KODHI NA GHAA books and stories free download online pdf in Gujarati

કોઢીના ઘા

કોઢીના ઘા

“આજે તો ઇ રાં....ને કોઢીના ઘા મારીએ તો જ હાશકારો થાશે...!”

“અરે....આખા ગામને ખાઇ જાવાની આ ડાકણ...ઇ કરતા ઇને જ મારી કાઢીએ..”

“આખા ગામનો ઉતાર કપાતર સા....”

આવી બૂમરાણ સાથે બંધ રાખેલ દરવાજે ડાંગ અને ધારીયાના ઘાના ધડકારા સાંભળતી રૂપલી કાંપતા શરીરે ખૂણે રાખેલા ડામશ્યાના ટેકે ટૂંટીયુ વળી આલોપાઇ રહી. એના ફાટ્યા તૂટ્યા લઘર વઘર કપડામાં કાળા ચાંઠા પડેલું બદન બહાર ખરદાઇ આવતું. જીવ બચાવવા નાસતા કૈંક કેટલીયે વાર ધૂળમાં રગદોળાયેલા તેના કપડા તેના મોંથી શેરડો પાડી ચાલી નીકળેલા લોહીને ચોંટેલી માટી સાથે સમાનતા બતાવી રહ્યા.

*******

હજુ તો હાથમાં લગનની મહેંદી સૂકાણી પણ ના હતી કે ગામ આખાનું ઉધાર કરી ખાતા કેશવાને ચીક્કાર દારૂના નશામાં કોઇ નહેરમાં નાખી ગયું. રૂપલી સાથે પરણવા તો ગામે ગામના જુવાનીયાઓ રોજ તેની ડેલીએ ડોકાયા કરતા, પણ દારૂડિયા બાપનો સંગ ગામના ઉતાર કેશવા સાથે જ હતો, તે એની ખીંટીએ રૂપલી ભરાવી દઇ ઇ તો મરી પરવાર્યો, ને પાછળ આ કેશવો પણ મરી’ગ્યો. હવે રૂપલીનું પોતાનું કહી શકાય એવું કોઇ રહ્યું જ ના હતું, સિવાય તેના બાળપણનો ભેરુ રામલો. રૂપલીની જુવાની તો ભારોભાર ફાટ્યું ફાટ્યું થાતી રહેતી અને એમાં હવે તો નધણિયાતી...એટલે ગામના કૈંક જુવાનિયાઉ સાથે કેટલાંક નપાવટ ઘરડાઓ પણ તેના પર દાનત ખાટી કરતા રહેતા.

રૂપલી...જરા ઘેરા વર્ણી, પણ ખાસી દેખાવડી, લાંબા કાળા ભમ્મર વાળનો ચોટલો ઘરના વાડે વાસીદુ કરતાં માથે ઓઢ્યું જરા ખસી જાય તો કેડ સુધી લહેરાતો નજરે પડે..તેની અણિયારી આંખો ક્યારેય કાજળની ઓશિયાળી નો’તી... કપાળે બાળપણામાં રામલા સાથે કોતરે રમતા વાગ્યાનો ડાઘ તેને ચાંદની ઉપમા આપવામાં વધુ સહાય કરતો..! આખાયે ગામમાં રૂપલીને ખાલી તેના બાળપણાના ભેરુ રામલા પર જ ભરોસો.... રૂપલીયે મનમાં જાણતી કે રામલાએ મનમાં તેના માટે કેટલાયે વર્ષો જૂની પ્રિત ધરબી રાખી’તી. આમ તો રૂપલીયે મનોમન રામલાને પસંદ કરતી’તી... પણ કોઇ દી’ રામલાએ રૂપલીના મનમાં તેના માટે ભડકેલી જરા અમથી ચિનગારીને સહેજેય હવા આપી ભડકો નો’ કર્યો...તો સામે રૂપલીયે મનની પ્રિત મનમાં જ ધરબી રહી....અને રામલો તો આમેય સામે ચાલી એકેય વેણ બોલે એમ નો હતો કે ના તો રૂપલીના દારુડીયા બાપાનો વેણ ઉથામે એવો. વળી, રામલો માંડમાંડ ગામ આખાયમાં વાળીચોળી પોતાનું પેટિયું રળી ખાતો’તો તે રૂપલીનું પૂરુ ક્યાંથી કરે એય ચિંતા એના મનમાં હતી.

