N din ko chain hai n rato ko sukun books and stories free download online pdf in Gujarati

ન દિન કો ચૈન હૈ ન રાતો કો સુકુન: યે PUBGવાલા હૈ ક્યા?

ન દિન કો ચૈન હૈ ન રાતો કો સુકુન: યે PUBGવાલા હૈ ક્યા?

પબ અને પબજી યંગસ્ટર્સને આઇપીએલ અને આઇપીલ જેવી જ કિક આપે છે! જોકે, આઇપીલ એ કિક વાગ્યા પછીની ઘટના છે...! હોવ...હમ્બો...હમ્બો...!

અગાઉના છોકરાઓ બે આંગળીની બંદૂક બનાવી મોઢેથી એના ફૂટવાના અવાજો કાઢીને ફિલ્મી ઢબે ફાઇટિંગ ફાઇટિંગ રમતાં અને આજના છોકરાઓ પબજી રમે છે. પબજીએ બીજું કંઈ નહીં, પણ પેલી નાનપણની રમતનું આધુનિક વર્ઝન છે. દરેક ઇતિહાસ કાયમ પોતાને રિપીટ કરતો હોય છે યુ નો...!

આપણી સરકારે આવી પબજી પર પ્રતિબંધ મૂકીને પોતાની ટૂંકી બુદ્ધીનું લાંબુ પ્રદર્શન કર્યું છે! મીડલ ઇસ્ટના દેશોના યુવાનો હાથમાં ખરેખરી બંદૂકો લઈને રસ્તા પર ઉતરી આવે છે એની તુલનાએ આપણા યુવાનો વર્ચ્યુઅલ બંદૂકો ફોડે એમાં સરકારના પૂજ્ય પિતાશ્રીનું શું જાય છે? આઈ મિન, સરકારને બીજા કોઈ મહત્વના કામ નહીં હોય? સરકારને તો ના જ હોય, પણ પોલીસને બીજા સત્તર અગત્યના કામ હોય છે.

હા, પબજીનું એક દુષ્પરિણામ એ ખરું કે એમાં જ રમમાણ રહેનારા લોકો પછી ખરેખરા યુદ્ધને પણ વીડિયો ગેમ જ સમજી બેસે છે અને પાકિસ્તાન સાથેના તણાવ વખતે બેફામ લવારા કરતા હોય છે. એ તમામને બોચી ઝાલી ઝાલીને 'ચર્નોબીલ' સિરિઝ બતાવવી જોઈએ. એ લલ્લુઓ સમજતા નથી કે બે પરમાણુ શક્તિઓ વચ્ચેનું ફૂલ ફ્લેજ્ડ યુદ્ધ પબજીની જેમ સ્ક્રિન પરના કેટલાક બટન્સ દબાવવા જેટલું સહેલું નથી હોતું. ઉત્તર કોરિયાનો કિમ જોંગ ઉન અને અમેરિકાના રાજાધિરાજ ટ્રંપેન્દ્ર પણ ભલે પોતપોતાનું પરમાણું બટન કેટલું મોટું છે એ વાતે મૂછે તાવ દીધે રાખે, પણ એ બટન દબાવતા નથી. કારણ કે એ લોકો પણ જાણે છે કે એ બટન પબજીનું નથી. જોકે, એ બન્નેને સામસામા પબજી રમવા બેસાડી દેવા જોઈએ. વીડિયોગેમમાં જ હાર-જીતનો ફેંસલો થઈ જાય અને દુનિયા પરથી પરમાણું યુદ્ધનું સંકટ પણ ટળી જાય. હા, પણ એ બન્ને પબજી રમતા હોય ત્યારે એ બન્નેના પરમાણું બટન્સ થોડા છેટા રાખવા. ચેતતા નર સદા સુખી... હોવ...હમ્બો...હમ્બો...!

પબજીના આગમન બાદ ફિલ્મ 'વેલકમ'ના આગામી ભાગમાં રાઈટર્સ પેલા પારલે જીવાળા ડાયલોગની જ તર્જ પર નાના પાટેકરના પાત્ર શેટ્ટીભાઈના મુખે એવો ડાયલોગ મુકાવી શકે કે, 'આજ-કલ તો વીડિયોગેમ કો ભી પબ'જી' કહેતે હૈ...!

લોકોને આ ગેમનું એવું વળગણ છે કે કમ્પનીઓ નવા મોબાઇલ્સ પણ એ ગેમ રમવામાં સુવિધા થાય એવા ડિઝાઇન કરી રહી છે અને ફોનના રિવ્યઅર્સે પણ રિવ્યુમાં ફોન પબજી રમવામાં કેવો છે તે મુદ્દાનો સમાવેશ કરી લીધો છે. જો સરકાર ઈચ્છે તો આનો અભ્યાસક્રમમાં પણ સમાવેશ કરી શકે છે. જો ખેલમહાકુંભમાં પબજીનો સમાવેશ થઈ જાય તો એમાં ભાગ લેનારાઓની સંખ્યા વધીને ચાર ગણી થઈ જાય.

પબજીખોરો રમવામાં એવા રમમાણ થઈ જાય છે કે તેઓ રમતા હોય ત્યારે જે કોઈપણ કોલ કરે એને એ પબજીવાળી બંદૂકથી જ ભડાકે દેવાનો વિચાર એમને આવી જાય છે, પણ અફસોસ કે એ બંદૂક વાસ્તવિક નથી હોતી. એ બંદૂક વર્ચ્યુઅલ હોવાના કારણે જ આપણા દેશમાં અનેક મર્ડર થતા અટકી ગયા છે.

જે કોઈને પણ એવો ભ્રમ હોય કે આપણા યુવાનોમાં એકાગ્રતાનો અભાવ છે તેમણે એમને પબજી રમતા જોવાની જરૂર છે અને હિંમત હોય તો એમની એ સમયની એકાગ્રતામાં ખલેલ પાડી જોવી. એ એકાગ્રતા આક્રમકતામાં રૂપાંતરિત થતા વાર નહીં લાગે. હોવ...

પબજીનો એવો તે કેવો ક્રેઝ હશે કે એક કાર્યક્રમમાં એક મહિલાએ વડાપ્રધાન મોદીને ફરિયાદ કરી કે એમનો બાબો આખો દિવસ મોબાઈલમાં જ ખૂંપેલો રહે છે ત્યારે મોદીએ તરત પૂછેલું કે, 'યે પબજીવાલા હૈ ક્યા?' એ સવાલ સાથે વડાપ્રધાન તો એ પ્રસ્થાપિત કરવા માંગતા હતા કે તેઓ યુવાપેઢીની નાડ પારખે છે અને યંગસ્ટર્સમાં ચાલતા લેટેસ્ટ ટ્રેન્ડ્સથી વાકેફ રહે છે, પણ વડાપ્રધાનના મુખે પુછાયેલો - યે પબજીવાલા હૈ ક્યા? - એ પ્રશ્ન કોઈ વડાપ્રધાન દ્વારા પુછાયેલો યુવાપેઢીને લગતો એક ગંભીરતમ પ્રશ્ન હતો. ભક્તો ઈચ્છે તો દાવો પણ કરી શકે કે એ પ્રશ્ન પૂછવાની સાથે જ નરેન્દ્ર મોદી એવો પ્રશ્ન પૂછનારા દેશના પહેલા વડાપ્રધાન બની ગયા છે. દેશનું મીડિયા ભલે વડાપ્રધાનને બહુ આકરા પ્રશ્નો ન પૂછતું હોય, પણ આપણાં વડાપ્રધાન ચોક્કસ ગંભીર પ્રશ્નો ઉઠાવે છે અને ક્રિકેટમાંથી 'ગંભીર'ને પણ ઉઠાવે છે! હોવ...હમ્બો...હમ્બો...!

ફ્રી હિટ :

હવે એ દિવસો દૂર નથી કે જ્યારે પત્રકારત્વના વિદ્યાર્થીઓને એ ભારપૂર્વક ભણાવવું પડશે કે સરકારના P.R. માટે માહિતીખાતુ હોય છે, મીડિયા નહીં.