Discovery - the story of rebirth - 17 books and stories free download online pdf in Gujarati

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૭

બીજા દિવસે, સવારે ૧૧:૩૦ કલાકે...

‘આપણી તપાસ ક્યાં સુધી પહોંચી છે?’, ઇંસ્પેક્ટરે પોલીસ સ્ટેશનમાં આવતાંની સાથે કોન્સ્ટેબલને પૂછ્યું.

લશ્કર પોલીસ સ્ટેશનમાં નીરજની હત્યા અને તેના પહેલા બનેલી ઘટના સાથે મેળ ખાતો હોવાની વાતને સમર્થન મળતાં જ ફાઇલો પરની ધૂળ ઉડવા માંડી હતી. અસંખ્ય કાગળોને તપાસવામાં આવ્યા. આખરે કોન્સ્ટેબલે તે કેસ અને તેને લગતા પુરાવા શોધી નાખ્યા, અને તે દરેક માહિતી સાથે હાજર હતો.

‘આપણી તપાસ પૂરી થઇ ગઇ છે. તમે જે જુના કેસની વાત કરતા હતા, તેમાં પણ અત્યારના કેસની માફક જ હત્યા થઇ હતી.’, કોન્સ્ટેબલે ફાઇલ ઇંસ્પેક્ટર સમક્ષ મૂકી.

‘વેરી ગુડ…!’, ઇંસ્પેક્ટરે પોકેટમાંથી સિગાર કાઢી સળગાવી અને ધુમાડાના ગોટાઓ ઉડાડ્યા.

‘બીજી એક વાત... તે ઘટના સ્થળ પર પણ, તમારી માહિતી મુજબ; આવી જ એક ઘડિયાળનો ફોટો મળ્યો હતો.’, કોન્સ્ટેબલે ફોટો નીરજના રૂમમાંથી મળેલા ફોટોની પાસે ટેબલ પર મૂક્યો અને તેના પર આંગળી પછાડી.

ઇંસ્પેક્ટર ગોટા ઉડાડતો ટેબલની પાસે આવ્યો. બન્ને ફોટો હાથમાં લીધા,‘બે ઘડિયાળ તો એક જેવી જ લાગે છે. પણ...’

‘પણ શું?’

‘અહીં જો’, ઇંસ્પેક્ટરે બન્ને ફોટો ટેબલ પર મૂકી કોન્સ્ટેબલને બતાવ્યા, ‘જોવાનું એ છે કે, જુના કેસના ફોટોમાં ઘડિયાળ પર જે સંજ્ઞા બનાવેલી છે; તે છે ઇસ્ટ ઇંડિયા કંપનીની અને આજના ફોટોમાં જે ઘડિયાળ છે, તેના પર સંજ્ઞા છે એક તાજ અને એક તલવારની. વળી પાછું વચ્ચે એક રાક્ષસ જેવું કંઇક કંડારેલું છે. બન્નેની બનાવટ એક જેવી લાગે છે, પરંતુ તેની પર બનાવેલી સંજ્ઞાઓ કંઇક જુદું જ દર્શાવતી હોય તેમ લાગે છે.’

‘અરે...હા! આના પર મારૂં ધ્યાન ગયું જ નહિ.’, કોન્સ્ટેબલે ફોટો હાથમાં લીધા,‘સાહેબ! આ રાક્ષસ જેવી પ્રતિકૃતિ તો મહિષાસુર રાક્ષસની હોય તેવું લાગે છે.’

‘એનો અર્થ તો એવો થાય કે, ઘડિયાળને મૈસુરુ સાથે કોઇ સંબંધ છે. કારણ કે “મૈસુરુ” નામના ઇતિહાસમાં મહિષાસુર સમાયેલ છે.’, સ્ત્રી કોન્સ્ટેબલ ઓફિસમાં દાખલ થતા બોલી.

‘આ બધી વાર્તાઓ છે.’, ઇંસ્પેક્ટરે સિગાર ઓલવતા, ફોટો કોન્સ્ટેબલના હાથમાંથી લઇ ટેબલ પર મૂક્યા.

‘ના, સાહેબ...! વાર્તાઓ નથી. મને મારા દાદાએ કહ્યું હતું, કે જ્યારે મૈસુરુ, મૈસુર નામે ઓળખાતું થયું, તે નામ પડતા પહેલા તે હતું મહિષાપુરા અને અંગ્રેજોએ કર્યું મહિષુર... ત્યાર બાદ અપભ્રંશ થતાં થતાં મૈસુર સુધી આવીને અટક્યા, અને એક વાત જેને તમે વાર્તા કહો છો, તે મહિષાસુરનો વધ કરનાર માતા ચામુંડેશ્વરીનું મંદિર તો હજી પણ છે જ ને, અને તે તો તમે પણ જાણો જ છો.’, સ્ત્રી કોન્સ્ટેબલે તેની વાત રજુ કરી.

‘એટલે તમે એમ કહેવા માંગો છો કે આ ઘડિયાળોને મહિષાસુર સાથે સંબંધ છે...’, ઇંસ્પેક્ટર અટ્ટહાસ્ય કરવા લાગ્યો.

સ્ત્રી કોન્સ્ટેબલે થોડી વાર ચૂપકી સાધી, ઇંસ્પેક્ટરનું હાસ્ય રોકાતા જ તેણે કહ્યું,‘ના સાહેબ!, મારૂ કહેવું એમ છે કે એક ઘડિયાળ પર અંગ્રેજોની નિશાની અને બીજી પર તાજ, તલવાર, અને મહિષાસુરની નિશાની દર્શાવે છે કે મૈસુરુ અને અંગ્રેજો વચ્ચે થયેલી કોઇ ઘટનાની સાક્ષી છે, આ ઘડિયાળો…’

‘મને પણ આની વાત પર વિશ્વાસ બેસે છે.’, પુરુષ કોન્સ્ટેબલે સમર્થન આપ્યું.

‘બની શકે. પરંતુ અંગ્રેજો મૈસુરની આસપાસ હતાં...’, ઇંસ્પેક્ટરે વિચાર કર્યો, ‘હા...૧૭૯૮ સુધી…, એટલે કે...’

‘એટલે કે... ટીપુ સુલતાનના મૃત્યુ સુધી... ત્યારબાદ તેમણે વર્ચસ્વ સ્થાપ્યું.’, સ્ત્રી કોન્સ્ટેબલે વાતને પૂરી કરી.

‘વાહ! તું ઇતિહાસ વિષે ઘણું જાણે છે...’, પુરુષ કોન્સ્ટેબલે સ્ત્રી સામે જોયું. ઇંસ્પેક્ટરે પણ માથું ધુણાવ્યું.

‘એનો શ્રેય જાય છે, મારા દાદાને અને મને ખબર નથી, પરંતુ મને ઘણી વાર સપના આવતા હોય છે. જેમાં મને મૈસુર, અંગ્રેજો અને ખજાનો દેખાતો હોય છે. કદાચ મારા દાદાની કહેલી વાર્તાઓની મન પર થયેલી અસર હોય...’, સ્ત્રી કોન્સ્ટેબલે જાણકારી હોવાનું કારણ જણાવ્યું.

‘તમારા દાદા, આ ઘડિયાળો વિષે કંઇ કહી શકશે???’, ઇંસ્પેક્ટરે ફોટા સ્ત્રી કોન્સ્ટેબલને આપ્યા.

‘ના... એ તો એક વર્ષ પહેલાં જ સ્વર્ગ તરફ પ્રયાણ કરી ચૂક્યા છે...’, સ્ત્રી કોન્સ્ટેબલની આંખો ભીની થઇ, તરત જ તેણે આંસુ લૂછ્યા, ‘હા, પણ એક વ્યક્તિ છે, જે આપણને માહિતી આપી શકે તેમ છે.’

‘કોણ?’, પુરુષ કોન્સ્ટેબલે વચ્ચે જ પૂછ્યું.

‘તેમનો એક વિદ્યાર્થી... જે તેમની પાસે ઇતિહાસ શીખવા આવતો હતો. મારા દાદા મૈસુર યુનિવર્સિટીમાં એમ.એ (ઇતિહાસ)ના કોર્ષમાં ભણાવતા. તે છોકરો તેમની પાસે શીખવા આવતો. મારા જેટલી જ ઉંમરનો હશે. વિચિત્ર વાત તો એ છે કે મૈસુરના ઇતિહાસ વિષે આટલું બધું જાણવા છતાં, તેણે કોઇ દિવસ ઐતિહાસીક બાબતોમાં કામ કર્યું નહી.’, સ્ત્રી કોન્સ્ટેબલે પૂરી જાણકારી આપી.

