Safarma madel humsafar - 27 books and stories free download online pdf in Gujarati

સફરમાં મળેલ હમસફર - ભાગ - 27

સફરમાં મળેલ હમસફર
ભાગ-27
“પાપા તમારે ના જમવું હોય તો બહાર નીકળી જાઓ,હું થાકીને આવ્યો છું મારે કોઈ દલીલ નથી કરવી”શુભમ ગુસ્સામાં બોલતો હતો.જ્યારે એ ઘરે પહોંચ્યો ત્યારે ઘરે કોઈ નોહતું.તેના મમ્મી ખેતરે ગયાં હતાં.તેનો નાનો ભાઈ રોનક બાળકો સાથે રમવા ચાલ્યો ગયો હતો.શુભમના પાપા કંઈ કામ ના કરતાં એટલે ગામના ચોરે ડોસાઓ સાથે બેસી રહેતાં.ઘરે આવી શુભમ ફ્રેશ થયો.પછી એક-બે જુના દોસ્તને મળી આવ્યો ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ.
     શુભમના મમ્મી ઘરે આવી ગયા હતા.શુભમના પાપા મહેશભાઈ ભોળાનાથની પૂજા કરવા જતાં એટલે એ મોડા આવતા.શુભમ જમતો ત્યાં તેના પાપા આવી ચડ્યા,નશાની હાલતમાં.
“આવી ગયો રાજકુંવર,મારું તો નાક કપાવ્યું હવે તારી માંનું નાક કપાવવા આવ્યો છો?”લથડાતાં શબ્દોમાં શુભમના પાપા મેણા(ટોન્ટ) મારતાં હતા.
“તમે સરખી રીતે જમવા દેશો એને?”શુભમના મમ્મીએ મહેશભાઈને ટોકતાં કહ્યું.
“હા ઠુસાવ હજી એના પેટમાં,તારા હાથે જ બગડ્યો છે.ગામમાં મારે માથું નીચું કરવું પડે છે તારે નહિ,એકવાર પૂછ તારા લાલને,ત્યારે શું થયું હતું એને?”
“પાપા તમારે નો જમવું હોય તો બહાર નીકળી જાઓ,હું થાકીને આવ્યો છું મારે કોઈ દલીલ નથી કરવી”શુભમ ગુસ્સામાં બોલ્યો.
“તારી પાસે દલીલ કરવા કંઈ વાત છે?”મહેશભાઈ શુભમને ઉશ્કેરતા ગયાં, “આખા ગામને હું જવાબ આપું છું.તું તો કાંડ કરીને નીકળી ગયો.હું જ ફસાઇ ગયો છું અહીં”
“તમારે કામ તો કરવું નથી.ગામની પંચાત જ કરવી છે.કોણ કહે છે બધા સામે બોલવાનું?”
“તો શું ઘરમાં ઘૂસીને બેસી રહેવું?”મહેશભાઈ પોતાની જાતને કોસવા લાગ્યા, “તને જન્મ આપ્યો એ જ તારી માંની ભૂલ છે.”
“હા તો છાણ ના હોય તો છોકરા ના કરાય”શુભમ બરાડી ઉઠ્યો, “પેદા કરી કરીને છોડી દીધા.તમારા કરતાં કોઈ ભીખારીના ઘરે જન્મો હોત તો સારું હતું.ભલે એક ટાઈમ ભૂખ્યું રહેવું પડેત,શાંતિ તો મળેત”
“એ તો તમે બાપ બનશોને ત્યારે જ ખબર પડશે,આમને આમ મોટા નથી થઈ ગયા તમે”
“તમારી જેવા દારૂડિયા નહિ બનીએ.”શુભમે હાથમાં રહેલો કોળિયો થાળીમાં રાખી ઉભો થઇ ગયો.
“શુભમ…”બારણે ઉભેલા રુદ્રએ અવાજ આપ્યો, “હું બહાર રાહ જોઉં છું
***
    સાંજના છ થયા હતા.રુદ્રએ બુકની ઉપરછલ્લી માહિતી વાંચી લીધી હતી.બુક વાંચીને પોતે આશ્ચર્યચકિત થઈ ગયો હતો.પોતે જે ઈરાદાથી અહીં આવ્યો હતો એ સાર્થક થયો એવી તેને અનુભૂતિ થતી હતી.બૂકમાં આપેલી માહિતિ સાચી હતી કે ખોટી એ રુદ્ર નોહતો જાણતો પણ પોતાનામાં રહેલું જિજ્ઞાસી જીવડું હવે જાગી ગયું હતું. ‘કોઈ પણ કાળે આ બૂકમાં રહેલા રહસ્યોને ઉકેલવા છે’ એવું રુદ્રએ મનોમન નક્કી કરી લીધું હતું.
    મહા મહિનાની કાતિલ ઠંડી કચોટીયા ગામમાં વધુ લાગે.તેનું પણ એક કારણ છે.આજુબાજુમાં ખેતરોમાં ભીનાં હોય છે અને ગૌતમી નદી અવિરતપણે વહેતી હોવાથી તેના તરફથી આવતો પવન વધુ ઠંડો હોય છે.લગ્નની તૈયારી થતી હોવાથી રાતનું ભોજન સાત વાગ્યામાં પતી ગયું હતું.અત્યારે પૂરો પરિવાર બહાર ફળિયામાં તાપણું કરી બેઠો હતો.કુટુંબના વડા અને ગામના સરપંચ તળશીભાઈ હોકલી સળગાવી લગ્નની ચર્ચા કરતાં હતાં.સંદીપ અને જે.ડી. સાથે રુદ્રએ પણ આ ચર્ચામાં ભાગ લેતો હતો.
       રુદ્ર હવે આ પરિવાર સાથે ભળી ગયો હતો.આમ પણ રુદ્રનો સ્વભાવ જ એવો હતો કે કોઈપણ તેની સાથે બે મિનિટ વાતો કરે તો પોતાનો લાગવા લાગે.
“દાદા બહેનોની લગ્નમાં કંઈક જુદુ કરીએ.ગામના લોકો એ જોઈને દંગ રહી જવા જોઈએ”સંદીપે સૂચન આપતા કહ્યું.એટલામાં જે.ડી.ની ત્રણેય બહેનો સાથે નવી ખરીદેલી ચણિયાચોલીમાં સજ્જ થઈ સેજુ ફળિયામાં આવી.બહાર પિલર પર એક આછો બલ્બ સળગતો હતો.એ બલ્બના પ્રકાશમાં પીળી ચણિયાચોલી પહેરેલી સેજુને જોઈને રુદ્રની ધડકન થંભી ગઈ.ચારેય બહેનો બધા વચ્ચે આવી, ગોળ ગોળ ફરીને પોતાની ચણિયાચોલી બતાવવા લાગી.
“મારી દીકરીઓ ઢીંગલી જેવી લાગે છે”તળશીભાઈએ વહાલથી કહ્યું.ત્રણેય બહેનો પોતાની ખુરશી પર બિરાજમાન થઈ ગઈ.સેજુ પણ રુદ્ર તરફ આંખો નચાવતી તેની સામે તળશીભાઈ પાસે આવીને બેસી ગઈ.
“બાજુના ગામમાંથી પચીસ રાઇફલ મંગાવી છે.રાત્રે ગોળીઓના ધડાકા થશે.આપણો વટ પડશે બેટા”હોકલીનો ઊંડો દમ ખેંચી ધૂમાડા હવામાં છોડતાં તળશીભાઈએ પોતાનો રુઆબ દર્શાવ્યો.એ દરમિયાન સેજુ રુદ્ર સાથે આંખથી વાતો કરતી હતી.સેજુએ નેણ નચાવ્યા અને ઇશારો કર્યો જાણે કહેતી હોય કે ‘કાલે ચોલીના વખાણ કરવાનું કહ્યું હતુંને ચાલ સમય આવી ગયો છે’
“હું શું કહું છું દાદા”રુદ્રએ સેજુ સામે જોઈ તળશીભાઈ તરફ નજર ઘુમાવતા કહ્યું, “આ ગોળી ફોડવાનું ચલણ જુનવાણી લાગે.આવું તો હવે બધી જગ્યાએ થાય છે.આપણે કંઈક જુદું કરીએ જે ગામના લોકોએ કોઈ દિવસ ના જોયું હોય”
“એવું તો શું કરાય?”તલશીભાઈએ કહ્યું, “તું જ બોલને તમારે ત્યાં લગ્ન હોય ત્યારે શું કરો છો?”
“ડાન્સ,કપલ ડાન્સ કરીએ તો કેવું રહે?”
“એવો ડિસ્કો-બિસ્કો કરતાં અમને નો આવડે.એ તમારી જેવાં બાળકોનું કામ છે અમે તો માથે કેસરિયો સોફો બાંધીને હવામાં ગોળી ફોડશું.”
“દાદા અમે બાળકો તો ડાન્સ કરી શકીએને?”સેજુએ ઉત્સાહ પૂર્વક પૂછ્યું.
“હા તમતમારે જે કરવું હોય એ કરો.”તળશીભાઇએ સહમતી દર્શવતા કહ્યું.
“પણ આપણાંમાંથી ડાન્સ કોને આવડે છે?”સંદીપે પૂછ્યું.
“મને થોડો થોડો ફાવે છે”રુદ્રએ મલકાઈને હાથ ઊંચો કર્યો.
“મને પણ”રુદ્ર સાથે સેજુએ પણ હાથ ઊંચો કર્યો.
“ઑકે,ચાલો તમે બંને ડેમો બતાવો.આપણે ડાન્સનો પ્રોગ્રામ રાખીશું”સંદીપે મોબાઈલ હાથમાં લઈને કહ્યું.
“પણ સંદીપ..”રુદ્ર કહેવા જતો હતો એ પહેલાં સેજુ ઉભી થઇ ગઇ.
“મને તો કોઈ કહેવું જોઈએ બસ”સંદીપનો મોબાઈલ હાથમાં લઈને સેજુએ એક સોંગ પ્લે કર્યું.રુદ્રએ ધ્રુજતા હાથે સેજુનો હાથ પકડ્યો અને તાલ સાથે તાલ મેળવવા લાગ્યો.
“તું આ ચોલીમાં કાતિલ લાગે છે”ધીમેથી સેજુના કાન પાસે ગણગણતા રુદ્રએ સ્માઈલ કરી.
“હા હવે ખબર છે તારે વખાણ કરવાના હતા પણ અત્યારે ડાન્સમાં ધ્યાન આપ જો સરખી રીતે ના કર્યોને તો હું તને પાર્ટનર નહિ બનાવું”
      રુદ્ર સેજુની આંખમાં આંખો પરોવી સ્ટેપ બાય સ્ટેપ કપલ ડાન્સ કરતો હતો.થોડીવાર પછી રુદ્રને કંઈક યાદ આવ્યું એટલે તેણે સેજુનો હાથ છોડાવી કહ્યું, “દાદા મારે મારા દોસ્ત શુભમને મળવા જવું છે,ડાન્સની પ્રેક્ટિસ અમે કાલે કરી લેશું”આટલું કહી રુદ્ર રૂમ તરફ દોડવા લાગ્યો.રૂમમાંથી પરષોત્તમે લખેલું પુસ્તક લઈ રુદ્ર શુભમના ઘર તરફ ચાલ્યો.
     શુભમના ઘર નજીક પહોંચતા રુદ્રને શુભમનો ઉંચો અવાજ સંભળાવવા લાગ્યો.રુદ્રએ કાન માંડીને શુભમ અને તેના પપ્પા વચ્ચે થયેલી બધી વાતો સાંભળી.અંતે જયારે રુદ્રને લાગ્યું કે હવે તેઓને અટકાવવા જોઈએ એટલે તેણે શુભમને અવાજ આપ્યો, “શુભમ હું બહાર રાહ જોઉં છું”
     રુદ્ર બહાર ચાલ્યો ગયો.થોડીવાર પછી શુભમ બહાર આવ્યો.
“ચલ વોક માટે જઈએ”રુદ્રએ કહ્યું.શુભમ ચૂપચાપ ચાલવા લાગ્યો.
“તારા પાપા શું કહેતા હતા?”રુદ્રએ સંકોચ સાથે પૂછ્યું.
“કંઈ નહીં એનું તો રોજનું છે.કામ કંઈ કરવું નહીં અને રોજ ઝઘડા કરવા”
“તો તું સમજાવને?ઘરના મેઈન સભ્ય છે જો એ કામ નહીં કરે તો તમે બધા શું કરશો?”રુદ્રએ સલાહ આપતા કહ્યું.
“માથું મારું સમજાવું?બાપથી કાંટાળીને તો ગામ છોડ્યું છે.ગમે એટલું સમજાવું હવે ના સુધરે”
“તો શું લાઈફ ટાઈમ આમ જ ઝઘડતો રહીશ?”રુદ્રએ કહ્યું, “ક્યારેક તો આ પ્રૉબ્લેમ સોલ્વ કરવો પડશેને?છેલ્લે તો એ તારા પાપા જ છે”
      શુભમ ચાલતાં અટકી ગયો.તેની આંખોમાં ગુસ્સા સાથે વેદના પણ વહેતી હતી.
“કેટલી પ્રૉબ્લેમ સોલ્વ કરું?એક પ્રૉબ્લેમમાંથી નીકળું ત્યાં બીજી પ્રૉબ્લેમ ગળે લગાવવા ઉભી જ હોય”નિસાસો નાંખતા શુભમે કહ્યું.રુદ્રએ શુભમના ખભા પર હાથ રાખ્યો.
“પ્રૉબ્લેમ તો લાઈફ ટાઈમ રહેશે જ બકા,તેનાથી નાસીપાસ થવાથી એ સોલ્વ નહિ થતી તેને ફેસ કરવી જોઈએ”
“એ બધી કહેવાની વાતો છે.એક સાથે બધી પ્રોબ્લેમ આવે ત્યારે કોઈ પણ નાસીપાસ થઈ જાય છે”
“સાચી વાત કહી તે”રુદ્રએ ધીરજથી કામ લીધું, “નાસીપાસ થવું જ જોઈએ,જો નાસીપાસ ના થઈએ તો એ પ્રોબ્લેમનું બેસ્ટ સોલ્યુશન નથી મળતું.”
“મારી પાસે કોઈ સોલ્યુશન નથી”શુભમ પોતાની જાતને કહેતાં બોલ્યો, “મારી ઉપર મુસીબતોના એવા વાદળો મંડરાય છે જે બારેમાસ વરસે છે”
     રુદ્ર હસ્યો, “મારા પપ્પા કહે છે ‘જ્યારે વરસાદમાં બધા પક્ષી છુપાવવાની જગ્યા શોધતાં હોય છે ત્યારે બાજ વાદળો ઉપર પાંખો ફેલાવી ઉડતું હોય છે’મતલબ કોની લાઈફમાં પ્રૉબ્લેમ નથી યાર?બધાની લાઈફમાં પ્રૉબ્લેમ તો રહેવાની જ.પણ જે માણસ પ્રૉબ્લેમને એક ચેલેન્જ સમજે એ જ આગળ આવે છે અને બધી પ્રૉબ્લેમનું સોલ્યુશન હોય છે તમે કયો રસ્તો અપનાવો એનાં પર નિર્ભર છે”
“મારી પ્રોબ્લેમ તને ખબર છે?”શુભમે ગુસ્સામાં કહ્યું, “મારા બાપા રોજ દારૂ પીએ છે.કામ નથી કરતાં. ઘરની બધી જ જવાબદારી મારા પર છે.હું જેને પ્રેમ કરું છું તું એના જ લગ્નમાં આવ્યો છે. આટલું બસ નથી.બાપાએ લેણું કરેલું છે.તેની ઉઘરાણી કરવાં રોજ માણસો આવે છે.મારી મમ્મીને ધમકાવે છે અને હું શું કરું છું?મારું ગુજરાન ચાલે એટલું કમાઉં છું બસ.નથી બાપને સમજાવીશ શકતો,નથી પોતાની જાતને સમજાવી શકતો”
“તું તો છોકરી જેવો દોસ્ત છો યાર,આટલી બધી વાતો દબાવીને બેઠો છો તો પણ કંઈ નથી બોલતો.”
“કોને કહેવું?,એક હતી જેને બધી વાતો કહેતો.હવે એ પણ નથી”
“તારો ભાઈ છે ને?”રુદ્રએ હસીને કહ્યું, “એકવાર કહ્યું હોત તો બકા,તારી બધી પ્રોબ્લેમ ચપટી વગાડતાં દૂર થઈ જાત”
“એટલે જ નથી કહ્યું,મને ખબર છે તારાથી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પણ મારે એ અહેસાન નથી જોતું.હું મારી રીતે એડજસ્ટ કરી લઈશ”
“કોણે કહ્યું હું તારા પર અહેસાન કરીશ,આપણે એક ડિલ કરીએ.મારા હાથમાં એવી વસ્તુ લાગી છે જે તારી બધી પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે”
“શું છે એ વસ્તુ?”શુભમે કુતુહલ વશ પૂછ્યું.
“આમ જો”કહેતાં રુદ્રએ પાછળ છુપાવેલી બુક શુભમને ધરી, “આ બૂકમાં ખજાનો છે ખજાનો”
“શું બકવાસ કરે છે?”શુભમે કહ્યું, “પેલાં પાગલે લખેલી બૂકમાં ક્યાંથી ખજાનો આવી ગયો?”
“મતલબ તને આ બુક વિશે ખબર છે”રુદ્રએ તર્ક કાઢતાં કહ્યું.
“હા થોડી થોડી”શુભમે કહ્યું, “મેં વાંચી તો નથી પણ બધા કહે છે પરષોત્તમ નામના પાગલ વ્યક્તિએ એક બુક લખી હતી જેમાં ખજાના સુધી પહોંચવાના કોયડા છે.પણ અત્યાર સુધી કોઈને આવી જગ્યાઓ નજરે નથી ચડી બકા”
“એ પાગલ નોહતો ભઇ, જીનિયસ હતો.તેણે જે જગ્યાઓનો ઉલ્લેખ કર્યો છે એ જગ્યા હાલમાં પણ અસ્તિત્વ ધરાવે છે.આપણે જો ઊંડાણ પૂર્વક શોધખોળ કરશું તો માલામાલ થઈ જશું”રુદ્રએ ઉત્સાહભર્યા અવાજે કહ્યું.
“તું આટલા વિશ્વાસથી કેમ બોલે છે?,તને વળી શું દેખાઈ ગયું?”
“મને શું દેખાયું એમ?”રુદ્રએ આંખ મારીને બૂકનું મુખપૃષ્ઠ ખોલ્યું.
(ક્રમશઃ)