રામલો તો બાળપણાથી બસ મનોમન રૂપલીને જ વર્યો’તો કે એણે રૂપલી સિવાય બાકી સૌને મા બહેન માની લીધા’તા..! જે દી’ રૂપલીના લગન લેવાણા તે દી’ રામલો ઘરમાં બંધ બારણે નાના બાળકની પેઠે ધ્રુસકે ધ્રુસકે ખૂબ રોયો’તો. રૂપલીને વળાવી તે દી’ આખાયે વાસમાંથી સૌથી મોંઘી ભેટ રામલો લાવ્યો – રૂપલી માટે રેશમી મોંઘાદાટ કાપડાની જોડ્ય. રૂપલી માટે આ કાપડાની જોડ્ય કાંઇ કેટલા ઉધામા કરી, શંભુદાસ વાણિયાના કૈંક કડવા વેણ અને ગાળ્યું ખાઇ, બાળપણાની ચાંદીની કમરબંધી ગીરવે મૂકી રામલો લાવ્યો’તો, પણ કાપડું જોનારા સૌએ તે દી; મોંઢામાં આંગળા ખોસી દીધા....સૌ એ જોઇ ચૂપ થઈ ગ્યા કે આ રાંકડો રામલો જે માંડ પોતાનું પૂરુ કરી શકે ઇ આ રૂપલી હાટું થઈ આટલું મોંઘુ કાપડું લાવ્યો..! ખુદ રૂપલી પણ આ જોઇ મનોમન રામલાને કૈંક ગાળ્યું દેતી રહી, “મારો પીટ્યો.! આમ આટલું કરી એકે છે મારી હાટું, તો મારા બાપા પાંહેથી મારો હાથ માંગતા મોંઢામાં કાંટા ખૂંચતા’તા...? અરે મૂઆ, હું માંગ્યા લૂગડે પણ તારી હારે હાલી નીકળત...એક વાર તો જરા રાડ્ય નાખવી’તી મારા નામની...! હવે નમાલા મારી વાંહે રોઇ રોઇ આંખ્યું લાલચોળ કર્યે શું ફાયદો..?” રૂપલી રામલાના મન અને આંખોની ભાષા વાંચી સમજી શકતી, પણ એય કોઇ દી’ તે ભાષાને વાચા નો આપી શકી....અને વાચા આપવા બેઉમાંથી એકેય હિંમત નો કરી શક્યા..!

રૂપલી તો હવે બીજાના ઘરની શોભા થઈ ગઈ...ઇના વર્યા પછી કોઇ દી’ રામલો બંને એક જ ગામમાં રહેવા છતાંયે રૂપલીના મારગે ભલે આડો ઊતર્યો નહી, પણ ગામના ચૌદશીયાઓની વાત્યુમાંથી રૂપલીના ઘરના હાલ જાણ્યા વિના નો રહી શકતો. ઘણીવાર દારૂડિયો કેશવો રૂપલી પર જૂલમ કરતો હોવાનું જાણી રામલાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાતો, પણ રૂપલીના કારણે જ પોતાનો ગુસ્સો કેશવા પર ઠાલવી શકતો નહીં.

રૂપલીના રાંડ્યા પછી રામલો જ સાચી લાગણીથી તેની મદદે દોડી આવ્યો, બાકીનું આખુંયે ગામ રૂપલીના રૂપાળા શરીરની લાલચે તેની આસપાસ ફર્યા કરતા. અરે, સાઠી વટાવી ચૂકેલા શંભુદાસ વાણિયાએ પણ નદીએ પાણી ભરવા ગયેલી રૂપલીને રસ્તે રોકી પૈસાટકાની મદદ કરવા ખાતરી આપી’તી..! રૂપલીએ તે જ ઘડીએ તેના દેહ સોંસરવી નીકળતી વાણિયાની હલકી નજર અને દાંત વગરના મોંમાંથી ટપકતી લાળ્યું ભાળી વાણિયાને સાત પેઢી યાદ એવો સણસણતો જવાબ દીધો..! રૂપલી ગામમાંથી કોઇની હલકી ઇચ્છાઓને ગાંઠે તેમનો હતી, પણ ઇ ખાલી રામલા જોડે જ સીધી વાત કરતી. આ જોઇ ગામ આખાયને રામલાની બળતરા થતી..! નવરા નખ્ખોદીયાઓને ચર્ચાનો નવો મુદ્દો મળી ગ્યો....શેરીએ શેરીએ, ગામના દરેક નાકે, પાનના ગલ્લે, ગામની ભાગોળે સૌ કોઇના મોંએ બે જ નામ ચર્ચાતા... રૂપલી અને રામલો..!

રામલો આ બધુંયે જાણતો, પણ ગામલોકોના બોલ્યે ધ્યાન આપે અને બાળપણાની ભેરુ રૂપલીનો છેડો છોડી દે તો તો બાળપણાની ભાઇબંધી લજવાય અને ઇમાંયે આ તો બાળપણાનો પ્રેમ..! દિવસે દિવસે રામલો અને રૂપલી એકબીજાની વધુ નજીક આવવા લાગ્યા. ઘણીવાર રૂપલી રામલાને પ્રેમભરી દ્રષ્ટિથી તાકતી રહેતી, ત્યારે રામલો પોતાની નજર બીજે હટાવી “રૂપલી, દુનિયાની બીક રાખવી પડે....કોઇ શું કહેશે..?” બોલી વાત ફેરવી મનમાં ઉભરેલા લાગણીના વહેણને અટકાવી રાખતો.

શંભુદાસ આ બધી બાબત પર ચાતકનજર રાખી બેઠો રહ્યો. એમા બન્યું એવું કે ગામના મુખી વશરામ ભુવાના ગગલાનો ચારેક વર્ષનો નાનકો રમતા રમતા વાસ બહાર આવી પૂગ્યો...ત્યાં છાણા વાસીદુ કરતી રૂપલીનું ધ્યાન ગ્યું. હડી કાઢી તે નાનકાને લેતી મુખીના ડેલે મૂકવા ગઈ. ગામ આખુંયે આ જોઇ ચૂપ થઈ ગ્યું....રામલો પણ આ ભાળી સાવ સૂન પડી ગ્યો. “આ રૂપલીએ શું કર્યું..!” મનોમન બબડતો રૂપલીને ડેલેથી હટ દઈને ઘરભેગી કરવા લોકોના ટોળેથી આંખો ફાડી જોતો’ર્યો. ડેલાથી બહાર આવી મુખીએ જેવો પોતાના નાનકાના માથે રૂપલીનો હાથ ભાળ્યો કે તરત રાડ નાખી, “એય રાં..... તારી હિંમત કેમની થઈ મારા નાનકાને હાથ અડાડવાની..!” તરત મુખીના ઘરની બાયું દોડી આવી નાનકાને ડેલામાં ખેંચી ગઈ. “આ તમને ગામની આની કોર આવવા હું દીધા, તમે તો માથે ચઢી બેઠાં...!” મુખી અને ગામના કેટલાયે રૂપલીને ખૂબ ભાંડી. રૂપલીએ ગાંજી જાય એમ નો’તી.ઘરે જાતા જાતાયે એ બબડતી ગઈ, “કાંઇ મારા હાથ અડ્યે ઓલ્યા નાનકાને કાંઇ થઈ જવાનું હોય એમ મને ગાળ્યું દીધી...બાપા, મનખા તો હંધાયે હરખા...!” રૂપલી આઘું ઓઢી રાખી કાંઇ વધારે બોલે ઇ પહેલા રામલો એનો હાથ પકડી પાણીના રેલા માફક સડસડાટ વાસમાં ઇના ઘર કોર્ય લઈ ગ્યો. રૂપલીને શાંત પાડતો રામલો પહેલી વાર રૂપલીને પોતાના ખોરડે લઈ જવા નીકળ્યો. પાણીનો રેલો તો હાલ્યો ગ્યો, પણ એની પાછળ ભીનો લીસોટો મૂકતો ગ્યો, ઇમ આખા ગામને નવી વાત મળી ગઈ.

સાંજ પડતા સુધીમાં તો બધા આ ઘણું ભૂલવા લાગ્યા, પણ શંભુદાસ વાણિયાના મનમાં આ બનાવ ભીની માટી પરના આંગળા ખૂંપાવેલા નિશાન કરતો’ર્યો. “કાંઇ મારા હાથ અડ્યે ઓલ્યા નાનકાને કાંઇ થઈ જવાનું હોય એમ મને ગાળ્યું દીધી...!” રૂપલીના આ શબ્દો શંભુદાસના કાને અફળાતા’ર્યા. દુકાને બેઠા બેઠા કપડાની ગડ સરખી કરતા ફરી એ જ શબ્દો ધ્યાને આવ્યા, “કાંઇ મારા હાથ અડ્યે ઓલ્યા નાનકાને કાંઇ થઈ જવાનું હોય...!” અને અબળા શિકારને ફસાવવા મનોમન મનસૂબા ઘડતા જતા ખંધા હાસ્ય સાથે મોંમાંથી ટપકતી લાળ વેઢથી સજાવેલ આંગળીએ લૂંછતા શંભુદાસે હળવો બબડાટ કર્યો, “તે જો ઇ રાં...ના અડ્યા પછી નાનકાને હાચે જ કાંઇ થઈ જાય તો....મારી હગલીએ તે ‘દિ બહુ કડવા વેણ હંભળાવ્યા’તા, તે આજ ઇને કોઢીના ઘા નો ખવડાવું, તો હું વાણિયાના પેટનો નૈ..!” તરત જ શંભુદાસે પોતાના વિશ્વાસુ મંગા થકી સરપંચના ઘરે કામ કરતા જગલાને સંદેશો કહેવડાવ્યો. અરધા કલાકમાં જ જગલો શંભુદાસની હાટે મળવા ધોડ્યો આવ્યો. શંભુદાસે એક પછી એક કડકડતી નોટો જગલા કોર નાખતા ઇ તરત જ નો કરવાનું કામ કરવાયે તૈયાર થૈ ગ્યો..! સરપંચના ઘરે ઘાટીનું કામ કરતા કરતા હળવેથી હંધાયની નજર ચૂકાવી જગલો નાનકાના મોઢે ડૂચો મારી ધાબે વયો ગ્યો અને અમાસની અંધારી રાતે ફૂલ જેવડા નાનકાને બીજા માળના ધાબેથી વાડા કોર ઘા કર્યો. ‘ધબાક’ અવાજ સાથે તરત ફૂલ કરમાઇ ગ્યુ. આખી ડેલીના સૌ કોઇએવાડા તરફ દોટ મૂકી. “શું થ્યું..? શું થ્યું..?”ની બૂમરાણ મંડાણી. “અરે, નાનકો ધાબેથી પડ્યો...!” સૌ કોઇ આવી જુએ તો નાનકાનુંઆખુંયે શરીર લોહીના નાનકડા ખાબોચિયામાં નિશ્ચેતન થઈ પડી ગયું હતું. ડેલી બહારથી પણ સૌ કોઇ હડી કાઢી દોડ્યા. ઇ ટોળામાં શંભુદાસ પણ લપાઇ આવ્યો... બધે રોકકળ ફેલાઇ...ઇઆ થ્યું કેમનું ઇ ચર્ચાના રેલમાં શંભુદાસે એક નાની અમથી ચિનગારી નાખતા ઉમેર્યું, “આ તો થવું જ ‘તુ...આ ઓલ્યી કપાતર રાં....નો હાથ અડ્યે’તો આજ બપોરે...તે ઇડાકણ ખાઇ ગૈ નાનકાને...!” અને એ ચિનગારી એક પછી એક મનેખના વેણના ઉમેરાથી ભડકામાં ફેરવાણી. “હાવ હાચી વાત...ઇ ઇના બાપને અને ધણીનેય ખાઇ ગૈ...તો આ નાનકાની હું વિશાત..!” આમ કરતા વાત વધતી ગઈ. સરપંચે હાકોટો માર્યો, “એ હાલો હંધાય ઇ કપાતરને ત્યાં....એને જ પૂછીયે...!” સરપંચના હાકોટે ગામ આખુંયે રૂપલીના ઘરે જાવા તૈયાર થ્યું, ત્યાં કોઇએ ટોળામાં વાત વહેતી કરી, “ઇ રાં...તો એય ને ઓલ્યા રામલાના ઘરે કાલા કામ કરે છે..!” આ શબ્દે બળતામાં ઘી હોમ્યું અને ખાલી હાથે જનારા સૌ કોઇએ આજે આ બંનેને ખબર પાડવા હાથમાં ડાંગ ને ધારિયા લઈ લીધા. ટોળાને વધારે ભડકાવતો શંભુદાસે આજે આગેવાની લીધી.

