Pratisrushti - A Space Story - 1 books and stories free download online pdf in Gujarati

પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧

ભાગ 

પાત્ર પરિચય : કથાનું ફલક વિસ્તૃત  હોવાથી દરેક પાત્રનો પરિચય આપવો શક્ય નથી, છતાં મારી કથાના થોડાં મુખ્ય પાત્રોનો પરિચય અહીં આપી રહ્યો છું.

સિકંદર : મારી કથાનો ખલનાયક.

ડોક્ટર હેલ્મ : ન્યુટ્રીનો નામના ભૂતિયા કણોને પકડવામાં સફળ રહેલ વૈજ્ઞાનિક.

ડોક્ટર સાયમંડ : ડોક્ટર હેલ્મનો આસિસ્ટન્ટ. 

કેલી : ડોક્ટર હેલ્મની દીકરી અને APAL કંપનીની વૈજ્ઞાનિક ટીમની મેમ્બર. 

ઇયાન : APAL  કંપનીનો વૈજ્ઞાનિક. 

સિરમ : રોબોટિક્સ કંપનીનો માલિક.

ઇયા : સિરમની આસિસ્ટન્ટ અને ભેદી પાત્ર. 

શ્રેયસ : APAL  નો આધેડ વયનો વૈજ્ઞાનિક અને ઇતિહાસકાર

 

સમયગાળો:  ..૨૨૫૦ 

  વિશાળ અંતરીક્ષમાં એક અંતરીક્ષયાન સોળ વ્યક્તિઓની બનેલી ટીમ સાથે પ્રવાસ કરી રહ્યું હતું. તેઓ પાછલા પાંચ વર્ષથી નિરંતર પ્રવાસ કરી રહ્યા હતાં. તેઓ પૃથ્વીથી ચાર પ્રકાશવર્ષ દૂર પહોંચી ગયાં હતા. તે સ્પેસ યાનના કપ્તાનનું નામ રેહમન અને તેની ટીમમાં બીજા પંદર સભ્યો હતા, કેલી, ઇયાન, વુલમર્ગ, જેમ્સ, પીટર, ડોક્ટર સીકર, શ્રીકાંત, સરોજ,વેન, બ્રુસ, શ્રેયસ, વિલ્હેમ, કૃષ્ણા, બ્રિજ અને કેસર.

આ ટીમનું લક્ષ્ય હતું પ્રતિપદાર્થની શોધ. આ ટીમ APAL કંપની માટે કામ કરી રહી હતી. આ એક ગુપ્ત મિશન હતું અને તે માટે જયારે રેહમનને બોલાવવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું, “જો ટીમ નક્કી કરવાનો અધિકાર હોય તો જ હું મિશન પર જવા તૈયાર છું. વૈજ્ઞાનિકો, ડૉક્ટરો કે પાઈલટો જેની પણ મિશનમાં જરૂર હશે તેમને હું સિલેક્ટ કરીશ.”

કંપનીની રજામંદી પછી રેહમને પોતાની તેર સભ્યોની ટીમ તૈયાર કરી, પણ કંપનીએ બીજા બે વૈજ્ઞાનિકોને સાથે મોકલવાની વાત કરી અને આખું મિશન કંપની સ્પોન્સર કરી રહી હતી, તેથી કમને રેહમન તૈયાર થઇ ગયો. કંપનીના આ નિર્ણય સાથે જ આ સૌથી મુશ્કેલ સ્પેસમિશનમાં બે વ્યક્તિઓ જોડાઈ તે હતી  કેલી અને શ્રેયસ.

શરૂઆતમાં શ્રેયસ માટે રેહમને વિરોધ કર્યો અને કહ્યું, “છેતાલીસ વર્ષની પીઢ વ્યક્તિ આ મિશનમાં મદદરૂપને બદલે બોજરૂપ બનશે.” પણ કોઈ અજ્ઞાત કારણસર કંપની પોતાના નિર્ણય પર વળગી રહી એટલે તેને સાથે લઇ લીધો.

પ્રતિપદાર્થોને ભેગા કરવા કંપનીએ જુદા જુદા મશીનો આપ્યા હતા.

આ મિશન માટેની ટીમ નીચે મુજબ હતી.

  રેહમન : કપ્તાન, પૂર્ણ મિશનનો કર્તાહર્તા.

 

ડોક્ટર સીકર : ટીમનો ડૉક્ટર, દરેક સભ્યના આરોગ્યની જવાબદારી તેના માથે હતી.

વિલ્હેમ અને કૃષ્ણા : પાઇલટ 

બ્રિજ અને કેસર : કો-પાઇલટ 

કેલી, ઇયાન, વુલમર્ગ, જેમ્સ, પીટર, શ્રીકાંત, સરોજ, વેન, બ્રુસ, શ્રેયસ : વૈજ્ઞાનિક તેમ જ એન્જિનિયર. 

  આ ટીમની સાથે ચાર રોબો પણ હતા, જેમનું કામ વૈજ્ઞાનિકો અને પાઈલટોને આસિસ્ટ કરવું તેમ જ જરૂર પડે તો રીપેરીંગ તેમ જ અંતરીક્ષયાનમાંથી બહાર જઈને કોઈ કામગીરી હોય તો તે બજાવવી. રોબોટ્સના નામ પણ હતા ઈમિન, સિરસ, ફુરચા અને કાયલી. સ્પેસ મિશનો કોઈ પણ પૃથ્વીવાસી માટે હવે સામાન્ય વાત હતી.

સામાન્ય રીતે મિશનો નવા વસવાટ લાયક ગ્રહો શોધવા, નવી પ્રજાતિઓ શોધવી અથવા અવનવી ધાતુઓ શોધવા માટે થતાં, તે છતાં આ મિશન ખાસ હતું અને આવું વિચિત્ર અને આટલું લાબું મિશન પહેલીવાર લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે રીજનલ સ્પેસ એજન્સીઓને આ મિશન વિષે જુદી માહિતી આપવામાં આવી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે કોઈ નવો ગ્રહ ડિટેકટ થયો છે અને તે વસવાટ લાયક છે કે નહિ તેની શોધખોળ કરવા ટીમ મોકલવામાં આવી રહી છે. તે માટે જરૂરી પરવાનગીઓ લેવામાં આવી હતી.

  વાચકો મારી આ વાર્તા શરુ કરતાં પહેલાં હું તે સમયની પૃથ્વીની વાસ્તવિક સ્થિતિ અને તેનું થોડું વર્ણન કરવા ચાહીશ જેથી વાર્તાનો સાચો આનંદ લઇ શકાય

વર્ષ : ઈ.સ. ૨૨૫૦ પૃથ્વીની સ્થિતિ 

અત્યારના પૃથ્વીની સ્થિતિ જોઈ લઈએ. જગત ચાર રીજનમાં વહેચાયેલું છે ABSECT રીજન, SANGET રીજન, GRIBS રીજન અને JICAPT રીજન. હવે પહેલાંની જેમ નાના કે મોટા દેશોનું કોઈ અસ્તિત્વ નથી.

બધા દેશો ચાર રીજનમાં વહેંચાઈ ગયા છે. જગત ચાર રીજનમાં ઈ. સ.૨૧૦૦ માં જ વહેંચાઈ ગયું હતું, પણ તેની શરૂઆત ૨૦૭૫ માં થઇ. ૨૦૭૫ માં ચોથું વિશ્વયુદ્ધ પૂરું થયું, ત્યારે યુનાઇટેડ નેશનનું નૂતનીકરણ કરવામાં આવ્યું અને પહેલાંની યુનાઇટેડ નેશન ઓર્ગનાઈઝેશનો વિશ્વયુદ્ધ રોકવામાં નિષ્ફળ ગઈ એટલે તેમનું પુનર્ગઠન કરવામાં આવ્યું અને અમેરિકા પાસેથી તેનો દોર ભારત, ચીન અને ખાડી દેશોએ મળીને આંચકી લીધો.

એક ક્રાંતિકારી નેતાનો ઉદય થયો રાજનકુમાર. તેમને યુનાઇટેડ નેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ચોથા વિશ્વયુદ્ધમાં જગતની પંચોતેર ટકા વસ્તી નામશેષ થઇ હતી અને મોટાભાગની સંપત્તિનો નાશ થઇ ગયો હતો.

ભૂખમરીએ માઝા મૂકી હતી. રોગચાળો ફેલાયેલો હતો. રાજનકુમારે પહેલીવાર ભૌગોલિક આધાર પર ચાર રીજનની સંકલ્પના આપી અને તે પછીના પચીસ વર્ષ તેમણે તે સંકલ્પના સાકાર કરવા પાછળ હોમી દીધા. નાના નાના દેશો તરત માની ગયા, કારણ તેમની અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી, કુદરતી સંપત્તિઓને પણ બહુ નુકસાન પહોંચ્યું હતું. નાગરિકો ભૂખમરી અને રોગચાળાથી ત્રસ્ત હતા.

પણ મોટા દેશો પોતાની સંપત્તિ વહેચાઈ જાય તે માટે તૈયાર ન હતા, પણ ધીરે ધીરે સમજાવટને અંતે તેઓ માન્યા અને ઈ. સ. ૨૧૦૦ માં જગત ચાર ભાગોમાં વહેંચાઈ ગયું.

રશિયા અને યુરોપિયન દેશોને મળીને GRIBS રીજન, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા મળીને ABSECT  રીજન, એશિયા,ઓસ્ટ્રેલિયા અને નાના ટાપુઓ મળીને JICAPT રીજન , આફ્રિકા અને ખાડી દેશો મળીને SANGET રીજન. દરેક રીજન માટે લોકશાહી ઢબે ત્યાંની સરકાર રચવામાં આવી. 

રીજનના નામો જુદા જુદા દેશોના પહેલા અક્ષર લઈને રચવામાં આવ્યા હતા. નાના દેશોએ નામ માટે થઈને મોટો હોબાળો મચાવ્યો પણ રાજનકુમારે કૂટનીતિ વાપરીને તેમણે શાંત કર્યા. તેમણે સમજાવ્યું કે નામમાં ભલે પ્રાધાન્ય ન મળ્યું, પણ સત્તા અને સંપત્તિમાં જરૂર મળશે.

પછી ચાર રીજન વચ્ચે અણુશસ્ત્ર નિશાસ્ત્રીકરણના કરારો થયા, નોલેજ ટ્રાન્સફરના કરારો થયા, એજ્યુકેશન સિસ્ટમ શેરિંગના કરારો થયા. હવે આખા જગતમાં શિક્ષણનું સ્તર એક જેવું હતું. ઈ.સ. ૨૧૨૦ માં રાજનકુમારનું મૃત્યુ થયું, ત્યાં સુધીમાં જગતમાં શાંતિ છવાઈ ગઈ હતી અને ટેક્નોલોજિકલ ડેવલપમેન્ટ માઝા મૂકી હતી.

ક્રમશ: