A.I. A SCIENTIFIC LOVE STORY books and stories free download online pdf in Gujarati

એ.આઈ. – આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ ! એક સાયન્ટીફીક લવ સ્ટોરી !!!

સાંજના છ વાગી ગયા હતા. ગૂગલ ડબ્લીન હેડ ક્વાટર્સમાં બેઠા બેઠા આદિત્યએ ફોન ઓન કર્યો “ઓકે ગૂગલ, આવતી કાલ નું મારું કેલેન્ડર શું કહે છે ?” આદિત્યએ ફોનમાં પૂછ્યું.

ફોનમાંથી ગૂગલનો જવાબ આવ્યો “હેય આદિત્ય, ગૂડ ઇવનિંગ, તમારું કાલનું શેડ્યુલ કહે છે કે બપોરે બે વાગ્યે યુનીવર્સીટી હોલમાં પ્રોફેસર એલન જોડે મીટીંગ છે, સાંજે ૫ વાગ્યે મિસ્ટર હેનરી અપકીપ સાથે તમારી ઓફીસમાં મીટીંગ છે, અને આજે રાત્રે નવ વાગ્યે તમારા ફાધર ઇન લો જોડે ડીનર છે.”

“થેંક યુ ગૂગલ, આઈ લવ યુ” આદિત્યએ ફોન બંધ કર્યો. એને અકળામણ થઇ. એના લવ યુ નો કોઈ જવાબ નાં આપ્યો ગૂગલે ! સાલું, સોફ્ટવેર છે ને, શું સમજે લાગણીઓ અને ભાવનાઓ. ચાલો, કોઈ નહિ, કોક દિવસ આવશે કે માનવની ભાવનાઓને સમજે અને એને કમ્પેનિયન બનીને રહે એવી એ.આઈ. (આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ) સીસ્ટમની શોધ થશે ! એના ચહેરા પર એક વિચિત્ર પ્રકારનું સ્માઈલ આવી ગયું. “બહુ જલ્દી એ દિવસ આવશે આદિત્ય, બહુ જલ્દી”. આયર્લેન્ડ ના ડબ્લીન સીટીમાં આવેલા ગૂગલના વિશાળ હેડક્વાટર્સના ૧૪માં માળે આવેલી ઓફીસમાંથી એ નીકળ્યો. એના માળે આવેલા એક્ઝીટ પાસે એણે એની આંખો સ્કેન કરી અને દરવાજો ખુલી ગયો. ઓફીસના ૬ માળે આવેલા કાફેટેરિયામાંથી એણે એક સિનેમન કોફી અને વેરોનીકાને બહુ ભાવતી બ્લુબેરી ચીઝ કેકની સ્લાઈસ લીધી અને એ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યો. નીચે એક નાનકડા ગાર્ડનના ખુણામાં બેઠા બેઠા ૩૨ વર્ષના આદિત્ય શાહએ કોફીનો ઘૂંટડો માર્યો. એણે એક બીજો ફોન કાઢ્યો અને એમાં એણે સ્ક્રીન પર વેરોનીકા લખીને એના પર ટચ કર્યું. સ્ક્રીન પર પીચ કલરનું ટોપ અને સફેદ સ્કર્ટ પહેરેલી એક બોયકટ વાળ વાળી સુંદર ગોરી યુવતી ઉભરી આવી. એની બદામી કલરની સુંદર મોટી મોટી આંખોમાં ગુસ્સો હતો. સ્ક્રીન પર એનો ચહેરો આપોઆપ ઝૂમ થયો. “મિસ્ટર આદિત્ય, તમે આજે પાંચ મિનીટ લેટ છો” વેરોનીકાને મોડું થાય એ બિલકુલ પસંદ નહોતું. આદિત્યને આની ખબર હતી, અને એને એ પણ ખબર હતી કે વેરોનીકા ગુસ્સે થાય ત્યારે એને મિસ્ટર આદિત્ય કહીને જ બોલાવતી.

“સોરી રોન” આદિત્યએ કાન પકડ્યા, એ પ્રેમથી એને રોન કહીને બોલાવતો. “આ જો હું શું લાવ્યો છું ?” સ્ક્રીન પર વધુ ઝૂમ થયું અને હવે બે બદામી આંખો આવી ! આદિત્યએ બ્લુબેરી ચીઝકેક સ્ક્રીનની સામે બતાવી. સ્ક્રીન ઝૂમઆઉટ થયો અને હવે વેરોનીકાના મુખ પર સ્માઈલ હતું. એણે એક ફ્લાઈંગ કિસ આદિત્યને કરી. “ડાહ્યા, તને ખબર છે મારી નબળાઈ, કાયમ મોડું થાય એટલે મસ્કો મારે છે, ચાલ હવે જલ્દી ઘરે પહોંચ, કપડા ધોવાના છે અને મારા પાપાને ત્યાં ડીનર પર જવાનું છે, પછી મોડું થશે”.

“જી માતાજી, જો હુકમ, ઘરેથી નીકળું એટલે પાછો કોલ કરું છું.” આદિત્યએ કોલ કટ કર્યો અને ફોન ખીસામાં મુક્યો અને એ પાંચ મિનીટ પછી કોફી અને કેક ખતમ કરીને ઘર જવા માટે બસ પકડવા નીકળી ગયો. “સસરાને ભાવતી વાઈન પણ લેતો જઈશ” આદિત્યએ મનમાં નક્કી કર્યું. “ઓકે ગૂગલ, મારા ઘરની આજુબાજુમાં આવેલી વાઈનશોપનું એડ્રેસ મેપ સાથે બતાવ.”

***

૭ વર્ષ થઇ ગયા હતા એને ભારતથી લંડન શિફ્ટ થયાને. એ લંડનમાં એક આઈ ટી કંપનીના એ.આઈ. (આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ) વિભાગમાં જોડાયો હતો. ૨ વર્ષ ત્યાં જોબ કર્યા પછી એને ડબ્લીનમાં ગૂગલમાં તક મળી હતી અને એ લંડનથી ડબ્લીન (આયર્લેન્ડ) શિફ્ટ થઇ ગયો હતો. એના મમ્મી અને પાપા ભારતમાં રહેતા હતા. પાપા બેંકમાંથી વહેલા વોલયેન્ટરી રીટાયર થઇ ગયા હતા અને મમ્મી સાથે મળીને વડોદરા પાસે આવેલા એક નાનકડા ગામમાં ગરીબ અને અભણ છોકરાઓને ભણાવતા હતા. આદિત્ય ભૂલ્યા વગર દર મહીને એમના ખાતામાં અમુક ચોક્કસ રકમ જમા કરાવતો હતો.

