બુધવારની બપોરે - 25

બુધવારની બપોરે

(25)

...હું પત્રકાર બનુ

આમ મને અહીંની વાત તહીં કરવાની આદત નહિ, ‘છતાં ય’ મારે પત્રકાર બનવું હતું. ગ્રામરમાં હું ઘણો વીક હતો, એટલે પત્રકાર બનવાની પહેલી લાયકાત તો જન્મજાત કહેવાય. ખોટું નહિ બોલું, પણ મને ગિફ્ટો આપવા કરતા લેવી વધુ ગમતી. એ તો અનુભવી યારદોસ્તોએ કીધું કે, ‘તારૂં જનરલ નૉલેજ’ બહુ પૂઅર છે....તું વગર મેહનતે પત્રકાર બની શકીશ,’ એટલે મને ય વિશ્વાસ બેઠો કે છોકરામાં એટલે કે, મારામાં કંઇ દમ તો છે. કેટલાક પીઢ પત્રકારોએ સલાહ પણ આપી કે, હવે ડ્રિન્ક્સ લેવાની શરૂઆત કરી દેવી પડશે.....અફ કૉર્સ, શરૂઆતમાં કોઇ ફ્રીમાં નહિ પીવડાવે. લગ્ન કરવા ફ્રીમાં પડે એવું નહોતું, છતાં ય ‘ફ્રી’ શબ્દ મને ફાવી ગયો હતો, એટલે પૂરતી લાયકાત કેળવ્યા વિના હું પરણી પણ ગયો હતો, એ પત્રકાર બનવા માટે મારૂં પહેલું ક્વૉલિફિકેશન! બધા તંત્રીઓની જેમ, મારા થતા-થતા રહી ગયેલા સસુરજીઓએ સેંકડો ઈન્ટર્વ્યૂઝ લીધા હતા.....છેવટે તો જેણે પાડી, એણે પરાણે હા પાડી ને પછી લગ્ન થવા દીધા. એમની દીકરીને હવે આનાથી વધારે ‘ચાલી જાય’ એવું કોઇ મળવાનું નથી, એ જોર પર લગ્ન થયા ને એ જ લાયકાત પર પત્રકારની પહેલી નોકરી મળી. આમ ગિફ્ટો સ્વીકારવાની આદત નહિ, આકાંક્ષા ખરી. મફતમાં તો સસુરજી પાસેથી ય કાંઇ નહિ લેવાનું.....એ આપે, એ લઇ લેવાનું. એ વાત જુદી છે કે, સસુરજીએ દહેજમાં મને એમની દીકરી સિવાય કાંઇ આપ્યું નહોતું.....પત્રકારને પ્રેસવાળા ફક્ત પગાર આપે છે તેમ!

આ જ લાયકાત મને પત્રકાર બનવાના કામમાં આવી.....અથવા તો, પત્રકાર બનવાની ‘લાયકાત’ મને પરણવાના કામમાં આવી. બન્ને સબ્જૅક્ટ્‌સ એવા હતા, કે એમાં વિશેષ લાયકાતની જરૂર નહોતી. પણ, થોડીથોડી બદમાશીની જરૂરત બન્નેમાં પડે છે, જે મારામાં પૂરતા પ્રમાણમાં હતી.

એ મારી નોકરીનો પહેલો દિવસ હતો. હું તો લેખક બનવા ગયો હતો, નોકરી પટાવાળાની મળી. એ લોકો કોઇને લાયકાત અને દેખાવથી વધુ કશું નહોતા આપતા.

એ એક સૅક્સ-મૅગેઝિનની ઑફિસ હતી. મને સૅક્સનું નૉલેજ હતું, પણ એની ઑફિસો હોય, એ નૉલેજ નહોતું. બિઝનૅસ-કાર્ડ તો ક્યાંથી હોય? મેં બહાર બેઠેલા એક વૃધ્ધ રીસૅપ્શનિસ્ટને કહ્યું, ‘મારે સેઠને મળવાનું છે. મને બોલાવવામાં આવ્યો છે’. અફ કૉર્સ, મને નવાઇ કરતા આઘાત વધુ લાગ્યો કે, સૅક્સની ઑફિસમાં આટલી મોટી ઉંમરના વડીલનું શું કામ? હશે. આ સમસ્યા તો હરકોઇને હોઇ શકે છે. સામે છેડે, મારી ધગધગતી યુવાન ઉંમર જોઇને કાકાને ય નવાઇ કરતા આઘાત વધુ લાગ્યો કે, ‘આટલી નાની ઉંમરે....આને આના પ્રોબ્લેમ...?’

