Saap no bharo books and stories free download online pdf in Gujarati

સાપનો ભારો

વાર્તા:- ‘સાપ નો ભારો’

લેખક: જયેશ એલ.સોની-ઊંઝા

મો.નં.9725201775

રામજીભાઈ અને આનંદીબેનના માથે આભ તૂટી પડ્યું હતું.ચાર દિવસથી બંનેએ અન્ન-જળનો ત્યાગ કર્યો હતો.રડીરડીને આંખો સુઝી ગઈ હતી.તેમની દીકરી શારદા ચાર દિવસથી કોઈને કશું

જણાવ્યા વગર ઘર છોડીને જતી રહી હતી.દીકરી ગુમ થઇ ગઈછે એવું કોઈને કહેવાય નહીં અને સહેવાય

પણ નહીં તેવું દુઃખ તેમના લમણે આવ્યું હતું. શારદા જેવી અત્યંત વિનયી અને સમજુ દીકરી નસીબદારને

જ મળે એવું રામજીભાઈ માનતા હતા તો પછી તેણે આવું પગલું કેમ ભર્યું તેજ તેમને સમજાતું નહોતું.

શારદાથી બે મોટા ભાઈઓ નટવર અને રમેશ પરણ્યાપછી માબાપ ની દરકાર કર્યા વગર શહેરમાં અલગ

રહેવા જતા રહ્યા હતા.સહુથી નાની બેન કુંવારી છે તેને પરણાવવી પડશે તેવું પણ બંને ભાઈઓએ વિચાર્યું

નહોતું.રામજીભાઈએતો આખી જિંદગી ખેતી કરી હતી અને હવે વૃદ્ધ થયા હતા ત્યારે પાસે બચત પણ શું

હોય? શારદાને પરણાવવાની ચિંતા આ વૃદ્ધ દંપતીને કોરી ખાતી હતી.શારદા બધું સમજતી હતી કે બે

ભાઈઓ માબાપ અને નાની બેનની જવાબદારી માંથી છટકી ગયાછે.શારદા દેખાવડી અને ઘાટીલી હતી

એટલે રામજીભાઈને વધુ ચિંતા રહેતી હતી.તેમને એવો પણ વિચાર આવ્યો હતોકે કોઈ યુવાનના પ્રેમમાં

પડીને શારદા ઘર છોડીને ભાગીતો નહીં ગઈ હોયને? પણ શારદા જેવી ડાહી દીકરી ઉપર આવી શંકા

કરવા મન માનતું નહોતું.તો પછી શું થયું મારી દીકરીને? રામજીભાઈ હચમચી ગયા હતા.

આજે પાંચમો દિવસ હતો શારદાએ ઘર છોડ્યાને.પડોશમાં તો બધાંને એવુંજ કહ્યું હતુકે

શારદા શહેરમાં નટવરના ઘરે રહેવા ગઈછે.આજે બંને જણાએ નક્કી કર્યું કે બાજુના ગામમાં આવેલા

કુળદેવીના સ્થાનકે જઈ બાધા લઇ આવીએ.બંને નાહી ધોઈને તૈયાર થઈને કુળદેવીના સ્થાનકે પહોચી

ગયા.માતાજીની મૂર્તિ સમક્ષ બંને જણા ધ્રુસકેધ્રુસકે રડ્યા.અને દીકરી હેમખેમ પરત આવીજાય તો પ્રસાદ

ચડાવવાની બાધા રાખી.મનને થોડી શાંતિ જેવું લાગ્યું.થોડો સમય મંદિરના ઓટલે આરામ કરીને ઘરે

જવા નીકળ્યા.

ખડકીમાં પ્રવેશ કરીને ઘર પાસે પહોચ્યા ત્યારે તેમના આશ્ચર્યનો પાર ના રહ્યો.ઘર ખુલ્લું

હતું અને આંગણામાં બેસીને શારદા માથું ઓળી રહી હતી.બા બાપુજીને જોઇને શારદા ઘરમાં જતી રહી.

ત્રણે એકમેકને વળગીને ઘણું રડ્યા.કુળદેવીએ લાજ રાખી હતી.રામજીભાઈ કશું પુછેએ પહેલાં શારદાએ

ચોધાર આંસુએ રડતાં રડતાં કહી દીધુંકે” મને કશું પુછોતો તમને મારા સમ છે.તમારી દીકરી પવિત્ર છે.

