Veer Vatsala - 22 books and stories free download online pdf in Gujarati

વીર વત્સલા - 22

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 22

ગઈ રાતે વત્સલાના ખોરડાની પાછળની દીવાલ ધસી પડી હતી. દર ચોમાસે નદીના વહેણનો માર વેઠી વેઠીને કમજોર થયેલી દીવાલ ક્યારેક તો તૂટવાની જ હતી. તે આજે તૂટી. જતી મોસમનો વરસાદ પવનના સહારે ખુલ્લા ઘરની પછીતથી ઘરમાં ઘૂસી આવતો રહ્યો. અને મોભ પરથી લટકાવેલી અભયની ઝોળી હલાવ્યા વગર હાલી રહી હતી. ચારમાંથી એક દીવાલનો ટેકો તૂટ્યો છતાં ઘર અત્યારે તો સલામત લાગતું હતું. બનેલી અને બનનારી ઘટનાઓથી બેખબર અભય ઝોળીમાં રમી રહ્યો હતો. વરસાદે સહેજ પોરો ખાધો કે તરત માણેકબાપુ કોઈ કડિયા-કારીગરને શોધવા નીકળ્યા.

પણ ચંદ્રપુર ગામમાં ગોકીરો હતો. સહુ પાદરે ભેગા થયા હતા. આસપાસના કોઈ ગામમાં આજે કોઈ કામ કરવાના મિજાજમાં નહોતું. કડિયા-કારીગર-મજૂર સહુ રાજની ઉથલપાથલની આશંકાથી ટોળે વળ્યા હતા. એક તરફ લોકો બાળકોના હત્યારા ઉધમસિંહની ટોળી પર ફિટકાર વરસાવી રહ્યા હતા તો બીજી તરફ એ વાતે ઉત્તેજના ફેલાયેલી હતી કે દિલિપસિંહના વારસને શોધવા ખુદ દુર્જેયસિંહ પોતે તલવાર લઈ નીકળી પડ્યો હતો. વળી, ગઈકાલથી એવી અફવા પણ જોરમાં હતી કે વશરામ કોળીના બચેલા સાથીઓ માલવપુરથી ઓતરાદી દિશામાં આવેલા લીલાપોરના શક્તિશાળી દરબારનો સાથ લઈ સૂરજગઢ પર ત્રાટકવાના છે.

આખું રાજ હચમચી રહ્યું હતું ત્યારે પડેલા એક ઘરની વાત કોણ સાંભળે? કડિયાને શોધવા નીકળેલા માણેકબાપુ નિરાશવદને પાછા ફર્યા. એમણે ઘર સામે જોયું. દરવાજો બહારથી અકબંધ હતો, જોનારને ઘર બહારથી સાબૂત દેખાય, પણ એની પાછળ દીવાલ જ નહોતી. વત્સલા ઘરને બંધ કરી આંગણામાં એની કટારીને પથ્થર સાથે ઘસીને ધારદાર બનાવી રહી હતી.

અભય વીણાના હાથમાં રમી રહ્યો હતો. વત્સલાની એના પર સતત નજર હતી. જે દિવસથી અઘોરી અભયને ઉપાડી ગયો હતો ત્યારથી વત્સલાએ બે વાતનું ધ્યાન રાખ્યું હતું. અભયને કદી નજરથી અળગો થવા દીધો નહોતો અને કટારીને ક્યારેય કમરથી અળગી થવા દીધી નહોતી.

આવતાની સાથે માણેકબાપુએ કહ્યું, “બેટા વત્સલા! આપણા અંજળ અહીં પૂરાં થયાં! હાલ, બીજે ક્યાંક ભાગી જઈએ.”

“ક્યાં જઈશું? સિપાહીઓ શેરીઓ ખૂંદી રહ્યા છે. મલકની રક્ષા જેને માથે છે, એ એક બાળકથી ડરીને ઘાંઘા થઈ ગયા છે. આ હાલતમાં અભયને લઈને બહાર ન નીકળાય!”

ત્યાં જ ચંદનસિંહ મારતે ઘોડે આવ્યો. ચંદનસિંહને જોઈ વીણા પણ અભયને લઈને આવી પહોંચી.

“વત્સલા! પાદર પર કોઈ નવી વાત આવી છે. કહે છે કે તારું બાળક..” ચંદનસિંહ જરા અટકી ગયો. સાવ સીધેસીધું કહેવાને બદલે એણે વાત જુદી રીતે શરૂ કરી, “પાદરે વાત થાય છે કે ઉધમસિંહ અને જુગલસિંહ તારા બાળકની તલાશી લેવા આવવાના છે. સાથે દુર્જેયસિંહ પણ આવી પડે તો નવાઈ નહીં. માણેકબાપુ, હવે તો આ મલક જ છોડવો પડશે, તમે તૈયાર રહો હું વીરસિંહને લઈને આવું છું.

