Veer Vatsala - 21 books and stories free download online pdf in Gujarati

વીર વત્સલા - 21

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 21

વીરસિંહ સરદારસિંહની હવેલી પર પહોંચ્યો, “સરદારસિંહ! દુર્જેયસિંહને મળવા જવું છે!”

“કાલે જઈશું!” બપોરની તંદ્રામાંથી માંડ જાગેલો સરદારસિંહ બોલ્યો.

“અટાણે જ જવું છે!” વીરસિંહ ભાગ્યે જ આવી જિદ પકડતો.

“અરે, એ લોકો દુર્જેયસિંહનો જીવ બચ્યાનું જશન મનાવતા હશે, ઉજવણી હજુ એક બે દિવસ ચાલશે! પછી કાલ-પરમ મળીએ ને!”

“કાલપરમ સુધી થોભાય એમ નથી. આજે ન્યાં વિરાટપુરમાં ઉધમસિંહની સેનાએ જુલમ કીધો. ત્રણ બાળકોને રહેંસી નાખ્યા.”

“ઓહ!” સરદારસિંહ હવે જાગી ગયો.

વીરસિંહ મક્કમ અવાજમાં બોલ્યો, “આપણે અટાણે જ દુર્જેયસિંહને કહી દઈએ કે ઉધમસિંહ અને જુગલસિંહને આવું કામ ન સોંપે અને સોંપ્યું હોય તો પાછું લઈ લે! આપણે 48 કલાકમાં સાચા વારસને શોધી નાખીશું. નિર્દોષ બાળકોના જીવ જાય એ જોયું નથી જાતું.”

સરદારસિંહે હકાર ભણીને કહ્યું, “હા, બાકીનાને બચાવવા માટે એ એક બાળકને શોધી એનો ભોગ આપવો જરૂરી છે!”

વીરસિંહને આ વાત મુદાની લાગી, “હા જેટલું બને તેટલું જલદી એ એક બાળકને શોધી, દુર્જેયસિંહને સોંપી, બાકીનાને બચાવવા જરૂરી છે!”

*

બીજી સવારે બન્ને સૂરજગઢની ડેલીમાં હતા.

રસ્તે બન્ને વાત કરતાં હતા. સરદારસિંહે કહ્યું, “ટીડા જોશીએ કીધુ છ, આ ચોમાસું નીકળી જાય તો બીજા 20 ચોમાસા ઘાત નથી.”

“પાગલ થ્યો છ જોશીડો!”

શંકા વ્યક્ત કરતાં સરદારસિંહ બોલ્યો, “પણ દુર્જેયસિંહ બહાવરા થ્યા છ. આપણી વાત નહીં માને!”

વીરસિંહ બોલ્યો, “ન કેમ માને? આપણે દુર્જેયસિંહનો જીવ બચાવ્યો છે, એ ઋણનું વજન ઊભું કરીને એને સમજાવીશ. અને કહીશ, અંધવિશ્વાસથી દૂર રહો. પરજાને ત્રાસ આપવાને બદલે સુખાકારી માટે રાજ કરો.”

વીરસિંહ અને સરદારસિંહ ડેલીમાં પહોંચ્યા તો ઉધમસિંહ અને જુગલસિંહ પહેલાથી જ હાજર હતા. દુર્જેયસિંહ બાપુ આજકાલ વહેલા જાગી જતા હતા. આ એક ચોમાસું ઊંઘતા રહેવું પોષાય એમ નહોતું.

એક દરબારી કહી રહ્યો હતો, “બાપુ, ઈ વશરામ કોળી ભલે મરી ગ્યો, પણ ઈના આખરી શબદ આખી રાત મારા મનમાં ગૂંજ્યા!”

માલવપુરમાં થયેલા ધીંગાણાની રજેરજ વાત સિપાહીઓના મોઢે બધે પહોંચી ગઈ હતી.

જીવ બચ્યાના ઉન્માદમાં ડૂબેલા દુર્જેયસિંહ બાપુ બોલ્યા, “ઈ બચ્ચું કાંઈ નો કરી હકે! આપણી બોતેર પેઢી સૂરજગઢ પર રાજ કરહે!”

જુગલસિંહ બોલ્યો, “પણ બાપુ, ઈ બચ્ચું જીવે છે ઈ શક તો રહેશે જ ને! વીસ વરસે ય ઈ વારસ તલવાર ખેંચીને રાજ હામે ઊભું નો થવું જોઈએ!”

દુર્જેયસિંહે તલવારની મૂઠ પકડી લીધી.

સરદારસિંહ બોલ્યો, “ઈ વશરામે ખાલી ધાંસો આપ્યો. ખોટી ફડાક મારી છે! ઈ તો ખુદ કોળીઓની વસ્તીમાં બાળકને શોધતો હતો. એના સાથીઓને ય વારસ વિશે કંઈ ખબર નથી!” સરદારસિંહે પોતે તપાસ કરીને મેળવેલી માહિતી સહુને આપતાં કહ્યું.

ઉધમસિંહ બાપુની બાજુમાં આવીને ગોઠવાયેલા સરદારસિંહ સામે કતરાતી નજરે જોઈ બોલ્યો, “આને તમે 50 વીઘાની જાયદાદ ફટ કરતાંમાં આપી દીધી, પણ એણે જ બચ્ચાને જીવતું જાવા દીધું, ઈ ખબર છે?”

સરદારસિંહ તલવાર ખેંચી ઊભો થઈ ગયો, “એય ગોલકીના! તું તારી વાત કર! તમે બન્નેએ ત્યારે વશરામને બદલે કોની લાશ બાળીને નજરાણું લીધું? વશરામ તો હજુ કાલે મર્યો!”

પણ દુર્જેયસિંહને હવે વશરામની ચિંતા નહોતી, એ તો મરી ગયો હતો. પણ “બાળકને જાવા દીધું” એ વાત પર એનું ચિત્ત અટકી ગયું.

“સરદારસિંહ, આ હું કિયે છ? બાળકને જાવા દીધું તમે?”

“જૂઠાડો છે આ!” સરદારસિંહને સમજાયું નહીં કે આ બન્ને શું કહી રહ્યા હતા.

જુગલસિંહ ત્રાંસી આંખ કરી બોલ્યો, “સરદારસિંહે ન્યાં વગડામાં જે ઝૂંપડી પાસે દિલિપસિંહ અને તેજલબાને માર્યા ત્યારે ઈ ઝૂંપડીવાળી છોડીના ખોળામાં બચ્ચું હતું.”

“અમે અમારી આંખે ભાળ્યુંતુ.” ઉધમસિંહે સૂર પુરાવ્યો.

“એ બચ્ચુ ઈ છોડીનું હતું!” સરદારસિંહે મક્કમ જવાબ આપ્યો. સરદારસિંહની નજરમાં આખું દૃશ્ય તરવરી ઊઠ્યું. જો કે વીરસિંહ માટે એ કલ્પનાનો જ વિષય હતો.

“ઈ છોડી તો કુંવારી છે! હકમસિંહને પૂછી જુઓ!” ઉધમસિંહ બોલ્યો.

પોતાના માણસનો હવાલો હરીફોએ આપતાં સરદારસિંહ ઉશ્કેરાયો, “અરે, ઈ શાહુકારના દીકરાનું પાપ છે! હકમસિંહે જ મને કીધુંતું!”

ઉધમસિંહ બોલ્યો, “ઈ ભરમાણોતો. હવે ઈ જ કિયે છે, એ બચ્ચુ દિલિપસિંહનું વારસ નો હોય, ઈની શું ખાતરી?”

ડેલીમાં સોપો પડી ગયો. વીરસિંહ અને સરદારસિંહ જે વાત કરવા ગયા હતા એ કરવા વગર પાછા આવ્યા. વીરસિંહનું સરળ મગજ આ અટપટી વાત સમજવા મથી રહ્યું.

*

થોડીવાર પછી સરદારસિંહ અને વીરસિંહ હવેલીમાં હતા. સાથે હુકુમસિંહ અને બીજા બે સૈનિકો હતા.

