Discovery - the story of rebirth - 16 books and stories free download online pdf in Gujarati

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૬

‘તને શું લાગે છે? નીરજને શ્વેતાએ જ માર્યો હશે...’, પરેશે સમચાર પૂરા વાંચી ઇશાનને પૂછ્યું.

નીરજની હત્યાના સમાચાર વાંચી ઇશાન અવાક બની ગયેલો. થોડી મિનિટો માટે ચૂપકી સાધી. ધ્રુજતા હાથે તેણે ચાનો કપ ઉપાડ્યો. એક ચૂસકી લીધી.

‘પરેશભાઇ! મેં ત્રણ વર્ષ શ્વેતા સાથે ગાળ્યા છે. પરંતુ કોઇ દિવસ મને આભાસ પણ નથી થયો કે તે આટલી હદ સુધી જઇ શકે, અને તે પણ ફક્ત એક શોધ કરવા અર્થે…’, ઇશાને પરેશ સામે જોયું.

‘તેવું નથી. તેની શોધ એક ઘડિયાળ નહોતિ. નહોતિ અહીં સુધી પહોંચવાની. તેની શોધ છે ઇતિહાસમાં અમર બની જવાની. નામ નોંધાવા માટેની…’, પરેશે પેપર ગડી કરીને ટીપોઇ પર મૂક્યું.

‘શેનું નામ?’

‘ટીપુ સુલતાનનો છુપાયેલો ખજાનો શોધવાનો યશ... તેનું નામ’, પરેશે ચશ્માં ઉતારી શર્ટના છેડાથી સાફ કર્યા.

‘તેના માટે કોઇને મારી નાંખવો કેટલું વાજબી છે?’, ઇશાન ઊભો થઇ કઠેડા પાસે ગયો.

‘એ તો દરેકના નામ પાછળના ગાંડપણ પર આધાર રાખે છે.’, પરેશે સાફ કરેલા ચશ્માં ચડાવ્યા અને ચાનો કપ ઉપાડ્યો.

‘એ ગમે તે હોય, પરંતુ મારી ર્દષ્ટિએ તો ખોટું જ...’, ઇશાન બોલતાં બોલતાં અટક્યો અને ઝડપથી રૂમના દરવાજા તરફ ભાગ્યો.

‘શું થયું?’, પરેશ પણ ઊભો થયો.

‘આવું છું.’, દરવાજો ખુલ્લો રાખીને જ ઇશાન પળમાં અલોપ થઇ ગયો.

પરેશ ગેલેરીમાં કઠેડા પાસે આવીને માર્ગનું અવલોકન કરવા લાગ્યો. એકાદ મિનિટમાં જ ઇશાનને તેણે માર્ગ પર જોયો. ઇશાન હોટેલની સામેની બાજુ તરફ જઇ રહેલો. પરેશની નજર ઇશાન પર જ હતી. ઇશાન માર્ગની સામેની તરફ રહેલી દરેક ગલીઓમાં ઝડપથી જતો અને બહાર આવતો. થોડા સમય માટે આ ક્રિયા પૂનરાવર્તિત થઇ. અંતે ઇશાન હોટેલ તરફ આવ્યો. રૂમનો દરવાજો હજુ ખૂલ્લો જ હતો. દાખલ થતાની સાથે ઇશાને પલંગ પર લંબાવ્યું.

‘શું કરતો હતો તું? ગાંડાની માફક આમથી તેમ માર્ગ પર દોડી કેમ રહેલો?’, પરેશ બેબાળકો બની, ઇશાન પાસે આવ્યો.

‘તમને યાદ છે? તમારી દુકાનના માર્ગ પર મારા પર હુમલો થયો હતો...’, ઇશાનના શ્વાસની ગતિ પંખાના અવાજને દબાવી રહી હતી.

‘હા! તો...’

‘તેમાંથી એક વ્યક્તિને મેં સામે થાંભલા પાસે ટેકો લઇને ઊભેલો જોયો. મારી નજર તેના પર પડતાંની સાથે જ તે ગાયબ થઇ ગયો.’, ઇશાનના ધબકારા સામાન્ય થઇ ગયા.

‘એનો અર્થ…’

‘એનો અર્થ… મને મારવાનો પ્રયાસ કરનાર જાણે છે કે હું મૈસુરુમાં છું. હવે તે ખરેખર શ્વેતા જ છે કે બીજું કોઇ તે તપાસ આપણે કરવાની છે.’, ઇશાને પરેશની વાત પૂરી કરી, ને આંખો બંધ કરી દીધી. ‘તો તૈયાર થઇ જા. આપણે જઇશું ટીપુ સુલતાનના સમર પેલેસની મુલાકાતે... કદાચ ત્યાંથી તને કંઇ પુર્નજન્મનો ભાસ થાય.

‘સારૂં... થોડી વારમાં નીકળીએ.’, ઇશાને આળસ મરડી.

*****

તે જ દિવસે, ૧૦:૩૦ કલાકે, લશ્કર પોલીસ સ્ટેશન

‘સર...! ફોટો આવી ગયા છે.’, ઘટનાસ્થળના ખૂણેખૂણેના ફોટો સાથે ઓફિસમાં દાખલ થતા એક કોન્સ્ટેબલે કહ્યું.

નીરજની હત્યાનો કેસ જે ઇંસ્પેક્ટર પાસે હતો, તે ખૂબ જ ખૂંખાર પોલીસવાળો હતો. તેના સહકર્મીઓને પણ તેણે રાતભર રોકી રાખ્યા હતા. હંમેશા કેસનું નિરાકરણ બને તેટલું ઝડપથી આવે તેમાં જ તે માનતો.

‘લાવ, ઝડપ કર…’, ઇંસ્પેક્ટર ખુરશી પરથી ઊભો થયો.

બધા જ ફોટોને કોન્સ્ટેબલે ટેબલ પર ગોઠવ્યા. ઇંસ્પેક્ટર ધ્યાનથી એક એક ફોટોનું અવલોકન કરવા લાગ્યો.

‘આ ફોટો... ફોટોમાં જે વસ્તુ છે તે પુરાવાની યાદીમાં નથી.’, ઇંસ્પેકટરે એક ફોટો ઉપાડ્યો અને વિચારોમાં ગરકાવ થયો.

‘એ એટલા માટે નથી સર... કેમ કે તે પોત જ પુરાવો છે.’, કોન્સ્ટેબલે કહ્યું.

‘એટલે...’

‘એટલે... આ ફોટો રૂમમાં પલંગની નીચે પડ્યો હતો. ત્યાં ખેંચવામાં નથી આવ્યો.’

‘તો પછી એમ કહી શકાય ને કે, જેની હત્યા થઇ છે, આ ફોટો તેની પાસે હતો...અથવા તે આ વસ્તુની તપાસ કરી રહ્યો હશે.’, ઇંસ્પેકટરે તર્કના ઘોડાઓ દોડાવવા માંડ્યા.

‘હા, સર...! આ તો કોઇ પ્રાચીન ઘડિયાળનો ફોટો છે. આને શોધીને તેને શું મળવાનું હશે?’, કોન્સ્ટેબલે તેનો પક્ષ મૂક્યો.

‘એક મિનિટ, આવી જ એક ઘડિયાળનો ફોટો મેં આગળ પણ એક કેસમાં જોયો છે.’, ઇંસ્પેક્ટરે ફોટો ફરીથી ચકાસ્યો.

‘એવું કેવી રીતે બને સર...?’

‘હા...જો યાદ આવ્યું. આજથી ચાર વર્ષ પહેલાં લોકસાગરની બાજુની જ હોટેલમાં એક હત્યા થઇ હતી. જે હજુ સુધી વણઉકેલેલો કેસ છે. આજ પદ્ધતિથી... આ જ રીતે કોઇ સ્ત્રીના વસ્ત્રો તે રૂમમાં અસ્તવ્યસ્ત પડેલાં હતા. તે સમયે પણ અમને જે પુરાવા મળ્યા તેમાં આવી જ એક ઘડિયાળનો ફોટો હતો. હવે તે આજ છે કે આના જેવી બીજી છે...તેના માટે તે કેસની ફાઇલનો અભ્યાસ કરવો પડશે.’, ઇંસ્પેક્ટરે જુનો કેસ કહી સંભળાવ્યો.

