vatsalyano trikon books and stories free download online pdf in Gujarati

વાત્સલ્યનો ત્રિકોણ

વાત્સલ્યનો ત્રિકોણ*



વર્ગમાં ઘંટ વાગ્યા પછી છાત્ર છાત્રા ખુશ હતા.શાળાનો પહેલો દિવસ હતો બધા ને મન આજે નવા શિક્ષક ને શિક્ષિકાને મળવાનો ઉત્સાહ હતો.વાતાવરણ ખૂબ જ હળવું ફૂલ હતું .ધોરણ પાંચમાના વર્ગ શિક્ષકે પ્રવેશ કર્યો ને બધા ચુપચાપ બેઠા છે ત્યા એક બાળકનું નામ બોલાયુ ને તેણે બેઠા બેઠાજ,” હાજર સર ! “કહ્યુ , શિક્ષકે આંખની ધારદાર છટા ફેરવી ઉભા નથી થવાતું ? કહી તેજ ઉભા થઈ ગયા.


વિદ્યાર્થી પાસે આવ્યાને તે ધ્રુજી ઉઠ્યો.બાજુમાં

બેઠેલા વિદ્યાર્થીએ તેનો પક્ષ ખેંચ્યો.ન સમજી સકાય તેવો એક ભાવ તેની આંખમાં હતો. તે પગેથી અપંગ હતો.શિક્ષક ચુપચાપ એમની જ જગ્યા પર જઈ બેઠા.


રોજના આ ક્રમ થઈ ગયો. શિક્ષકને જરા પણ દયા માયા નહતી . કેમ જાણે બારમો ચંદ્રમા હતો.ધીરે ધીરે એ છાત્ર એ બધાના મન જીતી લીધા હતા ફક્ત તે વર્ગ શિક્ષકને ન મનાવી શક્યો. કારણ પણ ન જાણી સકાયુ.

એકવાર સ્ટાફ રૂમમાં તેમને એક શિક્ષકે કારણ

પૂછી લીધું તો ઉદ્ધત જવાબ મળ્યો.”આવા પર દયા દેખાડીએ એટલે માથે ચડી વાગે.”બધા શિક્ષકો અવાક જ રહી ગયા.

આમ પણ તેવો થોડા જડશું હતા,એ એમના વર્તુણુંક પરથી લાગે.કોઈ એમને સમજી શકતું નહિ.એક દિવસ એમને ત્યાં કોઈ એક સ્ત્રી દેખાણી..બધાંને આશ્ચર્ય થયું પણ કોઈની તાકાત હતી કે એમને પૂછે..પણ પેલી સ્ત્રી દેખાવે સુંદરને થોડી હસમુખી હતી.તેથી તે આડોશપાડોશમાં વાત કરતી.કોઈકે પૂછી લીધું તમે આ જડશું શિક્ષકના શું થાઓ?


તેણીએ જવાબઆપ્યો.” આમ જુઓ તો કોઈ નહિ ને આમ જુઓ તો બધું.”


લોકો દુવિધામાં પડ્યા લોકો છે!અંદર અંદર ગણગણાટ શરૂ થયો..કોઈ જડશુંની ઈર્ષા કરવા લાગ્યા તો કોઈ તેને માટે ગમેતેમ બોલવા લાગ્યા.હવે જડશું ને શાળામાં પણ બધાં પૂછવા લાગ્યા તમે પરણીને લાવ્યા છો?નહિતો એક જુવાન સ્ત્રી સાથે કેમ રહો છો..? બસ હવે જડશું ધીરે ધીરે વર્ગમાં પણ ચુપ રહેવા લાગ્યા!ન પેલા લંગડા છોકરાને છણકો કરે ન બીજા વિદ્યાર્થીઓને ચિડાય.ચુપચાપ ભણાવેને ચાલ્યા જાય.આખા શિક્ષકગણમાં પણ તેમને માટે વાતો થવા લાગી..!


પેલા લંગડા છોકરાની દુવિધા હતી કે તેની મા જવાનીમાં ભાગી ગઈ હતી,પિતા આર્મીમાં હતા.તે છોકરાને રાખી સકતા નહિ..તેમાં ને તેમા છોકરાનાં પગમાં પોલિયો થઈ ગયો હતો.તે તેની કાકી પાસે રહેતો તેને પૂરતું ખાવાનું ન મળતું તો કોઈ વાર કાકી કારણ વગર મારતી,તો કાકાનો છોકરો ભાઈ તેની પાસે તેનું પણ ગૃહ કાર્ય કરાવતો...આમ દુ:ખ હાથ ધોઈ પાછળ પડ્યું હતું.


એકવાર આવો જ માર ખાઈ તે પગેથી લંગડાતો લંગડાતો ઘરની બહાર નીકળ્યો,તેણે જોયું કે જડશું માસ્તર ઘરની બહાર ઓટલા પર સૂતા છે..એમના ઘરમાં દીવો ઝાંખો ટમટમી રહ્યો છે.તે ધીરે રહી પાછળના ભાગમાં ગયો તો પેલી સ્ત્રી કંઈક મીઠા અવાજે ગણગણી રહી હતી ને ઘરનું કામ કરી રહી હતી .તેણે તે સ્ત્રીને ઈશારો કરી પાછળનો દરવાજો ખોલવા કહ્યું.