કશી શંકા કરશો નહી.” વૃદ્ધ માબાપ ને તો દીકરી હેમખેમ પરત આવી એટલે બસ.આજે ત્રણે જણાએ

ધરાઈને રોટલો ને દૂધ ખાધું.

પણ રામજીભાઈએ મનોમન નક્કી કરી દીધું કે સારો મુરતિયો જોઇને દીકરીને પરણાવી

દેવી.અને તેમના સદનસીબે એક સારા ઘરની વાત આવી.છોકરો સારું કમાતો હતો,પ્રતિષ્ઠિત ઘર હતું

અને સહુથી સારી વાતતો એ હતીકે છોકરાવાળા સાદાઈથી જ લગ્ન કરવા માગતા હતા.ઘડિયા લગ્ન

લેવાયા.શારદા સાસરે વિદાય થઇ.હરખથી માબાપે કુળદેવીની બાધા પૂરી કરી.

શારદાનો પતિ ગોવિંદ શાંત,સમજદાર અને લાગણીશીલ હતો.શારદાને હથેળીમાં ફૂલની

જેમ રાખવા લાગ્યો.વળી તેમનું કુટુંબ પણ ખાધેપીધે સુખી અને મોભાદાર હતું એટલે શારદાને કોઈ

વાતે ચિંતા નહોતી.ગોવિંદની પોતાની જથ્થાબંધ અનાજની પેઢી હતી.સવારે આઠ વાગ્યાથી સાંજે નવ

વાગ્યા સુધી તે પેઢીમાં બેસતો.પણ ઘરે આવ્યા પછી એક પ્રેમાળ પતિ બની જતો.

એક દિવસ રાત્રે તેને ઘરે આવતાં મોડું થયું.ઘરે આવીને મેડીએ જઈને જોયુંતો શારદા

હતી નહી.અડોશપડોશમાં ક્યાંક બેસી હશે એમ વિચારીને ગોવિંદ જમીને સુઈ ગયો.લગભગ એક વાગ્યે

તેની આંખ ખુલી, હજી શારદા આવી નહોતી.તે કંઈ વિચારે એ પહેલાં દરવાજો ખોલીને શારદા ઘરમાં આવી.

ગોવિંદે પૂછ્યુંતો તેણે કહ્યુંકે પડોશમાં બેઠી હતી.

બીજા અને ત્રીજા દિવસે પણ આવુંજ બન્યું.ગોવિંદે વિચાર્યું કે રાત્રે એક વાગ્યા સુધી શારદા

પડોશીઓ સાથે શું વાતો કરતી હશે?સવારે ગોવિંદે તેની ભાભીને પૂછ્યું કે’’ કયા પાડોશી જોડે બેસીને શારદા

મોડી રાત સુધી ગપાટા મારેછે?” ભાભીને નવાઈ લાગી.તેમણે કહ્યુંકે ચાર દિવસથીતો પાડોશનાં બંને ઘર

બંધ છે.ગોવિંદ પણ વિચારમાં પડી ગયો.શારદા જુઠું બોલતી હોય તેવું માનવા મન તૈયાર નહોતું. છતાં થોડી શંકાનો મનમાં સળવળાટ થયો.

આજે પણ ગોવિંદને પેઢીમાં મોડું થઇ ગયું હતું.તેણે કામ સમેટીને ઘડિયાળમાં જોયુંતો દસ

વાગી ગયા હતા.શિયાળાની કાતિલ ઠંડીની રાત હતી.પેઢીથી ઘરે ચાલતા આવતાં દસેક મિનિટનો રસ્તો હતો.ચાલતો ચાલતો તે શેરીની નજીક આવ્યો ત્યાંતો તેણે શારદાને શેરીની બહાર નીકળતી જોઈ.તે કશું

વિચારે કે બોલે તે પહેલાં શારદા સડસડાટ ઉતાવળી ચાલે ગામની ભાગોળના રસ્તે ચાલવા લાગી.શારદાને

ખબરજ નહોતીકે ગોવિંદ તેને જોઈ રહ્યો છે.ગોવિંદને સમજાતું નહોતું કે આવી કડકડતી ઠંડીમાં મધરાતે શારદા ગામની ભાગોળ તરફ કેમ જઈ રહી હશે.તેણે પીછો કરવાનું નક્કી કર્યું.શારદાથી ખાસ્સુ અંતર રાખીને

તે પાછળપાછળ ચાલવા લાગ્યો.થોડે દૂર નીલકંઠ મહાદેવનું મંદિર હતું.શારદા ઝડપથી મંદિરના દરવાજામાં

પ્રવેશી ગઈ.હવે ગોવિંદ મુંઝાયો. જો શારદા તેને જોઈ જાયતો શંકાશીલ માનીલે અને બંને વચ્ચે મનદુ:ખ

થાય.ગોવિંદ અટકી ગયો અને ઘર તરફ પાછો વળી ગયો.પથારીમાં હવે ઊંઘ આવે તેમ હતી નહી.મન જાત

જાતની શંકાઓ કરવા લાગ્યું.શારદાને તે અનહદ પ્રેમ કરતો હોવાથી અને તેને મેળવીને તે પોતાને ધન્ય

માનતો હોવાથી કોઈ શંકા તેના મનમાં ઝાઝું ટકતી નહોતી.તેણે ઘડિયાળમાં જોયું એક વાગીને ઉપર દસ

મિનીટ થઇ હતી.દરવાજો ખુલ્યો,શારદા આવી.ગોવિંદ ઊંઘવાનો ડોળ કરીને પથારીમાં પડ્યો રહ્યો.શારદાએ

ગોવિંદના કપાળે હાથ ફેરવ્યો અને પથારીમાં પડતા વેત ઘસઘસાટ ઊંઘવા માંડી.

ગોવિંદને સવારે પેઢીએ વહેલા જવાનું હોવાથી પરોઢિયે ઉઠીને તૈયાર થઇ ગયો.મોડીરાત

સુધી ઉજાગરો થયો હોવાથી શરીરમાં સુસ્તી લાગતી હતી.મનને ચેન નહોતું.શારદા વિશ્વાસઘાત કરી રહી હોય એવું લાગી રહ્યું હતું પણ પૂરી ખાતરી કર્યા વગર દોષારોપણ કરવું નહી એવું તેણે નક્કી કર્યું હતું.પેઢી ઉપર આજે કામ વધારે હોવાથી દિવસ ક્યાં પસાર થઇ ગયો ખબર પણ ના પડી.બપોરે ઘરે જમવા પણ જઈ

શકાયું નહી.પરણ્યા પછીતો રોજ તે પેઢી ઉપર આવીને ક્યારે સાંજ પડે તેની આતુરતાપૂર્વક રાહ જોતો.પણ

આજે ઘરે જવાનું મન નહોતું.તેણે ઘડિયાળમાં જોયું,સાડા નવ વાગ્યા હતા.સુસવાટા મારતો પવન અને અસહ્ય ઠંડીના કારણે રસ્તા ઉપર ખાસ અવરજવર નહોતી.ચાલતાં ચાલતાં તે શેરીની નજીક આવ્યો ત્યારે

તેણે જોયું કે શેરી આગળ ગામનો માથાભારે અને બદચલન ગિરધર દરબાર ઊભો ઊભો ચલમ ફૂંકી રહ્યો

હતો.તેની નજર શેરીની અંદર હતી.થોડીવાર રહીને તે ગામની ભાગોળ તરફ જવા લાગ્યો.ગિરધર હજુતો

માંડ વીસેક ડગલાં ચાલ્યો હશે ત્યાંતો શેરીમાંથી શારદા બહાર આવી અને ગિરધરની પાછળપાછળ ભાગોળ

તરફ જવા લાગી.ગોવિંદનું મગજ હવે ચકરાવે ચડી ગયું.શું શારદા આ નાલાયક સાથે મોડીરાત સુધી રોજ રખડવા જાયછે? આટલી હદે વિશ્વાસઘાત? ગોવિંદ સમસમી ગયો. અને મનોમન કશો નિર્ણય કરીને ઘરે પાછો વળી ગયો.

બીજે દિવસે સવારે તૈયાર થઈને ગોવિંદ સીધોજ તેના ખાસ મિત્ર રઘુ ના ઘરે પહોચી

ગયો.રઘુ તો તેને જોઇને રાજીના રેડ થઇ ગયો.પણ ગોવિંદનો ઉદાસ ચહેરો જોઇને થોડો છોભીલો પડી ગયો.

“શું થયું છે દોસ્ત કેમ આમ નંખાઈ ગયો છે?” રઘુએ તેના ખભે હાથ મુકીને પૂછ્યું.”એટલા માટે તો તને મળવા આવ્યોછું” ગોવિંદે હતાશ સ્વરે કહ્યું.બંને જણા ચા પીને બહાર આવ્યા.ગોવિંદે બધીજ વાત રઘુને કરી.

રઘુએ કહ્યું “આપણે સૌ પહેલા તારા સસરા રામજીભાઈને વાત કરવી જોઈએ.અને તેમને આ બંને ની હરકત

બતાવીને ખાતરી કરાવવી જોઈએ.”

સાંજે બંને જણા રામજીભાઈને મળ્યા અને બધી વાત કરી.રામજીભાઈ પોતાની દીકરી ઉપરનો આવો આરોપ માનવાજ તૈયાર ના થયા.તેઓ આ વાતની ખાતરી કરવા આ બંને સાથે

શારદાના ગામે આવ્યા.શારદાના પિયર અને સાસરીના ગામ વચ્ચે ફક્ત ત્રણ કિલોમીટરનું જ અંતર હતું.

એક ક્ષણ માટે રામજીભાઈને એવો વિચાર આવી ગયોકે શારદા જયારે ચાર પાંચ દિવસ માટે ઘરેથી જતી રહી હતી ત્યારનું કોઈ લફરું તો નહીં હોયને? પણ આ વિચાર તુરંત મનમાંથી ખંખેરી નાખ્યો.

રાત્રે સાડા નવ વાગ્યા.ગોવિંદ,રઘુ અને રામજીભાઈ શેરીથી થોડે દૂર એક દીવાલની આડશે

ઊભા રહ્યા.પાંચેક મિનીટ વિતી હશે એટલામાં ગિરધર દરબાર હાથમાં ચલમ ફૂંકતો શેરી આગળ થઈને પસાર થયો.અને ભાગોળ તરફ જવા લાગ્યો.પાછળ ને પાછળ શારદા બહાર આવી અને ગિરધરની પાછળ

જવા લાગી.રામજીભાઈનો ચહેરો ઝંખવાઈ ગયો.રઘુએ શારદાનો પીછો કરવાનો ઈશારો કર્યો.ત્રણે જણા દબાતા પગલે શારદાની પાછળ થોડું અંતર રાખીને ચાલવા લાગ્યા. ગિરધર દરબાર નીલકંઠેશ્વર મહાદેવના

મંદિરમાં પ્રવેશ્યો.તેની પાછળ શારદાએ પણ મંદિરમાં પ્રવેશ કર્યો.હવે ત્રણે જણા એકબીજાના ચહેરા સામે જોવા લાગ્યા.રઘુએ રામજીભાઈના ખભે હાથ મુક્યો. તેમની આંખોમાં આંસુ આવી ગયા.રઘુએ કહ્યુકે “હવે

આપણે પણ મંદિરમાં જઈએ અને બંનેને રંગેહાથે પકડીએ”

ત્રણે જણા હિંમત કરીને મંદિરમાં પ્રવેશ્યા.સહુની આગળ રઘુ હતો.અંદર જઈને એક ક્ષણ

રોકાઇને તેણે આસપાસ નજર નાખી.થોડે દૂર મંદિરના ડાબી બાજુના ઓટલા ઉપર બેસીને ગિરધર ચલમ

ફૂંકી રહ્યો હતો.રઘુને નવાઈ લાગી .શારદા કેમ દેખાતી નથી? તે થોડો મુંઝાયો હવે શું કરવું? એટલામાં તો

“ કોનું કામ હતું ભાઈ?” દૂરથી ગિરધર પૂછી રહ્યો હતો.”અત્યારે મંદિરમાં તમારા સિવાય બીજું કોણ છે?”

રઘુએ સામે પૂછ્યું.” આવી કડકડતી ઠંડીમાં અમારા જેવા ફક્કડ ગિરધારી સિવાય બીજું કોણ હોય?” હસતાં

હસતાં ગિરધરે કહ્યું અને સહુના આશ્ચર્ય વચ્ચે તે ચલમ બુઝાવીને મંદિરની બહાર નીકળીને ગામ તરફ જવા

માંડ્યો.ત્રણે જણને ઝાટકો લાગ્યો.તો પછી શારદા ક્યાં ગઈ? મંદિરમાં પ્રવેશ કરતાંતો બધાએ જોઈ હતી.હવે