આ બાજુ રૂપલીને શાંત પાડતો રામલો પહેલીવાર રૂપલીને પોતાના ખોરડે લઈ આવ્યો. શંભુદાસે ત્યાં પણ એક પછી એક પત્તા બરાબર ગોઠવી રાખ્યા’તા. રૂપલી રામલાના ખોરડામાં બેઠીહતી કે તરત બહારથી મંગાએ રામલાના નામની રાડ્ય નાખી એને કામના બહાને થોડે દૂર લઈ ગ્યો અને પાછળથી રામલાના ખોરડે શંભુદાસે ત્રણેક જુવાનિયાને રૂપલીની આબરૂને પાણીપાણી કરવા મોકલાવ્યા. રૂપલી કાં એમ હાથમાં આવે..? પણ ખેંચતાણમાં રૂપલીના કપડા ફાટી ગ્યા અને તેના બાંધી રાખેલા વાળ છૂટા થઈ વેરવિખેર થઈ ગ્યા. રૂપલીની રાડ સાંભળતા રામલો તરત ઘરમાં દોડ્યો આવ્યો. રૂપલીની છાતીનું ધમણ કેમેય કરી શાંત જ નો’તુ થતુ. ઇ દોટ મૂકી રામલાને વળગી પડી. આ જ ઘડીએ બૂમરાણ મચાવતું સરપંચ અને ગામ આખાયનું ટોળું શંભુદાસની આગેવાનીમાં રામલાના ખોરડામાં પ્રવેશ્યું. રામલાને વલગી રહેલી રૂપલીના ચીંથરેહાલ લૂગડા, કેમેય શાંત ના થતો હાંફ, આખાયે ડીલે નીતરતો પરસેવો, વેરવિખેર વાળ જોઇ કોઇને કાંઇ જ સમજાવવાની જરૂર ના રહી.

શંભુદાસે વહેતી કરેલ રૂપલીના કાળાકામની વાતનો જાણે જીવતો પુરાવો બધાયને મળી ગ્યો. ધોતીયાનો છેડો પકડી રાખી, જીણી આંખ કરતા એ જ ખંધા હાસ્ય સાથે રૂપલીના ફાટેલા કપડાથી બહાર દેખાતા બદનને નીહાળતા મોંથી ટપકતી લાળને વેઢથી સજાવેલ આંગળીએ લૂંછતા શંભુદાસે ભડકો કર્યો, “લો....જોઇ લ્યો સરપંચ....આ રાં....અહીં ઓલ્યા રામલા હારે કેવા કાળા કામા કરતી ફરે છે...!” શંભુદાસની વાતને ગામઆખાયે ટેકો આપતા બૂમરાણ મચાવી. રૂપલીને આઘી કરી રામલાએ હાથ જોડી સૌ કોઇને વાત માંડી કરવા કર્યું, ત્યાં જ એની વાત અટકાવી શંભુદાસે ઉમેર્યું, “સરપંચ, આ રાં.....ને કારણે જ નાનકાનો જીવ ગ્યો...આ ડાકણ છે...!” રામલા અને રૂપલીને આ કાંઇ સમજાયું જ નૈ, પણ ગામ આખાયની રાડ્યુ વચ્ચે તાડૂકતા સરપંચના શબ્દોથી એમને ખ્યાલ આવ્યો કે નાનકાના મોતનું આળ રૂપલી પર નાખ્યું છે અને ગામ આખુંયે ગાંડુ થ્યું છે કે આમ બોલ્યે માને ઇમ નથી. વળી ટોળાના હાથમાં રાખેલી ડાંગ અને ધારિયા ભાળી રામલા અને રૂપલીને ખ્યાલ આવી ગ્યો કે આજ રાત તેમને બહુ ભારે પડવાની છે. ગાંડુ બનેલુ ટોળુ વધુ વીફરે અને કાંઇ અણધાર્યું કરી નાખે ઇ પહેલા રામલાએ રૂપલીનોહાથ ઝાલી ખોરડામાં અંદર કોર્ય દોટ મૂકી અને જતા જતા ખોરડાનો દરવાજો બંધ કરતો ગ્યો. આ થ્યું પછી જોઇતું’તુ જ શું...? ટોળું દેકીરો દેતું બંધ દરવાજાને ધકેલવા માંડ્યું. કાચી માટીની દિવાલે ટેકવાયેલ દરવાજો મોટા ધબાકા સાથે તૂટી’ગ્યો. વાડાની દિવાલ કૂદી વાસમાં ઊભે મારગે ભાગતા રામલા અને રૂપલીને ભાળી સૌ ડાંગ અને ધારિયા ઉછાળતા એમની વાંહે દોટ્યા. આગળ રામલો અને રૂપલી દોડ્યે જાય અને પાછળ આખુંયે ગામ હડી કાઢી પાછળ પડ્યું. કેટલીયે વાર રૂપલીનો ઘાઘરો પગમાં અટવાતા તે નીચે પડી જતી, પણ રામલો તરત એને હાથ આપી ઉઠાડી દેતો, અને વળી રૂપલી જીવ બચાવવા ભાગવા લાગતી. ખુલ્લા પગમાં કાંકરા અને ઝાડીના કાંટા પણ વાગ્યા’તા અને હાથ પગ છોલાઇ જતા એમાંથી લોહીના ટશીયા ફૂટી નીકળ્યા’તા. રૂપલીના મોંએ લોહી આવવા લાગ્યું.

પાછળથી “હે...હે...” રાડ્યુ પાડતું ટોળું રામલા અને રૂપલીની ઘણું નજીક આવી પૂંગ્યું. આ જોઇ રામલાએ રૂપલીને ગામ છેવાડે રહેલા તેના ખોરડામાં દોટ મૂકી સંતાઇ જવા કહ્યું અને પોતે બીજી કોર્ય દોટ મૂકી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચવા કર્યું. કોઇની છૂટ્ટી ડાંગ વાગતા રામલો ભોંય પર ગબડી પડ્યો. તેની રાડ્ય રૂપલીના કાને અથડાઇ, પણ રૂપલીને કશાયનુંભાન જ ના રહ્યું હતું. તે તો દોટ મૂકી પોતાના બાપના જૂના ખોરડામાં ઘૂસી ગઈ અને લાકડાના દરવાજાને ઝપાટાબંધ સાંકળ મારી દીધી. અચાનક તેને રામલાની રાડ્ય સાંભરી. તેને ફાળ પડી. ઘડીભર વિચાર્યું કે લાવ રામલાને બચાવી લાવું, પણ દરવાજાની તડમાંથી જે દ્રશ્ય જોયું તે જોઇ રૂપલી કાંપી ઊઠી. એક પછી એક ડાંગના ફટકાથી કનેરે ચઢેલા ટોળાની બૂમરાણ કરતાંયે વધુ જોરથી રામલાની દર્દભરી ચીસો સંભળાતી’તી. મારથી બેશુધ્ધ થઈ ગયેલા રામલાના શરીરને બેથી ત્રણ વાર હવામાં ફંગોળી પછાડ્યો. તેના પછડાટ સમયે રામલાના હાડકા કચ્ચર થવાનો અવાજ દૂર ખોરડામાં સંતાઇ બેઠેલી ધ્રુજતી રૂપલી અનુભવી શકતી હતી. રામલાના શરીરને ક્યાંય સુધી સૌ ધૂળમાં રગદોળતા રહ્યા. અચાનક સૌને રૂપલી ક્યાં ભાગી ગઈ એ ધ્યાન આવતા રામલાને ત્યાં જ પડતો મૂકી સૌએ રૂપલીની શોધ શરૂ કરી.

ચોતરફ વેરવિખેર થઈ ગયેલા સૌ કોઇ રૂપલીની ભાળ મેળવવા અધીરા બન્યા’તા. રૂપલીના બાપના ખોરડા પાસે શોધતા કેટલાક જુવાનિયાને ખોરડાની અંદર કાંઇ સંચય થતો જણાયો કે તરત જ એમણે બૂમરાણ મચાવી, “આ રાં....આંયા ઇના બાપના ખોરડે હંતાણી છે...!” અને તરત જ રીડીયા કરતું આખુંયે ટોળું રૂપલી જ્યાં સંતાઇ હતી ઇ ખોરડે આવી પૂંગ્યું.

*******

“આજે તો ઇ રાં....ને કોઢીના ઘા મારીએ તો જ હાશકારો થાશે...!”

“અરે....આખા ગામને ખાઇ જાવાની આ ડાકણ...ઇ કરતા ઇને જ મારી કાઢીએ..”

“આખા ગામનો ઉતાર કપાતર સા....”

આવી બૂમરાણ સાથે બંધ રાખેલ દરવાજે ડાંગ અને ધારીયાના ઘાના ધડકારા સાંભળતી રૂપલી કાંપતા શરીરે ખૂણે રાખેલા ડામશ્યાના ટેકે ટૂંટીયુ વળી આલોપાઇ રહી. એના ફાટ્યા તૂટ્યા લઘર વઘર કપડામાં કાળા ચાંઠા પડેલું બદન બહાર ખરદાઇ આવતું. જીવ બચાવવા નાસતા કૈંક કેટલીયે વાર ધૂળમાં રગદોળાયેલા તેના કપડા તેના મોંથી શેરડો પાડી ચાલી નીકળેલા લોહીને ચોંટેલી માટી સાથે સમાનતા બતાવી રહ્યા.

દરવાજા પર ડાંગ અને ધારીયાના ઘાના ધડાકા વધતા ગયા. એક મોટા ધડાકા સાથે દરવાજામાં બખું પડ્યું. તૂટેલા ભાગેથી કાળ બની આવેલા ટોળામાંથી કેટલાકની ખૂની નજર રૂપલીએ ભાળી. પારેવડાની માફક તે ફફડી ગઈ. બસ હમણા ઘડીભરમાં દરવાજો તૂટી જશે અને આ કાળમૂખા પોતાના શરીરના રાઇ રાઇ જેવડા ટૂકડા કરી નાખશે તેવી ખાતરી રૂપલીને થઈ ગઈ. બાપના ખોરડામાં ધ્રુજતી નજર ચોતરફ ફેરવતા પળવારમાં આ જ ઘરમાં વીતાવેલ બાળપણાથી જુવાની સુધીની દરેક યાદ તેની નજરમાં ઉભરી આવી..! ખોરડામાં ફરતી નજર એકાએક પછેતની જાળીયા વગરની બારી પર ચોંટી ગઈ અને તે સ્થિર નજરે જીવ બચાવવા છેલ્લા પ્રયત્નરૂપે શરીરને બારીએથી બહાર છલાંગ લગાવી ભાગવા આદેશ આપ્યો કે તરત રૂપલી તે આદેશનું પાલન કરવા ધ્રુજતે પગલે ઊભી થઈ. બાપના ખોરડાનો દરવાજો હવે વધુ ડાંગ અને ધારીયાના ઘા જીરવી શકે તેમ ના હતો. અસહાય દરવાજો જેવો કડડડ કરતો તૂટ્યો કે આ તરફ રૂપલીએ બારી બહાર કૂદકો મારી ગામ બહાર રૂપેણ નદીની કોતર કોર્ય દોટ મૂકી.

“એ ઓલ્યી રાં.... કોતર કોર્ય ભાગી છે...!”

“પકડો ઇને.... આજ ઇ કાળમૂખીને માર્યે જ છૂટકો...!”

“જો જો ગામ બહાર નીકળી નો એકે એમ ઝાલજો...!”

રીડીયારમણ કરતું ટોળું હડીકાઢીને રૂપલી પાછળ દોડ્યું. કોતરની પથરાળી જમીન પર કેટલીયે વાર નીચે પછડાતા રૂપલીના હાથ પગે લોહીની ધાર વહેતી થઈ. બાળપણામાં આ જ કોતરે ધમાચકડી કરતી રૂપલી તેની નજરે ઉપસી. કોતર પડખ્યેના વડની વડવાઇના સહારે ઘડીભર ઊભી રહી હાંફતો શ્વાસ હેઠો કરવા રૂપલીએ યત્ન કર્યા. તે વડવાઇનો સ્પર્શ કરતા બાળપણામાં ત્યાં લટકાઇ હીંચકા ખાધ્યાની પળ ફરી જીવંત થઈ. કોતર નીચે વહી જતી રૂપેણ નદીનો ખળખળાટ અવાજ અને તેની સાથે બાળપણાનો કિલકિલાટ ઘડીભરમાં પાછળ નજીક આવી પૂગેલા ટોળાની રાડ્યુંમાં ક્યાંય દબાઇ ગયો. રૂપલીને ખ્યાલ આવી ગ્યો કે હવે ભાગવાનો કોઇ જ રસ્તો રહ્યો નથી.