એ દર બે વર્ષે એક વાર એના પેરેન્ટ્સની અને એમની નાનકડી સ્કૂલની મુલાકાત જરૂર લેતો. એને ત્યાં બહુ ગમતું, શહેરથી દુર, એક નાનકડા ફાર્મ હાઉસમાં એ શાળા આવેલી હતી, એ ત્યાં ૧૫ દિવસ રહેતો અને આનંદથી નાના ભૂલકાઓને શાળાએ આવતા જોઈ રહેતો. ક્યારેક એ પણ એમની સાથે નાસ્તો કરવા રીસેસમાં બેસતો. એ લોકો એને બહુ સવાલ કરતા, લંડન વિષે, ડબ્લીન વિષે, ગૂગલ વિષે, એના કામ વિષે, ત્યાંના લોકો અને એમની સંસ્કૃતિ વિષે !!! બાપ રે !!! આ નાના ટેણીયાઓની વાતો ખતમ જ થતી નહિ. પણ એ બહુ પ્રેમથી એમને જવાબો આપતો. એણે શાળામાં કમ્પ્યુટર્સ અને ઈન્ટરનેટની વ્યવસ્થા પણ કરાવી હતી. દર રવિવારે સાંજે એના ઘેર વિશેષ જમણવાર થતો, શાળામાં ભણતા તમામ બાળકોનું જમવાનું એમના ફાર્મહાઉસ પર થતું. બટાકાનું રસાવાળું શાક, એક સીઝનલ બીજું શાક, પૂરી અને એક બે મીઠાઈઓ રહેતી. એ અને એની આખી ફેમેલી આનંદપૂર્વક બધી વ્યવસ્થા કરતા અને નાના ભૂલકાઓને જમતા જોઈ રહેતા. આજુ બાજુ રહેતી અને કેટલીક આ ભૂલકાઓની માતાઓ રસોઈમાં આદિત્યના માતા પિતાને મદદ કરતી.

કોકવાર આદિત્ય એના મમ્મી અને પાપાને પાસ્તા કે સલાડ બનાવીને ખવડાવતો. સામે એની મમ્મી એને ભાવતા મેથીના થેપલા અને જો શિયાળો હોય તો મેથી રીંગણનું શાક અચૂક ખવડાવતી.

***

આદિત્યને ડબ્લીનમાં ગૂગલ જોઈન કર્યાને એકાદ વરસ જેવું થયું હતું, એણે એક મહિનાની રજા મૂકી અને એ ભારત એના માતા પિતા પાસે જવા નીકળી ગયો. વડોદરા સ્ટેશને એને લેવા એના પાપા આવ્યા હતા. બંને બે કલાકના ડ્રાઈવ પછી એમના ફાર્મહાઉસ પર પહોંચ્યા હતા. એની માતા એમની રાહ જોઇને ઘરના દરવાજામાં ઉભી હતી. આદિત્ય નીચે ઉતરીને એને ભેંટી પડ્યો. બધા અંદર વાળું કરવા જતા રહ્યા.

“આદિ, મેં પાંચ છ છોકરીઓના પ્રોફાઈલ મોકલ્યા હતા એનું શું કર્યું તે ? કોઈ ગમી, બેટા?” માતાજીએ એઝ યુઝવલ સવાલ પૂછ્યો.

“મોમ, કમ ઓન, હજુ તો હું નાનો છું, મને કેરિયર પર કોન્સનટ્રેટ કરવા દે, થોડો સમય આપ મોમ્ઝી, હું ચોક્કસ તારી આંખો ઠરી જાય એવી છોકરી પસંદ કરીશ, બસ ?” આદિત્યએ એની મમ્મીના ગળે હાથ નાખીને વહાલથી એના ગાલ પર એક ચુંબન કરતા કહ્યું. “જોજે પાછો, મારી આંખ ઠરી જાય એ પહેલા બંધ ના થઇ જાય” એની મમ્મી એ છણકો કરતા કહ્યું.

“ના ભાઈ નાં, તું ચિંતા ના કર, બધું હેમખેમ પાર પડી જશે, તું બસ ખાલી મને એક પ્લેટ ગાજર નો હલવો આપ એટલે...” આદિત્યના પાપાએ હલવો ખાવા માટે પ્રપંચ કર્યું.

“રેવા દો, મને મસકા ના મારો, ડાયાબીટીસને કાબુમાં રાખો, ખબરદાર એક પણ ચમચી લીધી છે તો, આ તો આદિ માટે છે, તમે ઓલું કારેલાનું શાક ખાઓ” મમ્મી બગડી.

આદિત્ય ખડખડાટ હસી પડ્યો, એના પાપાએ નાટક કરતા હોય એમ નીચું જોઈને નિસાસો નાખ્યો અને ચુપચાપ કારેલાના શાક તરફ ચમચી લંબાવી. જેવી આદિત્યની મમ્મી અંદર રસોડામાં ગઈ કે આદિત્યએ ઝડપથી એક ચમચી ગાજરનો હલવો એના પાપાના મોઢામાં મૂકી દીધી. એના પાપાએ આશીર્વાદ આપતા હોય એમ હાથ ઉંચા કર્યા અને આનંદથી હલવો મોઢામાં મમળાવા લાગ્યા. રસોડામાંથી બાપ દીકરાનું આ નાટક જોઈને આદિત્યની મમ્મી હસી પડી !

સફરના થાકથી આદિત્ય બપોરે એક વાગ્યે ઉઠ્યો, ફ્રેશ થઇને ચા નાસ્તો કરીને એ ગામમાં લટાર મારવા નીકળી પડ્યો. ગામની ભાગોળે આવેલી નાનકડી નદીના કાંઠે કાંઠે ચાલવું એને બહુજ ગમતું. ત્યાંથી લાંબી લટાર મારીને એ ગામમાં આવેલા એના જુના મિત્ર કરસન ચા વાળાની ચા પીતો, એ લોકો જૂની વાતો કરતા, તડાકા મારતા અને પછી ત્યાંથી એ પાછો બીજા રસ્તે ગામમાં આવેલા અલ્પ્સંખ્યાંક મુસ્લિમ કુટુંબોની શેરીમાં જતો. એને શેરીમાં આવતા જ જુની વાતો યાદ આવતી.

ઘરની બહાર કપડા ધોતી રેહાના એને દેખાતી, એને યાદ આવતું કે કેવી રીતે અચાનક એ પાછળથી આવીને એની આંખો પર હાથ મૂકી દેતો. રેહાના ગભરાઈ જતી પણ આવું માત્ર આદિત્યજ કરી શકે એવી એને ખબર હતી અને એ આનંદથી ચિચિયારી પાડી ઉઠતી અને એને ભેંટી પડતી. “અમ્મી, ભાઈ આયે હે, મેં અબ્બુકો બુલા કે આતી હું, તું ઉણકે લિયે શરબત બના” બોલીને રેહાના હસતા હસતા દુપટ્ટો સરખો કરતી એમના ઘરની પાછળ આવેલા ખેતરમાં કામ કરતા એના અબ્બુ સુલેમાનને બોલાવા ભાગી જતી. આદિત્ય રેહાનાની અમ્મીને નીચે નમીને પગે લાગતો અને ભેટી પડતો. એમની આંખોમાં આંસુ આવી જતા. ઘણા વર્ષો પહેલા એમનો એક નો એક દીકરો અક્રમ નદીમાં નહાવા જતા ડૂબી ગયેલો ! એ પણ આદિત્યનો ખાસ મિત્ર હતો. ત્યારે આદિત્ય આવા કપરા સંજોગોમાં ખાસ લંડનથી ત્યાં આવ્યો હતો અને એક અઠવાડિયું એમની સાથે રહ્યો હતો. એ આદિત્યને એમના પુત્ર સમાન માનતા. થોડીવારમાં રેહાના એના અબ્બુ સાથે આવી પહોંચતી અને આદિત્ય એ બધાને લંડનથી લાવેલી ગીફ્ટ આપતો. કલાક હસી મજાક કર્યા પછી બધા સાથે ઘરની વચ્ચે આવેલી ખુલ્લી જગ્યામાં જમવા બેસી જતા. “અબ્બુ, આ નાનકીને હવે મારી પાસે લંડન મોકલી દો, એને ભણાવો, એ ખુબજ હોશિયાર છે, બાકી તમે ચિંતા ના કરો, હું બધું સાંભળી લઈશ, એનું સારી યુનીવર્સીટીમાં એડમીશન પણ કરવી દઈશ અને એની રહેવાની અને બીજી બધી વ્યવસ્થા હું ગર્લ્સ હોસ્ટેલમાં પણ કરાવી દઈશ. હું એનું ધ્યાન રાખીશ, પણ એને ભણવા દો, અબ્બુ” આદિત્ય સુલેમાનને કહેતો. સુલેમાન નીચું માથું નાખીને એક ઊંડો નિશ્વાસ નાખતા. “બેટા, તેરી બાત બરોબર હે પર હમ ગરીબ લોગ હે, ઇતના પેસા કહા સે લાયેંગે, ઔર હમારે મેં લડકી કો ઇતની દુર પઢાને અકેલી નહિ ભેજતે હે. હમારે લોગ ક્યાં સોચેંગે?”

આદિત્ય એમનો હાથ પકડી લેતો “અગર યે હી બાત અક્રમ કરતા તો ક્યા આપ નાં બોલતે ? આપ સારી ચિંતા છોડો ઔર ઉસકો મેરે પાસ ભેજ દો. લોગ તો બાતે કરેંગે, ઉનકા તો યેહી કામ હે, પર રેહાના એક બ્રીલીયંટ લડકી હે ઔર મેં અપની બહન કો આગે પઢાના ચાહતા હું.”

રેહાનાની અમ્મી અક્રમનું નામ સાંભળતા રડી પડતી. “ઠીક હૈ, તેરી બહન હે, તું જાણે ઔર ઉસકા નસીબ જાણે, તેરેકો સોંપી આજ સે, લે જા ઉસે ઔર પઢાં લિખા કે કાબિલ બણા. હમ દુવા દેંગે, ઔર તો કુછ હે ની દેણે કે લિયે”

“અરે આપ ચિંતા ના કરો, મેં સબ સંભાલ લુંગા” આદિત્ય રેહાના સામે જોઇને કહેતો અને રેહાનાની આંખોમાં ચમક આવી જતી.

થોડા સમયમાં આદિત્યએ રેહાનાનું લંડનની એક પ્રતિષ્ઠિત યુનીવર્સીટીમાં એડમીશન કરાવી દીધું હતું, રેહાનાને લઈને એ લંડન ચાલ્યો ગયો હતો. રેહાના કમ્પુટર સાયંસમાં ગ્રેજ્યુએટ કરીને આદિત્યની જેમ જ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો માસ્ટર કોર્સ કરવા લાગી હતી અને પછી આદિત્યની ભલામણથી એક કંપનીમાં લંડનમાં જ જોડાઈ ગઈ હતી. રેહાના એક શ્રેષ્ઠ વિદ્યાર્થી સાબિત થઇ હતી અને ટૂંક સમયમાં જ એની કંપનીમાં ઉચ્ચ પદે પહોંચી ગઈ હતી. આદિત્ય લંડનથી ડબ્લીન શિફ્ટ થયો પણ રેહાનાને મળવા લંડન અચૂક દર વીકમાં એક વખત જતો. બંને જણા એ.આઈ. ઉપર એમણે કરેલા કામની વાતો કરતા, પોતપોતાનું રીસર્ચ પણ શેર કરતા, બંનેની નેમ એક એવી એ.આઈ. બનાવાની હતી કે જે માણસની લાગણીઓ ને સ્પર્શે અને એને સમજે અને એક સાચી સાથીદાર બની રહે. બંને એ દિશામાં લગનથી કામ કરતા.

***

આદિત્ય રેહાનાના અમ્મી અને અબ્બુને મળ્યો અને રેહાનાએ મોકલાવેલી ગીફ્ટ પણ આપી અને એ ક્ષેમકુશળ છે એવી બાહેધરી પણ આપી. ટૂંક સમયમાં એની માટે એ એક સારો મુરતિયો ગોતશે એવા મતલબની વાતો પણ કરી અને ત્યાંથી ઘર તરફ ચાલી નીકળ્યો. એના મનમાં હવે એના નવા એ.આઈ. પ્રોગ્રામના વિષે ગડમથલ ચાલતી હતી. એણે એક પ્રોગ્રામ બનાવેલો હતો અને રેહાના સાથે શેર કરેલો હતો. રેહાનાએ એને એમાં ફેરફાર પણ સૂચવ્યા હતા અને હવે એ પ્રોગ્રામ લગભગ પૂરો થવા આરે હતો. અચાનક એનું ધ્યાન ભગ્ન થયું અને એક ધૂળ ઉડાડતી કાર એની બાજુમાં આવી. એમાંથી એક વયસ્ક વ્યક્તિએ માથું કાઢ્યું અને એને એના ઘરનું એડ્રેસ પૂછ્યું. આદિત્યએ જોયુંતો એ વ્યક્તિની બાજુમાં એક ગોરી ગોરી બદામી આંખો વાળી યુવતી બેઠી હતી. એના ભૂખરા વાળ હવામાં લહેરાતા હતા. આદિત્યએ એમને કહ્યું કે એ એના જ ઘરનું એડ્રેસ છે ત્યારે એ વ્યક્તિની આંખોમાં ચમક આવી ગઈ. એ કારની બહાર ઉતર્યો અને આદિત્યને ભેંટી પડ્યો. “હાઈ આદિ, આઈ એમ ડોક્ટર જેમ્સ, આમ તો મારું નામ જમાનાદાસ છે પણ લંડનમાં મેં જમનાનું જેમ્સ કરી દીધું છે, હું બ્રેઈન સર્જન છું, અને આ મારી દીકરી વેરોનીકા છે” એમણે એની દીકરી તરફ હાથ લાંબો કરતા કહ્યું. વેરોનીકાએ ગાડીમાં બેઠા બેઠા આદિત્યને હાઈ કહ્યું. “યુ સી, હું તારા પાપાનો નાનપણનો મિત્ર છું અને આજે ઘણા વર્ષો પછી હું એમને મળવા આવ્યો છું. ચાલ મને તારા ઘેર લઇ જા”

આદિત્ય કારમાં પાછળ બેસી ગયો અને એ બધા આદિત્યના ઘર તરફ નીકળી પડ્યા.

આદિત્યના પાપા અને મમ્મી ડોકટર જેમ્સ ઉર્ફે જમનાદાસને મળીને ખુબજ ખુશ થયા, એ લોકો એને ત્યાજ રોકવાના હતા. ઉપરના રૂમમાં ડોક્ટરની અને વેરોનીકાની રહેવાની વ્યવસ્થા થઇ હતી.

વાતોવાતોમાં આદિત્યએ જાણ્યું કે વેરોનીકાની માતા એને પાંચ વરસની હતી ત્યારે છોડીને મૃત્યુ પામી હતી. એક એક્સીડેન્ટમાં એ બ્રેઈન ડેડ ડીકલેર થઇ હતી. એના હસબંડ ડોકટર જેમ્સની હોસ્પીટલમાં જ એને લાવામાં આવી હતી અને ડોકટરના અથાગ પ્રયત્નો પછી પણ એ જીવી શકી નહોતી.

એ લોકો એમને ત્યાં દસ દિવસ રોકાવાના હતા. આદિત્ય વેરોનીકાને બીજા દિવસે સાંજે ગામ બતાવા નીકળી પડ્યો.

“તમે શું કરો છો ?” આદિત્ય એ ચાલતા ચાલતા પૂછ્યું.

“હું કવયિત્રી છું અને ફ્લ્યુટ પણ વગાડું છું.” વેરોનીકાએ કહ્યું.

“વાહ ! ખુબ સરસ ! એમ તો હું પણ કલાકાર છું, પણ હું કમ્પ્યુટર સાથે રમું છું અને કોડ લખીને નવી નવી એપ નું સર્જન કર્યું છું.” આદિત્યએ હસતા હસતા કહ્યું.

વેરોનીકાએ એની પાસે રહેલી થેલીમાંથી એક વાંસળી કાઢી અને વગાડવાનું શરુ કર્યું.

સાંજ ઢળી રહી હતી, સુરજની લાલીમાં ચારેકોર છવાઈ ગઈ હતી, આદિત્યએ આંખો બંધ કરી અને એને વાંસળીના સુરો કાનમાં સંભળાઈ રહ્યા ! એને અંદર કૈંક થઇ રહ્યું હતું.

લગભગ અડધા કલાક સુધી વેરોનીકાએ અદભુત રીતે વાંસળી વગાડી અને પછી એણે જોયું તો એક ઝાડ નીચે આદિત્ય આંખો બંધ કરીને મંત્રમુગ્ધ થઇને બેઠો હતો. એના મુખ પર સ્મિત હતું. વેરોનીકાના મુખ પર પણ સ્મિત આવી ગયું. એ એના પાપાએ ફોર્સ કર્યો હતો એટલે પહેલી વાર ભારત ફરવા આવી હતી. એને ભારતના લોકો વિષે ગૂગલ કર્યું હતું, ત્યાંની સંસ્કૃતિ, ત્યાનું ફૂડ, ત્યાનું મ્યુઝીક, ત્યાનું સાહિત્ય એને ખેંચી લાવ્યું હતું.

“શું તમારી એપ માનવીય લાગણીઓને સ્પર્શે છે ? શું એ તમને નિજાનંદનો આનંદ આપે છે ? તમે તમારી જાતને કલાકાર ગણો છો પણ સાચેજ કૈંક સર્જન કર્યાનો સંતોષ પામો છો, આદિત્ય ?” વેરોનીકાએ આદિત્યની આંખોમાં આંખો નાખીને પૂછ્યું.

આદિત્યએ એક ઊંડો નિશ્વાસ નાખ્યો. એને ખબર હતી કે વેરોનીકા શું કહેવા માંગે છે. “કબુલ કરું છું કે આજનો યુગ ડીજીટલ થઇ ગયો છે અને માનવીય લાગણીઓ નેવે મુકાઈ ગઈ છે પણ મારો વિશ્વાસ કરો વેરોનીકા, મારા અથાગ પ્રયત્નો પછી હું એવું સર્જન કરવા માંગું છું કે મશીન પણ માનવીય લાગણીઓને સમજે અને એનો સાચો કમ્પેનિયન બની ને રહે, એ દિવસો હવે દૂર નથી. લોકો નવી ટેકનોલોજીને અપનાવે અને એને એમના જીવન નો એક ભાગ બનાવે અને મેન એન્ડ મશીન સાથે સાથે કદમ મિલાવીને ચાલે અને એક નવા યુગની શરૂઆત થાય એવું હું ઈચ્છું છું.”

વેરોનીકાએ આખો મોટી કરીને આ હેન્ડસમ યુવાનની સામે જોયું. એને એની આંખોમાં સપનું દેખાયું, એવા જ પ્રકારનું કે જે એક કલાકારની આંખોમાં હોય, એક સાચા અને પ્રતીબધ્દ્ધ માણસની આંખોમાં, આવું જ સ્વપ્ન એના પાપાની આંખોમાં અને વાતોમાં એણે જોયું હતું. એને આ યુવાનમાં રસ જાગ્યો.

આદિત્ય પણ આ બદામી આંખો વાળી સુંદર ગોરી યુવતીને તાકી રહ્યો. એના હૃદયમાં કૈંક સળવળાટ થયો. એ મનોમન હસી પડ્યો. “મોમ્ઝી, તારી આંખો ઠરે એવી છોકરી મળી ગઈ લાગે છે મને !”

***

સાંજે ડોકટર અને આદિત્યના પાપા ડ્રીંક લઇને બેઠા હતા. આદિત્ય એમનો સાથ આપવા કોકાકોલા લઈને બેઠો હતો. આમ તો એ કોક વાર બીયર કે અન્ય ડ્રીંક પી લેતો હતો પણ અત્યારે એને આ બે વડીલોની હાજરીમાં એવું કરવું સારું ના લાગ્યું. એની મમ્મી અને વેરોનીકા બરોડા ગયા હતા ખરીદી કરવા માટે અને બીજે દિવસે સાંજે આવવાના હતા. એ લોકો ત્યાં એમના જુના ઘરમાં રોકાવાના હતા. આ તક નો લાભ લઈને આદિત્યના પાપાએ ડોક્ટરને ડ્રીંક માટે ફોર્સ કર્યો હતો અને ડોકટરે સાથે લાવેલી બોટલ ખોલી હતી.

લગભગ ત્રણ પેગ પછી બંને વડીલો જુમવા લાગ્યા હતા અને જૂની વાતો યાદ કરી કરીને જોર જોરથી એક બીજાને તાલી આપીને હસવા માંડ્યા હતા. આદિત્ય આનંદથી એ બંનેને જોઈ રહ્યો હતો. થોડીવાર થઇ એટલે આદિત્યના પાપાએ આદિત્યને ફોર્સ કર્યો એક બે પેગ લગાવા માટે અને આદિત્યએ હા પાડી દીધી.

“સાલા, જમના, નોનસેન્સ છોકરાઓ છે આ જમાનાનાં ! કોઈ જાતની ફીલિંગ્સ વગરના, એમાયે મારો આ બુધિયો, ડફોળ, નાલાયક, બૌ મોટો સોફ્ટવેર એન્જીનીયર થઇ ગયો છે એમાં એને ગધેડાને કઈ દેખાતું જ નથી, તારું શું કહેવું છે?”

ડોકટરે પણ હકારમાં માથું ધુણાવ્યું અને આદિત્ય તરફ જોઈને હસી પડ્યા “સાલા ડોબાઓ છો તમે ડોબાઓ, બેય જણા, ઉત્તર દક્ષીણ છે, જવા દે એમને, તું તારે ડ્રીંક લે ને ભાઈ. કરશે એમના નસીબ નું એ લોકો”

આદિત્યને કઈ ખબર નાં પડી કે આ લોકો શેની વાતો કરે છે ! એ અચંબાથી એમની તરફ જોઈ રહ્યો. આદિત્યના પાપાએ ડોક્ટરને આંખ મારી અને બંને જણા ખડખડાટ હસી પડ્યા.

***

આદિત્ય બેગ પકડીને રેલ્વે સ્ટેશને ઉભો હતો. એની આંખો ઉદાસ હતી. વેરોનીકા અને એના પાપા પાછા લંડન જઈ રહ્યા હતા. શું કહેવું કે કરવું એની એને સમજણ નહોતી પડતી. એ વેરોનીકાના પ્રેમમાં પડી ચુક્યો હતો પણ સામે એને એવી ફીલિંગ હતી કે નહિ એની એને ખબર નહોતી પડતી. વ્હીસલ વાગી અને ટ્રેન આગળ વધવા લાગી. આદિત્યએ હાથ લાંબો કરીને ઉદાસ મને વેરોનીકા અને એના પાપાને આવજો કહ્યું અને એ સ્ટેશનની બહાર નીકળ્યો. અચાનક એના મોબાઈલમાં એક મેસેજ ફ્લેશ થયો !

“મિસ્ટર ડીજીટલ, તમે માત્ર કામ જ ડીજીટલ કરો છો કે પછી હૃદય જેવું પણ રાખો છો ?” એ વેરોનીકાનો મેસેજ હતો. આદિત્યના મુખ પર સ્માઈલ આવી ગયું અને એણે સામે રીપ્લાઈ કર્યો.

“મિસ કલાકાર, તમારી વાંસળી જેવું સુંદર દિલ છે મારું, અને જ્યારે કોઈ એમાં ફૂંક મારે તો એ ઝણઝણી ઉઠે છે અને મધુર સાદ પાડે છે !”

સામે છેડેથી કોઈ રીપ્લાઈ થોડીવાર ના આવ્યો ! આદિત્ય બેચેન થઇ ઉઠ્યો ! એ સ્ટેશનની બહાર એક ચા ની લારી પર ચા લઈને ઉભો રહી ગયો. એની આંખો સતત મોબાઈલ પર જ હતી. થોડીવારમાં પાછો મેસેજ ફ્લેશ થયો.

“તમારા ડીજીટલ દિલ ને કહો કે જલ્દી પાછું આવે, એની વાંસળી એનો ઈન્તેજાર કરી રહી છે અને એને અત્યારથી જ મીસ કરી રહી છે.”

આદિત્ય ખુશીથી જુમી ઉઠ્યો અને હવે એ સમજ્યો કે એના પાપા અને ડોક્ટર શેની વાતો કરતા હતા ! એ દોડીને એની કારમાં ગોઠવાયો અને એણે કાર એના ફાર્મહાઉસ તરફ મારી મૂકી !

***

ટીંગ ટોંગ ટીંગ !!! બેલ સાંભળીને વેરોનીકા દરવાજા તરફ ગઈ. એ એની કોઈ સહેલી સાથે ફોન પર હતી. એણે દરવાજો ખોલ્યો અને સામે એક હાથમાં લાલ ગુલાબનો ગુલદસ્તો અને બીજા હાથમાં વાઈનની બોટલ લઈને ઉભેલા આદિત્યને જોઈને એનું મોઢું ખુલ્લું રહી ગયું અને એના કાન પાસેથી મોબાઈલ નીચે પડી ગયો !

“મિસ કલાકાર, આ યંત્રવત કામ કરતા ડીજીટલ દિલને તમારા ઘરમાં આવકાર આપશો ?” આદિત્યએ હસીને માથું જુકાવીને પૂછ્યું. વેરોનીકાની આંખોમાં આંસુ આવી ગયા અને એ દોડીને આદિત્યને ભેંટી પડી !

***

“બે યાર ! પહેલી વાર પરણું છુંને એટલે લાગે લા ! તને નહિ સમજાય !” આદિત્યએ રેહાના તરફ છણકો કર્યો ! “અબ્બે ઓ પહેલીવાર વાળા વર, સાલા છેલ્લા એક કલાકમાં આઠ વાર તું બાથરૂમ જઈ આવ્યો છે ! આટલો શું નર્વસ થઇ ગયો છે ? ચલ હવે જલ્દી કર, આપણે હજી ઠેઠ “કેમ્પ હાઉસ, સીટી રોડ” જવાનું છે !” આદિત્યએ રેહાનાને ગળેથી પકડી અને એક ઉષ્માભર્યું ચુંબન એના ગાલ પર કર્યું. “થેન્ક્સ યાર ! ચલ જલ્દી, બા અને બાપુજી અને તારા અબ્બુ અમ્મી આવી ગયા છે ત્યાં ?” રેહાનાએ આંખો પહોળી કરી “એ લોકો ક્યારના આવી ગયા છે, તું જલ્દી કર ભાઈ”.

***

લગ્ન સુંદર રીતે પતી ગયા. રેહાના પણ ખુશ હતી એના અબ્બુ અને અમ્મીને ત્યાં લંડનમાં જોઈને. “અબ તેરી બહન કી ભી શાદી કરાદે અચ્છા લડકા દેખ કે તો હમ સુકુન સે મર સકે” રેહાનાની અમ્મીએ આદિત્યનો હાથ પકડીને કહ્યું. “અમ્મી, એવું ના બોલો, તમારે હજુ ઘણું જીવવાનું છે, હું એના માટે સુંદર છોકરો શોધીશ, તમે ચિંતા ના કરો” આદિત્યએ રેહાનાની અમ્મીનો ઉષ્માપૂર્વક હાથ દબાવતા કહ્યું.

***

આદિત્યએ એક વીકની છુટ્ટી લીધી હતી. એ અને વેરોનીકા હનીમુન પર જઈ રહ્યા હતા. સ્કોટલેંડમાં એમણે રૂમ પણ બુક કરવી દીધી હતી. બંને ખુબજ ખુશ હતા. આદિત્ય કાર ચલાવી રહ્યો હતો અને વેરોનીકા એની બાજુમાં એના ખભા પર માથું ઢાળીને બેઠી હતી ! આવી ખુશી એમને ઝીંદગીમાં પણ મળી નહોતી !

***

“વ્હોટ ? વાઉ ! શું વાત છે મારી શેરની ! વાહ વાહ વાહ !” ડોકટર જેમ્સના મુખ પર હાસ્ય ફરકી ઉઠ્યું. વેરોનીકા પ્રેગ્નન્ટ હતી અને એણે એ જણાવવા એના પાપાને ફોન કર્યો હતો. “બેટા, તું ડીલીવરી કરવા અહી આવી જજે, આપણા ઘેર, લંડનમા” ડોકટર બહુ જ ખુશ હતા. “હા પાપા એ બધું પછી પણ તમે આ વિકએન્ડમાં અહી આવો, અમારા ઘેર, બધા સાથે મજા કરીશું, રેહાના પણ આવવાની છે, એને સાથે લેતા આવજો.” અત્યંત ખુશ એવી વેરોનીકાએ ફોન કાપતા કહ્યું. ડોક્ટર જેમ્સના એક નજીકના સગા પણ ત્યાં ડબ્લીનમાં રહેતા હતા પણ હવે એ રીટાયર થઇને ભારત જતા રહ્યા હતા અને જેમ્સ એમના જ ઘરમાં રહેવાના હતા. એમણે એ ઘર એમની પાસેથી ખરીદી લીધું હતું.

***

એરપોર્ટ પરથી ડોક્ટર જેમ્સે હાથ ઉંચો કરીને ટેક્ષી રોકી અને રેહાનાનો હાથ પકડ્યો અને બંને ટેક્ષીમાં બેસી ગયા. રેહાના પણ સમાચાર સાંભળીને ખુબજ ખુશ હતી. બંને જલ્દી થી જલ્દી વેરોનીકાને મળવા ઉત્સુક હતા.

***

“હાઈઈઈ,,,રોનનનન,,,” આદિત્યએ દરવાજો ખોલીને જોયું તો દરવાજામાં ડોક્ટર અને રેહાના ઉભા હતા ! એ ખાસીયાણો પડી ગયો અને પછી હસીને એ બંનેને ભેંટી પડ્યો. “રોન બહાર ગઈ છે, હમણા આવશે, મને એમ કે એ આવી છે ! પ્લીઝ કમ ઇન”

અચાનક આદિત્યનો ફોન રણકી ઉઠ્યો. સ્ક્રીન પર અજાણ્યો નંબર હતો. “યેસ, ઇટ્સ મી, આદિત્ય શાહ, યેસ, શી ઈઝ માઈ વાઈફ, વ્હોટ હેપન્ડ ? વ્હોટટટ,,,,,” આદિત્યની આંખો ફાટી ગઈ અને એના હાથમાંથી ફોન પડી ગયો ! “રોનનો એક્સીડેન્ટ થયો છે, શી ઈઝ ટેકન ટુ હોસ્પિટલ, પાપા, રેહાના, પ્લીઝ જલ્દી ચાલો” આદિત્ય હાંફળો ફાંફળો દોડ્યો.

***

વેરોનીકાને બ્રેઈન હેમરેજ થયું હતું ! એના પાપા-ડોક્ટર જેમ્સ પોતે બ્રેઈન સર્જન હતા, એમણે તાત્કાલિક વેરોનીકાની સારવાર કરતી હોસ્પિટલમાં વિનંતી કરીને પોતે પણ ટીમ માં જોડાઈ ગયા હતા ! વેરોનીકા કોમામાં જતી રહી હતી !