વત્સલાએ કહ્યું, “થોભો! જે થવાનું હશે એ અહીં જ થશે. અને તમે પાદરે સાંભળી એ વાત સાચી છે. આ બાળક દિલિપસિંહ અને તેજલબાનું જ છે!

વત્સલાએ ઉતાવળે આખી ઘટના કહી. ત્યાં જ વીરસિંહ આવતો દેખાયો.

વીરસિંહને જોતાં જ વત્સલાએ વીણાના હાથમાંથી અભયને લઈ લીધો. પોતાની ઓઢણીથી મજબૂત ઝોળી બનાવી અભયને છાતીસરસો લપેટ્યો.

ચંદનસિંહ બોલ્યો, “આમ પણ હવે ઝાઝો વખત આ વાત છૂપી નહીં રહે! મારે વીરસિંહને આ વાત કહેવી જ પડશે!”

“તમને મારા સમ છે!” વત્સલા બોલી ગઈ.

ત્યાં સુધી તો વીરસિંહ આવી ગયો હતો, “કોઈએ કોઈને સમ આપવાની જરૂર નથી. મને બધી ખબર પડી ગઈ છે!”

ઘડીભર માટે સહુ ચૂપ થઈ ગયાં. એકબીજા સામે જોતાં રહ્યાં. ખામોશી માત્ર ટપટપના અવાજથી તૂટતી હતી. પાંદડાંઓએ આખી રાત પોતાની સપાટી પર સંઘરી રાખેલું પાણી ટપકી રહ્યું હતું. વત્સલાની પાંપણોની હાલત પણ એ પાંદડાંથી જુદી ન હતી.

ખામોશીની પળો લંબાતાં ચંદનસિંહે બાજી હાથમાં લેવાનું નક્કી કર્યું.

વીરસિંહ, સાચું કહી દે! તારી ફરજ બજાવવા આવ્યો છે ને?”

વીરસિંહ કંઈ બોલ્યો નહીં. માત્ર નકારમાં ડોકું ધુણાવ્યું. એ પણ જરાક જ.

“તો પછી એ પણ કહી દે કે શા માટે આ તરફ આવ્યો છે?”

“વત્સલાનો હાથ માંગવા આવ્યો છું.” વીરસિંહ એક જ શ્વાસમાં બોલી ગયો.

“મારો હાથ..? એ તો આ અભયની આંગળી સાથે વળગેલો છે.” વત્સલા બોલી.

વીરસિંહ બોલ્યો, “સાંભળ્યું, ચંદન? તું એ વાતનો સાક્ષી છે કે હું ન્યા પરદેશમાં એક પળ વત્સલાને વીસર્યો નથી. ને આજે વત્સલા મને વરમાળા પહેરાવવાને બદલે આ બાળક માટે અભયદાન માંગે છે! તું જ ફેંસલો કર, અમારા બેમાંથી કોણ સાચું?”

ચંદનસિંહ પર અચાનક ફેંસલાની જવાબદારી આવતાં એ વિચારમાં પડ્યો, “સાચું કોણ એ તો મને ખબર નથી, પણ ખોટું કોઈ નથી.”

“ચંદન, વત્સલા પાસે મારે હવે સવાલ એક જ સવાલનો જવાબ જોઈએ છે, કયો સંબંધ ઊંચો? સાચો પ્રેમ ઊંચો કે વહોરી લીધેલી મમતા ઊંચી?” એક બાળકની સામે હારી રહેલો પ્રેમી પોકારી ઊઠ્યો.

“એ પહેલા તમે જવાબ આપો, નમકહલાલીને નામે વહોરી લીધેલી જવાબદારી ઊંચી કે પરજાનું હિત ઊંચું?” વત્સલાએ સામો સવાલ કર્યો.

“પ્રેમમાં વિશ્વાસ હોય તો મારી વાત માની લે. મેં સરદારસિંહ પાસે વચન લીધું છે કે તને કે બાપુને કંઈ નહીં થવા દઉં, મારી બહાદુરી પર એટલો વિશ્વાસ રાખ!”

“બહાદુર છો તમે! નહીં? એક અબુધ બાળકની પાછળ પડેલી સેનાનો બહાદુર સેનાપતિ!” બાળકની ચિંતાથી બહાવરી થયેલી માતાના મુખથી વ્યંગબાણ છૂટ્યું.

“રાજદ્રોહીની સામે થવું એ સિપાહી તરીકે મારી ફરજ છે!”

તમે.. તમે ફરજની વાત ન કરો. તમે માત્ર એક ભાડૂતી સૈનિક છો. તમે કદી આઝાદી માટે લડ્યા? કદી ઈન્સાફ માટે જંગે ચડ્યા? મા ભોમકા માટે સમરાંગણે ચડ્યા? તમે તો માત્ર ગરાસ માટે લડ્યા!”

“મારા સેનાપતિએ મને રાજ માટે લડવાનું કામ સોંપ્યું છે અને રાજદ્રોહીઓ સામે મારે લડવાનું છે!” વીરસિંહે જવાબ વાળ્યો.

ચંદનસિંહ બોલ્યો, “પણ તમારું ડરપોક રાજ તો આ નિર્દોષ બાળકને રાજદ્રોહી ગણે છે!”

વીરસિંહ પણ હવે ક્ષોભ કે સંકોચ વગર સ્પષ્ટ બોલ્યો, “હા, આ બાળક જ મુસીબતની જડ છે. બાળક મને સોંપી દો. એમાં જ સહુની ભલાઈ છે!” વીરસિંહ સરદારસિંહના ચીંધેલા રસ્તે બન્ને મોરચા જીતવા માંગતો હતો.

“એ કદી નહીં બને!” વત્સલાએ આવેશમાં આવી કટારી કાઢી.

“પરાયા બાળક માટે શહીદ થશે?” વીરસિંહ હસ્યો.

વીરસિંહ, શહીદોની ખાંભી બને છે અને સોદાબાજોને ગરાસ મળે છે..!”

વીરસિંહ ચંદનસિંહ તરફ જોઈને બોલ્યો, “એને સમજાવ આ બાળકને હું ઘસરકોય નહીં પાડું, અત્યારે હું એકલો આવ્યો છું. હું ખાલી હાથે જઈશ તો પાછળ સેના આવશે. એ કશી દયા નહીં દાખવે!”

“અને તમે કેવી દયા દાખવવાના છો?” વત્સલાએ પૂછ્યું.

“આ બાળક રાજને સોંપી, એમની પાસે માણેકબાપુ અને તારા માટે અભયદાન માંગીશ.”

વાહ રે દયાળુ, તમે જાતે બાળકને નહીં મારો, પણ કસાઈઓને સોંપશો!”

“આ બાળકનું એ જ ભવિષ છે! વત્સલા! તું આપણા ભવિષનું વિચાર!”

“મારી છાતીથી અભયને અલગ કરશો તો આપણા રસ્તા પણ અલગ થશે!” વત્સલાએ કટારીની તાજી ઘસેલી ધાર પર આંગળી ફેરવીને બાળકને તિલક કર્યું.

વીરસિંહે પણ મક્કમતાથી આગળ વધવાનું શરૂ કર્યું. વત્સલાની આંખમાં આંખ પરોવી એ બોલવા માંડ્યો, “જો આમ પાગલ ન બન! આ બાળક તારું નથી, હું તારો છું..”

વત્સલાએ કટારી આગળ કરી.

વીરસિંહ બોલ્યો, “જો આ બાળક તને મારા કરતાં વધુ વહાલું હોય, તો મને જીવવાની હોંશ નથી અને મરવાની ફિકર નથી. ભલે આ પળે જ મોત આવતું.”

ચંદનસિંહ અને વીણા મૂંઝાયા. માણેકબાપુનો જીવ તાળવે ચોંટી ગયો. મકાન તો પડી જ ગયું હતું. હવે ઘર પણ પડી રહ્યું હતું. એ કશું અટકાવી શકે એમ નહોતા.

વીરસિંહ હવે વત્સલાથી એક હાથ દૂર હતો. એણે આગળ વધવાનું ચાલુ રાખતાં વત્સલાના મક્કમ હાથેથી આગળ ધરાયેલી કટારી સહેજ એના પેટમાં ભોંકાઈ.

વત્સલા હું તો હસતાં હસતાં જીવ આપી દઈશ પણ તું બીજા કેટલા સાથે લડશે, આ રાજદ્રોહીનું બાળક છે. કેટલાથી એને બચાવશે?” વીરસિંહના પહેરણમાંથી રક્તની ટશર ફૂટી.

માણેકબાપુની આંખેથી ધારા વહી. વત્સલા બહારથી સ્વસ્થ હતી પણ અંદરથી બેબાકળી થઈ ગઈ હતી.

ચંદનસિંહ ચિલ્લાયો, “કહું છું, અટકી જાઓ બન્ને! પ્રેમનાં અને ઝેરનાં પારખાં ન હોય!”

***