એમણે મને ઉપરથી નીચે જોઇ લીધા પછી પૂછ્‌યું, ‘‘નવો પ્રોબ્લેમ છે કે જૂનો?’’

મને થયું, કાંઇક બફાઇ રહ્યું છે, એટલે સમય બગાડ્યા વિના મેં સ્પષ્ટતા કરી દીધી, ‘‘અન્કલ, મને નોકરી માટે બોલાવવામાં આવ્યો છે....નોકરી સિવાય મારે બીજો કોઇ પ્રોબ્લેમ નથી.’’

થોડા શરમિંદા એ પણ થયા. મને પ્રેમથી નહિ તો ઔપચારિકતાથી બેસાડ્યો. એ પોતે જ તંત્રી/માલિકને જાણ કરવા અંદર ગયા. એમની ખાલી ખુરશી જોઇને મેં એક સપનું જોઇ લીધું કે, ‘આજે કાકા બેઠા છે....એક દિવસ ત્યાં હું બેઠો હોઇશ...’

મિડલ-ક્લાસના યુવાનોના સપના ય મિડલ-ક્લાસીયા હોય છે. મેં એ દિવાસ્વપ્ન જોયું કે, એક દિવસ હું એ વૃધ્ધ રીસેપ્શનિસ્ટની જગ્યાએ બેઠો હોઇશ....સપના જોવામાં એ હાઇટ નહોતી કે, એક દિવસ હું ય આવી ઑફિસનો માલિક હોઇશ....કારકુન-ફારકુન શું કામ? શેરડીના રસનો સંચો ચલાવતો કાળુજી એ સપનું ન જુએ કે, કોકા કોલા વેચનારો પહેલા શિકંજી વેચતો હતો.....એના સપનાની ઊંચાઇ મૅક્સિમમ, એક દિવસ શેરડીના રસનો ઍરકન્ડિશન્ડ ખુમચો હોવાની હોય, પણ શેરડીના રસની એની પોતાની કૉર્પોરેટ-લૅવલની વિશ્વવ્યાપી કંપની હશે, એવા સપના ન આવે. મારા સપનામાં ય કોઇ દમ નહોતો. પણ એ સમયે મહિને રૂ.૨૦૦/૫૦૦-ના પગારની નોકરી વધારે કામમાં આવે એવી હતી.

સેઠે મને બેસવાનું ન કીધું. ડીસન્સી ખાતર એમણે પણ ઊભા થઇને મારો ઇન્ટર્વ્યૂ લેવાને બદલે બેઠા બેઠા પહેલો સવાલ કર્યો.

‘‘પહેલા ક્યાંય કામ કર્યું છે?’’ મેં શરમના માર્યા મૂન્ડી હલાવીને ના પાડી, એમાં હું કોઇ સારો પ્રભાવ પાડી ન શક્યો. જવાબમાં એણે કોઇ જવાબ વિના સ્થિર મોંઢું રાખ્યું.

એ જાતમેહનતે પચાસની ઉંમરે પહોંચેલો તંત્રી/શેઠીયો હતો. પાટલૂનને ઈસ્ત્રી કરીને સપાટ કર્યું હોય, એવું એમનું પરફૅક્ટ કપાળ હતું. માથેથી ઉતરેલા વાળ કાનમાં ઘુસી આવ્યા હતા, જેની એમને પરવાહ નહોતી. કાનનો કાંસકો જુદો રાખતો હશે. નાકમાં તો દુનિયાભરમાં બધાને બે ફોયણાં હોય, આને ય બે જ હતા, પણ દૂરથી એક જ ફોયણું લાગે. રોજ ક્લિન-શૅવ રહેતો હશે, એટલે ગાલ મુલાયમ હતા. કોઇની પણ સાથે વાત કરતી વખતે એની આંખોમાં જોઇને એ વાત નહોતો કરતો, એને બદલે એ આજુબાજુની ભીંતો તરફ જોઇને બોલતો. એનું ગૌરવ જાળવવા એ જે ભીંત તરફ જુએ, એ તરફ મારાથી તાત્કાલિક ખસી ન શકાય, એ મારી મર્યાદા. કહે છે કે, પચાસે પહોંચવા માટે એને કોઇની મદદ લેવી પડી નહોતી. એ દારૂ-બારૂ પીતો નહિ હોય કારણ કે, મને એણે વિવેક ખાતરે ય ન પૂછ્‌યું, ‘‘તમે લો છો?’’ મોંઢુ ગંભઈર હતું. લાઇફનું છેલ્લીવારનું એ એના લગ્નની આગલી સાંજે હસ્યો હશે, એ પછીના કોઇ પુરાવા મળ્યા નથી. મૅગેઝિન સૅક્સનું કાઢતો હતો પણ સરકારના સાથસહકાર વગર. સરકાર તો એના માર્ગમાં રોડાં નાંખતી હતી. આવું સાહિત્ય બહાર પાડવા માટે અવારનવાર એને જૅલમાં મોકલતી. ત્યાંથી ય આવું કોઇ મૅગેઝિન કાઢી શકે એટલે નહિ, પણ સેઠ અને સરકારના વિચારો વ્યવસાયના મુદ્દે જુદા પડતા હતા. સેઠની સજર્ક-પ્રતિભા કુમ્હલાઇ ન જાય, એ માટે સરકાર પાછો એને છોડી ય મૂકતી હતી. અલબત્ત, સેઠના ત્યાં આંટાફેરા અસ્ખલિત ચાલુ રહેતા. છુટીને એ ઑફિસે પાછા આવે, ત્યારે જેમ એ બીજા દિવસે નિયમિત પોતાની ઑફિસે આવે, એટલી સ્વાભાવિકતાથી આવે, એ આશ્ચર્યની વાત નહોતી....આશ્ચર્ય એ વાતનું હતું કે, સ્ટાફને એમાં કાંઇ નોંધવા જેવું અપ્રતિમ નહોતું લાગતું, રૂટિન લાગતું. અવરજવર સ્વીકૃત હતી.

અલબત્ત, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પણ એક ચોપાનીયું કાઢતા, જેમાં શિક્ષણ સમાજને લગતા પ્રશ્નો મૂકાતા....અથવા ન હોય ત્યાંથી ઊભા કરાતા! ‘જાગો વિદ્યાર્થી’ એનું નામ હતું.

સેઠે મારી સામે જોયા વિના પહેલો સવાલ કર્યો, ‘‘કોઇ અનુભવ છે?’’ મૂંઢની જેમ જવાબ વગરનો મને ઊભેલો જોઇ એણે બીજો સવાલ પણ એવો જ પૂછ્‌યો, ‘‘પગાર રૂ.૧૦૦/- મળશે. પોસાશે?’’

‘‘મૈં પૈસે કે લિયે કામ નહિ કરતા....મેહનત કે લિયે---’ આવો ડાયલોગ ફિલ્મોમાં સાંભળ્યો હતો, પણ મને જુઠ્‌ઠું બોલવાની આદત નહિ, એટલે મેં ખોટે ખોટી હા પાડી.

‘‘ગૂડ...કાલથી આવી જા...’’.

પગાર સો રૂપીયાનો મળવાનો હતો એટલે સગાવહાલાઓમાં પેંડા વહેંચવાના મોંઘા પડે, છતાં ઉત્સાહી મધરે ભારે ફખ્રથી જાહેરાત કરી દીધી, ‘અમારા અશોકને પ્રેસમાં નોકરી મળી ગઇ છે...’ મેં જો કે, હોદ્દો કહેવાની ના પાડી હતી, એટલે એ વાત ખાનગી રાખવામાં આવી.

પત્રકાર બનવાનું મારૂં ઝનૂન છાનું રહે એવું નહોતું. સેઠે મને પહેલું ‘ઍસાઇનમૅન્ટ’ આપ્યું. મારે જુદી જુદી કૉલેજોમાં ફરી, વિદ્યાર્થીઓના ઈન્ટર્વ્યૂ લઇ, શિક્ષણમાં આજકાલ શું મુશ્કેલી પડે છે કે રાજ્યમાં ઈંગ્લિશ-મીડિયમ ફરજીયાત બનાવવું જોઇએ કે નહિ, એવા સવાલો પૂછવા મોકલવામાં આવતો. હું આ પગારમાં સ્કૂલે-સ્કૂલે, કૉલેજે-કૉલેજે ફરતો. વિદ્યાર્થીઓ જવાબ આપવાને બદલે મારી દયા ખાતા, ‘છુટ્‌ટા નથી બાબા....આગળ જાઓ’.

રીપૉર્ટ તો હું રોજ આવીને લખતો. એકે ય છપાયો નહિ. છેવટે તંત્રીએ મારૂં હીર પારખીને મને પત્રકાર બનાવવાને બદલે પટાવાળો બનાવ્યો. ઑફિસમાં સ્ટાફનું કોઇ પણ મને બોલાવે, એટલે બારણામાંથી જ મારાથી, ‘જી સાહેબ’ બોલાઇ જતું. પેલી કહેવતમાં નાનકડો ફેરફાર કરીને એટલું કહેવાય કે, ‘પટાવાળાના લક્ષણ બારણાંમાંથી!’ મેં લાઇફમાં સરકારી નોકરી ક્યારેય કરી ન હોવા છતાં, આજે ય કોઇ મને બોલાવે છે, ત્યારે ‘જી સાહેબ’ જ બોલાઇ જાય છે.

મારી નોકરી ‘બૉય’ની હતી. હું ગ્રૅજ્યુઍટ તો હતો, પણ પૂરી ઑફિસમાં મારા જેટલું કોઇ ભણેલું નહોતું અને એ બધા મારા ‘બૉસ’ હતા. તદ્દન ગરીબ ઘરની અને ઑલમોસ્ટ અભણ છોકરીઓ ત્યાં મારી બૉસ હતી. એમનો વટ પડી ગયો હતો. દર અડધા કલાકે કોઇ મને નીચે લારી ઉપર ચા લેવા મોકલે, કોઇ ઑફિસ વાળી નાંખવાનો હુકમ કરે, તો કોકની સખી બહારથી મળવા આવી હોય તો રૌફ ઝાડવા મને ખખડાવે પણ ખરી, ‘‘અલી, આ જો ને.....સેઠ પણ કેવા કેવા પટાવાળા પકડી લાવે છે....બબ્બે મહિનાથી વૉટર-કૂલરે ય સાફ કરતો નથી...!’’ એ વાત જુદી છે કે, સેઠને વૉટર-કૂલર પોસાતું નહિ હોય એટલે સ્ટાફ વચ્ચે માટીનું માટલું રાખવામાં આવ્યું હતું. બધાએ એમાં બોળીને પાણી પીવાનું. (ગુજરાતીઓ ‘પાણીનું માટલું’ શબ્દો વાપરે છે....માટલું માટીનું કે તાંબા-પિત્તળનું હોય, પાણીનું નહિ!)

બહારથી કોક આવનારને એ ‘જાગો વિદ્યાર્થી’ની જ ઑફિસ લાગે, પણ દાખલ થયા પછી એક વૉશરૂમ આવે, જેમાં ચારે દિવાલ પર ફૂલ-સાઇઝના અરીસાઓ લાગેલા હતા. મને પહેલી વાર કાકાએ અંદર મોકલ્યો તો હું તરત પાછો આવ્યો. મારે ‘જવું’ નહોતું. પાછો આવ્યો તો કટાક્ષમાં કાકાએ હસીને મને કહ્યું, ‘‘જો...સામેના અરીસાની ઠેઠ નીચે છુપાવેલી સ્ટૉપર છે....એ ખોલીશ એટલે દરવાજો ખુલશે.’’

અંદર ગયો તો ચોંકી જવાયું. બધી માતાજીઓ ટેબલ-ખુરશીઓ પર બેઠી હતી. મને જોઇને સહેજ પણ ચોંકી નહિ. એ કામ મારૂં હતું. પાછળ રૅકમાં અહીંથી પ્રકાશિત થતા સૅક્સના મૅગેઝિનની થપ્પીઓ હતી. દર મહિને બહાર પડતા એ મૅગેઝિનનું સર્ક્યુલેશન પૂરા ભારતમાં હતું. ઈંગ્લિશ અને ગુજરાતી-બે ભાષામાં પ્રકાશિત થતું. મારે મારી સાહેબાઓ કહે એ મુજબ ઑર્ડર ફૉલો કરવાના હતા.

સૅઠની એક નૈતિકતા પણ હતી. સ્ટાફ છોકરીઓનો હતો, પણ ભૂલેચૂકે ય કોઇ છોકરી એમાંનું મૅગેઝિન વાંચતી કે જોતી પકડાઈ ગઇ, તો એ જ ક્ષણે નોકરીમાંથી બહાર! એ હિસાબે તો છોકરીઓ મને પણ શકના દાયરામાં જોવા લાગી કે, ‘સેઠનો માણસ લાગે છે.....આપણી ઉપર જાસૂસી કરવા રાખ્યો છે...!’ કોઇએ મારા આગમનને વધાવ્યું નહિ. હું જેટલો ટાઈમ એ લોકોની ઉપસ્થિતિમાં રહું, એટલું એમને ટૅન્શન રહેતું. મારી સામે ય આડી નજરે જોવાતું. પણ બને ત્યાં સુધી મને બહાર કાઢવા એ લોકો હૂકમ આપે, ‘‘જા....એ..! નીચે જઇને બે અડધી ચા કહી આય...’’ થોડા દિવસમાં મને ભાન પાછું આવ્યું કે, ‘હું તો પત્રકાર બનવા આવ્યો છું...ને આ શું, અડધી ચા કહેવા નીચે દોડું છું!’

મેં હિંમતથી સેઠને વાત કરી. ‘મને કોઇ જર્નાલિઝમનું કામ સોંપો, તો આભાર...આ બધું---’’

‘‘સૅક્સની સ્ટોરીઓ લખી શકીશ...?’’ એમણે સીધી ધંધાની ઑફર મૂકી. ‘‘તો તારો પગારે ય રૂ.૧૫૦/-નો કરી આપીશ.’’

બીજા દિવસથી નહિ....ચા કહેવાને બહાને એ જ ઘડીએ નોકરી છોડીને આવતો રહ્યો.

-----

મારે લેખક નહિ, પત્રકાર બનવું હતું. અમારા નવા વાડજમાંથી નીકળતા અને રોજની ચારસો કૉપી છાપતા એક ‘અખબાર’ના તંત્રી (!)ને મેં રીક્વૅસ્ટ કરી. એણે સામેથી મને પૂછ્‌યું, ‘મહિને કેટલા આપી શકશો?’

