Veer Vatsala - 3 books and stories free download online pdf in Gujarati

વીર વત્સલા - 3

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 3

સાંજ પડતાં પહેલાં તો ચંદ્રપુરના પાદરે જુવાનિયા ભેગા થવા લાગ્યા. આજે તો ઘરડાઓ પણ ખાસા હતા. વાતાવરણમાં ઉશ્કેરાટ હતો. અમુકને માટે આ ફરમાન રોજગારીની નવી તક બનીને આવ્યું, તો અમુકને માટે આ બસ એક તમાશો હતો. લડાઈની રમ્યકથાઓ અને અફવાઓ તો આમેય રોચક હોય.

એક જવાનિયો તો પોતાની બેનાળી લઈને દોડી આવ્યો.

વીરસિંહે હસીને એની બેનાળી હાથમાં લીધી, એની કળ દાબી વચ્ચેથી વાળીને એની રચના જોતાં બોલ્યો, “આ નો હાલે ન્યાં! આની કળમાં તું તેલ પૂરે, આને તું કપાસથી સાફ કરે, એની નાળમાં ફૂંક મારે. એમાં પોટાશ ભરે અને ચાંપ દબાવે ન્યાં લગ તો લડાઈ પૂરી થઈ જાય!”

તો? તારી બેનાળી કંઈ વિલાયતી છે?”

“નથી, પણ આપણને કંપનીબહાદુર હથિયાર આપશે! જેનું નિશાન સારું એને મોંઘુ હથિયાર!” વીરસિંહ સામે પાર ક્યાંક નિશાન તાકતા બોલ્યો.

ગપુ ઘાંયજો બોલ્યો, “નવરીનાઓ, તમને હથિયાર નો આલે, તમારે દેશીઓએ તો ખોખાં ઊંચકવાનાં, હમાલી કરવા જાઓ છો! સમજ્યા? ખાવાપીવાનો સામાન પહોંચાડવાનો!”

“પીવાનો સામાન!” એકાદ જવાનને એમાંય આશા દેખાઈ!

મૂછને તાવ દેતો વીરસિંહ બોલ્યો, “જે વીર હોય ઈ હમાલી નો કરે, હથિયારો ઈને ગોતતાં આવે!”

ગપુ ઘાંયજો બોલ્યો, “હાચી વાત, દશમનની ગોળિયું તમને ગોતતી આવહે. કંઈ ખબર છે? ઈ મોટી લડાઈમાં દેશી સૈનિકોને આગળ આગળ રાખીને ગોરિયાઉ પાછળ પાછળ રેહે. પણ શહીદ થાવાનો ખાનદાની શોખ હોય ઈને કોણ રોકે?

મંગુભાઈ માસ્તર કહેવા લાગ્યા, “ઈંગ્લાંડમાં રાજાએ હકમ કીધો છ કે એમના તાબાના જેટલા મોટા દેશ છે, ઈ દરેકમાંથી સિપાહી બોલાવો. એકલા ભારતમાંથી પાંચ લાખ નવા રંગરૂટ મોકલવાના છે!

અને પછી મંગુ માસ્તરની અંદરનો બારોટ જાગી ઊઠ્યો અમે એણે એક કવિતડું જોડી કાઢ્યું.

ચાખડી છોડો, પહેરો બૂટ, નામ લખાવો

પોતડી છોડો, પહેરો સૂટ, નામ લખાવો

રોટલો મૂકી, ખાવ બિસ્કુટ, નામ લખાવો

છોડો ગરીબી, લ્યો સેલ્યુટ, નામ લખાવો

ધીરેધીરે સહુને પોતાની સમજશક્તિ અનુસાર સમજ પડવા માંડી. વીરસિંહનો મિત્ર ચંદનસિંહ બોલ્યો, “ઓહ, એટલે ઓલા અંગરેજ એજન્ટે સૂરજબાપુ પાસે ફરમાન કઢાવ્યું.”

“ફરમાન તો કાઢ્યું, પણ સૂરજબાપુ અવઢવમાં હતા..!” દરબારથી હમણાં જ આવેલા મુખીએ કહ્યું.

“એમાં શેની અવઢવ? જેનામાં બહાદુરી હોય ઈ જાય, જે બાયલા હોય ઈ ખોરડે બેહી રિયે!” વીરસિંહે કહ્યું.

સરપંચ બોલ્યા, “કંપનીના એજંટે સૂરજબાપુને પાંચ હજાર સિપાહી જોઈશે એવો રુક્કો મોકલ્યો છે. હવે બન્ને ગામના ભાયડા મળીને માંડ આઠ નવ હજાર હશે. એટલે એમની ઈચ્છા પૂરી કરવાની હોય તો આજે નહીં તો કાલે, બાલુડાં, ગલઢેરાં અને બિમારોને છોડીને બધાને ફરજિયાત મોકલવાના થાય!”

મંડળીમાં ગણગણાટ વ્યાપી ગયો. અમુક જુવાનિયાઓ ખાંસી ખાવા લાગ્યા, અમુકને ઝીણો તાવ હોય એમ ફાળિયાની પછેડી બનાવી ઓઢવા લાગ્યા. જે લોકો છેલ્લા દસ વરસથી ચાલીહ વરહનો છું’, એમ કહેતા, એમણે પોતાની પંચાવનની સાચી ઉંમર જાહેર કરી.

હળવાશની, મજાકમસ્તીની પળો પછી સરપંચે કહ્યું, “સૂરજબાપુના મોટા કુંવર દિલીપસિંહ કિયે છ, અંગરેજુંની લડાઈ ઓલા જરમનિયાઉ સાથે હોય, એમાં આપણે હિન્દુસ્તાની શું કામ મરી ખપીએ? અને વહેલા મોડા આપણે અંગરેજોની સામે ફરીવાર તાકાત એકઠી કરીને આઝાદી માટે લડવાનું છે, સત્તાવન જેવો બળવો કરવાનો છે, ત્યારે એમને આ જુધમાં સાથ આપવાનો શું મતલબ?

એક વૃદ્ધ બોલ્યો, “દિલીપસિંહબાપુની વાત સોળ આની સાચી, પણ લડાઈમાં આપણાથી અંગ્રેજોને ન પૂગાય! ન્યાં એક રાજા, એક ગવંડર, આપણે ન્યાં છસો રજવાડાં!”

મંગુ માસ્તરે વળી નવી વાત કાઢી, “અરે! હવે રજવાડા નંઈ લડે, હવે લડાઈની રીત બદલાવાની! હવે પરજા લડશે. ન્યાં ડરબન આફ્રિકામાં આપણા કાઠિયાવાડી મોહનદાસે વગર હથિયારે ગોરાઓને ઝુકાવ્યા! કેછે કે ઓણસાલ એ હિંદ આવવાના છે.”

ગપુ ઘાંયજો એની સમજ પ્રમાણે બોલ્યો, “હથિયાર વગર લડવાનું? મુક્કામુક્કી? લાતમલાત?”

ચંદનસિંહ હસ્યો, “જા ગપુ, દુકાને જા, અને ઘરાકની વત્તાં કર! તને હમજ નો પડે!” જો કે હથિયાર વગર કેવી રીતે લડાય એની સમજ તો એનેય નહોતી પડી!

સરપંચ બોલ્યા, “એ મોહનદાસ દલીપસિંહ બાપુને કાગળું લખે છે! રાજકોટમાંય હંગાથે ભણેલા! અને ઈંગ્લાંડમાં હંગાથે ભણતાં ત્યારે પણ દલીપસિંહ મોહનદાસની સલાહ લેતા!”

ગપુ ઘાંયજો બોલ્યો, “ઓહ, લે કર વાત! ઈ મોહનદાસ આપણા મોટા કુંવરનોય મોટો બાપુ છે પાછો? ઈ કિયે છ હું દલપશીંને?”

સરપંચે કહ્યું, “મોહનદાસ કિયે છ કે મોટી લડાઈમાં ઘવાયેલાની સારવાર કરવા જવાય. કોઈ દિ લડવા નો જવાય!” બધા હસી પડ્યા!

ચંદનસિંહ બોલ્યો, “ને નાના કુંવર દુર્જેયસિંહ શું કિયે છ?”

એક વૃદ્ધ બોલ્યો, “ઈ તો અફીણનો નશો ઉતરે પછી કાંઈ બોલે ને!”

સરપંચે કહ્યું, “કંપની એજંટે નાના કુંવર દુર્જેયસિંહને લલચાવવા હાટુ કીધું છે કે જો દિલિપસિંહની ઉપરવટ જઈ, ઈ કંપનીબહાદુરને સૈનિકો મોકલે તો જ્યારે સૂરજબાપુ પાછા થાય પછી કંપની એને જ સૂરજગઢનો વારસ નીમે!”

વૃદ્ધ બોલ્યો, “હોતું હશે? રજવાડાની રસમ છે, નાનો કુંવર કોઈ દિ ગઢનો વારસ નો થાય!”

“અને ઈ દુર્જેયસિંહ વળી પાછો મોટા કુંવર દલિપસિંહ જેવો રૈયતનું રૂડું કરે એવો નથ. ભૂંડુ કરે એવો છ!”

“પણ ટીડા જોશીએ તો છાતી ઠોકીને નાના કુંવરને કીધું છ, કેગ્રહોની ચાલ કિયે છ કિ તમે ગાદીએ બેહવાના!ટીડો જોશી ખોટો નો પડે, બોલ લાગી શરત?

સૂરજગઢની રાજખટપટના પારાયણથી કંટાળી વીરસિંહે ચંદનસિંહને ઈશારો કર્યો, બન્ને ગોઠિયાઓ ઘોડો લઈને વગડાની દિશામાં નીકળી ગયા.

*

ટીલા પર કૂકરી રમતી વત્સલા અને વીણામાંથી વીણાને પહેલા ઘોડાની ટાપ સંભળાઈ.

એણે વત્સલાનું ધ્યાન દોર્યું. વત્સલાએ એ દિશામાં કાન દઈ કહ્યું, “વીરસિંહ આવે છે, અને સાથે.. ચંદનસિંહ છે!”

ચંદનસિંહનું નામ સાંભળી વીણા લજ્જાથી રતુંબડી થઈ. છતાં બનાવટી છણકો કરી બોલી, “અટાણે નવરા થઈ ગ્યા! મલકમાં જુદ્ધની રણભેરી વાગે છ, અને આ જવાનિયા છોકરિયુંને મળવા નીકળ્યા!”

વીણા વત્સલાની નજીક રહેતા ખવાસની દીકરી. અને ચંદનસિંહ ગરાસિયો. પણ વીરસિંહ અને વત્સલાને સાથ આપતાં આપતાં ચંદનસિંહ અને વીણાની પણ આંખ મળી ગઈ હતી.

કૂકરીની રમત સમેટાઈ ગઈ. બન્ને છોકરીઓ ખીજડાની ઝાડ નીચેના પથ્થર પર ચડીને પોતાની ચાર હાથની ઉંચાઈને સાડા ચાર હાથની કરવા મથી રહી, પણ એમના મનના માણીગરના દર્શન ન થયા!

વત્સલા બોલી, “આ જવાનિયાઉ બહુ બાવરા! દિવસમાં બીજીવાર મળવા આવ્યા!”

વીણા બોલી, “અરે, વ્હાલી! અટાણે મળી લો સાહ્યબાને! એકવાર જંગમાં જવા હાલી નીકળહે ને, તો બે વરહેય પાછા નહીં આવે!”

વત્સલા બોલી, “પણ ત્યાં તુરક કે જરમન મલક જઈને લડવાની આપણે શી જરૂર? સિપાહી છો તો રક્ષા કરો ને માભોમની! એમાં બેમત નહીં. પણ કોઈ માલવપુર કે સૂરજગઢની ઓલીપાથી હુમલો કરે, તો લડો! ખપી જાઓ! પણ ઘરબાર છોડીને છેક સમદરપાર..”

વીણા બોલી, “આપણને બાઈયુંને ઘરબારમાં જ હમજ પડે ને ઈ ભાઈડાયુંને આખી દુનિયાની ખબર પડે!”

વત્સલા બોલી, “હા, આપણે રમતું આ કૂકરી જેવી, એનો નીમ એ કે એમાં બે પગથી છૂટથી દોડાય નહીં, એક પગે લંગડી કરવાની, ચોકઠાની બહાર જવાય નહીં, અને આખરે નવા ચોકઠામાં પગ મૂકવા જગ્યા નોં મળે તો પોતાના ચોકઠે પાછા આવવાનું..”

“ને આ મરદોના પગ તો ઠરે નહીં, એ તો ઘોડાની પાંખે ઊડે!” વીણાએ વત્સલાની વાતમાં સૂર પુરાવ્યો.

બે સખીઓ આમ રાહ જોવાની ઘડીઓ પસાર કરી રહી. સામે કાંઠે કૃષ્ણમંદિરમાં આરતી ટાણાંની ઝાલર વાગી. બન્ને સખીઓએ રાહ જોવાની આ ઘડીઓ, ઘડીઓ જ રહે, વરસો ન બની જાય એવી આરત હવામાં વહેતી મૂકી અને એ હવાથી શિવમંદિરની ધજા સહેજ ફરફરી.

