Answer towards North - 12 - last part books and stories free download online pdf in Gujarati

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૨ (અંતિમ ભાગ)

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૨ (અંતિમ ભાગ)

.....કુશે મારું એ કામ ખુબ ધ્યાનપૂર્વક અને ચતુરાઈથી કર્યું. ઇન્ડિયન ગવર્મેન્ટે તુરંત આના પર પગલા લીધા. એમના કોઈ કમાન્ડો ઓફિસરને મારા દ્વારા આપવામાં આવેલા લોકેશન ઉપર સીક્રેટલી મોકલી આ આખી ઘટના સત્ય છે કે નહિ અને જો છે તો એની માટેની તયારીઓ કેટલી હદે કરવી પડશે એની જાણકારી મેળવી.

હવે આગળ...

થોડાકજ કલાકોમાં આર્મીના ઘણા બધા જવાનો અને કમાંડો સશસ્ત્ર થઈને ત્યાં આવી ચઢ્યા હતા. મેં PMO ઓફીસે વીડિઓ મોકલ્યો એ સમયથી લઈને આર્મી અહિયાં આવી ત્યાં સુધીમાં, ત્યાં રહેલી તમામ લાશોને પેલી દવા અપાઈ ચૂકી હતી. એકાએક જ જાણે ફાયરીંગ ચાલુ થયું. ફાયરીંગનો અવાજ સાંભળતાજ પેલા ચાઈનાવાળા ડોકટરો બધું મુકીને ત્યાંથી આમતેમ ભાગવા લાગ્યા. ભોયરામાં પાકિસ્તાની આતંકીઓને એ તો ખબર પડી ગઈ હતી કે ઇન્ડિયન આર્મી સામે લડવું શક્ય નથી. બેઝ્મેન્ટની બહાર એટલેકે ગ્રાઉંન્ડ લેવલે રહેલા તેમના મોટાભાગના માણસો એક પછી એક મરી રહ્યા હતા, જેની જાણકારી એમને વોકીટોકી દ્વારા મળી રહી હતી. એમના માટે હવે ભાગ્યા સિવાય અથવા તો સરન્ડર સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. થોડાકજ કલાકોમાં આપડી આર્મીએ ચાઈના-પાકિસ્તાનનું એ ઓપરેશન નાકામ કરી કાઢ્યું. ભોયરામાં રહેલા ચાઈનાના ડોકટરો, પાકિસ્તાની આતંકીઓ અને એની સાથે સાથે આપડા દેશના ગદ્દારોને પકડી લેવામાં આવ્યા. આ ઓપરેશનમાં ઘણા બધા લોકો માર્યા ગયા, થોડાક આપડા અને ઘણા બધા એમના. આર્મીએ શક્ય હોય એટલા દુશ્મનોને જીવતા પકડ્યા જેથી આ આખી ઘટના વિષે બધીજ માહિતી મેળવી શકે. ભોયરામાં રહેલી બધીજ નિર્દોષ લાશો અને દવાથી જીવિત થયેલાને, નજીકની હોસ્પીટલમાં સારવાર માટે તુરંત લઇ જવામાં આવ્યા. નિર્દોષ લાશોમાંથી મોટાભાગની લાશો પેલી દવાના કારણે હોસ્પીટલમાં પુન-જીવિત થવા લાગી હતી.

મેં આ શું કરી કાઢ્યું, એ હજુ મારા માનવામાં નહોતું આવી રહ્યું. છેલ્લા ૩૬ થી ૪૦ કલાક મેં જે પરિસ્થિતિમાં અને જે નીડરતાથી પસાર કરેલા, એ યાદ કરીને મને મારા ઉપર ખરેખર ગર્વ થતો હતો. જે હોસ્પીટલમાં આ બધાને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ત્યાં રોશનીની ઓળખ કરવા હું તુરંત પહોચી ગયો. બધા લોકો હજુ ખુબ નાજુક અવસ્થામાં હતા. મને ડોક્ટરે બહાર વેઇટિંગ એરિયામાં બેસવાનું કીધું. વેઇટિંગ રૂમના ટીવીમાં સમાચાર ચાલુ હતા. હું પોતાને અસ્વસ્થ મહેસુસ કરી રહ્યો હતો અને આંખોની સામે જાણે અંધારા આવી રહ્યા હતા. ટીવી જોવાનું મારા માટે શક્ય નહોતું એટલે હું એ સમાચાર માત્ર સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સમાચાર સાંભળતા ખબર પડી કે દેશમાં અલગ અલગ રાજ્યોમાં લોકો સરકાર સામે છેલ્લા ૨ દિવસથી વિરોધ કરી રહ્યા હતા. કોઈકના પતિ/પત્ની, કોઈકના પિતા, કોઈકના બહેનનો છેલ્લા ૪૮ કલાકથી કોઈ પત્તો નહોતો. આ બધા લોકો એકાએક ક્યાં ગાયબ થઇ ગયા હતા એ માત્ર મનેજ ખબર હતી અને હવે સરકારને પણ ખબર પડી ગઈ હતી. આ જન વિરોધ હિંસાનું સ્વરૂપ ધારણ કરે એ પહેલા સરકારે તુરંત ટીવીના માધ્યમ દ્વારા દેશને સંદેશો આપ્યો કે, “દરેક લોકોને અમે શોધી કાઢ્યા છે અને સુરક્ષિત રીતે હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા છે જેથી એમની જરૂરી સારવાર થઇ શકે.” દિવાળીનો તહેવાર પરિવાર સાથે ઉજવવાની જગ્યાએ આખો દેશ જાણે શોકમાં ડૂબી ગયો હતો.

