pati upr shanka karay ke books and stories free download online pdf in Gujarati

પતિ ઉપર શંકા કરાય કે

આજની નવી મધુરિમા પૂર્તિમાં મારી નવલિકા... જોજો વાંચવાનુ રખે ચૂકતા....???

જય શ્રીકૃષ્ણ ?

પતિ ઉપર શંકા કરાય કે!

બપોરનો સમય હતો.  કાજલે  જોયું કે તે માણસ એની રાહ જોતો એના કહ્યા પ્રમાણે જ રતનપોળની એક સાડીની દુકાન પાસે ઉભો હતો. ચારે બાજુ હજુ લોકોની થોડીઘણી અવરજવર હતી. કાજલને એમ હતું કે બપોરે માર્કેટમાં ભીડ ઓછી હશે, પણ એની આશા ઠગારી નીવડી ! જ્યાં માણસ જ ઠગારા નીકળતા હોય ત્યાં બિચારી આશાઓ કેટલું ટકવાની! મનમાં જ આવું વિચારી કાજલે પેલા માણસ સામે જરાક સ્મિત કર્યું. એણે ચારે બાજુ નજર ફેરવી લીધી આસપાસમાં કોઈ ઓળખીતું ન દેખાયું. એ ભાગીને સાડીની દુકાનમાં ઘુસી ગઈ. એની પાછળ થોડી મિનીટ રહીને પેલો માણસ પણ અંદર ગયો.

કાજલ એક લટકી રહેલી સાડીની ડીઝાઈન જોતી હોય એમ એને બે હાથે પકડીને જોઈ રહી હતી. પેલા માણસને પણ જાણે એજ સાડીમાં રસ પડ્યો હોય એમ કાજલની બાજુમાં ઉભો રહી એજ સાડીનો એક છેડો પકડી જોવા લાગ્યો.
“બોલો શ્રીમતી જુનજુનવાલા તમારે મારી પાસે શું કામ કરાવવું છે? આ સાથે તમે એ પણ જાણી લેજો કે એ દુનિયાના નંબર વન જાસુસ પાસે તમે આવ્યા છો, મને કામ સોંપીને તમે નિરાશ નહિ થાઓ.”  રોહન નામના એ જાસુસે પોતાની થનારી ક્લાયન્ટ પાસે વાતની શરુઆત કરી. એ હજી નવો નવો જ જાસુસ થયો હતો અને એ એની  પૂરી કોશિશ કરી રહ્યો હતો કાજલને પ્રભાવિત કરવાની.
“જી આમ એક અજાણ્યા માણસને બહાર મળતા મને ખુબ સંકોચ થઇ રહ્યો છે. ધારું છું કે આપ મારી વાતનું ખોટું નહિ લગાડો.” કાજલે સહેજ ગભરાતા પૂછ્યું.
“કોઈ જ વાંધો નથી મેડમ! હું તમારી વાત સમજુ છું. કોઈ પણ સન્નારી અમ એકલી બહાર કોઈ પરપુરુષને મળવા ખાસ મજબુરી સિવાય તો નાંજ આવી હોય! તમે જરાય સંકોચ રાખ્યા વગર વાત કરી શકો છો. આપણે અહી બે ગ્રાહકોની જેમ જ વર્તીશું જે અહી સાડીઓ જોવા આવ્યા હોય.”
“મેં છાપામાં આપની જાહેરખબર જોઈ હતી. મારે આપની પાસે એક માણસની માહિતી કઢાવવી છે. આઈ મીન એ દિવસ દરમ્યાન કોને કોને મળે છે ? કોણ કોણ  એના મિત્રો છે, સ્ત્રીમિત્રો છે વગેરે.” કાજલે હવે આગળ જઈને હારબંધ ગોઠવેલા ડ્રેસ જોવાનું ચાલુ કર્યું.
“હું જાણી શકું કે એ માણસ આપનો શું સગો થાય?” રોહને કાજલ પાસેથી પસાર થતા જાણે સ્વગત બબડતો હોય એમ આ વાક્ય કહ્યું.  હકીકતે એ કાજલને એવું મહેશુસ કરાવવા માંગતો હતો કે પોતે કેટલો હોંશિયાર જાસુસ છે.
“અહી સીસી ટીવીમાં આપણી વાતો તો નહિ આવી જાયને?" કાજલે રોહન જ્યાં સાઉથકોટનની સાડી જોતો હતો ત્યાં એની સામે સાડીનો પડદો કરીને કહ્યું.
રોહને મોઢા પર એક બનાવતી સ્મિત લાવીને કહ્યું, “એની ફિકર કરવાની જરાય જરૂર નથી શ્રીમતી જુનજુનવાલા. આ દુકાનનાં આ તરફના બંને કેમેરા બે મહિનાથી બગડી ગયા છે. એટલેજ તો મેં તમને આ દુકાનમાં આવવા ફોન પર જણાવેલું. અમારા ધંધામાં આજ તો ધ્યાન રાખવાનું હોય. અમારા ક્લાયન્ટ સાથે કોઈ અમને જોઈ ન જાય! કમ ટુ ધ પોઈન્ટ શ્રીમતી જુનજુનવાલા, આમ અધડી વાતો છુપાવશો તો હુ મારું કામ બરોબર નહિ કરી શકું. એ માણસ તમારા શું થાય?”
“એ મારા પતિ છે. લલિત જુનજુનવાલા. “ કાજલે ઊંડો શ્વાસ લઈને કહ્યું.
“ઓકે! હું સમજી ગયો. તમને શક છે કે તમારા પતિનું કોઈ બીજી સ્ત્રી સાથે લફરું...” રોહન હાથે કરીને અટક્યો અને કાજલાની સામે જોઈ રહ્યો. 
“ના ના સાવ એવું નથી, પણ હમણા હમણાથી એ આખો દિવસ એમના કામમાં વ્યસ્ત રહે છે. ઘરે આવે પછીએ કોઈની ને કોઈની સાથે ચેટીંગ ચાલુ હોય છે એટલે મને થયું,”
“તમને બરોબર સાચા સમયે થયું! વાતને જો શરૂઆતમાં જ ડામી દેવાય તો ઘણાં લગ્નોને તૂટલાં બચાવી શકાય. આજકાલ ફેસબુક અને ચેટીંગ બહુ મોટું દુષણ બની ગયું છે.ગમે ત્યાં ગમે તેની સાથે લોકો હાઈ હલ્લો કરવા લાગી જાય છે.  પણ, તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. તમે એકદમ યોગ્ય વ્યક્તિ પાસે આવ્યા છો. “રોહને એના ચોખ્ખા ચશ્માં નીકાળી એને પોતાની છાતી પર શર્ટ સાથે ઘસીને સાફ કર્યા અને કહ્યું, “તમારે મને તમારા પતિની રૂટીન લાઈફની ઝીણામાં ઝીણી માહિતી આપવી પડશે. એ કયા સમયે ક્યાં હોય, એમના ખાસ મિત્રો, એમની આદતો વગેરે જેથી હું એમનો પડછાયો બની પીંછો કરી શકું અને એ માટે મારે જે પણ ખર્ચો થાય એ માટે તમારે એડવાન્સ્માં થોડા રૂપિયા, દસ હજાર હાલ આપવા પડશે, બીજા કામ પૂરું થયે.”
“ઠીક છે. પણ કામ ચીવટથી કરજો. કોઈને તમારા પર જરીકે શંકા ન જવી જોઈએ.” કાજલે પર્શ ખોલી દસ હજાર રૂપિયા આપ્યા.
“તમે નીકળો હું થોડીવાર પછી નીકળીશ. બે દિવસ બાદ હું તમને સવારે અગિયાર વાગે કાંકરિયા ઝૂનાં દરવાજે મળીશ અને રીપોર્ટ આપીશ.”

બે દિવસ બાદ બંને કાંકરિયા આગળ મળે છે. અંદર પ્રવેશીને એક ખાલી બેંચ પર બંને જણા અજાણ્યાની જેમ એક એક છેડે, એકબીજાથી વિરુદ્ધ દિશામાં મો રાખીને બેસે છે. રોહને એના હાથમાં રહેલા કાગળના કોનમાંથી એક સિંગનો દાણો એના ખુલ્લા મોમાં ફેંકીને જાણે સ્વગત બબડતો હોય એમ કહ્યું, 

