Viji bord - ek bhayavah bhoot katha in Gujarati Horror Stories by Parth Toroneel books and stories PDF | વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા

વીજી બોર્ડ – એક ભયાવહ ભૂત કથા

ઘણા વર્ષો બાદ ઉનાળાની સિઝનમાં અમે બધા કઝિન ભાઈ-બહેનો અમારા મામાની સૌથી મોટી દીકરીના લગ્ન પ્રસંગે ભેગા થયા હતા. તેમનો વિશાળ બંગલો નવવિવાહિત દુલ્હનની જેમ અદભૂત રીતે શણગારવામાં આવ્યો હતો. બંગલાની ફરતે રંગબેરંગી ચમકતી LED સ્ટ્રીપ લાઇટ્સ અને આંગણામાં સુશોભિત ગુલાબી-સફેદ જરીવાળા ચમકતા પટ્ટાઓથી આકર્ષક મંડપ આધુનિક અંદાજમાં સજાવ્યો હતો. ઘરના અંદરની લાઇટિંગ અને વિવિધ અલંકારોનો શણગાર જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ થવાનું હોય એવો મનમોહક લાગતો હતો. અંદર પ્રવેશતા જ જળાહળ થતો ચિત્તહારક માહોલ જોતાં જ જોનારની આંખો મુગ્ધ થઈ જાય!

જોકે, અમારે બધાને જલ્સા હતા! કારણ કે લગ્નના તમામ કાર્યો વેડિંગ-પ્લાનર્સને સોંપવામાં આવ્યાં હતાં, તેથી અમારે ખભે કોઈ જ જવાબદારી નહતી. સ્વર્ગમાંથી ખાસ મુખ્ય મહેમાનો પધાર્યા હોય એમ અમારે માત્ર પ્રસંગનો આનંદ લૂંટવા સિવાય બીજું કંઈ કરવાનું નહતું.

ઉનાળાનો દિવસ હતો, તેથી અમે ચારેય ભાઈ-બહેનો સાંજનું સ્વાદિષ્ટ પકવાન માણીને સાડા અગિયાર વાગ્યે છત પર ભેગા થયા. ભરપેટ જમ્યા બાદ મોડી રાતે જે આહલાદક પવન ફૂંકાવાનો શરૂ થતો એનો આનંદ અનેરો હતો. ગોદળા પાથરી અમે બધા વાતોના વડા કરવા ગોઠવાયા. અમે બધાએ સ્કૂલમાં અને કોલેજમાં ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડના અફેર્સની વાતોના ખુલાસા કર્યા અને બાળપણના યાદગાર પ્રસંગોને વાગોળીને જૂની યાદોમાં ખોવાઈ ગયા. ચહેરા પર ભાવુકતાનું બંધાઈ ગયેલું પડળ ખંડિત કરવા અને વાતનો મૂડ ફેરવવા સૌથી નાના કઝિન, હર્ષે, અચાનક હોરર મૂવીઝનો મુદ્દો ઉછાળ્યો, “હેય... તમે ‘હેરેડિટરી’ હોરર મૂવી જોઈ છે? માય ગોડ! શું અદભૂત મૂવી છે!!”

“હા, ગઈ કાલે જ જોઈ...” નિધિએ કહ્યું, “...પણ મેં ધાર્યું હતું એટલી રસપ્રદ ના લાગી. પેલી વિચિત્ર દેખાતી છોકરી ગાડી બહાર ડોકું કાઢતા જ કપાઈ જાય છે એ સીન સિવાય ખાસ કશું હોરર ના લાગ્યું.” તેણે મૂવી વિશે તેની ટિપ્પણી રજૂ કરી. (તે મારા કરતાં એક વર્ષ નાની હતી.)

“તમે લોકો ઘોસ્ટ અને પેરાનોર્મલ પ્રકારની ઘટનાઓમાં વિશ્વાસ કરો છો?” આઈશાએ પૂછ્યું, તે બધા કરતાં સૌથી નાની હતી.