‘તે હવે ક્યાં છે?’, ઇંસ્પેક્ટરે રસ દાખવ્યો.

‘તે... છેલ્લે તેની વાત દાદા સાથે ત્રણ વર્ષ પહેલાં થઇ હતી. તે મુંબઇમાં કોઇ આઇ.ટી. કંપનીમાં કાર્યરત છે. હું આટલું જ જાણું છું.’, સ્ત્રી કોન્સ્ટેબલે કહ્યું.

‘એમ.એ. ઇતિહાસ...આઇ.ટી. કંપનીમાં કેવી રીતે???’, ઇંસ્પેક્ટર વિચારમાં પડ્યો.

‘કારણ કે તે... કોમ્પ્યુટરની બાબતે નિષ્ણાંત હતો. તેણે દાદાને ઘણી બધી હસ્તપ્રતોને ડીજીટલ સ્વરૂપમાં ફેરવી આપી હતી...’

‘તારી પાસે તેનો ફોન નંબર નથી...’

‘નંબર તો છે...પણ તે દાદા અવસાન સમયથી જ બંધ આવે છે.’

‘હવે મને દાળ કાળી દેખાય છે.’, ઇંસ્પેક્ટરે આંખો બંધ કરી, ‘તારા દાદા ઇતિહાસ ભણાવે, એક વિદ્યાર્થી તેમની પાસે ભણે, તેજસ્વી વિદ્યાર્થી... નોકરી કરે આઇ.ટી.માં... દાદાના અવસાન બાદ ફોન બંધ... આપણે તે વ્યક્તિને જ શોધીએ... મને લાગે છે... આ બન્ને હત્યાઓનો માર્ગ તે વ્યક્તિને જઇને મળતો હશે.’

‘બની શકે... યુનિવર્સિટીના ડેટામાંથી તેની માહિતી મળી શકે’, પુરુષ કોન્સ્ટેબલે જણાવ્યું.

‘તે માસ્ટર ઓફ આર્ટસનું નામ શું છે?’, ઇંસ્પેક્ટરે સ્ત્રી કોન્સ્ટેબલને પૂછ્યું.

‘નામ તો ખબર નથી... પણ ચહેરો જોવું તો ઓળખી જઇશ... હું ત્યારે મુંબઇમાં અભ્યાસ કરતી હતી... મેં એક વાર દાદાને લેપટોપ પરથી વિડીયો કોલ કર્યો હતો ત્યારે તે તેમની પાસે બેઠો હતો.’, સ્ત્રી કોન્સ્ટેબલે યાદ કરીને કહ્યું.

‘તો હવે આપણી પાસે એક જ રસ્તો છે. તારા કહેવા પ્રમાણે ચાર વર્ષ પહેલાંના એમ.એ. ઇતિહાસના વર્ગની માહિતી મેળવી, તેમાંથી તે વ્યક્તિને શોધવો.’, ઇંસ્પેક્ટરે ફરી એક સિગાર સળગાવી.

‘હા, સાહેબ...’, પુરુષ કોન્સ્ટેબલે હામી ભરી.

‘તમે પણ જાવ સાથે, કારણ કે તમે તેને જોયેલો છે...’, ઇંસ્પેક્ટરે સ્ત્રી કોન્સ્ટેબલને કહ્યું.

‘હા.’

બન્ને કોન્સ્ટેબલ લશ્કર પોલીસ સ્ટેશનથી યુનિવર્સિટી જવા માટે નીકળ્યા.

*****

તે જ દિવસે, તે જ સમયે...

આગળના દિવસે સમર પેલેસની મુલાકાત બાદ, શ્રીરંગપટમ નિહાળવાની પરેશની હઠ આગળ નમતું ઝોખીને ઇશાન તેની સાથે મુલાકાતે આવ્યો હતો.

