Saath ke sattar books and stories free download online pdf in Gujarati

સાઠ કે સત્તર


કૃષ્ણકાંતને આજે મંદિરે જવાનું મોડું થઈ ગયેલું. ફટાફટ ડૉક્ટર પાસે એમનું રૂટિન ચેકઅપ પતાવી એ એમની ગાડીમાં બેઠા ત્યારે પેટ્રોલ છેલ્લાં ડચકાં લઈ રહ્યું હોવાનું ગાડીએ સિગ્નલ બતાવ્યું. આજે સવારે પેટ્રોલ ભરાવવાનું હતું અને એ ભૂલી ગયેલા, અત્યારે પેટ્રોલ પંપ આગળની લાંબી લાઈનમાં ઊભા રહેવાની એમની જરાય ઈચ્છા નહતી, હવે?
ગમે તેવા સંજોગોમાં રસ્તો શોધી લેવામાં કૃષ્ણકાંત માહેર હતા. અહિયાં પણ એમના મગજે તરત જ એક ઉકેલ શોધી લીધો. એમની જૂની ગાડી ઘરે પડી હતી જેની ટાંકીમાં સારું એવું પેટ્રોલ હતું અને મંદિર કરતાં ઘર નજીકમાં જ હતું! એ ઘરે ગયા અને જૂની ગાડીની ચાવી લેવા અંદર ગયા ત્યારે એમના કાનોમાં લાઉડ મ્યુઝીક અથડાયું. એમને નવાઈ લાગી, અત્યારે એમની પત્ની સિવાય ઘરમાં કોઈ નથી હોતું તો આ મ્યુઝીક કોણ સાંભળતું હતું? તપાસ કરવા માટે એમણે નજર દોડાવી...
અવાજ એમના બેડરૂમમાંથી આવી રહ્યો હતો અને એ ઊંચા સંગીતના તાલે એમના સાઠ વરસના શ્રીમતીજી નાચી રહ્યાં હતા! એક સાથે આશ્ચર્ય અને આનંદના ભાવ ચહેરા પર લઈ એ દરવાજે જ ઊભા રહી ગયા. વસુધાને આવો વેસ્ટર્ન ડાન્સ કરતી જોવી એમના માટે એક નવાઈની વાત હતી. વસુધાનું હજી એમની ઉપર ધ્યાન જ નહતું, એ પોતાનામાં જ મગન થઈને કમર મટકાવી, ઘેરદાર ડ્રેસને ગોળ ઘુમાવતી સંગીતનાં તાલે ડોલી રહી હતી. અચાનક એની નજર કૃષ્ણકાંત પર જતાં એ અટકી ગઈ.
એના ચહેરાં પર કોઈ ભાવ ના આવી જાય એની તકેદારી રાખી એણે ધીરેથી આગળ વધી અને જાણે કંઈ જ ના બન્યું હોય એમ મ્યુઝીક પ્લેયર ઑફ કર્યું અને ત્યાં પડેલી થોડીક સીડી ઉઠાવી એને કબાટમાં મૂકવા લાગી.
“આ શું હતું વસુધા?” કૃષ્ણકાંતે સહેજ હસીને પુચ્છયું.
“આ તો તારો મંદિરે જવાનો ટાઈમ છે, તું આટલો વહેલો કેમ પાછો આવી ગયો?” જવાબ આપવાને બદલે વસુધાએ સવાલ કર્યો અને કૃષ્ણકાંતથી હસી પડાયું.
“હું હજી મંદિરે ગયો જ નથી. ગાડીમાં પેટ્રોલ ઓછું હતું એટલે જૂની ગાડી લેવા ઘરે આવેલો.” એમના ચહેરાં પર એક હાસ્ય સતત હાજર હતું એ જોઈને વસુધાએ કહ્યું,
“તમને મારી ઉપર હસવાનું એક બહાનું મળી ગયું, નહીં?”
“હું શું કામ તારી ઉપર હસું?”
“હસી જ રહ્યાં છો!” કૃષ્ણકાંતને હસતો જોઈને વસુધાએ ખીજવાતા કહ્યું.
