bhadiyo books and stories free download online pdf in Gujarati

ભાડીયો

          જમનલાલ શેઠના દીકરા ગુણવંતરાય. જમનલાલ વર્ષો પહેલા નાનકડા ગામના નગરશેઠ. પહેલાના સમયમાં નગરશેઠ એટલે ગામડાની અર્થવ્યવસ્થાને જીવંત રાખનાર શેઠ. પહેલા લોકો પાસે વધારાની બચત નહોતી રહેતી. એ વખતે આવી બેન્કો પણ ન હતી. મોટા ભાગનો વ્યવહાર વિનિમયથી ચાલતો. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. રોજિંદા વ્યવહાર જેવા કે ખાધાખોરાકી માટે ઘર ની વાડી નો બાજરો હોય, ઘર ની વાડી નું શાક બકાલુ કે કઠોળ હોય જે નું શાક રોજ બને. એવું કંઈ ના હોય તો કઢી તો સદાબહાર. બધાના ઘરે દૂઝાણું તો હોય જ એટલે છાશ-દૂધની તો કોઈ ચિંતા જ નહીં. એક કાચુ મકાન દાદા વખતનું હોય તેને દિવાળી એ ગાર ને ધોળ કરી દેવામાં આવે એટલે નવું નક્કોર. અઠવાડિયે પંદર દિવસે એક વખત હજામ જ્યાં હાજર હોય ત્યાં હજામત કરી જાય.       

                   ઘરે ન મળે તો હજામ વાડીએ જઈને ધોરીયા ના ના કાંઠે બેઠો બેઠો હજામત કરી દે. વળી આનું કોઈ રોકડ ચુકવણું નહીં.વર્ષના અંતે ઘઉં કે બાજરાનું ખળું લેવાય ત્યારે તેને ચુકવણા રૂપે ચાર કે પાંચ માણા દાણા ભરી દેવાના. વાડીએ આવે ત્યારે હજામને શાકભાજી, શક્કરિયા, શેરડી જે જોઈએ તે લેવાની છૂટ હોય. આવી જ રીતે કપડા માટેની વ્યવસ્થા. વણકર ને વર્ષેદાડે અનાજ રૂપે ચૂકવણું કરવાનું. ગામના ગૌધણ ચરાવતાં ગોવાળ, જન્મથી લઇ ભણતર, લગ્ન અને મરણ સુધીની વિધિ કરાવતા ગોરબાપા, ઢોલી, કુંભાર, દાતણીયા દરેક માટે આવી જ વ્યવસ્થા.      

                એટલે એ સમયમાં રોકડની ઓછી જ જરૂરિયાત રહેતી. પરંતુ અમુક પ્રસંગોમાં વસ્તુની ખરીદી, સોનુ, વાસણો, અમુક ખાદ્ય વસ્તુઓ ખરીદવા માટે રોકડ નાણાંની જરૂરિયાત રહેતી. જે નગરશેઠ પાસેથી મળી રહેતા. ખેડૂત આખુ વર્ષ શેઠની દુકાને થી વસ્તુ લીધા કરે. દીકરા દીકરીના લગ્ન પ્રસંગે રોકડ પણ શેઠ પાસેથી ઉપાડે. પોતાની ખેતપેદાશ શેઠ ને જોખી દેવાની. શેઠ વર્ષના અંતે હિસાબ કરે. મોટાભાગે ખેડૂત જ લેણાં માં હોય. આમને આમ વ્યવહાર ચાલ્યા કરે. નગરશેઠ આખા ગામનો વ્યવહાર ઉભો રાખતા.      

            જમનલાલ શેઠે આવી રીતે આ નાનકડા ગામને વર્ષો સુધી ઊભું રાખ્યું. પછી શેઠ પોતાનો પરિવાર લઈ વ્યાપાર માટે મુંબઇ જતા રહ્યા. મુંબઈમાં પણ વાણિયાના દીકરાની કોઠાસૂઝને લીધે ધંધામાં ખૂબ પ્રગતિ કરી. જમનલાલ  શેઠ તો સ્વર્ગે સિધાવ્યા તેને પણ ઘણા વર્ષો થઈ ગયા છે. અત્યારે તેની ત્રીજી પેઢી મુંબઈમાં ડ્રાયફુટ ના હોલસેલ નો ધંધો કરે છે. બધા જ આર્થિક રીતે ખુબ જ સધ્ધર છે. જમનલાલ ના દિકરા ગુણવંતરાય ને પોતાના વતન નું નાનકડું ગામડું વર્ષો પછી પણ ભુલાતું નથી.         

              તે પોતાના દીકરાઓ અને પૌત્રોને પોતાના ગામની ભૂતકાળની વાતો કર્યા કરે. પોતાનું બાળપણ અને યુવાની રાજકુમારની જેમ વીતેલી. એ બધી યાદો વાગોળ્યા કરે. જમન શેઠે ગામમાં આપેલા દાન ની વાતો કર્યા કરે.         


               આજે રાત્રે આખો પરિવાર ઘરે બેઠો છે. ગુણવંતરાય ને ફરી પાછો પોતાના વતનનો સનેપાત ઉપડ્યો છે. તે છોકરાઓને માંડીને બધી વાત કરે છે. જમન દાદા એ ગામમાં નિશાળ નહોતી તો નિશાળના બે ઓરડા બંધાવી આપ્યા. દુષ્કાળના વર્ષમાં ગામના પાદરે નદીકાંઠે ઊંડો કૂવો કરાવી દીધો. કૂવામાંથી પનિહારીઓ પાણી ખેંચીને બેડા ભરી જતી હોય. કુવાની બાજુમાં ઢોરની પીવાની કુંડી બનાવી આપી હતી. તેમાં ઢોર પાણી પીતા હોય. ગામની સ્ત્રીઓ કુવાકાંઠે કપડા ધોતી હોય.આ વાત કરતા કરતા ગુણવંતરાય ને જાણે ચિત્ર સામે દેખાતું હોય એવું લાગતું.       


               ગામ ની વાત આવે એટલે ગુણવંતરાય ભાવુક થઇ જતા હતા. તે મુંબઈ આવ્યા પછી પોતાના વતન મા ગયા જ ન હતા. કોઈપણ ગામ નું મળે તો તે ગામના સમાચાર પૂછી લેતા. ખાસ નિશાળના અને કુવા ની હાલત ના સમાચાર તો પૂછવાનું ભૂલતા જ નહીં. છેલ્લા સમાચાર મળ્યા એ પ્રમાણે ચોમાસામાં ખુબ વરસાદને કારણે નદીનું પાણી કાંઠા ઓળંગી ગયું હતું. એ વખતે કુવા નો એક બાજુ નો બંધારો થોડો પડી ગયો હતો. ગુણવંતરાય ને આ સમાચાર મળ્યા ત્યારથી મનમાં એક જ રટણ હતુ કે ગામડે જઈ નિશાળના રૂમને રંગરોગાન કરાવવું અને જમન દાદાએ બંધાવેલો કુવો રિપેર કરાવવો.       


                      આજે ઘણા વર્ષો પછી છોકરાઓ મુંબઈથી વતનમાં આવ્યા. સાથે ગુણવંતરાય ને પણ લાવ્યા છે.ગુણવંતરાય ની ઈચ્છા મુજબ બે લાખ કેશ શાળાના રૂમને રંગવા અને કૂવો રીપેર કરાવવા લેતા આવ્યા છે. શાળાના બાળકો માટે ચોકલેટ ની થેલીઓ પણ લાવ્યા છે.      


             શાળાના મેદાનમાં મોટા વૃક્ષો ની છાયામાં પ્રાર્થના સંમેલન ચાલુ છે. ખુશીની હરોળમાં સ્ટાફ, ગુણવંતરાય દાદા, તેમનો પરિવાર, ગામના વડીલ અરવિંદ દાદા બધા બેઠા છે. શાળાના શિક્ષકે આવેલ મહેમાનની ઓળખાણ આપવાની શરૂઆત કરી. ત્યાં જ ઉતાવળિયા અને ભોળીયા અરવિંદ દાદા વચ્ચેથી બોલી ઉઠ્યા, "છોકરાઓ તમે આ ગુણવંતરાય દાદા ને ઓળખો છો? એ આપણા ગામના વાણીયા છે. ઘણા વર્ષો પહેલા એમના બાપુજી જમનલાલે આપણા આ જુના ખંડેરિયા રૂમ બનાવી આપ્યા હતા."           


               ખૂબ જ ઉત્સાહથી બેઠેલા ગુણવંતરાય ને આ "ખંડેરિયા શબ્દ" થોડો ખુચ્યો. તેના મોઢા પર અણગમો આવી ગયો. તેના છોકરાઓ તેની સામે જોઈ રહ્યા.          

             અરવિંદ દાદાએ આગળ વાત ચલાવી, "જમનલાલ ખૂબ સારા માણસ હતા. તે આપણા ગામના ખેડૂતોને ચૂસીને બહુ પૈસા કમાયા હતા. પછી એ મુંબઇ જતા રહ્યા હતા." ગુણવંતરાય અને તેના છોકરાઓના મોઢા પડી ગયા.          

                 અરવિંદ દાદા બોલે જ જતા હતા, "હજી એક વાતની છોકરાઓ તમને ખબર નહીં હોય. જમન દાદાએ ઘણા વર્ષ પહેલા આપણા ગામમાં કુવો બંધાવી દીધો હતો. તમે નદીકાંઠે જે ભાડીયા કુવામાં કચરો નાખવા જાઓ છો, ગામના ઢોર વિહાય તેની ઝર જે ભાડીયા માં નાખો છો, મરેલા કુતરા જે ભાડિયા કૂવામાં  નાખો છો. ઈ ભાડિયો કુવો પણ જમન દાદાએ ગળાવી દીધો છે."     
                   ગુણવંતરાય નું મોઢું લાલચોળ થઈ ગયું.હજી જેની જાહેરાત નહોતી કરી એ બે લાખ રૂપિયાની થેલી જે તેણે આગળ મૂકેલા ટેબલ પર મૂકી હતી. જે આજે તે શાળાના રૂમ અને કૂવો રીપેર કરાવવા દાનમાં આપવાના હતા. તે થેલી તેણે હાથમાં લઈ લીધી.ગુણવંતરાય નો મોટો છોકરો તેના બાપુજી ની સ્થિતિ સમજી ગયો. તેણે પોતાની કાંડા ઘડિયાળમાં જોયું. અરવિંદ દાદા ની વાણી ને અટકાવીને કહ્યું, "અમારે મોડું થાય છે, નીકળી જવું છે." આટલું કહી બધા ઊભા થઈ ગયા. બાળકો માટે લાવેલી ચોકલેટની થેલીઓ આપી વહેંચી દેવા કહ્યું.      
           ચાલ્યા જતા ગુણવંતરાય ને અરવિંદ દાદા કહેવા લાગ્યા, "શેઠ, તમે ભૂલ કરી, આવવું હતું તો સમય લઈને આવવું હતું. તમે ઉતાવળ કરી ગયા. હજી મારે તમને ભાડિયે  કુવે આટો મારવા લઈ જાવા હતા."      

             શેઠ નો પરિવાર ગાડીમાં ગોઠવાઈ ગયો, ભડોભડ બારણા બંધ થઈ ગયા. સડસડાટ કરતી ગાડી નીકળી ગઈ.
લેખક: અશોકસિંહ ટાંક.
(29-1-19)