PINJRU books and stories free download online pdf in Gujarati

“પીંજરું.”

“પીંજરું.”

========

મીઠું પીંજરામાં પણ ખુશ હતી. ત્રણ મહિનામાં એ આશાની ભાષા સમજવા લાગી. એના આદેશો અનુસરવા લાગી.

“મીઠું” નામ આશાએ જ પાડ્યું હતું. ત્રણ મહિના પહેલા મીઠુંને ઉડાડવા માટે એના પપ્પા લાવ્યા હતા. પણ હવે આ મીઠું કેમની ઉડે? આશાને પણ મીઠુંની આદત પડી ગઈ હતી.

મીઠું જેવા વીસ પક્ષીઓ ઉડાડ્યાનો અનેરો આનંદ આશાને હતો. પીંજરામાં રહેલ પક્ષી આશાને બિલકુલ પસંદ ન હતા. આશા સાત વર્ષની થઇ ત્યારે એના પપ્પા જન્મદિવસના કેક અને સાત કેન્ડલ લાવ્યા હતા. પણ તે દિવસે જીદ કરીને આશાએ સાત પક્ષીઓ મંગાવ્યા હતા અને ખુબ ઉત્સાહથી એને ખુલ્લા આકાશમાં ઉડાડ્યા હતા.

એને મન તો કેવી મજ્જાની લાઈફ! એક સાથે સાત પક્ષીઓ ખુલ્લા આકાશમાં!

પણ આ મીઠું મેનાથી એને વધારે આત્મીયતા થઇ ગઈ. આશાનો દરેક જન્મદિવસ એક પક્ષી ઉડાડીને ઉજવાતો.

ઘરમાં પણ એની ખુશી એજ પપ્પાની અને ભાઈની ખુશી.

મમ્મીને તો ક્યારેય જોયા જ નથી.

એના પપ્પા એને હમેશા કહેતા કે એનો દુનિયામાં જન્મ થયાની સાથે જ એની માતાનું મરણ થયું. બધા એને બુંદીયાડી કહેતા. પણ પપ્પા અને ભાઈ એવું ન્હોતોં માનતા.

પણ છેલ્લા ત્રણ મહિનાથી પપ્પા અને ભાઈનું તો જાણે વર્તન જ બદલાઈ ગયું.

પહેલીવાર જયારે એના પપ્પા આશાને ઇમરાન સાથે બાઈક ઉપર જોઈ ગયા ત્યારથી એની પણ હાલત મીઠું જેવી જ હતી.

એ દિવસે એનો એકવીસમો જન્મ દિવસ હતો ઈમરાનને વચન આપેલ કે એ એની સાથે ડેટ ઉપર જશે.

ઇમરાન સાથે ફરીને જયારે એ પરત ઘરે આવી ત્યારે પપ્પા અને ભાઈએ એને ખુબ માર માર્યો. એને સમજતા વાર ન લાગી કે શા માટે માર મરાયો હતો.

જયારે એને માર પડતો હતો ત્યારે આ મીઠું કિકિયારી કરી રહી હતી. અને ત્યારે જ આશાએ પહેલીવાર મીઠુંને જોઈ હતી.

“તારા જન્મદિવસ માટે હું આ મેના લાવ્યો. તારી કઈ જરૂરત અમે પૂરી નથી કરી? શરમ નથી આવતી? પેલા મવાલી સાથે ફરતા?” છેલ્લી થપ્પડ મારતા એના પપ્પાએ કડક શબ્દોમાં આશાને કહ્યું હતું.

અને તે દિવસથી આશા ઘરમાં અને મીઠું પીંજરામાં કેદ થઇ ગયા. જન્મદિવસ ઉજવવાની ઈચ્છા તેમજ મીઠુંને ઉડાડવાની ઈચ્છા એને કમને મારી નાખી હતી.

બીજા દિવસથી જ મીઠું એની વાતો સાંભળવા લાગી એને સમજવા લાગી. જયારે પણ એ એકલી પડી જતી મીઠુંના પીંજરા પાસે જઈને બેસતી અને ઈમરાનની વાતો કરતી. ઇમરાન સાથે માણેલી હળવી પળો વિષે મીઠું પાસે વાત કરતી.

આશા મીઠુંને કઈ પણ કહેતી એ કાન સરવા કરીને કુતુહલવસ એની વાતો સાંભળતી અને ડોક હલાવતી કિકિયારી કરતી. ધીરે ધીરે એને પણ મીઠુંની ભાષા સમજમાં આવતી ગઈ.

આજે એ ઇમરાનની યાદોમાં ખોવાઈ હતી. મીઠું એને કિકિયારી કરી એના મીઠા અવાજમાં બોલાવી રહી. એ મીઠુંના પીંજરા પાસે ગઈ એની ટચલી આંગળી પીંજરામાં નાખી એના માથા ઉપર ફેરવવા લાગી..

“આઈ એમ સો સોરી મીઠું. આમ તને પીંજરામાં જોઇને મને જરા પણ મજા નથી આવતી. પણ તારા સિવાય આ દુનિયામાં મારું કોણ છે? ઇમરાનને મળવું એ હવે એક સપના જેવું થઇ ગયું છે. મીઠું તારે કોઈ બોય ફ્રેન્ડ નથી? હું હંમેશા તને ઇમરાનની વાતો કરીને કંટાળો આપતી રહું છું. તે મને તારી લવ સ્ટોરી વિષે ક્યારેય ન કીધું? તમારે પક્ષીઓમાં પણ જ્ઞાતિ જેવું કે બંધન જેવું હોય છે? તારો બોય ફ્રેન્ડ કઈ જ્ઞાતિનો છે? ક્યાં સમાજનો છે?”

પહેલી વાર મીઠુંને આશાની વાતો સમજમાં ન આવતી હોય એમ પીંજરામાં આમ તેમ ઉડી ઉડી પાંખો ફફડાવવા લાગી અને કિકિયારી કરવા લાગી.

“ઓહ સોરી! મીઠું તને ખબર છે! મને ઘણી વખત ઇમરાન સાથે ભાગી જવાની ઈચ્છા થાય!”

મીઠું પીંજરામાં રહેલ હીંચકા ઉપર બેસી હીંચકા ખાવા લાગી અને એની અદામાં હસવા લાગી. આશાની વાતો એ સમજતી હોય એમ ડોક ઉંચીનીચી કરવા લાગી.

સાંજે છ વાગ્યા સુધી એ ભાન ભૂલી મીઠું સાથે વાતો કરી રહી અને એના ઘરનો દરવાજો કોઈએ ખટખટાવ્યો

એની વાતોમાં વિક્ષેપ પડ્યો. એને દરવાજો ખોલ્યો..

સામે ઉભેલા ઇમરાનને જોઈ એ સ્તબ્ધ થઇ ગઈ. એને તરત આજુ બાજુ નજર દોડાવી કે કોઈ જોતું તો નથીને? અને ઇમરાનનો હાથ પકડી એને જટથી ઘરમાં ખેંચી દરવાજો બંધ કરી દીધો.

“ઇમરાન! અચાનક મારા ઘરે? તને કોઈએ અહી આવતા જોયો તો નથીને?”

“ના કોઈનું ધ્યાન નથી ગયું. હું અડધો કલાકમાં રેલ્વે સ્ટેશને પહોંચું છું તારી રાહ જોઉં છું. જો આજે હિંમત નહી કરીએ તો ક્યારેય નહી કરી શકીએ. ક્યાં જવું છે અને આગળ શું કરવું છે એ બધું જ નક્કી છે, હું તારી રાહ જોઇશ. પ્લેટફોર્મ નંબર બે ઉપર દોઢ કલાક પછી મુંબઈની ટ્રેન છે. એવી જગ્યાએ જતા રહીશું કે કોઈ શોધી જ નહી શકે. હું તારી રાહ જોઇશ પ્લીઝ આવી જજે.”

એટલું બોલી ઇમરાન ઉતાવળે જતો રહ્યો. ઇમરાનને પણ ખબર હતી કે આશાનો ભાઈ અને એના પપ્પા ગમે ત્યારે ઘરે આવી શકે છે. ઇમરાન ના જતા જ આશા મીઠુંને જોતી રહી. એને મીઠુંને પૂછ્યું..

“મારી મીઠુંડી તારે ખુલ્લા આકાશમાં ઉડવું છે?તને થોડીવારમાં આઝાદ કરી દઈશ.”