“નાહ...! ઘોસ્ટ-બોસ્ટમાં હું તો બિલકુલ વિશ્વાસ કરતી નથી, જોકે, હોરર મુવીઝ જે રોમાંચનો અનુભવ કરાવે છે એ આનંદ કરવા પૂરતું જ—મનોરંજન માટે માણું છું...” નિધિ આછું હસતાં બોલી, “ઘોસ્ટ અને ઇવિલ સ્પિરિટની વાતો ફક્ત લોકોના મનને બહેલાવવા માટે જ હોય છે. હેરી પોટરની જેમ જ! એ બધુ વાસ્તવિક ના હોય... હોરર મૂવીઝમાં દર્શાવતા હોય છે એવા ભૂત-પ્રેત મેં તો ક્યારેય જિંદગીમાંયે જોયા નથી!!”

“નિધિ, ઘણા બધા હોરર મુવીઝ સત્યઘટના પર પણ આધારિત બનતા હોય છે! ઓકે?” હર્ષે બચાવ કરતાં કહ્યું, “તમે ક્યારેય ભૂત-પ્રેતનો અનુભવ કર્યો નથી એટ્લે એવું સાબિત નથી થતું કે ભૂત-પ્રેત અને પેરાનોર્મલ જેવી ઘટનાઓ અસ્તિત્વમાં નથી! મેં સાચા ભૂત-પ્રેત અને પેરાનોર્મલ એન્કાઉન્ટર્સ પરના ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે. દુનિયામાં ઘણા એવા સ્થળો છે જ્યાં સુરજ ઢળતા જ સરકારે અંદર જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભૂત-પ્રેતના અનુભવ તમને નથી થયા એટલું સારું છે, જેને અનુભવ થાય છે એમના તો છક્કા છૂટી જતાં હોય છે!”

“વોટએવર...!”, નિધિએ બેફિકરાઈથી આંખોના ડોળા ફેરવીને કહ્યું, “બાય ધ વે, આ માત્ર મારો અંગત અભિપ્રાય છે, ઓકે?”

“હું તો નિધિ દીદી સાથે સંમત છું,” આઈશાએ કહ્યું. “પુસ્તકોમાં તેઓ વાંચકોને જકડી રાખવા માટે વાસ્તવિક ઘટનામાં મિર્ચ-મસાલા નાંખીને લખતા હોય છે! અને હા, જો તને ભૂત-પ્રેત જોવાની તક મળે, તો તેની સાથે સેલ્ફી લેવાનું ભૂલતો નહીં. તારા જીવનમાં નવું શું રંધાઈ રહ્યું છે તેના અપડેટ્સ અમે ઇન્સ્ટાગ્રામ પરથી મેળવી લઈશું, ઓકે બકા?” આઇશાના વ્યંગનાત્મક કટાક્ષવચન સાંભળીને બધા કઝિન્સના મોંમાંથી હાસ્યનો ફૂવારો છૂટી પડ્યો!

“હા..હા... ઇટ્સ નોટ ફની...” હર્ષ બધા વચ્ચે ઝંખવાણો પડી ગયો.

હું બધાના સંવાદોને શાંતિથી સાંભળી રહ્યો હતો. આખરે મેં ગળું ખોંખારીને મારું મૌન તોડ્યું. દ્રઢ સ્વરે મેં કહ્યું, “ઘોસ્ટ, ઇવિલ સ્પિરિટ અને પેરાનોર્મલ ઘટનાઓ એ મનઘડંત વાતો નથી. વાસ્તવમાં એનું અસ્તિત્વમાં છે! ભલે પછી તમે એમાં માનતા હોવ કે નહીં...”, મેં દરેકના ગંભીર મુખભાવને નિહાળ્યા, “તમે ક્યારેય પેરાનોર્મલ ઘટનાઓ જોઈ અથવા અનુભવી નથી એના પરથી એવા નિષ્કર્ષ પર ન આવવું કે એ બધુ કપોળ-કલ્પિત છે. શક્યતાઓ ચોક્કસ રહેલી છે!”

“ઓહ કમ ઓન, પાર્થભાઈ! આ તમે કહો છો? એક વિજ્ઞાનના વ્યક્તિ થઈ ને?!” નિધિએ આશ્ચર્યમૂઢ થઈને કહ્યું. “મને તો વિશ્વાસ નથી થતો કે તમે આ મૂર્ખામીમાં ખરેખર વિશ્વાસ ધરાવો છો!”

“વિજ્ઞાનનો વ્યક્તિ છું એટ્લે જ આ કહું છું, નિધિ. આજનું અદ્યતન વિજ્ઞાન હજુ સુધી આ ડાઈમેન્શન સુધી પહોંચી શક્યું નથી એટ્લે ભૂત-પ્રેતનો સંપૂર્ણ રીતે સ્વીકાર કરતું નથી. તને ખબર છે, વિજ્ઞાન હજુ સુધી ‘મગજ અને મન’ વચ્ચેની મિસ્ટ્રીની મૂંઝવણમાં ગોથા ખાય છે! ખોપરીની અંદર મગજ આવેલું છે એ વાત સ્વીકારે છે, કારણ કે મગજને ખોપરી ચીરીને કાઢી શકાય છે, ત્રાજવામાં મૂકી તેનું વજન તોલી શકાય છે, તેને કાપીને તેના સૂક્ષ્મ જ્ઞાનતંતુઓનો અભ્યાસ કરી શકાય છે, fMRI દ્વારા મગજની કાર્યરચના જાણી-જોઈ શકાય છે, પરંતુ આખા શરીરમાં ‘મન’ ક્યાં છે એ વિજ્ઞાન આજ સુધી શોધી શક્યું નથી. ‘મન’ છે એ વાતનો સ્વીકાર કરે છે, પણ શરીરમાં કયા સ્થળે તેનું સ્થાન છે એની સાબિતી વિજ્ઞાન પાસે આજ સુધી નથી...”

“Wow! ધેટ્સ રિયલી સમથિંગ... આવું તો મેં ક્યારે વિચાર્યું જ નહતું.” હર્ષ અભિભૂત સ્વરે બોલ્યો.

“જેનો ઉપલો માળ ખાલીખટ હોય એમાં ખાલીપો તો રે’વાનો જ, બકા...!” આઈશાએ ધીમા અવાજે ટોન્ટ માર્યો.

હર્ષે આઇશા સામે તણખા ઝરતી નજરે જોયું. ગુસ્સામાં દાંત કચકચાવ્યા, પણ કશું કરી ન શક્યો.

“ડોક્ટર્સે કેટલાક લોકોને મૃત જાહેર કરી દીધા હોય એવા ઘણા લોકો મૃત્યુ-નજીકનો અનુભવ જીવીને પાછા જીવંત થયેલા હોય એવા કિસ્સાઓ પણ મોજૂદ છે. જ્યારે તેમનો મૃત દેહ સ્ટેચર પડ્યો હોય એ વખતે ડોક્ટર્સે ઓપરેશન થિયેટર્સમાં શું સંવાદો કર્યા એની રજેરજ વાતોનો ખુલાસો મોતના મુખમાંથી પાછા ફરેલા વ્યક્તિઓએ કરેલો છે, અને એ સાંભળીને ડોક્ટર્સના મોં આશ્ચર્યથી ખુલ્લા પડી ગયેલા. તેમનું તાર્કિક મગજ આ વાસ્તવિકતા સમજવા બુઠ્ઠું પડી ગયેલું. કેટલાક લોકો ફિઝિકલ ડેથ બાદ મોલેક્યું (પરમાણુ) બોડી સ્વરૂપે સર્વાઈવ કરતાં હોય છે. જેને આપણે ભૂત-પ્રેત કહીએ છીએ,” દરેકના મોં નાના બાળકની જેમ મારી તરફ એકાગ્ર બની મંડાયેલા હતા, “...ક્યારેય કોઈ પ્રકારનો અનુભવ કર્યા બાદ એને તરત નકારી નાંખવું એ મૂર્ખામી છે. તમને આ એટલા માટે કહું છું કેમકે...” દરેકની આંખની કીકીઓ જિજ્ઞાસાભાવથી ઝબકી ઉઠી, “...કેમકે મેં પેરાનોર્મલ ઘટનાને બનતી મારી નગ્ન આંખો સમક્ષ જોઈ છે, જ્યારે હું કોલેજમાં હતો...!”

“શું બન્યું હતું, ભાઈ? આખી ઘટના કહો ને… મસ્ત માહોલ જામ્યો છે!” હર્ષ ઉત્સાહિત થઈ સહેજ નજીક આવીને ગોઠવાઈ ગયો.

“બહુ ભયાનક ઘટના છે! રાત્રે ઊંઘ નહીં આવે પછી...”

હર્ષે હરખપદુળા થઈને કહ્યું, “મારે તો સાંભળવી જ છે! મને તો થ્રીલ આવે છે...” તેની બગલમાં બેઠેલી આઇશાને હળવો ધક્કો મારીને તે બોલ્યો, “એ બીકણ! ચલ, તું નીચે જઈને સૂઈ જા. ભૂતની વાતો સાંભળવા હજુ તારું ગજું નથી!”

“એ બીકણ તું હોઈશ સમજ્યો! મારી ચિંતા કરવા કરતાં તારી પથારી ભીની ના થઈ જાય એની ચિંતા કર!” આઇશાએ ફરીથી તેના રમૂજીક સ્વભાવની છોળ ઉડાડી.

“નિધિ...? સાંભળવી છે તારે...?” મેં તેની સામે જોઈને પ્રશ્નસૂચક અંદાજમાં ભ્રમરો ઊંચકી.

“Saw ફિલ્મના બધા જ ભાગ રૂમમાં એકલા બેસીને જોઈ કાઢેલા છે! હવે...?” એકદમ સહજતાથી, ગર્વ લેતા તેણે કહ્યું.

“હોલી શીટ!! આઠે-આઠ ભાગ એકલા બેસીને?” હર્ષને છાતીમાં ફડકો પડ્યો.

“આઈ જસ્ટ લવ હોરર-સ્લેશર મૂવીઝ... આંતરડા અને માથું saw મશીનથી કપાતા હોય, લોહીના ફુવારા છૂટતા હોય, આંતરડાના ટુકડા ઉછળતા હોય એ બધુ જોઈએ તો જ થ્રીલિંગ અનુભવ આવે...” જાણે તે સિરિયલ કિલર હોય એવી સ્વસ્થતાથી હળવા સ્મિત સાથે બોલી ગઈ.

”બાપ રે!” હર્ષ દંગ થઈ નિધિ સામે જોઈ રહ્યો.

“ઓલ રાઇટ! ચાલો તો, તૈયાર થઈ જાવ! રૂંવાડા ખડાં કરી નાંખે એવી ભયાનક સત્યઘટના સાંભળવા માટે...” દરેકના મુખભાવ પર જિજ્ઞાસાનો પારો ઉપર ચડતો જોઈને મેં સત્યઘટના કહેવાની શરૂ કરી...

“આ વાત 2011ની છે. હું મારી કોલેજની હોસ્ટલમાં હતો. રાતના સાડા બારનો સમય છોકરાઓ માટે રૂમમાં એકત્ર થવાનો સમય હતો, તેથી, અમારા માળના કેટલાક છોકરાઓ ત્યાંની સહિયારી બાલ્કનીમાં ભેગા થયા, જે મારા રૂમની બિલકુલ બાજુમાં હતી. ચાર સિનિયર છોકરાઓએ ભૂત-પ્રેત બોલાવવા એક જોખમી ગેમ રમવાનું નક્કી કર્યું. તેઓ ક્યાંકથી વીજી બોર્ડ લઈને આવ્યા. વીજી બોર્ડ મૃત વ્યક્તિના પ્રેતાત્મા સાથે વાતચીત કરવા રમાતી હોય છે. વીજી બોર્ડ વિશે તો તમે જાણો જ છો ને?”

“હા...” હર્ષ ઉત્સુકતાથી બોલ્યો અને બીજાઓએ માથું હકારમાં હલાવ્યું.

“ગ્રેટ! એ ચાર સિનિયર્સનું નામ જતિન, યોગેશ, પ્રણવ અને ઝેક હતું. તેમણે રાત્રે એક વાગ્યે વીજી બોર્ડ ગેમ રમવાનું નક્કી કર્યું એ વાત જ સાંભળવી અમારા માટે ભયાનક હતી. છેલ્લા બે વર્ષથી અમારી હોસ્ટેલમાં એક છોકરીનું પ્રેત ભટકે છે એ વિશેની ઘણી વાતો લોકોમાં ફેલાયેલી હતી. આ ચારેય સિનિયર્સ ભૂત-પ્રેતમાં બિલકુલ માનતા નહતા. આ વાત પાછળનું સત્ય ખોજવા મજાક મજાકમાં તેમને વચ્ચે વીજી બોર્ડ ગેમ રમવાની શર્ત લાગેલી.”

***

વાર્તામાં આગળ બનતી રોમાંચક અને ભયાનક ઘટના જાણવા વાંચો ભાગ – 2...

Rate & Review

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 5 months ago

Rajiv

Rajiv 1 year ago

Rucha

Rucha 2 years ago

Angel

Angel 2 years ago

satish patel

satish patel 3 years ago