ASE OF DEAD BODY.... books and stories free download online pdf in Gujarati

સ્મશાનની રાખ...

સ્મશાનની રાખ.....દિનેશ પરમાર ' નજર '
__________________________________
જિન્દગી મૂકી જનારા ક્યાં કદી પાછા ફર્યા,
જોઈ લ્યો સ્મશાનની કેવી રખાવટ હોય છે.
લોક સૌ ભગવાન ભૂલી તારી પાછળ દોડતા,
સંત તારા શબ્દમાં કેવી છણાવટ હોય છે.
-હર્ષદ પંડયા 'શબ્દપ્રીત' _______________________________________________
પરબતપુરા ગામના વાસમાં સવારે અજવાળુ થતા માં તો, રૂપા મોતી નું ઘર રોકકળ, આક્રંદ ને, "ઓ બાપા રે"ની પોક થી ભરાઈ ગયું.
સ્વાભાવિક રીતે ઓછી વસ્તી ધરાવતા આ ખોબા જેવડા ગામ ના લોકો ને સમાચાર મળી ગયા કે, ગઈ કાલે રાત્રે ખેતરમાં, પાણી વાળવા ગયેલો કેશવ રૂપા સવાર સુધી માં ઘરે પરત ફરતો પણ આજે તે ઘરે પરત આવ્યો નહતો.
સવારે આ વાત કેશવની પત્ની લીલા એ તેના કાકાજી હરજી મોતી ઉર્ફે ભગત બાપાને કરતા, ભગત બાપા ખેતરે તપાસ કરવા ગયા ત્યારે , પાણીના પાળાની બાજુમાં કેશવ ચત્તો-પાટ પડેલો જોયો.
બાજુના ખેતરે દાખલ થતા, નાથુ શિવાને બુમ પાડી બન્ને, નજીક ગયા ને જોયું તો, કેશા નું શરીર સાવલાકડા જેવું નિસ્તેજ ને લીલું પડી ગયું હતું ને આંખો ફાટી પડી હતી.તેના જમણા પગમાં કાળા પડી ગયેલા દંશ ના ડાઘ જોતા જ ખબર પડી ગઈ કે કેસાને કાળોતરો આંબી ગયો હતો... , કેશો નહોતો રહ્યો.
આવી હાલત જોતાજ, ભગત બાપાએ, "ઓ મારા કેશા બેટા... શું થઈ ગયું આ?" ની મોટી ચીસ પાડી તેની ઉપર ઝૂકીને મોટે મોટેથી રોવા લાગ્યા. નાથુ શિવા ક્યાંય સુધી તેમની પીઠ પર હાથ ફેરવી શાંત પડતો રહ્યો. એટલામાં તેમની રાડો સાંભળી આજુ બાજુના ખેતરમાં કામે લાગતા લોકો દોડી આવ્યા.
કેશાને ઘરે લઈ આવ્યા ત્યારે ઘર, કેશાની વહુ લીલા, ભગત ના દિકરા વિક્રમ ને ભગતબાપાની રોકકળ થી, પેહલા ઘર, પછી આંગણું, ને પછી મહોલ્લો, ગામ લોકોથી ઉભરાઇ રહ્યું.
*********
રાજ્યની ઉત્તરે બાજુના રાજ્ય ને જોડતા રાષ્ટ્રીય-ઘોરી માર્ગ પર આવેલા પરબતપુરા ગામની અંદાજે ત્રણ હજાર જેટલી વસ્તી હતી. તેમાં વિવિધ કોમના શ્રમજીવી લોકો ના ઘર હતા.
પરબતપુરા ને પડખે રૂપવતી નદી આવેલી હતી, તેમાં બારેમાસ પાણી રહેતું એટલે ખેતી, ત્થા નાહવા ધોવા અને પીવાનો પ્રશ્ન ક્યારેય નડયો નથી.
સુથાર, કુંભાર, દરજી, વણકર જેવા ખન્તીલાં લોકો, પોતાનો તૈયાર કરેલો માલ, નજીકમાં આવેલા તાલુકા મથકે દર રવિવારે, સરકારી જમીનના ખુલ્લા મેદાનમાં ભરાતા ખુલ્લા બજારમાં વેચાઇ જતો, બાકી લોકો ગામમાં પરચુરણ કામ કરતા ને જેમની
પાસે ખેતીની જમીન હતી તે નદીને કારણે ફળદ્રુપ પાક લઈ સારી એવી ઉપજ મેળવતા.
ગામમાં મોટા વાસમાં દાખલ થતાં મેડિબંધ બે મકાનો, મોતી ભીખા ના વસ્તાર ના એટલે, મોટા રૂપા મોતી, નાના હરજી મોતી ના હતા.
પહેલા મકાનમાં રહેતો રૂપા મોતી અને તેની પત્ની, વર્ષ અગાઉ ચાર ધામ યાત્રાએ ગયેલા, રસ્તામાં યાત્રાળુ બસને અકસ્માત થતાં મૃત્યુ પામેલા બાર યાત્રાળુઓ માં તે બન્ને પણ ગુજરી ગયા હતા.
એતો સારું હતું કે યાત્રાએ જતા અગાઉ, એક ના એક દીકરા કેશવ ના લગ્ન નજીક ના ગામ સુખપરા ના સરપંચ અંબારામ જીવણ રામ ની, મા-બાપ વગરની બેન લીલા સાથે કરાવી દીધા હતા.
બીજું ઘર હરજી મોતી ઉર્ફે ભગત બાપા નું હતું. તેમને એક જ દીકરો નામે વિક્રમ હતો. તેમના પત્ની બે વર્ષ અગાઉ મોટા ગામતરે પહોંચી ગયા હતા. પણ રૂપા અને હરજી વચ્ચે મોટો ફરક જોઈએ તો હરજી પહેલેથી જ ભજન પ્રેમી, ગામમાં રાત્રે કોઈ ને કોઈ વાસ માં ભજન હોય... હોય.. ને.. હોય....
તેમાં હરજી અચૂક હોયજ, લોકો તેથી તેમને હરજી બાપા ઓછું ને ભગત બાપા તરીકે વધારે ઓળખતા . ઘરના કામમાં, ખેતર ના કામમાં ત્થા અન્ય કામમાં , મઝીયરા કારોબારને કારણે તેમનો પુત્ર વિક્રમ, ભાઈ રૂપો અને ભત્રીજો કેશવ વહેંચી ને કામ કરી લેતા. આ કામો રૂપાના મર્યા પછી, બે ભાઈ વિક્રમ અને કેશવે સંભાળી લીધા હતા. હરજી તેના મુડ પ્રમાણે કામમાં મદદ કરતો. અને મોટા ભાઈ ના ગયા પછી તો ભજનની સાથે સાથે કામમાં રસ લેતો થયો હતો.
બાજુના ગામ રૂષિ પૂરાને અડતા પરબતપુરા ના ગામ સીમાડે કુલ પચાસ વીઘા ફળદ્રુપ જમીન, આજની તારીખે હરજીના બાપા, મોતી ભીખાના નામે જ બોલતી હતી. રૂપા અને હરજીએ આ જમીનના ભાગ નોતાં પડ્યા, બધો વ્યવહાર મઝીયારો ચાલ્યો આવતો હતો.
********
કેશવને કાયમ માટે સ્મશાને વળાવી આવ્યા બાદ, નાત રિવાજ મુજબ કાણ-મોંકાણ, લૌકિક-ક્રિયા પતાવી, ચાંદોદ ખાતે અસ્થિ- વિસર્જન ની વિધિ પણ પતાવી આવ્યા.
બે દિવસ બાદ, લીલાનો ભાઈ અંબારામ પરબતપુરા આવ્યો. ને હવે વડીલ તરીકે લીલાના કાકાજી હરજી ભગત હોઇ, તેમની રજા મેળવી પોતાની બેન લીલાને, સાડલો બદલવા સુખપરા લઈ આવ્યા.
બે દિવસ લીલા પિયર રોકાઈ, તે દરમિયાન તેના ભાઇ એ જે વાત કરી તે વાત લીલા માની ના શકી, પરંતુ ગામના છેવાડે કાચા ઝૂંપડામાં રહેતા વાદી શંકરને રૂબરૂ બોલાવી મોઢામોઢ વાત કરાવી ત્યારે તેના અંગે-અંગમાં આગ લાગી, તેને થયું, " માણસ કેવો દેખાતો હોય છે અને કેવો અંદરથી હોય છે?, આ જગત એક મિથ્યા માયા છે, બધું અહીંજ મૂકીને જવાનું છે. ગમે તેટલું ભેગું કરો પણ, સ્મશાનની મુઠ્ઠી રાખ, છેવટે બચે છે પતી ગયેલા અસ્તિત્વ ની!!!, તેવી વાતો કરનારા દંભી લોકોથી સંસાર ભરેલો છે." આટલા વિચાર સાથે તે ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી.
તેનો ભાઇ ક્યાંય સુધી તેની પીઠ પસવારતો આશ્વાસન આપતો રહ્યો. લીલા જ્યારે પોતાની સાસરી પરબતપુરા પરત ફરી ત્યારે એક મક્કમ નિર્ધાર કરી લીધો હતો.
*******
ભગત બાપા બાજુના ગામમાં,તેમને વાયક મળેલ એટલે રાત્રે ભજનમાં ગયા હતા. તે વહેલી પરોઢે પરબતપુરાના પાદરમાં હજુ પહોંચ્યા ત્યાં , હાંફળો-ફાંફળો, બાજુના ખેતરનો નાથુ શિવા દોડતો સામે આવ્યો, " ભગત બાપા ગજબ થઈ ગયો"
ચલમને ફૂંક મારતા અટકી ગયેલા ભગતે, ચલમ હાથમાં ઝાલી બોલ્યા "અલ્યા કેમ આટલો ગભરાયેલો છે? શું થયું?"
" સીધો ખેતરેથી દોડયો આવું છું, બાપા તમારો વિક્રમ...."
હજુ આગળ કાંઈ બોલવા જાય ભગત ઊંચા જીવે બોલ્યા, "શું?? શું વિક્રમને?"
"વિક્રમ ખેતરમાં, કેશવની જેમ જ ચત્તોપાત પડ્યો છે."
"હેં...." ના હાયકારા સાથે ભગતબાપા એ ખેતર તરફ રીતસર દોટ મૂકી.
ખેતરની વચ્ચે, કેશવની જેમ જ કાળોતરા ના કાતિલ દંશ થી આખા શરીરમાં વ્યાપી ગયેલા ઝેરથી, વિક્રમ કાયમ માટે ફાટેલી આખેં ચીરઃનિદ્રામાં પોઢી ગયો હતો. ભગતબાપા," ઓ મારા દીકરા.. આ તને શું થઈ ગયું. "ની રાડ પડી ફસડાઈ પડયા.
એકજ મહિનામાં એકજ ઘરમાં નાગ-દંશથી બેબે જુવાનજોધ છોકરા ગુજરી ગયા હતા, વિક્રમની અંતિમયાત્રામાં આખું ગામ અને આજુ બાજુના ગામના લોકો પણ જોડાયા. ગામથી દૂર રૂપવતી નદી કિનારે સ્મશાનમાં વિક્રમ ની લાશને અગ્નિદાહ આપ્યો ત્યારે લોકો હિબકે ચઢી ગયા.
ઢળતા સૂરજની સાથે પરત ફરેલા ડાઘુઓ, ધીરેધીરે વિખરયા..
સાંજે જ સુતકની વિધિ પતાવી. આંગણમાં બેઠેલા વસ્તીના ભાઈઓ મોડી રાતે વિખરાતા, પોતાના મનમાં ચાલતી ગડમથલ ને અંજામ આપવા હરજીભગત છુપાવેલા છરા સાથે સ્મશાનથી થોડે દૂર, હંગામી ધોરણે વસવા બનાવેલા દસેક વાદીઓના કાચા ઝુપડાં પૈકી, ધના પૂજા વાદીના ઝુંપડા પાસે પહોંચી ખખડાવતા પહેલા છુપાવેલ છરો ચેક કર્યો.
ભગત દરવાજો ખખડાવે તે પહેલા તો દરવાજો હડસેલી અંદરથી, તેમના ભત્રીજા ની વહુ લીલા બહાર આવી. લીલા નું ધ્યાન તેના બહાર ઉભેલા કાકાજી તરફ જતા, અટકી પાલવ થી અધકચરું મોં ઢાંકી બોલી, "કાકા શું મેળવ્યું તમારા ભત્રીજા ને નાગ-દંશ થી મરાવી? ભગત થઈ ને તો આ જીવન માં શું લઈ જવાનું છે...છેવટે તો આ બધું રાખ છે. તેવી સુફિયાણી વાતો કરતા, તમારા છોકરા વિક્રમને બધી જાયદાદ મળે તેવો કારસો રચ્યો..તમે ધના વાદી ને દસ હજાર રૂપિયા માં, મારા ધણી ને પતાવ્યો, મને મારા પિયરમાં આ વાત ની ખબર પડી ને મેં ધના ને પંદર હજાર રૂપિયામાં લલચાવી , તમારા દીકરા વિક્રમ ને પતાવ્યો. હિસાબ બરોબર ને? "
" અને હા... આજે વચન પ્રમાણે ધનાને રકમ આપવા આવી હતી. તો એકલતા માં સ્ત્રીને ભાળી તે મને કાળોતરા જેમ વીંટળાઈ વળ્યો. ને મને સાંગોપાંગ ડંખી મારામાં તેનું ઝેર ઠાલવી નાખ્યું છે. તેના ઝેરની અસર નું જે પરિણામ આવે તે , પણ વળતા ઘા એ મેં મારા ધણી નું વેર લેવા તેને પૂરો કરી નાખ્યો છે. " એક સાથે બધી ભડાસ કાઢી સડસડાટ ગામ બાજુ ચાલી નીકળી...
********
ઘસઘસાટ ઘોરતાં ગામમાં રાત્રે મોડેથી ઘરે આવી ,ભારે હૈયે દરવાજા ની બાજુમાં લટકાવેલ વિક્રમ ના અસ્થિફૂલ ને રાખ નો કુંભ ઉઠાવી ભગત ખેતરે ચાલી નીકળ્યા .
ખેતર પહોંચી, કુંભ ખોલી, પચાસ વીઘા જમીન ના ખેતર પર એક નજર નાખી..
ભારે હૈયે કાળી રાત ને ચિરતી બુમ પાડી, " લે... રાખ.. સ્મશાનની રાખ.. લે... રાખ...સ્મશાનની રાખ..." ને કુંભમાં રહેલા વિક્રમ ના અસ્થિફૂલ ને રાખની , મૂઠી ભરી ખેતર માં વિખેરી નાંખી બીજી પળે, ખેતરથી મોઢું ફેરવી, કાયમ માટે ગામ છોડી દૂર કોઈ અજાણી જગા એ જવા અંધારામાં ઓગળી ગયા.......

*********************
દિનેશ પરમાર નજર