‘તો હું હમણાં જ સ્ટોરમાંથી તે ફાઇલ શોધી લાવું...સર.’, કોન્સ્ટેબલે કહ્યું.

‘મને એક વાત નથી સમજાતી. એવું તો શું છે આ ઘડિયાળમાં…’ ઇંસ્પેક્ટર ફોટોને નીરખી રહ્યો.

‘એ તો સર... જુના કેસમાં રહેલા ફોટાને આની પાસે મુકીશું એટલે ખબર પડી જશે.’

‘વેરી ગુડ, જાઓ તે ફાઇલ લઇ આવો.’

ઇંસ્પેક્ટર ફરી તે ઘડિયાળનું અવલોકન કરવા લાગ્યો.

*****

બપોરે ૧૨:૦૦ કલાકે

‘આ પેલેસ તો અદ્દભૂત છે.’, ઇશાને પેલેસને નિહાળતા કહ્યું.

‘ટીપુ સુલતાનનો સમર પેલેસ, ઉનાળામાં તેનું રહેઠાણ હતું. હૈદરે અલીએ તેનું નિર્માણ શરૂ કર્યું હતું, અને તે ટીપુ સુલતાનના શાસન દરમિયાન ૧૭૯૧ માં પૂર્ણ થયું હતું. ચોથી આંગ્લ-મૈસૂર યુદ્ધમાં ટીપુ સુલતાનના મૃત્યુ પછી, બ્રિટિશ વહીવટીતંત્ર, સચિવાલય તરીકે મહેલનો ઉપયોગ કરતા હતા. આજે ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ, આ મહેલને જાળવી રાખે છે, જે કલાસીપાલ્યામ બસ સ્ટેન્ડની નજીક એક પર્યટક સ્થળ તરીકે જુના બેંગ્લોરની મધ્યમાં સ્થિત છે.’, પરેશે ઇશાને સમજાવવાનું શરૂ કર્યું. ‘પેલેસની રચના સંપૂર્ણપણે સાગથી બનાવવામાં આવી છે તેમજ તેને થાંભલાઓ, કમાનો અને બાલ્કનીઓથી શણગારેલ છે. ટીપુ સુલતાન તેનો દરબાર પહેલા માળની પૂર્વ અને પશ્ચિમી ગેલેરીમાંથી ચલાવતો હતો. તે જ માળના ખૂણામાં ચાર નાના ઓરડાઓ છે, જે સ્ત્રીઓ માટે બનાવવામાં આવ્યા છે. મહેલની દિવાલોને સુંદર ફૂલોની છાપથી શણગારેલ છે. એક સિંહાસન હતું જેને સોનાની ચાદરોથી આવરીત અને કિંમતી નીલમ પથ્થરોથી શણગારેલું હતું. ટીપુએ પ્રતિજ્ઞા લીધી હતી કે તે બ્રિટીશ સેનાને સંપૂર્ણપણે પરાજિત કરશે નહીં ત્યાં સુધી તેનો ઉપયોગ નહીં કરે. ટીપુ સુલતાનના મૃત્યુ પછી, બ્રિટીશરોએ સિંહાસન તોડી નાખ્યું અને તેના ભાગોની હરાજી કરી દીધી કારણ કે એકલા વ્યક્તિને માટે સિંહાસન ખરીદવું અશક્ય હતું.’

‘તમને પેલેસ વિષે ઘણી માહિતી છે. હું તો પહેલી જ વાર આવ્યો છું.’, ઇશાન પરેશની જાણકારીથી પ્રભાવિત થયો.

‘ખબર તો હોય જ ને..., મારૂં કામ જ આ છે.’, પરેશ હસવા લાગ્યો અને જાણકારી આપવાનું ચાલું રાખ્યું, ‘ગ્રાઉન્ડ ફ્લોરના ઓરડાઓ એક નાના સંગ્રહાલયમાં ફેરવવામાં આવ્યા છે, જ્યાં ટીપુ સુલતાન અને તેના વહીવટની વિવિધ સિદ્ધિઓ દર્શાવતા નમૂનાઓનો સંગ્રહ કરેલ છે. તે સમયના લોકો અને સ્થાનોના ચિત્રોનું નવિનીકરણ કરવામાં આવેલ છે. ટીપુ સુલતાનના કપડાં અને તેનો ચાંદીનો તાજ તેમજ સોનાના ઘરેણા હાલમાં પણ અહીં સંગ્રહીત છે. જનરલ દ્વારા હૈદર અલીને અપાયેલા ચાંદીના વાસણો પણ પ્રદર્શિત કરવામાં આવેલા છે.’

‘પેલેસ તો સાચવ્યો છે પરંતુ સાથે સાથે બાગની પણ ખૂબ જ સરસ માવજત કરેલી છે.’, પહેલા માળની ગેલેરીમાંથી બાગ નિહાળતા ઇશાન બોલ્યો.

‘હોય જ ને... કર્ણાટક સરકારના બાગાયત વિભાગ દ્વારા પેલેસની સામેના વિસ્તાર, બગીચાનું જતન કરવામાં આવે છે.’, પરેશે ચશ્માં સરખા કર્યા.

બન્ને પેલેસની ભવ્યતા અને લાકડા પર કરેલ નક્શીકામ નિહાળવામાં વ્યસ્ત હતા. ઇશાનની નજર દિવાલમાં જડિત એક ચક્તિ પર ગયું, ‘આ ચક્તિ…’

‘તે લખાણ ફારસીમાં છે...મને થોડી થોડી આવડે છે. સમજાવું તે શું કહેવા માંગે છે?’, પરેશ ચક્તિની થોડી નજીક ગયો.

‘તેનું માથું આનંદથી સ્વર્ગમાં ઉભું થયું.

ઓહ, એક ઉંચી હવેલી, સુખનું ઘર,

તેની શિખર આકાશ ઉપર છે.

તે શુદ્ધતામાં કાચનું ઘર છે,

જે લોકો તેને જુએ છે તે આશ્ચર્યથી પટકાઈ જાય છે.

ભવ્યતામાં તે આકાશને હરીફ બનાવે છે,

જે શરમથી તેના માથાને લટકાવે છે.

આ મહેલનું વર્ણન, જ્યારે ફ્રીદીન દ્વારા સાંભળ્યું,

તેના કારણે હીરા તેની લાંબી નીંદરમાં ગઈ.

મેં તારીખ માટે ઝાર મુજબ ગણતરી માંગી,

અને અદ્રશ્ય દેવદૂતે કહ્યું - "ખુશીઓનું ઘર," ૧૧૯૬ (૧૭૮૧).

જ્યારે આ નવા મહેલનું ચિત્રકામ પૂર્ણ થયું,

તેણે ચાઇનાની સુંદરતાને વિસ્મૃતિમાં નાખી.

મેં ખીજિર વિદ્વાનો પાસેથી તારીખની માંગ કરી,

જેમણે કહ્યું - "નિસંદેહ સ્વર્ગ દ્વારા તેની ઇર્ષા થાય છે,"

૧૨૦૬ (૧૭૯૧)’, પરેશ સમજાવે તે પહેલાં તો ઇશાને સંપૂર્ણ ચક્તિ પરનું લખાણ વાંચી સંભળાવ્યું.

‘તને ફારસી આવડે છે...?’

‘ના તો...’

‘તો પછી આટલી ઝડપથી તે અનુવાદ કેવી રીતે...’, પરેશ અટકી ગયો.

ઇશાન પરેશ સામે તાકી રહ્યો.

‘અરે...હા... તું જ તો છે મહારાજ... તો પછી તારૂં લખાણ તું તો વાંચી શકે ને.’, પરેશ મલકાયો.

‘હું પણ એ જ વિચારૂ છું, કે મેં ક્યારેય ફારસી શીખી નથી. છતાં આટલી તીવ્રતાથી વાંચવું અને એ પણ તેનો અર્થ સમજાય તે રીતે... અમેઝીંગ.’, ઇશાન દ્વિધામાં હતો.

‘હજુ ઘણું તારે જાણવાનું બાકી છે.’, પરેશે ઇશાનની દ્વિધાને વધારી.

‘શું બાકી છે?’

‘એ તો સમય જ બતાવશે.’

*****