Swastik - 15 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 15)

કપિલ કથાનક

નાગમણી યજ્ઞએ એ બાપ દીકરાનું દ્રશ્ય પૂરું થતા જ એક બીજું દ્રશ્ય બતાવવાનું શરુ કર્યું. નાગપુર રાજ મહેલમાં ગુપ્ત ચર્ચા ચાલી રહી હતી.

દિવાન ચિતરંજન, રાજમાતા ધૈર્યવતી અને દંડનાયક કર્ણસેન રાજમાતાના કક્ષમાં એક ખાનગી ચર્ચામાં વ્યસ્ત હતા.

“દિવાન ચિતરંજન, આમ એકાએક ગુપ્ત સભા બોલાવવાનું કારણ?” રાજમાતા પોતાની લાકડાની ખુરશી પર ગોઠવાયા. એમના હાથ સુંદર કોતરણીવાળા ખુરશીના હેન્ડ્સ પર સ્થિર થયા, “મને ખાતરી છે મંદિર પર જે હુમલો થયો અને પાંચ સિપાહીઓ માર્યા ગયા એ મામૂલી ઘટના માટે તો તમે આ સભા નહી જ બોલાવી હોય.”

“એ કામ માટે તો મારે એ વૃદ્ધ અને યુવક સાથે સભા ગોઠવવી પડી હતી. એ માટે અહી સભાની શી જરૂર પડે..?” ચિતરંજનની આંખોમાં અજબ રહસ્યમય સ્મિત આવ્યું. એ જ સ્મિત રાજમાતાના ચહેરા પર પણ હતું. પણ ચિતરંજન જાણતો હતો કે પોતે હવે જે શબ્દો બોલવાનો હતો, જે નામ ઉચ્ચારવાનો હતો એ સાંભળીને રાજમાતાના ચહેરા પરનું સ્મિત ગાયબ થઇ જશે પણ એ નામ ઉચ્ચાર્યા સિવાય કોઈ છૂટકો ન હતો. એ નામનો નાશ કરવા એ નામ ઉચ્ચારવું જરૂરી હતું.

“કેપ્ટન ઓબેરી ત્રણ દિવસ પછી નાગપુરમા આવવાનો છે..” દિવાને વાતની શરૂઆત કરી. તે પોતાની ખુરશી પરથી ઉભો થઇ અદબપૂર્વક બોલ્યો.

“કેપ્ટન હેનરી..?” રાજમાતા અચંબિત થઇ ગયા, ચિતરંજને ધાર્યા મુજબ એમના ગોળ ભરાવદાર ચહેરા પરનું ગર્ભિત સ્મિત અદ્રશ્ય થઇ ગયું અને એને બદલે એમના ચેહરા પર દુ:ખ અને ગુસ્સાના ભાવ ઉમટી આવ્યા. કેમકે એ નામ સાંભળતા જ રાજમાતાની ગોળ ગુસ્સેલ આંખો સામે લાશોનો ઢગલો દેખાવા લાગ્યો.

એ દિવસે તેઓ પોતે નાગમતી નદીની પશ્ચીમે આવેલા એ વિસ્તારમાં સિપાહીઓ સાથે ગયા હતા. વીસ ઘોડે સવારો સાથે રાજની બગી આદિવાસી ઝૂપડાના આગથી બચી ગયેલા અવશેષો સામે આવી ઉભી રહી હતી.

“આ શું થઇ ગયું..?” રાજમાતાએ બગી નીચે ઉતરતા એક જ શબ્દ બોલ્યો હતો. એમનાથી વધુ બોલી શકાય એમ ન હતું.

એમની આંખો સામે જે દ્રશ્ય હતું એ ગમે તેવા મજબુત હૃદયના પુરુષને પણ હોશ ભુલાવી નાખે એવું હતું. ચારે તરફ જમીન પર લીલા કુણા ઘાસને બદલે રાખ ફેલાયેલી હતી. જયાં વિશાળ વિસ્તારમાં આદિવાસીઓના ઝુંપડા ફેલાયેલા હતા ત્યાં માત્ર રાખના નાના મોટા ઢગ થયેલા હતા.

આદિવાસી કબીલો નાગપુરમાં દરેક જંગલ પેદાશો પહોચાડતો હતો. કબીલાનો સરદાર વસુર્ણ વર્ષોથી એ કામ કરતો હતો. કબીલો એના પૂર્વજો સમયથી નાગપુર રાજ પરિવાર સાથે જોડાયેલો હતો. જંગલનો એ ભાગ નાગપુરની હદ બહાર હતો પણ એમના માટે નાગપુર રાજ પરિવાર જ એમનો પાલક હતો. એમણે ભેગી કરેલી લાખ, રાળ, ગુંદર, મધ, કાથો અને મોટા ભાગની ઔષધીઓ નાગપુરમાં વેચાતી અને કબીલો ખુશ જીવન જીવતો હતો.

પણ રાજમાતા સામે એ કબીલાના બસ કેટલાક જ માણસો જ દેખાઈ રહ્યા હતા. માંડ પચાસેક જેટલા માણસો. એ બધા માણસો જાણે પાગલ થઇ ગયા હતા. સિપાહીઓ પણ એમને નવાઈથી જોઈ રહ્યા હતા. રાજમાતા જયારે પણ ત્યાં જતા તેઓ માથું નમાવી એમનું સ્વાગત કરતા. કબીલામાં વર્ષે એકવાર મેળો ભરાતો અને એ દિવસે રાજ પરિવારને કબીલા તરફથી આમંત્રણ આપવામાં આવતું. રાજ પરિવારનો કોઈને કોઈ સભ્ય એ આદિવાસીઓના મેળામાં હાજરી આપતો જ. આદિવાશીઓ એથી ગર્વ અનુભવતા

પણ એ રાખના ઢગલા જેવા વિસ્તારમાં એ સમયે કોઈએ એમના તરફ જોયું પણ નહી. એ બધા આસપાસ વીખેરાયેલી અરધી બળેલી લાશો ભેગી કરી એક ઢગ બનાવી રહ્યા હતા. ચારે તરફ આદિવાશીઓના ભુંજાયેલા શબ પડ્યા હતા. કેટલાકના હાથ કપાયેલા હતા તો કેટલાકના પગ. કેટલાકની છાતીમાં કાણા હતા તો કેટલાકના માથા ફાટી ગયેલા હતા.

રાજમાતાના પગ જાણે જમીન સાથે ચોટી ગયા. એમને જંગલ ગોળ ફરતું હોય એમ લાગવા માંડ્યું.

એ ઢગમાં બાળકો અને સ્ત્રીઓ હતા. પણ બહુ ઓછા.

“વસુર્ણ ક્યા છે?” રાજમાતા એક ચીસ સાથે જાણે હોશમાં આવ્યા હોય એમ એ ઢગલા તરફ દોડ્યા.

આદિવાશીઓ જાણે મૂંગા બની ગયા હોય એમ પોતાનું કામ કર્યે ગયા કોઈ કઈ બોલ્યું નહિ.

“યુવક...” રાજમાતાએ એક યુવકને એના ખભાથી પકડી હચમચાવી નાખ્યો, “મુખિયા ક્યા છે? કબીલાના બધા બાળકો અને જુવાન છોકરા છોકરીઓ ક્યા છે..?”

બે સિપાહીઓ દોડીને એમની નજીક આવી ગયા. એમને કદાચ રાજમાતાની સલામતીની ચિંતા હતી પણ રાજમાતાએ હાથના ઈશારે સિપાહીઓને દુર રહેવા જણાવ્યું.

બનાવ જ કઈક એવો હતો. ત્યાં વસતા સો કરતા પણ વધુ ઝુપડાને આગ લગાવી દેવાઈ હતી. બાળકો અને સ્ત્રીઓને ગુલામ બનાવાયા હતા અને પુરુષોને કાપી નાખ્યા હતા.

