગયા. તેઓ અંદર ગયા ત્યાં તરત જ પાછળથી મંગલ અને તેના સાથીઓ પર એકસાથે હુમલો કર્યો. બધાને માર મારી મારી નાખ્યા. ત્યાર બાદ ચોકીદારોના વસ્ત્રો કેદીઓએ પહેરી લીધા. જો કે મંગલ પાસે આદિવાસીના કપડા બચ્યા ના હતા. આદિવાસીઓના ઘરેણાં, તેના જેવો દેખાવ તૈયાર કરી દીધો. જો કે ફિરંગીઓ માટે આ કામ ખૂબ જ મુશ્કેલ હતું. પણ મંગલે બધાને તૈયાર કરી દીધા. ચોકીદારોને કોટડીઓમાં કેદ કરી સાંકળેથી બાંધી દીધા.

મંગલ ખૂબ સાવધાનીથી આગળ વધી રહ્યો હતો. ત્યાં એક કોટડીમાં અંદરની બાજુમાં અચાનક થોડું પોલાણ જેવું દેખાયું. મંગલ ત્યાં ગયો અને જોયું તો બહાર નીકળવાનો રસ્તો ત્યાંથી હોય એવું લાગ્યું. બીજા સાથીઓને પણ બોલાવી આ પોલાણ તોડવા સમજાવ્યું. ત્રણ માણસો આ પોલાણ તોડવા લાગ્યા. બીજા લોકો અન્ય ચોકીદારો કે બીજા લોકો આવે તો તેનો સામનો કરવા હાથમાં હથિયાર લઈને ઊભા રહી ગયા.

ધીમી ધારે સતત પોલાણ પર પ્રહારો ચાલું રાખ્યા. અંતે પોલાણ તૂટ્યું. મોટો અવાજ પણ આવ્યો. બહાર જવાનો રસ્તો દેખાવા લાગ્યો. આદિવાસીઓના ગઢમાંથી - મોતના મુખમાંથી આ રીતે બહાર નીકળવાનું સાહસ કોઈ કરી શકે એમ ન હતું. પણ આ સાહસ મંગલ અને તેના સાથીદારોએ કર્યું. મંગલે પહેલેથી જ બાંધી રાખેલ સાંકળ દ્વારા મંગલ સિવાયનાં બધા બહારની બાજુએ નીચે ઉતારી ગયા. બધા આદિવાસીઓના પોશાકમાં સજ્જ હતા.

અલબત, આ અવાજથી નીચે રહેલા ચોકીદારો ચોંકી ઊઠ્યા. તેઓએ તરત જ ઉપરના રસ્તે જવા પોતાના પગ ઉપાડ્યા. મંગલ પણ નીચે ઉતારવાની વેતરણમાં હતો પણ એ ઉતરે એની પહેલા ચોકીદારો ઉપર પહોંચી ગયા અને મંગલના હાથમાં સાંકળ જોઈ લીધી. બાજુમાં તૂટેલી દીવાલ જોઈ. ચોકીદારો આછા અંધારામાં મોઢું તો વ્યવસ્થિત જોઈ ન શક્યા પણ પામી ગયા કે કેદી ભાગવાની કોશિષ કરી રહ્યો છે. તરત જ તેઓએ મંગલને કેદી સમજીને રંગે હાથ પકડી લીધો.

નીચે ઊભેલા આદિવાસીઓના વેશમાં રહેલાં કેદીઓ પોતાનો જીવ બચાવવા નાસી છૂટ્યા. બીજાને બચાવવા આવેલો મંગલ ખુદ સાક્ષાત યમરાજના હાથોમાં ફસડાઈ પડ્યો.

To be continued….

Wait for next Part….