બેજ દિવસ પહેલાનીતો હજુ વાત હતી જયારે રવિવારના દિવસે, રોશની પલંગમાં મારી બાજુમાં ન દેખાતા એને શોધતા શોધતા હું નીચે આવ્યો હતો. કિચનમાં જતાજ પેલા કદાવર રાક્ષસ, જોહને મને માથામાં પરાઈથી ખુબ જોરથી ઘા કર્યો હતો, જેના કારણે હું ફ્લોર પર પટકાયો. એ સમયે જેવી રીતે મારી આંખો ધીમે ધીમે બંધ થઇ હતી એવીજ રીતે સમાચાર જોતા જોતા ક્યારે મારી આંખો બંધ થઇ ગઈ એ મને ખબરજ ન પડી. થોડીવાર રહીને મારી આંખો ખુલી ત્યારે હું પણ હોસ્પીટલના પલંગમાં સૂતેલો હતો. આંખ ખુલતા પહેલા થોડીવાર માટે એવું લાગ્યું હતું જાણે જોહને ફરીથી મારા ઉપર જાનલેવા હુમલો કર્યો હોય. મારો શ્વાસોશ્વાસ થોડીવાર માટે ઝડપથી ઉપરનીચે થવા લાગ્યો. હું હોસ્પીટલમાં છું એવી ખાતરી થઇ અને ડોક્ટરને જોયા ત્યારે મારો શ્વાસ પાછો નોર્મલ થયો. ડોકટરે મને આરામ કરવાનું કીધું. માથા ઉપરની ઈજા અને પગમાં લીધેલા ટાંકા ડોકટરે વ્યવસ્થિત કરી કાઢ્યા હતા. જરૂરી એન્ટીબાયોટીક દવાઓ, ગ્લુકોઝની બોટલ અને ઇન્જેક્શન દ્વારા આપવામાં આવી રહી હતી.

દવા એનું કામ કરી રહી હતી. રોશનીને અને મને મારીને, જોહને જયારે અમને ગાડીની ડેકીમાં નાંખ્યા હતા ત્યારથી લઈને જ્યાં સુધી અમે આ ફેકટરીના ભોયરામાં પહોચ્યા, એ ૩૬ કલાક દરમ્યાન મારા મનમાં જે પ્રશ્નોનું વાવાઝોડું ઉદ્ભવ્યું હતું એ હવે ઘણા અંશે હવે શાંત થઇ ગયું હતું. હોસ્પીટલના પલંગમાં પડ્યા પડ્યા હું આજુ બાજુ રોશનીને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મારા મોટાભાગના પ્રશ્નોના ઉત્તર મને મળી ગયા હતા. એજ ઉત્તારોમાંથી જન્મેલા બીજા પ્રશ્નો મારા મનને અસ્વસ્થ કરી રહ્યા હતા. મને હજુ એ જાણવાની તત્પરતા હતીકે, ચાઈના-પાકિસ્તાનવાળા ભેગાથઈને મરેલા લોકોને એવીતો કઈ દવા આપી રહ્યા હતા જેનાથી મૃત વ્યક્તિ જીવિત થઇ શકે અને આમ કરવાનું કારણ શું. એ રહસ્ય તો હજુ મારા માટે અક્બંધ્ હતું.