“ઓકે. હું હસ્યો પણ તારાં ઉપર નથી હસ્યો, તને આમ નાચતી જોઈને મને સારું લાગ્યું, તું સરસ કરી રહી હતી અને સાચું કહું.. તો આ જીવનમાં ક્યારેક આવું દ્રશ્ય પણ જોવા મળી શકે એવો ક્યારેય વિચાર જ નહીં કરેલો અને આજે અચાનક આમ,”
“એમાં નવાઈ જેવુ શું છે? તને ખબર છે મને મ્યુઝીક સાંભળવું ગમે છે, મ્યુઝીક સાંભળતા મને નાચવાનું પણ ગમે છે એની જાણ તને આજે થઈ ક્રિશ હું તો હંમેશા તું સાંજે મંદિરે જાય ત્યારે આમ નાચી લેતી હોઉં છું, એમાં ખોટું શું છે?”
“ખોટું તો નથી પણ આ ઉંમરે આવી રીતે ડાન્સ કરતાં તને તકલીફ નથી થતી, મતલબ ક્યાંક કમર લચકાઈ જાય કે કોઈ નસ ખેંચાઇ જાય!”
“તું ફરીથી હસી રહ્યો છે ક્રિશ?” વસુધાએ બનાવટી ગુસ્સો કરતાં કહ્યું.
“હું તારા ઉપર હસી નથી રહ્યો યાર પણ મને મજા આવી રહી છે!” કૃષ્ણકાંતે રૂમમાં અંદર જઈને પલંગ પર બેસતા કહ્યું.
“તારા સ્વામીજીના પ્રવચન કરતા પણ વધારે મજા? છોડ એ વાત અને વિચાર કર જો મને ડાન્સ કરતી જોઈને તને આટલી મજા આવી તો ડાન્સ કરતી વખતે મને કેટલી મજા આવતી હશે!” વસુધા એમનાં રૂમની બારી પાસે જઈને ઊભી રહી અને જાણે બારી બહાર એનો ભૂતકાળ જોઈ રહી હોય એમ બોલી, “મને નાનપણથી ઈચ્છા હતી વેસ્ટર્ન ડાન્સ શીખવાની પણ ઘરમાંથી પરમીશન ના મળી, એ લોકોને માટે હું ક્લાસિકલ નૃત્ય કરું તો બેસ્ટ અને જેઝ કે હિપહોપ કરું તો વલ્ગર કહેવાય! ઠીક છે પેરેન્ટ્સની વાત માનવી પડે અને મેં માની એ પછી તારી સાથે લગ્ન થયાં, બાળકો અને ઘર સંભાળતા જ એટલી થાકી જતી કોઈ ઈચ્છા જ નહતી બચતી, હવે હું મુક્ત છું! બધા એમના ઠેકાણે, એમની લાઈફમાં વ્યસ્ત છે અને મારી પાસે હવે જ સમય છે જ્યારે હું મારી દરેક ઈચ્છાને પૂરી કરી શકું અને એ હું કરી રહી છું!” વસુધા એની જ્ગ્યાએથી પાછળ ફરી અને એના પતિની આંખોમાં જોઈને કહી રહી, “જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ હું યુવાન થતી જાઉં છું, તને નવાઈ લાગશે પણ આજે જીવનનાં સાઠ વરસે મને હું જાણે હાલ સત્તર વરસની થઈ હોંઉ એવું ફીલ થાય છે અને હવે કોઈ જ એવી વ્યક્તિ જીવિત નથી જે મારાં ઉપર કોઈ પણ જાતની પાબંધી લાગું કરી શકે, મને રોકી શકે, એક તારા સિવાય! તને.. એમાં કોઈ વાંધો છે?”
“તું કેટલાં સમયથી આવી રીતે જીવી રહી છે? મતલબ...તારી મરજી મુજબનું જીવન!” વસુધાને જવાબ આપ્યા વગર એક સુંદર સ્મિતભર્યા ચહેરે કૃષ્ણકાંતે પુછ્યું હતું એમને હજી પત્નીના આ નવા રૂપને જોઈને આશ્ચર્ય સાથે આનંદ થઈ રહ્યો હતો.
“તારા બાબાજીનું પ્રવચન પૂરું થઈ જશે...તારે આજે મંદિર નથી જવાનું?”
“ના હું વિચારું છું કે આજે તારી સાથે સાંજ વિતાવું, બાબાજીનું પ્રવચન નહીં પણ મારી પત્નીનું કથન સાંભળું!”
“આજે કેટલાં વરસે તું સાંજે મારી સાથે બેઠો છે એ પણ કોઈ કારણ વગર, નવાઈની વાત છે!”
“હા આજે મારે મારી પત્ની વિષે જાણવું છે, કેટલુક એવું જે હું હજી સુધી નથી જાણતો. ડાન્સ સિવાય બીજું કંઈ છે?”
“રહેવા દે વધારે જાણીને તને અપચો થશે! બાળકો મોટાં થઈ જાય અને જાતે ઘરની બહાર નીકળતા થઈ જાય પછી જેનો પતિ વ્યસ્ત જ રહેતો હોય એ સ્ત્રી એનો સમય પસાર કરવાં કોઈ ને કોઈ રીત કે શોખ કે પ્રવૃતિ શોધી લેતી હોય છે અને એમાં ખોટું શું છે?”
“ના ના ખોટું કંઈ જ નથી પણ તું મારી પત્ની છે અને હું તને લવ કરું છું એટલે અમસ્તું જ પૂછી રહ્યો છું, તું એકલી ના પડી જાય એટલે મેં તને મારી સાથે આવવા કહેલું જ્યારે મેં જીમ જોઈન કરેલું, જ્યારે મેં ક્લબમાં જવાનું શરું કરેલું અને હવે રોજ સાંજે મંદિરે જાઉં છું ત્યાં પણ તને મારી સાથે આવવા મેં કહેલું.”
“હા તે કહેલું પણ મને એમાં મજા નથી આવતી!” વસુધા પણ હવે કૃષ્ણકાંતની બાજુમાં પલંગ પર બેઠી અને કહ્યું, “આપણે બંને અલગ છીએ ક્રિશ. જે તને ગમતું હોય એ મને ના પણ ગમે. તું હંમેશા દુનિયાથી ડરીને, લોકો શું કહેશે એ વિચારીને કામ કરે છે જ્યારે હું મારાં દિલનો અવાજ સાંભળવા ટેવાયેલી છું. મને કોઇ બહારની વ્યક્તિ મારાં માટે શું વિચારશે, કે મર્યા બાદ યમરાજ મને નર્કમાં શું શિક્ષા કરશે એવાં વિચારો ક્યારેય આવતાં જ નથી અને એટલે જ હું મને જે યોગ્ય લાગે એ બિન્દાસ કરી નાખું છું, મારાં ઘરની ચાર દિવાલોમાં મને એટલી છૂટ તો મળવી જોઈએ ને?”
“તારી આંખોમાં કેટલી લુચ્ચાઈ દેખાઈ રહી છે અને મને તો એમ કે હું એક સીધી સાદી છોકરીને પરણ્યો હતો!” કૃષ્ણકાંતે વસુધાની આંખોમાં આંખો પરોવી.
“એ સીધી સાદી છોકરી હવે ઘરડી થઈને ફરી યુવાનીમાં કદમ માંડી રહી છે! તને થોડુંક આઘાતજનક લાગશે પણ એને સહન કરવું હું એટલું મુશ્કેલ નથી ધારતી.” હવે વસુધા ખરેખર લુચ્ચાઈ ભર્યું હસી રહી હતી. કૃષ્ણકાંતે એનો હાથ હાથમાં લઈને સહેજ પંપાળતા કહ્યું,
“વેલ મને તો તું આ નવા રૂપમાં ગમી! હું કામમાં વ્યસ્ત રહેતો, તને જરાય સમય નહતો આપી શકતો પણ એનો મતલબ હું તારી પરવા નથી કરતો એવો ક્યારેય નહતો. સાચું કહું તો તું જ્યારે પણ કોઈ ઈચ્છા કરે ત્યારે એને પૂરી કરવાના રૂપિયા મારી પાસે ખૂટે નહીં એ જ વિચાર હું કર્યા કરતો. તને યાદ છે આપણાં લગ્ન પછીની પહેલી દિવાળીએ આપણે ખરીદી કરવા ગયેલાં... સાથે તારી દીદી અને એનો હસબન્ડ પણ હતો. એ લોકો ભારે સાડીઓ અને ઘરેણાં ખરીદી રહ્યાં હતાં, તને ખબર હતી કે મારી પાસે એમનાં જેટલાં રૂપિયા નહીં હોય અને એટલે જ તું ગમે એટલી સરસ સાડી કે ઘરેણું જોઈને કહી દેતી હતી કે, મને આ પસંદ નથી, આનો રંગ જરા ઝાંખો છે! હું તારી સ્થિતિ સમજી ગયેલો અને મેં તને ઈશારાથી કહેલું કે મારી પાસે રૂપિયા છે તને જે ગમે તે ખરીદી લે,”
“એક મિનિટ હું પહેલાથી જાણતી હતી કે તારા ગજવામાં વીસ હજાર રૂપિયા હતાં અને એ રૂપિયા તું તારી બચતમાંથી ઉપાડીને લાવ્યો હતો, એ બચત જેમાં તારી પાઈ પાઈ જમા થતી હતી... પોતાનો ધંધો ચાલું કરવા માટે એને બીજાં કોઈને દેખાડી આપવાં હું કેવી રીતે ખર્ચી શકું?” વસુધાએ અડધેથી જ પતિની વાત કાપીને કહ્યું.
