OLAKH books and stories free download online pdf in Gujarati

ઓળખ

વાર્તા-ઓળખ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.96017 55643

વિશાલે ઘડિયાળમાં જોયું.રાત્રીના દસ વાગ્યા હતા.કડકડતી ઠંડીમાં તે ધ્રુજી રહ્યો હતો.બાઈક લઇને ઘરે જવાનું હતું.ઓફિસ શહેરમાં હતી પણ તેનું ગામ શહેરથી પંદર કિલોમીટર દૂર હતું.ઓફિસ ટાઇમ સવારે નવ થી સાંજે છ નો હતો.તે બાઈક ઉપર અપ ડાઉન કરતો હતો.હેલ્મેટ પહેરવાની આળસ આજે કેટલી તકલીફદાયક સાબિત થઇ હતી એ તેને સમજાઇ રહ્યું હતું.કમસે કામ માથું તો ઠંડીથી બચી શક્યું હોત.રોજ સવારે નીકળતી વખતે છાયા હેલ્મેટ પહેરવાનું યાદ કરાવતી પણ હેલ્મેટ પહેરવી કે નહીં તે વિશાલના મુડ ઉપર આધાર રહેતો.

સવારે ઓફિસ પહોંચ્યો ત્યારે બહાર ભારત સરકાર ની સરકારી જીપ જોઇને જ તેને ફાળ પડી હતી.તેની ચેમ્બરમાં પ્રવેશ કરીને કમ્પ્યુટર ચાલુ કરતો જ હતો એટલામાં પટાવાળો બોલાવવા આવ્યો ’ વિશાલ સર બોસ બોલાવેછે અરજન્ટ છે.’ વિશાલ બોસની ચેમ્બરમાં ગયો.ચાર અધિકારીઓ બેઠા હતા.બોસે કહ્યું ‘વિશાલ,ઇન્કમટેક્ષ ની રેડ છે.સાહેબો જે જોવા માગેતે વિગત તૈયાર કરીને બતાવો’ ‘ઓકે સર’ વિશાલે આવેલા અધિકારીઓ સામે જોઇ સ્માઈલ આપ્યું.પછીતો કાગળો તૈયાર કરવામાં,ચેકિંગ કરવામાં આખો દિવસ પસાર થયો.ચાર વાગ્યે વિશાલ અધિકારીઓ સાથે જમવા ગયો.જમ્યા પછી પણ અધિકારીઓ અલગઅલગ વિગતો માગતા ગયા,વિશાલ વિગતો બનાવતો ગયો,અમુક શંકાસ્પદ ચોપડા સાહેબો ને લઇ જવાના હતા તેનું પેકિંગ પણ તૈયાર કર્યું, છેક પોણા દસે કામ પત્યું.અધિકારીઓ ને સંતોષ થયો.પછી જે વહેવાર કરવાનો હતો એ બોસ ને ફોન ઉપર પૂછીને પતાવ્યો.તે મનમાં ગણગણ્યો પણ ખરો કે ગમે તે સરકાર આવે પણ આ વહેવાર દૂર નહીં થાય.એક અધિકારીએ તો વિશાલને કહ્યું પણ ખરું કે આમાં તમારો પણ થોડો હિસ્સો રાખવો હોયતો એટલા શેઠને વધારીને કહો અમે તમને આપી દઈશું.પણ વિશાલે ચોખ્ખી ના પાડી.અધિકારીઓને વિશાલની નિષ્ઠા ઉપર માન થયું.

સુસવાટા મારતો પવન ઠંડીમાં વધારો કરી રહ્યો હતો.રોડ ઉપર કોઈનો સંગાથ થાય તો સારું એમ વિચારીને તેણે થોડી રાહ જોઇ પણ કોઇ દેખાયું નહીં એટલે બાઈક સ્ટાર્ટ કર્યું.આ રોડ ઉપર રાત્રીના સમયે એક તો ઝેરી જનાવર રોડ ઉપર નીકળતાં તેની બીક રહેતી,અંધારાના કારણે ખાડા ટેકરા દેખાતા નહોતા એટલે બહુ સાચવવું પડતું. અમુક અંતરે લાઈટો આવતી પણ પછી ઘોર અંધકાર. ભૂત પ્રેત વિષે પણ ઘણી લોક વાયકાઓ સાંભળી હતી.મનમાં ડર તો હતો જ.ઘરેથી છાયા ના પણ ઉપરાઉપરી ફોન આવતા હતા.