લગભગ બે કલાકના ઓપેરેશન પછી ડોકટર જેમ્સ બહાર આવ્યા ! “શું થયું મારી રોન ને પાપા ?” આદિત્યએ દોડીને એમના હાથ પકડી લીધા ! જેમ્સે માથું ધુણાવ્યું ! “શી ઈઝ બ્રેઈન ડેડ !” એમના આંખમાંથી આંસુ સરી પડ્યું ! આદિત્ય દિગ્મૂઢ થઇને નીચે બેસી પડ્યો અને રેહાનાની આંખોમાં આંસુ ધસી આવ્યા ! અચાનક આદિત્યને ડોકટર જેમ્સનો ઘેરો અવાજ સંભળાયો. “એને હું ઘેર લઇ આવું છું, યેસ, વી આર ટ્રાન્સફરીંગ હર ટુ માઈ હોમ, રાઈટ નાવ, હરી અપ !” આદિત્ય નિષ્પલક નયને ડોકટરને જોઈ જ રહ્યો ! પહેલા પોતાની પત્ની અને હવે પુત્રી બ્રેઈન ડેડ ડીકલેર થયા હતા ! “શું ડોકટર પાગલ થઇ ગયા છે ?” આદિત્યને વિચાર આવ્યો !

***

“ચીયર્સ” આદિત્યએ ડોકટર જેમ્સની સાથે પોતાનો વાઈન ગ્લાસ અથડાવ્યો. લગભગ વીસ મિનીટ પછી દરવાજો ખોલીને રેહાના પણ અંદર આવી ગઈ. આદિત્યએ એનો ગ્લાસ પણ ભર્યો ! ડોકટરે અને રેહાનાએ આદિત્ય તરફ સૂચક નજરે જોયું અને આદિત્યએ ફોન કાઢીને વેરોનીકા નામ લખેલા પર ટચ કર્યું. ફરીથી સ્ક્રીન પર વેરોનીકાનો સુંદર બદામી આંખો વાળો ચહેરો ઉભરી આવ્યો ! હવે એણે કપડા બદલી નાખ્યા હતા, એ લાલ ટોપ અને બ્લેક પેન્ટ માં હતી. “સાલાઓ, મારી વગર પાર્ટી કરો છો ? બેશરમો !” આદિત્ય, રેહાના અને ડોકટર ખડખડાટ હસી પડ્યા ! “ડીનર માં શું છે ?” ફરીથી વેરોનીકાએ આંખો મોટી કરીને ફરીથી સવાલ કર્યો ! “તારું ફેવરીટ ચાઈનિઝ” આદિત્યએ હોઠો પર જીભ ફેરવીને નાટક કર્યું ! “લુચ્ચા, જા હું નથી બોલતી તારી સાથે !” સ્ક્રીન બ્લેન્ક થઇ ગયો ! ડોક્ટર જેમ્સે સૂચક નજરે આદિત્ય તરફ જોયું ! આદિત્ય ખડખડાટ હસી પડ્યો. એણે ફરીથી એક એપ ખોલી અને વેરોનીકાને ચેટ પર “સોરી રોન, પ્લીઝ કમ બેક” લખ્યું. થોડીવાર માં સ્ક્રીન પર વેરોનીકા પાછી આવી ગઈ ! “ડીનર કરો તમતમારે એકલા એકલા, ખેર ! પાપા તમે દવા લીધી ? નહિ ને ? રોજ રોજ મારે તમને યાદ કરાવાનું ? ક્યારે સુધારશો તમે ? જમીને તરત જ લઇ લેજો ઓકે ? અને રેહાના, તું મારા માટે પેલો યેલો ડ્રેસ લાવી ?” રેહાનાએ એનું આઈપેડ કાઢ્યું અને એક સુંદર યેલો ડ્રેસ વેરોનીકાને બતાવ્યો. વેરોનીકાની સુંદર બદામી આંખોમાં ખુશી આવી ગઈ ! “થેન્ક્સ, આઈ લવ યુ રેહાના, તું જ એક મારી બેસ્ટ ફ્રેન્ડ છે, બાકી આ બધા તો નકામાં છે !” રેહાના એ એક ફ્લાઈંગ કિસ વેરોનીકાને કરી અને સામે વેરોનીકાએ પણ એમ જ કર્યું. “ઓ ડીજીટલ હસબંડ, તે કપડા ધોયા ? એને ડ્રાયરમાં થી કાઢીને સુકવ્યા ?” આદિત્યનો ગ્લાસ છટકી ગયો ! “હા,,,,એ,,,તો,,,મેં,,,” એ લાળા ચાવવા લાગ્યો ! “બસ હવે, મને ખબર છે તારી હો ? બહુ ડાહ્યો ના થઈશ ! કોક વાર તો ઘરનું કામ ટાઈમે કરતો જા ! સુધરી જા ! અને હા, લાઈટ બીલ અને ગેસ બીલ ભર્યું તે ?” આદિત્યએ હકારમાં માથું ધુણાવ્યું પણ પાછળથી રેહાના એ નકારમાં માથું ધુણાવ્યું અને સ્ક્રીન પર વેરોનીકા ગુસ્સે થઇ ગઈ “ભોગ લાગ્યા મારા કે આવા જોડે મેં લગ્ન કર્યા ! કોઈ કામનો જ નથી ! હે ભગવાન મને ઉઠાવી લો પ્લીઝ !” આદિત્ય ખસીયાણો પડીને ફોન ઊંચકીને બહાર લઇ ગયો અને વેરોનીકાને મનાવા લાગ્યો અને એની આવી દશા જોઈને રેહાના અને ડોકટર બંને ખડખડાટ હસી પડ્યા !

થોડીવારમાં આદિત્ય પાછો આવી ગયો ! “બચી ગયા ! હાશ ! મેડમ માની ગયા છે ! રોન, પ્લીઝ અમે જમવા બેઠા છીએ તો ફ્લ્યુટ પર એક સુંદર ગીત સંભળાવ ને ! તે કોઈ નવું કમ્પોઝ કર્યું છે ?” સ્ક્રીન પર વેરોનીકા હસી પડી અને પછી એણે હાથમાં એક ફ્લ્યુટ લીધું અને તાજી કમ્પોઝ કરેલી એક સુંદર ધૂન વગાડવાનું શરુ કર્યું !” કમરામાં વાંસળીનો મધુર અવાજ રેલાઈ રહ્યો હતો !