‘શ્રીરંગપટમ, ટીપુ સુલતાનના સમયમાં મૈસુરની રાજધાની હતું. અહીં જ તેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. અહીં જ યુદ્ધ સમયે તેનું મૃત્યુ થયું હતું.’, પરેશે શ્રીરંગપટમમાં સ્થિત ટીપુના કિલ્લામાં દાખલ થતા જાણકારી આપવાનું શરૂ કર્યું. અત્યંત વિશાળ અને લીલી ચાદર ઓઢેલો વિસ્તાર રમણીય હતો.

‘આપણે આ બધો અભ્યાસ કેમ કરીએ છીએ?’, ઇશાને પરેશની સામે જોયું.

‘તને યાદ કરાવવા માટે... તારો પૂર્વજન્મ... મિત્ર...’, પરેશે ઇશાન તરફ આશાભરી મીટ માંડી.

‘સારૂ... તમે નિહાળો, હું ત્યાં બાગ જેવા વિસ્તારમાં બેઠક પર તમારી પ્રતિક્ષા કરીશ.’, ઇશાન બોલતાં બોલતાં બેઠક તરફ ચાલવા લાગ્યો.

‘ઇશાન... થોડી વાર ચાલ મારી સાથે... અંદરથી પૂરો અભ્યાસ તો કર, આ જગાનો.’, પરેશે સાદ લગાવ્યો.

ઇશાન હાથ ઊંચો કરી હવામાં ઇશારાથી ના પાડતો હોય તેમ ડોલાવી, ચાલતો જ રહ્યો.

ઇશાન બેઠક પર આરામથી બેસી ગયો. સમય વહેવા લાગ્યો. ઠંડા પવનની લહેરોને કારણે ઇશાનની આંખો મીંચાઇ ગઇ. તેની આંગળીઓ ધીરે ધીરે બેઠક પર રમવા લાગી. જાણે બંધ આંખોના પડદા પાછળ કોઇ ઘટના ગતિમાન હોય. કોઇ ચિત્ર ચાલતું હોય. તેનો ચહેરો એકદમ શાંત હતો, એક સિદ્ધ સાધુ યોગીની માફક... સર્વસ્વ પ્રાપ્ત થઇ ગયા બાદ દેખાતું તેજ તેના ચહેરાને ચમકાવતું હતું.

‘ઇશાન... મદદ…’, પરેશનો અવાજ ઇશાનના કર્ણપટલ પર અથડાયો. અવાજે ઇશાનની શાંતિને તોડી. અવાજની દિશા તરફ તેણે નજર ઘુમાવી અને પરેશને ગઢના દરવાજા તરફ ભાગતો જોયો. ઇશાન તીવ્ર ગતિથી તે તરફ ભાગ્યો.

દરવાજા તરફ જતાં જતાં ઇશાનના પગ અશ્વગતિમાં હતા. સામેની તરફ તે જ વ્યક્તિ હતો, જેણે મુંબઇમાં તેના તરફ હુમલો કર્યો હતો. જે મૈસુરમાં તેમની હોટલની સામે આવેલા થાંભલા પાસે ઊભો હતો. તેના હાથમાં બંદૂક હતી. પરેશ ભાગતા ભાગતા તે વ્યક્તિની પાછળ સંતાયો અને ઇશાનના ઘોડાની ગતિએ ભાગતા પગ થોભી ગયા. પરસેવાની બુંદો તેની પસંદીદાર શ્યામ ટી-શર્ટને ભીંજવી રહી હતી. તેનો અસ્થિર શ્વાસ શાંત વાતાવરણમાં ગુંજી રહેલો, સાથે સાથે ગુંજવા લાગ્યું એક હાસ્ય. હાસ્ય હતું પરેશનું, તે વ્યક્તિની પાછળથી બહાર નીકળી આગળ આવ્યો.

‘ઇશાન...ઇશાન...! તું, આજની સમાજ વ્યવસ્થા માટે ભોળો છે અને એટલે જ તારે આ વાતાવરણમાં વધુ શ્વાસ લેવા જોઇએ નહી.’ પરેશે બંદૂકધારીને ગોળી ચલાવવાનો ઇશારો કર્યો.

બંદૂકમાંથી ગોળી છૂટી...એક...બે...ત્રણ અને પહેલી ગોળી ઇશાનન જમણા ખભાને સ્પર્શી નીકળી ગઇ, બીજી ચૂકી ગઇ અને ત્રીજી છાતીમાં ડાબી તરફ વાગી.

ઇશાન ઢળી પડ્યો.

*****