હું સમાચાર સમજ્યો હતો ને એ પૈસાનું પૂછતો હતો. એવા જ બીજા એક ‘તંત્રીએ’ સલાહ આપી, ‘યાર, તમે તો હાસ્યલેખક છો...તમારે પત્રકાર શું કામ બનવું છે?’ મારે એને શી રીતે કહેવું કે, એક હાસ્યલેખ લખવાના માંડ ત્રણ રૂપીયા મળે છે. ભૂખે મરીને બીજાને હસાવવા કરતા પત્રકાર બનીને બીજાને રડાવવાના તો પૈસા મળે! એ વખતે મેં સાંભળ્યું હતું કે નેતાઓ જ નહિ, મોટા ખેરખાંઓ એમના વિશે લખવા કરતા, એમના વિશે ‘નહિ લખવાનું’ તગડું ભાડું આપતા હોય છે. પ્રેસ-કૉન્ફરન્સમાં ગિફ્ટો મળે, એને સાઈડ-ઈન્કમ ગણી લેવાય. કુસ્તીમાં કહેવાય છે કે, જીતવા કરતા માર ખાઇ ખાઇને હારી જવાનો તગડો ચાજર્ મળતો હોય છે, એમ મને લખવા કરતા નહિ લખવાનો પગાર કોઇ આપે, એવી ઈચ્છા ખરી, પણ એ તો નામવર કે નામચિહ્ન પત્રકારો કે લેખકોનું સૌભાગ્ય હતું.એમ તો દેશમાં હવે ઈલૅક્ટ્રોનિક-મીડિયા પણ નવું નવું શરૂ થયું હતું. ટીવી ઉપર આડેધડ ન્યુસ-ચૅનલો ફૂટી નીકળવા માંડી. મને એ ગમી ગયું. ટૅબલ પર બેસીને વૃત્તો લખવા કરતા ટીવી-કૅમેરાની સામે હાથમાં માઇક પકડીને બોલવાનું મને પસંદ પડી ગયું, પણ ન્યુસ-ચૅનલોવાળાને હું ખાસ કાંઇ પસંદ ન પડ્યો. ‘ખાસ કાંઇ’ નહિ, જરા ય પસંદ ન પડ્યો. નોકરી માટેના ઈન્ટર્વ્યૂઓમાં એ લોકોએ પહેલો વાંધો એ પાડ્યો કે, ‘ટીવી કૅમેરા સામે બોલવાનું છે....આમ બોલતા બોલતા મ્હોંમાંથી થૂંક ઊડે, એ ન ચાલે.’ હું નર્વસ તો થયો, પણ હિંદી ફિલ્મોના હીરોની જેમ હિમ્મત ન હાર્યો. બોલતી વખતે થુંક ન ઊડે, એવા રીહર્સલો રોજ ઘેરબેઠા કરવા માંડ્યો. બોલી લીધા પછી થૂકવાનું રાખ્યું....! બસ....મને સાંભળનારાઓ મારા બોલી લીધા પહેલા ઘટનાસ્થળ છોડી દેતા.

પણ કોક તો તારણહાર નીકળે ને! એક ટીવી-ચૅનલવાળાએ મને પસંદ કર્યો. એમ તો મારો ઈન્ટર્વ્યૂ પણ થૂંક ઊડાડ્યા વિનાનો સફળ ગયો હતો. હું ટીવી-પત્રકાર બની ગયો. પહેલું કામ મળ્યું, શહેરમાં ફાટી નીકળેલા તોફાનો કવર કરવાનું. પૂરા શહેરમાં તોફાનો, પથ્થરમારો, ટીયરગૅસ....અને આવામાં જે બધું હોય, એ બધું! આવી તંગદિલીના સમયે એક સફળ પત્રકારે પોતાના લમણાંમાં પથરો અને બરડામાં પોલીસની લાઠી ન વાગે, તેનું ધ્યાન રાખીને હાથમાં માઇક પકડીને રીપૉર્ટિંગ કરવાનું હોય છે. મને તો એ બન્ને વાગ્યા. પણ આદર્શ પત્રકાર એને કહે છે જે આવી ઘટનાઓથી ગભરાતો નથી.....ટુંકમાં, હું આદર્શ નહોતો.

....છતાં, થોડું અમથું ગભરાઇને એક પથ્થરબાજને ઊભો રાખીને મેં ટીવી-પત્રકારોને જ શોભે, એ સવાલ પૂછ્‌યો, ‘‘હાથમાંથી ગટરનું ઢાંકણું છુટ્‌ટું ફેંકતા કેવી લાગણી અનુભવો છો?’’

પેલો કાંઇ સમજ્યો નહિ અને મા-બેનની ગાળો દેતો ભાગી ગયો.

પત્રકારત્વની છેલ્લી ઘડી પણ એ જ દિવસે આવી ગઇ. એ જ દિવસે એક રાજકીય પક્ષના નેતાનું હ્રદયરોગના હૂમલાથી અવસાન થયું ને એમના ઘેર પહોંચી જઇને એમની શોકાકૂળ પત્ની સામે માઇક ધરીને મેં પૂછ્‌યું, ‘‘આ અવસાનથી તમે કેવી લાગણી અનુભવો છો?’’

--------

***

Rate & Review

Verified icon

satish patel 2 months ago

Verified icon

Amruta 4 months ago

Verified icon

Mewada Hasmukh Verified icon 5 months ago

Verified icon

Rakesh Thakkar Verified icon 5 months ago

Verified icon

Kanji Solanki 5 months ago