બુધવારની બપોરે - 34

બુધવારની બપોરે

(34)

સ્ટેજ ન ચઢીયો કોય...

ભરચક સભાગ્રૂહમાં સ્ટેજ પર બેસવું સિધ્ધિ છે અને ઑડિયન્સમાં બેસવું લાચારી છે. અલબત્ત, બન્ને અવસ્થામાં હૉલમાં શ્રોતાઓ હોવા આવશ્યક છે. ખાલીખમ્મ હૉલમાં સ્ટેજ કે ઑડિયન્સમાં બેસવું, હૉલના વૉચમૅનો માટે નોકરી છે....આપણે આવું બેસવાનું આવ્યું હોય તો કોઇ સમજે ખરજવું થયું લાગે છે! ગાર્ડનનો બાંકડો અને હૉલની ખુરશીઓ વચ્ચે શ્રોતાઓની સંખ્યાનો જ ફર્ક છે. બાકડામાં તો ત્રણ થઇ ગયા, એટલે હાઉસફૂલ અને હૉલમાં ત્રણ જ આવ્યા હોય તો આયોજકે પોતાના લમણામાં ભડાકો કરવો પડે. એક સમારંભમાં હું મુખ્ય મેહમાન તરીકે ઉત્સાહમાં ટાઈમસર પહોંચ્યો ને આખા હૉલમાં ત્રણ જ શ્રોતાઓ આવ્યા હતા. હું ચોથો પહોંચ્યો એમાં તો ડઘાઈ જઇને આયોજક મારી પાસે આવીને (મને ઓળખ્યો નહિ હોય એટલે) તતડાવ્યો, ‘અલ્યા....કેમ હજી હૉલ સાફ કર્યો નથી...? જલ્દી ઝાટકવા માંડ....હમણાં ઑડિયન્સ આવશે...!’ (કદાચ ઓળખીને પણ કીધું હોય!...)

સ્ટેજ બહુ લલચામણી અને લપસણી ભૂમિ છે. ત્યાં પહોંચવું ઘણાનું સપનું હોય છે. પૂરા હૉલમાં એ સર્વોચ્ચ સ્થાન હોવાથી સ્ટેજ પર ચઢવું સહેલું છે, પણ ઉતરવું અઘરૂં છે. ચઢવામાં ઉતાવળ અને સ્પીડ પણ ઘણી હોય છે. ફ્લૅટના ગ્રાઉન્ડ-ફ્લૉર પર વાંદરાઓ કાચી સેકંડમાં સીધા ટેરેસ પર પહોંચી જાય છે, એમ કાર્યક્રમના સ્ટેજીયા-મેહમાનો સ્ટેજ પર ચઢી જાય છે. મોંઢા હસુ-હસુ થતા હોય ને ઉપર પહોંચ્યા પછી પહેલું કામ, પોતાને કઇ ખુરશી ઍલૉટ થઇ છે, એ જોઇને ગોઠવાઇ જવાનું હોય. મનસૂબો તો વચ્ચેની ખુરશીમાં જમાવટ કરવાનો હોય, પણ દરેક હૉલમાં વચ્ચેની ખુરશી એક જ હોય છે. સ્ટેજ ભરાઈ ગયું હોય, પણ મેહમાનોની એકાદી ખુરશી ખાલી હોય, એ જોવા નેપથ્યના પડદાની નાનકડી ગપોલીમાંથી એકાદો જરાક અમથું ડોકું કાઢીને જોઇ લે છે કે, એકાદી ખુરશી ખાલી છે? હોય તો સ્માઇલો આપતો આપતો સાઇડમાંથી આવે અને ઑડિયન્સને વાંકો વળીને ‘નમસ્તે-નમસ્તે’ કરતો આસ્તેથી ખુરશીમાં ગોઠવાઇ જાય. અલબત્ત, ખુરશીઓની લાઇનમાં ગોઠવાઇ ગયા પછી શું કરવું, એનો બધાને અનુભવ હોતો નથી, એટલે ચોખ્ખું ટૅન્શન એમના મોંઢા ઉપર દેખાય. હલ્યાચલ્યા વિનાના ડાહ્યાડમરાં થઇને પરાણે મોંઢા હસતા રાખીને બેઠા હોય. જો કે, બીજું કરી ય શું શકે? ખિસ્સામાં પત્તાની કૅટ પડી હોય તો પણ બાજુવાળાને ઑફર ન કરી શકાય કે, ‘ચલો...રમીની એકાદ ગૅઇમ થઇ જાય....?’ પૂરા વિશ્વમાં એક ફક્ત સ્મશાનમાં અને બીજું સ્ટેજ પર પરાણે ઉપજાવી કાઢેલા હાવભાવો વાપરવાના હોય છે.

