A unique tale of unrequited love - 1 books and stories free download online pdf in Gujarati

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 1

પ્રસ્તાવના: નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ અને ગામડાની પ્રેમકહાની બંને નવલકથા પૂરી કર્યા પછી વાંચકોના પ્રેમને ધ્યાનમાં રાખીને આજ આપની સમક્ષ એક નવી નવલકથા રજૂ કરવાં જઈ રહી છું.

આ નવલકથા એકદમ કાલ્પનિક છે. આજકાલ ઘણાં લોકોને તેનો પ્રેમ મળતો નથી. અમુક લોકોએ પરિવાર કે મિત્રો માટે પોતાનાં પ્રેમનું બલિદાન આપવું પડે છે. બસ આવી જ વાતો પરથી આ નવલકથાની રચનાં કરવામાં આવી છે. આશા છે કે મારાં બધાં વાંચકોને આ નવલકથા પસંદ આવશે.






અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન


ભાગ-૧


રાજુ પોતાનાં રૂમમાં ગુમસુમ બેઠો હતો. માત્ર દશ વર્ષની ઉંમરે જ તેણે જીવનનાં કેટલાંય ઉતાર ચઢાવ જોઈ લીધાં હતાં.

રાજુ દશ વર્ષનો હતો. ત્યારે જ તેનાં મમ્મી અનુરાધાબહેનનું અવસાન થઈ ગયું હતું. રાજુનાં પપ્પા અરવિંદભાઈ પત્નીનાં અવસાન પછી ઘર છોડી ક્યાંક ચાલ્યા ગયાં હતાં. જેની જાણ કોઈને નહોતી.

અરવિંદભાઈને સુરત શહેરનાં પિપલોદમાં એક મોટો બંગલો હતો. જે કોઈ સ્વપ્ન મહેલથી ઓછો નાં આંકી શકાય એવો હતો. બંગલાની અંદર મોંઘું દાટ ફર્નિચર હતું. મુખ્ય દરવાજો લાકડાની અદભુત કોતરણીથી બનાવવામાં આવ્યો હતો. બંગલાની બહાર મોટો બગીચો હતો. જે બધાં પ્રકારનાં ફુલથી ભરચક્ક હતો.

આલિશાન બંગલાની જેમ અરવિંદભાઈએ પોતાની મહેનત અને આવડતથી વિકસાવેલો મોટો બિઝનેસ પણ હતો. બિઝનેસ સંભાળવા માટે રાજુની ઉંમર હજું બહું નાની હતી. આવી પરિસ્થિતિમાં તેનો સાથ આપી શકે એવાં એકમાત્ર વ્યક્તિ કલ્પેશભાઈ જ હતાં.

કલ્પેશભાઈ અરવિંદભાઈએ જ્યારથી પોતાનો બિઝનેસ ચાલું કર્યો. ત્યારથી માંડી અત્યાર સુધી બિઝનેસમાં અરવિંદભાઈની સાથે કદમથી કદમ મિલાવીને ચાલ્યા હતાં. કોઈ પણ કામ હોય. દરેક કામનો નિર્ણય અરવિંદભાઈ અને કલ્પેશભાઈ સાથે મળીને જ કરતાં.

આવી પરિસ્થિતિમાં પણ કલ્પેશભાઈએ બિઝનેસ સાથે રાજુને પણ સારી રીતે સંભાળી લીધો હતો. બસ હવે એક જ વાતની તકલીફ હતી. રાજુ પોતાનું ઘર છોડી કલ્પેશભાઈ સાથે જવા તૈયાર નહોતો. આખરે રાજુને ઘણો સમજાવ્યા પછી પણ રાજુની જીદ આગળ કલ્પેશભાઈને રાજુનું માનવું જ પડ્યું.
કલ્પેશભાઈએ બે નોકર અને એક રસોઈયાની સગવડ કરીને રાજુને પોતાની ઘરે જ રાખવાનો નિર્ણય કર્યો.

અચાનક અરવિંદભાઈનાં ગયાં પછી બિઝનેસની બધી જવાબદારી કલ્પેશભાઈ ઉપર આવી પડી હતી. એવી પરિસ્થિતિમાં અચાનક જ રાજુની તબિયત બહું જ ખરાબ થઈ ગઈ. રાજુ સાવ પાગલ જેવું વર્તન કરવા લાગ્યો હતો. તેણે પોતાનાં રૂમની બધી વસ્તુઓ તોડી નાખી હતી. બંને નોકર રાજુને સંભાળવાની કોશિશ કરી રહ્યાં હતાં. તેમ છતાં તેનાં પર કાબૂ કરવો અઘરું પડી રહ્યું હતું.

પરિસ્થિતિ નિયંત્રણમાં નાં રહેતાં એક નોકરે કલ્પેશભાઈને ફોન કરીને કહ્યું, "સાહેબ રાજુની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે. તેઓ તેનાં રૂમની બધી વસ્તુઓ તોડી રહ્યાં છે. અમે તેમને રોકવાની બહુ કોશિશ કરી. તેમ છતાં તેમને રોકવામાં સફળતા નાં મળી. તમે જલ્દી ડોક્ટરને લઈને અહીં આવી જાવ."

નોકરની વાત સાંભળી કલ્પેશભાઈએ કહ્યું, "હું હમણાં જ ડોક્ટરને લઈને ત્યાં આવું છું." આટલું કહીને કલ્પેશભાઈએ તરત ફોન કાપી નાંખ્યો, ને ડોક્ટરને લઈને રાજુની ઘરે જવા નીકળી ગયાં.

ડોક્ટરે રાજુને ચેક કરીને કલ્પેશભાઈને કહ્યું, "રાજુને બહું જ તાવ આવ્યો છે. જેની અસર સીધી તેનાં મગજ પર થઈ છે. જેનાં લીધે તેણે આવું વર્તન કરવાનું ચાલું કર્યું હતું. મેં ઇંજેક્શન આપી દીધું છે. થોડીવાર આરામ કર્યા પછી તેને સારું થઈ જશે."

ડોક્ટરની વાત સાંભળી કલ્પેશભાઈને હાશકારો થયો. ત્યાં જ ડોક્ટરે કલ્પેશભાઈને બહાર જઈને વાત કરવાનું કહ્યું.‌ જેથી ફરી કલ્પેશભાઈનાં ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાઈ આવી.

કલ્પેશભાઈનાં બહાર આવ્યા પછી ડોક્ટરે પૂછ્યું, "રાજુને કોઈ માનસિક તકલીફ કે બિમારી છે?"

કલ્પેશભાઈ ઘણાં વર્ષોથી રાજુને ઓળખતાં હતાં. તો તેને ખબર હતી કે, રાજુને કોઈ બિમારી નથી. તો આ જે કાંઈ થઈ રહ્યું છે, એ બધું રાજુનાં મમ્મીનાં અવસાન અને અરવિંદભાઈનાં જવાનાં લીધે થઈ રહ્યું છે. એમ વિચારી કલ્પેશભાઈએ ડોક્ટરને કહ્યું, "તેને કોઈ બિમારી નથી. બસ હમણાં તેનાં મમ્મીનું અવસાન થઈ ગયું. જેના લીધે તે થોડો પરેશાન છે."

કલ્પેશભાઈની વાત સાંભળી ડોક્ટરે કહ્યું, "જો રાજુની હાલત આવી ને આવી રહેશે, તો એ એક દિવસ મોટી માનસિક બીમારીનો શિકાર થઈ જશે. અત્યારે રાજુને પ્રેમ અને પૂરતાં ભોજન અને ઉંઘની જરૂર છે. બાકી તમે સમજદાર છો કે, તમારે શું કરવું જોઈએ!"

કલ્પેશભાઈ ડોક્ટરની વાત સમજી ગયાં હતાં. તેમ છતાં એ જાણતા હતા કે, રાજુ કોઈ પણ કાળે આ ઘર છોડી તેની સાથે જવા તૈયાર નહિં થાય. રાજુની હાલત વિશે જાણતાં હોવાં છતાં રાજુને એકલો છોડવો મુર્ખામી ભર્યું કહેવાય. એમ વિચારી કલ્પેશભાઈએ આ અંગે પોતાની પત્ની કમલાબેનને બધું જણાવવાનું વિચાર્યું.

આજની રાત પોતે રાજુ પાસે જ રોકાશે. એવુ કલ્પેશભાઈએ કમલાબેનને ફોન દ્વારા જણાવી દીધું. રાજુની હાલતથી વાકેફ એવાં કમલાબેને કલ્પેશભાઈને દિલાસો આપતા કહ્યું, "તમે ચિંતા નાં કરો. બધુ સરખું થઈ જશે. રાજુને કાંઈ નહીં થાય."

કમલાબેનની વાતોથી કલ્પેશભાઈને થોડી રાહત થઈ. તેમ છતાં તેમને ઉંઘ નથી આવતી. આવડી ઉંમરે રાજુએ જોયેલું દુઃખ તેમને સૂવા નથી દેતું. તેઓએ આખી રાત જાગીને જ પસાર કરી.