“આ વાતની મને આજે જ જાણ થઈ. મને તો એમ જ હતું કે તું મારો ઈશારો નહતી સમજી. એ વખતે તું ઘણી સમજદાર હતી, નાઈસ!”
“હલ્લો... હું હજી એટલી જ સમજદાર છું.” બંને એકબીજાં સામે જોઈને મલકાઇ રહ્યાં.
“ઓકે તો તને ડાન્સ ગમે છે, એના સિવાય બીજું કંઈ એવું જે હું તારા વિષે ના જાણતો ના હોય?”
“તું તો પાછળ પડી ગયો છે! ઠીક છે હજી એક સિક્રેટ છે જે હું તને કહેવાનું વિચારતી હતી પણ પછી તારો ધાર્મિક સ્વભાવ જોઈને ચૂપ રહી જતી.”
“ઓહ માય ગોડ એવું શું છે? જલદી બોલ.”
“હું.. હું.. નોનવેજ ખાઉ છું!”
“શું..? નોનવેજ? ક્યાં? બહાર હોટલમાં?” કૃષ્ણકાંત માટે આ ફરી નવાઈની વાત હતી.
“હું એકલી ઘરની બહાર ખાવા માટે નથી જતી!”
“તું હવે એમ ના કહેતી કે આપણાં ઘરમાં નોનવેજ બને છે.”
વસુધા જોરથી હસી પડી અને કહ્યું, “ઘરમાં બનતું નથી પણ ખવાય જરૂર છે! સ્વિગી, જોમેટો આ બધી એપ હું પણ વાપરી શકું છું.”
“બાપરે મારાં ઘરમાં જ આ બધી પ્રવૃતિ ચાલું છે અને મને જરાય ખબર જ નથી, સ્ટ્રેંજ!” કૃષ્ણકાંતે એમનાં આછા થઈ ગયેલાં વાળમાં હાથ ફેરવ્યો.
“વાળમાં હાથ ના ફેરવ જે બચ્યાં છે એ પણ ખરી જશે.” વસુધા મલકાઈને કહી રહી હતી.
“પણ મને એની સ્મેલ કેમ ના આવી?”
“તે ક્યારેય આપણાં ઘરની ડસ્ટબિન વાપરી છે?” વસુધા એને યાદ આપવી રહી કે એને કચરો રૂમમાં જ ફેંકી દેવાની કટેવ હતી.
“અને આ બધું ક્યારથી ચાલે છે?”
“જ્યારથી પિઝા ડિલિવરી કરવા છોકરા ઘરે આવતાં થયા. એમાં એવું છે ને કે હું કોલેજમાં હતી ત્યારે એક પંજાબી છોકરી સાથે મારી દોસ્તી હતી એ આવી બધું ખાતી અને મને પણ ટેસ્ટ કરવા આગ્રહ કરતી એક બે વખત મેં ચાખ્યું અને મને ભાવ્યું... ઘરમાં વાત કરું તો તો મમ્મી મને મારી જ નાખે એટલે એ વખતે છુપાવીને કામ ચાલતું. કોલેજ પછી બધુ બંધ થઈ ગયેલું પણ હમણાં થોડા વરસો પહેલા જ એ ફ્રેન્ડ સાથે ફરીથી ફેસબુકમાં મુલાકાત થઈ અને એણે એ સમય યાદ અપાવ્યો.. મને ફરીથી નોનવેજ ખાવાની ઈચ્છા થઈ અને મેં ઓર્ડર કર્યું.”
“આ જરા વધારે પડતું છે, તું કેવી રીતે ખાઈ શકે?”
થોડીક ક્ષણો બંને ચૂપ રહ્યાં પછી વસુધાએ કહ્યું, “મેં તમને પહેલા જ કહેલું કે તમને મારી કેટલીક વાતો પચશે નહીં!”
કૃષ્ણકાંત ફરીથી હસી પડ્યા.. અને કહ્યું, “એક સવાલ પૂછી લઉં?”
વસુધાએ આંખોથી જ પુછો એમ ઈશારો કર્યો.
“તે મારાં સિવાય કોઈ બીજાં પુરુષને પ્રેમ કર્યો છે? મતલબ કે કોઈ સાથે રિલેશન હોય, કોલેજમાં કે એ પછી કોઈ ગમી ગયું હોય!”
“આ કેવો સવાલ છે?”
“બસ અમસ્તું જ પુછ્યું છે મને ખબર છે આપણે કોઈ ભૂતકાળને ક્યારેય બદલી નથી શકવાનાં પણ મારે જાણવું છે તારાં દિલમાં મારાં સિવાય પણ કોઈ છે?”
“મારાં દિલનાં એક નાનકડાં ખૂણામાં તમે છો બાકીની બધી જગ્યાએ હું અને આપણાં બાળકો છીએ! સાચું કહું તો મને હું પોતે જ પોતાને એટલી બધી ગમું છું કે એની સરખામણીમાં કોઈ બીજી વ્યક્તિ આવી જ નથી શકી. મને તો બધું પૂછી લીધું પણ તમારા વિષે કશું ન જણાવ્યું. તમે મારાં સિવાય,”
“જરાય નહીં, ક્યારેય નહીં. મને જેવી જોઈતી હતી એના કરતાં ઘણી વધારે સારી પત્ની મળી છે અને આખો દિવસ ધંધાની માથાફોડ કર્યા બાદ રાત્રે ઘરે આવું ત્યારે તને વળગીને સૂઈ જવા સિવાય બીજો કોઈ વિચાર જ નહતો આવતો.” કૃષ્ણકાંતે વસુધાનાં ગાલ ઉપર હાથ મૂક્યો અને કહ્યું, “પણ આ ડોસાની સાઠ વરસની પત્ની હવે યુવાન થઈ રહી છે... મારે કઈંક વિચારવું પડશે.”
“શું વિચારવું પડશે?”
“વિચારીને પછી જણાવીશ.”

આ વાતને ત્રીજે દિવસે સવારે કૃષ્ણકાંતે વસુધાને એક કવર આપ્યું. એમાં એક ડાન્સ ક્લાસમાં વસુધાને શીખવા માટે મૂકી એની રસીદ હતી.
“ક્રિશ... આ શું છે? હું બધાની આગળ ના નાચી શકું. મારી ઉંમરનો તો વિચાર કર.”
“હું પણ એજ કહું છું તારી ઉંમરનો વિચાર કર, તું સાઠ વરસની છે કે સત્તરની? મને ગમશે જો હું તને કોઈ દિવસ સ્ટેજ ઉપર ડાન્સ કરતી જોઈ શકું, લોકોની વચ્ચે બેઠો હું તાળીઓ પાડીને, સીટી વગાડીને કહી શકું કે, એ મારી પત્ની છે! તું જ કહે છે ને કે, હું દુનિયાથી ડરીને જીવનારો, લોકો શું કહેશે એ વિચારીને પગલું ભરનારો છું અને તું આઝાદ પંખીની જેમ તારાં દિલના ઈશારે કામ કરે છે! કમોન યાર રાહ શેની જુએ છે તક મળે એને ઝડપી લેવી જોઈએ...”
... અને વસુધાએ વેસ્ટર્ન ડાન્સ ક્લાસમાં જવાનું શરૂ કર્યું...
નિયતી કાપડિયા.