Marigold books and stories free download online pdf in Gujarati

મેરીગોલ્ડ

ફેબ્રુઆરી ૧૯ યંગિસ્તાન વાર્તા સ્પર્ધા,

મેરીગોલ્ડ

મેરીગોલ્ડ નામની હોટેલમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા હરિનો આજે દિવસ જ ખરાબ હતો, આમ તો બધા જ દિવસો ખરાબ હતા, ખાસ કરીને આ મેરીગોલ્ડ માં વિતાવેલ દિવસો, પણ આજનો સૌથી વધારે ખરાબ હતો. આજે એની હોટેલમાં એક મોટા વેપારીની દીકરીના જનમદીનનો પ્રસંગ રખાયો હતો અને સતત ત્રણ દિવસથી એ કાર્યક્રમની બધી જવાબદારી હરિના શીરે હતી. કહેવામાં તો એ આસિસ્ટન્ટ મેનેજર હતો પણ મેનેજરથી લઈને જરૂર પડે ડ્રાઇવર કે રસોઈયો બનીને પણ એ સેવા આપતો. આ જે એક્સ્ટ્રા કામ પહોંચતું એમાં વધારે જવાબદાર એનો સ્વભાવ જ હતો, કોઈને “ના" કહેવાનું એને આવડતું જ નહતું!
 આ હોટલના માલિક, મી. લાલવાની સ્વભાવે સરસ હતા અને સ્ટાફના બધા માણસોને જરૂર પડે શક્ય એટલી મદદ કરતા અને એમના સારા કામને બિરદાવી નાની મોટી ભેંટ પણ આપતા રહેતા. બિચારા હરિને પોતે કરેલા કામ બદલ સર પાસેથી થોડા વખાણ સાંભળવાની અપેક્ષા હતી, પણ... એ વખત ક્યારેય આવ્યો જ નહતો. થતું એવું કે કામ બધું હરિ કરે અને એનો જશ મેનેજર લઈ જતો, હરિનો મેનેજર મી. શર્મા જરાય શરમ વગરનો માણસ હતો અને બીજાના કામને પોતે કરેલું એમ કહેવામાં એને રતીભાર સંકોચ થતો નહતો!
કેટલાય દિવસથી બર્થડે પાર્ટી માટે થીમ નક્કી કરીને કામે વળગેલો હરિ એના મેનેજરની મી. લાલવાની આગળની વાત સાંભળી રહ્યો હતો, “આ બધું મેં કર્યું સર! આખી થીમ મેં જ વિચારેલી, ડેકોરેશન પણ મેં જાતે જોડે ઊભા રહી કરાવ્યું... મેં... મેં...!"
મેનેજરનું મેં.. મેં.. સાંભળી હરિને સખત ગુસ્સો આવી રહ્યો હતો, એને થતું હતું કે હાલ એ જઈને કહી દે કે આ શર્મા જુઠ્ઠું બોલે છે, બધું કામ મેં કર્યું છે પણ કહી નહતો શકતો અને એના એ ગુસ્સાનો શિકાર એના હાથમાં પકડેલો ફુગ્ગો થઈ રહ્યો હતો. હરિની આંગળીઓ એ ફુગ્ગા પર જોશથી ભીંસાઈ રહી હતી અને પછી એ જ થયું જે થવાનું હતું, જે નહતું થવું જોઇતું! 
ફુગ્ગો ફૂટી ગયો અને એમાં ભરેલી નાની નાની થર્મોકોલની ગોળીઓ ચારે તરફ વેરાઈ ગઈ. ફુગ્ગો ફૂટવાનો મોટો અવાજ થયો અને બધાનું ધ્યાન હરિ તરફ દોરવાયું. બિચારો હરી મનથી ઈચ્છતો હતો કે સૌ એના કામ તરફ ધ્યાન દોરે, પણ ત્યારે જ્યારે એ ખરેખર કામ કરી રહ્યો હોય... ધબડકો વળે ત્યારે નહિ!
બધાએ જુદી જુદી નજરોએ એની સામે જોયેલું. ક્યાંક ઉપેક્ષા, ક્યાંક મજાક તો બહુ થોડી આંખોમાં સહાનુભૂતિ ભરેલી દેખાઈ. પાછો હરિ એના સ્વભાવ આગળ હારી ગયો અને મેનેજરની ફરિયાદ કરવાને બદલે “સોરી" બોલીને રહી ગયો! મી.શર્માને તો આ જ જોઈતું હતું. એણે મી. લાલવાની આગળ હરિની ભૂલોનો પહાડ ખડકી દીધો અને પોતે એને સુધારી લેશે એમ આશ્વાસન આપ્યું.
આ ઘટના બાદ બાકીનો આખો દિવસ હરિ બધાથી દૂર દૂર છુપાતો રહ્યો અને સાંજે બર્થડે પાર્ટી ચાલું થઈ કે તરત એ ઘરે જવા નીકળ્યો.
“હરિ ક્યાં ચાલ્યો?" મી. શર્માએ એને જતો જોઈને પૂછ્યું.
“ઘરે સર. મારી ડયુટી પૂરી થઈ!" 
“સાંજે આંઠ વાગે એટલે ઘરભેગા થઈ જ જવાનું? શહેરના સૌથી મોટા માણસની દીકરીની અહીંયા બર્થડે પાર્ટી ચાલી રહી છે, શહેરભરના જાણીતા લોકો અહીં હાજર છે અને તું ઘરે કેવી રીતે જઈ શકે? તમને લોકોને કંઈ જવાબદારી જેવું છે કે નહિ?"
મી.શર્માના સવાલોનો હરિ પાસે કોઈ જવાબ નહતો. એ રોકાઈ ગયો. એણે જેવી જવાબદારી માથે લીધી કે તરત મી. શર્માના ચહેરા પર એક ક્રુર હાસ્ય ફરી વળ્યું અને એ એમના મોબાઈલમાં કોઈ વિડિયો જોવામાં મસ્ત થઈ ગયા.
હરિ પાછો સ્ટાફના માણસોના કામ તરફ જોવા લાગ્યો. અરે... આ શું? હજી સુધી કેકની ટ્રોલી અહીંયા કેમ પડી છે? એણે ગોઠવેલી પાર્ટીની થીમ પ્રમાણે બર્થડે ગર્લ પરી બનીને જ્યારે હૉલની વચોવચ અચાનક આવી ગયેલી એક ફૂલો ભરેલી મોટી ટોપલીમાંથી બધાની સામે બહાર આવે ત્યારે આ કેક ત્યાં હાજર હોવી જોઈતી હતી. પરી ફૂલો વચ્ચેથી બહાર આવે કે તરત હાજર મહેમાનો તાળીઓ પાડશે, હેપી બર્થડેની સેટ કરેલી ધૂન શરૂ થઈ જશે અને ત્યાર પછી એ છોકરી કેક કાપશે...! પણ કેક હશે તો કાપશે ને? 
ઓહ્ માય ગોડ! છોકરી હાજર થઈ ગઈ હતી, બધા તાળીઓ પાડી રહ્યા હતા, હેપી બર્થડેની ધૂન વાગવાની શરૂ થઈ અને કેક...? હરિ ટ્રોલીને ધક્કો મારતો ભાગ્યો હતો. બધા લોકો ગોળ ટોળું વાળીને ઊભા રહી જાય એ પહેલાં એનું ત્યાં પહોંચી જવું જરૂરી હતું. દસેક ફૂટનું અંતર કાપતાં આમ તો વધારે સમય જાય એવું નહતું પણ હરિ થોડો ગભરાયો હતો અને એ ગભરામણમાં જ ટ્રોલી જરાક વધારે જોરથી ધકેલાઈ ગઈ અને એ સીધી પેલી છોકરી તરફ જઈ ચઢી. છોકરી પણ આ ધસમસતી ટ્રોલીને પોતાના તરફ આવતી જોઈ ગભરાઈ હતી અને બાજુમાં ખસવા જતા એ હરિ સાથે ભટકાઈ પડી... બંને નીચે પડ્યા. નીચે પરી એની ઉપર હરિ...!
કોણ જાણે શું થયું તે પરી હરિની સામે જ જોઈને મલકાઇ રહી.. હરિને લાગ્યું જાણે એની સ્વપ્ન સુંદરી એને મળી ગઈ. બંને જણાં ઊભા થયા છતાં એકબીજાને નીરખવાની ચેષ્ઠા જારી રહી... પ્રેમના ફણગા ફૂટી નીકળ્યા હતા, હવે એને બસ થોડાક સમયની જરૂર હતી. હરિને થયું આટલા મોટા શેઠનો પોતે જમાઈ બનશે, હા... બનશે જ, શેઠને દીકરી વ્હાલી છે એ એને દુઃખી નહિ કરે! પોતે પછી શેઠજીનો ધંધો સંભાળી લેશે... ખૂબ મન લગાવીને એમની મિલકતમાં બે ગણો, ત્રણ ગણો વધારો કરે જશે, પછી એક દિવસ લાગ જોઈને એ મી. લાલવાનીને જમવા માટે નોતરશે અને મી. શર્મા કેટલો લુચ્ચા સ્વભાવનો છે એની એમને જાણ કરશે. એ ખુશ થઈને હરિનો ખભો થાબડશે અને મેનેજર, મી. શર્માને નોકરીમાંથી કાઢી મેલશે. એ મેં... મેં...કરતો સદાને માટે ચાલી જશે. હરિ હસી પડ્યો. 

“અરે સાબ...આજ ઘર નહિ જાના કયા? સબ લોગ કબકે ચલે ગયે, આપ યહી ટેબલ પર સો ગયે થે ક્યા?” લૉક કરતા પહેલા હૉલમાં નજર નાખવા આવેલા માણસે હરિને ખૂણાના ટેબલ પર ઊંઘતો જોઈ કહ્યું, “સારા કામ આપને કિયા થા... થક ગયે હોંગે, ક્યોં?"
હરિ ફરી હસી પડ્યો...!!
નિયતી કાપડિયા.