એટલું કહેતા આશા એના રૂમ તરફ ગઈ અને અલમારીમાંથી એના જરૂરી કપડા અને જરૂરી સમાનનું પોટલું વાળવા લાગી. અત્યારે એ પોટલું વાળતા વાળતા એની જાત સાથે યુદ્ધ કરી રહી હતી. મારું આ પગલું કેટલું યોગ્ય છે? ટેબલ ઉપર પડેલી એના પપ્પાની બ્લડ પ્રેસરની દવા ઉપર એની નજર પડી. એને રસોડામાં નજર દોડાવી. એને એના ભાઈની વાત યાદ આવી ગઈ.

“મારી આશુડી તું ભલે મારાથી નાની છે પણ મારી નાની છો. મારી નાની નાની બાબતે તું કેટલું ધ્યાન રાખે છે? મારું ટીફીન મારા કપડા.”

એના ભાઈની વાત યાદ આવતા જ એના શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું. પણ ફરી એને ઇમરાનની વાત યાદ આવી ગઈ, આ તે કેવી જિંદગી? જેલના કેદીની જેમ નજર કેદ રહેવું કેટલું યોગ્ય?

એને ફરી હિંમત કરી પોટલાની ગાંઠ મજબુત બાંધી. ફરી એને કશું યાદ આવ્યું એને ડ્રોઅરમાંથી એક કોરો કાગળ ઉઠાવ્યો.

“વ્હાલા પપ્પા મને માફ કરશો. હું તમને દુખ પહોંચાડવા નહોતી માંગતી પણ જેમ હું તમારી લાઈફમાં એક મહત્વની વ્યક્તિ છું એમ ઇમરાન પણ મારા જીવનનું એક અંગ છે. મને શોધવાની કોશિષ ન કરશો તેમજ મારી ગેરહાજરીમાં દવા સમય સર ખાઈ લેજો. ભાઈને પણ કહેજો કે જમવાનું બનાવતા સીખી લે.

-તમારી વ્હાલી આશા.

એને કાગળ દવાની બોટલ નીચે દબાવ્યો અને પેન્સિલ ત્યાજ મૂકી દીધી. ઉતાવળા પગે એ દરવાજા તરફ ગઈ એની નજર સુન-મુન પીંજરામાં બેઠેલી મીઠું ઉપર પડી. એ દરવાજો અડધો ખુલ્લો મૂકી મીઠુંના પીંજરા તરફ આવી પીંજરું ખોલી મીઠુંને બહાર કાઢી એના દુપટ્ટામાં છુપાવી એ ચુપચાપ બહાર નીકળી. આજે ત્રણ મહિના પછી પહેલીવાર એ હિંમત કરીને બહાર નીકળી હતી. હળવી સાંજ હતી સાડા છ વાગ્યા હતા. એને બીક હતી કે પપ્પા કે ભાઈ જો ઘરે આવી જશે તો એ પકડાઈ જશે અને ફરી એને માર પડશે. એને બહાર નીકળતા જ દરવાજો બંધ કરી મીઠુંને ખુલ્લા આકાશમાં ઉડાડી મૂકી અને તરત જ રીક્ષા પકડી એ રેલ્વે સ્ટેશન તરફ રવાના થઇ. રીક્ષામાં બેઠાં બેઠાં જ એને એનો ચહેરો દુપટ્ટાથી વીંટાળી છુપાવી દીધો. આજે એ મીઠુંને ખુલ્લા આકાશમાં ઉડાડીને એ ખુશ હતી. આજે એને એના જન્મદિવસ જેવી અનુભૂતિ થઇ રહી હતી. રેલ્વે સ્ટેશને ઉતરી એ પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર પહોંચી એક બેંચ ઉપર બેસી ગઈ. એની આંખો અત્યારે ઇમરાનને શોધી રહી હતી. વિચારોના વમળોમાં એ એટલી તો ખોવાઈ ગઈ હતી કે એ ભૂલી ગઈ હતી કે ઈમરાને એને પ્લેટફોર્મ નંબર બે ઉપર આવવા કહ્યું હતું.

અત્યારે ઇમરાન બિલકુલ એની સામે જ પ્લેટફોર્મ નંબર બે ઉપર આશાની રાહ જોઇને બેઠો ઉભો હતો. એને બંને માટે મુંબઈની ટીકીટ પણ લઇ લીધી હતી. એ પણ આશાની રાહ જોઈ ઉભો હતો. પણ પ્લેટફોર્મ નંબર બે ઉપર એક ટ્રેન ઉભી હતી જેના કારણે બંને એકબીજાને જોઈ નહોતો શકતા. વીસ મિનીટ પછી એ ટ્રેન ઉપડવાની હતી અને એની જગ્યાએ મુંબઈની ટ્રેન લાગવાની હતી.

એ અત્યારે વ્યથિત હતી. એના દિમાગમાં કેટલાય સવાલો દોડતા હતા. હજુ ઇમરાન કેમ નમ આવ્યો? ક્યાંય અટવાયો હશે? એને એના પપ્પાના લાડ-કોડ યાદ આવી ગયા એને ઉજવેલા એક એક જન્મદિવસની યાદ એના દિમાગમાં તાજા થવા લાગી. એને પ્રશ્ન થયો. મમ્મીના અવસાન પછી પપ્પાએ અને ભાઈએ કેટલી મુશ્કેલી વેઠી મને મોટી કરી! મારા અભ્યાસથી લઈને મારા રમકડા સુધીની મારી નાની નાની જરૂરિયાતો ભાઈએ અને પપ્પાએ પૂરી કરી. નાની નાની બાબતે ભાઈ અને પપ્પા મારા ઉપર આધારિત થઇ ગયા છે. શું મારું આ પગલું એ સહન કરી શકશે?

આ વિચાર આવતા જ ટ્રેનની કર્કસ વીસલ વાગી એના વિચારોમાં વિક્ષેપ પડ્યો. એની સામે ઉભેલી ટ્રેન રવાના થઇ. ટ્રેન નીકળી ચુકી હતી એની નજર સામે ઉભેલા ઇમરાન ઉપર પડે એ પહેલા મુંબઈની ટ્રેન આવીને ઉભી રહી ગઈ. ટ્રેન ઉપડવાને ફક્ત દસ મીનીટની વાર હતી. એની ચિંતા વધી ગઈ ફરી એ ઈમરાનના વિચારોમાં ખોવાઈ ગઈ. એને ટ્રેનમાં ચડીને આજુબાજુ નજર કરી. બે ચાર ડબ્બાઓમાં એ દોડતી દોડતી ફરી પણ એને ઇમરાન ક્યાય મળ્યો નહી. મુંબઈની ટ્રેનની વીસલ વાગતા જ એના શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું. બીજી વીસલ વાગતા જ એ ધ્રુજવા લાગી.

ટ્રેન ધીરે ધીરે ચાલવા લાગી. એને વિચાર આવ્યો કે ટ્રેન તો આવી ગઈ હજુ ઇમરાન કેમ ન આવ્યો? એને ધીમે ચાલતી ટ્રેનમાંથી પોટલું ફેંક્યું અને પોતે નીચે ઉતરી ગઈ..

ચાલતી ટ્રેનમાં ઉતરતી વખતે મહા મુસીબતે એને પોતાની જાતને સંભાળી. રેલ્વે સ્ટેશનના એક પિલર સાથે અથડાતા એ બચી ગઈ. અહલાદ્ક શીતળ ઠંડીમાં પણ એના ચહેરા ઉપર પ્રસ્વેદ છલકી રહ્યો હતો.

નિરાશ થઇ એ રેલ્વે સ્ટેશનની બહાર આવી. એને ફરી રીક્ષા પકડી ઘર તરફ રવાના થઇ. અત્યારે એ એજ ચિંતામાં હતી કે એને લખેલો કાગળ એના પપ્પા કે ભાઈના હાથમાં આવી ગયો હશે તો? એ ઉતાવળે રીક્ષામાંથી ઉતરી ઘર તરફ ગઈ. ઘરમાં જવાની એની હિંમત નહોતી થતી. પણ એની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. ઉતાવળે એને દરવાજો ખોલ્યો એ સીધી એના રૂમમાં ગઈ. એને મુકેલો કાગળ એમનો એમ બોટલ નીચે પડ્યો હતો. એને એ કાગળ ઉઠાવતા એક હાશકારો થયો. એને ભગવાનનો પાળ માન્યો કે હાશ હજુ સુધી ભાઈ અને પપ્પા આવ્યા નથી. એમ વિચારતા એને એ કાગળ ફાડી નાખ્યો અને કચરા પેટીમાં નાખી દીધો.. એ બહાર આવી એને મીઠુંના પીંજરા તરફ નજર કરી તો મીઠું એને જોઈ એની સાથે વાતો કરી રહી. કિકિયારી કરી રહી હતી..

સમાપ્ત..

- નીલેશ મુરાણી.
મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯
ઈમેઈલ:- nileshmurani@gmail.com