mrugjal... books and stories free download online pdf in Gujarati

મૃગજળ...

કૃપા કરીને ધ્યાન આપો............
અમદાવાદથી વડોદરા તરફ જતી સવારી ગાડી 59550 કે જેનો નિર્ધારિત સમય 3:10 છે ..તે તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી ચાલી રહી છે. આપને થયેલ તકલીફ બદલ અમને ખેદ છે જાહેરાત સાંભળતા જ અમદાવાદ રેલવે સ્ટેશને ટ્રેનની રાહ જોતો મૃગેશ બેઠેલા બાંકડાના હેન્ડલ પર ક્રોધભરી થાપટ મારી અને તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા .. “ઓહ ..નો ...!” કપાળ પર હાથ રાખી,માથું ખંજવાળતા,રિફ્રેશ થવાના ઈરાદા સાથે તે ચાની લારી પર પહોચ્યો .ચાની લારી પાસેના બાંકડા પર બેસી પગ લાંબા કરી પોતાનું પ્રભુત્વ જમાવવાના ઇરાદાથી આંગળીથી ઈશારો કરી ,એક હાથથી પોતાના રિબનના ગોગલ્સ કાઢી કહ્યું : “હૈ ...વેઈટર ...વન . ‘ગોલ્ડન ટી ...પ્લીઝ ..” પછી તે મોબાઈલમાં મેસેજ ટૂલ્સ કાઢી તેના ઇનબોક્સમાં જઈ મેસેજ વાંચવા માંડ્યો ..થોડી વારમાં ચા આવતા ચા ના કપને હાથમાં લઈને ચૂસકી ભરવા માંડ્યો ...ત્યારે અચાનક જ પિન્ક ટોપ , બ્લૂ જીન્સ ,સ્પોર્ટ્સ સૂઝ તથા હાથમાં ‘આઈફોન ’ સજ્જ એક યુવતી હાંફળી ફાફડી દોડતી તેની પાસે આવી. તેણીએ પૂછ્યું : “ એક્સક્યુઝમી સર ...અમદાવાદથી વડોદરા તરફ જતી ટ્રેન જતી રહી કે...? મૃગેશે સ્માઈલ સાથે પ્રત્યુતર આપ્યો કે . “ એ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી છે. “ઓહ ...! થેન્ક ગોડ ...” કહી એ યુવતી એ રાહતનો શ્વાસ લીધો અને તેને પણ “વન કટિંગ ટી પ્લીઝ ...” કહી ચાનો ઓર્ડર આપ્યો .ચાની ચૂસકી લીધા બાદ તે યુવતી રેલવે પ્લેટફોર્મનાં બાંકડા પર બેસી મોબાઇલ પર તેના મિત્ર સાથે વાત કરવામાં મશગૂલ બની ગઈ .મૃગેશ ત્રાંસી નજરે એ યુવતીને જોઈ રહ્યો હતો. મોબાઇલ પર વાતચીત કરતાં તેના હાવભાવમાં પણ સૌંદર્ય છલકાતું હતું .તેના ફૂલ ગુલાબી હોઠ તથા હસતાં હસતાં ગાલ પર પડતાં ‘ખંજન’ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. આવું અનુપમ સૌંદર્ય જોઈ મૃગેશ તેના પર મોહિત થઈ ગયો .
મૃગેશને શાયરી વાંચવાનો તથા પ્રણય કાવ્યો લખવાનો પણ શોખ હતો. તેને પોતાની બેગમાંથી એક કાગળ કાઢી પોતાની મનની ઊર્મિને કલમના સહારે કાવ્ય સ્વરૂપે કંડારવાનું વિચાર્યું. એ યુવતી તેને “સ્વપ્ન પરી” જેવી જ લાગતી હતી, તેથી તેને કાવ્યની શરૂઆત પણ હે ..પ્રિયતમાં ...! શબ્દથી કરી. અને કાવ્યને નામ આપ્યું..... “મન થાય છે....”

હે પ્રિયતમા...!
તારી નાજૂક નમણી આંખોને જોઈ ...
તેમાં સદાયને માટે ખોવાઈ જવાનું મન થાય છે ...

તારા સ્નેહના વરસાદમાં મસ્ત બનીને ...
ભીંજાઈ જવાનું મન થાય છે ...

તારા તનની મહેકને શ્વાસમાં ભરીને
શ્વાસે શ્વાસે રટવાનું મન થાય છે ...

હે પ્રિયતમાં ...
તારા હાસ્યને તો હું શું બિરદાવું ...?
તારા હાસ્યને જોઈ તારા હ્રદયમાં
સ્થાન મેળવવાનું મન થાય છે ...

પોતાના કાવ્યને ખિસ્સામાં મૂકી મૃગેશે એ યુવતી તરફ મીટ માંડી...અને મનોમન વિચારવા માંડ્યો કે “તે યુવતી ટ્રેનના જે ડબ્બામાં બેસશે તેને અનુસરીને તે તેની સામેની સીટ પર બેસશે. અને ટ્રેનમાંથી ઊતરતી વખતે આ કાવ્ય તેને “ડેડીકેટ...” કરીને લખ્યું છે ..તેમ કહી “ફ્રેન્ડશીપ .....”નો પ્રસ્તાવ મૂકશે..મૃગેશ વિચારમગ્ન હતો ...ત્યાં જ સુમધુર અવાજે એનાઉન્સમેન્ટ થયું : “કૃપા કરીને ધ્યાન આપો ..અમદાવાદથી વડોદરા તરફ જતી સવારી ગાડી 59550 થોડી જ વારમાં પ્લૅટફૉર્મ નંબર – 1 પર આવી રહી છે ...અજગરના મુખ સમુ એંજિન છુક...છુક...કરતું પ્લૅટફૉર્મ નંબર 1 પર આવી પહોચ્યું . મૃગેશ પેલી યુવતીને અનુસરીને ડી – 5 ડબ્બામાં તે યુવતીની સામેની સીટ પર બેસી ગયો. એકદમ અજાણી વ્યક્તિ સાથે વાતચીત કેવી રીતે કરવી ..? શું તે હકારાત્મક જવાબ આપશે ?...કે પછી વિવિધ સ્થળે નોકરી મેળવવા માટે કરેલ અરજીને જેમ ...” એપ્લાય ...એપ્લાય ..બટ.. “નો ..રિપ્લાય ...થશે..? આવા અનેક ચિંતાના વાદળો વચ્ચે પોતાના મૂડને “રિફ્રેશ ..” કરવા માટે મોબાઈલનું મ્યુઝીક પ્લેયર ઓન કરી કોઈ “રોમેન્ટીક સોગ..” વગાડવા માંડ્યો....ગીતના શબ્દો હતા... “ તુમ જો આયે જિંદગી મેં બાત બન ગઈ ...” યુવતીને પોતાના તરફ આકર્ષિત કરવાના હેતુથી મોબાઈલમાં વાગતા ગીતના તાલે મૃગેશ આંખો બંધ કરી, ચપટી વગાડી ,પોતાના મસ્તકને ધૂનાવીને જાણે કોઈ ગાયકની અદાથી સંગીતને “ફિલ .” કરતો હોય, સંગીતના સૂરની વીણાથી જાણે તેના હ્રદયરૂપી તાર ઝ˙કૃત થતાં હોય તેવું દર્શાવવા લાગ્યો. આ રોમેન્ટીક સોંગ સામે બેઠેલી યુવતીને પણ ગમવા લાગ્યું . તે પણ મનોમન હોઠ ફફડવા લાગી હતી ..ગીત પૂર્ણ થતાં જ તે યુવતીએ કહ્યું : “એક્સક્યુઝમી....પ્લીઝ ..મને આ સોંગ્સ બ્લુટૂથ સેન્ડ કરશો ...? ગઈકાલે જ મારું ઈન્ટરનેટ પેક સમાપ્ત થયું છે. એટલે સોંગ ડાઉનલોડ થાય એવું નથી ...” “ એકચ્યુલી ....આઈ ...લાઈક ધીસ ટાઇપ ઑફ ..સૂફી સોંગ્સ વેરી મચ...” “ એન્ડ આઈ લાઈક યૂ ..વેરી મચ ...” મૃગેશે ધીમા દબાતા સ્વરે કહ્યું .. સામેથી પ્રત્યુતર મળ્યો .. “કઈક ...કહ્યું તમે...?” મૃગેશે કહ્યું... “ ઈટ્સ ..માય ...પ્લીઝર ..ટુ .શેર અ સોંગ વીથ યૂ..” “ઑ..કે” હું સેન્ડ કરું છુ ...આપ “રિસીવ ..” કરો.. સર્ચ ઓકે થતાં ડિવાઇસ નેમ .. “મીના ...” બતાવતું હતું ..