***

મોડી રાત્રે ડીનર પછી આદિત્ય ઉભો થયો અને રેહાનાનો હાથ પકડીને બોલ્યો “પાપા, કેવું છે વેરોનીકાને હવે ? એનું બ્રેઈન બરોબર ફંક્શન કરે છે ને ?” ડોક્ટર જેમ્સે હકારમાં માથું ધુણાવ્યું અને બધા એમના ફ્લેટમાં ઉપર આવેલા રૂમ ભણી ચાલી નીકળ્યા !

***

ઉપરના રૂમમાં એક કાચનું મોટું પાત્ર હતું અને એમાં કૈંક પ્રવાહી ભરેલું હતું અને એમાં વેરોનીકાનું બ્રેઈન ડુબાડેલુ હતું ! “બેટા, અથાગ પ્રયત્નો પછી હું રોનનું બ્રેઈન ફંક્શન કરતુ કરી શક્યો છું પણ ત્યાં સુધીમાં એનું શરીર સચવાય એવું નહોતું એટલે આપણે એને ડીસ્પોઝ કરી દીધું. હવે જુવો, એ પરફેક્ટ ફંક્શન કરી રહ્યું છે ! ભલું થાય તમારા સોફ્ટવેર વાળાઓનું કે તમે આ એક એપ થકી એના મગજને કમ્પ્યુટરથી જોડી દીધું છે અને એટલીસ્ટ રોન આપણી વચ્ચે પાછી આવી ગઈ છે ! એ ભલે સદેહે હાજર ના હોય બેટા પણ એની સાથે આપણે જયારે ઈચ્છીએ ત્યારે વાત કરી શકીએ છીએ.” આદિત્યએ કાચના પાત્રમાં એની પ્રિય એવી પત્નીનું બ્રેઈન જોયું ! એના મૃત્યુ પછી એ ખુબજ નિરાશ થઇ ગયો હતો પણ ડોકટરે એના બ્રેઈનની ફંકશનાલીટી પાછી શરુ કરી દીધી હતી અને પછી રેહાનાને એવો વિચાર આવ્યો હતો કે આપણે એના બ્રેઈનને મેપ કરીને એમણે ડેવેલોપ કરેલા આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ સોફ્ટવેર જોડે કનેક્ટ કરી દઈએ. અને વેરોનીકા પાછી જીવંત થઇ ગઈ હતી ! હવે એ એપ થકી આદિત્ય, ડોક્ટર અને રેહાના સાથે વાત કરતી હતી અને જાણે કે જીવંત વ્યક્તિ હોય એમ જ નજરે આવતી હતી.

***

આદિત્યએ એક બટન દબાવ્યું અને સ્ક્રીન પર વેરોનીકાનો ચહેરો ઉભરી આવ્યો ! નિસ્તેજ અને થાકેલો ! “હાઈ રોન !” આદિત્ય બોલ્યો. “આદિ, પ્લીઝ તમે હવે આ રમત બંધ કરો ! હું થાકી ગઈ છું, શરીર વગરનું મન કેવી રીતે ફંક્શન કરે એ તમને કેવી રીતે સમજાવું ? મને હવે મજા નથી આવતી ! કબુલ કે તમે બધા મને ખુબ પ્રેમ કરો છો અને મને નવું જીવતદાન આપ્યું છે પણ હવે બહુ થયું ! હું કલાકાર છું, મારી કળા શરીર વગર નકામી છે આદિ ! મને માફ કરો પ્લીઝ અને મને ડિસ્કનેક્ટ કરી દો” ! આદિત્ય લાચાર નજરે ડોક્ટર અને રેહાના તરફ જોઈ રહ્યો ! એમની ઝીંદગીનું એક માત્ર સ્વપ્ન હતું કે એક એવી આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ એપ બનાવવી કે જે જીવંત હોય એ પૂરું થયું હતું પણ વેરોનીકાની વાત પણ સાચી હતી ! “રોન, હું તને ખુબજ પ્રેમ કરું છું અને હું તારા વગર જીવી નહિ શકું ! અત્યારે એટલીસ્ટ હું તારી સાથે વાતો તો કરી શકું છું ! હું શું કરીશ તારા વગર, રોન !” આદિત્યએ લાચાર આંખોએ સ્ક્રીન તરફ જોતા કહ્યું ! સ્ક્રીન પરથી વેરોનીકાનો ચહેરો ગાયબ થઇ ગયો ! ડોકટરે માથું ધુણાવ્યું ! “એક ઉપાય છે” આદિત્ય બબડ્યો અને રેહાના અને ડોક્ટર ફાટી આંખે આદિત્યને જોઈ રહ્યા !

***

“હા અમ્મી હા, મેં શાદી કર લુંગી ! ભાઈ અભી બહાર ગયે હે, બાદ મેં બાત કરાઉન્ગી ઉનસે, લાસ્ટ વીક તો કરાયી થી બાત આપ લોગો સે, અભી ફોન રખો, મુજે કામ પે જાના હે, અબ્બુ કો મેરા સલામ કહેના, બાય, આઈ લવ યુ અમ્મી” રેહાનાએ ફોન કટ કર્યો અને એ જલ્દીથી તૈયાર થવા ગઈ ! જેવી એ બહાર આવી કે એના રૂમમાં મુકેલા એક મોટા સ્ક્રીન પરથી સીટી મારવાનો અવાજ આવ્યો ! “વાહ વાહ, ક્યાં લગ રહી હે મેરી બહન ! રેહું, અમ્મી સાચું જ કહે છે, હવે તું લગ્ન કરી લે લા !”

“ઓહ શટ અપ આદિ ! તું તારું કામ કર, રોન, આને કે ને મને હેરાન ના કરે પ્લીઝ, મને મોડું થાય છે !” રેહાના બગડી, સ્ક્રીન પર આદિત્યની બાજુમાં વેરોનીકાનો ખુશખુશાલ ચહેરો ઉભર્યો અને એણે આદિત્યના કાન પકડ્યા અને બંને ખડખડાટ હસી પડ્યા !

“ખુદા તુમ્હારી જોડી સલામત રખે” બબડીને એક મધુર સ્મિત કરીને રેહાના ટેક્ષી પકડવા દોડી ગઈ !

***