haay re prem...! books and stories free download online pdf in Gujarati

હાય રે પ્રેમ...!

"કાળુએ આ બરાબર નથી કર્યું.. પોતાની જ બૈરી સાથે કોઈ આવુ કરી સકે?.. ઢોર માર માર્યો છે મારી છોડીને.. હવે હું એને છોડીશ નહીં.. એ ઓળખતો નથી આ લાખા ને.. લાખો એની જાત પર આવી જાહે ને ત્યારે જ હમજાસે એને.." ગુસ્સાથી લાલચોળ લાખો રાતે દોઢ વાગ્યે પાણી વાળીને પાછા ફરતાં ફરતાં આ એક જ વિચાર કરતો હતો.. એનાં મનમાં કાળુને સબક શીખવાડવાનાં પ્લાન પણ ચાલતાં હતાં અને એ માટે એનું કાસળ કાઢવું પડે તો ત્યાં સુધી તૈયાર હતો લાખો..

ભલે ગામડાનો હતો પણ વિચારોમાં શહેરવાળાઓને ટપી જાય એવો હતો.. પણ એક વાર જો એને છંછેડો એટલે એ કોઈનો ય નહીં...છોકરી ઢોર માર ખાઈને કાલે સાસરેથી પાછી આવી હતી. 'દિકરી એક વાર સાસરે જાય પછી ત્યાંથી અરથી જ ઉઠે' એવા ઘસાયેલી કેસેટ જેવા વિચારોમાં એ ન્હોતો માનતો.. ને એટલે જ એણે ત્યારે ને ત્યારે જ ધનીને કહી દીધું હતું કે તારો બાપ જીવતો છે હજુ.. એટલે ખબરદાર હવે બીજી વાર એ કાળિયાનાં ઓટલા હામુ ફરીને જોયું ય છે તો.. એ કાળિયાને તો હવે હું જ જોઇ લઈશ..

"પણ બાપુ.."

"પણ ને બણ..તેં કીધું એટલે લગન કરાવી દીધાં એની હાયરે.. પણ હવે બસ.. હજી જો તેં એની ભોર તાયણી ને તો મારાથી વહરો કોઈ નઇ થાય કઇ દઉં છું." પગ પછાડતો લાખો વાડીએ ચાલ્યો ગયો હતો. ત્યારનો ધાન નો એક દાણો મોઢામાં નો'તો ગયો. આખો દિવસ વાડીએ જ રોકાયો હતો. મનમાં સતત બદલો લેવાનાં જ વિચારો ચાલતાં હતાં.

મા વિનાની એકની એક દિકરીને બહુ લાડથી ઉછેરી હતી. એને તો મન જ નહોતું કાળુ સાથે લગ્ન કરાવવાનું. પોતાની જમીન ય નોતી કાળુ પાસે. બીજાની વાડીમાં મૂલ પર જતો. પાછો મા બાપ વગરનો અનાથ હતો. એવા છોકરાં સાથે કયો બાપ રાજી હોય પોતાની દિકરીને પરણાવવા.. પણ દિકરીનાં પ્રેમ અને જીદ આગળ ઝુકવું પડયું. તો પણ એક શરત તો રાખી જ હતી એણે કે ધનીનો હાથ જોઈતો હોય તો રૂ. 50 હજાર નગદ એણે લાખા ને આપવા પડસે. ખબર નહીં ક્યાંથી પણ 50 હજારની સગવડ કરી લીધી હતી એણે. પછી લાખાનું કંઇ ના ચાલ્યું. બેયનાં લગ્ન કરાવવા જ પડ્યા.. પણ લાખો નીતિનો પાક્કો હતો. એ 50 હજારને એણે હાથ પણ નો'તો લગાડ્યો. બેંકમાં જમા કરાવી દીધા હતાં. દિકરી જમાઈનો સંસાર સારી રીતે ચાલે છે એની ખાતરી થઇ જાય એ પછી એમને જ પાછા આપવાનો ઈરાદો હતો. અને આ વરસે આ બધું ના બન્યું હોત તો આ જ વર્ષે આપવાનો હતો.. પણ કાળુએ જે કર્યું એ માટે હવે એને ક્યારેય માફ કરી શકાય એમ નહોતો. દીકરીની વિદાય વખતે જ એણે કાળુને સૂચના આપી હતી કે "જો મારી છોડીને જરાય દુઃખ પહોંચાડયું છે કે પછી એનો વાળ પણ વાંકો થયો છે તો પછી તું છે ને હું છું યાદ રાખજે.."

કાલે બે વરહ પછી અચાનક સવારમાં છોડી પાછી આવી હતી એની સુટકેસ સાથે. મોઢા ને હાથ પર મારનાં નિશાન પણ હતાં.. દારૂ પીને માર્યું હતું સા..... એ. ને એ પછી જાતે જ એની સુટકેસ ભરીને ઘરની બાર તગડી દીધી હતી.. એ કોઈ બીજી છોકરીનાં ચક્કરમાં હતો એવું ય બોલી ગયો હતો. લાખો તો આગ બબુલા થઇ ગયો હતો. ફળિયામાં પડેલી કુહાડી લઈને દોડ્યો હતો. માંડ ધનીએ એને પાછો વાળ્યો હતો..

પણ આજ... લાખાએ મનમાં નક્કી કરી લીધું કે આજ કાળુનું મોત માથે ભમે જ છે.. હવે એ કાળુને નહીં છોડે.. પાણી વાળવા માટે વાડીએ રાત રોકાવું પડશે એમ કહીને ઘરેથી નીકળી ગયો હતો. ને રાતે દોઢ વાગે કુહાડી લઇને ચાલતો થયો હતો. ગામની સીમમાં ચાલ્યો જતો હતો. ચારે તરફ અંધારું હતું. કૂતરાઓનાં ભસવાનાં અને રોવાનાં અવાજ આવી રહ્યાં હતાં.. કોઈ એને જોઈ તો નથી રહ્યું ને એમ વિચારી, આજુબાજુ જોઈ તેણે ઝડપ વધારી.

અડધો રસ્તો કપાયો હશે ત્યાં દૂર-દૂર તેણે જમીન પર કશુંક જોયું. થોડો નજીક ગયો તો લાગ્યું કે કોઈ માણસ ઊંધા માથે સૂતો છે. કદાચ દારૂ પીને રસ્તામાં પડી ગયો લાગે છે. તેણે તેને બોલાવવાની કોશિશ કરી પણ કોઈ જવાબ ના મળ્યો. કદાચ દારૂનાં નશામાં ચકચૂર થઈને પડી ગયો હોય તેવું લાગ્યું.  પગ વડે તેણે પેલા માણસને સહેજ ધક્કો માર્યો એમ છતાં તે સળવળ્યો નહિ એટલે લાખા એ તેને જોરથી લાત મારી કોણ છે એ જાણવા.. વધુ નજીક જઇ તેને સવળો કર્યો. પણ આ શું...! જે દૃશ્ય હતું તે જોઇ લાખો હતપ્રભ થઈ ગયો. એનાં હોશ ઊડી ગયા. પરસેવે રેબઝેબ થઇ ગયો. એ માણસ નહોતો પણ લાશ હતી... ! તેનાં પેટમાં ચાકુ હતું. ઘણું લોહી વહી ગયું હતું. અને.. અને.. તે લાશ.... કાળુની જ હતી.. બે ઘડી તો તેને કશું સમજાયું નહીં.. એકધારું જોયા કર્યું.. વધુ કશું સમજવાની કોશિશ કરે એ પહેલાં તો અચાનક... દૂર થી ટોર્ચનો લીસોટો જોયો.. એ ખૂબ ગભરાઈ ગયો. ટોર્ચની પાછળ આઠ દસ માણસોનું ટોળું વાતો કરતું આવતું હતું. આટલી રાતે! લાખાને યાદ આવ્યું કે બાજુનાં ગામમાં આજ ડાયરો હતો. આ ટોળું કદાચ એ જ સાંભળવા ગયું હોવું જોઈએ.. પહેલાં તો તેને થયું કે પેલાં લોકોને બૂમ પાડીને બોલાવે.. પણ તેનું ધ્યાન હાથમાંની કુહાડી તરફ ગયું. કાલથી જે ઘટનાક્રમ બન્યો હતો એ યાદ આવ્યો. એવામાં કોઈ એને કાળુ સાથે આ રીતે જોઇ જાય તો પહેલો શક પોતાનાં પર જ જાય.. લાખાને કશું ના સમજાતાં કુહાડી ફેંકીને મુઠ્ઠી વાળીને દોડ્યો. પાછું ફરીને શું થયું એ જોવા પણ ના રોકાયો. સીધો ઘરે પહોંચી ડેલી ખોલી, ફળિયામાં પડેલા ખાટલામાં કશું જ ના બન્યું હોય એ રીતે સૂઈ ગયો. ઊંઘ તો આવવાની નહોતી. પડખાં ઘસ્યા કર્યા.

થોડી વાર પછી ડેલી ખખડી. કોઈ અંદર આવ્યું. લાખો માથા પર રજાઈ ઓઢી પડ્યો હતો.. "આટલી રાત્રે કોણ આવ્યું..!" તેને થોડો ડર પણ લાગ્યો. રજાઈ થોડી ઉંચી કરી જોયું તો કોઈ નજીક આવી રહ્યું હતું. જેમ જેમ નજીક આવતું જતું હતું, લાખાનાં હૃદયનાં ધબકારા વધી રહ્યા હતા. ધીરે ધીરે લાગ્યું કે આ તો કોઈ સ્ત્રીનો પડછાયો હતો. લાખો ચોકી ગયો. પડછાયો વધુ નજીક આવતા ખબર પડી કે આ તો ધની! ધની ઘરમાં નહોતી! લાખો રજાઈમાંથી છાનો માનો ડોકિયું કરી આંખો ફાડી જોઇ રહ્યો. ધની લઘર વઘર લાગતી હતી. વાળ વિખરાયેલ હતા. કપડાં પણ ચોળાઈ ગયા હતા. એની છાતી ધમણની જેમ ફૂલી રહી હતી. ખૂબ ગભરાયેલી લાગતી હતી. ધનીએ તેને ત્યાં સૂતેલ જોયો.. એણે જાણે રાહતનો શ્વાસ લીધો. પછી જલ્દીથી ઘર ખોલી અંદર જતી રહી. લાખો જાણે કશું જાણતો જ ના હોય એમ પડયો રહ્યો.. એનાં મનમાં અનેક વિચારો ચાલી રહ્યાં હતાં.. "આટલી રાત્રે ધની ક્યાં ગઇ હશે! તો શું ધની જ..!" બહાદુર તો ખૂબ હતી ધની.. નાનપણમાં એક ગાડરને બચાવવા જાતા દીપડાની હામી થઇ હતી.." લાખો કંઇક નક્કી કરી ઉભો થયો. ડેલી ખોલી બહાર નીકળી ગયો.

*                                  *                          *

એક અઠવાડિયુ થઇ ગયુ હતું કાળુનાં અવસાનને.. બાપુ એ પોલીસ પાસે કાળુને માર્યાનો પોતાનો ગુનો કબુલ કરી લીધો હતો. એટલે એ પોલીસ કસ્ટડીમાં હતાં. ધની એકલી ઘરમાં રહી ગઇ હતી. દિવસ રાત આંસુ સારતી રહેતી.. એક સાથે બે બે હાથ એનાં માથેથી છીનવાઈ ગયા હતાં..કાળુએ પ્રેમમાં દગો આપ્યો ને બાપ એનાં જ પ્રેમનો હત્યારો નીકળ્યો. પ્રેમ નામનાં શબ્દ પરથી જ વિશ્વાસ ઉઠી ગયો હતો ધનીનો.

સાસરેથી પાછી આવી ત્યારની એકેય કામ માં મન નહોતું લાગતું. તેણે સુટકેસ પણ ખોલી નહોતી.. આજે યાદ આવ્યું કે કાળુએ તેને સુટકેસ ભરીને બહાર કાઢી મૂકી ત્યારે જતાં જતાં તેણે પોતાનો અને કાળુનાં ફોટોનો આલ્બમ એ સુટકેસમાં સેરવી લીધો હતો. એ જોવા માટે તેણે સુટકેસ ખોલી. ફોટો જોતાં જોતાં કાળુ સાથેની જુની યાદો સંભારતી હતી. એક ફોટોમાં કાળુ ને ધની સોમનાથનાં દરિયા કિનારે હાથ માં હાથ નાખીને બેઠા હતાં. "ધની.. તને ગોવાનાં દરિયા કિનારે લઇ જવી સે મારે.."

"હારું હારું.. લઇ જાજે.. પણ ગોવા લઇ જઇસ તો મને ય તારે ઓલી ગોરી મેમ જેવા કપડાં લઇ દેવા પડસે.. હું ય ટૂંકા કપડાં પે'રી ને એ ય ને.. તારાં હાથમાં હાથ નાખીને પગ બોળીસ."

"જા.. જા.. ગોવા ગયા પસી તારી હાયરે થોડોને પગ બોળીસ.. હું ય ઓલી ટૂંકા કપડાં વાળી એકાદ ગોરી મેમને પકડી લઇસ ને એ... ને.. જલસા કરીસ એની હાયરે..."

"સું કીધું.. મારા સિવાય કોઈ છોકરી હામું જોયું ય સે ને તો તારી આંયખુ કાઢીને હાથ માં ન આપી દઉંને તો મારૂં ય નામ ધની નઇ.."

"અરે.. અરે.. તું તો રિસાઈ ગઇ.. મારી વ્હાલી.. તારા સિવાય આ કાળુની જીંદગીમાં બીજુ કોઈ આવસે ને ત્યારે તારે મારી આંયખુ નઇ કાઢવી પડે.. આ કાળુ જ જાતે કાઢીને આપી દેહે..." ધનીની આંખમાં આંસુ આવી ગયા.. "આ એ જ કાળુ હતો કે જે બીજી છોકરી હામું જોવાની ય ના પાડતો એ હંચોડો બીજી છોકરી હાયરેનાં પ્રેમમાં મને છોડવા તૈયાર થઇ ગ્યો..!"

આ વાત પછી કાળુએ એને ટૂંકુ સ્કર્ટ લઇ આપ્યું હતું ગોવા પહેરવા.. એ સ્કર્ટ હાથમાં આવ્યું. ધનીએ ક્યાંય સુધી એને હાથ ફેરવ્યા કર્યો.

એક પછી એક કપડાં બહાર કાઢતી જતી હતી ત્યાં અચાનક એનાં હાથમાં કંઇક જુદી ચીજનો સ્પર્શ થયો.. નજર કરી જોયું તો આ તો એક કાગળનો ચોળાયેલ ટુકડો હતો.. સુટકેસમાં એ ક્યાંથી આવ્યો હશે એમ વિચારતા તેણે કાગળની ગડી ખોલી.

અંદરનાં અક્ષરો જોઈને એ આભી જ થઈ ગઇ.. આ તો કાળુનાં અક્ષરો.. તેણે ફટાફટ વાંચવાનું શરૂ કર્યું.
બે ત્રણ છેક છાક પછી લખ્યું હતું. "ધની.. તને સું લખવું એ સમજાતું નથી. સગાઈ પેલાં આપણે આમ જ એક બીજાને ચિઠ્ઠી લખતાં. પણ આ રીતે તને ચિઠ્ઠી લખવી પડસે એ તો મેં વિચાર્યું પણ નહોતું. આ ચિઠ્ઠી તને મળસે ત્યારે કદાચ હું આ દુનિયામાં નઇ હોઉં... અને હોઈસ તો આપણે ફરી પહેલાં જેવી જીંદગી જીવસું એ કાળુનું વચન છે તને.." આટલું વાંચતા ધનીની આંખમાં ગંગા જમુના વહી રહ્યાં.

"ધની.. તને યાદ હસે કે લગન વખતે તારા બાપુએ સરત મૂકી હતી કે તારો હાથ જો'તો હોય તો તારાં બાપુને 50 હજાર રૂપિયા આપવા. મેં જ્યારે આપ્યાં ત્યારે તેં હજાર સવાલ પૂછ્યા હતાં કે ક્યાંથી કાઢ્યા વગેરે..મેં મીઠી મીઠી વાતો દ્રારા તારા સવાલોને ટાળ્યા હતાં. ધની.. એ રૂપિયા મેં વ્યાજે લીધાં હતાં.. ટૂંકા સમયમાં વ્યાજે આપ્યાં એટલે એનું વ્યાજ પણ વધારે હતું. મને એમ કે એક બે વરસ માં મહેનત કરીને ચૂકવી દઈસ. પણ મારી ગણતરી ખોટી પડી. ઓણ સાલ વરહ પણ નબળું ગયું ને દેવું માથે વધતું જતું હતું. ધની.. મેં જેની પાહેથી પૈસા વ્યાજે લીધાં હતાં એ શેઠ મોટો ગુંડો છે.. એક વરહમાં વ્યાજ સહિત પાછા આપવાની બોલી થઇ હતી. પણ હું ના આપી સક્યો. એટલે એ છેલ્લા એક વરહથી મને પરેશાન કરે છે. તું ઘણી વાર મને પૂછતી કે હમણાં કેમ પરેશાન રહો છો.. તને શંકા થતી હતી કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું એટલે ઘર માં ધ્યાન નથી આપતો.. પણ એવું નથી ધની..હું સોગંદ પૂર્વક કહું છું કે મારાં જીવનમાં તારા સિવાય કોઈ જ છોકરી નથી. તને હું મારાં જીવથી ય વધારે પ્રેમ કરું છું. હમણાં મારૂં ઘરમાં ધ્યાન નહોતું લાગતું એનું કારણ આ છે.. હમણાં થોડાં સમયથી પેલાં શેઠનો મને ફોન આવે છે કે પૈસા ના દઇ શક્તો હોય તો તારી ઘરવાળી બહુ રૂપાળી છે એને એક રાત મોકલી આપ એટલે પૈસા નહીં માંગુ.. ધની.. મારૂં લોહી ઉકળી ઉઠે છે આ સાંભળીને. પણ સું કરૂં એ સમજાતું નહોતું.. કાલે એનો ધમકી ભર્યો ફોન આવ્યો છે. જો બે દિવસ સુધીમાં પૈસા નહીં આપું તો એ ગુંડાઓ સાથે ઘરે આવીને મારી નજર હામે તારી આબરૂ લુંટસે એવું કહ્યુ છે.. મારી પાસે હવે કોઈ ઉપાય નથી.. મને માફ કરી દેજે ધની.. મને ખબર છે કે જો આ વાત તને કરીસ તો ક્યારેય પણ તું મને મુસીબતમાં એકલો છોડીને નહીં જા. આજ સુધીમાં મેં ક્યારેય તારાં પર હાથ નથી ઉપાડ્યો. પણ આજે દારૂનાં નશાનું નાટક કરી તારાં પર હાથ પણ ઉપાડીશ.. તારી શંકાઓ સાચી હોવાનું પણ કબુલ કરીસ અને ઘરમાંથી બા'ર પણ કાઢી મૂકીસ. તો જ તું તારાં બાપુનાં ઘરે જઈસ. અને એ પસી હું પેલાં શેઠને પતાવવા જવાનો છું.. એની પાહે ઘણાં ગુંડાઓ ને તાકાત સે એટલે હું વધુ એની હામે ટકી તો નહીં સકું. પણ તારાં પર ખરાબ નજર નાખનારા એ શેઠને હું છોડીસ તો નહીં.. મારા છેલ્લા શ્વાસ સુધી એની હામે લડીશ...મને ખબર છે તું મને માફ કરી દઈશ.. તારો.. અને ખાલી તારો.. કાળુ.."

ચિઠ્ઠી પૂરી થતાં સુધીમાં ધની સ્તબ્ધ થઇ ગઇ.. "કાળુ.. આ તેં સું કરી નાખ્યું.. મારા પ્રેમ ખાતર...મને એક વાર વાત તો કરવી હતી" ધનીનાં આંસુઓ બંધ થવાનું નામ નહોતાં લેતાં...

અને બાપુ...!એટલે કે બાપુએ કાળુને માર્યો નથ.. તો પછી બાપુએ સુકામ પોતાને પોલીસને હવાલે કર્યાં. ધની એક પછી એક કડી જોડતી ગઇ એમ એને ઘટના ક્રમ સ્પષ્ટ થતો ગયો. તે રાતે બાપુનો ગુસ્સો જોઇ એને ડર લાગ્યો હતો એટલે એ રાતે વાડીએ ગઇ હતી. બાપુને ત્યાં ન જોતાં એને વધુ વ્હેમ ગયો એટલે બાપુનાં પગલાં દબાવતી પાછળ ગઇ હતી. બાપુને તો ના પુગી સકી પણ રસ્તામાં એક જગ્યાએ આઠ દસ માણસોનું ટોળું જોયું. થોડીક નજીક જતાં દૃશ્ય સ્પષ્ટ થયું. ત્યાં કાળુની લાશ પડી હતી અને બાજુમાં બાપુની કુહાડી.. એને ફરતે બધાં લોકો ઘેરો વળીને ઉભા હતાં. એ જોઇને ધની ખૂબ ગભરાઈ ગઇ અને દોડતી ઘરે આવી તો બાપુને ફળિયામાં સૂતેલા જોયાં.. તેણે રાહતનો શ્વાસ લીધો.. પણ બાપુ ત્યારે જાગતાં હશે અને મને જોઈને સમજ્યા હશે કે મેં કાળુને... અને મને બચાવવા બાપુએ ગુનો પોતાનાં માથે લઇ લીધો હશે..  ધની જમીન પર ફસડાઈ પડી.. "હાય રે પ્રેમ.. મારાં પ્રેમને ખાતર એકે પોતાનો જીવ ખોયો અને એક જેલમાં ગયો.. અને હું બે માંથી એકેયનાં પ્રેમ પર વિશ્વાસ ના કરી શકી. હે પ્રભુ.. આવો પ્રેમ કોઈને ના આપશો.."

ડો. આરતી રૂપાણી

24.3.19