સવારે રાજુ ઉઠ્યો, ત્યારે તેને નાસ્તો અને દવા આપી કલ્પેશભાઈ પોતાની ઘરે જવા નીકળી ગયાં. ઘરે જઈને કલ્પેશભાઈએ કમલાબેનને પોતાનો વિચાર કહ્યો, "રાજુ પોતાનું ઘર છોડી આપણી ઘરે નાં આવી શકે. પરંતુ, આપણે તો રાજુની ઘરે રહી શકીએ ને?"

કલ્પેશભાઈની વાત સાંભળી કમલાબેને કહ્યું, "હાં, તમારો વિચાર સારો છે. રાજુ કેટલો સમય એકલો રહેશે? એકલાં રહીને તે કાંઈ આડાં અવળું કરી બેસે એ કરતાં આપણે જ ત્યાં રહેવા જતાં રહીએ. જેથી હું તેનું ધ્યાન રાખી શકું, ને તમે નિરાંતે તમારું કામ કરી શકો."

બંને પતિ-પત્ની એક જ નિર્ણયનો સ્વીકાર કરતાં સામાન પેક કરી પોતાની આઠ વર્ષની દીકરી સુજાતા અને ત્રણ વર્ષનાં દિકરા ચેતનને લઈને રાજુની ઘરે જવા નીકળી ગયાં.

ઘરે પહોંચી કમલાબેન પોતાનો અને બંને છોકરાંવનો બધો સામાન રૂમમાં ગોઠવી બહાર આવ્યાં. રાજુ દવાની અસર હેઠળ હજું સૂતો હતો.

સુજાતા આવડું મોટું ઘર જોઈને બહું જ ખુશ થઈ ગઈ, ને આખું ઘર જોવાં લાગી. ઘર જોતાં-જોતાં તે રાજુનાં રૂમની આગળ આવી ઉભી રહી ગઈ. થોડીવાર વિચાર કર્યા બાદ સુજાતા રાજુનાં રૂમમાં ગઈ, ને બધી વસ્તુઓને ધ્યાનથી જોવા લાગી. ત્યાં જ રાજુએ આંખો ખોલી. સુજાતાને પોતાનાં રૂમમાં જોઈ રાજુએ સુજાતાને પૂછ્યું, "તું કોણ છે? અહીં શું કરે છે?"

સુજાતા હજું કાંઈ કહે એ પહેલાં જ કલ્પેશભાઈ તેની પત્ની કમલાબેન અને ચેતન સાથે ત્યાં આવી પહોંચ્યા, ને રાજુનો બધાં સાથે પરિચય કરાવ્યો.

સુજાતા, ચેતન અને કમલાબેન વિશે રાજુએ પોતાનાં મમ્મી પાસેથી માત્ર સાંભળ્યું જ હતું. રાજુ ક્યારેય તેને રૂબરૂ મળ્યો નહોતો. આથી તે સુજાતાને ઓળખી નાં શક્યો. કલ્પેશભાઈએ જ્યારે કહ્યું ત્યારે રાજુને તેની મમ્મીનાં મોંઢે સાંભળેલી વાતો યાદ આવી ગઈ. જેથી રાજુ બધાંને ઓળખી શક્યો.

રાજુનો બધાં સાથે પરિચય કરાવ્યાં બાદ બધાં નીચે જમવા માટે ગયાં. બધાનાં જમી લીધાં બાદ કલ્પેશભાઈએ રાજુને દવા આપી સુવડાવી દીધો. રાજુનાં સૂઈ ગયાં બાદ કલ્પેશભાઈ પણ પોતાનાં રૂમમાં જઈને સૂઈ ગયાં.

થોડાં દિવસ આમ જ ચાલ્યાં કર્યું. દવાની અસર હેઠળ રાજુ થોડાં દિવસ સુધી આરામથી સૂતો રહ્યો. જ્યારે દવા પૂરી થઈ ગઈ, ત્યારે ફરી રાજુની એવી જ હાલત થઈ ગઈ. રાતે મોડાં સુધી જાગીને પોતાની મમ્મીનાં ફોટો સામે રડવાનું, ને સમયસર જમવાનું નહીં. આવી કપરી પરિસ્થિતિમાં કમલાબેન અને કલ્પેશભાઈ રાજુનું પૂરું ધ્યાન રાખતાં હતાં.

