chhella sakshio books and stories free download online pdf in Gujarati

છેલ્લા સાક્ષીઓ

નિવેદન

યુદ્ધ હંમેશા મને ડરાવે છે. કમનસીબે માનવતાનો ઈતિહાસ યુધ્ધોથી ખરડાયેલો છે. માણસ લડતો જ રહ્યો છે; પહેલાં નખથી, દાંતથી, પંજાથી, પથ્થરથી, ધનુષ્ય-બાણથી, તલવારથી, ભાલાથી, તોપથી બંદુકથી. હવે માણસે વિકાસ કર્યો છે. આધુનિક શસ્ત્રો બનાવ્યાં છે. વિકસિત માણસે મિસાઈલો બનાવી છે જેનાથી હજારો માઈલ દુરના દુશ્મનો પર પ્રહાર થઇ શકે !!! રાસાયણિક અને અણુશસ્ત્રો વિકસાવ્યા છે. સાંભળ્યું છેકે નજીકના ભવિષ્યમાં રોબોટથી યુધ્ધો લડાશે. વિજ્ઞાને અસાધારણ પ્રગતિ કરી છે. ચંદ્ર પર પગ મૂકી દીધો છે, મંગળ સુધી પહોચી ગયો છે. અવકાશમાં નગરો બનવાના છે. સાથે સાથે અવકાશી યુદ્ધની પણ તૈયારી થઇ રહી છે !!! ભવિષ્યમાં કેવાં અવકાશી યુધ્ધો થશે તેની ફિલ્મો પણ બની રહી છે. માણસ સ્વભાવે જ યુયુત્સુ છે. युध्ध्स्य कथा रम्या:. માણસને યુદ્ધની કથાઓ ગમે છે. વિશ્વભરના મહાકાવ્યો વાંચીશું તો આ વાતની પ્રતીતિ થશે. પરંતુ યુદ્ધ કેટલું ભયાનક છે અને તેના પરિણામો કેટલા દારુણ છે તેની વાસ્તવિકતાની પ્રતીતિ ‘છેલ્લા સાક્ષીઓ’ જેવું પુસ્તક કરાવે છે.

પ્રત્યેક દેશમાં, પ્રત્યેક ધર્મમાં પ્રત્યેક યુગમાં સમગ્ર વિશ્વમાં શાણા મનુષ્યો, સંતો, પયગંબરો, જ્ઞાનીઓ પેદા થાય છે. વિશ્વભરના આપણા ગ્રંથાલયો કરોડો ગ્રંથોથી ભરેલા છે જે મનુષ્યને સુખેથી કેમ જીવવું તે સમજાવવા સમર્થ છે તેમ છતાં મનુષ્ય સમજ્યો નથી અને યુધ્ધો થયા છે અને થાય છે. વિશ્વમાં ભયાનક યુધ્ધો થયાં છે જેમાં લાખો કરોડો લોકોની ખુવારી થઇ છે છતાં માણસજાત એમાંથી કશું શીખી હોય તેમ લાગતું નથી. યુદ્ધમાં માત્ર માણસો મરતા નથી, માણસાઈ મરે છે. યુદ્ધ પછી જે જીવતાં રહી જાય છે તેમની દશા ઓછી કરુણ નથી હોતી. યુદ્ધથી શું નુકશાન થાય તે વિષે કોઈએ કહ્યું છે: “The effects of war are devastating and cut across all spheres of life be it social, economic or environmental. Whereas the most apparent effects include the destruction of environment, loss of property and displacement of people, there are numerous other effects that war has on the lives of people. The loss of human life is among the worst impacts of war. During wars, a high number of casualties from both the military and civilian population are recorded. Survivors of war suffer physical and psychological effects which could be long lasting in nature. Both civilians and belligerents may suffer physical incapacitation as a result of war. Post traumatic stress disorder is one of the most common psychological conditions diagnosed amongst post-war victims. Other mental health conditions include depression, insomnia and anxiety disorders. During wars, as a result of the economic decline, people suffer from poverty and malnutrition contributing to intense human suffering.’

ગઈ સદીમાં બે વિશ્વયુદ્ધ થયાં. સમગ્ર વિશ્વ એનાથી પ્રભાવિત થયું. હીરોશીમા અને નાગાસાકી પર પરમાણુબોમ્બનો ઉપયોગ થયો. ક્ષણભરમાં બે નગર ભસ્મીભૂત થઇ ગયા. પરમાણુ શક્તિની કેવી ભવ્ય શોધ અને તેનો કેવો દુરુપયોગ થયો !!! માણસજાતને ઉત્તમ વસ્તુઓનો દુરુપયોગ કરતાં સારું ફાવે છે. ઉમાશંકર જોશીએ તેમના કાવ્ય ‘સ્વપ્નોને સળગવું હોય તો’માં કહ્યું છે :

‘એક સદીમાં –અર્ધીકમાં – બે વિશ્વયુદ્ધ. સરવૈયામાં

નકરું વકરેલું નિર્માનુષીકરણ. ભસ્મપુંજીભૂત હીરોશીમાની

ખાક લલાટે લગાવેલી અણુસંસ્કૃતિનું કંકાલ હાસ્ય

દસકાઓની ભેખડોએ પડઘાય. ભીતિના પેંતરા

સર્વનાશસજ્જતામાં પરિણમે. સજ્જનો અકિન્ચિતકર.

સર્વગ્રાસી બજારમૂલ્યોનું ડાક્લું બાજી રહે; સુજનતાની સેર,

પ્રેમની સરવાણી સણસણી રહે દ્વેષજ્વાલાઓ વચ્ચે’

માણસ માણસ વચ્ચે પ્રેમ સુકાતો જાય છે. આપણી સંસ્કૃતિમાં મનાયું છે કે હિંસા એ પાપ છે, અરે હિંસાનો વિચાર સુધ્ધાં પણ પાપ છે. આ દેશમાં અહિંસાનો મહિમા હોવા છતાં કેટલાં યુદ્ધ થયાં છે!! જ્ઞાન માત્ર ગ્રંથોમાં રહ્યું છે, આચરણમાં ઉતાર્યું નથી. વિશ્વના દેશોમાં યુદ્ધ પાછળ જે ખર્ચ થાય છે તે આંકડો જાણીએ તો ચોંકી જઈએ. અરે ભારત અને પાકિસ્તાન જેવા વિકસતા દેશોમાં પણ યુદ્ધ માટે બજેટમાં અબજો રૂપિયા ફાળવવામાં આવે છે. જે દેશમાં કરોડો લોકો ગરીબીની રેખા નીચે જીવતાં હોય, પીવાનું ચોખ્ખું પાણી પણ ન મળતું હોય, રહેવા ઘર અને ખાવા અન્ન ન હોય એ દેશોને આવા ખર્ચ કેવી રીતે પોસાય ? પરંતુ આવું વિચારવાની કોને પડી છે ? હવે તો વળી આતંકવાદના નામે પ્રચ્છન્ન યુધ્ધો શરુ થયાં છે જેમાં અનેક નિર્દોષ નવલોહિયા મૃત્યુ પામે છે. સૌથી ઘૃણાસ્પદ તો માનવબોમ્બ છે. કહેવાતા ધર્મોને નામે લોકો માનવબોમ્બ બનવા તૈયાર થઇ જાય છે. આ ધર્મોના કહેવાતા ઠેકેદારો ઘણાં કુશળ છે લોકોને ધર્મને નામે જીવન કરતાં મૃત્યુ વહાલું કરવા સમજાવી શકે છે !! યુધ્ધમાં અને આતંકી હુમલાઓમાં જે નિર્દોષ નાગરિકો અને સૈન્યના જવાનો મૃત્યુ પામે છે તેમને આપણે ‘શહીદ’ જેવું રૂપાળું નામ આપીએ છે. એ કોઈનો દીકરો હોય છે, કોઈનો પતિ, કોઈનો પિતા તો કોઈનો ભાઈ. એના મૃત્યુથી એક આખું કુટુંબ રજળી પડે છે. થોડાં દિવસ આપણે એમનો મહિમા કરીએ છીએ પછી ભૂલી જઈએ છીએ. આ બધું રોકી ન શકાય ?

સ્વાર્થી અને ટૂંકી દ્રષ્ટિના રાજકારણીઓ અને કહેવાતા ધર્મના ઠેકેદારો પોતાના લાભ માટે, પોતાની મહત્તા સ્થાપવા કોઈ પણ હદે જઈ શકે છે. કવિ મૌજ રામપુરી સાચું જ કહે છે:

‘जंग में क़त्ल सिपाही होंगे

सुर्खरू जिल्ले इलाही होंगे ‘

કૈફી આઝમીએ પણ કહ્યું છે:

उसको मजहब कहो या सियासत कहो

खुद-कुशी का हुनर तुम सिखा तो चले

કવિ, કલાકાર અને પ્રત્યેક સંવેદનશીલ વ્યક્તિ યુદ્ધનો વિરોધ કરે છે. એક કલાકાર, અત્યંત સંવેદનશીલ એવી નારી સ્વેતલાના એલેક્સેવિચે એક કોમ્યુનિષ્ટ દેશમાં અનેક મુશ્કેલીઓ વેઠીને યુદ્ધની દારુણ હકીકત જાણવા બીજાં વિશ્વયુદ્ધમાં જે બાળકો હતાં અને યુધ્ધના પ્રત્યક્ષ અનુભવી હતાં તેમની મુલાકાતો લીધી અને ‘છેલ્લા સાક્ષીઓ’ ગ્રંથ લખ્યો. સ્વેતલાના કહે છે કે “I always aim to understand how much humanity is contained in each human being, and how I can protect this humanity in a person.”

વધુમાં કહે છે : I chose a genre where human voices speak for themselves. Real people speak in my books about the main events of the age such as the war, the Chernobyl disaster, and the downfall of a great empire. Together they record verbally the history of the country, their common history, while each person puts into words the story of his/her own life.

ગ્રંથ બહુ મોટો નથી પરંતુ એનો સંદેશ બહુ મોટો છે. ૨૦૧૫નું નોબેલ પારિતોષિક સ્વીકારતી વેળાએ આપેલું તેમનું પ્રવચન પણ વિચારતાં કરી મુકે એવું છે. આ પુસ્તક વાંચતી વેળાએ ઉદાસ થઇ જવાયું. થયું કે આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવો જોઈએ જેથી આ યુધ્ધના ભયાનક અનુભવો ગુજરાતી વાચકો સુધી પહોચે. આપણે ત્યાં આવા પુસ્તકો લખતા નથી કેમ કે આપણે સદભાગી છીએ કે બહુ નજીકથી યુધના દુષ્પ્રભાવને વેઠવાનો વારો આવ્યો નથી. આશા રાખીએ કે આવે પણ નહિ. આ અનુવાદ Richard Pevear and Larissa Volokhonsky,ના અંગ્રેજી અનુવાદ પરથી કર્યો છે.

લેખિકાએ એક નવા સ્વરૂપની શોધ કરી. સ્વેતલાના ઇચ્છતાં હતા કોઈ એવું સ્વરૂપ જે જીવનને તેમની આંખોએ જોયું, સાંભળ્યું, અનુભવ્યું તે પ્રગટ કરી આપે. એ અર્થમાં આ આ બીજાં વિશ્વયુદ્ધનો મૌખિક ઈતિહાસ છે. આ પુસ્તક વર્તમાન અને આવનારી પેઢીઓને યુદ્ધની ભયાનકતા સમજાવશે. સ્વેતલાનાએ અનેક લોકોની મુલાકાત લઇ બીજા વિશ્વયુધ્ધમાં તેમણે બાળપણમાં જે યાતનાઓ વેઠી છે તે અહી નોધી છે. સ્વેતલાના કહે છે કે I don’t just record a dry history of events and facts, I’m writing a history of human feelings. એને પ્રજાનું રંજન કરે એવો ગ્રંથ નથી લખવો. એ તો શાશ્વત મનુષ્ય અને માનવતાની શોધમાં છે. એને મનુષ્યની કાલ્પનિક નહિ પરંતુ વાસ્તવિક વેદના-સંવેદના આલેખવામાં રસ છે. જો કે વીસેક વર્ષના અથાક પુરુષાર્થ પછી તેને લાગે છે કે art has failed to understand many things about people. કળા મનુષ્યને સમજવામાં નિષ્ફળ ગઈ છે. બીજાં વિશ્વયુદ્ધથી સાંપ્રત સમય સુધીની વાત એ પોતાના નોબેલ પ્રાઈઝ સ્વીકારતી વખતે કરેલા ભાષણમાં કરે છે. સ્વેતલાના હવે કોઈ એક દેશની વ્યક્તિ રહ્યાં નથી. ખરા અર્થમાં તેઓ વ્યક્તિ મટી વિશ્વમાનવી બની ગયાં છે.

આશા છે કે આ અનુવાદ સૌને ગમશે. આદરણીય હસુ યાજ્ઞિકસાહેબે સમય ફાળવીને પ્રેમપૂર્વક પ્રસ્તાવના લખી આપી. બાબુભાઈ આવા પુસ્તકોનું પ્રકાશન કરવાનું સાહસ કરી શકે છે. એમ.એસ યુનિવર્સિટીના રશિયન વિભાગના મિત્ર ડો.કૌશલ કિશોરે મૂળ રશિયન વાંચીને અનુવાદમાં કેટલાક સુધારા સૂચવ્યા, કેટલાક નામોના ઉચ્ચાર સુધાર્યા અને આખો અનુવાદ જોઈ ગયા.

લેખકની વાત.....

૨૨ જુન, ૧૯૪૧ની સવારે બ્રેસ્તની કોઈ એક શેરીમાં એક નાનકડી છોકરી તેની છુટ્ટી ચોટલી અને ઢીંગલી સાથે મરેલી પડી હતી.

આ છોકરીને ઘણા લોકો યાદ કરે છે. તેઓ એને કાયમ યાદ કરશે.

આપણને વધુ શું વહાલું છે, આપણા બાળકો ?

કોઈ પણ દેશને વધુ શું વહાલું છે ?

કોઈ પણ માતાને ?

કોઈ પણ પિતાને ?

પરંતુ યુધ્ધમાં કેટલાં બાળકો મૃત્યુ પામ્યા તે કોણ ગણે છે ? તે બે વખત મારી નાખે છે. તે(યુદ્ધ) એમને મારે છે જે જન્મ્યા છે, અને એમને મારે છે જે જન્મી શક્યા હોત; એમણે આ જગતમાં આવવું જોઈતું હતું. બેલારશિયનના કવિ અનાતોલી વર્તિન્સ્કી દ્વારા આયોજિત શોકસભામાં બાળકોના વૃંદગાનમાં, જ્યાં મૃત સૈનિકો સુતા હતા તે સમગ્ર ક્ષેત્રમાં, નહિ જન્મેલાં બાળકોની ચીસો અને રુદન દરેક કબર પર સંભળાયા.

જે બાળક યુદ્ધની વિભીષિકામાંથી પસાર થાય પછી પણ બાળક જ રહે છે ? એમનું બાળપણ એમને કોણ પાછું આપશે ? એક વાર દોસ્તોયેવ્સ્કીએ એકલા બાળકની પીડાના સંદર્ભમાં વ્યાપક સુખની સમસ્યાને મૂકી હતી.

તેમ છતાં વર્ષ ૧૯૪૧થી ૧૯૪૫ના વર્ષો દરમ્યાન આવા હજારો હતા.

તેઓ શું યાદ રાખશે ? તેઓ પુનઃ શું કહી શકશે ? તેઓએ પુનઃ કહેવું જ જોઈએ કારણ કે આજે પણ કેટલાક સ્થળોએ બોમ્બ વિસ્ફોટ થાય છે, ગોળીઓ ફૂટે છે, મિસાઈલો ઘરોનો ભુક્કો કરીને ધૂળ કરી નાખે છે અને બાળકોની શય્યાઓ સળગે છે. કારણ કે આજે પણ કોઈક વ્યાપક યુદ્ધ ઈચ્છે છે. વૈશ્વિક હિરોશીમા, જેની આણવિક આગમાં બાળકો પાણીના ટીપાની જેમ વરાળ થઇ જશે, ફૂલોની જેમ ભયાનક રીતે કરમાઈ જશે.

આપણે પૂછી શકીએ કે પાંચ-દસ-બાર વર્ષના (બાળકો) યુધ્ધમાંથી પસાર થાય એમાં કઈ વિરતા છે ? બાળકો શું સમજશે, જોશે કે યાદ રાખશે ?

ઘણું બધું !

તેઓને તેમની માતા વિષે શું યાદ છે ? તેમના પિતા વિષે ? માત્ર તેમના મૃત્યુ: ‘ કોલસાના ટુકડા પર રહી ગયેલું માતાના કબ્જાનું બટન અને ચૂલામાં નાની ગરમ રોટલીના બે ટુકડા હતા’ (આન્યા તોચિત્સ્કાયા; પાંચ વર્ષ) આલ્સેસિયન કુતરા દ્વારા પિતાના ટુકડા કરતા હતા ત્યારે તેમણે બુમ પડી હતી ‘મારા દીકરાને દુર લઇ જાવ...મારા દીકરાને દુર લઇ જાવ જેથી તે આ જુએ નહિ’. (સાશા ખ્વાલેઈ...સાત વર્ષ).

વધુમાં તેઓ કહી શકે કે ભૂખ અને ભયને લીધે તેઓ કેવી રીતે મૃત્યુ પામ્યા, તેઓ કેવી રીતે આગળ દોડી ગયા, કેવી રીતે બીજા લોકોએ તેમને અપનાવ્યા, કેવી રીતે. હજી પણ તેમની માતાઓ વિષે પૂછવાનું અઘરું છે.

આજે તેઓ એ દુઃખદ દિવસોના સાક્ષીઓ છે. તેમના પછી બીજું કોઈ નથી.

પરંતુ તેઓ તેમની સ્મૃતિ કરતાં ચાલીસ વર્ષ મોટાં છે. અને જયારે મેં તેમને યાદ કરવા કહ્યું તે તેમના માટે સરળ નહોતું. તેમના માટે એ સ્મૃતિમાં પાછા જવું , તે બાળપણની ભૂમિમાં, અશક્ય લાગતું હતું. પરંતુ અદભૂત ઘટના ઘટી. કોઈ પાકટ થતાં વાળ વાળી સ્ત્રીમાં અચાનક સૈનિકને વીનવતી છોકરીને જોઈ શકે; ‘મારી માને ગુફામાં સંતાડશો નહિ, એ જાગશે પછી અમે ચાલ્યા જઈશું’ (કાત્યા શેપેલ્યેવીચ....ચાર વર્ષની)

આપણી સ્મૃતિ કરતાં આપણી બચાવની અક્ષમતા આશીર્વાદરૂપ છે. એના વિના આપણે શું હોત ? સ્મૃતિ વિનાનો માણસ દુષ્ટતા આચરવા સક્ષમ હોય છે, દુષ્ટતા સિવાય કશું નહિ.

‘તો પછી આ પુસ્તકનો નાયક કોણ છે ?’ એ પ્રશ્નના જવાબમાં હું કહીશ, બાળપણ; જેને બળવામાં આવ્યું, ભડાકે દેવાયું અને બોમ્બ, ગોળીઓ, ભૂખ, ભય અને પિતૃવિહિનતા વડે હણાયું. નોધ માટે: ૧૯૪૫માં બેલારૂસમાં બાલગૃહમાં ૨૬,૯૦૦ અનાથ બાળકો ઉછરતા હતા અને બીજો આંકડો, બીજા વિશ્વયુધ્ધમાં તેર મિલિયન બાળકો માર્યા ગયા હતા.

કોણ કહી શકશે કે તેમાંના કેટલા રશિયન હતા, કેટલા બેલારુસના હતાં, કેટલા પોલીશ હતાં કે ફ્રેંચ હતાં. બાળકો મૃત્યુ પામ્યા – - વિશ્વ નાગરિકો.

મારા બેલારુસના બાળકોને સમગ્ર દેશે બચાવ્યા અને ઉછેર્યા. બાળકોની વિશાલ પ્રાર્થનામાં હું તેમનો અવાજ સાંભળું છું.

તમારા તમાશેવીચ વોલ્ગાને કાંઠે ખ્વાલિન્સ્ક ના બાલગૃહમાં કેવા દિવસો હતા તે આજે સંભારે છે. મોટા થયેલા કોઈએ પ્રવાસ પછી તેમના વાળ વધ્યા ત્યાં સુધી ઊંચા અવાજે વાત કરી નહોતી. અને ઝેન્યા કર્પાશેવ, મિન્સ્કથી તાશ્કંદ લઇ જવામાં આવી, એ ઘરડી ઉઝબેક સ્ત્રીને ભૂલી નથી જે તેના માટે અને તેની માતા માટે સ્ટેશને ધાબળો લાવી હતી. મુક્ત થયેલા મિન્સ્કમાં પ્રથમ સોવિએટ સૈનિકે ચાર વર્ષની ગાલ્યા ઝબાવ્ચિક ને તેડી લીધી અને તેણે એને ‘ડેડી’ કહ્યો. નેલ્લા બેર્શોક યાદ કરે છે કે આપણા સૈનિકો, તેમના ગામમાં આવ્યા ત્યારે બાળકો કેવી રીતે તેમને જોઇને બુમો પાડતા હતાં કે ‘અમારા પિતા આવી રહ્યા છે...અમારા પિતા’.

બાળકો પૃથ્વી પરની સૌથી સુંદર વ્યક્તિઓ છે. આપણે મુશ્કેલ વીસમી સદીમાં કેવી રીતે તેમનું રક્ષણ કરી શકીએ ? આપણે કેવી રીતે તેમના જીવન અને આત્માને સાચવી શકીએ ? અને તેમના આપણી સાથેના અતીત અને ભવિષ્યનું રક્ષણ કરી શકીએ?

આપણે આપણા ગ્રહને કેવી રીતે જાળવી શકીએ જે તે નાનકડી છોકરીઓ તેમની પથારીમાં સુએ તે માટે છે નહિ કે છુટ્ટી ચોટલી સાથે રસ્તા પર મૃત પડેલા હોવા માટે. અને તેથી હવે બાળપણ કદી? પણ યુદ્ધ સમયનું બાળપણ ન કહેવાવું જોઈએ.

આ પુસ્તક મારા એવા નારીસહજ વિશ્વાસના નામે લખાયું છે.

*

‘તે આસપાસ જોતા ડરતો હતો’

(ઝેન્યા બિલ્કેવીચ. વય સાત વર્ષ. અત્યારે વર્કર. અત્યારે બ્રેસ્ટમાં રહે છે.)

‘તે આસપાસ જોતા ડરતો હતો’

(ઝેન્યા બિલ્કેવીચ. વય સાત વર્ષ. અત્યારે વર્કર. અત્યારે બ્રેસ્ટમાં રહે છે.)

મમ્મી અને ડેડીને એમ હતું કે અમે ઊંઘી ગયા છીએ, પરંતુ હું મારી નાની બેનની બાજુમાં સુતી હતી. અને ઊંઘવાનો ડોળ કરતી હતી. મેં જોયું ડેડી મમ્મીને લાંબા સમયથી ચૂમી રહ્યા હતા, એના ચહેરાને, હાથને ચૂમતા હતા, અને મને આશ્ચર્ય થતું હતું કારણ કે આ રીતે આ પહેલા તેમણે કદી એને આ રીતે ચૂમી નહોતી. તેઓ બંને બહાર આંગણામાં ગયા, હું બારી પાસે દોડી ગઈ: મમ્મી પપ્પાની ડોકે વળગી પડી હતી અને તેમને જવા દેવા માગતી નહોતી. તેમણે એને પોતાનાથી દુર કરી અને દોડવા લાગ્યા, એણે તેમને પકડી પાડ્યા અને ફરીથી તેમને જવા નહોતી દેતી અને એ કૈક બુમો પાડતી હતી. પછી મેં પણ બુમ પાડવાનું શરુ કર્યું: ‘ડેડી !’. મારી નાની બહેન અને ભાઈ, વાસ્યા, જાગી ગયાં; મારી નાની બહેને જોયું કે હું રડું છું એટલે એને પણ બુમો પાડવા માંડી ‘ડેડી !’. અમે બહાર દોડી ગયાં, અમે બધાં, ઓસરીમાં: ‘ડેડી !”. અમારા પિતાએ અમને જોયા અને મને હજી યાદ છે કે બે હાથથી તેમણે મોઢું ઢાંકી દીધું અને જતા રહ્યા, એ દોડ્યા. તે આસપાસ જોવાથી ડરતા હતા...

સૂર્ય મારા મો પર એટલો ઉષ્ણતાથી પ્રકાશતો હતો કે હું હજી પણ એમ માની શકતી નથી કે તે સવારે મારા પિતા યુધ્ધમાં ગયા હતા. હું ઘણી નાની હતી, પરંતુ હું માનું છું કે હું જાણતી હતી કે તેમને છેલ્લીવાર જોઈ રહી છું. તો એ સૂત્ર મારી સ્મૃતિમાં હતું કે જયારે યુદ્ધ હોય છે ત્યારે તમારાં પિતા નથી હોતા.

અને પછી મને યાદ આવે છે કે કેવી રીતે હાથ ફેલાવીને મારી મા હાઇવે પાસે પડી હતી. સૈનિકોએ તેને વોટરપ્રૂફ વસ્ત્રમાં વીટાળીને ત્યાં જ દફનાવી હતી. ‘અમે બુમો પાડીને તેને ન દફનાવવા કહ્યું હતું.....

