Hampi - Addbhut pravasdham - hampi - 2 books and stories free download online pdf in Gujarati

હમ્પી- અદભૂત પ્રવાસધામ - હમ્પી –(૨) વીર હનુમાનની કિષ્કિન્ધા નગરી

અમે હમ્પી બસસ્ટેન્ડ પર ફ્રેશ થઈને રિક્ષામાં “હોમ સ્ટે”ની તપાસ માટે ગયા અને એક સરસ નવા બનેલા હોમ સ્ટેમાં એક દિવસના રૂ ૫૦૦ લેખે રૂમ રાખી લીધી.

હમ્પીના રહેવાસીઓ પોતાના મકાનમાં થોડી સગવડ ઉભી કરીને પર્યટકોને રહેવા માટે ભાડે આપે છે, જે હોમ સ્ટે તરીકે ઓળખાય છે.

ઓફ સીઝન હોવાથી ચાર રૂમવાળા આ હોમ સ્ટે મકાનમાં અમારા સિવાય બીજા કોઈ ટુરિસ્ટ નહોતા, એટલે ત્રણ દિવસ આપણા પોતાના સ્વતંત્ર મકાનમાં રહેતા હોઈએ એવું અમને લાગ્યું. જુઓ આ મકાનનો બહારથી વ્યુ:

હમ્પીમાં રહેવા માટે ત્રણ જાતની સગવડ ઉપલબ્ધ છે, જેમાં હોમ સ્ટે સૌથી સસ્તું અને હોટલના બદલે ઘર જેવું હોય છે. ગેસ્ટહાઉસ થોડાં મોંઘાં છે, જે હમ્પીથી થોડે દૂર નદીના સામેના કિનારે છે. જયારે મોટી હોટલ્સ તથા રિસોર્ટસ સૌથી મોંઘા પણ છે અને હમ્પીથી પાંચ-દશ કિમી દૂર પણ છે.

૧) હોમ સ્ટે:

હમ્પી નગર તેના સુવર્ણયુગ દરમ્યાન લગભગ ૩૦ ચો. કિમી જેટલા વિસ્તારમાં પ્રસરેલું હતું. આ નગરના વિનાશને ૫૦૦ વર્ષ વીતી ગયાં હોવાથી અહીંનાં મોટાભાગનાં ખંડેરો પણ નદીની રેતીમાં દટાઈ ગયાં હતાં. કર્ણાટક ટુરિઝમે ઘણાં વર્ષોની મહેનત પછી આ બધાં ખંડેરોને ખોદીને બહાર કાઢ્યાં છે અને તેની જાળવણી માટે તથા હજુ નવાં ખંડેરો શોધવાનું ચાલુ હોવાથી આ સમગ્ર વિસ્તારને આરક્ષિત જાહેર કરેલો છે. એટલે હમ્પીમાં નવું રહેઠાણ, બજાર, હોટલ વિગેરે બાંધી શકાય તેમ નથી.

પરંતુ ઘણાં વર્ષો પહેલાં, જયારે સરકારને પણ આ ખંડેરો વિષે ખાસ માહિતી કે જાગૃતિ નહોતી, ત્યારે હમ્પીના લોકલ લોકોએ વિરૂપાક્ષ મંદિરની સામે પ્રાચીન બજારનાં ખંડેરોમાં રહેઠાણ શરુ કરી દીધેલ હતાં. જયારે ટુરિઝમ ડીપાર્ટમેન્ટને આ જગ્યાના ઐતિહાસિક મહત્વનો ખ્યાલ આવ્યો, ત્યારે અહીં રહેતા લોકોને મંદિરની બાજુની ખાલી જગ્યામાં વસાવ્યા છે.

જનતા પ્લોટ તરીકે ઓળખાતી આ જગ્યામાં આશરે સોએક ઘર હશે. ટુરિઝમ સિવાય ગામમાં બીજા કોઈ ધંધા-વ્યવસાય નથી. એટલે આ બધા લોકોએ પોતપોતાના ઘરમાં વધારાના બે-ચાર રૂમ બનાવીને પર્યટકોને રહેવા માટે ભાડે આપવાનું શરુ કર્યું છે. દરેક રૂમમાં ડબલ બેડ, ખુરશી-ટેબલ, અરીસો, ગીઝર સાથેનો એટેચ્ડ બાથરૂમ જેવી ફક્ત બેઝીક સગવડ હોય છે. નોન એસી રૂમ રૂ ૫૦૦-૬૦૦માં અને એસી રૂમ ૮૦૦માં મળી જાય છે.