યસ. સ્ટેજ પર ગોઠવાયા પછી સૌથી અઘરૂં પડે છે, હાથને ક્યાં રાખવા! અમે લોકો ખાડીયામાં રાત્રે જમી કરીને પોળને નાકે આવ્યા પછી દુકાનોના ખાલી ઓટલાઓ ઉપર એક ઢીંચણ ઊંચો કરીને બીજો હાથ એની ઉપર લબડતો રાખીને બેસતા. એ અમારી સ્ટાઈલ હતી, બાપ! કમનસીબે, આ પધ્ધતિનો આગળ જતા વિકાસ ન થયો અને સ્ટેજ-ફંક્શનોમાં મેહમાનોથી આ પધ્ધતિ અને આકારથી બેસાતું નથી.

તો પછી સ્ટેજ પર બેસવાની આદર્શ પધ્ધતિ કઇ? પલાંઠી વાળીને બેસીએ તો બધાની બાઓ ખીજાય અને અડધી પલાંઠીમાં એક પગ લટકતો રાખીને કહે છે કે, મૅક્સિમમ તો...નાગરો હિંચકે બેસે. પુરાણોમાં કહ્યું છે, પલાંઠીની શોધ બ્રાહ્મણોએ અને હિંચકાની શોધ નાગરોએ કરી હતી.

અલબત્ત, એક પધ્ધતિ સદીઓથી અમલમાં છે કે, ખોળામાં બન્ને હથેળીઓ હખણી રાખીને ચુપચાપ ખુરશીમાં બેઠા રહેવું. કેટલાક નવાસવા સ્ટેજીયાઓ ખુરશીના બન્ને હાથા ઉપર કોણી ટેકવીને બેઠેલા જોવા મળે છે અને ઉંમર થઇ ગઇ હોય તો હાથ ભલે ખુરશીના ડાંડા ઉપર ટેકવ્યા હોય, પણ શ્રી.સત્યનારાયણની કથા વખતે તાંબાના કળશીયા ઉપર પિપળાના પાનની વચ્ચે નારીયેળ ગોઠવ્યું હોય એમ ડોકું બન્ને ખભાની વચ્ચે નીચું ઉતરી ગયું હોય! સ્ટેજ પર નવા નવા બેસનારાઓ માટે અહીં ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ છે કે, યુવાન હો એનો મતલબ એ નથી કે, સ્ટેજ પર ઍન.સી.સીના કૅડેટ્‌સને બેસાડ્યા હોય એમ છાતી કાઢીને ટટ્‌ટાર બેસો, કે પછી કન્યા જોવા જમાઇરાજ આવ્યા હોય એમ ઑડિયન્સની સામે લાલચભરી નજરે જોતા બેસી રહેવાય. બા ખીજાય...!

પણ લાખો સલામો ગુજરાતી સાહિત્યકારોને, જેમણે સદીઓથી ગાલ ઉપર જમણાં હાથની પહેલી આંગળી ટેકવીને બેસવાની અત્યાધુનિક પધ્ધતિ શોધી કાઢી છે. આમાં બાકીના ત્રણ આંગળા વાળીને પહેલી આંગળી ગાલ ઉપરની હડપચી ઉપર સન્માનપૂર્વક ગોઠવીને ચૂપચાપ બેસી રહેવાનું છે. છાપ ચિંતક કે વિચારકની પડવી જોઇએ, ગાલ ઉપરનું ગૂમડું એક આંગળી વડે પંપાળતા હો, એવી નહિ. આ અદાથી સ્ટેજ પર બેસવા માટે લાખો ટન સાહિત્યની સમાજને ભેટ ધરેલી હોવી જોઇએ. ચાર જોડકણાં લખીને કવિ થઇ બેઠેલાઓને પોતાના કે બાજુવાળા મેહમાનના ગાલે આંગળી અડાડીને બેસવાનો કોઇ હક્ક નથી.....ઔર યે પૉઇન્ટ નૉટ કિયા જાય, મી લૉર્ડ...!

સાહિત્યકારો ગાલે પેન અડાડીને ફોટા પડાવે છે, એનું એક કારણ એ છે કે, હવે એ લોકો પોતાને સાહિત્યકાર નહિ, ‘વિચારક’, ‘વિચાર-પુરૂષ’ કે ‘ચિંતક’ તરીકે ઓળખાવવું વધુ પસંદ કરે છે. ફોટો પડાવતી વખતે ચિંતનો કે વિચારો તો ખૂબ આવતા હોય પણ ગાલે અડાડવાની પૅન ન હોય એ કમી કેટલાક વિદ્વાનો ફક્ત આંગળી અડાડીને ચલાવી લે છે. અમારા જમાનામાં સ્ટુડિયો હતા, જેમાં ફોટો પડાવવા માટે કોટ (બ્લૅઝર), ફ્લાવર-વાઝ, પાછળ મહેલના ડ્રૉઇંગ-રૂમનું બૅક-ગ્રાઉન્ડ બતાવતો પડદો અને ગાલે અડાડી રાખવાની પૅન પણ સ્ટુડિયો તરફથી મળી શકતી. પૅને ય ઠોઠીયું હોય, મહીં સ્યાહિ-બ્યાહિ ન હોય અને ફોટો પડી ગયા પછી સ્ટુડિયોવાળાને પાછી આપી દેવાની. અલબત્ત, સ્ટેજ-ફંક્શનોમાં મેહમાનોને ગાલે અડાવવાની પૅનો આયોજકો તરફથી અપાતી નથી, તે ઘણું દુઃખદ છે. કહે છે કે, નવા નવા મેહમાનો પૂરૂં સમજી શકતા નહોતા કે, પૅન આપણે ગાલે અડાડી રાખવાની કે બાજુમાં બેઠેલા મેહમાનના ગાલે! વધુ દુઃખદ તો એ છે કે, મંચસ્થ મહાનુભાવોને આવી ગરમીમાં શૉલ ઓઢાડાય છે, પણ એકાદી બૉલપૅન ઓઢાડાતી નથી. સ્ટેજ પર કવિ-લેખકોને શૉલને બદલે કોઇ ફ્રીજ કે પાણીની ટાંકી કેમ ઓઢાડાતા નથી! આવા ઉનાળામાં તો એ કામમાં આવે!

શ્રોતાઓને મોટા ભાગે ઈશ્વરના ભરોસે છોડી દેવાય છે. સ્ટેજ ભરવા માટે માની લો કે, દસ મેહમાનો બેઠા હોય, એમાંના માંડ ત્રણ-ચાર બોલી રહ્યા હોય, એટલે શ્રોતાઓ કરૂણતાપૂર્વક ગણત્રીઓ માંડવા માંડે છે, ‘‘તઇણ પત્યા.....હજી બીજા છ ને કાઢવાના છે...!’ (....‘કાઢી જવાના છે’ બોલી શકાતું હોત તો શ્રોતાઓમાં પણ નવશક્તિ અને સ્ફૂર્તિનો સંચાર થાય.....આ તો એક વાત થાય છે!)

પણ નિરીક્ષણનો વિષય છે. જે વક્તો બોલતો હોય, એના પછી જેનો વારો હોય એના હાવભાવ જોવા જેવા હોય. પેલો જે કાંઇ બોલતો હોય એમાં ‘ચલો નૅક્સ્ટ’વાળાનું ધ્યાન કે ઇન્ટરેસ્ટ ન હોય. એ જરા નર્વસ બેઠો હોય, પણ શ્રોતાઓને લાગવું જોઇએ કે, એ પણ વક્તાને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો છે. એ થોડૉ ટૅન્શનમાં હોય કે, આ બોલી રહે પછી મારો વારો છે, એટલે ‘શું બોલવાનું છે?’ એની સ્ક્રિપ્ટ મનમાં ગોઠવતો હોય. એ ઊંઘતો ત્યારે ઝડપાય, જ્યારે વક્તાને ઑડિયન્સે તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હોય ત્યારે પહેલી બે-ચાર સેકંડ એ બાઘો બની ગયો હોય અને ઝબકીને જાગીને તીન-પત્તીના પત્તાં ચીપતો હોય એવી દમ વગરની ત્રણ-ચાર બોદી તાળીઓ વગાડી લે છે.

એક ભૂલ શ્રોતાઓના પક્ષે ય છે કે, વક્તાને બિરદાવવાની અને ‘બેસાડી દેવાની’ અલગ અલગ તાળીઓ શોધાઇ ન હોવાથી દરેક વક્તો એમ માને છે કે, હજી લાંબુ ખેંચીશ તો શ્રોતાઓ વધુ ઈમ્પ્રેસ થશે.

.....જો કે, આ સ્ટાઇલ પણ ગુજરાતીઓએ જ શોધી છે કે, ‘તું તારે બોલે રાખને ભ’ઇ....અહીં હાંભળે છે કોણ?’ એ આરામથી પોતાના મોબાઇલ ઉપર મંડ્યા હોય....

વક્તાને બેસાડી દેવા માટે મોબાઇલની શોધ એક અદભુત ઈલાજ છે....એને સાંભળવાને બદલે તમે મોબાઇલ મચડતા હો, એમાં એ અડધો નહિ પૂરો નર્વસ થઇ જાય છે....(આ ઉપાય બીજા વક્તાઓ માટે છે, હું બોલતો હોઉં ત્યારે નહિ!)

સિકસર

‘વેચવાનું છે હ્રદય, જૂજ વપરાયેલું, ટીપટૉપ કન્ડિશનમાં, અવિવાહિત યુવતીઓને ભારે ડિસકાઉન્ટ. પુરૂષોએ અરજી કરવી નહિ....ફક્ત બાયપાસનો ખર્ચો ખરીદનારનો.’

--------

***

Rate & Review

KINJAL 4 weeks ago

Asif Saya 2 months ago

Rekha Satani 2 months ago

Mewada Hasmukh 2 months ago

Jayesh Joshi 2 months ago