Maa ni Munjvan - 15 - Last books and stories free download online pdf in Gujarati

માઁ ની મુંજવણ - ૧૫ અંતિમ ભાગ

આપણે જોયું કે શિવને આંચકી આવવાના કારણે શિવની આંખનું વિઝન જતું રહ્યું હતું, ડૉક્ટરએ કીધું કે "શિવ ફરી જોઈ શકે એવા ચાન્સ છે પણ ક્યારે જોતો થશે એ કહેવું મુશ્કિલ છે." હવે આગળ....

જિંદગી મારી એક પરીક્ષા સમાન બનતી ગઈ છે;
એક ઉકેલાય ત્યાં બીજા અનેક પ્રશ્ન લઈને ઉભી છે!

તૃપ્તિ, આસિત અને શિવ ખુબ ખરાબ સમય માંથી પસાર થઈ રહ્યા હતા. ત્રણેયની પીડા અસહ્ય હતી, છતાં એ ભોગવવાની જ હતી. તૃપ્તિ શિવની આ સ્થિતિ જોઈ શક્તિ નહોતી એ ખુબ રડતી હતી. હોસ્પિટલની નર્સ એને હિમ્મત રાખવા માટે ખુબ સાંત્વના આપતી હતી. એમાં એક દિવસ શિવ જાજરૂ ગયો ત્યારે એને સાફ કરી એનાથી શિવનો હાથ મુકાઈ ગયો, રોજની ટેવ મુજબ એ વોશરૂમ ધોવામાં લાગી ગઈ, ક્ષણિક એ ભૂલી ગઈ કે શિવ હવે જોઈ શકતો નથી, એને જેવું યાદ આવ્યું કે શિવ કેમ જાતે બહાર જશે? એ વિચારી શિવને પકડવા જતી હતી ત્યાં જ શિવ પડી જાય છે. આજ શિવને જે પછડાટ લાગી એનો એક ઘા તૃપ્તિના હૃદય પર પણ પડ્યો હતો. એ પોતાના પર ખુબ ગુસ્સે થઈ હતી કે મારાથી આવી ભૂલ કેમ થઈ? મારા કારણે શિવને આજ વાગ્યું, વધુ કઈ થયું હોત તો?? આવા બધા વિચારોમાં એ પોતાની જાત પર ખુબ ગુસ્સે થાય છે અને બહુ જ રડે છે. આ બનાવ બાદ એ શિવને જરા વાર માટે પણ એકલો મુકતી નહોતી. ખુબ સંભાળ રાખતી હતી, એમ કહો કે શિવની એ પોતે જ આંખ બની ગઈ હતી...

આસિત ની સ્થિતિ તો વધુ ચિંતા જનક હતી, ક્યારે ક્યાં રિપોર્ટ્સ કરવાના એ કઈ જ નક્કી રહેતું નહોતું, ફક્ત દીકરાની ચિંતા જ નહીં પણ રૂપિયાની વ્યવસ્થા પણ એને જોવાની રહેતી હતી. રૂપિયા પાણીની જેમ કોઈ જ આશા વગર એ ખર્ચાઈ રહ્યા હતા, છતાં એ પિતાને ગમે તે કિંમતે પોતાના દીકરાને બસ સાજો કરવો એજ ધ્યેય હતો. ગમે તેમ કરીને એને આજ દિવસ સુધી રૂપિયા માટે થઈને કોઈ જ કામ અટકવા દીધું નહોતું. જેમ તેમ કરીને કસોટીના દિવસો જઈ રહ્યા હતા. શિવને માટે જ તૃપ્તિ અને આસિત જીવી રહ્યા હતા. બંનેની હિમ્મત હજુ પેલા જેટલી જ હતી પણ દર્દની રેખા એમના ચહેરા પર ઉપસી આવી હતી. હોસ્પિટલનો સ્ટાફ પણ આ ત્રણેયની એકબીજા માટેની હૂંફ જોઈને ખુબ વખાણ કરતો હતો, કારણ કે એમને તો હોસ્પિટલમાં પણ રૂપિયા માટે અંદરોઅંદર ઘણાને લડતા જોયા હતા. આથી તૃપ્તિના પરિવારની એકબીજાની સજદારીથી બધા ખુબ પ્રભાવિત હતા કેમ કે આ કોઈ એક કે બે દિવસોની વાત નહોતી ખુબ લાંબો સમય આવી જ સ્થિતિમાંથી પાર કરવાનો હતો છતાં બધા એકબીજાને હૂફરૂપ હતા.

દિનાંક :૨૫/૬/૨૦૧૪

આજ રોજ ફરી એકવાર શિવએ ઝીંદગીને જીતી હતી. ફક્ત ૧૫ જ દિવસમાં શિવનું વિઝન પાછું આવી ગયું હતું, એ પેલાની જેમ બધું જ જોઈ શકતો હતો. ફરી બધા ખુબ ખુશ થઈ ગયા હતા.

ખુશીનો સમય ઝડપી વીતવા લાગ્યો એવામાં ફરી એક સમયની જોરદાર પછડાટ શિવને હરાવવા લાગી હતી, શિવને ખુબ તાવ આવી રહ્યો હતો. શિવને અતિશય તાવ એટલે એના જીવને જોખમ! ડૉક્ટરએ બધા જ રિપોર્ટ્સ કરાવ્યા હતા પણ એ બધા જ રિપોર્ટ્સ નોર્મલ હતા. કોઈ જ તાવનું કારણ પકડાતું નહોતું. ડૉક્ટરએ શિવના જીવને હવે જોખમ છે એ ચેતવણી તૃપ્તિના પરિવારને આપી દીધી હતી. શિવ સાથે કઇ પણ થઈ શકે છે, એ હવે કદાચ આ સ્થિતિમાંથી બહાર... આટલું ડૉક્ટર બોલે છે અને તૃપ્તિ ખુબ રડવા લાગે છે એ આગળની સ્થિતિનું અનુમાન લગાવી ચુકી હતી. એની આંખમાંથી અનાધાર આંસુ વહી રહ્યા હતા. ખુબ રડી રહી હતી, એ આજ પોતાની જાતને સાચવવા અસમર્થ હતી. એક નર્સ એને કહે છે, "તમે અહીં પૂનામાં એક ગણપતિજી નું મંદિર છે, એનું નામ 'દગડુશેઠ' છે, ત્યાં જાવને પ્રાર્થના કરો શિવને સારૂ થઈ જશે જ." તૃપ્તિને પણ થયું કે દવા સાથે દુવા જરૂર અસર કરશે જ.. એ આસિત પાસે જઈને વાત કરે છે કે હું મંદિર જાવ છું, આસિત પણ એક માઁ ની લાચારી સમજી એને કહે છે કે હું શિવ પાસે છું તું ચિંતા કર્યાં વગર જા.

તૃપ્તિ મંદિર પહોંચી ગઈ હતી. એ ભગવાન સામે બેસીને મનોમન ખુબ બોલે છે," હે ભગવાન આજ દિવસ સુધી તમે જે અમારી કસોટી કરી એ બધી મેં વગર કોઈ પ્રશ્ને પાર કરી પણ આજ હું તમને પૂછું છું કે મારા દીકરાનો શો વાંક છે? તમારે શિવને ઠીક કરવો જ પડશે. નહીતો તમારા પર હવે વિશ્વાસ નહીં રહે. મારુ મન પીગળી જાય છે તો તમે કેમ પથ્થર થઈ ને જોવ છો. હું મારા બાળકના સુખી જીવનની ભીખ માંગુ છું એ આપીદો મારે જીવનમાં બીજું કંઈજ જોતું નથી." તૃપ્તિ બહુ જ રડી રહી હતી, આંખ બંધ હતી પણ આંસુ સરી રહ્યા હતા. બહુ વાર એ આમને આમ મંદિરમાં બેસી રહી ને પોતાનું દર્દ પ્રભુને જણાવતી હતી. મંદિરના પૂજારી એને જોઈ રહ્યા હતા, જેવી તૃપ્તિ આંખ ખોલી ત્યાં પ્રસાદ લેવા ગઈ કે પુજારીએ તેને પૂછ્યું કે બેટા શું થયું છે મને જણાવીશ? તૃપ્તિએ ભારી હૃદયે બધી વાત કરી એને કીધું કે એનો શિવ કેમ જીવન મરણ વચ્ચે જોલા ખાય છે. પુજારીને પણ તૃપ્તિની હાલત જોઈને દયા આવી ગઈ એમણે તૃપ્તિને દગડુશેઠને ધરાવેલ પૂજાનું પાણી તૃપ્તિને આપીને કીધું કે, "આ પાણી તમારા દીકરાને પીવડાવજો એને જરૂર સારું થઈ જશે." તૃપ્તિ એક આશા બાંધીને મંદિરથી હોસ્પિટલ આવે છે. ભગવાન ઉપર બધું છોડી દીધું હતું. ભગવાને તૃપ્તિની આસ્થાને ખરી સાબિત કરી હતી, શિવને તાવ ઉતારવા લાગ્યો હતો. સમય જતા એની તબિયત સુધારવા લાગી હતી. હેલ્થ સારી થયા બાદ તૃપ્તિ શિવને લઈને ફરી દગડુશેઠ મંદિરે દર્શન કરવા ગઈ હતી. આજ તૃપ્તિએ ભગવાન નો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

શિવની એકન્દરે તબિયત સારી રહેતી હતી. થોડા ઘણા ઉતારચડાવ થતા પણ એના જીવને જોખમ નહોતું. હવે એ ઘણો નોર્મલ હતો. એક કેથેટરનું દર અઠવાડિયે ડ્રેસિંગ એને ખુબ પીડા આપતું હતું. હજુ એ ઘણા મહિના સહન કરવાનું હતું. આપણા શિવે ૧ વર્ષ સુધી એ કેથેટરની ડ્રેસિંગની પીડા સહન કરી હતી.