કેટલીયે ગંદી ગાળ્યુ બોલતા સૌ નજીક આવી પહોંચ્યા. રૂપલીને થ્યું કે આમ પણ મરવું જ છે તો શીદને ચીંથરા ફાડવા...આ આવા કમજાતો આગળ જીંદગીની ભીખ શું માંગવી..! રૂપલી જોડે બદલાની આગમાં ભડકે બળતો શંભુદાસ સરપંચને પાછળ કરતો હાથમાં ધારીયુ લઈ આગળ વધ્યો. હજુ પણ તેની લોલુપ નજર રૂપલીના બદનને કોરતી રહી..!

“હવે કોઢીના ઘા વાગશે..!” બોલતા શંભુદાસે ધારીયાનો ઘા ઉગામી રૂપલીની ભરાવદાર છાતીને ચીરવા ઘા કર્યો કે ‘ભચ્ચ્ચ’ અવાજ સાથે ટોળામાંથી લથડીયા ખાતો દેડી આવેલો રામલો ધારીયાના ઘા અને રૂપલીની વચ્ચે આવી ગ્યો અને અને લોહીની પીચકારી છૂટતા તે લથડતો પડ્યો. રૂપલીના મોંથી “રામલા...” ચીસ પડી. પોતાનો બાળપણાનો ભેરુ અને જુવાનીનો પ્રેમ અને સહારો રામલો આજે તેનો જીવ બચાવવા આડો આવ્યો. રૂપલીએ પોતાના હાથે રામલાના શરીરમાં ભોંકાયેલ ધારીયુ ખેંચી કાઢ્યું. તેના લોહીયાળ ચહેરા અને લાલચોળ આંખ સાથે હવામાં ઉડતા ખુલ્લા વાળ જોઇ કોઇપણ આગળ વધવા હિંમત કરી શક્યું નહીં.

“એય....ભડ.....ઓ, આવી જાઓ આગળ.....હું હમજી બેઠા સ...? કપાતર હું નહીં...તમે હંધાય સ... આ હંધુય કરાવનાર આ ભૂંડો કાળમુખો શંભુદાસ...માનું દૂધ પીધું હોય તો આગળ આવજો હવે...!” સિંહણની ગર્જના પેઠે ત્રાડ નાખી રૂપલી તરફડીયા મારતા રામલા કોર્ય વળી, ત્યાં જ પછેતથી રૂપલી બાજુ આગળ ધસતા શંભુદાસને ભાળી એક જ ઝાટકે રૂપલીએ શંભુદાસનું ગળુ વાઢી નાખ્યું..! રૂપલીનું આ રૂપ જોઇ સૌ કોઇ ધ્રુજી બે ડગલા પીછેહટ કરી ગયા. ચોધાર આંસુએ રડતી રૂપલીએ હાથના સહારે તરફડિયા મારતા રામલાને ટેકો આપી ઊભો કર્યો. કોતર હેઠે ખળખળાટ વહી જતી રૂપેણ નદી કોર્ય નજર નાખી.

“રામલા....આ દુનિયા તો કાયમ કોઢીના ઘા જ મારશે....આવી દુનિયાની શું બીક રાખવી...? આજે આ રૂપેણની સાક્ષીએ જનમોજનમ માટે તારો હાથ ઝાલુ છુ...ફરી ભેળા થાશું આવતા જનમે..!” બોલી ઊભા રહી તાકી રહેલા ટોળા તરફ તીરસ્કારભરી નજર નાખી સૌ કોઇના આશ્ચર્ય વચ્ચે રામલાને ભેળી લઈ ઊંચે કોતરેથી ખળખળાટ વહેતી રૂપેણમાં છલાંગ લગાવી...! ઘડીભર વાતાવરણ સાવ શાંત થઈ ગયું.

“એલ્યા હમણા બે દિ’ કોઇ બેડલા ભરશો મા....ઓલ્યા કપાતર પડી ડૂબ્યા....વહેણ સાફ થાય તંઈ ભરજો...!” ટોળામાંથી કોઇનો છેલ્લો અવાજ સંભળાયો અને સૌ ગામ કોર્ય જવા નીકળ્યા. ખળખળાટ રૂપેણનો પ્રવાહ ચાલતો રહ્યો.

**********