એક રાતે જ્યારે સુજાતા પાણી પીવા માટે નીચે જતી હતી. ત્યારે તે રાજુનાં રૂમની આગળથી પસાર થઈ, તો રાજુનાં રૂમનો દરવાજો ખુલ્લો હતો. જે જોઈ સુજાતા રૂમમાં ગઈ. અંદર જઈને જોયું, તો રાજુ પોતાનાં રૂમમાં નહોતો. જેથી સુજાતા થોડી ગભરાઈ ગઈ. થોડીવાર સુજાતા રાજુનાં રૂમમાં આમતેમ નજર ફેરવી તેને શોધવા લાગી. એટલામાં તે રાજુનાં રૂમની બારી પાસે આવી પહોંચી, ને ત્યાંથી બહાર જોયું, તો રાજુ એકલો જ બગીચામાં બાંકડા પર બેઠો હતો.

રાજુને જોઈ સુજાતા દોડીને નીચે બગીચામાં ગઈ. બગીચામાં પહોંચી સુજાતા રાજુની સામે જઈને ઊભી રહી ગઈ. સુજાતાને અત્યારે ત્યાં જોઈ રાજુએ તેને પૂછ્યું, "તું અત્યારે અહીં શું કરે છે?"

રાજુનો સવાલ સાંભળી, ને રાજુને રડતો જોઈ. સુજાતાએ કહ્યું, "પહેલાં તું મને એ કહે, તું અત્યારે અહીં બેસીને રડે છે શાં માટે?"

સુજાતાનાં પૂછાયેલા સવાલથી રાજુ થોડી ક્ષણો માટે સુજાતા સામે જોઈ રહ્યો. પછી રાજુએ સુજાતાને કહ્યું, "કાંઈ નહીં. બસ મમ્મીની યાદ આવતી હતી."

રાજુનો જવાબ સાંભળી સુજાતાએ કહ્યું, "એમાં આમ ઉદાસ નાં થવાનું હોય. તને આમ ઉદાસ જોઈ તારાં મમ્મીને કેટલું દુઃખ થતું હશે? એ તને ખબર છે?"

સુજાતાની વાતો સાંભળી રાજુએ પોતાના આંસુ સાફ કરી નાંખ્યાં. જે જોઈ સુજાતાએ સસ્મિત ચહેરે રાજુને કહ્યું, "ગુડ બોય. હવે સ્માઈલ કર ચાલ."

સુજાતાની વાત સાંભળી રાજુએ પોતાના ચહેરા પર હળવું સ્મિત કર્યું. જે જોઈ સુજાતાએ કહ્યું, "લો સાવ આમ હોય કાંઈ?"

રાજુને સુજાતાની વાત નાં સમજાતાં રાજુ ઉભો થઈ પોતાનાં રૂમ તરફ જવા લાગ્યો. જે જોઈ સુજાતા તેની પાછળ ગઈ. સુજાતાને લાગ્યું કે, રાજુને તેની વાતનું ખોટું લાગી ગયું, એટલે તે રાજુની આગળ જઈને કાન પકડી ઉભી રહી ગઈ. સુજાતાને આવી હરકત કરતાં જોઈ રાજુએ કહ્યું, "શું કરે છે તું?

રાજુની વાત સાંભળી સુજાતાએ કહ્યું, "મને થયું તને મારી વાતોનું ખોટું લાગી ગયું. તો એની જ માફી માંગું છું."

સુજાતાની હરકતોથી પરેશાન થઈ રાજુએ કહ્યું, "એવું કાંઈ નથી. તું જા અને સૂઈ જા હવે."

રાજુ એટલું કહી ફરી પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યો. પોતાના રૂમમાં જઈ તે બેડ પર આડો પડ્યો, ત્યાં જ સુજાતા તેનાં રૂમમાં આવી. સુજાતાને રૂમમાં જોઈ રાજુએ પરેશાન થતો હોય. એવા સ્વરે કહ્યું, "હવે શું છે તારે?"

સુજાતા કાંઈ સાંભળ્યું જ નાં હોય, એમ રાજુ પાસે આવીને બેસી ગઈ, અને રાજુને કહેવા લાગી, "મેં તને કહ્યું ને કે તને ઉદાસ જોઈ તારાં મમ્મીને તકલીફ થતી હશે. મને ખબર છે, જે થયું એ ખોટું થયું. છતાં પણ તું આમ જ કેટલાં સમય સુધી પોતાને તકલીફ આપતો રહીશ?

"હવે બધું ભૂલીને આગળ વધતાં શીખી લે. તને ખુશ જોઈને તારાં મમ્મીને પણ ખુશી થશે."

સુજાતાની વાત સાંભળી રાજુએ કહ્યું, "કોઈને સલાહ આપી આગળ વધવાનું કહેવું સહેલું છે, કરવું બહુ અઘરું છે. એતો જેના પર વીતે તેને જ સમજાય. તારી પાસે તો મમ્મી-પપ્પા અને એક ભાઈ બધાં છે, એટલે તને મારી તકલીફ નહીં સમજાય."

રાજુની વાત સાંભળી સુજાતાની આંખોમાં આંસુ આવી ગયાં. જે જોઈ રાજુ વધારે પડતું બોલી ગયો હોય. એવું તેને લાગ્યું. રાજુ અપરાધભાવવાળી નજરે સુજાતાની સામે જોઈ રહ્યો.

રાજુને એમ જોતાં જોઈ સુજાતાએ પોતાનાં આંસુ સાફ કરીને કહ્યું, "મને ખબર છે, જેનાં પર વીતી હોય. એજ બીજાને સમજી શકે. તો હું પણ તારાં જેવી જ છું. એવું જ કંઈક સમજી લે."

સુજાતાની વાત રાજુની સમજમાં નથી આવતી. રાજુને શું બોલવું? એ નાં સમજાતાં રાજુ ચૂપ જ રહ્યો.

રાજુને ચૂપ જોઈ. સુજાતાએ કહેવાનું ચાલુ રાખ્યું, "જો રાજુ દરેકનાં જીવનમાં કોઈ ને કોઈ વાત તો એવી હોય જ છે, જે વાતનો અફસોસ અને દુઃખ તે વ્યક્તિને જીવનભર રહે છે. તેમ છતાં જો એ વાત કે ઘટનાંને ભૂલીને કોઈ વ્યક્તિ આગળ નાં વધે. તો ભવિષ્યમાં તેને જ તકલીફ થાય. તો આપણાં જીવનમાં શું બન્યું હતું? અને શું બનશે? એવી ચિંતા કર્યા વગર જીવનમાં જે થઈ રહ્યું છે, તેની સાથે જીવવું જોઈએ. એમ કરવાથી આપણી સાથે રહેતાં લોકોને કોઈ પરેશાની નહીં થાય. ને આપણી તકલીફ પણ ઓછી થશે."

સુજાતા આટલી ઉંમરે પણ કોઈ મોટાં અને સમજું વ્યક્તિની જેમ વાત કરી રહી હતી. જે જોઈ રાજુ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. રાજુને આશ્ચર્યમાં જોઈ સુજાતાએ કહ્યું, "તું બીજું વિચારવાનું છોડી દે. તું તારાં મમ્મીની ખુશીને ધ્યાનમાં રાખીને આગળ વધ. એટલુ તો તું કરી શકે ને?"

સુજાતા પ્રશ્નાર્થભરી નજરે રાજુ સામે જોઈ રહી હતી. તેને એવી રીતે જોતાં જોઈ રાજુએ કહ્યું, "હાં, હું મારાં મમ્મી માટે કાંઈ પણ કરીશ."

રાજુનો આત્મવિશ્વાસ સભર જવાબ સાંભળી સુજાતાએ કહ્યું, "તો બસ, તને આગળ વધવામાં હું તારી મદદ કરીશ. બસ હવે તારે કાંઈ પણ વિચાર્યા વગર તારાં મમ્મીની ખુશીને ધ્યાનમાં રાખીને જે થયું એ ભૂલી જવાનું છે, અને બીજી સારી અને નવી યાદો બનાવવાની છે. જે યાદોંમાં હું હંમેશા તારી સાથે હોઈશ."

સુજાતાની વાતોથી રાજુને જીવન જીવવાની એક નવી રાહ મળી ગઈ. તે હવે એકલો નથી. તેની સાથે સુજાતાનો સાથ અને સુજાતાનાં રૂપમાં એક સારી મિત્ર છે. એ જાણી તેને આનંદ થયો.

રાજુને વિચારોમાં ખોવાયેલો જોઈ સુજાતાએ કહ્યું, "શું થયું? ક્યાં ખોવાઈ ગયો?

સુજાતાનાં એકીસાથે પૂછાયેલા પ્રશ્નોનો રાજુએ એક જ જવાબ આપ્યો, "તું છે તો મારે શેની ચિંતા? તું કહે એમ જ હું કરીશ."

રાજુનો જવાબ સાંભળી સુજાતા તેને સુવાનું કહી. પોતાના રૂમમાં જતી રહી.


(ક્રમશઃ)