Discovery - the story of rebirth - 2 books and stories free download online pdf in Gujarati

શોધ – પુર્નજન્મની ગાથા - ૨

‘હેલો! નીરજ... નીરજ...’, ફોન કપાઇ ગયો.

ઇશાને તેના ખાસ મિત્ર નીરજને ફોન લગાવ્યો. પરંતુ નીરજનો ફોન વ્યસ્ત આવતો કાંતો કપાઇ જતો. નીરજ અને ઇશાન છેલ્લાં સાત વર્ષથી એક જ કંપનીમાં સમાન સ્તર પર ફરજ નિભાવતા હતા. નીરજ સામાન્ય ભારતીય પુરુષ જેટલી ઊંચાઇ ધરાવતો અને ઘટ્ટ શ્યામ ઝીણી આંખો સાથે વાંકડીયા વાળ તેમજ અત્યંત પાતળા શરીર સાથે પૃથ્વી પર ફરતો જીવ હતો.

‘નીરજનો ફોન લાગતો નથી.’, ઇશાને સ્કુલથી આવતી શ્વેતાના ઘરમાં દાખલ થતાં જ જણાવ્યું. ઇશાને આરામ કરવા માટે રજા રાખેલી.

‘તું આખો દિવસ, આ જ વિચારોમાં રહ્યો કે શું? પાગલ થઇ જઇશ.’, શ્વેતાનું નાક ગુસ્સાથી ફૂલવા લાગ્યું.

‘અરે ના... હજી હમણાં જ આંખો ઉઘડીને વિચાર્યું કે નીરજને વાત કરી થોડી તપાસ કરાવું.’, ઇશાને શ્વેતાનો જમણો હાથ ખેંચીને સોફા પર બેસાડી.

‘નીરજ... શું તપાસ કરી આપશે?’, શ્વેતાએ ખભા પર ટીંગાળેલ પર્સને ટીપોઇ પર મૂક્યું અને વાળ ખોલી અંબોડો વાળવા લાગી.

‘નીરજનો એક મિત્ર ટેલિકોમ કંપનીમાં કામ કરે છે. તેના દ્વારા મને જે ફોન આવ્યો હતો તે કોણ છે? તેની માહિતી મળશે...’, ઇશાને શ્વેતાના અંબોડા વાળતા હાથ રોક્યા.

‘હા, સારૂ... છોડો મારા હાથ, તો રસોડામાં ઘૂસી જાઉં.’, શ્વેતાએ જોરપૂર્વક ઇશાનના હાથ ખસેડ્યા.

‘મારી વાત પૂરી સાંભળ તો...’

‘એક સપનું શું આવ્યું? આખો દિવસ તેની વાત કરે છે. શું સાંભળું?’, શ્વેતા સાડીનો છેડો કમરમાં ખોસી રસોડા તરફ ચાલવા લાગી.

‘એક સપનું જ છે તેવું નથી. એક મહિનાથી મને એક જ ર્દશ્ય દેખાય છે. જાણે કુદરત મને કોઇ સંદેશો આપવા માંગે છે.’, ઇશાને ફરી નીરજને ફોન લગાવ્યો,‘કયા ખૂણામાં જતો રહ્યો છે આ?’

ઇશાન સોફા પર ઓશીકાને ગોઠવીને ટીવી જોવામાં તલ્લીન થઇ ગયો. હોલીવુડની ફિલ્મોનો શોખ હોવાને કારણે તે ખાસ કરીને તેને લગતી ચેનલ જ જોતો રહેતો.

‘આ પાછું શું ચાલું કર્યું? અર્ધા શબ્દો ખબર ના પડે તેવા ઉચ્ચારો કરતી બાઇઓ અને કપડાનાં ઠેકાણા ન હોય તેવા ર્દશ્યો...’, શ્વેતાનો રસોડામાંથી આવતો અવાજ ઇશાનના કાને અથડાયો.

‘અરે... ગાંડી, આ ફિલ્મોના એક્શન ર્દશ્યો જોવોને તો આપણું એડ્રેનાલિન પણ વધી જાય. ધબકારાની સ્પીડ વધી જાય. બોલીવુડમાં ક્યારેય આવા સીન જોવા નહિ મળે.’, ઇશાને ટીવીનો અવાજ વધાર્યો.

‘હ...અ...અ, એવું કંઇ નથી. બોલીવુડના સીતારા એક વાર કોઇની આંખોમાં જુએને તો પ્રેમની લાગણી જન્માવી નાંખે. આંખોમાં પાણી આવી જાય ને ર્દશ્ય તમારામાં સમાઇ જાય તે બોલીવુડમાં જ બને છે. તમારા આ હોલીવુડમાં નહિ.’, શ્વેતાએ પોતાના પક્ષમાં દલીલ મૂકી.

બન્ને વચ્ચે તેઓના કોલેજકાળથી જ હોલીવુડ-બોલીવુડ બાબતે ઉગ્ર ચર્ચા થતી.

એટલામાં જ ઇશાનના ફોનની રીંગ વાગી.

*****

‘હા, ઇશાન.... બોલ ભાઇ.’, નીરજનો અવાજ સંભળાયો.

‘ક્યાં છે, ફોન લાગતો નથી. લાગે તો કપાઇ જાય છે.’, ઇશાન સફાળો સોફા પરથી ઉઠ્યો અને રસોડા તરફ ગયો.

‘અહીં જ છું, કંપનીમાં’

‘દોસ્ત તારું એક કામ છે?’

‘બોલને.. યાર!’

‘એક નંબરની તપાસ કરવાની છે.’

‘કોણ છે?, ભાભીને કઇ દઇશ. મરી જઇશ અલ્યા.’

‘તે મારી બાજુમાં જ ઊભી છે. મજાક ના કરીશ. પૂરી વાત સાંભળ.’, ઇશાને સપનાથી શરૂ કરી અજાણ્યા વ્યક્તિના ફોન સુધી બધું જ સવિસ્તાર સમજાવ્યું.

‘ઓકે... નંબર મોકલ. કાલે સવારે જણાવું.’

‘કેમ? આટલો બધો સમય લાગશે...ઉતાવળ છે યાર.’

‘મારો મિત્ર અત્યારે ઘરે હશે. હમણા તેની નાઇટ ચાલે છે એટલે રાત્રે તપાસ કરી કાલે સવારે આપણને જણાવશે.’, નીરજે ઇશાનને કારણ આપ્યું.

‘હા, પણ ભૂલતો નહિ.’

‘તારું કામ ભૂલતો હોઇશ! ચાલ મૂકું.’

‘હાશ... ખબર તો પડે કે કોણ છે જેણે ફોન કર્યો...?’, ઇશાને ફોન પ્લેટફોર્મ પર મૂક્યો.

‘તમને તો સીબીઆઇમાં નોકરી મળવી જોઇતી હતી. આખા ગામની તપાસ કરવાનો ઘેલો લાગેલો છે.’, શ્વેતાએ રોટલીના લોટ પર ગુસ્સામાં મુઠ્ઠીઓ મારી.

‘એવું નથી. હકીકત વિષે જાણવું જરૂરી છે. આ વિચારોમાં હું મારા કામમાં ધ્યાન પણ આપી શકતો નથી.’, ઇશાને લોટ હાથમાં લઇ શ્વેતાના ગાલ પર ચોંટાડ્યો.

‘કામ કરવા દો. તમે નવરા છો. હું નહિ.’, શ્વેતાએ વેલણ ઉપાડી ઇશાન તરફ ઘુમાવ્યું.

‘એમ... થોડી જતા રહીશું. આખરે મહારાજ છીએ. મહારાણીના વેલણરૂપી તલવારનો ઘાવ સીધો જ હ્રદય પર લેવા તૈયાર છીએ.’, ઇશાને વેલણ પકડી લીધું.

‘જાવ હવે...’, શ્વેતાના ગાલ શરમથી લાલ થઇ ગયા અને ધક્કો મારીને ઇશાનને શ્વેતાએ રસોડામાંથી બહાર મોકલ્યો.

*****

બીજા દિવસે સવારના ઇશાન ચા પીતા પીતા સમાચારપત્રના પહેલા પાના પર આવેલ મુખ્ય સમાચાર વાંચી રહેલો. સમાચારમાં બોરીવલી વિસ્તારમાં આગલા દિવસે થયેલા ખૂનના સમાચાર છપાયેલા. ઇશાનને સમાચારમાં રસ પડ્યો. તેણે વાંચ્યું કે બોરીવલી ઇસ્ટમાં સવારના ૦૭:૦૦ થી ૦૭:૧૫ વચ્ચે એક વ્યક્તિનું કોઇ તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી નાંખવામાં આવેલ હતું. તેની પાસેથી કોઇ વસ્તુ પણ નથી મળેલી કે જે તેની ઓળખની પુષ્ટિ કરી શકે. પોલીસ તપાસ ચાલુ થઇ ચૂકેલી.

‘ચા ઢોળાય છે. ક્યાં ધ્યાન છે તમારું?’, શ્વેતા રસોડામાંથી ગરમાગરમ ઇશાનના પસંદીદા આલુપરોઠા સાથે આવતા બોલી.

‘સોરી... આ સમાચારે મને તેની તરફ ખેંચ્યો.’, ઇશાને ચાનો કપ ટીપોઇ પર મૂક્યો.

શ્વેતાએ ટીપોઇ પાસે ઊભા ઊભા જ સમાચારપત્ર ખેંચી લીધું, ‘પહેલાં ચા-નાસ્તો કરી લો. પછી વાંચજો.’ શ્વેતા ઇશાન પાસે આવીને બેઠી.

ઇશાનનું ધ્યાન હજી પણ ટીપોઇના નીચેના ભાગ પર મૂકેલ સમાચારપત્રના તે સમાચાર પર જ હતું. વ્યક્તિના ખૂનના સમાચારે જાણે તેને હચમચાવી નાંખેલો. વારેઘડીયે તે વ્યક્તિના લોહીલુહાણ ગળા અને તેના લીધે લાલ રંગના બની ગયેલા સફેદ શર્ટ પર નજર પડતી હતી. સમાચારની બાજુમાં છપાયેલ ફોટો ઇશાનને વિચલિત કરી રહ્યો હતો.

‘તમારા ફોનની રીંગ વાગે છે...’, શ્વેતાએ ઇશાનના ખભાને થપથપાવ્યો.

‘હા’

‘અરે ફોન વાગે છે.’

‘હા.. ઉપાડું છું.’

‘ઉપાડું નહિ... પહેલાં તેને ટીવીની પાસે મૂકેલ ચાર્જિંગમાંથી નીકાળો તો ખરા’, શ્વેતાએ ઇશાનની હડપચી પકડી તેનો ચહેરો ટીવી તરફ ફેરવ્યો.

ફોનની રીંગ બંધ થઇ ગઇ. ઇશાને ફોનને ચાર્જરના વાયરથી મુક્ત કર્યો અને પાછો સોફા પર શ્વેતાની પાસે બેસી ગયો,‘નીરજનો મીસ્ડ કોલ છે.’

‘મીસ્ડ કોલ છે એમ નહિ, મીસ્ડ કોલ થઇ ગયો છે. તમે ફોન ઉપાડવામાં આળસ કરીને એટલે. હવે વાત કરી લો એની સાથે અને તમારી સીબીઆઇ તપાસ પૂર્ણ કરો.’, શ્વેતા કપ અને પ્લેટ ઉપાડી રસોડા તરફ ચાલવા લાગી.

*****

ઇશાને નીરજને ફોન લગાવ્યો અને ઉપાડતાંની સાથે જ,‘હા...બોલ... શું ખબર પડી, તે નંબર વિશે...? જલ્દી જણાવ.’

‘અરે... શાંતિ રાખ... હું પોતે ગૂંચવાયો છું.’

‘કેમ?’

‘તે જે નંબર આપ્યો હતો ને... તે છેલ્લાં એક મહિનાથી જ એક્ટિવ થયો હતો. મહત્વની વાત એ છે કે...’

‘શું છે?’

‘એ છે કે તે નંબર જ્યારથી એક્ટિવ થયો હતો ત્યારથી તેનું લોકેશન તારા વિસ્તારમાં જ જોવા મળ્યું છે.’, નીરજનો અવાજમાં ચિંતા વર્તાઇ.

‘એવું કેવી રીતે બને? મારા વિસ્તારમાં જ...’, ઇશાનના ચહેરાના હાવભાવ બદલાયા. શ્વેતા પણ તેની પાસે આવી ગઇ. ‘અને તે કહ્યું કે એક્ટિવ થયો હતો... એટલે અત્યારે તે બંધ છે કે શું?’

‘હા, કાલે સવારના ૦૭:૧૫થી તે નંબર સ્વીચ ઓફ છે. અને જે ફોનમાં તે વપરાતો હતો તે ફોન પણ બંધ છે. આથી જ તેનો આઇએમઇઆઇ નંબર પણ મેળવી શકાય તેમ નથી.’, નીરજે તેના મિત્રએ જણાવેલ માહિતી ઇશાનને જણાવી.

ઇશાને પૂરી વાત ધ્યાનથી સાંભળી અને શ્વેતા તરફ નજર ઘુમાવી, ‘તો તું એમ કહે છે કે તેના વિશે કોઇ જાણકારી મળી શકે તેમ નથી...એમ જ ને...’

‘હા...યાર. જો મેં અને મારા મિત્રએ પૂરો પ્રયત્ન કર્યો પણ જે મળ્યું તે તારી સામે મૂકી દીધું.’, નીરજે દિલગીરી વ્યક્ત કરી.

‘સારૂં. કંઇ ખાસ વાત તે નોંધી હોય તેવી...’, ઇશાને હજી આશા છોડી નહિ.

‘અરે...હા...એક વાત. તે નંબર એક મહિના સુધી ફક્ત ચાલુ હતો. પરંતુ તેના પર કોઇ ફોન આવ્યો નથી તેમજ તેમાંથી કોઇ ફોન કરવામાં આવ્યો નથી. એક જ કોલ અને એ પણ ફક્ત તારા નંબર પર જ. એવું લાગે છે કે ખાસ તારી સાથે જ વાત કરવા માટે જ લીધો હોય.’, નીરજે વાત જણાવતા તેની ધારણા ઇશાન સમક્ષ મૂકી, ‘આપણા માટે સારી વાત એ બની કે તે નંબર મારો મિત્ર જે કંપનીમાં કામ કરે છે તે કંપનીના સીમ કાર્ડનો જ છે.’

ઇશાનની આંખોમાં થોડી ચમક આવી, ‘તો પછી તે નંબર કયા પૂરાવાના આધારે લીધેલો છે? તેની માહિતી મળી શકે અને...’

‘અને..., તેના વિશે તેમજ તેના રહેઠાણ વિશે પણ માહિતી મળી શકે’, નીરજે ઇશાનની વાત પૂરી કરી, ‘હું તારો જ મિત્ર છું અને એટલે જ આ મેં પણ વિચાર્યું. તેના પૂરાવા પણ તપાસ્યા, પણ કોઇ માહિતી સ્પષ્ટ નથી. તેનો ફોટો પણ ઓળખાતો નથી. દુકાનવાળાઓને તો... શું? પૈસા લઇને કાર્ડ આપી દેતા હોય છે’

‘એમ નહિ, પણ ટેલિકોમ કંપનીના નિયમો અનુસાર આધાર કાર્ડ વગર કાર્ડ કેવી રીતે વેચી શકાય?’, ઇશાને નિયમની વાત કરી.

‘હા આપણી પાસે ફક્ત આધાર કાર્ડ પર છપાયેલ નંબર જ સ્પષ્ટ દેખાય છે, પણ તેની માહિતી આપણે મેળવી શકીએ નહિ. તે માટેનો ઓટીપી તો રજીસ્ટર ફોન નંબર પર જવાનો ને...’,નીરજે ઇશાનને જાણકારી આપી.

‘હા, મને ખબર છે. તું મને તેના પૂરાવા સ્કેન કરીને મોકલ. હું તપાસ કરી લઇશ.’, ઇશાને ફોન કાપી નાંખ્યો.

નીરજે ઇશાનના કહેવા મુજબ પૂરાવાને સ્કેન કરી મેઇલ કરી દીધા.

*****

ઇશાન તેના લેપટોપ પર નીરજે મોકલેલ પૂરાવાની સ્કેન કોપી જોઇ રહ્યો હતો. નીરજની વાત સાચી હતી. કંઇ પણ સ્પષ્ટ નહોતું. આધાર કાર્ડના નંબરની મદદથી માહિતી મેળવવાનો વિચાર આવ્યો અને ઇશાન પ્રયત્ન કરવા લાગ્યો,‘શ્વેતા... તું નીકળી જા. હું આજે પણ રજા રાખીશ.’

‘હા, સારૂં’, શ્વેતાએ ઘરનો દરવાજો બંધ કર્યો અને નોકરીએ જવા નીકળી.

ઇશાને આધાર કાર્ડના નંબરનો ઉપયોગ કરી ઘણા પ્રયાસ કર્યા, પરંતુ કંઇ હાથ લાગ્યું નહિ. તે પોતાની જાત સાથે વાત કરવા લાગ્યો,‘રહેઠાણનો પૂરાવો, કંઇ વંચાતું જ નથી. આધાર કાર્ડ પણ કંઇ એટલું સ્પષ્ટ નથી. અરે હા, ફોર્મ પર તો ફોટો લગાડેલ હશે ને...’ તુરત જ ઇશાને નીરજને ફોન લગાવ્યો, ‘અલા, ફોર્મ પર તો પાસપોર્ટ સાઇઝ ફોટો લગાડે છે ને, એની કોપી તો મોકલી નહિ.’

‘એ પણ કંઇ ક્લીઅર દેખાતો નથી. પણ તોય તને મોકલું ચાલ.’, નીરજે ફોન કાપી નાંખ્યો.

ઇશાન મેઇલની પ્રતીક્ષામાં હતો. મેઇલ આવ્યો અને તેણે નીરજે મોકલેલ કોપી ડાઉનલોડ કરી ઓપન કરી અને લેપટોપની સ્ક્રીન પર ઝાંખો પડી ગયેલો ફોટો દેખાયો. નીરજના કહ્યા અનુસાર ફોટોમાં કંઇ જ દેખાતું નહોતું. ઇશાન કોમ્પ્યુટરનો નિષ્ણાંત હતો અને માટે જ તેના માટે ઝાંખા ફોટોને સ્પષ્ટરૂપમાં ફેરવવો આસાન હતું. તેણે ફોટો ચોખ્ખો એટલે કે વિશુદ્ધ કરતા સોફ્ટવેરની મદદથી ઝાંખા ફોટાને સ્પષ્ટ કર્યો, ધીરેધીરે ફોટો સ્ક્રીન પર ઓપન થવા લાગ્યો...૨૦%...૪૫%...૭૮%....૯૨%....અને સંપૂર્ણ ફોટો ઇશાનની નજર સમક્ષ આવ્યો, તે બબડ્યો, ‘આ તો...’

ઇશાન ઝડપથી ટીપોઇ પર મૂકેલ સમાચારપત્ર લેવા દોડ્યો. સમાચારપત્રના પહેલા પાના પર છપાયેલ ફોટાને તેણે સ્કેન કરી તે જ સોફ્ટવેરમાં ક્લીઅર કર્યો. બન્ને ફોટાને સ્ક્રીન પર પાસ પાસે ખોલ્યા,‘ગઇ કાલે સવારે જેની હત્યા થઇ, તેણે જ મને ફોન કર્યો હતો.’ ઇશાનની આંખો પહોળી થઇ ગઇ.

‘કોણ છે આ વ્યક્તિ? મને ફોન કર્યો હતો તે સમય, તેની હત્યાનો સમય અને તેનો ફોન સ્વીચ ઓફ થવાનો સમય એકબીજાને સંકલિત કરે છે. કોણે તેની હત્યા કરી હશે? કેમ આ વ્યક્તિ એક મહિનાથી બોરીવલીમાં જ હતો? અને તેણે કેવી રીતે જાણ્યું કે મને સપના આવી રહ્યા છે?’, ઇશાને બોલતા બોલતા તેના માથા પર હાથ મૂક્યા અને તેના ફોનની રીંગ વાગી.

*****