જયારે રાજમાતા સિપાહીઓ સાથે ત્યાં પહોચ્યા બચી ગયેલા આદિવાસીઓ લાશો ખડકીને ભેગી કરી રહ્યા હતા. એક હાથી જેટલી ઊંચાઈનો એ લાશોનો ઢગ જોઈ રાજમાતાનું કાળજું એમના મો સુધી આવી ગયું હતું. આદીવાસીઓ રડતા સિસકતા હતા. બે રાજ સિપાહીએ એમને બહુ પુછતાછ કરી પણ એ હુમલો કોણે કર્યો કઈ ભાળ મળી ન હતી.

રાજમાતાએ બધી લાશોના વિધિસર અંતિમ સંસ્કાર રાજ ખર્ચે કરાવ્યા હતા. બચી ગયેલા અને જંગલમાં ભાગી ગયેલા આદિવાશીઓને નાગપુર જંગલમાં નિવાસ માટે સહારો આપ્યો હતો. એક એક પરિવારને ફરી કુટીરો ઉભી કરવા માટે રૂપિયા ત્રણસો રોકડની સહાય આપવામાં આવી.

રાજમાતાએ એ ક્રૂર અત્યાચારી ઘટના પાછળ કોણ જવાબદાર છે એ જાણવાનું કામ રાજ્યના ગુપ્તચર વિભાગને સોપ્યું હતું. ગુપત્ચારમાં ખાસ વિશ્વાસુ ભોમેશને એ કામે લગાવાયો હતો. ભોમેસ ગોરાઓની જુબાન જાણતો હતો. એણે એકાદ અઠવાડિયામાં એ ઘટના પાછળ કેપ્ટન હેનરી ઓબેરીનો હાથ છે એ પતો મેળવી લીધો.

એણે રાજમાતા સમક્ષ ઓબેરીનો આખો ઈતિહાસ રજુ કરી નાખ્યો હતો. એ લોહીયાળ લુંટમાં માહિર ચાંચીયો કઈ રીતે ભારતમાં જનરલ વેલેરીયસના સાથને લીધે વેપારી બની બેઠો છે અને કઈ સિફતથી એણે એ કામ કર્યું હતું. કઈ રીતે એણે રાતના અંધકારમાં ઝુપડાઓને આગ લગાવી દીધી હતી અને બચવા માટે નીકળતા એક એક પુરુષોને વીંધી કે કાપી નાખ્યા હતા. એણે કઈ રીતે બાળકો અને સ્ત્રીઓને કાબુમાં લીધા હતા. એની પાસવી રીતો ગુપ્તચરે જયારે કક્ષમાં કહી બધા થથરી ઉઠ્યા હતા.

કેપ્ટન ઓબેરી અને એના માણસોએ હુમલો કરી કેદ કરેલી યુવતીઓના કપડા કાઢી લીધા હતા જેથી તેઓ ક્યાય ભાગવાનો પ્રયાસ ન કરે. પોતાની નજર સમક્ષ પોતાની માતા અને બહેનોને નગ્ન અવસ્થામાં જોઈ બંદુકની નાળ સામે લાચાર બની ઉભેલા ભાઈ અને દીકરાઓ એ ગોરાઓને મારી શકે એમ તો ન હતા પણ સળગતા ઝુપડાઓની આગમાં કુદી પડ્યા હતા.

ઇતિહાસમાં પુરુષો માટે સ્ત્રીઓના આગમાં કુદી પડ્યાના અનેક દાખલા હતા પણ આ પહેલો કિસ્સો હતો જયારે લાચાર પુરુષો એમની બહેન બેટીને નગ્ન અવસ્થામાં જોઈ શક્યા ન હતા અને એમણે આગમાં કુદી પડવું પસંદ કર્યું હતું.

ત્યાં દરેક બહેન દીકરીઓ આગમાં પડવા માંગતી હતી પણ એ એટલી નસીબદાર ન હતી કે એમને એ મોત મળે, ગોરાઓએ બાળકોને કેદ કરેલા હતા. પોતાના બાળકો, ભાઈ, માતા પિતા કે પરિવારનો જીવ બચાવવા એ પોતાની જાતને નિર્જીવની જેમ ઉભી રાખી શકી હતી.

