EKLAVY books and stories free download online pdf in Gujarati

એકલવ્ય

વાર્તા-એકલવ્ય લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775

લક્ષ્મીપુરા ગામની સી.જે.વિદ્યાલય એટલે જેને ખરેખર દિલ દઇને ભણવું જ છે તેના માટે વરદાન છે.પાંચ વર્ષ પહેલાં આ હાઇસ્કૂલ ને સાયન્સ સેન્ટર મળ્યું એ પછી દર વર્ષે બારમા ધોરણ નું સાયન્સ નું રીઝલ્ટ આખા તાલુકામાં ફર્સ્ટ આવવા લાગ્યું.એકએકથી ચડિયાતા શિક્ષકો થી આ વિદ્યાલય ઉજળું હતું. બારમા ધોરણના ફિઝીક્સ અને મેથ્સના શિક્ષક ડાહ્યાલાલ એટલે એકવાર ભણાવે પછી કોઇ વિદ્યાર્થીને

બીજીવાર પૂછવાની જરૂર ના રહે.પણ ડાહ્યાલાલ માસ્તર ની એક કમજોરી હતી પૈસા.તેમના ત્યાં બધા વિદ્યાર્થીઓ ટ્યુશન આવે એવો આગ્રહ રાખે અને ટ્યુશન આવનાર વિદ્યાર્થીઓ ઉપર એમના ચાર હાથ રહેતા.ટ્યુશન નહીં આવનાર વિદ્યાર્થી ઉપર તેઓ સદાય કોપાયમાન રહેતા.

છેલ્લી પાટલી પર બેસનાર રમણ આખા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી.તેને જાણી જોઇને છેલ્લી પાટલી પર બેસાડવામાં ડાહ્યાલાલ માસ્તર નો હાથ હતો.રમણ સાવ ગરીબ ઘરનો છોકરો.જેના ઘરે ભણવાની કોઇ સગવડ નહીં.સ્કૂલ છૂટ્યા પછી રમણ ગામ વચ્ચે આવેલા પુસ્તકાલયમાં બેસીને વાંચતો.પણ ડાહ્યાલાલ માસ્તરનો આગ્રહ હતોકે રમણ પણ ટ્યુશન આવે.કારણકે તેમના ત્યાં ટ્યુશન નહીં આવીને પણ રમણ કાયમ ફર્સ્ટ આવતો.આ તેમને ખૂંચતું હતું.તેઓ કાયમ રમણની અવગણના કરતા,તેને વાતે વાતે ઉતારી પાડતા.પરીક્ષા વખતે સંભવિત પૂછાનાર પ્રશ્નો પણ તેઓ રમણને આપતા નહોતા.

રમણ પાસે ટ્યુશન ફી ના પૈસા તો નહોતા જ પણ તે એવું વિચારતો હતોકે ડાહ્યાલાલ માસ્તર ક્લાસમાં આટલું સરસ ભણાવેછે પછી મારે શું કરવા ટ્યુશન જવું પડે.બારમા સાયન્સમાં સારું પરિણામ લાવવા તે ખૂબ મહેનત કરતો હતો.ડાહ્યાલાલ માસ્તર પ્રત્યે રમણ ને ખૂબ આદર હતો. તે જાણતો હતોકે સાહેબ તેને હેરાન કરેછે તો પણ.કારણકે તે જાણતો હતોકે ફિઝીક્સ અને મેથ્સ માં તે આખી સ્કૂલમાં ફર્સ્ટ આવતો હતો તે ડાહ્યાલાલ માસ્તરના કારણે જ.

રમણને આઈ.આઈ.ટી.માં જવું હતું.એટલે રાતદિવસ સખત મહેનત કરતો હતો.ટયુશનના વિદ્યાર્થીઓ પણ તેને સહયોગ નહોતા આપતા.અગત્યના પ્રશ્નપત્રો વિ.પણ તેની પાસે નહોતા એટલે તેને મહેનત વધારે કરવી પડતી હતી.બોર્ડની પરીક્ષા નજીક આવી રહી હતી.

આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઇ હતી.રમણ એકાગ્ર ચિત્તે મહેનત કરતો હતો.દસ દિવસ સુધી પરીક્ષા ચાલી.પેપરો સારા ગયા હતા.તેને વિશ્વાસ હતો કે તે આઈ.આઈ.ટી.માં જઇ શકશે.પણ હવે સવાલ ભણવા માટે ના પૈસાનો હતો.એડમિશન કદાચ મળી જાય પણ ખર્ચ ક્યાંથી કાઢવો? તે ચિંતાતુર હતો.

પરિણામનો દિવસ આવી ગયો.બધાની આતુરતાનો અંત આવ્યો.પરિણામ જાહેર થયું.લક્ષ્મીપુરા ની સી.જે.વિદ્યાલય નો વિદ્યાર્થી રમણ ગુજરાત બોર્ડમાં ત્રીજા નંબરે પાસ થયો હતો.98% માર્ક્સ આવ્યા હતા.ગામમાં વાહવાહ થઇ ગઇ.રમણ ઉપર અભિનંદન ની વર્ષા થઇ.લક્ષ્મીપુરા ગામનું તથા તેના માબાપ નું નામ રોશન કર્યું હતું આ ગરીબ વિદ્યાર્થીએ.

હાઇસ્કૂલના ટ્રસ્ટી મંડળે જાહેરસભા બોલાવીને રમણ નું સન્માન કરવાનું ઠરાવ્યું.આજે સાંજે સ્કૂલના મેદાનમાં સભા બોલાવવામાં આવી.રમણને સ્ટેજ પર બેસાડવામાં આવ્યો.ટ્રસ્ટીઓએ તથા પ્રિન્સીપાલે પ્રવચન કરીને રમણ ના ભરપેટ વખાણ કર્યા.ગુજરાતના શિક્ષણક્ષેત્રે સ્કૂલનું નામ સૌથી ઉપર લાવનાર આ વિદ્યાર્થીના તમામ શિક્ષકોએ પણ વખાણ કર્યા.હવે રમણને બે શબ્દો કહેવા માટે પ્રિન્સીપાલ સાહેબે અપીલ કરી.

રમણ સંકોચ સાથે ઊભો થયો.શું બોલવું કંઇ સમજાતું નહોતું.માઈક હાથમાં લીધું.ડાહ્યાલાલ માસ્તર પણ સ્ટેજ ઉપર હાજર હતા.રમણે કહ્યું ‘સ્ટેજ ઉપર બિરાજમાન માનનીય મુખ્ય મહેમાનો,શિક્ષકગણ તથા મારા મિત્રો.મારે આઈ.આઈ.ટી.માં જવું હતું અને મને વિશ્વાસ હતોકે હું જઇશ જ કારણકે મને ભણાવનાર શિક્ષક ખુદ દ્રોણાચાર્ય એવા ડાહ્યાલાલ માસ્તર હતા.વગર ટ્યુશને આટલા ટકા લાવવા બહુ કપરું કામ હતું પણ સાહેબની ભણાવવાની રીત જ એવી હતીકે પછી કોઈની મદદની જરૂર ના રહે.મારી આ સફળતાનો પૂરેપૂરો જશ હું શ્રી ડાહ્યાલાલ સાહેબ ને આપું છું.આટલું બોલીને રમણ સીધો જ ડાહ્યાલાલ માસ્તરના પગમાં પડ્યો.સાહેબ એને ઊભો કરીને ભેટી પડ્યા.ઉપસ્થિત સહુએ તાળીઓનો ગડગડાટ કર્યો.

હવે બોલવાનો વારો ડાહ્યાલાલ માસ્તરનો હતો.તેમણે ભીના અવાજે એટલું જ કહ્યું કે ‘ મારો આ વિદ્યાર્થી સ્કૂલનું નામ રોશન કરીને આઈ.આઈ.ટી.માં જવા માગેછે પણ તેનો મોટો પ્રશ્ન આર્થિક છે.હું ટ્રસ્ટી મંડળને વિનંતી કરુંછું કે રમણ નો ભણતરનો ખર્ચ આપણું ટ્રસ્ટી મંડળ ઉઠાવે.’

ટ્રસ્ટી મંડળે ડાહ્યાલાલ માસ્તરની દરખાસ્ત ને મંજૂરી આપી.દ્રોણાચાર્યે એકલવ્ય નું ઋણ ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો.