Samantar - 22 books and stories free download online pdf in Gujarati

સમાંતર - ભાગ - ૨૨

સમાંતર ભાગ - ૨૨

આગળના ભાગમાં આપણે જોયું કે નૈનેશ અને ઝલકનો 'નો મેસેજ, નો કોલનો' આજે ત્રીજો દિવસ છે. રાજ પરોઢિયે આબુની સફરે નીકળી ગયો છે તો ઝલક એના અને નૈનેશની દોસ્તીના યાદગાર પળોની સફરે જેમાં એ નૈનેશને એના અધૂરા સપનાની અને અધૂરા પ્રેમ મલ્હારની વાત કરે છે અને એના માટે સાવ અજાણ્યા એવા નૈનેશને કેમ જીવનમાં સ્થાન આપ્યું એ પણ કહે છે. તો બીજી બાજુ નૈનેશ પણ વહેલો ઉઠીને એ જ પળો ફરી જીવતો હોય છે જ્યારે ઝલકે એને પોતાનો હમરાઝ બનાવ્યો હતો અને વાતના વહેણમાં એણે પણ ઝલકને એના અને નમ્રતાના જીવનમાં આવેલી સ્થગિતતા વિષે કહ્યું હતું અને બધી ચર્ચાના અંતે ઝલકે અને નૈનેશે પોતપોતાના અંગત જીવન માટે નવેસરથી કંઇક વિચાર્યું હતું. હવે આગળ...

*****

અજીબ દાસ્તાં હૈ યે... લતાનો સૂરીલા અવાજ મોબાઈલમાં રેલાઈ રહ્યો ને પરોઢના ચાર વાગ્યાથી ઝલકના મનમાં ચાલતી ભૂતકાળની સફરમાં વિક્ષેપ પડ્યો. એણે ફોન હાથમાં લઈને જોયું તો રાજનો કોલ હતો. એ તરત જ વર્તમાનમાં આવી ગઈ અને કોલ ઉપાડીને રાજને ક્યાં પહોંચ્યો ને રસ્તામાં કોઈ તકલીફ નથી પડીને એવી પૃચ્છા કરીને વાત કરવામાં પડી. સમયથી અજાણ ઝલક જ્યારે ફોન પતાવીને એને સાઈડમાં મૂકવા જતી હોય છે ને એની નજર મોબાઈલમાં દેખાતા ટાઈમના આંકડા ઉપર જાય છે. "બાપ રે.! આઠ વાગી ગયા.!" એ એક ઝાટકે પલંગ પરથી ઉભી થાય છે ને રસોડા તરફ રીતસરની દોટ મૂકે છે. અંદર જઈને જોવે છે તો એના સાસુએ કામ શરૂ કરી દીધું હોય છે.

"મને ઊઠાડવી હતીને મમ્મી.!" એ સૌમ્ય સ્વરે એના સાસુને કહે છે.

"આજે તારે વહેલા ઊઠવું પડ્યું હશેને.! તો થયું ભલે ઊંઘે તું થોડો વધુ સમય. બસ જો હવે વિચારતી જ હતી કે ઊઠાડું તને." એના સાસુએ એની ચિંતાના સ્વરમાં કહ્યું...

ત્યાં તો દેવ રસોડામાં આવ્યો અને ઝલકને પાછળથી વીંટળાઈ વળતા બોલ્યો, "મમ્મી આજે સાંજે મારા ત્રણ ફ્રેન્ડ્સ ઘરે જમવા આવવાના છે. તો કંઇક 'ઝલક સ્પેશિયલ' બનાવજે ડિનરમાં."

"અચ્છા... એટલે આટલો પ્રેમ ઊભરાય છે, ને હું વિચારું મારો દિકરો ડાહ્યો થઈ ગયો." ઝલકે ખોટો લાડ કરતા કહ્યું.

"હા... તો... ડાહ્યો જ છું. શું કહેવાય પેલું.. હા, દિવો લઇને શોધવા જઈશને તો પણ મારા જેવો દિકરો ના મળે." પ્રેમથી ઝલકના ગાલ ખેંચતા દેવ બોલ્યો.

"ના જ મળે ને, બધા તારાથી સારા જ મળે હો. આઘો જા હવે અને મને કામ કરવા દે." દેવને પ્રેમથી દૂર કરતા ઝલક બોલી...

પછી તો ઝલકનો એ આખો દિવસ રાજે સોંપેલા કામ પતાવવામાં અને સાંજના ડિનરની તૈયારીમાં જ ગયો. બીજી બાજુ નૈનેશ પણ એના બે દિવસથી પેન્ડિંગ રાખેલા કામ પતાવવામાં વ્યસ્ત રહ્યો. સતત બે દિવસથી મનમાં ચાલતા વિચારો અને વધારે પડતાં કામના લીધે બંને એકદમ થાકી ગયા હતાં ને રાતે પથારીમાં પડ્યા ભેગા જ ઊંઘી ગયા. પણ મન ક્યાં હજી શાંત હતું.!? શરીરને થોડો આરામ મળ્યો ને એણે પાછું પોતાનું કામ ચાલુ કરી દીધું. અડધી રાતે ઝલકની એકદમ આંખો ખૂલી ગઈ. એણે સમય જોયો તો રાતના ત્રણ વાગ્યા હતા. બરાબર એજ સમય જ્યારે ચાર દિવસના અબોલના અંતે ઝલકે કામિનીના એમના જીવનમાં પ્રવેશ થયા પછી એના અને રાજની વચ્ચે ઊભી થયેલી અદ્રશ્ય દિવાલને તોડવાનું નક્કી કર્યું હતું.

નૈનેશ જોડે પોતાના અધૂરા સપના અને મલ્હાર વિષે વાત કર્યા પછી એનો ઘણો ભાર ઓછો થઈ ગયો હતો અને આ લાંબી ચેટના અંતે એણે રાજ જોડે કામિની વિષે એના મનમાં ચાલતી વાત કરવા માટેનો નિર્ણય લીધો હતો. આમ તો એ સાંજથી જ રાજના આવવાની રાહ જોતી હતી પણ રાજની તબિયત ઠીક નહતી લાગતી. એ કંઈ બોલ્યો નહતો પણ એને માથાના દુખાવાની દવા લેતા ઝલક જોઈ ગઈ હતી એટલે એણે એને આરામ કરવા દેવાનું નક્કી કર્યું. પણ એ ક્યાંય સુધી ઊંઘી ના શકી. બાર, એક, બે સમય પસાર થતો હતો ને એની આંખમાં ઊંઘ ગાયબ હતી. આમને આમ રાતના ત્રણ વાગી ગયા અને એને ચેન જ નહતું પડતું. એણે નાઈટ લેમ્પ ચાલુ કર્યો અને રાજને ખભેથી ઢંઢોળતા ધીમેથી રાજ એમ બોલી.

રાજ સફાળો બેઠો થઈ ગયો અને ચિંતાથી ઝલક પૂછ્યું, "શું થયું.? તબિયત બરાબર છે ને.?"

"રાજ એક વાત કરવી હતી. રાતે તારી તબિયત સારી નહોતી એટલે ના કરી પણ જ્યાં સુધી વાત નહીં કરું ત્યાં સુધી મને ચેન નહીં પડે." ઝલકે કહ્યું...

રાજના મનમાં કેટલાય ખરાબ વિચાર આવી ગયા. એને ઘણો પસ્તાવો થઈ રહ્યો હતો કે એણે કામિનીને પોતે મદદ કરી રહ્યો છે એ વાત ઝલકથી છુપાવી. આશંકા અને ભયથી એ ઝલકની સામુ જોઈ રહ્યો.

"રાજ મારે કામિનીને મળવું છે. શાંતિથી વાત કરવી છે એની જોડે. એની મિત્ર બનવું છે." શું આ શક્ય છે.?" ઝલકે રાજનો હાથ પકડીને ચહેરા પર એકદમ સ્વસ્થ ભાવ સાથે પુછ્યું...

રાજને હજુ પણ ખબર નહતી પડી રહી કે ઝલક શું કહેવા માંગે છે. એણે ઝલકની સામે જ જોયા કર્યું.

"જો હું તમારા બંનેની વચ્ચે ના આવી ગઈ હોત તો આજે તમે જોડે હોત ને.!" ઝલકે કહ્યું...

"ના... તો પણ આ શક્ય નહતું. ઘરના ક્યારેય જૈન સિવાય બીજા ધર્મની છોકરી ના સ્વીકારત. અને આ પણ એક કારણ હતું કે કામિની પ્રત્યેની લાગણી મેં ક્યારેય જાહેર ના કરી. તું ક્યારેય વચ્ચે હતી જ નહીં, પણ હા કામિની અત્યારે આપણી વચ્ચે આવી ગઈ છે અને એ પણ મારી ભૂલના કારણે. મારે તને પહેલા જ વિશ્વાસમાં લેવી જોઈતી હતી. રીયલી સોરી ઝલક.!" ઝલકને આલિંગનમાં લેતા રાજ બોલ્યો...

"હમમ્.." બોલીને ઝલકે ઉમેર્યું... "જે થયું એ થયું રાજ, પણ હવે હું પણ કામિનીની ટ્રીટમેન્ટમાં તને સાથ આપીશ. તું કહેતો હતોને કે અહીંયા એને કોઈ ખાસ મિત્ર નથી તો હું પ્રયત્ન કરીશ એના મિત્ર બનવાનો, અને એમાં તારે મને મદદ કરવાની છે." રાજના આલિંગનમાંથી છૂટતાં એની સામે જોતા ઝલક બોલી...

"મને ખબર નથી કામિની તારી સાથે કેવું વર્તન કરશે. પણ તું ઇચ્છે છે એને મળવાનું તો હું કંઇક કરીશ. પહેલા અત્યારે તું શાંતિથી ઊંઘી જા. તારી આંખો જો કેવી થઈ ગઈ છે." ઝલકને પ્રેમથી પથારીમાં સુવાડીને નાઈટ લેમ્પ બંધ કરતા ઝલકના માથે હાથ ફેરવતા રાજ બોલ્યો.

પછી તો બે દિવસમાં રાજ કામિની જોડે વાત કરીને હોટેલમાં ડિનરનું પ્લાનિંગ કરે છે. કામિનીને પણ પાર્ટીમાં પોતે કરેલા વર્તન પર સંકોચ થતો હોય છે. એ ઝલકની માફી માંગે છે અને એક નવી શરૂઆત થાય છે ઝલક અને કામિનીની દોસ્તીની અને ઝલક અને રાજની ફરી એવી જ દોસ્તીની જે પહેલા હતી.

બીજા દિવસે ઝલક એકદમ ઉત્સાહિત હોય છે નૈનેશ જોડે વાત કરવા તો નૈનેશ પણ એકદમ આતુરતાથી ઝલક જોડે વાત કરવાની રાહ જોઈ રહ્યો હોય છે. બપોરે ફટાફટ લંચ પતાવીને એ ઝલકને મેસેજ કરે છે, "કેમ છે દોસ્ત.!?"

ઝલક : એકદમ મઝામાં. અને તું કેમ છે.?

નૈનેશ : બસ મઝા મઝા. બે દિવસ પછી આપણે મળ્યાં આજે. કેવા રહ્યા એ બે દિવસ.?

ઝલક : ખુબ જ સરસ. મારા બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ ગયું. અને એના માટે તારો આભાર.

નૈનેશ : લે વળી... મેં શું કર્યું.!?

ઝલક : મને સાથ આપ્યો, જજ કર્યા વિના સાંભળી અને એના લીધે જ હું હળવી થઈ અને યોગ્ય નિર્ણય લઈ શકી.

નૈનેશ : એમ.!! તો તો મને પાર્ટી જોઈએ હોં.! બોલ ક્યારે અને ક્યાં મળીશું.? હોટ કોફીના ઘૂંટડે ઘૂંટડે તારી સુંદરતા પણ આંખથી પીવી છે. (નૈનેશે એના સ્વભાવ મુજબ મજાકમાં કહ્યું...)

ઝલક : હા હોં, સપનામાં... કોઈએ તને કહ્યું કે તું ફ્લર્ટ મસ્ત કરે છે. (નૈનેશના સ્વભાવને જાણી ગયેલી ઝલકે હળવાશથી લખ્યું...)

નૈનેશ : હા ઘણી બધી સ્ત્રીઓએ. અને લેટેસ્ટમાં કાલે મારી નમુએ પણ કહ્યું.

ઝલક : ઓહો..!! બે દિવસમાં તો ઘણું ડેવલપમેન્ટ થઈ ગયું લાગે છે તારા અને નમ્રતાના મિત્ર બનવાના સફરમાં.

નૈનેશ : હા, છેલ્લે આપણે ચેટ કરી અને તેં મને પૂછ્યું હતું કે, હું આપું છું એને એના શોખમાં કે મનગમતાં કાર્યમાં સાથ. તારી આ વાતે મને વિચારતો કરી મૂક્યો. એ દિવસે ઑફિસથી ઘરે જતાં પણ આખા રસ્તે એજ વિચાર કરતો હતો કે એવું તો શું કરું હું કે જેનાથી નમુ ખુશ થાય અને એકદમ જ મને ઉપાય સૂજી ગયો. ઘરે જઈને મેં નમુને અને અનન્યાને કહ્યું કે આપણે બે દિવસ માટે બહારગામ જઈએ છીએ માટે બધા પેકિંગ કરીને રાખો. ક્યાં જઈએ છીએ એ વાત સસ્પેન્સ જ રાખી.

ઝલક : બંને એમ જ માની ગયા.!? ક્યાં જવાનું છે એની કોઈ પૂછપરછ નહીં.?

નૈનેશ : હોતું હશે.! બંને એ જુદી જુદી રીતે જગ્યાનું નામ જાણવાનો પ્રયત્ન કર્યો પણ હુંય નક્કી કરીને જ બેઠો હતો કે કંઈ કહેવું નથી. ખાલી અનાન્યાને એટલું કહ્યું કે તું સાદા જ કપડાં લે જે. તો એ બંને એમ જ સમજ્યા કે શ્રીનાથજી જવાનો પ્રોગ્રામ હશે.

વહેલી સવારે અમે લોકો નાસ્તા અને બીજો સામાન લઈને કારમાં ગોઠવાયા. અનન્યા તો થોડી વારમાં જ ઊંઘી ગઈ પણ નમ્રતાની આંખમાં હજી પણ પ્રશ્નાર્થ વંચાતો હતો. કારમાં પણ નમ્રતાના ગમતાં ગીત જ ચાલુ કર્યા હતાં અને અચાનક મેં ગાડી બીજા રસ્તે વાળી. નમ્રતા બોલી પણ ખરી કે આ રસ્તે ક્યાં શ્રીનાથજી જવાય છે તો મેં હસીને સામે પ્રશ્ન કર્યો કે ત્યાં ક્યાં જવાનું છે.!? દોઢ કલાક જેવો સમય પસાર થયો હશે ને નમ્રતા ઓળખી ગઈ એના ગામનો રસ્તો. એ ખુશીથી ચાલુ ગાડીએ પણ મને વળગી પડી. લગભગ એક વર્ષ પછી અમે એના એ ગામ જતા હતાં જ્યાં એનો જન્મ થયો હતો, એનું શૈશવ વીત્યું હતું અને જ્યાં એણે જુવાનીમાં કદમ મૂક્યો હતો. એ લગભગ દસમાં ધોરણમાં આવી ત્યારે તો એનું આખું ઘર અમદાવાદમાં જ શિફ્ટ થઈ ગયું હતું પણ એને એના ગામ પ્રત્યેનો લગાવ એવોને એવો જ રહ્યો.

ઝલક : અરે વાહ.! જોરદાર સરપ્રાઈઝ આપી. હજી ત્યાં રહે છે કોઈ એનું.!?

નૈનેશ : હા છે અમુક કુટુંબી અને એમનું ઘર અને ખેતર પણ છે હજી. નમ્રતાની ઘણા વખતથી ઈચ્છા હતી ત્યાં રોકાવા જવાની પણ અમે કાયમ સવારે જઈને સાંજે પાછા આવી જતાં. તો મને થયું કે આનાથી વધારે સારો તો કોઈ બીજો પ્લાન બને જ નહીં. અને હું સાચો પડ્યો. એ બે દિવસમાં નમ્રતા અલગ જ નમ્રતા હતી.! એવી જ જેવી મને મળી હતી. ખુબ જ આનંદ માણ્યો અમે બધાએ ત્યાં. અમે પણ રિચાર્જ થઈ આવ્યા અને અમારો સંબંધ પણ.!! અને એના માટે તને Thank you..!!

ઝલક : તો તો મને પણ પાર્ટી મળવી જોઈએને.!

નૈનેશ : હા, ચોક્કસ. બે વાર આપણે મળાશે. બોલ ક્યારે જોઈએ પાર્ટી.!?

ઝલક : ના ના, તું સમજ્યો નહીં. પાર્ટી આપવાનો તો હવે સવાલ જ ના રહ્યો ને.!! મારે આપવાની અને તારે આપવાની એટલે સામસામે આપણી પાર્ટી કેન્સલ. (સ્માઈલી મુકતા ઝલક લખે છે.)

નૈનેશ : પાક્કી અમદાવાદી છે તું. પણ આપણે મળીશું ચોક્કસ.

ઝલક : ના, નહીં જ મળીએ. (મક્કમતાથી ઝલકે કહ્યું...)

નૈનેશ : એતો સમય જ કહેશે તો એની ઉપર જ છોડીએ.

"અમૂક વાતો સમય પર છોડીએ એજ સારું છે,
અત્યારે તો હું ને મારું મનગમતું વિશ્વ મારું છે.
વાત કરતા તારી સાથે મને ભુલાઈ જવાય છે,
આપણું શબ્દોનું સગપણ, બીજું કયુ મારું છે.?"

ઝલકે જવાબમાં સહજ જ આ પંક્તિઓ લખતા તો લખી નાખી પણ પછી એ પોતે વિચારમાં પડી ગઈ કે આ સાવ અનાયાસે લખાયું કે મારા મનના ભાવ લખાઈ ગયા મારાથી.! તો બીજી બાજુ આ વાંચીને નૈનેશ પણ વિચારમાં પડી ગયો કે કેટલું સાચુ છે આ.! અત્યાર સુધી કોઈ વ્યક્તિ ના સ્પર્શી શકી હોય એવી રીતે અને એ પણ એકદમ ટૂંકા ગાળામાં ઝલક મારા મનને સ્પર્શી ગઈ છે. અને એ રિપ્લાયમાં લખે છે, "મને ઘણી વાર વિચાર આવતો કે સાવ જ અજાણ્યા હોવા છતાં આટલી જલ્દી અને સહજતાથી આપણે કેમના જોડાઈ ગયા હોઈશું.! એમાં પણ તું તો કોઈ અજાણી વ્યક્તિને ફેસબૂક પર મિત્ર નથી બનાવતી અને તોય મારી ઉપર આટલો ભરોસો મૂકીને સાવ જ અંગત વાત પણ શેર કરી નાખી. લાગે જાણે કે કોઈ ઋણાનુબંધ જ હશે, અને એમાં નિમિત્ત આપણો શોખ બન્યો. જે પણ હોય એ પણ હવે એક અલગ જ બોન્ડિગ લાગે આપણી વચ્ચે.

અને બંને છેડે જાણે ખામોશી છવાઈ ગઈ. કદાચ એ દિવસથી જ એમની મિત્રતામાં એક અલગ ભાવનો એમની જાણ બહાર જ પ્રવેશ થઈ ગયો.

ઝલક અત્યારે પણ એ શબ્દોના ભાવને અનુભવી શકતી હતી. એના રૂમની બારીના કાચમાંથી પરોઢનો ઊગતો સૂરજ સહેજ અજવાળું ફેલાવી રહ્યો હતો. અને એના વિચારો પર ફેલાયેલું અંધારું પણ થોડું ખસતું જતું હતું. મનમાં થયેલી હળવાશ એના મુખ ઉપર પણ દેખાતી હતી અને એ ક્યારે મીઠી ઊંઘમાં સરી ગઈ એની એને પણ ખબર ના રહી.

"આમ તો અલગારી આ સંબંધ છે,
તોય લાગણીનો એક અનુબંધ છે.
અવિરત સાથનો જેમાં એક પ્રબંધ છે,
લાગે જાણે જન્મોનો ઋણાનુબંધ છે.!"

*****

નૈનેશ અને ઝલકની સફર હવે એમને ક્યાં દોરી જશે.?
એવું તો શું કારણ હશે કે એમણે સાત દિવસ "નો ચેટ, નો કોલ" નું પ્રોમિસ આપ્યું હશે એકબીજાને.?
સાત દિવસના અંતે એ બંને શું નિર્ણય લેશે.?
બધા સવાલના જવાબ મેળવવા વાંચતા રહો સમાંતર.

©શેફાલી શાહ

*****

વાર્તા વાંચીને યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી...

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_

જય જીનેન્દ્ર...
શેફાલી શાહ