Discovery - the story of rebirth - 3 books and stories free download online pdf in Gujarati

શોધ – પુર્નજન્મની ગાથા - ૩

‘ઇશાન...ઇશાન...’, ફોન ઉપાડતા જ શ્વેતાનો અવાજ સંભળાયો.

શ્વેતાનો અવાજ ગભરાયેલો હતો. કોઇનાથી ડરતી હોય તેવું લાગતું હતું.

‘હા, શ્વેતા... શ્વેતા...’, ઇશાન આગળ વાત કરે તે પહેલાં જ ફોન કપાઇ ગયો.

ઇશાને તુરત જ શ્વેતાનો નંબર ડાયલ કર્યો અને ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો. તેની ચિંતામાં વધારો થવા લાગ્યો. તેણે શ્વેતાની સ્કૂલ પર ફોન લગાવ્યો.

‘હેલો...ડીવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ...હાઉ મે આઇ હેલ્પ યુ?’,

‘પ્રાથમિક વિભાગમાંથી... શ્વેતાને બોલાવી આપો...હું તેનો પતિ બોલું છું.’, ઇશાને ડાબો હાથ કપાળ પર ફેરવ્યો.

‘એક જ મિનિટ...’, ફોન ચાલુ જ હતો. ઇશાન રૂમમાં આંટા મારી રહેલો. પહેલી વાર એવું બન્યું હતું કે શ્વેતાનો ફોન સ્વીચ ઓફ હતો અને તેણે સામેથી કોઇ ફોન કર્યો નહોતો.

‘હેલો... સાહેબ’

‘હા, બોલો, સાંભળી રહ્યો છું.’

‘શ્વેતા મેડમ તો આજે આવ્યા જ નથી. તેમણે રજા લીધેલી છે.’

‘કારણ કંઇ બતાવ્યું છે રજાનું?’, ઇશાનની જીભ થોથવાઇ.

‘ના, સાહેબ...માફ કરશો. આનાથી વધુ અમને કંઇ જાણ ન હોય.’

‘સારૂં, આપનો આભાર...’, ઇશાનના હાથમાંથી ફોન પડી ગયો.

ઇશાન સોફાનો ટેકો લઇ જમીન પર ફસડાયો. ફરી તેણે શ્વેતાનો નંબર ડાયલ કર્યો. વારંવાર ક્રિયાનું પુનરાવર્તન કર્યું. પરંતુ દરેક વખતે ફોન સ્વીચ ઓફ જ આવતો હતો. ઇશાનની આંખો ચિંતા અને વિચારોના કારણે ભીની થવા લાગેલી.

શ્વેતા ક્યાં હતી? તેનો ફોન કેમ સ્વીચ ઓફ હતો? કોનાથી ડરી રહી હતી? ક્યાંક આ બધા સાથે તેનો કોઇ સંબંધ તો નહોતો ને? વિચારોએ ઇશાનને વધુ ચિંતાતુર બનાવ્યો.

ઇશાને તુરત જ નીરજને ફોન લગાવ્યો,‘હા...દોસ્ત...’

‘હા, ઇશાન! શું થયું? કેમ ગભરાયેલો છે, બધું બરાબર છે ને?’, નીરજે ઇશાનનો અવાજ પારખી લીધો. તેના અવાજમાં વર્તાઇ રહેલી ગભરામણ પણ જાણી ગયો.

‘શ્વેતાનો નંબર બંધ છે અને તે સ્કૂલ પર પણ નથી. તું ઘરે આવીજા ને.’,ઇશાન આટલું જ બોલી શક્યો અને ઢીલો પડી ગયો.

‘તું હિંમત હારીશ નહિ. હું બસ પહોંચ્યો...’, નીરજે ફોન કાપી નાંખ્યો. તે જાણતો હતો કે ઇશાનને આ સમયે સૌથી વધુ આવશ્યકતા તેના મિત્ર અને પત્નીની જ હતી. જ્યારે શ્વેતા વિષે કોઇ સમાચાર ન મળે, ત્યારે ઇશાન ગાંડો બની જતો હતો. નીરજે એક આવી જ બનેલી ઘટના યાદ કરી,‘સ્કૂલ પર રજા હોવા છતાં પણ શ્વેતા એક દિવસ નોકરી પર ગઇ અને પછી ખબર પડી કે સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં તેને ફરજ નિભાવવાની હતી. તે ઇશાનને જણાવવાનું ભૂલી ગઇ અને ઇશાને આખું ઘર માથે લીધું હતું.

*****

નીરજ અર્ધા કલાકમાં જ ઇશાનના ઘરે પહોંચી ગયો. ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. દાખલ થતાં જ નીરજે નિહાળ્યું કે ડ્રોઇંગ હોલ સંપૂર્ણરીતે અસ્તવ્યસ્ત હતો. ઇશાન સોફા પર ટૂંટિયુંવાળી ઢીંચણ પર માથું ઢાળીને બેઠેલો. તેની સામે જ ટીપોઇ પર પાણીનો પ્યાલો પડેલો અને પાણી ઢોળાઇને જમીનને ભીંજવી રહેલું. ટીવી ચાલુ હતું. મોબાઇલ સોફાની નીચે પડેલો. ઇશાનને આવી અવસ્થામાં નીરજે ઘણી વાર જોયો હતો. તેના માટે આ કંઇ નવું નહોતું. તેની પાસે આ સમયની દવા પણ હતી.

‘હે...ઇશાન... આ બધું શું છે?’, નીરજે ઇશાનના ખભા પર હળવેકથી હાથ મૂક્યો.

ઇશાને નીરજ સામે જોયું. તેની આંખો લાલ બની ચૂકેલી. ગાલ પર આંસુઓના વરસાદને કારણે ભરાયેલા ખાબોચિયાઓ સૂકાઇ ચૂક્યા હતા. જેના કારણે ખાબોચિયાની ફક્ત સીમાઓ જ દેખાઇ રહી હતી.

‘અરે...શું થયું?...બોલ’, નીરજે ઇશાનને પાણીનો પ્યાલો આપ્યો.

‘નથી પીવું...શ્વેતાની તપાસ કરવી પડશે.’, ઇશાને પ્યાલા પર હાથ માર્યો.

‘હા... કરીશું... ફોનની બેટરી પતી ગઇ હશે? આવતી જ હશે. તું નાહ્કની ચિંતા ન કરીશ.’, નીરજે સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો.

‘એ ક્યારેય નહિ આવે... આપણે જ શોધવી પડશે.’

‘તને કેવી રીતે ખબર? કે નહિ આવે.’

‘આ સાંભળ.’, ઇશાને સોફા નીચેથી મોબાઇલ શોધી રેકોર્ડ થયેલ કોલ સંભળાવવા ફોન નીરજને આપ્યો.

નીરજે ફોનમાં થયેલા રેકોર્ડીંગને સાંભળવા સ્વીચ દબાવી અને અવાજ આવવાનું શરૂ થયું, ‘હેલો... શ્રીમાન ઇશાન... અરે માફ કરજો. મહારાજ! તમે અત્યાર સુધી તો જાણી જ લીધું હશે કે તમને જેણે મહારાજ સંબોધી ફોન કર્યો હતો તે આ દુનિયામાંથી વિદાય લઇ ચૂક્યો છે અને હવે તમે તે દિશામાં વધુ તપાસ ન કરો તે તમારા સ્વાસ્થ્ય માટે ઉચિત રહેશે. તે અર્થે જ આપની પ્રિય શ્વેતાને અમે અમારી બંદી બનાવેલ છે. જ્યાં સુધી અમને વિશ્વાસ નહિ થાય કે તમે તે વ્યક્તિની તપાસ છોડી દીધી છે, ત્યાં સુધી શ્વેતા અમારી પાસે સલામત રહેશે. ત્યાર પછી અમે જ સંપૂર્ણ સુરક્ષા હેઠળ તેને આપના ઘરે મૂકી જઇશું. તો મહારાજ, હવે તમારી તપાસ અટકાવો અને શાંતિથી પંદર દિવસ તમારા રોજીંદા કાર્યોમાં વિતાવો. પંદર દિવસ પછી શ્વેતા આપના ઘરે હાજર હશે. ચાલો, હવે તો ફોન મૂકું... અરે હા! એક વાત કહેવાની તો રહી જ ગઇ... ધ્યાનથી સાંભળજો, જો તમે કોઇ પોલીસની દાદ માંગી અથવા જાતે તપાસ કરવાનુ સાહસ કર્યું, તો શ્વેતા તમને મળશે ખરી પણ અંગો પ્રમાણે ટૂકડામાં, તમે પણ તેને જોડી નહિ શકો, આવજો...’

‘હેલો...! નીરજ બોલું છું. હું એક નંબર આપું છું. તેના વિષે બધી જ માહિતી મારે જોઇએ.’, રેકોર્ડીંગ પૂરૂ થતાં જ નીરજે ઇશાનની સામે જોયા વિના જ તેના મિત્રને ફોન કર્યો. તેના ટેલિકોમમાં કાર્યરત મિત્રને પૂરી વાત કરી.

*****

‘તું શું તપાસ કરી રહ્યો છે?’, થોડી વાર ચૂપ રહી નીરજથી રહેવાયું નહિ.

નીરજ ઇશાનની પાસે જ સોફા પર બેઠો હતો. બન્ને જણા ચૂપચાપ હતા. નીરજ ઇશાનની સામે જ જોયા કરતો હતો. આખરે તે કંટાળ્યો અને ઊભો થઇ ગયો.

‘કંઇ નહિ...’, ઇશાને ઉદાસીનતાથી જવાબ આપ્યો.

‘તું મને કહી શકે છે. કદાચ તેના પરથી જ શ્વેતા વિષે કંઇક જાણી શકાય. તારાથી કંઇક છુટતું હોય અને હું માર્ગ કરી શકું.’, નીરજે ઇશાનને સમજાવ્યો.

‘જવા દે. મારા સિવાય આનો કોઇ રસ્તો જ નથી. હું જ માર્ગ છું અને હું જ ઠેકાણું છું.’, ઇશાને વાત ગોળ ફેરવી.

‘ના, હવે તો તારે કહેવું જ પડશે. તું મારાથી આંખો ચોરી કેમ રહ્યો છે?’, નીરજે ઇશાન સામે ઘુરીને જોયું.

‘તો...સાંભળ.’

‘હા, બોલ’

‘છેલ્લાં કેટલાંક સમયથી રોજ રાત્રે મને એક જ સપનું આવે છે, યુદ્ધનું અને તેમાં હું એક મહારાજ છું. મારા તરફીઓમાંથી જ એક દગાખોર નીકળે છે. જે ગઢનો દરવાજો ખોલતો નથી. મને ત્રણ ગોળી વાગે છે અને મારું સપનું તૂટી જાય છે. હું સફાળો ઊંઘમાંથી બહાર નીકળું છું. દરેક વખતે શ્વેતાનો હાથ મારા ખભા પર આવી મને સાંત્વના આપે છે. ગઇ કાલે સવારે મને એક ફોન આવ્યો, તે વ્યક્તિએ મને મહારાજ કહી વાત કરી. અને તારી મોકલેલી માહિતી સાથે જ્યારે મેં તપાસ કરી તો જે વ્યક્તિનો ફોન હતો, તેને કોઇએ ફોન ચાલુ હતો તે જ સમયે મોતને ઘાટ ઉતારી દીધેલો. બસ હજી તો આટલી જ મને જાણ થઇ અને હમણાં તે જે રેકોર્ડીંગ સાંભળ્યું તે ફોન આવ્યો.’, ઇશાને પૂરી વાત જણાવી.

‘આપણે પોલીસ પાસે જવું જોઇએ.’, નીરજે સલાહ આપી.

‘ના.’

‘કેમ?’

‘કેમ કે, હું શ્વેતાને ખોવા નથી માંગતો.’

‘પણ... પોલીસ આપણને તેને શોધવામાં મદદ કરશે.’

‘તેવું જરૂરી નથી. પોલીસ ઉલટું આપણી પૂછતાછમાં સમય વેડફશે.’

‘તો, તારો શું વિચાર છે?’, નીરજે ઇશાન તરફ મીટ માંડી જ રાખી.

‘મારો વિચાર... આપણે જાતે જ શ્વેતાને શોધીશું.’, ઇશાન સોફા પરથી ઊભો થયો.

‘કેવી રીતે?’

‘તારી મદદથી... તારા ટેલિકોમ મિત્રની મદદથી... અને મારા વિશ્વાસથી....’

*****

ઇશાન અને નીરજ, શ્વેતાની ભાળ મેળવવા નીકળી પડ્યા હતા. શ્વેતાના નિત્યક્રમ મુજબ જ ઇશાને ઘરેથી તે નીકળી ત્યાંથી જ શરૂઆત કરી. બન્ને જણા શ્વેતાના સ્કૂલ જવાના માર્ગ પર જ હતા. ઇશાને માર્ગ પર આવતા ક્રમ મુજબ દુકાનવાળા, શાકવાળા, રીક્ષાવાળાને શ્વેતાનો ફોટો બતાવી પૂછતાછ કરી. શ્વેતા સ્કૂલમાં શિક્ષિકા હોવાને કારણે વિસ્તારમાં ઘણા ખરા લોકો તેને ઓળખતા હતા.

‘ભાઇશ્રી... તમે આ સ્ત્રીને આજે અહીંથી જતા જોઇ છે?’, ઇશાને માર્ગમાં સ્કૂલથી નજીક આવેલી દુકાનમાં રહેલ વ્યક્તિને પૂછ્યું.

‘ના, આજે આ બહેનને સ્કૂલ તરફ જતાં જોયા નથી.’

‘નીરજ, ખબર પડી ગઇ.’, ઇશાને તુરત જ નીરજને સાદ લગાવ્યો.

‘શું?’

‘જો, અહીં સુધી દરેક રેકડીવાળા કે દુકાનવાળાએ શ્વેતાને સ્કૂલ તરફ જતાં નિહાળી છે, પણ આ દુકાનવાળા ભાઇએ જોઇ નથી. તેનો મતલબ... કે’

‘શ્વેતા આ વિસ્તારમાંથી જ...’ નીરજે ઇશાનની વાત આગળ વધારી.

‘હા, આ વિસ્તારમાંથી તે ફોનવાળા દ્વારા શ્વેતાનું અપહરણ કરવામાં આવ્યું છે.’, ઇશાને વાત પૂરી કરી.

બન્ને જણા તે વિસ્તારમાં તપાસ કરવા લાગ્યા. દુકાનોની પાછળનો વિસ્તાર, માર્ગની આસપાસનો વિસ્તાર, મેદાનો, છોડવાઓથી બનાવેલી વાડની આસપાસ, દરેક વિસ્તાર ખૂંદવા લાગ્યા હતા.

‘ઇશાન! શ્વેતાનું એક્ટિવા...’, નીરજે બૂમ પાડી. એક્ટિવા માર્ગની ડાબી તરફ ઢોળાવવાળા ભાગમાં નીચેની તરફ પડેલું હતું.

‘ક્યાં છે?’

‘આ રહ્યું.’

‘અરે હા..., શ્વેતાનું જ એક્ટિવા છે.’, ઇશાન ભાગતા ભાગતા આવ્યો અને હાંફવા લાગ્યો.

‘પણ, આ એક્ટિવા અહીં કેવી રીતે?’, નીરજે ઇશાનની પીઠ પર હાથ ફેરવ્યો.

ઇશાન એક્ટિવા પાસે ગયો. ચાવી પણ હજી તેમાં લગાવેલી જ હતી. તેણે પ્રદક્ષિણા કરી અવલોકન કરવાનું શરૂ કર્યું.

‘જો...નીરજ! કોઇ પણ જાતની ઝપાઝપી થઇ હોય તેવું લાગતું નથી. ચાલુ એક્ટિવામાં ખેંચીને અપહરણ કર્યું હોય તેવું મારું માનવું છે. કારણ કે એક્ટિવા પર રસ્તાની બાજુમાં ઘસાઇને પડવા સિવાય કોઇ પણ જાતના ઘસારા દેખાતા નથી. ના કોઇએ એક્ટિવાને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો હોય. બસ ચાલુમાં પડી ગયું.’, ઇશાને ચાવી એક્ટિવામાંથી કાઢી.

નીરજ ઇશાનની પાસે ગયો, ‘હોઇ શકે. પરંતુ મને તો એવું લાગે છે કે કોઇએ જાણીજોઇને એક્ટિવાને આ ઢાળ પરથી ચાલુમાં ગબડાવી દીધું છે. કારણ કે તેના આગળના ભાગ પર જ થોડો ઘણો ઘસારો છે. બાકી બધું એમ ને એમ જ છે.’

‘તારું અનુમાન પણ સાચું લાગે છે. અપહરણ થયું હોય તો ઝપાઝપી થવી જોઇએને, આમ સરળતાથી એક્ટિવા અહીં સુધી કોઇ ધકેલી દે તેવું બને નહિ.’, ઇશાને નીરજની સામે જોયું, ‘તારા ફોનની રીંગ વાગે છે.’

‘અરે...હા’, નીરજે ફોન ઉપાડ્યો,‘હાં બોલો...ઠીક છે, શું વાત કરે છે? ખરેખર... ના હોય, બીજી વખત તપાસ કરી જો...’

‘શું થયું?’, ઇશાને અધીરતા દર્શાવી.

‘તને જે ફોન આવ્યો હતો ને, શ્વેતાના અપહરણનો...’

‘હાં... તો એનું શું? કંઇ જાણવા મળ્યું?’, ઇશાને નીરજના ખભા પર બન્ને હાથ મૂક્યા.

‘તે નંબર તારા જ વિસ્તાર બોરીવલીમાં રજીસ્ટર થયેલો છે.’, નીરજે ઇશાનના હાથ ખભા પરથી ખસેડ્યા.

‘કોના નામે? સરનામું? તેનો ફોટો...કંઇ તો બોલ’, ઇશાનની ધીરજ ખૂટવા લાગી.

‘મને તો એવું લાગે છે કે કોઇ તારી સાથે મશ્કરી કરી રહ્યું છે.’, નીરજ ઢાળ ચડી રસ્તાના કિનારે આવ્યો.

‘કેમ આવું બોલે છે. પૂરી વાત તો કર...’, ઇશાન પણ તેની પાછળ પાછળ ઢાળ ચડ્યો.

‘કારણ કે જે નંબરથી ફોન આવ્યો હતો તે તારા જ સરનામાના પૂરાવા પર ખરીદવામાં આવેલો છે.’, નીરજે ઇશાનને તેણે વાપરેલા શબ્દો પાછળનો અર્થ સમજાવ્યો.

‘શું વાત કરે છે? મારા સરનામા પર...કેવી રીતે બને?’

‘બની ચૂક્યું છે.’

‘કોના નામ પર ખરીદવામાં આવેલ છે?’, ઇશાને નીરજનો હાથ પકડી લીધો.

‘તે વિચાર્યું પણ નહિ હોય તેના નામ પર, હું પણ માની શકતો નથી.’, નીરજે ઇશાનનો હાથ જરાક દબાવ્યો.

‘કોના નામ પર?’

‘શ્વેતાના...’

*****