*

“...અને હું તેને ઉભા થઇ જવા કહેતી હતી..”

(તમારા ફ્રલોવા. વય ત્રણ વર્ષ. અત્યારે એન્જીનીયર. કુઈબેશેવમાં રહે છે.)

“...અને હું તેને ઉભા થઇ જવા કહેતી હતી..”

(તમારા ફ્રલોવા. વય ત્રણ વર્ષ. અત્યારે એન્જીનીયર. કુઈબેશેવમાં રહે છે.)

.....તેઓ કહે છે કે આપણા સૈનિકોને હું મારી મૃત માતા પાસેથી મળી. હું રડતી હતી અને મારી માને ઉભી થવા કહેતી હતી. આ મિન્સ્કના પરાનું કોઈ રેલ્વે સ્ટેશન હતું. સૈનિકોએ મને પૂર્વમાં જતી ટ્રેઈનમાં બેસાડી, યુદ્ધથી વધુ દુર લઇ જવા માટે. તો, હું બીજા લોકો સાથે ખ્વાલીન્સ્ક શહેરમાં ઉતરી. ત્યાં, પતિ-પત્ની, ચેર્કાસોવ્સે મને દત્તક લીધી.; તેઓ મારા માતા-પિતા બન્યા. મારા પોતાનાં માતા-પિતા કોણ છે તે હું જણાતી નથી. મારી પાસે ફોટા નથી કે નથી કોઈ યાદગીરી: મમ્મી કેવી હતી, ડેડી કેવા હતા તે મને યાદ નથી. હું બહુ નાની હતી.....

હું એવી લાગણી સાથે જીવું છું કે યુધ્ધે મને જન્મ આપ્યો છે કારણ કે છેક બાળપણથી મને માત્ર યુદ્ધ યાદ છે...

‘જો અમારા નાનકડા છોકરાઓમાંથી માત્ર એક બચ્યો હોત...’

(સાશા કાવૃસ. વય દસ વર્ષ. વિજ્ઞાનના વિદ્યાર્થી. (દર્શનશાસ્ત્ર) મિન્સ્કમાં રહે છે.)

‘જો અમારા નાનકડા છોકરાઓમાંથી માત્ર એક બચ્યો હોત...’

(સાશા કાવૃસ. વય દસ વર્ષ. વિજ્ઞાનના વિદ્યાર્થી. (દર્શનશાસ્ત્ર) મિન્સ્કમાં રહે છે.)

હું શાળામાં ભણતો હતો. અમે રીસેસમાં બહાર નીકળ્યા અને હંમેશની જેમ રમવા લાગ્યા ત્યારે ફાસિસ્ટ વિમાનોએ અમારા ગામ પર બોંબ નાખવાનું શરુ કર્યું. અમને પહેલેથી જ સ્પેનમાં ચાલતા યુદ્ધ વિષે અને સ્પેનનાં બાળકોના ભવિષ્ય વિષે કહેવામાં આવ્યું હતું. હવે અમારા ઉપર બોંબ વરસતા હતા. મ્યાદેલ વિસ્તારના બ્રુસી ગામ પર તૂટી પડનારી ટુકડી ss હતી.એમણે ગોળીબાર શરુ કર્યો, બધી બિલાડીઓ અને કુતરાઓને મારી નાખ્યાં અને પછી પૂછવાનું શરુ કર્યું કે આંદોલનકારીઓ ક્યાં રહે છે. અમારા ઘરમાં ગ્રામ સમિતિ હતી, યુદ્ધ ચાલ્યું ત્યાં સુધી, પરંતુ કોઈ ગ્રામવાસીએ મારા પિતાનું નામ ન આપ્યું.

મને એ પ્રસંગ યાદ છે જયારે તેઓ મરઘાં પાછળ પડ્યા હતા. સૈનિકોએ તેમને પકડ્યા, ગોળ ફેરવ્યા, ડોક મરડી નાખી, જમીન પર નાખી દીધા. મને લાગ્યું કે અમારાં મરઘાં માનવસ્વરમાં ચીસો પડતા હતાં, કુતરા અને બિલાડાઓ પણ જયારે તેમને ગોળી મારવામાં આવી. આ મને ઘણું દારુણ લાગ્યું હતું, મેં હજી મૃત્યુ જોયું નહોતું.

એ લોકોએ ૧૯૪૩માં અમારા ગામ પર બોંબ નાખવાનું શરુ કર્યું; અમે તે દિવસે બટેટા ખોદી કાઢતાં હતાં. અમારા પડોસી, વસીલી, જે પહેલું વિશ્વયુદ્ધ લડ્યા હતા અને જર્મન જાણતા હતા, કહે ‘હું જર્મનોને કહેવા જાઉં છું કે આપણા ગામને બાળે નહિ’. તેઓ ત્યાં ગયા અને તેમને પણ એ લોકોએ સળગાવી દીધા.

અમે ક્યાં જઈ શકતા હતાં ? પિતા અમને કઝ્યાન્સ્કી જંગલમાં વસતા વિદ્રોહીઓ પાસે લઇ ગયા.ત્યાં ગયા તો બીજા જે ગામ બળી નાખવામાં આવ્યા હતા તે ગામના લોકો પણ મળ્યા. તેઓએ કહ્યું કે જર્મનો આગળ છે અને આપણી તરફ આવી રહ્યા છે. અમે કોઈ એક પોલાણમાં ચડી ગયા: હું, મારો ભાઈ વાલોદયા (વ્લાદિમીરનું ટૂંકું લાડ્વાચક નામ), મમ્મી સાથે નાનકડી લ્યુબા, અને મારા પિતા. પિતાએ હાથબોંબ હાથમાં લીધો અને અમે નક્કી કર્યું કે જો જર્મનો આપણને જોઈ જશે, તો આપણે પીન ખેંચી લઈશું. અમે એકબીજાની આખરી વિદાય લઇ લીધી હતી.મેં અને મારા ભાઈએ અમારા પટ્ટા કાઢ્યા, અમને લટકાવવા માટે ગાળિયો બનાવ્યો અને એને અમારા ગળા ફરતે મુક્યો. મમ્મીએ અમને બધાંને ચૂમ્યાં. મેં એને મારા પિતાને કહેતી સાંભળી કે ‘કાશ આપણા નાના દીકરાઓમાંથી કોઈ એક બચી જાય’. ત્યારે પિતાએ કહ્યું કે ‘તેમને ભાગવા દો...તેઓ યુવાન છે અને કદાચ બચી જાય’ પરંતુ મને મારીમાની બહુ દયા આવી એટલે હું ન ગયો.

અમે કુતરા ભસતા સાંભળ્યા. અમે આદેશ આપતાં વિદેશી શબ્દો સાંભળ્યા, અમે ગોળીબારનો અવાજ સાંભળ્યો....અમારું જંગલ—પવનથી પડી ગયેલા વૃક્ષોની કૃપાથી, નમી ગયેલા ફરના વૃક્ષોને કારણે દસ મીટરથી આગળ કશું દેખાતું નહોતું. આ બધું ખુબ પાસે હતું પરંતુ ત્યાં જ અમે અવાજોને દુર અને વધુ દુર જતા સાંભળ્યા. જયારે આ બધું શાંત પડ્યું ત્યારે મમ્મી ઉભી થઇ શકતી નહોતી.

સાંજે અમે વિદ્રોહીઓને મળ્યાં, તેઓ પિતાને જાણતા હતા. અમે ઘણું ચાલ્યાં હતાં, ભૂખ પણ લાગી હતી. અમે ચાલતાં હતા ત્યારે એક વિદ્રોહીએ મને પૂછ્યું ‘પાઈન નીચે તને શું મળશે તો ગમશે: મીઠાઈ, બિસ્કીટ કે બ્રેડનો નાનો ટુકડો ?’ મેં ઉત્તર આપ્યો: ‘ મુઠ્ઠી ભરીને કારતૂસ’. વિદ્રોહીએ તે પછીથી લાંબો સમય યાદ રાખ્યું.

મને યાદ છે યુદ્ધ પછી અમારાં ગામમાં એક જ એબીસી રીડર હતી અને મને જે પહેલું પુસ્તક મળ્યું અને વાંચ્યું તે અંકગણિતના દાખલાનું હતું.

‘સફેદ પહેરણ અંધારામાં દુરથી ચમકે છે..’

(યેફીમ ફ્રીદ્લેન્દ. વય નવ વર્ષ. હાલમાં સિલિકોન પ્રોડકશનના ઔદ્યોગિક કોમ્લેક્ષમાં ડેપ્યુટી ડાયરેક્ટર છે. મિન્સ્કમાં રહે છે.)

‘સફેદ પહેરણ અંધારામાં દુરથી ચમકે છે..’

(યેફીમ ફ્રીદ્લેન્દ. વય નવ વર્ષ. હાલમાં સિલિકોન પ્રોડકશનના ઔદ્યોગિક કોમ્લેક્ષમાં ડેપ્યુટી ડાયરેક્ટર છે. મિન્સ્કમાં રહે છે.)

મારા બાળપણ વિષે મને યાદ નથી. યુદ્ધ શરુ થયું અને બાળસહજ મજાઓ પૂરી થઇ ગઈ. યુદ્ધ વિષે જે કઈ યાદ છે તે બાળપણની સ્મૃતિ નથી, મને લાગતું હતું કે હું મોટો થઇ ગયો છું, હું મોટાઓની જેમ ડરતો હતો તેઓ કદાચ મને મારી નાખશે. હું સમજતો હતો કે મૃત્યુ એટલે શું, મોટાઓ જેવા કામ કરતો, મોટાઓની જેમ વિચારતો અને એ પરિસ્થિતિમાં અમારી સાથે કોઈ બાળક જેવો વ્યવહાર કરતું નહોતું.

તે યુદ્ધ પહેલાં શું બન્યું તે ભુલાઈ ગયું છે. મને યાદ છે કે યુદ્ધ પહેલા મને અમારાં ફ્લેટમાં એકલા હોવાનો ડર લાગતો, પરંતુ પછીથી એ ડર જતો રહ્યો. હવે હું માના ચુલા પાછળ બેઠેલા ગૃહ્દેવતાને માનતો નહોતો, અને તે પણ એમને યાદ કરતી નહોતી. ગાડામાં ખોતિમ્સ્ક છોડતી વખતે માં ટોપલીમાં સફરજન લાવી હતી અને મારી અને મારી બહેન પાસે મુક્યા હતા અને અમે ખાતા હતાં. બોબીંગ શરુ થયું, મારી બહેનના હાથમાં બે સુંદર સફરજન હતાં, અમે એના માટે લડવા લાગ્યાં. તેણે એકેય આપ્યું નહિ. માએ બુમ પાડી:’જાવ, ક્યાંક સંતાઈ જાવ’, પરંતુ અમે સફરજન વહેચ્યા. અમે ત્યાં સુધી લડતાં રહ્યા જયારે મેં મારી બહેનને કહ્યું, ‘ મને માત્ર એક સફરજન આપ અથવા એ લોકો આપણને મારી નાખશે અને હું એ ચાખી નહિ શકું’. એણે એક આપ્યું, સૌથી સુંદર. એ સમયે જ બોમ્બિંગ અટકી ગયું. મેં નક્કી કર્યું કે ભાગ્યશાળી સફરજન હું નહિ ખાઉં.

જયારે અમે મૃતકોને જોયા ત્યારે અમે ડરી ગયાં. આ સાચો ડર હતો. એ ભયાનક અને દુર્બોધ હતો, કારણ કે પહેલા હું માનતો હતો કે માત્ર ઘરડા માણસો જ મરે છે, અને બાળકો ઘરડા થાય ત્યાં સુધી મરતા નથી. આ મારા મનમાં કોણે નાખ્યું, મને આ વિચાર ક્યાંથી મળ્યો ? મને યાદ છે કે યુદ્ધ પહેલા અમારા પડોસમાં મારા મિત્રના દાદા મૃત્યુ પામ્યા હતા, પરંતુ યુદ્ધ પહેલાના બીજા કોઈ મૃત્યુ યાદ નથી. જયારે મૃત લોકો રસ્તા પર પડ્યા હતાં, હું ડરી ગયો હતો, પરંતુ કોઈવાર માતાના ખભા પરથી ઉંચો થઈને જોઈ લેતો હતો કે ત્યાં કોણ પડ્યું છે. જયારે મેં મૃત બાળકોને જોયા ત્યારે હું ડરી ગયો હતો, મારો ડર એક સાથે બાળક અને પુખ્ત બંને માટે એક સાથે હતો. એક તરફ પુખ્તની જેમ સમજતો હતો કે તેઓ મને મારી નાખી શકે, પરંતુ બીજી તરફ, બાળકની જેમ, હું ભયભીત અને દુખી હતો: એ કેવું કે તેઓ મારી હત્યા કરી શકે ? પછી હું ક્યાં હોઈશ ?

અમે ગાડામાં મુસાફરી કરી, અને અમારી આગળ પશુઓનું ધણ હતું. પિતા પાસેથી – યુદ્ધ શરુ થયું ત્યાં સુધી તેઓ ખોતિમ્સ્કમાં પશુ પ્રબંધનના નિયામક હતા – અમે જાણતા હતા કે આ સામાન્ય ગાયો નથી પરંતુ સારી ઓલાદની હતી જે વિદેશથી ખુબ બધા પૈસા આપીને ખરીદાઈ હતી. મને યાદ છે મારા પિતા ‘ખુબ બધા પૈસા’ એટલે શું તે સમજાવી શક્યા નહોતા, પછી તેમણે દાખલો આપ્યો હતો કે દરેક ગાય એક ટેંક જેટલી કિમતી છે. ટેંક જેટલી કિમતી એટલે કે ખુબ મોટી. લોકો દરેક ગાયની કાળજી લેતા હતાં.

પશુધનના નિષ્ણાત પરિવારમાં હું જન્મ્યો હતો તેથી હું પશુઓને ચાહું છું. પછીના બોમ્બમારા પછી અમે ગાડા વિના નીકળ્યા, તેથી હું ધણની આગળ ચાલ્યો, વાસકા બળદને મારી સાથે બાંધીને. એના નાકમાં કડી હતી અને કડીમાં દોરડું હતું, દોરડાના છેડાને મારી સાથે બાંધી દીધો. ગાયો લાંબા સમય સુધી બોંબમારાથી ટેવાઈ નહોતી, તે સુસ્ત હતી, લાંબી ઝુલથી ટેવાયેલી નહોતી, તેમની ખરીઓ મરડાઈ જતી હતી. તે બધી ભયંકર રીતે થાકી ગઈ હતી. ગોળીબાર પછી તેમને એકઠી રાખવાનું અઘરું હતું. પરંતુ જો બળદ આગળ ચાલે તો બીજાં બધાં તેની પાછળ ચાલતાં હતાં અને બળદ માત્ર મારું જ માનતો હતો.

રાત્રે મારી માએ ક્યાંક મારું સફેદ શર્ટ ધોયું અને પરોઢે સિનિયર લેફટેનન્ટ તુર્ચિન, જે ગાડાઓની હારનું નેતૃત્વ કરતો હતો તેણે બુમ પાડી, ‘ઉભા થઇ જાવ’. મેં શર્ટ પહેર્યું બળદનો કબજો લીધો અને અમે આગળ વધ્યા. હા, મને યાદ છે કે બધો વખત મેં મારું સફેદ શર્ટ જ પહેર્યું હતું. અંધારામાં એ દુર સુધી ચમકતું, સૌ કોઈ મને જોઈ શકતા. હું બળદના આગળના પગ પાસે સુઈ ગયો. એ ઘણું હુંફાળું હતું. વાસકા કદી પહેલા ઉભો ના થતો, હું ઉભો થાઉં ત્યાં સુધી વાટ જોતો. તે સમજતો હતો કે એની નજીક એક બાળક છે અને તે બાળકની પીડાનું કારણ બની શકે. હું તેની સાથે સુતો, કશી ચિંતા વગર.

અમે પગપાળા તોલા ગયા. ત્યાં થોડા લોકો જ રહ્યા હતાં, ગાયોના આંચળ સોજી ગયા હતા. એક ગાય, એ પીડામાં હતી, મારી પાસે આવી ઉભી રહી, મારી સામે જોયું. મારો હાથ જકડાયેલો હતો: એક દિવસમાં અમે પંદર-વીસ ગાયો દોહતા હતા, મને હજી યાદ છે કે એક ભાંગેલા પગવાળી ગાય રસ્તા પર પડી હતી અને એના ભૂરા પડી ગયેલા આંચળમાંથી દૂધ ટપકતું હતું. એ લોકો સામે જોતી હતી અને જાણે રડતી હોય એવું લાગતું હતું. સૈનિકોએ આ જોયું અને મશીનગણ હાથમાં લઈ એના તરફ તાકી, મેં તેમને કહ્યું ‘ એક મિનીટ થોભો’.

હું પાસે ગયો અને એનું દૂધ જમીન પર કાઢ્યું. ગયે કૃતજ્ઞતાથી મારા ખભાને ચાટ્યો. ‘સારું’ હું ઉભો થયો. ‘હવે ગોળી મારો’ અને હું ભાગી છૂટ્યો જેથી મારે એ બધું જોવું ન પડે.

ટૂટૂમાં અમે જાણ્યું કે બધા જ જાતવાન પશુ અમે લાવતા હતા તે માંસની પ્રક્રિયાની ફેક્ટરી માટે હતાં: તેમને માટે બીજે ક્યાંય જવાની જગ્યા નહોતી. જર્મનો શહેરની નજીક આવી રહ્યા હતા. મેં મારું સફેદ શર્ટ પહેર્યું અને વાસકાને આવજો કહેવા ગયો. બળદે મારા મો પર ઊંડો નિસાસો નાખ્યો....

૧૯૪૫ના પ્રારંભમાં અમે હોક્ષ્ને પાછા ફરી રહ્યાં હતાં. અમે ઓર્શા પહોચવામાં હતાં અને હું તે વખતે બારી પાસે ઉભો હતો: મને લાગ્યું કે મમ્મી મારી પાછળ ઉભી છે. મેં બારી ખોલી. મમ્મીએ કહ્યું ‘તું આપણી ઘાસવાળી ભીની માટીની ગંધ ઓળખી શકે છે ?’ હું ભાગ્યે રડતો પરંતુ ત્યારે મેં મોટેથી રડવા માંડ્યું. નીકળતી વેળાએ મેં એવું પણ સપનું જોયું હતું કે ભીની જમીનનું ઘાસ કપાઈ ગયું છે, અને તેમણે તેને નાનકડા ઢગલાઓમાં એકઠું કર્યું છે, અને થોડું સુકાય પછી ત્યાં તેની કેવી ગંધ આવે છે. હું વિચારતો હતો કે અમારી ભીની જમીનના ઘાસની સુગંધ બીજે ક્યાંય મળે નહિ. વિજયદિવસે, અમારા પાડોશી કોલ્યાકાકા શેરીમાં દોડી આવ્યા અને હવામાં ગોળીબાર કરવા લાગ્યા. નાના બાળકો તેમને ઘેરી વળ્યા:’કોલ્યાકાકા અમને આપો’, ’કોલ્યાકાકા તે અમને આપો.’, ’કોલ્યાકાકા તે અમને આપો.’

તેમણે એ બધાને રાયફલ આપી. જીવનમાં પહેલીવાર મેં પણ રાયફલ ચલાવી.....

*

“અમે જમ્યા....બગીચો.....”

(આન્યા ગ્રોબિના. ૧૨ વર્ષ. હાલમાં કલાકાર. મિન્સ્કમાં રહે છે.)

“અમે જમ્યા....બગીચો.....”

(આન્યા ગ્રોબિના. ૧૨ વર્ષ. હાલમાં કલાકાર. મિન્સ્કમાં રહે છે.)

હું લેનિનગાર્ડની છોકરી છું. અમારા પિતા ઘેરાબંધી વખતે મૃત્યુ પામ્યા. મમ્મીએ અમને બાળકોને બચાવ્યા.યુદ્ધ ચાલ્યું ત્યાં સુધી તે અમારી માર્ગદર્શક જ્યોતિ હતી. ૧૯૪૧માં સ્લાવિક જનમ્યો. ઘેરાબંદી શરુ થઇ તે વખતે એ કેવડો હતો ? છ મહીંના...માત્ર છ મહીનાનો. તેણે આ બંને નાનકડા બાળકને અને મને ત્રણને બચાવ્યા. પરંતુ અમે પિતા ગુમાવ્યા. લેનિનગાર્ડમાં સૌના પિતા જલ્દી મૃત્યુ પામ્યા પરંતુ મમ્મીઓ રહી ગઈ. કદાચ તેમને મારવાની અનુમતિ નહોતી. અમને કોની પાસે રાખતા ? પરંતુ પિતાઓ અમારી માતાઓ સાથે મૂકી ગયા. લેનિનગાર્ડથી તેઓ અમને ઉરાલ પહાડીઓમાં લઇ ગયા, કાર્પિન્સ્ક શહેરમાં. તેઓ અમારી આખી શાળાને લઇ ગયા. કાર્પિન્સ્કમાં અમે તરત જ બગીચામાં દોડી ગયા. અમે બગીચામાં ચાલ્યાં નહિ, પરંતુ અમે તેને જમ્યા... અમને ખાસ કરીને પીંછા જેવી ડાળીઓવાળું દેવદાર ગમ્યું.. એ ઘણું સ્વાદિષ્ટ હતું. નાનકડા પાઈનના વૃક્ષ પરથી નાના કોર તોડ્યા અને ઘાસ વાગોળ્યું. ઘેરાબંદીના સમયથી બધાં ખાદ્ય ઘાસને હું જાણતી હતી: ત્યાં કાર્પિન્સ્કના બાગમાં ખાટી, દરિયાઈ માછલીના જેવી કહેવાતી કોબી હતી.

આ ૧૯૪૨નું વર્ષ હતું, ઉરાલમાં દુષ્કાળ હતો. બાળગૃહમાં અમે એકલા જ લેનિનગ્રાડથી હતા અને આ ઘણું મુશ્કેલ હતું, તેઓ અમને લાંબો સમય ખવડાવી શકે તેમ નહોતાં.

મને યાદ નથી કે બાલગૃહના બાળકોમાંથી પહેલા કોણે જર્મનોને જોયા. મેં જયારે પહેલો જર્મન જોયો મને તરત ખબર પડી કે એ કેદી હતો , તેઓ શહેરની બહાર કોલસાની ખાણમાં કામ કરતા હતા

આજ સુધી મને સમજાયું નથી કે તેઓ શા માટે અમારા બાળગૃહમાં આવ્યા, શા માટે લેનિનગ્રાડના ?

મેં જયારે તેને જોયો ત્યારે તેણે કંઈ કહ્યું નહિ. અમે હજી બપોરનું ખાણું પૂરું જ કર્યું હતું, અને મને હજી ભોજનની સુગંધ આવતી હતી. એ મારી પાસે ઉભો રહ્યો, હવા સુંઘી અને એનું જડબું અનાયાસ હલ્યું જાણે તે કશુંક ચાવતો હોય, તેથી તેણે તેના હાથથી પકડવા પ્રયત્ન કર્યો.. તેને રોકવા પ્રયાસ કર્યો, પરંતુ એ તો હાલ્યા જ કર્યું. હું ખરેખર ભૂખ્યા માણસને જોવા ઉભી ન રહી શકી. હું તેની સામે જોઈ શકતી નહોતી. અમારા માટે, અમારા બધા માટે આ બીમારી જેવું હતું. હું દોડી ગઈ અને છોકરીઓને બોલાવી, કોઈ પાસે બ્રેડનો ટુકડો બચ્યો હતો, તો અમે એ બ્રેડનો ટુકડો તેને આપ્યો.

તેણે કંઈ કહ્યું નહિ, તેણે માત્ર અમારો અભાર માન્યો, ‘આભાર.આભાર’ (‘Danke schon. Danke schon.’) તેઓ જયારે આવ્યા ત્યારે અમે જાણતા હતા, તેમનામાંના એક-બેને. અમે અમારી પાસે જે કંઈ હતું તે લઈને બહાર દોડી ગયાં. હું જયારે રસોડાની સેવામાં હતી, તે દિવસની મારી બધી જ બ્રેડના ટુકડા મેં મૂકી દીધા અને સાંજે મેં સોસ બનાવવાનું વાસણ ધોઈ નાખ્યું. બધી જ છોકરીઓએ તેમના માટે કૈક મુક્યું, પરંતુ મને યાદ નથી કે છોકરાઓએ એમના માટે કાઈ મુક્યું હોય. અમારા નાના છોકરાઓ સતત ભૂખ્યા થતા, તેમના માટે ખાવાનું ક્યારેય પુરતું નહોતું. શિક્ષકોએ અમને રજા આપી કારણ કે છોકરીઓ પણ ભૂખને કારણે ચક્કર ખાઈને પડતી હતી, પરંતુ અમે બધાએ એક સરખી રીતે એ કેદીઓ માટે ખાવાનું બચાવ્યું.

૧૯૪૩માં તેઓ કદી અમારી પાસે આવ્યા નહિ, ૧૯૪૩માં પરિસ્થિતિ સરળ બનતી જતી હતી. આ સમય સુધીમાં ઉરાલ્સમાં બહુ દુષ્કાળ નહોતો. બાળગૃહમાં તેઓ અમને સારી બ્રેડ અને ખાસ્સી બધી રાબ આપતાં હતા. પરંતુ આજે પણ હું ભૂખી વ્યક્તિને જોઈ શકતી નથી. થોડા સમય પહેલાં ટીવી પ્રોગ્રામ ‘ટાઈમ’માં તેઓએ પેલેસ્ટાઈનના ભૂખ્યા નિરાશ્રીતોને બતાવ્યા.....તેઓ હાથમાં ધાતુના વાડકા લઈને,ભૂખ્યા, લાઈનમાં ઉભા હતાં. હું બીજા રૂમમાં દોડી ગઈ, હું પાગલ થઇ ગઈ.

કાર્પિન્સ્કમાં પહેલે વર્ષે અમે કુદરતને માણી નહિ. બધું જ કુદરતી રીતે એક જ ઈચ્છા જગાડતું હતું – તે ચાખવા માટે: શું એ ખાદ્ય છે ? અને માત્ર એક વરસ પછી ઉરાલની ભૂમિના સૌન્દર્ય પર ધ્યાન ગયું. ત્યાં ઊંચું ઘાસ હતું અને નાના ચેરીના ફળવાળા વૃક્ષોથી ભરેલું જંગલ. ત્યાં તેમની પાસે કેવો સરસ સુર્યાસ્ત હતો ! મેં દોરવાનું શરુ કર્યું. ત્યાં રંગો નહોતા, મેં પેન્સિલથી દોર્યું. મેં પોસ્ટકાર્ડ દોર્યા, અમે તે અમારા પરિવારને લેનિનગાર્ડ મોકલ્યા. બધાં કરતાં નાના ચેરીના ફળવાળા વૃક્ષો, બર્ડચેરી, જેના પર થાકેલા પક્ષી વારંવાર આવે છે તે દોરવાનું બહુ ગમતું હતું. કાર્પિન્સ્ક બર્ડચેરીની સુગંધથી ભરેલું હતું. મને લાગે છે કે આજે પણ એની સુગંધ એવી જ આવતી હશે. કેટલાક વર્ષોથી ત્યાં જવાની વિચિત્ર ઈચ્છા થયા કરે છે. હું ખરેખર એ જોવા ઈચ્છું છું કે અમારું એ બાળગૃહ હજી ત્યાં છે કે કેમ—એ લાકડાનું મકાન હતું. તે હજી યથાવત છે ? ત્યાં હજી ટ્રામ પણ છે...

*

‘મમ્મીએ ફ્રેમ ધો-ઈ...’

(ફેદયા તૃત્કો. તેર વર્ષ. હાલ નોવા-બીરેઝોવ્સ્કી લાઈમ ફેકટરીમાં ટેકનીકલ કંટ્રોલ વિભાગમાં મેનેજર છે.)

‘મમ્મીએ ફ્રેમ ધો-ઈ...’

(ફેદયા તૃત્કો. તેર વર્ષ. હાલ નોવા-બીરેઝોવ્સ્કી લાઈમ ફેકટરીમાં ટેકનીકલ કંટ્રોલ વિભાગમાં મેનેજર છે.)

તે બ્રેસ્ટ ક્ષેત્રના મધ્યભાગના બેરેઝા વિસ્તારમાં રહે છે. યુદ્ધ પહેલા મા બહુ ગંભીર રીતે બિમાર થઇ ગઈ, અને બ્રેસ્ટ હોસ્પીટલમાં હતી. જર્મનોએ બિમારોને હોસ્પિટલની બહાર કાઢ્યા અને જે ચાલવા અશક્ત હતા તેમને મોટરમાં ક્યાંક લઇ ગયા. છેલ્લાઓમાં, લોકો એવું કહે છે કે, મારી માં પણ હતી. તેની નિયતિ જાણી શકી નથી. તેઓએ તેને ગોળી મારી પરંતુ ક્યાં? કેવી રીતે? ક્યારે ? મને એનું કોઈ પગેરું મળ્યું નથી.

યુદ્ધ શરુ થયું ત્યારે મારી બહેન, હું અને અમારા પિતા બેરેઝામાં ઘરે હતાં. મારો ભાઈ, વાલોદયા, બ્રેસ્ટ ટેકનીકલ કોલેજમાં ભણતો હતો. મારા બીજો ભાઈ, એલેક્ઝાડર, પીન્સ્કમાં નેવી કોલેજ પૂર્ણ કરી હતી, જે હવે મેરીટાઇમ કોલેજ છે, અને સ્ટીમર પર મોટર મિકેનિક તરીકે કામ કરતો હતો.

અમારા પિતા સ્તીપાન એલેકસીવીચ તૃત્કો બેરેઝા ડીસ્ટ્રીકટ એકજીક્યુટીવ કમિટીના ડેપ્યુટી ચેરમેન હતા. તેમને ડોક્યુમેન્ટ સાથે સ્મોલેન્સ્ક ખાલી કરવાનો આદેશ મળ્યો. તે ઘરે દોડી આવ્યા: ‘ફેદયા, તારી બહેનને લઇ દાદાના ફાર્મહાઉસ અગારોત્નીકી જતી રહે’. અમે દાદાને ઘરે સવારે પહોચ્યા, અને રાત્રી દરમ્યાન વાલોદયા બારી થપકાવતો રહ્યો. તેણે બ્રેસ્ટથી બે દિવસ અને બે રાત મુસાફરી કરી. ઓક્ટોબરમાં એલેક્જાન્ડર પણ ખેતરના ઘરે આવી આવી ગયો. તેણે અમને કહ્યું કે દ્નેપ્રોપીત્રોવ્સ્ક જતી સ્ટીમર બોમ્બથી ઉડાવી દેવામાં આવી છે. કેટલાક બચી ગયેલા પકડાઈ ગયા છે. જર્મનોએ તેમને હુમલા વખતે આગળ ધકેલ્યા. કેટલાક લોકો ભાગી છૂટ્યા, એલેક્જાન્ડર તેમાનો એક હતો.

અમે ત્રણે ખુશ હતા જયારે ક્રાંતિકારીઓ દાદા પાસે આવ્યા.

‘શાળામાં કેટલાં વર્ષ કર્યા છે ?” જયારે અમને તેમની પાસે લઇ ગયા ત્યારે કમાન્ડરે મને પૂછ્યું.

‘પાંચ વર્ષ..’

મેં તેમનો આદેશ સંભાળ્યો:’ તેમને ફેમીલી કેમ્પમાં મુકો.

સ્ત્રીઓ અને બાળકો ફેમિલી કેમ્પમાં રહેતાં હતાં પરંતુ હું તો યુવા નેતા (pioneer: member of the children’s organization in the USSR.) લશ્કરને સહાય કરનારા યુવા સિપાહી) બની ચુકી હતી. હું યુવા નેતા થઇ ગઈ હતી એ મારુ હુકમનું પાનું હતું. મેં લડાયક લશ્કરી ટુકડીમાં અરજી કરી. જયારે મેં ક્રાંતિકારીઓ પાસેથી સાંભળ્યું કે ‘અમે તમારાં જેવા માટે શાળા ખોલવાના છીએ’ ત્યારે મને લાગ્યું કે મારું ભાગ્ય નહોતું.

અમારી ચોતરફ યુદ્ધ હતું છતાં અમે અભ્યાસ કર્યો. અમારી શાળાનું નામ હતું ‘ગ્રીન સ્કુલ’. તેમાં પાટલીઓ નહોતી, વર્ગ નહોતા, પાઠ્યપુસ્તકનહોતાં; ત્યાં માત્ર વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા. ત્યાં એક એબીસી રીડર હતી, એક ઇતિહાસનું પાઠ્યપુસ્તક હતું અને એક પુસ્તક અંકગણિતના દાખલાઓનું હતું. અમારી પાસે કાગળ નહોતા, ચોક, શાહી, પેન્સિલ નહોતાં. અમે જમીન સાફ કરી ઉપર રેતી પાથરતાં અને એ જ અમારું શાળાનું બ્લેકબોર્ડ હતું. પહેલા ધોરણના વિદ્યાર્થીઓ એના પર પાતળી ડાળખીથી લખતા. ક્રાંતિકારીઓ જર્મન ચોપાનીયા, જુના ભીત પત્રો અને છાપાં લાવ્યા. એ બધું ઉપરના વર્ગ વાળાઓને આપવામાં આવ્યું. શાળા માટે ઘંટ પણ ક્યાંકથી મેળવવામાં આવ્યો. અમને એ સૌથી વધુ ગમ્યો. શું એ ખરેખર શાળા છે જ્યાં ઘંટ ન હોય ? ક્રાંતિકારીઓએ અમારા માટે લાલ દોરી બનાવી.

ફરજ પરના શિક્ષકે બુમ પાડી, જમીન સાફ થઇ ગઈ અને ત્યારે ફરીથી નાના બાળકોએ રેતીમાં શબ્દ લખવાનો પ્રયાસ કર્યો : ‘ ‘Mum – my wash-ed the fr-ame…..’

ડાળીઓ અને લાકડાના ટુકડાઓથી આંકડા ગણવા માટે મણકાની મોટી ઘોડી બનાવવામાં આવી. મૂળાક્ષરોના કેટલાક સેટ ઝાડ કાપીને બનાવવામાં આવ્યા. અમારે શારીરિક શિક્ષણના પાઠ પણ હતા. રમતનું મેદાન બીમ, રનીંગ ટ્રેક, વાંસ અને હાથગોળા ફેકવાનું વર્તુળથી સજ્જ હતું. હું બીજાં કરતાં હાથગોળાને વધુ દુર ફેકતી હતી. કદાચ મને સ્વયંસેવકોની ટુકડીમાં સમાવી નહિ તેની નારાજગી હતી તે કારણે.

મેં મારું છઠ્ઠું ધોરણ પૂરું કર્યું અને દ્રઢતાથી કહ્યું કે હું યુદ્ધ પછી જ સાતમાં ધોરણમાં જઈશ. મને રાઈફલ આપવામાં આવી. પછી મેં નાની અને હળવી બેલ્જિયન કાર્બાઈન બંદુક પર મારી જાતે જ કાબુ મેળવ્યો.

*

‘જયારે હું વર્ગમાં ગઈ, મમ્મી મને એમના હાથમાં ઊંચકીને લઇ ગયાં’

(નીના સ્તારાવોઈતોવા. મગિલ્યોવમાં રહે છે.)

‘જયારે હું વર્ગમાં ગઈ, મમ્મી મને એમના હાથમાં ઊંચકીને લઇ ગયાં’

(નીના સ્તારાવોઈતોવા. મગિલ્યોવમાં રહે છે.)

...મમ્મીએ અમને ચૂમ્યા અને બહાર ગઈ, અમે ચાર કેબીનમાં રહ્યાં: નાનકડાં—મારો નાનો ભાઈ, મારાં પિત્રાઈ ભાઈ-બહેન અને હું. હું સાત વર્ષની, સૌથી મોટી હતી. અમને પહેલીવાર એકલા મુકવામાં આવ્યાં નહોતાં, અને રડ્યા વિના શાંતિથી વર્તવાનું શીખ્યા હતાં. અમે જાણતાં હતાં કે મમ્મી સ્કાઉટ છે અને જવાબદારી સોપવામાં આવી હશે, અને અમારે એની રાહ જોવાની છે. થોડા સમય પહેલા જ મમ્મી અમને અમારા ગામથી દુર લઇ આવી હતી અને અમે અત્યારે કુટુંબ માટેના પાયોનીયરના કેમ્પમાં રહેતાં હતાં.

અમે બેઠાં હતાં અને સંભાળતાં હતાં: વૃક્ષોનો સરસરાટ, નજીકમાં જ સ્ત્રીઓ કપડા ધોતી હતી અને બાળકોને શિક્ષા કરતી હતી. અચાનક બુમો સંભળાઈ: ‘જર્મન...જર્મન !’ બધા એમની કેબિનમાંથી બહાર દોડી આવ્યાં, પોતાનાં બાળકોને બોલાવતાં જંગલમાં દુર દોડી ગયાં. પરંતુ અમે અમારી મેળે ક્યાં દોડી જઈએ ? પરંતુ જો મમ્મી જાણતી હોત કે જર્મનો અમારી છાવણીને ઘેરી રહ્યા છે અને અમારી તરફ ધસી રહ્યા છે તો શું થાત?

હું મોટી હતી એટલે મેં કહ્યું ‘બધાં શાંત રહો. અહી અંધારું છે અને જર્મનો આપણને શોધી શકશે નહિ.’

અમે સંતાયા. કોઈકે અંદર ડોકિયું કરી રશિયનમાં કહ્યું ‘ કોણ છે ત્યાં, બહાર આવી જાવ’.

અવાજ શાંત હતો અને અમે કેબિનમાંથી બહાર આવ્યા. મેં લીલા ગણવેશમાં ઊંચા માણસને જોયો.

‘તમારાં પિતા છે ?

‘હા, છે.’

‘ક્યાં છે એ?”

‘તે ઘણે દુર છે, સરહદ પર’ મેં કહ્યું.

મને યાદ છે જર્મન પણ હસી પડ્યો હતો.

‘અને તમારી માતા ક્યાં છે ?’

‘મમ્મી ક્રાંતિકારીઓ સાથે છે અને તે સ્કાઉટ છે’

બીજો જર્મન અમારી પાસે આવ્યો, એને કાળા કપડાં પહેર્યા હતા. તેઓ કૈક ચર્ચા કરતાં હતા અને જે કાળા ગણવેશમાં હતો તેણે હાથથી સૂચવ્યું કે અમારે ક્યાં જવાનું હતું. જે ભાગી શક્યા નહોતાં તે સ્ત્રીઓ અને બાળકો ત્યાં ઉભા હતાં. કાળા કપડાવાળા જર્મને અમારા તરફ મશીનગન તાકી, હું ડરી ગઈ, હું સમજી ગઈ કે તે શું કરવા જઈ રહ્યો છે. હું નાનકાઓને બોલાવવાનું અને તેમને ગળે લગાડવાનું પણ કરી શકી નહિ....

હું મારી માતાના રડવાનો અવાજ સંભાળીને જાગી. મને લાગ્યું કે હું ઊંઘતી હતી. હું મમ્મી પાસે ગઈ અને જોયું કે મમ્મી ખાડો ખોદતી હતી અને રડતી હતી. તેની પીઠ મારા તરફ હતી, પરંતુ એને બોલાવવાની મારામાં તાકાત નહોતી, મારામાં માત્ર એને જોવા પુરતી શક્તિ હતી. માં સીધી થઇ, શ્વાસ લેવા રોકી, મારા તરફ મો ફેરવીને ચીસ પડી ‘નીનચ્કા!’ તે મારા તરફ દોડી, મને એના હાથમાં લીધી. એને મને એક હાથથી પકડી અને બીજા હાથથી બીજાઓને સ્પર્શ કર્યો: તેમાંનો કોઈ એક જીવિત હોય તો શું ? ના, તે ઠંડા પડી ગયાં હતા.

જયારે તેઓએ સારવાર કરી, મમ્મીએ અને મેં મારા શરીર પર ગોળીના નવ ઘા ગણ્યા. હું ગણતાં શીખી: મારા એક ખભામાં બે ગોળીઓ હતી અને બીજામાં પણ બે ગોળી હતી. આ ચાર થઇ. મારા એક પગમાં બે ગોળી હતી અને બીજા પગમાં પણ બે જ ગોળી હતી. આ આઠ થઇ. અને મારા ગાળામાં એક ઘા હતો. એ મળીને નવ થઇ.

યુદ્ધ પછી જયારે હું પહેલા વર્ગમાં હતી ત્યારે મારી મમ્મી એના હાથમાં તેડીને મને ત્યાં લઇ જતી.

*

‘વહાલી, આ તું જીવનભર યાદ રાખજે’

(આન્યા કોર્ઝુન. બે વર્ષ. લાઈવ સ્ટોક સ્પેશીયાલીસ્ટ. વિતેબ્સ્કમાં રહે છે.)

‘વહાલી, આ તું જીવનભર યાદ રાખજે’

(આન્યા કોર્ઝુન. બે વર્ષ. લાઈવ સ્ટોક સ્પેશીયાલીસ્ટ. વિતેબ્સ્કમાં રહે છે.)

....મને યાદ છે ૯ મેં, પિસ્તાલીસ, સ્ત્રીઓ બાલવાડી તરફ દોડતી હતી: ‘બાળકો, વિજય’.

તે અમને ચૂમવા લાગી, અને તેમણે સ્પીકર ચાલુ કર્યું. બધાં સંભાળતા હતાં. અમેં બાળકો એક શબ્દ પણ સમજ્યા નહિ, પરંતુ અમને સમજાયું કે ખુશી ત્યાંથી આવી રહી છે, ત્યાં ઉપરથી, સ્પીકરની કાળી ડિસ્કમાંથી. વયસ્કોએ અમારાંમાંના એકને તેડી લીધું,...કોઈ પોતાની મેળે ચડી ગયું... અમે એકબીજા ઉપર ચડી ગયાં, માત્ર ત્રીજી કે ચોથી વ્યક્તિ કાળી ડિસ્ક સુધી પહોચી અને તેને ચૂમી લીધી. પછી અમે બદલાયા. દરેક વ્યક્તિ ‘વિજય’ શબ્દને ચૂમવા માગતી હતી.

પરામાં સાંજે સલામી અપાઈ. મમ્મીએ બારી ખોલી અને મોટેથી બોલી ‘વહાલી, આ તારે આખી જીંદગી યાદ રાખવું જોઈએ....’

પરંતુ હું ડરતી હતી કારણ કે આકાશ લાલ હતું. જયારે પિતા સરહદ પરથી પાછા આવ્યા હું તેમનાથી પણ ડરતી હતી. તેમને મને મીઠાઈ આપી અને કહ્યું’ ડેડી કહે....’ મેં મીઠાઈ લીધી અને ટેબલ નીચે સંતાઈ ગઈ:’ અંકલ.....’

*

‘એ કેટલું સારું છે કે લોકો વૃદ્ધ થવા જીવે છે’

(વાલ્યા બ્રીન્સ્કાયા. ૧૨ વર્ષ. અત્યારે એન્જીનીયર. ગોર્કીમાં રહે છે.)

‘એ કેટલું સારું છે કે લોકો વૃદ્ધ થવા જીવે છે’

(વાલ્યા બ્રીન્સ્કાયા. ૧૨ વર્ષ. અત્યારે એન્જીનીયર. ગોર્કીમાં રહે છે.)

જયારે ડેડી જીવતા હતા, જયારે મમ્મી જીવતી હતી અમે કદી યુદ્ધ વિષે પૂછ્યું નહોતું, અમે કદી યુદ્ધ વિષે વાત નહોતી કરી. હવે જયારે તેઓ અમારી આસપાસ નથી, હું ઘણીવાર વિચારું છું કે એ કેટલું સારું છે કે લોકો વૃદ્ધ થવા જીવે છે. જયારે તેઓ જીવતાં હતાં ત્યારે અમે હજી બાળક હતાં.....

અમારાં પિતા સૈનિક હતા. અમે બેલોસ્તોકના બાહ્ય વિસ્તારમાં રહેતાં હતાં. અમારા માટે યુદ્ધ પ્રથમ કવાયતથી જ શરુ થયું અથવા તો વધુ ચોકસાઈથી, પહેલી ક્ષણથી જ. મેં ઊંઘમાં કઈંક ગડગડાટ જેવો અવાજ સાંભળ્યો, જાણે તોફાન આવ્યું હોય, પરંતુ આ કઈક અસ્વાભાવિક હતું, કશુંક સતત હતું. હું જાગી ગઈ અને બારી તરફ દોડી---બેરેકસથી આગળ, નાના શહેર, ગ્રયેવા, જ્યાં મારી બહેન અને હું શાળાએ જતાં હતાં, આકાશ ભડકે બળતું હતું.

‘ડેડી, આ વાવાઝોડું છે ?’

પિતાએ કહ્યું’ બારી પાસેથી દુર ખસ, આ યુદ્ધ છે.’

માતાએ એમનો સમાન તૈયાર કરી દીધો હતો. એલાર્મ સિગ્નલ થતા અમે પિતાને જગાડ્યા. હું ફરી ઊંઘી જવા માગતી હતી. હું અને મારી બહેન મોડા સુતા. અમે સિનેમા જોવા ગયા હતાં. યુદ્ધ પહેલાનાં એ સમયમાં ‘સિનેમા જોવા જવું’ તે આજના જેવું નહોતું. ફિલ્મ રજાના દિવસ પહેલા જ બતાવવામાં આવતી હતી. અને તેમનામાના કેટલાક હતા: અમે ક્રન્સ્તાદ, ચપાયેવના છીએ, જો આવતી કાલે યુદ્ધ હોય, આનંદી વ્યક્તિઓ. રેડ આર્મી મેસમાં ફિલ્મ બતાવતા હતા. અમે બાળકો એક પણ શો છોડતાં નહોતાં અને અમને ફિલ્મો મોઢે હતી. અમે પરદા પરના કલાકારોના સંવાદ બોલતા અથવા તેમનું અનુમાન કરતાં.

ગામમાં વીજળી નહોતી, મિલેટરી યુનિટમાં પણ નહોતી. ફિલ્મો ફેરવી શકાય તેવા ડાયનેમો સેટથી દર્શાવતી. એના ચક્ર ફરવાનો અવાજ સાંભળી અમે બધું છોડીને પરદા પાસેની સીટમાં બેસવા દોડતા. ક્યારેક અમારી સાથે સ્ટુલ પણ લઇ જતાં.

ફિલ્મો ઘણું લાંબુ ચાલતી. એ સતત ચાલતો શો નહોતો. એક ભાગ પૂરો થાય, બીજી રીલ પ્રોજેક્ટર ચલાવનારો લગાવે ત્યાં સુધી બધા શાંતિથી રાહ જોતાં. ફિલ્મ નવી હોય ત્યારે સારું રહેતું, પરંતુ જો જૂની હોય તો સતત તૂટી જાય. પછી એને જોડવામાં સમય લાગે, સુકાતા વાર લાગે. પરંતુ જો રીલ સળગે તો તો બહુ જ ખરાબ., જો ડાયનેમો કામ કરતો બંધ થઇ જાય તો સંપૂર્ણ દુર્ઘટના. ઘણીવાર અમે અંત સુધી ફિલ્મ જોઈ શકતા નહિ. અમે આદેશ સંભાળતા:’ ફર્સ્ટ કંપની આઉટ, સેકંડ કંપની લાઈન અપ’

અમે જાણતા હતાં કે આમ થશે. જો એલાર્મના અવાજથી બધાં ઉભા થયા હોય તો એનો અર્થ એ કે પ્રોજેક્ટનિસ્ટ પણ ભાગી ગયો છે. બે ભાગ વચ્ચે નો અંતરાલ જો બહુ લાંબો હોય તો લોકોની ધીરજ ખૂટી જતી અને ઉશ્કેરાઈ જતા, તેઓ સીટી મારતા અને બુમો પાડતા. મારી બહેન ટેબલ પર ચડી જતી અને એને જાહેર કરતી કે ‘આપણે સંગીત શરુ કરીએ છીએ’. તેને ખરેખર ગાવાનું ગમતું હતું. તેને હંમેશાં બધી પંક્તિઓ બરાબર આવડતી ન હોય તો પણ ટેબલ પર ડર વિના ચડી જતી. બાળપણમાં અમે લેસ્તીચીન્ત્સીમાં ગોમેલ પાસે રહેતાં હતા ત્યારથી જ તે આવી હતી. કાવ્ય પાઠ કર્યા પછી અમે ગાયું; અમને ફરીથી એ ગાવા કહેવામાં આવ્યું, ‘અમારા કવચ મજબુત છે અને ટેંક ઝડપી’. ભોજનગૃહમાં કાચ ધ્રુજ્યા જયારે સૈનિકોએ ગીતની પંક્તિઓ ઝીલી: ‘જ્યોત સાથે પ્રચંડ, ફોલાદની ચમકથી ચમકીએ છીએ, ભયાનક લડાઈમાં મશીન જોડાશે.....’

આ રીતે એકવીસમી જુન, એક્તાલીસમાં અમે જોયું, કદાચ દસમી વખત, ફિલ્મ, જાણે કાલે યદ્ધ છે. સિનેમા પછી અમે લાંબો સમય છુટા ન પડ્યા, પછી પિતાએ અમને ઘેર મોકલ્યા:’તમે આજે ઊંઘવાના છો ? આવતીકાલે રજાનો દિવસ છે.’

‘.....હું છેવટે નજીક થયેલા ધડાકાના અવાજથી અને રસોડાની બારીના કાચ ફૂટવાના અવાજથી જાગી ગઈ. મમ્મી ઊંઘતા ભાઈને કામળો ઓઢાડતી હતી. મારી બહેને કપડા પહેરી લીધાં હતાં, અમારાં પિતા ઘરે નહોતા.તેમને કિલ્લા પર બોલાવી લેવામાં આવ્યા હતા.

‘છોકરીઓ’ મમ્મીએ કહ્યું, ‘ ઉતાવળ કરો, સરહદ પર ઉશ્કેરણી થઇ છે’.

અમે જંગલમાં દોડી ગયા. મમ્મી હાંફતી હતી, મારો ભાઈ એને તેડયો હતો, તે અમને આપતી નહોતી, અને સતત કહેતી હતી ‘છોકરીઓ, પાછળ ના રહી જશો, નીચે ઉતરો...’

કોઈ કારણે મને યાદ છે કે સૂર્ય બહુ તેજસ્વી રીતે મારી આંખમાં પ્રકાશતો હતો. તે સરસ દિવસ હતો. પક્ષીઓ ગાતાં હતાં અને વિમાનોનો અવાજ ચુભતો હતો.

હું ધ્રુજતી હતી, જો કે મને એની શરમ આવતી હતી કારણ કે અર્કાદી ગૈદરના પુસ્તકના હીરો તિમુર અને એની ટીમને હંમેશાં અનુસરવા માગતી હતી. અને અહી હું ધ્રુજતી હતી. મેં મારા નાના ભાઈને મારા હાથમાં લીધો, અને તેને નચાવવા લાગી અને ‘હું યુવા છોકરી છું’ ગાવા લાગી. આ ગીત ફિલ્મ ‘ગોલકીપર’માં હતું. મમ્મી ઘણીવાર એ ગાતી અને એ મારા ભૂતકાળના મિજાજને અને પરિસ્થિતિને ઘણું અનુરૂપ હતું. હું પ્રેમમાં હતી ! હું કિશોરોના વિજ્ઞાન અને તેમની માનસિકતાને જાણતી નહોતી, પરંતુ હું હંમેશાં પ્રેમમાં હતી. એ વખતે મને ઘણા છોકરા ગમતા હતા. પરંતુ આ ક્ષણે મને માત્ર એક જ ગમતો હતો--- ગ્રયેવ્સકી ગેરીસનનો વિત્યા (વિક્ટરનું લડવાચક નામ). એ છઠ્ઠા ધોરણમાં ભણતો હતો અને છઠ્ઠા ધોરણનો અને પાંચમા ધોરણનો રૂમ એક જ હતો. પાટલીની પહેલી હરોળ પાંચમા ધોરણની, બીજી હરોળ છઠ્ઠા ધોરણની. હું કલ્પના કરી શકતી નથી કે શિક્ષકો કેવી રીતે પાઠ ભણાવવાનું સંભાળતા હશે. પરંતુ મને ક્યાં પાઠની પડી હતી ! હું કેવી રીતે વિત્યાને જોવા પાછું વળીને જોયા વિના રહી શકું ?

મને એની બધી બાબતો ગમતી હતી, કે એ નાનો હતો ( સરસ રીતે મારી બરોબરનો ) અને એની ભૂરી, ભૂરી આંખો, (મારા ડેડી જેવી), તે હોશિયાર હતો, (અલ્કા પોદ્દુબ્ન્યક કરતા જુદો, એ દુખદ ફિલ્મ જેવો હતો અને મને પસંદ કરતો હતો) \. વિત્યાને જ્યુટેસ વેર્ને(ફ્રેંચ લેખક) બહુ ગમતો હતો. એને કારણે છેવટે હું એનાથી પ્રભાવિત થઇ. મને જ્યુત્સ વેરને બહુ ગમતો હતો. અન્ના ગ્રંથાલયમાં તેમનું સમગ્ર સર્જન હતું, અને હું હજી ત્રીજા ધોરણમાં હતી ત્યારે એ બધું વાંચી ગઈ હતી.

મને યાદ નથી કે કેટલો વખત અમે જંગલમાં બેઠા હોઈશું. અમે એક પણ ધડાકો સંભાળ્યો નહિ. ત્યાં શાંતિ હતી. સ્ત્રીઓએ નિરાંતનો શ્વાસ લીધો.: ‘આપણા લોકોએ એમણે ભગાડી દીધા છે’.ત્યારે ઉડતા વિમાનનો અવાજ સંભળાયો. અમે રસ્તા પર દોડી ગયા. વિમાનો અનાજના કોઠાર તરફ ઉડી રહ્યા હતા. ‘હુરરે...’.પરંતુ આ વિમાનોમાં, ‘અમારું ન હોય’ એવું કશુંક હતું, પાંખો અમારી નહોતી, અને એનો અવાજ અમારા વિમાન જેવો નહોતો. તે જર્મન બોમ્બર હતાં. તે ધીમે અને અસરકારક રીતે વ્યૂહરચના પ્રમાણે ઉડતા હતા. આવું એટલે લાગતું હતું કે આકાશમાંથી તેમનો પ્રકાશ આવતો નહોતો. અમે તેમને ગણવાનું શરુ કર્યું પરંતુ ખોટું પડ્યું. પછીથી યુદ્ધ સમયની સમાચાર પટ્ટીઓમાં મેં આ એરોપ્લેન્સ જોયા, પરંતુ અસર એવી નહોતી. તેમણે વિમાન હતાં તે સ્તરેથી ફિલ્મ લીધી હતી. પરંતુ જયારે તમે તેને નીચેથી, ગાઢ વૃક્ષો વચ્ચેથી, અને વીસીમાં રહેલાંની કિશોરની નજરે જુઓ છો ત્યારે - એ ભયંકર દ્રશ્ય હતું. વર્ષો પછી હું ઘણીવાર આ વિમાનોના સપના જોઉં છું, પરંતુ સપનાનું પરિણામ એ હતું કે – આખું લોખંડનું આકાશ ધીમેથી મારા પર પડ્યું અને મને કચડી નાખી, કચડી નાખી અને કચડી નાખી. હું ઠંડા પરસેવે રેબજેબ જાગી જતી હતી અને પછી ધ્રુજારી શરુ થતી.

કોઈકે કહ્યું કે તેમણે પુલ ઉડાવી દીધો છે. અમે ડરી ગયા: અને ડેડીનું શું ? ડેડી તરી શકતા નહોતા, એ આ તરફ તરીને આવી નહિ શક્યા હોય.

અત્યરે હું ચોક્કસ કહી શકું નહિ, પરંતુ મને યાદ છે, પિતાજી અમારી તરફ દોડતા આવી રહ્યા હતા: ‘ એ લોકો તમને ખટારામાં લઇ જશે’.તેમણે માને જાડુ ફોટોગ્રાફનું આલ્બમ અને ગરમ રજાઈ આપ્યા: ‘બાળકોને ઓઢાડી દે, તેમને ઠંડી લાગશે’. અમારી પાસે કોઈ દસ્તાવેજ, પાસપોર્ટ, પૈસા નહોતા. અમારી પાસે માત્ર કટલેટ બનાવવાની સોસપેન હતી, મમ્મી એ રજાના દિવસ માટે તૈયાર કરી હતી. અને મારા ભાઈના નાનકડા બુટ. અમને આ રીતે લઇ જવામાં આવ્યા.

અમે ઝડપથી સ્ટેશન પહોચ્યા, પરંતુ ત્યાં અમારે લાંબો સમય રાહ જોવી પડી. બધું ધ્રુજતું અને ખખડતું હતું. લાઈટ જતી રહી હતી. અમે કાગળ સળગાવી અજવાળું કરવાનું શરુ કર્યું. ત્યાં ફાનસ મળ્યું. તેના પ્રકાશથી બેઠેલા લોકોના મોટા પડછાયા દીવાલ અને છત પર પડતા હતા. ત્યારે જ મારી મુક્ત કલ્પના દોડવા લાગી: જર્મનો કિલ્લામાં, અમારા લોકો કેદમાં. મેં કૈક કરવાનું નક્કી કર્યું---હું પીડા સહન કરી શકીશ કે નહિ. મેં મારી આંગળીઓ પેટીઓ વચ્ચે મૂકી અને નીચે દબાવી. મેં પીડાથી ચીસ પડી. મમ્મી ડરી ગઈ.

‘શું થયું, વહાલી ?’

‘મને ડર છે કે હું પુછતાછ વખતે પીડા સહન નહિ કરી શકું.’

‘તું શાની વાત કરે છે, કઈ બાબત, શાની પુછતાછ ? આપણા લોકો જર્મનોને આવવા નહિ દે’’ તેણે મારું માથું પંપાળ્યું, ચૂમી લીધી.

સેનાની ટુકડી બોમ્બિંગ વેળાએ સતત દોડતી હતી. જેવું બોમ્બીંગ શરુ થયું કે તરત મમ્મી અમારા પર ઝુકી ગઈ; ‘જો તેઓ આપણને મારી નાખશે તો આપણે બધાં મરીશું, અથવા હું એકલી...’ મેં પ્રથમ મૃત વ્યક્તિ જોઈ તે નાનકડો છોકરો હતો. તે પડ્યો હતો અને ઉપર જોતો હતો, પરંતુ મેં તેને જગાડવાનો પ્રયાસ કર્યો. હું તે સમજી શકી નહિ કે એ જીવતો નહોતો. મારી પાસે સાકરનો નાનો ટુકડો હતો. મેં નાનો ટુકડો એને આપ્યો, જેથી એ ઉભો થઇ જાય. પરંતુ એ ઉભો ન થયો. હું અને મારી બહેન તેના માટે રડ્યા....

બોંબ પડતા હતા અને મારી બહેને ધીમેથી કહ્યું ‘જો એ લોકો બોંબ નાખવાનું બંધ કરશે તો હું મમ્મીની આજ્ઞા પાળીશ. હું હંમેશ કહ્યું કરીશ.’ અને સાચે જ, યુદ્ધ પછી તમારા ઘણી આજ્ઞાંકિત બની ગઈ હતી. યુદ્ધ પહેલા મમ્મી એને આતંક કહેતી હતી. અને અમારો નાનકડો તોલીક ..યુદ્ધ પહેલા તો તે ચાલતો થઇ ગયો હતો અને સારી રીતે બોલતો હતો. પરંતુ એણે વાત કરવાનું બંધ કરી દીધું, એ હંમેશાં માથું પકડી રાખતો. મેં જોયું મારી બહેન ઉત્સાહહીન થઇ ગઈ હતી. તેના લાંબા લાંબા કાળા વાળ હતા પણ તે સફેદ થવા માંડ્યા હતાં... થોડા દિવસમાં જ....એક રાતમાં જ......

ટ્રેઈન ચાલી. તમારા ક્યાં? તે ડબ્બામાં નહોતી. અમે નજર નાખી અને જોયું તમારા ભૂરા ફૂલોનો ગુલદસ્તો લઇ ડબ્બા પાછળ દોડતી હતી. ત્યાં અમારાથી ઊંચા ઘઉંનું મોટું ખેતર હતું. અને ઘઉં વચ્ચે ફૂલો હતાં. આજના દિવસે પણ હું તેને મારી સામે જોઈ શકું છું: તેણે ‘મમ્મી’ એમ બુમ પણ ન પાડી. તે મૌન દોડતી રહી.

મમ્મી તેની તરફ હતી. ચાલતી ટ્રેઈનમાંથી કુદવા ની તૈયારી કરતી હતી.મેં તોલીકને પકડ્યો હતો, અમે બંને એ ચીસો પાડતા હતાં. એક સૈનિક આ ક્ષણે ત્યાં આવ્યો. તેણે મમ્મીને દરવાજાથી દુર ખસેડી., બહાર કુદ્યો, તમારાને પકડી અને ડબ્બામાં પૂરી તાકાતથી ધકેલી. સવારે અમે જોયું કે એ સફેદ થઇ ગઈ હતી. અમે ઘણા દિવસો સુધી એને કઈ કહ્યું નહિ. અમે આયનો પણ સંતાડી દીધો, એક દિવસ અકસ્માતે બીજા આઇનામાં જોયું અને રડવા લાગી:

‘મમ્મી હું દાદી બની ગઈ ?’

મમ્મીએ એને ખાતરી આપી કે ‘આપણે આને કાપી નાખીશું, ફરીથી કાળા વાળ ઉગશે.’

આ પ્રસંગ પછી મમ્મીએ કહ્યું ‘બસ આમ જ છે. ડબ્બાની બહાર જશો નહિ. તેઓ મારી નાખશે તો મારી નાખશે. જીવતાં રહેવું એ ભાગ્યના હાથમાં છે.’

જયારે તેઓએ બુમ પાડી, ‘એરોપ્લેન ! બધા ડબ્બામાંથી બહાર નીકળી જાઓ.!’ તેણે અમને ચાદરથી ઢાંકી દીધા અને જે ડબ્બામાંથી બહાર કાઢતો હતો તેને કહ્યું ‘બાળકો નાસી ગયા છે, પરંતુ હું નહિ જઈ શકું’.

મારે કહેવું જોઈએ કે મમ્મી ઘણી વાર ‘ભાગ્ય’ જેવો ગુઢ શબ્દ વપરાતી. હું એની પાસેથી બધું જાણી લેવાનો પ્રયાસ કરતી.

‘ભાગ્ય એટલે શું ? તે ઈશ્વર છે ?’

‘ના, એ ઈશ્વર નથી. હું ઈશ્વરમાં માનતી નથી. નિયતિ એ જીવનરેખા છે’, મમ્મી એ જવાબ આપ્યો. ‘બાળકો, મેં હંમેશા તમારી નિયતિમાં વિશ્વાસ રાખ્યો છે.’

બોંબ પડતા હતા ત્યારે હું ડરી ગઈ હતી. ત્યારે, સાયબીરિયામાં, મારી કાયરતા માટે હું મને ધિક્કારતી હતી. હું ત્રાંસી નજરે મારી માતાએ મારા પિતાને લખેલા પત્રો વાંચતી હતી. અમે પણ જીવનમાં પહેલીવાર પત્રો લખતાં હતાં પરંતુ મેં નક્કી કર્યું હતું કે મમ્મીએ શું લખ્યું છે તે જોવું. પરંતુ મમ્મી તો માત્ર એ લખતી કે બોમીંગ વખતે તમારા શાંત રહેતી હતી, વાલ્યા રડી પડ્યો હતો અને ડરી ગયો હતો. મારા માટે આટલું પૂરતું હતું. જયારે ૧૯૪૪માં વસંત ઋતુમાં ઘરે આવ્યા ત્યારે હું તેમની સામે મારી આંખો ઉંચી ન કરી શકી- મને શરમ આવતી હતી. પરંતુ પિતા સાથેની મુલાકાતની હું પછી વાત કરીશ. તેને માટે હજી ઘણો લાંબો વખત છે. ઘણા લાંબા સમય સુધી એ માત્ર સ્વપ્ન હતું.

મને રાતે હવાઈ હુમલા થયા તે યાદ છે. સામાન્ય રીતે હવાઈ હુમલાઓ રાત્રી દરમ્યાન ન થતા અને ટ્રેઈન ઝડપી હતી. પરંતુ ત્યારે હવાઈ હુમલો થયો. ડબ્બાઓની છત પર ગોળીઓનો અવાજ થતો હતો. એરોપ્લેનનો અવાજ સંભળાતો હતો. છૂટતી ગોળીઓનો તેજસ્વી પ્રકાશ. એક ગોળીથી મારી બાજુમાંની સ્ત્રી મૃત્યુ પામી. એ પડી નહિ, એ ક્યાંય પડી શકી નહિ: ડબ્બો લોકોથી ખચાખચ ભરેલો હતો. સ્ત્રી જોરથી શ્વાસ લેતી હતી અને તેનું લોહી મારા ચહેરા પર ઉડ્યું હતું, હુંફાળું અને ચીકણું, તેથી મારું ટીશર્ટ અને પાટલુન ભીંજાઈ ગયાં. જયારે મમ્મીએ મને એના હાથથી સ્પર્શીને ચીસ પાડી:

‘વાલ્યા, તું મરી ગઈ છે ?’. હું કઈ બોલી શકી નહિ.

આ બન્યું તે પછી મારામાં કોઈક પ્રકારનો આકસ્મિક ફેરફાર થયો. મારી ધ્રુજારી બંધ થઇ. હવે મારા માટે બધું સરખું હતું---મને કોઈ ભય ન લાગ્યો કે ન પીડા થઇ, મને કોઈની દયા પણ ન આવી. આ એક પ્રકારનું સ્તબ્ધતા હતી, ઉદાસીનતા હતી. હું કેવી ડરેલી હતી અને હું શાનાથી ડરેલી હતી એ પછીથી મારી સ્મૃતિમાંથી નીકળી ગયું.

મને યાદ છે કે અમે સીધા ઉરાલ ગયાં નહોતાં. કોઈક સમયે કે બીજી વખતે અમે સરાતવ વિસ્તારના બલાન્દા ગામમાં રોકાયા હતાં. અમે સાંજે જયારે તે સ્થળે પહોચ્યા, ઊંઘી ગયા. સવારે છ વાગે ભરવાડે એના ચાબુકનો સટાકો બોલાવ્યો અને બધી સ્ત્રીઓ કુદી અને પોતાનાં બાળકોને જકડી લીધાં અને શેરીઓમાં ‘બોંબ...’ બુમો પાડતી દોડી. એ બધી ત્યાં સુધી ચીસો પડતી રહી જ્યાં સુધી અધ્યક્ષે આવીને કહ્યું કે ‘આ તો ભરવાડે એની ગાયોને હાંકી રહ્યો છે.’. ત્યારે એ બધીને હોશ આવ્યા.

ત્યાં આમ તો શાંતિ હતી પરંતુ બધો વખત અમે સૌ ડરેલા હતાં. જયારે એલીવેટર ચાલુ થયું ત્યારે અમારો તોલીક ધ્રુજવા લાગ્યો. તે અમને એક ક્ષણ પણ તેનાથી દુર જવા દેવા માગતો નહોતો, જયારે તે ઊંઘી ગયો ત્યારે તેના વિના બહાર જવાનું શક્ય બન્યું. અમે અમારી માતા સાથે પિતા વિષે માહિતી મેળવવા અને થોડા પૈસા લેવા મિલેટરી રજિસ્ટ્રેશન ઓફીસ ગયા. મિલેટરી કમિશનરે માને પૂછ્યું:’તમારાં પતિ રેડ આર્મીના કમાન્ડર છે તેના દસ્તાવેજ બતાવો’.

અમારી પાસે કોઈ દસ્તાવેજ નહોતા, અમારી પાસે માત્ર યુધ્ધના ગણવેશમાં અમારા પિતાનો ફોટો હતો. કમિશનરે ફોટો લીધો અને પ્રશ્ન કર્યો: ’પરંતુ આ કદાચ તમારા પતિ ના હોય, તમે કેવી રીતે સાબિત કરશો ?

તોલીકે જોયું કે એણે ફોટો પકડી રાખ્યો હતો અને પાછો આપતો નહોતો.

‘મારા ડેડી પાછા આપો’ તેણે બુમ પડી.

મિલેટરી કમિશનર ખડખડાટ હસી પડ્યો.

‘ઠીક છે, આ પ્રમાણની હું અવગણના કરી શકું નહિ’.

તેમને અમને થોડા પૈસા આપ્યા અને બુટ આપ્યા.

તમારા ‘પંચરંગી માથું’ લઇ આસપાસ ગઈ. મમ્મીએ તેના વાળ કાપ્યા. અમે દરરોજ સવારે જોતા કે નવા વાળ કેવા લાગશે – ભૂખરા કે કાળા ? મારો ભાઈ વારંવાર આશ્વાસન આપતો હતો ‘રડીશ નહિ તોમા, રડીશ નહિ’. અમારી અપેક્ષા વિરુદ્ધ, નવા વાળ સફેદ આવ્યા. નાના છોકરાઓ તેને ચીડવતા, તે કદી માથા પરનો રૂમાલ કાઢતી નહિ, અભ્યાસ દરમ્યાન પણ.

એક દિવસ અમે શાળાએથી ઘરે પાછા આવ્યા, તોલીક ઘરે નહોતો.

‘તોલીક ક્યાં છે?’ અમે મમ્મી જ્યાં કામ કરતી હતી ત્યાં શોધવા ગયા.

‘તોલીક દવાખાનામાં છે’.

....હું .ને મારી બહેન ફિક્કા વાદળી ફૂલોની માળા અને મારા ભાઈનો નાવિકનો પોશાક લઈને શેરીમાં ગયાં. મા અમારી સાથે આવી, તેણે કહ્યું કે તોલીક મૃત્યુ પામ્યો છે. શબઘર પાસે મા સ્થિર ઉભી રહી, એ અંદર જઈ શકતી નહોતી. હું એકલી અંદર ગઈ અને તરત તોલીકને ઓળખી લીધો.- એ નગ્ન સુતો હતો. મેં એક પણ આંસુ પડ્યું નહિ, હું જાણે પથ્થર હતી.

પિતાનો પત્ર અમને સાયબીરિયા મળ્યો. માં આખી રાત રડી કે પિતાને કેવી રીતે લખીશું કે એનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો છે. સવારે અમે ત્રણે પોસ્ટ ઓફિસથી ટેલીગ્રામ કર્યો:’ દીકરીઓ જીવે છે, તમારા ભૂખરો પડી ગયો છે’. અને પિતાને અંદાજ આવી ગયો કે તોલીક હવે નથી. અમે પિતાને પત્રો લખવાનું શરુ કર્યું. મારી એક સખી હતી, તેના પિતા મૃત્યુ પામ્યા હતા અને તેની વિનંતી થી અંતમાં હંમેશાં ઉમેરાતી’ ડેડી, મારા અને મારી સખી લેરાની શુભેચ્છાઓ.’ બધા ઈચ્છે છે કે એમના પિતા હોય.

પિતાનો પત્ર ઝડપથી આવ્યો. એમણે લખ્યું હતું કે એમને દુશ્મનો પાછળ ખાસ જવાબદારી સોપવામાં આવી છે, અને માંદા પડી ગયા છે. દવાખાનામાં તેમને કહેવામાં આવ્યું છે કે તે તેમના પરિવાર દ્વારા જ સાજા થશે, તે તેમના સંબંધીઓને જોશે અને તેમને સારું થશે.

અમે અમારાં પિતાની કેટલાય સપ્તાહ રાહ જોઈ.

મેં પિતાનો અવાજ ફળિયામાં સાંભળ્યો અને કઈ સમજાયું નહિ: તે ખરેખર પિતા છે ? હું મારા પિતાને જોઈ શકી તે માની શકાય તેવું નહોતું, અમે તેમને જોવા ટેવાયેલા નહોતાં, અમે તેમની રાહ જોવા ટેવાયેલાં હતાં. અમે તે દિવસે શાળામાં પાઠ છોડ્યા હતા. સૌ મારા પિતાને જોવા આવતાં હતાં. એ પ્રથમ પિતા હતા જે યુધ્ધમાંથી પાછા આવ્યા હતા. મારી બહેને અને મેં બે દિવસ અભ્યાસ ન કર્યો, લોકો સતત અમારે ઘરે આવતાં હતાં, અમને પ્રશ્નો પૂછતા, નોધો લખતાં: ‘તમારાં પિતા કેવા છે ?’

અમારા પિતા, આન્તોન પેત્રોવીચ બ્રિન્સ્કી, ખાસ છે----તેમને લેનિન શ્રેણી અને ‘હીરો ઓફ સોવિએટ યુનિયન’ ખિતાબ એનાયત થયો.

પિતાને, અમારાં તોલીકની જેમ, એકલા રહેવા નહોતા ઈચ્છતા. તે મને તેમની સાથે બધે લઇ ગયા. એક દિવસ મેં સાંભળ્યું....તે કોઈને કહેતા હતા કે કેવી રીતે ક્રાંતિકારીઓએ ગામનો સંપર્ક કર્યો....તેઓ ઉભા હતાં અને પગ નીચેના સુંદર મેદાનને જોતાં હતાં....અચાનક તેઓએ જોયું કે મેદાન ઘૂમતું હતું. ગામનો એક છોકરો નજીકથી તેમની તરફ ગોળીબાર કરતો દોડ્યો, બધાને મારીને ત્યાં જ દાટી દીધાં.

પિતાએ પાછળ વળી જોયું તો હું પડી રહી હતી. પછી તેમણે અમારી સમક્ષ કદી યુધ્ધના પ્રસંગો યાદ ન કર્યા.

અમે યુદ્ધ વિષે બહુ ઓછી વાત કરી. મને અને મારી બહેનને એક જ બાબતમાં યુધ્ધે અસર કરી, એ પછી લાંબા સમયે .....અમે ઢીંગલીઓ ખરીદી. યુદ્ધ સમયે અમારી પાસે ઢીંગલીઓ નહોતી, અમે ઢીંગલીઓ વિના જ મોટા થયાં. હું સંસ્થામાં અભ્યાસ કરતી હતી, પરંતુ મારી બહેન જાણતી હતી કે મારા માટે ઉત્તમ ભેટ ઢીંગલી જ હતી. બહેને દીકરીને જન્મ આપ્યો, હું તેમને મળવા ગઈ.

‘મારે તને શું આપવું જોઈએ ?’

‘ઢીંગલી’

‘મેં એમ પૂછ્યું કે મારે તને શું આપવું જોઈએ, તારી નાનકી દીકરીને નહિ.’

‘મેં જવાબ આપ્યો જ છે...મને ઢીંગલી આપ’

અમારા બાળકો મોટા થતાં હતાં ત્યારે અમે તેમને ઢીંગલીઓ આપી. અમે અમારાં બધાં પરિચિતોને ઢીંગલી આપી.

થોડા વખત પછી અમારી અદ્ભુત મા પહેલા મૃત્યુ પામી, પછી અમારા પિતા. અને અમને અણસાર આવ્યો,, તરત અનુભવ્યું, ખ્યાલ આવ્યો કે અમે અમારા જેવાં છેલ્લા છીએ....અમે સાવ છેલ્લી વિનાશક ધાર પર ઉભા છીએ .. આજે અમારે બોલવાનું છે.....અમે સાવ છેલ્લા સાક્ષીઓ છીએ...