bhad nu fadiyu books and stories free download online pdf in Gujarati

ભડ નું ફાડીયું

ભુદરશેઠની દુકાન ગામમાં મોટી. ખમતીધર ખેડુથી માંડીને ગામના ઝાંપે ઝુંપડી બાંધીને રહેનાર સુધીના અને નાના ટાબરીયાથી લઈને ઠોં ઠોં કરતા ડોસા સુધીના તમામ ભુદરશેઠના જ ઘરાક. ભુદરશેઠના પિતાશ્રીએ દીકરાનું નામ શહેરમાંથી જ્યોતિષાચાર્ય ને બોલાવીને ભદ્ર ચંદ્ર એવું ભારે ભરખમ નામ પાડેલું.પણ ગામડા ગામની લોકજીભે આવું નામ ચડે ખરું ? એટલે ભદ્રચંદ્ર નું ગામડિયું સ્વરૂપ ભુદર થઈ ગયું. વડીલો ભુદરૂ અને દોસ્તો ક્યારેક ભુનદરૂ કહીને ખીજવતા.
અને મજુર વર્ગમાં ભુદરા શેઠ લોકપ્રિય થઈ ગયેલા.
પંદર વર્ષની ઉંમરે એનો બાપ ભીખોશેઠ ધમધમતી દુકાન એના હાથમાં સોંપીને મોટા ગામતરે ચાલી નીકળેલા. ત્યારબાદ ડોશી પણ લાબું ખેંચી શકેલા નહિ, એટલે ભુદરનું જીવન પહેલેથી જ એકલવાયું થઈ રહેલું.એ એક્લો જ એનું કુટુંબ હતો. નાનો સમજીને ગામના બીજા હરીફ વણીયાઓએ દુકાન હડપ કરી લેવા કોઠાસૂઝ વાપરી જોયેલી પણ ભુદરનું ઉદર પહેલીથી જ એવી સૂઝથી છલોછલ હતું, એટલે સર્વ હિતચિંતકો (!) ના હાથ હેઠા પડેલા.
જેમ મોરના ઈંડા ચીતરવા ન પડે એમ વાણિયાના દીકરાને વેપાર શીખવવો ન પડે ! ભીખાશેઠ પછી જે દુકાનને તાળા લાગવાની વાટ જે કાકા બાપાઓએ જોયેલી એમની પોતાની હટડીમાં સવારની બોણી છેક સાંજે થવા માંડી ત્યારે સૌ આ ભુદરથી હારીને હેઠા બેઠા. અને વીસમાં વર્ષે તો કાલ સવારનું ભુદરૂ ગામનો ભુદરશેઠ બની બેઠો.
ભુદરશેઠ દેખાવે ઘણો રૂડો રૂપાળો હતો. માથે આંટીઆળી પાઘડી અને શરીરે ફરકતું કેડિયું ,ચોરણો અને પગમાં ચોખ્ખુ સીંગતેલ પાયેલી ચામડાની ચડ ચડ થતી મોજડી પહેરીને બગલાની પાંખ જેવી સફેદ હણહણતી ઘોડી પર બેસીને ગામની બજારે નીકળતો ત્યારે ભલભલા દરબારોની આંખ કરડી થયા વગર રહેતી નહિ. પણ કુશાગ્ર બુદ્ધિથી અને મીઠી વાણી થી ગામના તમામ દરબારોની દોસ્તી એને મેળવેલી. કીડીને કણ અને હાથીને મણ આપવું જ પડે એ એનો સિદ્ધાંત હતો.એટલે એના દુષમનો કોઈ હોય તો માત્ર એના ઈર્ષાળુ કુટુંબીજનો અને જાતભાઈઓ જ હતા. ફરતા પંથકમાં એને દરબારો હારે બેઠ ઉઠવાળો અને બધા જ લખણ ધરાવતો અને વંઠી ગયેલ ચીતરવામાં આવેલો. ગામના ઉતાર અને હલકા કહેવાતા લોકો પણ ભુદરશેઠ ને રામ રામ કરતા એ આ પેટબળેલ જાતભાઈઓથી જોવાતું નહોતું.એટલે બિચારો ભુદર પૈસે ટકે સુખી હોવા છતાં કુંવારો મટીને વાંઢો થવા આવ્યો તોય કોઈ વણિક એને પોતાની કન્યા આપવા તૈયાર થયો નહિ. કુટુંબ કબીલા વગરના અને જાતભાઈઓની ખફગી વહોરી ચૂકેલા બિચારા ભુદરની વાત ગામનો કોઈ પટેલ પોતાના ઓળખીતાની દીકરી સાથે ચલાવે તો ગામના હારેલા હરીફો એવું રોડું નાખતાં કે ભુદરનું કાંઠે આવેલું વહાણ ડૂબી જ જતું.કારણ કે ભુદર વિશેનો અભિપ્રાય તો આખરે એમને જ પૂછવામાં આવતો. અને કોઈ ન પૂછે તો આ લોકો સામે ચાલીને ચા પાણી કરવા બોલાવતા અને વાત ઉપર પાણી ફેરવતા.પણ ઉપરવાળાને ત્યાં દેર છે કંઈ અંધેર નથી, આખરે ભુદરનું ભાગ્ય ખુલ્યું હતું.
ખરા બપોરના સમયે એક દિવસ ભુદરશેઠ મારતી ઘોડીએ વગડામાંથી ગામ તરફ આવતો હતો ત્યારે પાછળ ઊડતી ધૂળની ડમરી વચ્ચેથી "બચાવો....બચાવો...." ની બુમ ઉઠી.
ધોમ ધખતા તાપમાં ઉઠેલી એ બુમ વરાળ બનીને ઉડી જાય એ પહેલાં ભુુદરના કાનમાં પ્રવેશી ચુકી હતી. સ્ત્રીના ગળાની એ બુમે ઘોડીના કાન પણ ચમકાવ્યા.હણહણતી ઘોડી અવાજની દિશામાં ફરીને અશ્વારના ઇશારાની વાટ જોતી ઉભી રહી ગઈ. અશ્વાર પણ ક્યાં નબળી છાતીનો હતો.પાછળ કોઈ રડનારું ન હોવાની હકીકતે વાણિયો ગમે તેવા ભડ ભાદર સાથે બાથ ભીડતો. સામ, દામ, દંડ અને ભેદના શસ્ત્ર એ સારી રીતે વાપરી જાણતો. બાર બાર ગાઉ ના પંથકમાં એની ઉઘરાણી રહેતી.ભુદરશેઠની ઘોડીના ડાબલા જેને આંગણે પડવાના હોય એ રામસંગ પગી જેવો કાળમીંઢ હોય કે તખુભા જેવો પાંચ હાથ પૂરો , મૂછે વળ દેનારો અને ખભે બે જોટાળી ટાંગનારો હોય, એ ભુદરના ભરડામાં મસળાઈ જતો અને નરમઘેંશ થઈને વાયદા પ્રમાણે વ્યાજ સાથે રૂપિયા ચૂકવી દેતો.
એટલે સૂનકાર વગડામાં ધોમધખતી બપોરે મદદ માટે પોકાર પાડનારીની મદદે ન જાય એ બને જ કેમ ! પણ એક વખત ઉઠેલી બુમ ફરી વખત ન સંભળાઈ.ચારેય દિશામાં એની બાજ નજર ફરી વળી.માથાઢાંક બાજરાના લહેરાતા ખેતરમાં થઈ રહેલ સળવળાટ એની ચકોર નજરે પકડ્યો.પળ નો પણ વિલંબ કર્યા વગર ઘોડીને બાજરાના ખેતરમાં દોડાવી.
થોડી જ વારમાં કંચનવર્ણી કાયા, પરસેવે રેબઝેબ થતી,અને ફાટફાટ થઈ રહેલી જુવાનીને માંડ માંડ કમખામાં સમાવતી, હાંફતી હરણી જેવી કન્યા લગોલગ આવી પહોંચી.અને એની પાછળ થોડે દુર શિકાર પર તરાપ મારવા ત્રાપી રહેલ ચિત્તા જેવો હમીરસંગ એ કન્યાની ખેંચી લીધેલી ઓઢણી સૂંઘતો સૂંઘતો બેફિકર બનીને આવી રહ્યો હતો.
પગથી માથા સુધી ભુદર કન્યાને નીરખી રહ્યો. હથીદાંતના સરસ મઢેલા કડલા અને છુંદણા છૂંદેલ નાજુક બેઉ હાથ વડે એને પોતાની છાતી ઢાંકી હતી.એના સુંદર ગાલ અને દાઢી પર સરસ મજાના ગોળ છુંદણા શોભી રહ્યા હતા. વીંખાઈ ગયેલી કેશરાશી અને કમર નીચે સુધી લટકતો ચોટલો રંગીન ફુમતાઓથી શોભતો હતો. મોટા ઘેરવાળા અને કાચના ભરતકામવાળા એના ઘાઘરાને કારણે બિચારીને ભાગવામાં મુશ્કેલી પડી હશે. પાતળી કમર પર ઘાઘરા ઉપર બાંધેલા લાલપીળાં ટપકાવાળા દોરડાના છેડે ગુલાબી ફુમકાઓ અને કમખા અને ઘાઘરા વચ્ચે ઉઘાડા પેટની વચ્ચોવચ એની ખુલ્લી નાભિ ફરતે ફરતે ઝીણા ઝીણા છુંદણા જોઈને ભુદર પણ પાણી પાણી થઈ ગયો. એની અણીઆળી આંખો ભયથી વિહવળ હતી. ભુદરને આવી ચડેલો જોઈને એનો ડર થોડો ઓછો થયો એટલે એક હાથે એણેે ઘોડીનું ચોકડું ઝાલ્યું.
" કોણ છો ? કેમ બરાડા પાડેશ ?" આખી પરિસ્થિતિ જાણી જવા છતાં એનાથી પુછાઇ ગયું.
" સંપા કાંગશીયણ " હાંફતા મોએ જવાબ આપીને ચંપા કાંગશીયણ ( માથું ઓળવા માટેની કાંસ્કી, દાંતીયા વગેરે વેચવા વાળી- જુના સમયમાં ગામડાઓમાં આવી વસ્તુઓ વેચીને કેટલીક જાતિઓ પોતાનું ગુજરાન ચલાવતી) ભુદરશેઠ ને તાકી રહી. રૂપાળો ઘોડિસવાર એના મનમાં વસી ગયો. 
એ નજરમાંથી વછૂટતાં પ્રેમબાણ ભુદરના દિલને ભેદી રહ્યા.જાણે કે સુક્કી ભઠ ધરા પર વરસવા ગોરંભાયેલ વાદળાં ગડગડાટ કરી રહ્યા ! 
"હાં હાં શેઠિયાવ, અમારા શિકારને ક્યાંક રખોપા આલતા નહિ હો ! માંડ હાથમાં આવી છે આજ, એટલે જોઈને ધરાઈ રીયા હો તો હાલવા માંડો, અને આ બાજરાના ખેતરમાં અમને અમારો શીકાર કરી લેવા દો, હેં હેં હેં..." ભુદર અને ચંપા નું તારા મૈત્રક જોઈ રહેલા હમીરસંગે અટ હાસ્ય કરીને કહ્યું.
હમીરસંગની ફરતા પંથકમાં ભારે હાક હતી.એની પાછળ વોરંટ હતું.કેટલીવાર એ ચોરી ચપાડી, લૂંટ અને મારામારીના કેસમાં જેલ જઇ આવ્યો હતો. દારૂની ભઠ્ઠીઓમાં એના માણસો રાત દિવસ દારૂ ગાળતા અને વેંચતા. ગરીબ લોકોને દસ ટકાના ભારે વ્યાજે રૂપિયા આપીને લૂંટી લેતો. જે વ્યાજ અને મુદ્દલ પાછું ન આપે એનું સર્વસ્વ લૂંટી લેતા એ ખચકાતો નહિ.દયાનો છાંટો પણ એના દિલમાં નહોતો. ગામડાની સિમ માં આવી એકલ દોકલ અબળાઓ એનો શિકાર બનતી.એની કોઈ ફરિયાદ પણ કરતું નહિ.હમીરસંગની સામે હામ ભીડનારું હજુ કોઈ પાકયું નહોતું.જે કોઈએ એનો માર્ગ આંતરવાની કોશિશ કરેલી એ ક્યાંક ગૂમ થઈ ગયા હતા. એટલે હવે ભુદર માટે ચંપાને છોડાવવી એ અજગરના મોમાંથી સસલું છોડાવવા જેટલું અઘરું હતું.
ભુદર , હમીરસંગને નહોતો ઓળખતો એમ નહોતું.ઘણીવાર આવા માથાભારે માણસો સાથે એણે કામ પાડ્યા જ હતા.આવા ચોર અને લૂંટારાઓ સાથે પણ એ વહેવાર રાખતો.આવા લોકોને જોતું કરતું આપતો ,અને તાલુકાના પોલીસખાતામાં સારી એવી વગ પણ ધરાવતો.ક્યારેક પકડાવી દેતો તો ક્યારેક પકડાયાને ભલામણ કરીને છોડાવતો પણ ખરો.આ હમીરસંગને જ બે હજાર રૂપિયા બે ટકાના વ્યાજે એને આપેલા.હમીરસંગે એ રૂપિયા દસ ટકાએ ચડાવીને વ્યાજ વટાવનો ધંધો શરૂ કરેલો.પણ અત્યારે એ કોઈ વાત કે વ્યવહાર કામમાં આવવાના નથી એ હમીરસંગના અટહાસ્યથી સ્પષ્ટ થતું હતું. બીજો કોઈ હોત તો ક્યારનોય માર્ગે પડ્યો હોત, કદાચ આ કાંગશીયણ મનમાં ન વસી હોત તો પણ હમીરસંગના હાથે મરવાની શક્યતાઓ હોવા છતાં ભુદર ભાગે તેવો નહોતો.પરંતું 
કાંગશીયણ એને ભાવી ગઈ હતી તેથી

હવે પાછા ડગ ભરવામાં દિલ ના પાડતું હતું.
"રખોપા તો અમે વાણિયા શુ કરીએ બાપુ ! પણ..."
ભુદરે મોરચો ગોઠવવાની શરૂઆત કરી
" હવે પણ ને બણ, ડાંડે પડય તું ભૂંડા. તને હું ઓળખું છું એટલે કવ છું મહેરબાની કરીને હાલતીનો થઈ જા,આ કાંગશીયણને હું છોડવાનો નથી અને મારી હારે બથ ભરવાનું તારું ગજું નથી, તું ઉપડ મારે મોડું થાય છે' હમીરસંગના ડોળા તગતગવા મંડ્યા.અને એના મોં માંથી આવતી દારૂની વાસથી ભુદર પણ અકળાયો.
" આ શિકાર છોડવાનું શુ લેવું છે ઇ બોલો હમીરસંગ " વાણિયાએ ભાવતાલ શરૂ કર્યા.
હમીર એ સાંભળીને ખડખડાટ હસી પડ્યો, " વાહ વાણિયા વાહ, દુકાન તરત જ ખોલી નાખવાની ઇમ ને ? આ કંઈ થોડી જણસ છે તે ઇના ભાવતાલ હોય ભૂંડા ? તું તારે ગામ ભેળો થા ને ભાઈશાબ, , નકામો અંતરિયાળ વેતરાઈ જાઈશ તો તારી દુકાન ઓલ્યા નખ્ખોદિયા પચાવી પાડશે" હમીરસંગે કમરમાંથી ચાકુ કાઢીને બતાવતા કહ્યું.
ચાકુ જોઈને ચંપા ધ્રુજવા લાગી. ઘોડીનું ચોગઠું છોડી દેતા એ બોલી "શેઠ તમે વયા જાવ, ઈને ની પુગો , નકામા મારા જેવી હાટુ થઈને જીવ ખોશો. જાવ ભલા થઈને." 
ભુદરે એની સામે એક નજર નાખીને ફરી હમીરસંગને કહ્યું,
"હમીરસંગ, એકવાર આ છોડીને જાવા દ્યો,તમને આપેલા બે હજાર તમારા, અને વધુ જોતા હોય તોય વાંધો નઈ, બીજું તાલુકે આપડી ઓળખાણ છે, તમારી વાંહે વોરંટ સે ઇ કઢાવી દઉં, બોલો સોદો તમારા લાભનો સે, આવી બાયું તો ઘણી મળશે પણ દરેક વખતે એને છોડાવવા ભુદરો નઈ આવે,તમારી હારે અમારી જેવા વાણિયાભાઈ બથોડા લે ઇ વાતમાં માલ નઈ, આતો તમારે પોલીસની બીકે જ્યા ત્યાં નાસભાગ કરવી નઈ અને આ બિચાડી છૂટે એટલે કવ સુ " ભુદરે હમીરસંગની કોણીએ ગોળ લગાડવાનું ચાલુ કર્યું.
હમીરસંગને વોરંટ વળી વાતથી ઝટકો તો લાગ્યો જ.બાકી રૂપિયા કરતા એને ચંપમાં વધુ રસ હતો.તાલુકાનો જમાદાર છાછવારે (એકાંતરા ) ભુદરશેઠની બંગલીમાં મહેમાન થતો એ વાત હમીરસંગ જાણતો હતો.અમસ્તો જ કઈ ભુદરશેઠનો વેપાર બાર ગાઉના પંથકમાં નહોતો ચાલતો.પણ પોતાને વોરન્ટની બીક છે એ દેખાવા દે તો તો હમીરસંગ શાનો !!
" રૂપિયા તો વપરાઈ જાય પછી ?"
હમીરસંગને વાતમાં આવેલો જોઈને ભુદરની હિંમત વધી.
"તમે કયો ઇ મંજુર, પણ આ છોડીને છોડો" કહીને ભુદર ચંપાની આંખોમાથી ઝરતો અમીરસ પીવા લાગ્યો.
ભુદરની એ ચેષ્ટા હમીરસંગથી અજાણી નહોતી.જો કે ભુદર માટે એને માન તો હતું જ. કારણ કે એ એકદમ શુદ્ધ ચરિત્રનો અને દિલદાર વાણિયો છે એ વાત હમીરસંગ જાણતો હતો. આવી યુવાની હોવા છતાં કોઈ પણ સ્ત્રીના લફરામાં એનો પગ લપસ્યો નહોતો. "પણ આ કાંગશીયણ છે જ ગજબની મારી બેટી, ભલભલાને ભરમાવી દે એવી, એમા બિચારા ભુદરનો શુ વાંક ?" મનોમન તે મલકી રહ્યો.
"અલ્યા વાણિયા, તું ક્યાંક કાળું ધોળું કરવા તો નથી બેઠોને, હાળા ક્યારનો લાળુ પાડેશ ઇ હું જોઉં છું હો, અને આય માળી તને જોઈને મોહી પડી લાગે છે, અલી એ'ય હમીરનો હાથ ફરશે એટલે હતી નોતી થઈ જાશ " હમીર ખડ ખડ હસી પડ્યો.
ભુદરને હવે ગુસ્સો આવતો હતો.વેપાર થાય તો ઠીક છે નકર તલવાર વાપરી જોવાનો વિચાર એ કરતો જ હતો. હમીરને હસતો જોઈ એણેે ગુસ્સે થઈ કમરે બાંધેલી તલવાર પર હાથ મુકતા કહ્યું, " તમે તો ભારે કરી, છોડવાના છો કે નઈ બોલો " 
એ જોઈને હમીર ફરી ખડખડાટ હસી પડ્યો. એને હવે મઝા આવતી હતી. " વાહ વાણિયા વાહ, ધન છે તારી માં ને, એક બાજુ વેપારની વાત કરછ અને પાછો તલવાર પણ ખેંચવી છે ઇમ ? હેં હેં હેં.. એક વાતે આ છોડીને મૂકી દઉં, જો તારાથી થાય તો ! જો જે હો, તારી તલવાર તો મારે મન સાંઠીકુ જ છે હો, તું બાર કાઢ ઇ પેલા તો તને હું વેતરી નાખીશ, એટલે ધીંગાણું કરવાનો વચાર નો કરીશ " દરબારે નવો દાવ નાખ્યો.
"એક ફરા બોલો તો ખરા " ભુદરે તલવાર પરથી હાથ હટાવતા કહ્યું.
"હં .. હવે આયો ઠેકાણે, હું ઇમ પૂછું છું તને કે તારે આ છોડીની વારે આવવવાનું કારણ ? તું ક્યારનો એને તાકી રિયો છો તે શા હારું ? મારી કને થી છોડાવીને તારે જલસા કરવા હોય તો ભુદરા આ હમીરસંગ પોતાના શિકારનું એક બટકું'ય કોઈ બીજાને નિરતો નથ , હમજ્યો ? અને તું આખે આખુ ગપચાવી જાવાની વાત કરછ, હાલી શુ નીકળ્યો છો "
" પણ મેં ચ્યાં એવું કાંઈ કીધું ? તમે કઈ રીતે છોડો ઇ ક્યો"
" તું જો ભડનું ફાડીયું હોય તો આ કાંગશીયણ ને વાણિયણ બનાવીને તારા ઘરમાં બેહાડ તો ઇને મારી બેન ગણું, બોલ મંજુર હોય તો" કહીને એ ખડ ખડ હસી પડયો. અને કાંગશીયણની ઓઢણી સૂંઘવા લાગ્યો.
ચંપા તો આ સાંભળીને સજ્જડ થઈ ગઈ.હવે તો હમીરસંગ પોતાને પીંખી જ નાખશે, આ વાણિયો કઈ પોતાને થોડી ઘરમાં બેહાડે ?
ભુદર પણ વિચારમાં પડી ગયો. આ કાંગશીયણ ભાવી તો ગઈ જ હતી પણ સાવ આમ ઘરમાં બેહાડી દેવાનું વિચારવાનો સમય ક્યાં મળ્યો હતો ? હમીરસંગના પંજામાંથી એને કેમ છોડાવવી એ જ વિચારવાનું હતું ને ! 
"મારી નાતમાં આમેય ક્યાં મારી આબરૂ પેલા નખ્ખોદીયાઓ એ રહેવા દીધી છે ? પણ હું વાણિયો થઈને આ કાંગશીયણ ? તો પછી આ લોહી ક્યારનું શેનું ઉછાળા મારે છે ?" ઘડીભર ભુદર વિચારી રહ્યો.
" કાં... આ.. વાણિયા ? પડી ગયોને વિચારમાં ! ભૂંડા , ડાંડે પડય (ચાલ્યો જા ) અને જા કે'જે તારા જમાદારને , કરી લ્યે ભડાકો , મારો તો ધંધો જ આ છે, તારે આ છોડીને મારી કનેથી છોડાવીને મારા જેવું જ કરવાનું હોય તો હું જ શુ ખોટો છું ! હાલ્ય, અલી એય તારે તો બેય બાજુ સરખું જ છે " એમ કહી હમીર ચંપાનું કાંડુ પકડવા આગળ વધ્યો.
પણ હમીરનો હાથ ચંપાને અડે એ પહેલા તો આકાશમાંથી બાઝ સાપને ઉપાડે એટલી ચિલઝડપે ભુદરે ચંપાને ખેંચીને ઘોડી ઉપર લીધી.અને ઘોડી પણ આ જ ક્ષણની વાત જોતી હોય તેમ આગળના બે પગે ઝાડ થઈને હણહણી.
" હમીર હવે તું જો ભડનું ફાડીયું હો તો આવતી બળેવે (રક્ષા બંધન ના દિવસે ) રાખડી બંધાવવા આ તારી બેનના ઘેર નો આવ તો તું તારી માને નહોતો ધાવ્યો એમ માનીશ હો ! " કહીને ભુદરે ઘોડીને એડી મારી.અને અશ્વારનો ઈશારો થતા જ જાતવાન ઘોડી હણહણાટી કરીને ખેતરની ધૂળ ઉડાડતી ઉપડી.
ફાટી આંખે હમીરસંગ હાથમાં આવેલા શિકારને વાણિયો લઈ ગયો તે જોઈ રહ્યો. પણ નકામી વાતું કરીને માંડ હાથ આવેલો શિકાર છટકી જવાનો એને જરાય અફસોસ ન થયો. ચંપાની ઓઢણીને હળવેથી સંકેલીને ખિસ્સામાં મૂકીને એ ચાલતો થયો. ભડના ફાડીયા ભુદરશેઠને મનોમન શાબાશી આપતા એ બબડયો, " માળો , વાણિયો ભડનું ફાડીયું નીકળ્યું હો !"