bhedi novel books and stories free download online pdf in Gujarati

ભેદી નોવેલ

                  કવિતા અલંગ ના જુના ફર્નિચરના સ્ટોરમાંથી લીધેલી સિંગલ સેટી પર બેઠી બેઠી ટીવીમાં જાણીતી ન્યૂઝ ચેનલ પર આવતા ફરી ફરી એકના એક ન્યૂઝ જોતી જોતી તેના ભૂતકાળ માં સરી ગઈ. સામાન્ય પરિવારની, ગામડામાં મોટી થયેલી કવિતાએ શહેરના મોટા મોટા સપના જોયેલા. રાજન બી એડ કરેલો, શહેરમાં રહેતો હોવાથી કવિતાના પિતાએ હોશે-હોશે કવિતાની સગાઈ કરી નાખી. કવિતા એવું વિચારતી હતી કે શહેરમાં જઈને હરશે  ફરશે, હોટલમાં જમશે, થિયેટરમાં પિક્ચર જોશે, ફેશનવાળા કપડાં પહેરશે.      

            લગ્ન થઈ ને આવી ત્યારે જોયું તો શહેરમાં જૂનું-પુરાણું નાનકડું બે રૂમ રસોડાનું મકાન તેમાં બે ભાઈઓનો પરિવાર, એક નણંદ તેના સાસુ-સસરા બધું જ એડજસ્ટ કરવાનું . રાજન ને પણ સરકારી નોકરી ના મળી. પ્રાઇવેટ શાળામાં પાંચ હજારની નોકરી કરે, ટ્યુશન ક્લાસીસ માં ઓવર ટાઇમ જાય. માંડ માંડ કરી પોતાનું ગાડું ચલાવે. સાંજે થાક્યો પાક્યો આવે. આમાં ક્યાં ફરવું ને ક્યાં પિક્ચર જોવા?                    

                કવિતા આખો દિવસ ઘર કામ કર્યા કરે. ટાઇમ રહે તો ટીવી જોવે. કવિતાને વાંચવાનો ખુબ શોખ. લાયબ્રેરીમાં તેણે મેમ્બરશીપ નોંધાવેલી. ત્યાંથી નવા નવા પુસ્તકો લાવે ને વાંચ્યા કરે. વળી ક્યારેક જૂના પુસ્તકની ફૂટપાથ પરથી ખરીદી કરે.             
                                    એક દિવસ તે રવિવારી બજારમાં આવા જૂના પુસ્તક લેવા ગઈ. આ બજાર ની ખાસિયત એ કે થોડા પૈસા માં ઘણા પુસ્તકો ખરીદી શકાય. વજનના ભાવે જુના પુસ્તક મળે. ફૂટપાથ પરની એક લારીમાં તે જૂના પુસ્તક જોઈ રહી હતી. તેનું ધ્યાન એક જુના થોથા તરફ ખેંચાયું. તેણે પુસ્તક હાથમાં લીધું. તેના પાના ફેરવ્યા પણ તેને પુસ્તક જાણે   ખેચતું હોય તેવું લાગ્યું. પુસ્તક ખૂબ પુરાણું હતું. પરંતુ તેની પ્રિન્ટ કવિતાને કંઈક ભેદી લાગતી હતી. કવિતાએ  બીજા પુસ્તક સાથે આ પુસ્તક પણ ખરીદી લીધું.      

               કવિતા  રાત્રે કામથી પરવારીને પોતાના રૂમમાં ગઈ ત્યાં તો થાકેલો પાકેલો રાજન રોજની માફક સૂઈ ગયો હતો. તેણે પોતાની રોજની આદત મુજબ આજે જ ખરીદેલી લઘુવાર્તા ની બુક ઉપાડી વાંચવા લાગી. અમુક પાના વાંચીને તેને ઊંઘ આવવા લાગી. પરંતુ કોણ જાણે કેમ એનું મન પેલી જાડી નોવેલ તરફ ખેંચાયા કરતું હતું. કવિતાએ નોવેલ ઉપાડી પ્રથમ પેજ ખોલ્યું પરંતુ ખોલતાની સાથે તેના આખા શરીરમાં અજબ પ્રકારની અનુભૂતિ થવા લાગી.                 

                કવિતા એ પહેલો ફકરો વાચ્યો. એમાં નાયકને નાઈકા તળાવના કિનારે બેઠા હોય ને તળાવ પરથી ઠંડો પવન આવતો હોય. નાઈકા ખૂબ ખુશ હોય તેવું વર્ણન આવતું હતું. કવિતા ની આંખો ખૂબ ઘેરાવા લાગી તેણે નોવેલ બંધ કરીને સુઈ ગઈ. પરંતુ આજે તેને જાદુઈ ઊંઘ આવી. રોજ આખા ઘરથી વહેલી ઊઠતી કવિતાને આજે રાજન માથાના વાળમાં આંગળીઓના ટેરવા ફેરવતો હોય તેમ લાગતા જબકી ને જાગી ગઈ. જોયું તો સવાર પડી ગઈ હતી. "જાગવામાં આજે મોડું થઈ ગયું"   રાજને કહ્યું, "ચિંતા ના કર આજે મારે રજા છે. ફટાફટ કામ પતાવ આપણે આજે તળાવે ફરવા જેવું છે." રાજનનો આવો મૂડ કવિતાએ પહેલી વાર જોયો.                        
                બંને તળાવના કાંઠે બેઠા છે. તળાવના પાણી પરથી ઠંડો પવન આવી રહ્યો છે. તળાવમાં એક બતક નું જોડું તરી રહ્યું છે. કવિતાને રાતે વાંચેલી પેલી નોવેલ નો ફકરો યાદ આવી ગયો. આજે બંને ખૂબ રાજી હતા.          

               આખો દિવસ પ્રસન્નતાથી પૂરો થયો. રાત્રે પણ બન્ને આજે મોડે સુધી જાગીને ખૂબ મસ્તી કરી. રાજન સુઈ ગયો. કવિતાને પેલું નોવેલ જાણે ખેંચી રહ્યું હતું. કવિતા એ નોવેલ ઉપાડ્યું પેજ નંબર 50 કાઢ્યું. ને વાંચવા લાગી,             

               તેમાં લખ્યું હતું તેનો સાર કંઈક આવો હતો. સંઘર્ષ કરતા નાયકને એક સારી જગ્યાએ નોકરી મળી ગઈ. આગળ જતાં તે ખૂબ ધનવાન થઈ ગયો. તેણે પોતાના માટે મોટી હવેલી ને મોટર પણ ખરીદી લીધા. આટલું વાંચવામાં કવિતાએ ઘણા પાના ફેરવી નાખ્યા. રાજન જાગી ગયો તેણે કવિતાને સુવડાવી દીધી.            

            સવારે દસ વાગે રાજન ટ્યુશન ક્લાસીસ જવાની તૈયારી કરતો ત્યાં પોસ્ટ મેને આવી એક લેટર આપ્યો. ખોલીને જોયું તો રાજને બે વર્ષ પહેલા એક કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યું હતું તેનો કોલ લેટર હતો. કંપનીની ખૂબ સારી ઓફર હતી. સારો પગાર, ઊંચી પોસ્ટ, અને સાથે કંપની ગાડી અને બંગલો પણ આપી રહી હતી. આખા ઘરમાં ખુશીનો માહોલ છવાઇ ગયો.             

          કવિતા ને હવે ખાતરી થઇ ગઈ કે નક્કી આ બધી કમાલ પેલા જાદુઈ નોવેલની છે. તેણે ઘરમાં કોઈને આ વાત જણાવી નહીં. પરંતુ કવિતાને હવે તે નોવેલનો ડર લાગવા લાગ્યો. તેણે તેને એક મોટા બોક્સમાં ફીટ કરી પોતાના કબાટમાં મૂકી દીધું.                  
                 કવિતા ના બધા સપના હવે પુરા થવા લાગ્યા. શહેરના સારા વિસ્તારમાં મોટો ત્રણ બેડરૂમ હોલ કિચન નો વેલ ફર્નિશ્ડ બંગલો. સ્વીફ્ટ કાર અને દર મહિને છ આંકડા નો પગાર. બંને ખૂબ ફરે , દર રવિવારે બહાર હોટલમાં જમવા જાય, દર અઠવાડિયે એક પિક્ચર જોવા જાય. કવિતા ના અધૂરા સપના પૂરા થવા લાગ્યા. દિવસો, મહિના અને વર્ષો વીતવા લાગ્યા. બે માંથી ચાર મેમ્બર થઈ ગયા.               