આ ઘટનાના લગભગ ૬ મહિના સુધી ઘણા ઇન્વેસ્ટીગેશન થયા, દેશભરમાં ઘણા બધા સર્ચ ઓપરેશન થયા. ૬ મહિના પછી ભારત સરકારે આના વિષે બધું મીડિયા સમક્ષ રજુ કર્યું, જે ખરેખર ચોકાવનારું હતું. જે રીતે પેલા ૩૬ કલાક મેં સસ્પેન્સમાં કાઢ્યા હતા, એવીજ રીતે બીજા ૬ મહિના પસાર કર્યા. ફરક એટલો હતો કે આ વખતે મારે ૩૬ કલાકમાં ૨૫૦૦કિમિનો અશક્ય સફર જોહન સાથે એની ગાડીમાં ડરી ડરીને નહિ પણ ડર્યા વગર જીવતી જાગતી મારી પત્ની રોશની સાથે પસાર કરવાનો હતો. ૩૬ કલાકની દરેક-એ-દરેક પળ મેં જયારે રોશનીને વર્ણવી હતી, તો એના માનવામાં નહોતું આવી રહ્યું. આજ બધી માહિતી વિસ્તૃતપૂર્વક મેં ઇન્વેસ્ટીગેશન દરમ્યાન જેતે ઓફિસરને પણ જણાવી હતી. ઇન્વેસ્ટીગેશન દરમ્યાન મેં જોહન વિષે પણ મને જેટલી ખબર હતી એ બધી માહિતી આપી.

રોશનીના કહેવાથીજ આ આખી ઘટના વિષે મેં લખવાનું વિચાર્યું અને એક પુસ્તક સ્વરૂપે રજુ કર્યું. મારી હિંમત માટે મને બ્રેવરી એવોર્ડ આપવામાં આવ્યો હતો. મારા બંને મિત્રોને પણ તેમના કાર્ય માટે અલગથી સન્માન આપવામાં આવ્યું. એજ દિવસે મેં મારી આ પુસ્તક "ઉત્તર તરફ ઉત્તર" નું વિમોચન માનનીય પ્રેસિડેન્ટ સરના વરદ હસ્તે કરાવ્યું.

ભારત સરકારે મીડિયા સમક્ષ જે જાહેર કરેલું એ દેશની જનતા માટે ચોકાવનારું સત્ય જરૂર હતું પણ પૂરેપૂરું સત્ય નહોતું. સરકારે એ આખી ઘટનાને એટલું કહીને ખતમ કરી દીધી કે, એ આખું ષડ્યંત્ર જો સફળ થયું હોત તો ભારત દેશ પર અત્યાર સુધી ક્યારેય થયો નથી એટલો મોટો આતંકવાદી હુમલો હોત. હું ખુદ સાક્ષી હતો એટલે મને એટલી તો ખબર હતી કે એ ઘટના આતંકવાદી હુમલા કરતા પણ અનેક ડગલા આગળ હતી. જે પાકિસ્તાન અને ચાઈના ભેગું થઈને અંદરખાને કરી રહ્યું હતું.

હજુ એ આશ્ચર્ય અકબંધ હતું કે એવું તો એ દવામાં શું હતું. એમને એવી તો કઈ દવા બનાવી હતી કે જેનાથી વ્યક્તિ મર્યા પછી પણ પુન:જીવિત થઇ શકે. આ હદ સુધીતો હજુ મેડીકલ સાયન્સ નથી પહોચ્યું. આ ૬ મહિનાના ઈન્વેસ્ટીગેશન દરમ્યાન હું મહત્વનો સાક્ષી હતો એટલે મને આ ઓપરેશન પાછળના ચાઈના-પાકિસ્તાનના ઈરાદાઓ જાણવા મળ્યા જે સરકારે, મીડિયા અને દેશ સમક્ષ નહોતા મુક્યા. એ સમય દરમ્યાન મારો પરિચય આ દવા વિષે જાણવા મથી રહેલા ડોકટરના આસીસ્ટન્ટ જોડે થયો. ઘણીબધી વાર મળવાનું થયું હતું એટલે એમની જોડે થોડી મિત્રતા થઇ ગઈ હતી. મેં એમને મારા મનમાં ચાલી રહેલા બધાજ પ્રશ્નો પૂછ્યા. આસિસ્ટન્ટે મને કીધું કે, “ઘટના સ્થળે મળેલા રીપોર્ટસ, માહિતીઓ અને ડોક્ટર દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક રીસર્ચ પ્રમાણે એટલું ખબર પડી હતી કે એ લોકો ત્યાં એ ટેસ્ટ કરી રહ્યા હતા કે, એમના દ્વારા નિર્મિત કરેલી એ દવા વ્યક્તિ મરી ગયાના કેટલા કલાક સુધી અસર કરીને એને જીવિત કરી શકે છે. જો જીવિત થાય તો તેમને તેમની આગળની જિંદગી વિષે કશુજ યાદ ન રહે, જેની માટે બીજી દવા પણ સાથે સાથે આપવામાં આવતી હતી. આ દવા માત્ર એવા મૃત શરીર ઉપરજ અસર કરી રહી હતી જેમને એમના ધ્યાન બહાર એક્દમજ હુમલો કરીને મારવામાં આવ્યા હોય એટલેકે જેનાથી એમના હાર્ટ ઉપર અને નર્વસ સીસ્ટમ પર સીધી અસર થઇ હોય. કુદરતી મોતથી મૃત્યુ પામેલા શરીર ઉપર આ દવા અસર નહોતી કરી રહી.” આ આખી વાતે બધાજ રહસ્યો ઉપરથી પડદો ઉપાડી દીધો.

સાદી ભાષામાં સમજાવું તો, “ચાઈના-પાકિસ્તાન વાળા ભેગાથઈને એક એવા જીવતા જાગતા રોબોટ અને માનવ-બોમ્બનું મિશ્રણ બનાવી રહ્યા હતા, જેમાં રોબોટ જેવી કોઈ ખામીઓ અને માનવ-બોમ્બની જેમ માર્યાદિત સંખ્યા ન હોય. એ લોકો કહે તેમજ કરે એવા માનવ રોબોટ.” આ માનવ રોબોટનો ઉપયોગ એ લોકો આપડા દેશ વિરુદ્ધ આતંકવાદ ફેલાવવા કરવા માંગતા હતા. આપડે વિચારી પણ ન શકીએ એટલી તબાહી આ માનવ રોબોટ કરી શકે. પાકિસ્તાન આમનો ઉપયોગ કરીને ગમે ત્યારે ગમે તેટલી વાર આપડા દેશ ઉપર ૨૬/૧૧ જેવા હુમલા કરાવી શકે તેમ હતું. જો આમ થાય તો થોડાકજ સમયમાં આપડો દેશજ આપડા હાથમાં ન રહે. ચાઈના હમેશા પાકિસ્તાનને આપડા દેશ વિરુદ્ધ આતંકવાદ ફેલાવવામાં મદદ કરતુ રહ્યું છે. આ ષડ્યંત્રમાં પાકિસ્તાનનો સાથ આપવા પાછળ ચાઈનાનો પોતાનો અંગત સ્વાર્થ પણ હતો. જો આ દવા સફળ થાય તો ભારત દેશની તબાહીથી ચાઈના દુનિયાનું મહત્તમ પ્રોડક્શન કરનારો અને નિકાસ કરનારો એકમાત્ર દેશ બની જાય. આમ થવાથી ચાઈનાનો સમગ્ર દુનિયાની ઈકોનોમીમાં પોતાનો ભાગ જે અત્યારે ૧૫.૫% છે એ વધીને અમેરિકાના ૨૩.૬% કરતા પણ વધી જાય. આમ થવાથી ચાઈના નં.૨ પરથી નં.૧ પર આવી જાય. પાકિસ્તાન જે રીતે આ દવાનો ઉપયોગ કરીને આતંક ફેલાવત એના પરિણામ એટલા ભયંકર હોઈ શકે જે દુનિયાના કોઇપણ દેશે આજ સુધી જોયા કે વિચાર્યા નહિ હોય.

કોઇપણ શોધ જેટલી ઉપયોગી હોય છે એના કરતા વધારે નુકસાનકર્તા હોય છે. આવી શોધ આતંકી ઈરાદા ધરાવતા વ્યક્તિઓના હાથમાં આવી જાય તો વિનાશની કોઈ સીમા નથી રહેતી. એ દવાનો કોઈ દુરુપયોગ ન થાય એ જરૂરી હતું. સમગ્ર દેશો આ ગંભીર મુદ્દે એકસાથે આવ્યા અને એના ઉપયોગ પર અંકુશ લગાવ્યો. આ દવાની ખતરનાક સાઈડ ઈફેક્ટસની સાથે સાથે એ પણ સત્ય હતું કે આ દવા માનવ ઈતિહાસ માટે એક અનોખી શોધ હતી. આનો ઉપયોગ સાચી દિશામાં થાય તો આવનારા ભવિષ્યમાં ખુબજ લાભદાયી થઇ શકે માટેજ આ દવાના ફોર્મુલાને નષ્ટ કરવું એ ઉચિત નહોતું. કમિટી દ્વારા નક્કી કરેલ ઘણી બધી શરતોને આધારે કમિટીમાં શામેલ દરેક દેશોને આ ફોર્મ્યુલા આપવામાં આવી, જેથી એ દવાને માનવ ઉન્નતી માટે વધારે અસરકારક બનાવી શકાય. આ દવા વધુ સક્ષમ બને એની માટે બધાજ દેશોના પ્રયત્નો હજુ પણ ચાલુ છે.

સુકેતુ કોઠારી