Darek khetrama safdata - 15 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 15

શાણપણથીજ કામ કરો

શાણપણ એટલે સમય સંજોગો, આવળત, મર્યાદા અને દરેક બાબતને બેલેન્સમા રાખી ભવિષ્યનો વિચાર કરીને ચાલવાની આવળત.

જ્યારે વ્યક્તી આવી તમામ બાબતોનો વિચાર કરીને ચાલે છે, ગંભીરતાથી દરેક પ્રશ્નો, શક્યતાઓનુ સમાધાન લાવવામા માને છે ત્યારે તેનામા શાણપણ રેહેલુ છે તેમ કહી શકાય. આવા શાણપણ દ્વારાજ વ્યક્તી નાની નાની બાબતોને ન્યાય આપીને મોટી સફળતા મેળવી શકતો હોય છે.

ઘણી વખત વ્યક્તી પાસે પુષ્કળ જ્ઞાન હોય છે તેમ છતા પણ તેઓ નિષ્ફળ થતા હોય છે કારણકે તેની પાસે પોતાના જ્ઞાનને અમલમા કેમ મુકવુ તેનુ શાણપણ હોતુ નથી જેથી તેઓનુ જ્ઞાન ચાતુર્યના અભાવે તેમના મનમાજ પડ્યુ રહી જતુ હોય છે અને તેનો લાભ લોકોને મળી શકતો હોતો નથી. આમ શાણપણ એ કોઇ કામ કેવી રીતે કરવુ, તેને કેવી રીતે અમલમા મુકવુ જોઈએ તે શીખવતુ હોય છે. વ્યક્તીને ખબર હોય કે કોઇ હેતુ પ્રાપ્ત કરવા માટે આટલા કાર્યો કરવાની જરુર છે પણ કાર્ય કેવી રીતે કરવુ, તેમા કેટલી બાબતોનુ ધ્યાન રાખવુ, ઉપરાંત લોકોના ગમા અણગમા, પસંદ ના પસંદ, સમાજમા જતો સંદેશો વગેરેનુ ધ્યાન રાખવામા ન આવે તો કરેલા કામ પર પાણી ફરી વળી શકતુ હોય છે. આવી બધી બાબતોનુ ધ્યાન ત્યારેજ રાખી શકાતુ હોય છે કે જ્યારે આપણે શાણપણથી પોતાની બુદ્ધીચાતુર્યતા વાપરીને અને જાગૃત રહીને કામ કરતા હોઈએ.

આપણા નશીબમા જે કંઈ પણ કામ કરવાનુ આવે તેને હંમેશા શાણપણથીજ પુર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કામ નાનુ હોય કે મોટુ, સરળ હોય કે જટીલ, તેને હંમેશા બુધ્ધીચાતુર્યતાથી પુર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણકે નાના એવા કાર્યમા પણ મુશ્કેલીઓ આવી શકે છે, કોઈ ખોટુ સ્ટેપ લેવાઇ શકે છે. માટે દેખાડો કરવા કે કંઈ પણ સમજ્યા જાણ્યા વગર કોઇ કામ કરવાને બદલે લોજીકથી અને વ્યાજબી લાગે એ રીતે કામ કરવુ જોઇએ. તેમ કરવાથી કાર્યની અસરકારકતા અને સફળ થવાની શક્યતા એ બન્ને વધી જતી હોય છે.

ઘણા લોકો ઉત્સાહમા કે આવેશમા આવીને ન કરવાના કામ કરી નાખતા હોય છે, પાછળથી જયારે તેના દુષ્ટ પરીણામો ભોગવવાનો વારો આવતો હોય છે, રાતોની ઉંઘ હરામ થઇ જતી હોય છે કે સુખ ચૈન છીનવાઇ જતા હોય છે ત્યારે સમજાતુ હોય છે કે આ કામ ન કર્યુ હોત તો સારુ થાત. પણ પાછળથી આવા અફસોસ કરવાનો કોઇ મતલબ હોતો નથી. જે લોકો પાછળથી સમજવા મળતી આવી વાતો કામ કરતા પહેલાજ સમજી લેતા હોય છે તેઓજ સાચા શાણા માણસ બની શકતા હોય છે. આવા માણસોજ સમજદારી દર્શાવી પરીસ્થિતિઓને હેંડલ કરી શકતા હોય છે.

ઘણી વખત શાણપણનો અભાવ હોય તો પણ સફળતા મેળવી શકાતી હોય છે પણ તે લાંબો સમય ટકતી હોતી નથી કારણકે સફળતાને ટકાવી રાખવા માટે સતત બૌદ્ધીક રીતે જાગૃત રહેવુ પડતુ હોય છે. જે લોકો આ રીતે સતત જાગૃત રહેતા હોય છે તેઓ ઉચ્ચ કક્ષાની, ટકાઉ સફળતા મેળવી શકતા હોય છે. આમ બુદ્ધીથી કે શાણપણથી કરેલુ કોઇ પણ કામ સફળતા અપાવનારુ અને ટકાઉ હોય છે, તેનો નાશ જળપથી કોઇ કરી શકતુ ન હોવાથી સંપુર્ણ જાગૃત અવસ્થામા રહીને રોબોટની જેમ નહી પણ એક સજીવ બુધ્ધીશાળી માનવીની જેમ પોતાની બુધીશક્તી, તર્ક વિતર્ક, ગ્નાન, આવળત, કળા, કૌશલ્યનો ઉપયોગ કરીને કાર્ય કરવુ જોઇએ.
ચાલો હવે શાણપણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેની થોડી ટીપ્સ જાણીએ.

સમય સંજોગો, આવળત મર્યાદા અને સંભાવનાઓનો વિચાર કરીને કામ કરવાની રીતને શાણપણ કહી શકાય છે, આવા શાણપણના નિયમો નીચે પ્રમાણે દર્શાવી શકાય.

૧) બુદ્ધીશાળી બનવા માટે જીવનમા કંઈક મેળવવાનો હેતુ રાખો. જે વ્યક્તીને કંઈજ મેળવવુ નથી તે વ્યક્તી સબંધો, વ્યવહારો, ગુણ, આવળત, અનુશાસન, મહેનત કે આયોજન એટલેકે સફળતા મેળવવા માટે જરુરી બાબતોનુ મહત્વ સમજી શકતા હોતા નથી જેથી તેઓ લાંબો વિચાર કરી યોગ્ય પ્રયત્ન કરી શકતા હોતા નથી. પણ જે દિવસે વ્યક્તી જીવનમા કોઇ હેતુ નક્કી કરી લે છે, તેને આધારે કંઈક મેળવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેઓ આ બધીજ બાબતોનુ મહત્વ સમજી જતા હોય છે, તેઓના જીવનમા ગંભીરતા ઉત્પન્ન થવા લાગતી હોય છે, તેઓ બધીજ બાબતોનો વિચાર કરવા લાગતા હોય છે, નાની નાની બાબતોની કાળજી રાખવા લાગતા હોય છે એટલેકે તેમનામા બુદ્ધી શક્તી આવી જતી હોય છે.
હેતુ વગરનો વ્યક્તી મન ફાવે તેમ જીવતો હોય છે, જઘડાઓ કરતો હોય છે, લોકોના અપમાન કરતો હોય છે, સમય સંપત્તીનો બગાળ કરતો હોય છે પણ શ્રેષ્ઠ હેતુ નક્કી કરનાર વ્યક્તી જીવનના તમામ પરીબળોની ગંભીરતા–ઉપયોગીતા સમજી જતા હોય છે જેથી તેઓ સમજદારીથી જીવન જીવવા પ્રેરાતા હોય છે. આમ જીવનમા કંઈક મેળવવાની ઇચ્છા કે મહત્વકાંક્ષા રાખવી, અન્યોથી આગળ નીકળવાની કે સમાજમા સમ્માન મેળવવાની ચાહના વ્યક્તીની વિચારશક્તીમા વધારો કરતી હોય છે જેથી તેની સમજશક્તી, બુદ્ધીશક્તીનો વિકાસ થતો હોય છે, વ્યક્તી પરીપક્વ બનતો હોય છે અને આખરે તે બુદ્ધીમાન બની જતો હોય છે.

૨) બુદ્ધીશાળી બનવા માટે ભુતકાળ કે ભવિષ્યકાળમા નહી પણ વર્તમાનમા જીવતા શીખો. ભુતકાળમા જીવતા લોકો દુ:ખી અને ભવિષ્યમા જીવતા લોકો ચીંતીત વધારે રહેતા હોય છે. તેઓનુ જીવન કાલ્પનીક બની જતુ હોય છે એટલે પછી તેઓ વર્તમાન કે વાસ્તવીકતાઓને સમજી શકતા હોતા નથી. બૌદ્ધીક નિર્ણયો લેવા માટે વાસ્તવીકતાઓની સમજ હોવી ખુબ જરુરી બને છે જે માત્ર વર્તમાનમા જીવવાથી એટલેકે પ્રેક્ટિકલ બનવાથીજ પ્રાપ્ત કરી શકાતી હોય છે.

૩) જીવનની તમામ બેઝીક સ્કીલ્સ, ક્વાલીટીસ તેમજ અનુશાસનનુ મહત્વ સમજો અને તેનો જીવનમા અમલ કરી બતાવો.

૪) શું મહત્વનુ છે અને શું મહત્વનુ નથી તે સતત ઓળખતા રહો.

૫) દરેક બાબતમાથી સારી અને પ્રોત્સાહક બાબતો કે જેનાથી આપણને લાભ થઇ શકે તેમ છે તેને ઓળખતા રહેવુ જોઈએ અને આત્મવિકાસ કરવાની તક જળપી લેવી જોઈએ.

૬) લાગણીઓના વમળમા ફસાઈને કામ કરવા કરતા બુદ્ધી અને અનુભવથી વધારે કામ કરવુ જોઇએ.

૭) હંમેશા હકારાત્મક રહો કારણકે તેનાથી દુ:ખ, નિરાશાઓ પર કાબુ મેળવી સાચો, ઉપાયકારી અને વધુ લાભ આપનારો રસ્તો સરળતાથી સમજી કે શોધી શકાતો હોય છે.

૮) બને ત્યાં સુધી બધાજ પ્રકારના લોકો આપણને સાથ આપે તેવા વાતાવરણની રચના કરો.

૯) જે તે સમય મુજબ પોતાનામા ફેરફારો કરતા રહો અથવાતો તેની સાથે અનુકૂલન સાધતા રહો.

૧૦) સમસ્યાઓ વધારનારુ નહી પરંતુ સમાધાનકારી વલણ અપનાવો.

૧૧) સતર્કતા, આયોજન, ધીરજ અને તક પારખુ નજર આ ચાર ગુણ એ બુદ્ધીશાળી લોકોના ઘરેણા છે. આવા ઘરેણાઓ ધારણ કરો.

૧૨) બુદ્ધીશાળી બનવા માટે જીવનમા ઉદ્ભવતી કે ઉદ્ભવવાની તમામ પ્રકારની સમસ્યાઓ અને શક્યતાઓને નજર સમક્ષ રાખીને જીવો. જે લોકો શક્યતાઓને ધ્યાનમા રાખીને વિચારે છે કે જીવે છે તેઓ કોઇ પણ ઘટના ઉદ્ભવતા તરતજ સમજી જતા હોય છે કે આ ઘટના કઈ શક્યતાનો આધાર છે અને તેના આધારે શું થઈ શકે તેમ છે. જે લોકો ભવિષ્યમા ઉત્પન્ન થતી સમસ્યાઓને ધ્યાનમા રાખીને જીવે છે અને તેને કેવી રીતે પહોચી શકાય તેમ છે તેના ઉપાયો વિચારી રાખે છે તેઓ તરતજ સમજી જતા હોય છે કે સમાજમા કેવી રીતે રહેવુ જોઇએ. આવા લોકો દુશ્મનાવટ કરતા સહકારમા વધારે સમજતા હોય છે જે તેમની બુધ્ધીમત્તા દર્શાવે છે.

૧૩) હંમેશા લોકોની લાગણીઓ, આત્મસમ્માનનુ ધ્યાન રાખો. કોઇને પણ નીચા પાડવાથી કે અપમાનીત કરવાથી ક્યારેય કોઇનુય ભલુ થવાનુ નથી તે વાત બરોબર સમજી લો.
૧૪) દરેક બાબતને તેની અગત્યતાના ક્રમમા ગોઠવી બધા વચ્ચે બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કરો.

૧૫) જે સમયે જે કામ થવુ જોઇએ તે સમયે તેજ કામ કરવુ જોઇએ એટલે કે અભ્યાસના સમયે અભ્યાસ, ચર્ચાના સમયે ચર્ચા, રમતના સમયે રમત અને સુવાના સમયે સુઇ જવુ જોઇએ. સમય આવ્યેજ બોલવુ નહીતર મૌન રહેવુ જોઈએ. ટુંકમા સમય મુજબ વર્તન કરવુ જોઈએ.

ક્રમશઃ