ટીવી, ટેલીફોન, કાર્પેટ કે રૂમ સર્વિસ જેવી કોઈ વધારાની સગવડ હોતી નથી. પરંતુ પર્યટકોને સસ્તા દરમાં જોવાલાયક જગ્યાઓથી નજીકમાં રહેવાનું મળે છે અને અહીંના લોકોને આવક ઉભી થાય છે. એટલે આ હોમ સ્ટે ઘણાં લોકપ્રિય થયાં છે. વળી કોઈ મકાનમાલિક ચા-નાસ્તો અને જમવાનું પૂરું પાડીને વધારાની કમાણી પણ કરે છે. અહીં પંદરેક જેટલાં નાનાં મોટાં રેસ્ટોરન્ટ પણ બની ગયાં છે, જે સાઉથ ઇન્ડિયન ડીશ અને નોર્થ ઇન્ડિયન ડીશ ઉપરાંત ઇટાલિયન, સ્પેનીશ, જાપાનીઝ, કોન્ટીનેન્ટલ એવી બધી જ ડીશ પૂરી પાડે છે, કારણકે અહીં વિદેશી પર્યટકો ઘણા આવે છે. હમ્પીમાં દર વર્ષે ૫ થી ૭ લાખ પર્યટકો આવે છે, જેમાંથી ૧ લાખથી પણ વધારે વિદેશી પર્યટકો હોય છે.

વિદેશી પર્યટકોને ધ્યાનમાં રાખીને અહીંના લોકો મની-એક્ષ્ચેન્જ, ટ્રાવેલ એજન્ટ, અંગ્રેજી બોલતા ગાઈડ વિગેરે ધંધા પણ કરે છે. લોકોએ ઘરના આગળના રૂમમાં દુકાનો પણ શરુ કરી છે, જ્યાં કપડાં, બેગ, પર્સ, પગરખાં, પુસ્તકો, કળાકારીગરીની ચીજો વિગેરે મળે છે. વળી સાયકલ, સ્કૂટર અને બાઈક ભાડે આપવાનો ધંધો પણ પૂરબહારમાં ચાલે છે. અહીં નોનવેજ તથા આલ્કોહોલ પ્રતિબંધિત છે.

૨) ગેસ્ટહાઉસ:

નદીના સામેના કિનારેની જગ્યા આરક્ષિત નથી, એટલે અહીં અનેક ગેસ્ટહાઉસ બની ગયાં છે. અહીંના રૂમ્સ પણ હોમ સ્ટે જેવી જ ફક્ત બેઝીક સગવડ ધરાવે છે, પરંતુ મોટી જગ્યામાં બનેલ હોવાથી બહારના ભાગે ગાર્ડન, હીંચકા, બેઠક અને ડેકોરેટેડ રેસ્ટોરન્ટ જેવી સગવડ હોય છે. અહીં એક દિવસનો ચાર્જ રૂ ૧૦૦૦ થી ૨૦૦૦ સુધી છે. વિદેશી પર્યટકો વધારે રોકાતા હોવાથી અહીં યોગા સેન્ટર, સ્પા અને મસાજ સેન્ટર, પબ, ખુરશી-ટેબલના બદલે ગાદી-તકિયાવાળાં અને ભડકામણા રંગોના ડેકોરેશનવાળાં રેસ્ટોરન્ટ ઘણાં છે. તેને લીધે આ વિસ્તાર હિપ્પી સ્ટ્રીટ તરીકે ઓળખાય છે. જૂઓ આ દ્રશ્યો:

૩) હોટલ્સ અને રિસોર્ટસ:

હમ્પીની સૌથી નજીકની હોટલ પાંચ કિમી દૂર હોસ્પેટ હાઇવે પર કમાલપુરા ગામ પાસે છે. બીજી હોટલ્સ અને રિસોર્ટસ તેનાથી પણ દૂર છે. ઘણા ટુરિસ્ટ હોસ્પેટની હોટલ્સમાં પણ રોકાય છે. હોટલ્સનો ચાર્જ રૂ ૩૦૦૦ થી ૧૦૦૦૦ સુધી છે.

-*-

રૂમમાં ફ્રેશ થઈને અમે ઢોંસા-ચટણીનો બ્રેકફાસ્ટ કરી આવ્યા. બે ગરમાગરમ સ્વાદિષ્ટ ઢોંસા અને બે મોટા કપ ચા અને એક પાણીની બોટલનું બીલ આવ્યું રૂ ૧૦૦, ઘણું સસ્તું કહેવાય ને?

ફક્ત હમ્પીમાં જ નહિ, પરંતુ સમગ્ર દક્ષિણ ભારતમાં નાસ્તા તથા જમવાની લોકલ આઈટમો ઘણી સસ્તી મળે છે. બેંગલોર જેવા મેટ્રો સિટીમાં પણ ઈડલી ૧૦ રૂપિયામાં, મેંદુવડા ૨૦ રૂપિયામાં અને ઢોંસા ૩૦ રૂપિયામાં મળે છે. તે જ રીતે જમવામાં ૩૦ થી ૫૦ રૂપિયામાં સાઉથ ઇન્ડિયન થાળી (રાઈસ પ્લેટ) મળે છે, જેમાં થાળી ભરીને ભાત, એક-બે શાક, ચોખાનો પાપડ તથા અનલિમિટેડ સંભાર અને રસમ મળે છે. વળી આ બધી આઈટમો ઘણી સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ હોય છે.

અહીંની સરકાર પણ ગરીબોને સસ્તું જમવાનું મળી રહે, તે માટે ઘણી સક્રિય રહે છે. તામિલનાડુમાં જયલલિતાની અનહદ લોકપ્રિયતાનું એક કારણ એ પણ હતું કે તેમણે ‘અમ્માનું રસોડું’ નામથી હજારો સરકારી કેન્ટીન ઉભી કરી દીધી હતી, જ્યાં પબ્લિકને ફક્ત રૂ ૧૦મા નાસ્તો અને રૂ ૨૦માં જમવાનું મળતું હતું.

આ સ્કીમની સફળતાથી પ્રેરાઈને કર્ણાટકની કોંગ્રેસી સરકારે પણ ગયા વર્ષે બેંગલોરમાં ઠેકઠેકાણે ‘ઇન્દિરા કેન્ટીન’ નામથી યોજના શરુ કરી છે, જ્યાં આવા જ સબસીડાઈઝડ ભાવથી નાસ્તો તથા જમવાનું મળે છે.

અહીં જમવામાં રોટલી ખાવાનું ચલણ નથી. એટલે તમારે રોટલી કે પરોઠા ખાવા હોય તો પંજાબી ડીશ મંગાવવી પડે, જેના ભાવ ઘણા વધારે હોય છે. તે જ પ્રમાણે પિત્ઝા અને પાસ્તાના ભાવ પણ ચીરી નાખે તેવા હોય છે.

-*-

બ્રેકફાસ્ટ કરીને અમે ભગવાન રામનાં પાવન પગલાં જ્યાં થયાં હતાં તે વીર હનુમાનની કિષ્કિન્ધા નગરી તરફ જવા માટે નદી કિનારેથી મોટરબોટમાં સામે કિનારે ગયા. બોટ આખો દિવસ ચાલે છે અને રૂ ૩૦માં સામે કિનારે લઇ જાય છે. રાત્રે બોટ બંધ રહે છે. આ રસ્તે હમ્પીથી હિપ્પી સ્ટ્રીટ એક કિમીથી પણ ઓછું અંતર છે. પરંતુ બોટમાં ના જવું હોય તો રોડ મારફત જવામાં લગભગ ૩૦ કિમી જેટલું ફરીને જવું પડે છે.

સામે કિનારે ૧ કિમી લાંબી હિપ્પી સ્ટ્રીટમાં એક તરફ લાઈનબંધ ગેસ્ટહાઉસ છે અને સામેની સાઇડમાં લીલાંછમ ચોખાનાં ખેતરો, સુંદર નાળીયેરનાં વૃક્ષો અને તેની પાછળ ટેકરીઓ નયનરમ્ય દ્રશ્યો રચે છે. જુઓ આ દ્રશ્યો:

આ બધું જોતાં જોતાં અમે રિક્ષા સ્ટેન્ડ પર પહોંચ્યા અને ભાવતાલ કરીને રૂ ૭૫૦માં જોવાલાયક પાંચ મંદિરો માટે રિક્ષા કરી.

આજનું પહેલું અને મુખ્ય આકર્ષણ ‘અંજનૈયા ટેકરી/અંજની પર્વત’ આશરે પાંચ કિમી દૂર છે. કહેવાય છે કે આ પર્વત પર હનુમાનજીનાં માતા અંજનીદેવીનું નિવાસસ્થાન હતું, જ્યાં હનુમાનજીનો જન્મ થયો હતો.

અંજની પર્વતની તળેટી સુધી રિક્ષા જાય છે. તળેટીમાં ખાણીપીણીની સારી સગવડ છે, પરંતુ તે પછી રસ્તામાં કે પર્વતની ઉપર આવી કોઈ સગવડ નથી.

થોડું ચઢાણ ચડ્યા પછી ૫૭૫ પગથિયાં છે. અડધા રસ્તા સુધી ઉપર શેડ કરેલો છે. પગથિયાં ઘણાં તો ના કહેવાય, પરંતુ પગથિયાં નાનાં-મોટાં છે, અને અમુક જગ્યાએ ઘણાં ઊંચાં પગથિયાં છે, તેથી પર્વત ચડવાનું થોડું અઘરું તો છે જ.

પરંતુ જેમ જેમ ઉપર ચડતા ગયા, તેમ તેમ નીચે નદી, ખેતરો, વૃક્ષો, ટેકરીઓ વિગેરેનાં એવાં મનમોહક દ્રશ્યો દેખાતાં ગયાં, કે પર્વત ચડવાની મઝા આવતી ગઈ. જૂઓ આ વિડીઓ અને ફોટાઓ:

વાતાવરણ વાદળછાયું હતું, એટલે ઠંડકને લીધે અમે સરળતાથી કુદરતને માણતાં માણતાં એક કલાકમાં ઉપર પહોંચી ગયા. અહીંના લોકલ યાત્રાળુઓ ઉઘાડા પગે ઉપર ચડતા જોવા મળ્યા. જો કે ચાલુ દિવસ હોવાથી છૂટાછવાયા લોકો જ સામે મળ્યા. પરંતુ હનુમાનજીની જગ્યા હોય, એટલે વાંદરાઓ તથા માંકડાં તો મોટી સંખ્યામાં હોય જ ને!

પર્વત ઉપર એક તરફ નાનું સરખું પ્રાચીન મંદિર છે, જેમાં હનુમાનજી તથા રામજીનાં સ્થાનક છે.

બીજી તરફ પૂજારીનું રહેઠાણ, યાત્રાળુઓ માટે ભોજનખંડ અને સત્સંગ થાય તેવી ખુલ્લી મોટી જગ્યા પણ છે. મંદિરની ચોખ્ખાઈ, સાદગી, પવિત્રતા અને પૌરાણિક સમયની યાદગીરીને નમન કરીને તથા ચારે તરફ પથરાયેલી કુદરતી સંપત્તિને કેમેરામાં કેદ કરીને અમે નીચે ઉતરવાનું શરુ કર્યું અને અડધો કલાકમાં નીચે આવી ગયા.

તળેટીમાં આવીને મીઠી મલાઈથી ભરપુર નાળીયેરનો આસ્વાદ માણીને અમે થાક ઉતાર્યો. પછી અમારી રિક્ષા જ્યાં પાર્ક કરેલ હતી, ત્યાં પહોંચ્યા, તો રિક્ષા તો મળી, પણ ડ્રાઈવર ના દેખાયો. આજુબાજુ બધે તપાસ કરી, પણ અમારો ડ્રાઈવર ક્યાંય ના મળ્યો. છેવટે પૂછપરછ કરતાં કરતાં શેરડીના સંચાવાળાએ જણાવ્યું કે ‘ડ્રાઈવર જમવા માટે બાજુના ગામમાં તેના ઘેર ગયો છે અને મારી બાઈક લઈને ગયો છે.’

અમે અડધો કલાક રાહ જોઈ, પણ ડ્રાઈવર આવ્યો નહિ. છેવટે કંટાળીને રિક્ષા પર લખેલ મોબાઇલ નંબર પર ફોન કર્યો, પરંતુ તે નંબર રિક્ષાના માલિકનો હતો. તેણે અમારી વાત સમજીને ડ્રાઈવરને ફોન કર્યો, પછી થોડી વારે ભાઈ પધાર્યા. પણ આ બધી માથાફોડમાં અમારો એક કલાક બરબાદ થયો. પણ દરેક પ્રવાસમાં આવી નાનીમોટી ગરબડ તો થયા જ કરે! એટલે બહાર નીકળીએ, ત્યારે મગજ પર બરફ રાખીને જ નીકળીએ, તો પરેશાની ઓછી થાય.

-*-

અમારું બીજું ડેસ્ટીનેશન હતું પમ્પા સરોવર અને શબરીની ગુફા. આ નામ સાંભળીને મને બાળપણમાં બા ગાતાં હતાં તે ભજન યાદ આવી ગયું: ‘પમ્પા સરોવરને તીર, શબરીની ઝુંપડી.’

બીજા પાંચ કિમી પછી અમે પમ્પા સરોવર પહોંચ્યા. મૂળ કુદરતી સરોવરને હવે ચારે તરફ દીવાલ કરીને મોટા કુંડ જેવું બનાવી દીધેલ છે. જુઓ આ ફોટો:

સરોવરની સામે બાજુમાં દુર્ગાદેવીનું પ્રાચીન મંદિર તથા તેવું જ પ્રાચીન શિવાલય છે.

આ મંદિરોની બાજુમાં શબરીની ગુફા છે, જ્યાં શ્રીરામનાં પગલાંની પૂજા થાય છે.

ભગવાન રામે શુદ્ર જાતિની શબરીનાં એઠાં બોર ખાઈને માનવ ધર્મનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું, તે પ્રસંગ યાદ કરીને અમે આગળ વધ્યા.

વાલી અને સુગ્રીવની લડાઈ જ્યાં થઇ હતી, તે ગુફા પણ અહીં એક પર્વત પર છે. પરંતુ અમે થાકેલા હોવાથી અને આ ગુફામાં ખાસ કંઈ જોવા જેવું નથી એમ અભિપ્રાય સાંભળીને અમે ત્યાં ગયા નહોતા. પરંતુ આ વિસ્તારમાં રામ અને લક્ષ્મણ સીતાને શોધતાં શોધતાં આવ્યા હશે અને તેમની હનુમાન તથા સુગ્રીવ સાથે મુલાકાત થઇ હશે, એવા રામાયણના કેટલાય પ્રસંગો જાણે નજર સમક્ષ તાદ્રશ થઇ ગયા.

અહીંથી ત્રણ કિમી આગળ અનીગુંદી ગામમાં રંગનાથ સ્વામી તથા મહાલક્ષ્મીનાં પ્રાચીન મંદિર છે. ત્યાં દર્શન કરીને અમે પાછા હમ્પી સ્ટ્રીટ આવ્યા. ત્યાંથી બોટમાં નદી પાર કરીને સાંજે રૂમ પર પાછા આવ્યા.

આજનો આખો દિવસ મંદિરોનાં દર્શનનો જ હતો. મધ્યકાળનું વિરૂપાક્ષ મંદિર વિશાળ, ભવ્ય, કલાત્મક કોતરણીવાળું અને યાત્રાળુઓથી ઉભરાતું હતું. જયારે પૌરાણિકકાળનાં હનુમાન મંદિર, દુર્ગા મંદિર, શબરી આશ્રમ વિગેરે પ્રાચીન હોવાથી નાનાં, સાદાં અને કોઈ પણ જાતના ભપકા વગરનાં હતાં અને અહીં યાત્રાળુઓ પણ નગણ્ય જ હતા. પરંતુ આ બધાં દક્ષિણ ભારતીય મંદિરોની એક ખાસિયત તરત જ ધ્યાનમાં આવી. ઉત્તર ભારતનાં, ખાસ કરીને ઉત્તર પ્રદેશનાં ગોકુળ, મથુરા, કાશી વિગેરે તીર્થોનાં મંદિરોમાં પંડાઓ પૈસા માટે રીતસર યાત્રાળુઓની પાછળ પડી જાય છે અને એક યા બીજા બહાને વારંવાર પૈસા મૂકાવે છે, તેવું કશું પણ અહીં જોવા ના મળ્યું. અહીં પુજારી દરેક જણને આરતી આપે, તિલક કરે, ચરણામૃત આપે; પરંતુ પોતે પૈસાની આશા રાખતો નથી. આને લીધે આપણને ખરેખર પવિત્ર ધામમાં આવ્યા હોઈએ એવી લાગણી થાય છે.

આ લેખ રંગીન અક્ષરો અને રંગબેરંગી ફોટા સાથે મારા બ્લોગ 'દાદાજીની વાતો' (dadajinivato.com) પર જોઈ શકાશે.

આ લેખમાળાનો ત્રીજો ભાગ “હમ્પી –(૩) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી ભાગ (૧)” ટૂંક સમયમાં અહીં મૂકાશે.