બાઈક બે કિલોમીટર જેટલું ચાલ્યું હશે એટલામાં તેણે પાછળ બીજા બાઈક નું હોર્ન સાંભળ્યું.તેને હાશ થઇ ચાલો કોઇ સાથીતો મળ્યો.પાછળના બાઈકની લાઈટ ચાલુ હતી અને અંધારું હતું એટલે બાઈક ઉપર કેટલા સવારો છે તે અને કોણ છે તે દેખાતું નહોતું.બે બાઈક વચ્ચે પચાસ ફૂટ નું અંતર હતું.તેણે બાઈક ધીમું પાડ્યું સંગાથ કરવા માટે પણ પાછળનું બાઈક બહુ ધીમું ચાલતું હતું.અવાજ ઉપરથી તેને એટલો અંદાજ આવ્યો કે એક સ્ત્રી અને એક પુરુષ છે.એટલામાં અંધારામાં તેને રોડ ઉપર એક મોટો પત્થર દેખાયો.તેણે બાઈક ઊભું રાખ્યું અને ઉતરીને પત્થર સાઇડમાં ખસેડ્યો.ફરી બાઈક સ્ટાર્ટ કર્યું પણ પાછળ આવતા બાઈકનો અવાજ બંધ થઇ ગયો હતો.તેણે વિચાર કર્યો કે વચ્ચે કોઇ ગામ તો આવતું નથી તો બાઈક સવાર ક્યાં ગયા?

થોડે દૂર ગયા પછી આગળ એક ચા ની કેબિન ખૂલ્લી જોઇ.ત્યાં રોડ ઉપર ટ્યુબ લાઈટ નું અજવાળું હતું.વિશાલ કેબિન આગળથી પસાર થયો અને ચમક્યો.જે બાઈક તેની પાછળ આવી રહ્યું હતું એ સ્ત્રી-પુરુષ બાઈક લઇને આ કેબિન આગળ ઊભા હતા.વિશાલને નવાઇ લાગી.આ લોકો મારાથી આગળ નીકળી ગયા કેવી રીતે.બીજો તો કોઈ રસ્તો છે નહીં.હવે વિશાલે પણ બાઈક ઊભું રાખ્યું અને પેલા કપલ પાસે જઇને પૂછ્યું’ તમે લોકો આગળ કેવી રીતે નીકળી ગયા?’ પેલા ભાઈએ હસતાં હસતાં કહ્યું’ તમે રસ્તામાં પત્થર ખસેડતા હતા એ વખતે’ આ જવાબથી વિશાલને સંતોષ ના થયો.રોડ એટલો સાંકડો છે કે બાજુમાંથી બાઈક પસાર થાય અને ખબર ના પડે એ શક્ય નહોતું.પણ હવે તેને આ બધી ચોખવટો માં પડવું નહોતું.ઘરે જવાની ઉતાવળ હતી.તેણે બાઈક દોડાવ્યું.

ઘરે પહોંચીને તેણે સીધું પથારીમાં જ ઝંપલાવ્યું.બપોરે ચાર વાગ્યે જમ્યો હતો એટલે ભૂખ નહોતી.અને માનસિક થાક પણ બહુ લાગ્યો હતો.છાયા એ પણ એટલે જ કોઇ વાતચીત ના કરી.બીજા દિવસે રવિવારની રજા હતી એટલે વિશાલને પૂરતો આરામ મળવાનો હતો.