તે સ્ત્રીએ દરવાજો ખોલ્યો તે છોકરો અંદર આવ્યો ને તે સ્ત્રીને ઈશારાથી ભૂખ લાગી છે એમ સમજાવ્યું.તે રૂપાળી સ્ત્રીની આંખમાંથી ઝળઝળિયા સાથે એક દર્દ દેખાયું.હવે આ સંબંધ ચુપકીનો રોજ રાત્રે પેલો લંગડો બાળક આવે,જડશું શિક્ષક જે તેને નફરત કરતા તેને ઘરે જમે ને પેલી રૂપાળી સ્ત્રીમાં મા ની મમતા જાગી વાત્સલ્યથી તેને જમાડે.કોઈ કાંઈજ બોલતું નથી,બોલે છે તો નિરવ રાત્રી..!

એક સવારે પેલા લંગડા બાળકના પિતાનાં મૃત્યુંના સમાચાર ગામમાં આવ્યા ને પૂર ઝડપે ફેલાય ગયા.થોડી ક્ષણ તો જડશું શિક્ષક પણ હૃદયમાંથી હાયકારો નીકળી ગયો, પણ ન હાવભાવ બદલ્યા ન પેલાં છોકરા સામે જોયું.એ રાત્રે પેલો છોકરો પેલી સ્ત્રી પાસે ન આવ્યો.તે પણ રાહ જોઈ રહી.આમ ત્રણેય દુ:ખી હતા.બીજી સવારે જડશું ને પેલી સ્ત્રીએ કહ્યું કે આમ નથી રહેવાતું !મને મારે ઘરે પાછી મૂકી આવો..જો મા બાપ નહિ રાખે તો કૂવો પુરીશ પણ હવે નથી રહેવાતું.જડશું પણ લોકો થી ત્રાસી ગયો હતો..તેણે નક્કી કર્યુ કે બસ હવે આ ગામમાં જ નથી રહેવું મન જ ઊઠી ગયું છે.


બીજે દિવસે જડશુંએ ,સ્ત્રીએ અને બાળકે એક સાથે નિર્ણય લીધો કંઈક અજાણતાં જ એક પંથનો !


શાળામાં જઈ જડશું એ રાજીનામું મૂક્યું,પેલા લંગડાના કાકા એ પણ તે દિવસે એનું નામ શાળામાંથી કાઢી નાંખ્યું એની મરજી વિરુધ થઈને ,પેલી સ્ત્રી પણ તેના દુખથી દુખી હતી તેણે પણ પોટલું વાળી કપડાંનું ને નીકળી જવાની તૈયારી કરી લીધી..રાત્રીના દસ વાગ્યા હશેને પહેલા સ્ત્રી નીકળી ને પોતાની ડગર પકડી તે નીકળી ગામને પાદરેથી જમણી તરફ વળી ખરેખર તો તેનો રસ્તો જતો હતો ડાબી તરફ...જડશું પણ કમાડ ધીમેથી બંધ કરી બિલ્લી પગે નીકળી પડ્યો ને પાદરેથી જમણી તરફના રસ્તે વળ્યો...પેલો લંગડો છોકરો પણ છાનોમાનો કાકાના ઘરને છેલ્લા સલામ કરી નિકળી પડ્યો ને પાદરેથી જમણી તરફ વળ્યો.

એક ભયંકર વીજળીનો કડાકો થયોને તેના પ્રકાશમાં જોયું તો ત્રણે ત્રિકોણ રચી કૂવાના થાળ પર ઊભા છે...ત્રણેય શું ઇરાદાથી પહોંચ્યા હતા..?પણ અચાનક સ્ત્રીના હૃદયમાં માતૃવાત્સલ્યની સરવાણી ફૂટી તે દોડી પેલા બાળકને વળગી પડી..તે જ ઘડીએ જડશુંને તે સ્ત્રી પ્રત્યે ધરબી રાખેલો પ્રેમ ઉમટી પડ્યો એ કોઈ અજાણ્યા આકર્ષણથી ખેંચાઈ એ સ્ત્રીને પેલા લંગડા બાળક તરફ ખેંચાયો જેને એણે નફરત જ કરી હતી..તે બન્નેને વળગી પડ્યો..પેલો લંગડો બાળક પણ ચુપચાપ બન્નેના પ્રેમને ન જીરવી શક્યોને એક ડૂસકું નાંખી બન્નેની બાહોમાં સમાય ગયો.

ત્રણેના પ્રેમને કોઈ નામ નહોતું પણ એવું લાગતું હતું કે એક વાત્સલ્યનો ત્રિકોણ ઘણા મજબૂત સંબંધથી રચાયો ...જેનું અંતકરણથી ત્રણેય જણે સ્વાગત કરી નવી જિંદગીની શરૂઆત કરી..બીજા દિવસે આખું ગામ ગણગણતું હતું કે ત્રણેય ક્યાં જઈ કૂવો પૂર્યો..કલંકનો..પણ દૂર એક શહેરમાં નવા સંબંધની શરૂઆત થઈ ગઈ હતી..નવા વાત્સલ્યના ત્રિકોણની..માતા પિતાને એક ખુશખુશાલ બાળક..!


જયશ્રી પટેલ

૧૫//૨૦૨૦