            કવિતાને પાકી ખાતરી હતી કે જે કંઈ થયું તે પેલા નોવેલના ચમત્કારના લીધે જ છે. એને હવે તે નોવેલ થી  ડર લાગવા લાગ્યો હતો. પણ હવે આ નોવેલનું કરવું શું એ તેને રોજ ચિંતા રહેતી. ઘણી વખત તેને નોવેલ વાંચવાનું મન થતું. પરંતુ તે પોતાના મનને રોકી રાખતી.                    

                   એક દિવસ કવિતા ઘરે એકલી હતી. રાજન કંપનીના કામે સુરત ગયેલો હતો. બપોરે જમીને કવિતા પથારીમાં આડી પડી. પરંતુ તેને ઊંઘ આવતી ન હતી. આજે તેને પેલું નોવેલ જાણે ખેંચી રહ્યું હતું. તેણે ઘણા વર્ષે આજે કબાટમાંથી એ નોવેલ કાઢ્યું. બોક્સ ખોલ્યું, નોવેલ બહાર કાઢ્યું. પોતાના મનને ઘણું રોકવા છતાં જાણે પોતાના પર પોતાનો જ કાબુ ના હોય એમ લાગતું હતું. નોવેલ ખોલ્યું પેજ નંબર સો કાઢ્યું. નોવેલનો નાયક પુરપાટ ઝડપે કાર લઈ જતો હોય તેવું વર્ણન હતું. કવિતાએ નોવેલ બંધ કરવા કોશિશ કરી. પરંતુ જાણે તેને કોઈ શક્તિ બળજબરીથી નોવેલ આગળ વંચાવતી હતી. પુરપાટ ઝડપે જતી નાયકની કાર નદી પરના પુલની લોખંડની રેલિંગ તોડી નદીમાં ખાબકી. કવિતા ધ્રુજી ગઈ. તેણે નોવેલ નો ઘા કરી દીધો. પુરાણું થઈ ગયેલ નોવેલનું બાયડિંગ નબળું પડી ગયું હોવાથી પાના જુદા પડી ગયા. આખા રૂમમાં પંખાના પવનથી પાના ઉડવા લાગ્યા.         

           કવિતા ને ખૂબ ચિંતા થવા લાગી. સુવાની કોશિષ કરી પણ ઊંઘ ના આવી. તેને ખૂબ બેચેની લાગવા લાગી. તે ડરી ગઈ. વળી તે પોતાના મનને સમજાવવા લાગી કે હું વિચારું તેવું ના હોય. નોવેલમાં લખ્યું હોય તે બધુ સાચુ થાય છે એવો મને ફક્ત વહેમ હશે. જે અત્યાર સુધી થયું એતો ફક્ત સંજોગ હોય.                   

                કવિતા ના મન માં આજે ફડકો બેસી ગયો હતો. તેણે રાજનને ફોન લગાડ્યો. રાજન નો મોબાઈલ સ્વીચ ઓફ બોલતો હતો. રાજન ક્યારેય મોબાઈલ સ્વીચ ઓફ ના કરે. કવિતા ફફડી ઊઠી.                
          બેઠક રૂમમાં આવી. વૈભવી સોફામાં ફસડાઈ પડી. મોટી સ્ક્રીનવાળું ટીવી ઓન કર્યું. ટીવીમાં તેની  માનીતી ન્યૂઝ ચેનલ ચાલુ થઈ. નીચે બ્રેકિંગ ન્યુઝ ની લાઇન આવતી હતી.                               

           "સુરત તરફ પૂરપાટ ઝડપે જતી એક સ્વીફ્ટ કાર નું ટાયર ફાટતા નદીના બ્રિજ ની રેલિંગ તોડી કાર નદીમાં ખાબકી."                

 નોવેલના પાના પંખાના પવનથી આખા રૂમમાં ઉડી રહ્યા હતાં....

લેખક:  અશોકસિંહ ટાંક..