રજા હતી એટલે આજે વિશાલ સવારે મોડો ઉઠ્યો.ચાપાણી કર્યા પછી પેપર હાથમાં લીધું.થોડું વાંચ્યું ત્યાં બબડ્યો’ પેપરમાં એકના એકજ સમાચારો રોજ રીપીટ થતા હોય છે કશું નવું હોતું નથી.’ આટલું બોલીને એ પેપર પાછું ટીપોઈ ઉપર મુકવા જ જતો હતો એટલામાં એક ન્યુઝ ઉપર તેની નજર પડી અને તેની હાલત ખરાબ થઇ ગઇ.છાયા બાજુમાં જ બેઠી હતી એને પણ લાગ્યું કે વિશાલ અચાનક કોઇ તણાવમાં આવી ગયો છે.ન્યુઝ ની સાથે સાથે એક કપલનો ફોટો હતો અને લખ્યું હતું ‘ચોથી માર્ચના દિવસે બાઈક અને ટ્રક વચ્ચે થયેલ ભયંકર અકસ્માતમાં એક દંપતીનું કરૂણ મોત’ ગઇ કાલે રાત્રે તેની સાથે આવતા બાઈક ઉપર જે કપલ આવતું હતું તેના ફોટા હતા.

છાયા એ પૂછ્યું’ શું થયું વિશાલ કેમ કપાળે પરસેવો વળી ગયોછે આટલી ઠંડીમાં?’

‘છાયા ,આજે કંઇ તારીખ થઇ?’ વિશાલ જાણે ઊંઘમાં હોય એમ બોલ્યો.

‘ આજે સાતમી માર્ચ છે કેમ ?’છાયા ને નવાઇ લાગી કે વિશાલને શું થઇ ગયું છે અચાનક.

‘ માય ગોડ છાયા જો આ સમાચાર જો આ કપલ ચોથી તારીખે અકસ્માતમાં મૃત્યુ પામ્યું છે એ ગઈકાલે છઠ્ઠી તારીખે મારી સાથે જ રસ્તામાં બાઈક ઉપર હતું.મેં તેની સાથે વાતચીત પણ કરી હતી.’

છાયાએ ઝડપથી પેપર હાથમાં લઈને ફોટા જોયા.તેને પણ ડર લાગ્યો.પણ વિશાલનો ચહેરો જોઇને તેને આશ્વાસન આપ્યું’ કદાચ તારો ભ્રમ હશે વિશાલ.આ મરનાર કપલ અને તને મળ્યું હતું એ કપલ અલગ પણ હોઈ શકે.કદાચ ચહેરા મળતા આવતા હોય એવું બને.’

‘છાયા,બંને ના ચહેરા મળતા આવતા હોય એવું ના બની શકે.આ કપલ જ હતું.’ વિશાલ મક્કમ હતો.હવે છાયા એ વાત ઉપર પરદો પાડી દીધો.પણ વિશાલને જોરદાર તાવ ચડ્યો.દવાખાને લઇ જવો પડ્યો.

બીજા દિવસે પણ તેણે ઓફિસમાં રજા નો મેસેજ કરી દીધો.સાંજે પાંચ વાગે છાયાએ કહ્યું’ આજે મારે થોડી ખરીદી કરવી છે તો ચાલ આપણે ડી માર્ટ માં જતા આવીએ’ વિશાલ તૈયાર થઇ ગયો.ઘરમાં કંટાળો આવી રહ્યો હતો.

ડી માર્ટમાં લગભગ બે કલાક ફરીને ખરીદી કરી.બીલ બનાવતા હતા એ વખતે વિશાલની આંખોમાં છાયાએ ગભરાટ જોયો.વિશાલ ની નજર દૂર ઉભેલા એક કપલ સામે હતી.છાયાએ પૂછ્યું’શું થયું વિશાલ?’

વિશાલે છાયાને પેલા કપલ સામે આંગળી કરીને કહ્યું’ જો છાયા પેલું અકસ્માતમાં મૃત્યુ પામેલું કપલ મારો પીછો કરેછે.ક્યારની તેમની નજર મારા ઉપર જ છે.છાયાએ પણ જોયું ફોટામાં હતું એ જ કપલ હતું.અને બંને જણાએ વિશાલ સામે હસતાં હસતાં હાથ પણ ઊંચો કર્યો.વિશાલને પરસેવો છૂટી ગયો.ઝડપથી પેમેન્ટ કરીને બંને બહાર નીકળી ગયા અને બાઈક લઈને ઘરે પહોંચી ગયા.તાવ ચડી ગયો હતો એટલે આવતીકાલની પણ ઓફિસમાં રજા મંજૂર કરાવી દીધી.

વિશાલનો એક ખાસ મિત્ર વિક્રમ પોલીસ ખાતામાં હતો એ આજે અચાનક રસ્તામાં મળી ગયો.વિશાલને સાવ નંખાઇ ગયેલો જોઇને તેને નવાઇ લાગી.તેણે વિશાલને જીપમાં બેસાડી દીધો.બંને પોલીસ સ્ટેશનમાં ગયા.વિક્રમ તેને ચા પાણી કરાવવા જ લાવ્યો હતો.વિશાલે તેની સાથે જે બન્યું હતું એ જણાવ્યું.વિક્રમ વિશાલને લઈને સીનીયર પી.આઇ.સુરેન્દ્રકુમાર પાસે લઇ ગયો અને પરિચય કરાવ્યો.પછી તેણે કહ્યું’ સાહેબ ચોથી માર્ચના દિવસે હાઇવે ઉપર એક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો એ કપલ નો ફોટો છે આપણી ફાઈલમાં?’

‘હા, કેમ?’ સાહેબે ફાઈલ વિક્રમને આપી.વિક્રમે ફોટા વિશાલને બતાવ્યા.વિશાલે ફોટા જોઇને કહ્યું’ ના,આ તો અન્ય કપલ છે.’ પી.આઇ.સુરેન્દ્રકુમારે આ સંવાદ સાંભળ્યો અને ખડખડાટ હસવા લાગ્યા.વિશાલ અને વિક્રમ બંને ડઘાઇ ગયા.થોડીવાર પછી સાહેબે ફાઈલમાંથી બીજા બે ફોટા કાઢીને વિશાલને બતાવ્યા’તમે આ કપલ ની વાત કરોછો?’ ‘ હા સાહેબ આ કપલ જ હતું ‘ વિશાલે મક્કમતાથી કહ્યું.

પી.આઇ.સુરેન્દ્રકુમાર વિશાલ સામે જોઇને હસતાં હસતાં બોલ્યા’ મિત્ર,તમે જે કપલની વાત કરોછો એ કપલનું બાઈક એ દિવસે ચોરાઇ ગયું હતું.બાઈકની ડેકીમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને બંનેના આધાર કાર્ડ હતા.હવે ચોરનાર વ્યક્તિ તેની પત્નીને લઈને હાઇવે ઉપર ફૂલ સ્પીડે ભાગી રહ્યો હતો તે વખતે ટ્રક સાથે ભયંકર અકસ્માત થયો અને બંને ખલાસ થઇ ગયા.અકસ્માત એટલો ભયંકર હતોકે બંનેની લાશો પણ ઓળખી શકાય એમ નહોતી.પછી ડેકીમાં મળેલ ફોટા ઉપરથી અમે પેપરમાં જાહેરાત આપી હતી.પણ બીજા દિવસે જેનું બાઈક ચોરાયું હતું એ કપલ બાઈક ચોરાયાની ફરિયાદ લખાવવા આવ્યું ત્યારે આ રહસ્ય ખૂલ્યું.દરમ્યાન પેલા મરનાર કપલની પણ ઓળખ થઇ.બે દિવસ પછીનું પેપર તમે જો જોયું હોતતો આ સમસ્યા ઊભી ના થાત.કેમકે અમે મરનાર કપલના ફોટા સાથે જાહેરાત આપી હતી અને અગાઉની જાહેરાત શરતચૂક થી આપી હતી એવો ખુલાસો પણ કર્યો હતો.વિક્રમે વિશાલ સામે જોઇને પૂછ્યું ‘ બોલ હવે કંઇ જાણવું છે? સારું થયું કે આજે આપણે મળ્યા નહીંતર તારી હાલત ખરાબ થઇ જાત.’

પોલીસ સ્ટેશનમાં થી વિશાલ બહાર નીકળતો હતો ત્યાં જ પેલું કપલ અંદર પ્રવેશતું હતું.વિશાલે સામેથી શેકહેન્ડ કર્યા.