બધા ચિંતામાં પડ્યા.ચકળવકળ આંખે ચારેબાજુ રઘવાયા થઈને જોવા લાગ્યા.ત્યાંતો ગોવિંદની નજર મંદિરની પછીત બાજુના ખુલ્લા દરવાજા તરફ ગઈ.તેણે ઉશ્કેરાટભર્યા અવાજે કહ્યું”કદાચ પેલા દરવાજેથી બહાર નીકળી ગઈ હશે ચાલો તપાસ કરીએ.”ત્રણે જણા દોડતા ખુલ્લા દરવાજા પાસે પહોચી ગયા.દરવાજા

બહાર નજર નાખી.બહાર તો અવાવરું કુવો હતો.અંધારામાં બીજું કશું દેખાતું પણ નહોતું.એટલામાં ગોવિંદે

ચીસ પાડી” સામે જુઓ કૂવાના કાંઠા ઉપર શારદા ઊભી છે.” રામજીભાઈએ પણ બૂમ પાડી” બેટા શારદા

ત્યાં કેમ ઊભી છે કૂવામાં પડી જઈશ” હજીતો રામજીભાઈના શબ્દો હવામાં ગુંજતા હતા ત્યાંતો શારદાએ

કૂવામાં ભૂસકો માર્યો.ભયંકર ધબાકો થયો.ત્રણે જણા હાંફળાફાંફળા દોડ્યા.રામજીભાઈતો આ દ્રશ્ય જોઇને

પરસેવે રેબઝેબ થઇ ગયા.પણ રઘુએ હિંમત કરીને કૂવામાં ઝંપલાવ્યું.પંદર મિનીટ સુધી સન્નાટો વ્યાપી ગયો.

થોડીવાર પછી કૂવામાંથી દોરડું પકડીને રઘુ બહાર આવ્યો.તેનો ચહેરો ગભરાયેલો હતો.

આંખો ચકળવકળ થઇ રહી હતી.ધમણની જેમ શ્વાસ ચાલી રહ્યો હતો.ગોવિંદ કશું પૂછેતે પહેલાંજ રઘુ ધ્રુજતા

સ્વરે બોલ્યો”દોસ્ત,આખો કૂવો ફેંદી વળ્યો શારદાનો કોઈ પત્તોજ નથી.આવું કેવી રીતે બને?”રામજીભાઈ અને

ગોવિંદને પણ હવે ભય લાગવા માંડ્યો.આવું કેવી રીતે બને, અમારા દેખતાંતો શારદાએ કૂવામાં ભૂસકો માર્યોછે.તો પછી જાય ક્યાં? રામજીભાઈ માથે હાથ દઈને પોક મુકીને રડવા લાગ્યા.ગોવિંદ અને રઘુ પણ હવે શું કરવું તેની વિમાસણમાં હતા.તેવામાં કૂવામાંથી અવાજ આવતો હોય એવું લાગ્યું.કોઈ તરતું હોય તેવો

અવાજ હતો.રામજીભાઈ મોટેથી બોલ્યા”શારદા જ લાગેછે જાઓ એને બચાઓ”

“ હા બાપુજી હું શારદાજ છું.” કૂવામાંથી અવાજ આવ્યો.”અરે શારદા જીવેછે જાઓ દોડો એને બચાવીલો” રામજીભાઈ બેબાકળા બનીને બોલવા લાગ્યા.

“બાપુજી, કોઈ મને બચાવવા આવશો નહીં.મારા મૃત્યુને તો ચાર મહિના વીતી ગયાછે.નિરસ

જીવનથી કંટાળીને આ કૂવામાં પડીને મેં દેહત્યાગ કર્યો હતો.દેહત્યાગ કરતાતો કર્યો પણ મનમાં સતત રટણ

હતુંકે મારા ઘરડા માબાપ નું શું થશે? દીકરી ચારિત્ર્યહીન હશે તેથી ઘરેથી ભાગી ગઈ હશે તેવી લોકો વાતો

કરશે.તેમની આબરૂના કાંકરા થઇ જશે.કેવી રીતે આવડો મોટો આઘાત સહન કરશે મારાં ઘરડાં માબાપ. આવું વિચારીને હું અભાગણી દેહધારી થઈને ઘરે પાછી આવી હતી.બાપુજી હવે તમે બધા ઘરે પાછા જાઓ.

ગોવિંદ મને માફ કરજો. બધાને મારા રામ રામ.”

કૂવામાંથી આવતો અવાજ બંધ થઇ ગયો.રામજીભાઈ બંને યુવાનોના ખભે હાથ મુકીને

લથડતી ચાલે મંદિરની બહાર નીકળ્યા.