મૃગેશે ક્રોસ વેરિફિકેશન કરતાં કહ્યું કે , “ યોર ...ડિવાઇસ નેઈમ ઇઝ મીના ...” આઈ થિંક ધેટ્સ યોર ગૂડ નેઈમ..” મીનાએ સ્માઈલ સાથે કહ્યું ... “ યા....” મૃગેશનાં મનમાં મનોમન લડ્ડુ ફૂટવા લાગ્યા... “ કોઈ મેરો બિયાહ ઈસ છોરી સે કરવાઓ ...માં કસમ...! ઈસ મીનાકુમારી કે લિયે તો મેં સિને મેં છે ...છે... ગોલી ખાને કો ભી તૈયાર હૂં....” મૃગેશ મીનાને કોઈ પ્રશ્ન પૂછે ને પરિચય કેળવે તે પહેલા જ “ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા ...” ઈનકમીંગ કોલની રિંગટોન મીનાના મોબાઇલમાં રણકી ઉઠી . મીનાએ કોલ રિસીવ કરતાં કહ્યું કે, “ તે ટ્રેનમાં છે અને આણંદ સુધી પહોંચી છે ..” સામેના પ્રત્યુતર મુજબ મીનાનાં બીજા ફ્રેન્ડ્સ આણંદ ભેગા થઈને સાંજે એક “સરપ્રાઇસ પાર્ટી ....” કરવાનાં હતા . “ઓહ .. સરપ્રાઇસ પાર્ટી.” “વાવ..ધેટ્સ ગ્રેટ ...! મીનાની વાત ચાલુ હતી અને સ્ટેશન આવી ગયું . મીના તેની જગ્યા પરથી ઊભી થઈને ઉતરવા જઈ રહી હતી. મૃગેશનાં મોબાઇલમાં “સેન્ડ ડેટા કમ્પલેટ...” બતાવતું હતું....પણ તેનાં મનમાં ... “ફર્સ્ટ ...સાઇટ ઑફ ...લવ .... “ઈનકમ્પલેટ......” મીનાને પેલું કાવ્ય આપવા માટે ખિસ્સામાં હાથ નાખી હાથ લાંબો કર્યો ...પણ મીનાને ઉતરવાની ઉતાવળ હોઈ તે કાંઈ કહી ન શક્યો ...અને મૂર્તિની જેમ “મૂકપ્રેક્ષક ....” બની રહ્યો ...મીનાને તેના મનની વાત કહી ન શકવાનો વસવસો તેનાં દિલમાં રહી ગયો..તેને અગાઉ રચેલ કાવ્યનાં અંતે પંક્તિઓ ઉમેરી.. હે ..પ્રિયતમાં .......
આ જન્મમાં તો આપણે ઓછા મળ્યાં ............. પણ.........
આવતા જન્મો જન્મ તારો સાથ મેળવવાનું મન થાય છે .......
આજે પણ મૃગેશ જ્યારે રેલવે સ્ટેશન જાય છે ત્યારે ચાતક નજરે તેની “ડ્રીમ ગર્લ” મીનાને શોધે છે. સાથે ખિસ્સામાં પેલું કાવ્ય એક આશાભરી મીટ સાથે રાખે છે ... “કાશ ...તેને મીના મળી જાય ...? કાવ્યમાંનાં શબ્દો અવારનવાર વાંચતાં મૃગેશને મીનાની ખૂબસૂરતીનું “ફ્લેશબૅક....” સુપેરે થઈ જાય છે..મીનાને પામી ન શકવાનો વિરહ મૃગેશના હ્રદયને કોરી ખાય છે ...મૃગેશનાં તરસ્યા નયનો “મૃગજળ....” સમા મીનાના નયનોને શોધી રહ્યા છે....
કોલેજ કેમ્પસમાં જ્યારે , “લવ ....એટ ...ફર્સ્ટ ..સાઇટ ...”ની વાત નીકળે છે ...ત્યારે મૃગેશ ઝૂકેલી નજરે “મૌન ....” સેવે છે ...તેનાં મિત્રોને તે કેવી રીતે સમજાવે કે તેનાં “ લવ ....એટ ...ફર્સ્ટ સાઇટ ...ની “લવ સ્ટોરી....” શરૂ તથા પહેલા જ “ધી ...એન્ડ ..” થઈ ગઈ હતી .......|

- ‘કલ્પતરુ’