*

ઢળતી સાંજના રંગો ઘેરા લાલમાંથી કાળા થયા ત્યાં સુધી ચાલેલી આ મુલાકાત હંમેશ જેવી રમ્ય ન રહી.

ગયા વરસે હોળીના મેળામાં મળેલાં ચાર હૈયાંમાંથી બે હૈયાં, વીરસિંહ અને ચંદનસિંહ અમસ્તાય આવતી કાલે લશ્કર ભરતીના મેળામાં જવા થનગની રહ્યા હતા. સિપાહીનું લોહી બીજી રીતે વિચારી શકે એમ ન હતું. ઉપરથી, બન્નેના પરિવારની જરૂરિયાત હતી યુદ્ધ પછી મળનારી ચાર કે આઠ વીઘા જમીન! બન્નેનું લોહી અને પેટ એક જ ભાષા બોલતું હતું. એમનો ફેંસલો અફર હતો. બાકીના બે સ્ત્રી-હૈયાંમાં દસ મહિનાથી અખંડ જલી રહેલી પ્રેમનાં દીવડાંની જ્યોત અંતરના એક ખૂણે થરથર કંપી રહી હતી.

*

કુદરતે એ રાત નિદ્રા માટે નહોતી સર્જી. દરબારના શયનકક્ષમાં સૂરજબાપુનો શ્વાસ રૂંધાતાં એ બારી ખોલીને આકાશમાં તારાઓની લિપિ તાગતા રહ્યા. મોટા કુંવર દિલીપસિંહ રાજધર્મ વિશે વિચારતાં પડખાં ઘસતાં રહ્યા. એમના રાણી તેજલબા જાગીને એમના માથે ઘી ઘસતાં રહ્યાં. નાચની મહેફિલ પતાવી ત્યાં જ પોઢેલા નાના કુંવર દુર્જેયસિંહને આજે અફીણનો નશો નહોતો ચઢતો. બ્રીટીશ એજંટે બતાવેલી સત્તાનો ચઢિયાતો નશો બે જ ડગલાં દૂર લાગતો હતો. પણ એમ કરવા માટે એક ડગલું પિતાની છાતી પર અને બીજું મોટા ભાઈની છાતી પર મૂકવું પડે.

નદીની આ પાર ખાટલી પર સૂતેલા માણેકબાપુ વ્યાજનો નવો હપ્તો ક્યાંથી આવશે, એની ચિંતામાં હતા. શાહુકારે તો આજે જ કહી દીધું હતું, “અરે વડીલ! આ ઘરેણું શું કામ આપો છો? એના કરતાં આ જમીન મારે નામે કરી દો અને શોધી લો બીજું કોઈ મંદિર!”

માણેકબાપુને ધ્રાસકો પડતો હતો, આજે જે વાત સૂચન તરીકે આવી, એ કાલે મજબૂરી બનીને તો નહીં આવે ને?

અંદર પથારી પર વત્સલા વીરસિંહના વિચારોને ગળે અને હૈયે ઉતારવાની કોશીશ કરી રહી હતી. પસંદ કરેલી વ્યક્તિના વાંકડિયા વાળ તો છબીલા જ લાગે પણ એના વિચારો વાંકડિયા ન લાગે એ માટે પોતાના મન સાથે લડી રહી રહી હતી.

સો હાથ દૂર વીણા વિચારી રહી હતી, “નદીના વહેળામાં વત્સલાએ તો બસ વીરસિંહના હાથમાં હાથ જ મૂક્યો હતો. માણેકબાપુના એવા સંસ્કાર! ...તે એની દીકરીએ પોતાની લાગણીઓને અંકુશમાં રાખી. પણ મારું હૈયુ હાથમાં ન રહ્યું. વીર અને વત્સલા એ બન્ને તો મીઠી મીઠી વાતોથી સમય પસાર કરતાં. પણ હું મૂઈ ખવાસ અને અભણ. ને ચંદનસિંહ પણ ઓછાબોલો, વાત શું કરીએ? એકબીજાના દેહની જ ભાષા સમજ્યા.” એ રમ્ય ક્ષણો યાદ આવતાં જ એના પેટમાં ફાળ પડી કે એક તરફ ચંદનસિંહ જુદ્ધે જશે અને બીજી તરફ આ પેટ..

***