સરદારસિંહે હુકુમસિંહને હરીફો સાથે બેસવા બદલ ખરાબ શબ્દોમાં ઠપકો આપ્યો.

હુકુમસિંહ નીચી નજરે બોલ્યો, “સરદાર, તમારે હાટું ચામડીના જોડા બનાવું, પણ મારી વાત ખોટી નથ.

સરદારસિંહ બોલ્યો, “જરા તો મગજ ચલાવ! એક ગરીબ પૂજારીની છોકરી આવું જોખમ લે? ન જ લે! એક કુંવારી છોકરી શું કામ જૂઠું બોલે?

“હા, વત્સલા શું કામ એવું કરે? અને જ્યારે એક છોકરી જાતે કહે છે કે..” વીરસિંહ બોલવા ગયો. (વત્સલાની વાત ચાલે છે એવુ વીરને ક્યા ખબર છે?)

વીરસિંહ તરફ લક્ષ્ય ન આપતાં હુકુમસિંહ સરદાર તરફ વળ્યો, “સરદાર, માનો ન માનો છોકરી રમત રમી ગઈ!”

હવે સરદારસિંહને પણ આછીપાતળી શંકા પડી, “હમમ, શંકા પડે ત્યારે ખાતરી તો કરવી પડે કે બાળક શાહુકારનું છે કે રાજવંશનું છે! પણ એવી ખાતરી શી રીતે થાય? સૂર્યવંશના બાળકને માથે થપ્પો તો ન મારેલો હોય ને કે આ બાળક સૂર્યવંશનું છે!

હુકુમસિંહ બોલ્યો, “એક નિશાની છે! સિસોદિયા સૂર્યવંશમાં છેલ્લી બાર પેઢીથી બાળકો છ આંગળીવાળા જન્મે છે! અને.. દુર્જેયસિંહે પણ માગસર માસમાં જનમેલા બધા બાળકોની હત્યાનો હુકમ નથી આપ્યો, માત્ર છ આંગળીવાળા બાળકોને શોધવા કહ્યું છે!”

વાત સાંભળતાં જ વીરસિંહ બેસી પડ્યો. અભયની છ આંગળીઓ એની નજર સામે તરવરી ઊઠી. હવે એને કોઈ શંકા રહી નહીં. પણ આ પળે એની વાચા હરાઈ ગઈ હતી.

વીરસિંહને લાગ્યું જાણે પળવારમાં કોઈ ભૂકંપ આવી ગયો. વત્સલાના ખોળામાં બાળક છે એ ખરેખર દિલિપસિંહનું છે? લાગે છે તો એવું જ. તો વત્સલાએ આ વાત કેમ છુપાવી? કહી દીધી હોત તો પોતે શું કર્યું હોત?

સરદારસિંહ બોલ્યો, “ઓહ, આ તો સાવ સહેલુ છે, કોઈ સિપાહીને મોકલો! એ છોડીના ખોળે બાળક છે, એની આંગળી ગણી લો!”

“સરદાર, એ કટારી લઈને ફરે છે, એક અઘોરીએ એના બાળકને હાથ અડાડ્યો, એમાં તો એ અઘોરીને વધેરી નાખ્યો છોડીએ!” હુકુમસિંહે જણકારી આપી.

“ઓહ!” સરદારસિંહને મોઢેથી ઉદગાર નીકળ્યો.

“આ વીરસિંહને જ મોકલો બાળકની આંગળિયું ગણવા! ઈ છોડીની આંગળિયું તો એણે બહુ ગણી છે! હવે બચ્ચાની આંગળિયું ગણવા દો!” હુકુમસિંહ ગંદુ હાસ્ય કરીને બોલ્યો.

બીજા સંજોગોમાં વીરસિંહે હુકુમસિંહનો કાંઠલો ઝાલી લીધો હોત, પણ આ પળે એ ખામોશ રહ્યો. ખરેખર તો એ જડવત્‌ થઈ ગયો હતો. એ પળ પછી હુકુમસિંહ અને સરદારસિંહ શું વાત કરતા રહ્યા, એના પર એનું ધ્યાન રહ્યું નહીં.

હવે એનું કર્તવ્ય શું હતું? વિચારોનો એક વંટોળ એના સરળ મગજને ઝંઝોડવા લાગ્યો, “વત્સલાના અભયને અભયવચન આપું તો પોતાના પાલક અને રક્ષકને દગો કર્યો, એમ ન કહેવાય? તો પછી શું કરવું? સરદારસિંહને સાથ આપવો? કે પછી સત્ય જાણતાં હોવા છતાં ચૂપ રહીને ઉધમસિંહના હાથે બીજા નિર્દોષ બાળકોનો સંહાર ચાલવા દેવો કે આ એક કમભાગી બાળકની કુરબાની આપીને આ વિષચક્ર પૂરું કરવું?”

એના વિચારોના ચક્રને તોડતાં સરદારસિંહ બોલ્યો, “વીરસિંહ, શું વિચારે છે?”

“કાંઈ સમજાતું નથી!”

સરદારસિંહ બોલ્યો, “એમાં વિચારવાનું કાંઈ નથી, વત્સલા પાસે જા. એને કહે કે તારી સાથે લગન કરીશ. પછી ખાતરી કર કે બાળક રાજવંશનું છે કે નહીં. બાળક રાજવંશનું હોય તો બાળક અમારું અને વત્સલા તારી.. અને જો બાળક રાજવંશનું ન હોય તો બાળક અને વત્સલા બન્ને તારા!” સરદારસિંહ કોઈ કારણથી હજી હળવાશથી વર્તી રહ્યો હતો.

“બાળક રાજવંશનું હોય તો..?” વીરસિંહથી પૂછાઈ ગયું.

હુકુમસિંહ બોલી ઊઠ્યો, “જોયું, એને પણ ખબર છે!”

હુકુમસિંહ તરફ કરડાકીભર નજર નાખી સરદારસિંહ બોલ્યો, “તું ચૂપ રહે ગોલકીના! આ તારો જેવો કમજાત નથી! ખાનદાની સિપાહી છે!”

પછી અવાજમાં બને તેટલી નરમાશ લાવી, વીરસિંહને કહ્યું, “વીરસિંહ, મારા ભાઈ! હત્યા તારે નથી કરવાની! બસ? એ જવાબદારીમાંથી તું છૂટો! અને છોડીને કંઈ થાવા નહીં દઉં, એ સરદારસિંહનું વચન છે!”

સરદારસિંહનું કૂણું વર્તન જોઈ હુકુમસિંહથી રહેવાયું નહીં, “સરદાર, વીરસિંહને એમ પણ કહી દો કે એની ગફલતથી નજર સામેથી બાળક સરકી જાય, એ નામોશી આપણાથી બરદાસ્ત નહીં થાય!”

સરદારસિંહની ધીરજ પૂરી થઈ. એણે હુકુમસિંહનો કાંઠલો પકડીને પરસાળમાં જોરથી ધકેલ્યો. સરદારસિંહના પ્રહારથી હુકુમસિંહ ભોંયભેગો થયો. દરવાજો બંધ કરતાં સરદારસિંહે કહ્યું, “જા! જા! ઓલા ઉધમસિંહની નોકરી કર! તારું આયાં કામ નથ.”

બારીએ માથું નમાવી વીરસિંહ તો જાણે મૂઢ થઈ ગયો હતો. એને મૂંઝાતો જોઈ સરદારસિંહે એના ખભે હાથ મૂક્યો, “એક નિષ્ફળ પ્રેમી સારો સિપાહી નહીં બની શકે અને એક નિષ્ફળ સિપાહી સારો પ્રેમી નહીં બની શકે. માટે જા! જલદી સમજાવ તારી દિલદારાને! અત્યારે હજી બન્ને મોરચે જીતી શકાય એમ છે. થોડા વખત પછી બાજી આપણા હાથમાં નહીં રહે!” સરદારે એની અનુભવવાણી કહી.

***