એક બનાવ મને યાદ આવે છે.. શિવને જયારે કેથેટરના ડ્રેસીંગ માટે હોસ્પિટલ લઇ જવાનો હોય ત્યારે એ મહા મહેનતે હોસ્પિટલ લાવી શકાતો હતો, એ ડ્રેસિંગ જયારે થતું ત્યારે એની ટેપ ખેંચે અને બીજી બધી લીકવીડ દવાથી સાફ કરતા ત્યારે એને બહુ બળતું હતું આથી એ જયારે ડ્રેસિંગનું નામ આવે ત્યારે રોતો અને ડરતો પણ ખરો. એક વખત એ જીદે ચડ્યો કે આજ હું હોસ્પિટલ નહીં જ આવું, તમે મને જૂઠું બોલીને હોસ્પિટલ ડ્રેસિંગ કરાવવા લઇ જાવ છો. આથી આ વખતે તૃપ્તિએ નવું જૂઠું બહાનું કર્યું, એને શિવને કીધું કે આજ તારા ફેવરિટ સિસ્ટરનો જન્મદિવસ છે આથી ત્યાં સેલિબ્રેશન છે માટે આજ ત્યાં જવાનું છે. છતાં શિવને અંદાજ તો હતો જ કે મમ્મી જૂઠું બોલે છે પણ સેલિબ્રેશનનું નામ સાંભળી એ હોસ્પિટલ જાય છે. ત્યાં પહોચીને ખબર પડે છે કે એ સિસ્ટર એની ડ્યુટી પુરી કરી હમણાં જ ગયા, તૃપ્તિએ બીજા સિસ્ટરને સાઈડમાં લઈને કીધું કે મેં શિવને આવું જૂઠું કીધું છે, શિવ આમ તો બધા જ સ્ટાફનો લાડકો થઈ ગયો હતો છતાં જે સિસ્ટર માટે એ આવ્યો એ સિસ્ટરને પણ શિવ ખુબ વહાલો લાગતો હતો. એ સિસ્ટર ફરી ડ્યુટી પર આવ્યા અને એક બોક્સને પેક કરી અને જન્મદિવસની શુભેચ્છા આખા સ્ટાફે આપી હતી. આમ એક નાનું એવું હાસ્યાસ્પદ નાટક હોસ્પિટલમાં ખાસ શિવ માટે થયું હતું. વળી, શિવે પ્રશ્ન કર્યો કે કેક કેમ ખોલતા નહિ? ત્યારે બધા મનમાં હસતા હતા, તૃપ્તિએ બહુ જ નિખાલસતાથી ફરી એક જૂઠું કીધું કે તને કેકની ઇન્ફેકશન ન લાગે માટે કેક ખોલી નહીં. ત્યારબાદ શિવને ડ્રેસિંગ પણ કર્યું અને એક બોટલ ચડાવવાની હતી એ પણ ચડાવી હતી. જયારે જયારે એ સિસ્ટર જોડે બનેલ બનાવ યાદ આવે ત્યારે બધા ખુબ હસતા હોય છે. આમ હોસ્પિટલની ઘણી એવી યાદો પણ છે જે હસાવી જાય છે અને અમુક એવી યાદો છે જે શરીરને કંપાવી પણ જાય છે.

દિનાંક : ૨૬/૧૨/૨૦૧૪

આજ રોજ તૃપ્તિ, શિવ અને આસિત ફરી પોતાના ગુજરાત અમદાવાદ આવવા નીકળે છે. હવે હંમેશ માટે પુનાથી ગુજરાત આવી જાય છે. પુના શિવની જે પણ ટ્રીટમેન્ટ કરવાની હતી એ બધી જ પુરી થઈ ગઈ હતી. હવે જે પણ ટ્રીટમેન્ટ કરવાની થાય એ અમદાવાદ થઈ શકે આથી તૃપ્તિ ગુજરાતમાં અમદાવાદ રહેવા આવી હતી. પુના જે પણ શિવની ટ્રીટમેન્ટ થઈ એ બધી જ ટ્રીટમેન્ટ નો ખર્ચ ૨૭ લાખનો થયો હતો. એ સિવાય રૂમ, જમવાનો અને બીજા નાનામોટા બધા ખર્ચ સહીત કુલ ૪૫ લાખનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. શિવ ૧૬/૧૭ વર્ષનો થાય ત્યાં સુધી ઇમ્યુનીટી ની દર મહિને એક બોટલ ચડાવવાની અને આંચકીની દવા ચાલુ રહેશે એમ ડૉક્ટર એ કીધું હતું. બાકી બીજા દવામાં ફેરફાર ટાઈમ જતા રિપોર્ટ્સ મુજબ ખબર પડશે એમ જણાવવામાં આવ્યું હતું.

અમદાવાદ તૃપ્તિનો ભાઈ રહેતો હતો, આથી તૃપ્તિએ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું હતું. થોડા દિવસો બાદ તૃપ્તિએ કોલ કરી જણાવ્યું હતું કે એ મારે ઘેર મળવા માટે આવે છે. અમદાવાદ આવ્યા બાદ તૃપ્તિ સૌ પહેલા જો કોઈના ઘરે ગઈ હોય તો એ મારે ઘરે આવી હતી. સવારથી સાંજ હું અને તૃપ્તિ સાથે રહ્યા હતા. બહુ સમય બાદ અમે બંને સખી ભેગી થઈ હતી, આથી એક દિવસથી અમારા બંનેના મનને સંતોષ થયો નહોતો પણ શિવને હજુ ઘણી દેખભાળથી રાખવાનો હોવાથી એને રાત્રે એના ઘરે જવું જરૂરી જ હતું. અમે બંને એ ખુબ વાતો કરી હતી. એકબીજાની મસ્તી તોફાન બધું પેલા જેવું જ હતું.

કેટલા જીલ્યા દુઃખ બાદ આ ખુશી પામી છું,
કેટલી વેઠી વેદના બાદ આ સમય પામી છું,
કેટલી ત્યજી ઈચ્છાઓ બાદ આ ઈચ્છા પામી છું કે,
રહે મારુ બાળક સલામત એ પ્રભુ આશિષ પામી છું.

આજ શિવ ૯ વર્ષનો થઈ ગયો છે. અત્યારે એ બોમ્બે રહે છે. બીજા બાળકોની જેમ જ એ પણ પોતાનું જીવન જીવે છે. તમે એને જોવ તો અંદાજ પણ ન આવે કે આ બાળક નાનપણમાં કેટલું મૃત્યુ સામે ઝઝૂમ્યું છે. ખુબ હોશિયાર હોવાથી સ્કુલમાં પણ સારું નામ છે, વારે ઘડીયે ઇમ્યુનીટી ઓછી હોવાથી એ બીમાર પડે છે તેથી સ્કુલમાં રજા પણ બહુ પાડે છે, છતાં ટોપના વિદ્યાર્થીમાં એનું નામ હોય છે. એમના ટીચર્સ શિવના વખાણ કરતા કહે છે કે શિવ બીજા બાળકો અને એમના માતાપિતા માટે ઉદારણરૃપ છે. શિવ બહુ નમ્ર અને વિવેકી છે. આવી વાતો જયારે તૃપ્તિ અને આસિત સાંભળે છે ત્યારે બંને ખુબ ખુશ થાય છે. તૃપ્તિનો આખો પરિવાર ખુબ શાંતિ અને ખુશીથી રહે છે. તૃપ્તિના જીવનમાં જો કોઈ ઈચ્છા હોય તો એ બસ એક જ કે શિવ કાયમ આનંદમાં રહે, એ શિવને ડૉક્ટર કે એન્જિનિયર જેવી મોટી પદવી હાસિલ કરે એવું ઈચ્છતી નથી પણ એ ફક્ત એટલું જ ઈચ્છે છે કે શિવ બીજા બાળકોની જેમ નોર્મલ અને સારું સ્વાસ્થ્ય સાથે જીવી શકે તો પણ એ ખુબ ખુશ થશે.

મારો આ વાર્તા લખવા પાછળ એક જ ઉદેશ્ય હતો કે જો કોઈ પણ દંપતીને થેલેસીયા માઇનોર હોય તો એ દંપતી પુત્ર ખેવના વખતે ગર્ભાવસ્થા દરમિયાન જ પૂરતું ચેકઅપ કરાવે તો આગળ જતા બાળકને શિવે જે સમય પસાર કર્યો એવા સમય માંથી પસાર થવું ન પડે અને એમનું આવનાર બાળકનું સ્વાસ્થ્ય સારું રહે.

અંતમાં આપ સૌ વાચકમિત્રનો આભાર માનીશ કે તમારા મળતા પ્રતિભાવના લીધે હું વાર્તાને વધુ સારી રીતે લખી શકી.