“તમારો શક બિલકુલ સાચો છે શ્રીમતી જુનજુનવાલા! તમારા શ્રીમાનનો પગ કુંડાળે પડી ગયો છે. આપ સામેના વાંદરાના પાંજરા પાસે હું ત્યાંથી ચાલ્યો જાઉં પછી આવજો અને ત્યાં દેખાતા પથ્થર પર હું કવર મુકું એ લઇ લેજો.”  આટલું કહીને એ ઉભો થયો અને વાંદરાના પાંજરા પાસે જઈને ઉભો રહ્યો. ચારે બાજુ નજર ઘુમાવી એણે લોકોની અવરજવરની નોંધ લીધી અને પછી પોતે જાણે એક કાબિલ અને ખૂબ જ હોંશિયાર જાસુસ હોય એવા ભાવ મનમાં અને ચહેરા પર લાવી કાજલ  તરફ એક નજર ફેંકીને એના મોટા ડગલાં જેવા કોટમાંથી એક કવર નીકાળી પથ્થર પર મૂકી ત્યાંથી સડસડાટ પાછું જોયા વગર ચાલ્યો ગયો. કાજલ તરતજ ઉઠી અને જઈને એ કવર ઉઠાવી એના પર્સમાં સરકાવી લીધું. એ લગભગ ભાગતી આવીને એની ગાડીમાં બેઠી અને તરત પેલું કવર હાથમાં લઇ ખોલ્યું. એમાં એના પતિ લલિત અને એક યુવાન, ખુબસુરત છોકરીના ફોટા હતા. બંને જણા હોટેલ અને બગીચામાં મળ્યા હોય એમ એ ફોટો ઉપરથી લાગતું હતું. છોકરીનાં હોઠ ઉપર એક કાળો તલ હતો. એ જોઇને કાજલને યાદ આવ્યું કે, લલિતની કોલેજ સમયની જે એકમાત્ર બેનપણી હતી એનાય હોઠ ઉપર આવો જ કાળો તલ હતો. એનો મતલબ એજ થાય કે લલિતાને હોઠે કાળા તલ વાળી સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ છે ! કાજલને ખુબજ ગુસ્સો આવ્યો એને તરત જ રોહન જાસુસને ફોન જોડ્યો અને કહ્યું કે સબુત નહિ હવે એ બંનેને મારે રંગે હાથ પકડવા છે. ગમેતેમ કરો પણ હવે આગળ એ બંને ક્યા મળવાના છે એની આપણને ખબર હોવી જોઈએ. એમની પહેલા એ જગ્યાએ આપણે પહોંચી જઈશું. 

ત્રણ દિવસે રોહન જાસુસનો ફોન આવ્યો ત્યાં સુંધીમાં તો કાજલનાં મનમાને મનમાં લલિત સાથે નવ્વાણું વખત એને રંગે હાથ પકડવાનો સીન ભજવાઈ ગયો! રોહન જાસુસે કહ્યું કે આજે સાંજે ઓફિસેથી છૂટીને એ પેલી ફોટોવાળી રોમાને મળવાનો હતો. કાજલે દાંત ભીસીને કહ્યું, “ ભગવાન કરે એ લોકો આજે જ મળે, એમના નક્કી કરેલા સમયે, એમની નક્કી કરેલી જગ્યાએ!”
એ સાંજે કાજલ જાસુસ રોહન સાથે પહેલાથી જ સિનેમા હોલની બહાર મોજુદ હતી. આજે અઠવાડીઆનો વચ્ચેનો દિવસ હોવાથી ભીડ ઘણી ઓછી હતી. નવા આવેલા ગુજરાતી પિચ્ચરનાં નામ પર કાજલની નજર ગઈ. લવની ભવાઈ! એને મનોમન હસવું આવી ગયું, આજે એના લવનીય ભવાઈ થવાની હતી, જીવનના ભવાડા! કાજલનો એક પિતરાઈ ભાઈ પોલીસમા હતો એને પણ બોલાવી લીધો હતો, રખેને બહું હોહા થાય તો લલિતને સીધો સસુરાલ ભેગો કરી દેવાય...
શોનો સમય થઇ ગયો હતો એ પછીની તેરમી મીનીટે એક છોકરી બ્લુજીન્સ અને રેડ ટીશર્ટમાં પ્રવેશતી દેખાઈ. એણે અડધો ચહેરો ઢંકાઈ જાય એવા મોટા ચશ્માં પહેર્યા હતા. વાળ પણ બંને બાજુથી આગળ આવીને ચહેરાને ઢાંકીદે એવી રીતે સેટ કર્યા હતા. એ કાજલની બાજુમાં થઈને સિનેમા હોલની બાજુમાં આવેલી રેસ્ટોરામાં પ્રવેશી. એ ગઈ કે તરત રોહને આવીને કંઈ કહેવા મોઢું ખોલ્યું જ હતું કે કાજલ  બોલી,” એ રોમાં હતી, હોઠ પર કાળા તલ વાળી રોમાં!” એની એકાદ મીનીટની અંદર જ લલિત આવ્યો હતો અને આજુબાજુ નજર કર્યા સિવાય સિધ્ધો રેસ્ટોરામાં ઘુસી ગયો. કાજલે ચહેરા પર બુકાનીની જેમ મફલર વીટાળ્યું હતું એટલે એને ઓળખાઈ જવાનો સવાલ જ ના હતો. એનો પોલીસવાળો ભાઈ સામે ઉભો હતો એને બોલાવી લેવાયો અને ત્રણે જણા રેસ્ટોરામાં ગયા.
ત્યાં એક ટેબલ પર સામસામે લલિત અને રોમાં બંને ગોઠવાયેલા હતા. લલિતની આગળ એક કવર પડ્યું હતું. અંદર જતાજ ગુસ્સાથી ધ્રુજી રહેલી કાજલે ચીસ પાડીને લલિત...એમ કહેલું અને આગળનું રુદન મિશ્રિત અવાજમાં જે બોલાયું એ કૈક આવું હતું,
“હું બહાર જવાનું કહું તો  તારી પાસે ટાઈમ જ નથી હોતો અને આ ચીબડી જોડે રોજ ક્યાંયનો ક્યાંય ફરે છે, હૈ ? તને શું એમ કે, હું બિચારી ભોળી, મને કંઈ ખબર જ નહિ પડે અને તમે બંને છાનગપતિયાં કર્યા કરશો, કેમ ?”
“એક મિનીટ! ભોળી? ભોળી કોણ, તું? મને અંધારામાં રાખીને આ લંબુ સાથે તું ક્યા રખડે છે? હું ત્યાં ઓફીશમાં આખો દિવસ કામ કરું અને તું આની સાથે ફરીને મારા જ રૂપિયા વેડફે ! હવે સતી સાવિત્રી હોવાનું નાટક રહેવા જ દેજે, મારી પાસે પુરાવા છે. “કાજલનો ઉભરાટ સાંભળીને લલિત પણ ગુસ્સેથી બોલ્યો હતો.
કાજલ અને જાસુસ રોહન બંને ડઘાઈ ગયા હતા. જે સંવાદો એમને બોલવાના હતા એ લલિત બોલી રહ્યો હતો..! કાજલના ભાઈએ ત્યાં પડેલું કવર ઉઠાવ્યું. એમાં ફોટા હતા. કાજલ અને જાસુસ રોહનના ફોટા ! એ બંને સાડીની દુકાને ઉભેલા એ વખતના અને કાંકરિયા પ્રાણીસંગ્રાલયમાં મળેલા એ વખતના!
“તમે બંને નિર્દોષ છો! “કાજલનો ભાઈ આખરે બોલ્યો, “બંનેએ એકબીજા પર શક કર્યો અને જાસુસી કરાવી એટલેજ આમ હેરાન થવાનો વારો આવ્યો. પતિપત્નીના સંબંધમાં વિશ્વાસ જ સાચા સુખની મોઘેરી ચાવી છે અને એ તમે બંનેએ ખોઈ નાખી.”
“હું કાજલ  ઉપર જરાય અવિશ્વાસ નહતો કરતો. એતો આ રોમાએ આવીને કહ્યું કે, આજે એણે કાજલને ડરતી, ઘભરાતી કોઈ માણસને મળતા જોઈ. સાડીની દુકાનમાં બંને અજીબ રીતે એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. મેં એની વાત ના માની. તો કાલે સાંજે એણે મને કહ્યું કે કંઈક તો ગરબડ છે. આજે કાજલ એ માણસને કાંકરિયા મળવા ગયેલી. મને એમ કે આ રોમા નવી નવી ડીટેકટીવ બની છે અને એને કોઈ કેસ નથી મળતો એટલે એ મારું મગજ ખાય છે. એની ઓફીસ મારી ઓફીસની બાજુમાં જ છે એટલે હું એને ઓળખું છું. પણ, આ ફોટા જોઇને...” લલિત ઉદાસ થઇ ગયો.
“એ બધું ખોટું છે! હું આને મળી ચોક્કસ હતી પણ કોઈ અલગ જ કારણથી, મને શક હતો કે લલીતનું કોઈ સાથે લફરું...એટલે મેં અ...આને જાસુસ તરીકે રોકેલો!” કાજલે છેલ્લું વાક્ય સહેજ હકલાઈને, શરમાઈને સહેજ હસતા હસતા કહ્યું.
“અચ્છા તો મેડમ એમના પતિદેવની એટલે કે મારી જાસુસી કરાવે છે. અને મને એમ કે મારી પત્ની બિચારી કેટલી ભોળી, સીધીસાદી છે! એકવાત કહું, ફરી મારા પર જાસુસી કરાવેને તો આ તારા ભાઈને કહેજે કોઈ સારો જાસુસ શોધી આપે! સાવ આના જેવો...લબાડ તો નહિ હોય!”
“એય મિસ્ટર સંભાળીને બોલો...” રોહન જાસુસ આટલું બોલ્યો કે તરત કાજલે એને રોકીને વચમાજ કહ્યું,
“તમારું કામ પૂરું થયું જાસુસ મહોદય. હવે તમે જઈ શકો છો. મને મારા પતિ ઉપર પૂરો ભરોષો છે.”
“ના...ના..રોકી રાખ કાલે પાછો હું મોડો આવીશ ને તું મારા પર શક કરીશ, કાલે હું કોઈ જોડે ચેટીંગ કરતો હોઈશ અને તું મારો ફોન ચેક કરીશ એના કરતા સારું છે આ જાસુસ જ તને રોજ આવીને મેં આખો દિવસ શું કર્યું એનો રીપોર્ટ આપીદે, મારેય એટલી શાંતિ. સાલું હવેતો ઘરમાં પગ મુકુને બીક લાગે છે, તારા સવાલોના મારાની.”
“હવે ભૂલ થઇ ગઈ, સોરી! ફરી આવું નહિ કરું!” કાજલે કાન પકડીને કહ્યું.
“રેવાદે, તું આવી સારી નથી લાગતી. મને તો તું મારા પર ખીજવાયને એવી જ ગમે છે, પણ શક નહિ હો!”
કાજલ એના ભાઈ સાથે રવાના થઇ ગઈ. લલિતને હજી ઓફિસમાં થોડું કામ હતું એટલે એને આવતા મોડું થશે એમ કહીને એ નીકળી ગયો. એની પાછળ રોમા અને રોહન પણ ચાલ્યા ગયા.
રોહન જાસુસ ઉદાસ થઈને આગળના એક થીએટરમાં ફિલ્મ જોવા જતો રહ્યો.એ મોડો પહોંચ્યો હતો ફિલ્મ ચાલું થઇ ગઈ હતી એની આંખોને અંધારાથી ટેવાતા થોડી વાર લાગી.જેવી ટેવાઈ એવી જ એની આંખો પહોળી થઇ ગઈ, એની આગળની જ લાઈનમાં લલિત રોમાના ગળામાં એનો હાથ ભરાવીને બેઠો હતો અને કહી રહ્યો હતો , “સારું થયું કે તે દિવસે આપણે બંને એ સાડીની દુકાનમાજ હતા અને આ લોકોના પ્લાનીંગની પહેલાથી ખબર પડી ગઈ. નહીતર કાજલને જવાબ આપવું ભારે પડી જાત. “
 રોહને છુપાઈને બંનેનો ફોટો લીધો અને કાજલને મોકલી આપ્યો. કાજલે એ ફોટો ખોલ્યા વગર જ ડીલીટ કર્યો અને સામે મેસેજ કર્યો, “આજ પછી મને ક્યારેય મેસેજ કે કૉલ નહિ કરતાં" આટલું કહીને ફોન મૂકતાં એ મનમાં જ બોલી,
 “પતિ ઉપર શંકા કરાય કે!”
© નિયતી કાપડિયા.