નાગમતીના નિર્મળ નીરે પોતાના તટે થયેલો આ ભયાવહ બનાવ નજરે નિહાળ્યો હતો. બાકી બચેલા આદિવાશીઓમાંથી મોટા ભાગના પાગલ થઇ ગયા હતા અને જે બચી ગયા હતા એમણે આપેલા વર્ણન મુજબ ભોમેશે આગળ તપાસ ચલાવી બધી માહિતી રાજ પરિવાર સુધી પહોચાડી હતી.

નાગમતીના પવિત્ર નીરમાં એ યુવતીઓને નગ્ન અવ્સ્થમાં જ મોટી હોડીઓમાં ચડાવી દેવાઈ હતી અને મુંબઈ બંદર સુધી પહોચાડ્યા પછી એમની રાહ જોતું જહાજ એમને આરબ દેશોમાં કાયમી ગુલામીની સાંકળો તરફ ખેચી ગયું હતું.

ગુપત્ચરે આપેલી માહિતી પછી દિવાન ચિતરંજન દંડનાયક અને અન્ય અધિકારીઓના મગજ પર એક જ ધૂન સવાર હતી કેપ્ટન ઓબેરીની હત્યા. આદિવાસી અત્યાચારનો બદલો.

પણ કઈ રીતે?

એ રીત મળી જતા દિવાને એક ગુપ્ત સભા તાત્કાલિક બોલાવી હતી.

“દિવાન, ઓબેરી નાગપુરમાં આવવાની હિમ્મત ન કરે..” રાજમાતાએ આંખો બંધ કરી એ હત્યાચારને ભુલાવનો પ્રયાસ કરતા કહ્યું.

“રાજમાતા...” દિવાને માથું જુકાવી કહ્યું, “ગુસ્તાખી માફ પણ પાકા સગડ મળ્યા પછી જ મેં આ ગુપ્ત સભા બોલાવી છે.”

“રાજકુમારને આ સભાની ખબર તો નથીને..?”

“ના, માતા...” દંડનાયકે કહ્યું, “આ ગુપ્ત સ્થળ રાજમહેલમાં જ છે પણ આપણા ત્રણ સિવાય કોઈ એના વિશે જાણતું નથી..”

રાજમાતાએ રાહતનો શ્વાસ લીધો. સુબાહુ બળવાન હતો એના પિતા જેમ પ્રમાણિક હતો પણ રાજમાતા હજુ એને બાળક સમજતા હતા. મોટા ભાગની રાજરમતોથી એને દુર જ રાખવામાં આવતો.

“ખબર ક્યાંથી આવી છે?” હવે રાજમાતા સ્વસ્થ થઇ ચુક્યા હતા, રાજનીતિમાં એ જરૂરી હતું. હિંસાથી ચલિત થઇ જનાર ક્યારેય રાજ ચલાવી શકતો નથી.

“મલીકા અને કર્ણિકાએ અંગ્રેજ વેપારીઓની ખુશામત માટે કોઠા ખોલી રાખ્યા છે અને એમાં રાજના પણ કેટલાક લોકોનો હાથ છે. માતા જે કામ નાગપુરમા પ્રતિબંધિત હતા એ દરેક કામ હવે પાંગરવા લાગ્યા છે..”

“એ સમાચાર મને મળ્યા છે પણ એને ઓબેરી સાથે શું લેવાદેવા..?” દંડનાયકે વચ્ચે ખલેલ કરી.

“એ જ વાત પર આવું છું..” દિવાન ચિતરંજન આગળ બોલવા લાગ્યો, “કર્ણિકા અને મલિકા અંગ્રેજ વેપારીઓ સાથે વધુ હળી મળી ગયા હતા. ગોરા વેપારીઓ રાજના મહેમાન ભવન કે ઈંગ્લીશ કેન્ટોનમેન્ટ કરતા પણ ત્યાં રોકાવાનું વધુ પસંદ કરે છે. કેમકે એમણે ક્યારેય ન જોયેલી હુક્કાની લીજ્જ્ત, શરાબ અને શબાબની મહેફીલો ત્યાં મંડાય છે. અને ખાસ તો કર્ણિકાના જુગાર અને પાસાની રમતે એ સ્થળને વેપારીઓનું પસંદગીનું સ્થળ બનાવી નાખ્યું છે.”

ચિતરંજન ઘડીભર અટક્યો, કદાચ આગળ જે બોલવાનું હતું એ રાજમાતાની હાજરીમાં કહેવું કે કેમ એની વિમાસણમાં પડી ગયો.

“શું થયું દિવાન..?”

“માતા.. ત્યાં દેહ વેપારથી લઈને આંધળા જુગાર સુધી બધું થાય છે. ઘણા વેપારીઓ તો મહિનાઓના વેપારમાં જે કમાયા હોય એ ત્યાં જ મુકીને જાય છે તો કેટલાક તો ત્યાંથી ક્યારેય બહાર નીકળતા જ નથી કેમકે કર્ણિકા અને મલિકા સર મેક્લને પોતાની કોઠા અને જુગારધામની કમાણીનો ભાગ મોકલાવતી રહે છે. માતા આપનું દિલ ન દુખાય એ માટે મેં ક્યારેય કહ્યું નથી પણ હવે નાગપુર માત્ર નામનું જ નાગપુર રહ્યું છે હવે અહી મહારાજે બનાવેલા કોઈ નિયમો નથી રહ્યા, પાસેના જંગલમાં અને આપણા રાજમાં એક જેવો નિયમ વર્તાય છે. બળીયાના બે ભાગ અને ગોરાઓ બળિયા છે. એ બધેથી બે ભાગ લઇ જાય છે અને કર્ણિકા જેવી સ્ત્રીઓ એમને પોતાની હરામની કમાણીમાંથી હસતા હસતા બે ભાગ આપવા તૈયાર છે.”

“દિવાન.. આ બધું મારી જાણ બહાર નથી પણ રાજનીતિમાં યોગ્ય સમયની રાહ ન જોઈ શકે એની હાર થાય છે..” રાજમાતાએ એકદમ સ્વસ્થ ચિતે કહ્યું, “જયારે મહેલ બહાર નીકળી આમ જનતાની આંખોમાં રાજ પરિવાર માટે નફરત અને તિરસ્કાર દેખું છું ત્યારે જ મને સમજાઈ જાય છે કે રાજમાં શું શું ચાલતું હશે...”

“હા, રાજમાતા સામાન્ય લોકો તો એમ જ સમજે છે કે આપણે રાજી ખુશીથી ગોરાઓની સાથે છીએ અને રાજમાં ચાલતા મોટા ભાગના ગોરખધંધા પર રાજ પરિવારની રહેમ નજર છે.” દંડનાયકે કહ્યું.

“એ માટે યોગ્ય સમય જોઇશે... એક હાકલ ફરી સામાન્ય જનતાને સચ્ચાઈ કહી જશે પણ એ માટે યોગ્ય સમય જોઇશે..” રાજમાતાના બોલ્યા પણ તેમાં ઉદાસી છાની ન રહી.

“કર્ણિકા કેટલા ઊંડાણમાં છે એ જાણવા માટે મેં બિંદુ નામની એક આપણા તરફી છોકરીને એના કોઠા પર ગોઠવી લીધી છે. એ ત્યાં રાજના ગુપ્તચરની જેમ કામ કરે છે..” દિવાને સહેજ ખચકાટ સાથે કહ્યું.

“એના પર કેટલો વિશ્વાસ મૂકી શકાય એમ છે..?”

“સંપૂર્ણ..”

“એ કઈ રીતે..?” દંડનાયકને નવાઈ લાગી. એક કોઠા પર કામ કરતી છોકરી પર સંપૂર્ણ વિશ્વાસ કઈ રીતે મૂકી શકાય.

“એ...” દિવાન ગૂંચવાઈ ગયો.

“એ.. શું.. દિવાન..?”

“એ આપની દાસી ચેલાણીની દીકરી છે. મેં જ એને ત્યાં મૂકી છે. એ અને એની માતા રાજ માટે એને ત્યાં મુકવા તૈયાર થયા છે..”

“દિવાન..” રાજમાતા ખુરશીમાંથી ઉભા થઇ ગયા, “આપે મને જાણ કર્યા વિના એ ફેસલો કઈ રીતે લીધો..?”

“ગુસ્તાખી માફ માતા..” દિવાને માથું જુકાવ્યુ, “પણ એ સ્થળે નાગપુર વિરુદ્ધ ષડ્યંત્ર રચાઈ રહ્યું હોવાની ગંધ આવતી હતી.. મારી પાસે હકીકત જાણવા એ સિવાય કોઈ માર્ગ ન હતો...”

“પણ એ માટે તમે એક રાજ ભકત પરિવારની દીકરીને જીવતા નરકમાં મોકલી દીધી..?”

“એના પિતા આ રાજ્યના વફાદાર હતા.. એ છોકરીએ જાતે જ એ કામ સ્વીકાર્યું છે. એનું માનવું છે કે એ પુરુષ નથી નહિતર સિપાઈ કે બાગી બની જાત પણ એનાથી વધુ ઉચું કામ એ કરી શકે એમ હતી..”

“બિંદુએ શું ખબર આપી છે?” દંડનાયકે વાતને ફરી મૂળ મુદ્દા પર લાવવાનો પ્રયાસ કર્યો.

રાજમાતા એમના એ પ્રયાસને સમજી ન શકે એટલા મુર્ખ ન હતા પણ એમની આંખો સામે કેપ્ટન ઓબેરીએ આચરેલ હત્યાકાંડ તાજો થયો અને એ હાથીની ઉંચાઈ સરખી ઊંચાઈનો લાશોનો ઢગલો તાજો થયો. એ ગરીબ યુવતીઓના નગ્ન દેહ એમની આંખ સામે તરી આવ્યા જે કોઈ અજાણ્યા દેશમાં વેચાઈ ગઈ હતી. એમને એક પળ માટે બિંદુ પર માન થઇ આવ્યું.

બિંદુ જેટલો મહાન ત્યાગ કોણ આપી શકે?

ગરીબ યુવતીઓની આબરૂ સાથે રમનાર એ દુષ્ટ ઓબેરીને સજા અપપાવવા બિંદુએ પોતાની આબરુની કુરબાની આપી હતી. કદાચ ઈતિહાસ એને એ કામ માટે યાદ નહિ કરે કેમકે ઈતિહાસ માત્ર બહાદુરીને જ વખાણે છે પણ બિંદુએ એ કામ કરી બતાવ્યું હતું જે કોઈ બહાદુરથી પણ થઇ શકે એમ ન હતું. પણ હવે આગળના કામ માટે બહાદુરની જરૂર હતી. મોતની ગુફા અને અંગ્રેજ વેપારીઓના ગઢ જેવા એ કોઠાને અંગેજ કોઠી કહી શકાય એમ હતું ત્યાં જઈ ઓબેરીનું માથું વાઢી લાવી આદિવાસીઓના દેવતાના ચરણે ધરવું એ કોઈ સહેલું કામ ન હતું.

પણ રાજમાતાએ આદિવાસીઓને એ વચન આપ્યું હતું.

“દિવાન એ કામ કોણ કરશે..?

“એ કામ માટે રાજનો અસેસીન તૈયાર છે...“ દિવાનના ચહેરા પર સ્મિત ફરક્યું, “સુરદુલ અને સત્યજીત ખાલી મંદિર પર ચાર સિપાહીઓને મારીને ખુશ નથી.. તેઓ ગોરાઓનું માથું વાઢવા હમેશા ઉતાવળમાં રહે છે..”

“એ બુઠ્ઠા વાઘને ખબર મોકલાવો અને સાથે રાજના ચિત્રકાર પાસે તૈયાર કરાવેલું કેપ્ટન ઓબેરીનું રેખાચિત્ર મોકલો...” રાજમાતાની આંખમાં બાજ જેવી ચમક દેખાઈ.

“જી માતા..” દિવાનની આંખોમાં પણ એ જ ચમક દેખાઈ, તે માથું નમાવી બહાર નીકળી ગયા.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky